મજબૂર (પ્રકરણ 1)

16 May, 2022 12:53 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘યુ મીન, વેજ પાર્ટી!’ મોહિનીએ જીભ કચરી, ‘અમારે એવું નહીં હોય, હં. વી ગર્લ્સ આર ગોઇંગ બૅન્ગકૉક. ત્યાંની વિલામાં અમે તો ખુલ્લેઆમ સ્ટ્રિપ-શો પણ માણવાનાં’

મજબૂર (પ્રકરણ 1)

‘આ જિસ્મ!’
આંખની કીકીમાં ઝિલાતા એની કાયાના પ્રતિબિંબે મોહિનીની છાતી ધડકાવી દીધી. ‘અંગે ચડતી જવાનીના દિવસોથી પુરુષો તો ઘણા માણ્યા, પણ અઠ્ઠાવીસેક વર્ષનો આ જુવાન તો તમામમાં શિરમોર સમો છે! તેનો ચહેરો જ કેટલો આકર્ષક છે. નહીં ગોરો, નહીં શ્યામ એવો ઘઉંવર્ણો જુવાન વસ્ત્રોના આવરણ વિના વધુ સોહામણો લાગે છે!’
‘ત્યાં તો તે ચાર ડગલાં ચાલીને પલંગની વધુ નજીક આવ્યો. તેની છટા પણ કેવી ડલામથા જેવી છે! ડોન્ટ નો વાય, આ અનાહત ઘડાયેલો એસ્કોર્ટ છે ને મને ખડતલ પુરુષોને માણવાનો શોખ, છતાં અમે અગાઉ કેમ ન મળ્યાં!’
હાંફતી મોહિની વાગોળી રહી.
અત્યંત અમીરીમાં ઊછરેલી મોહિનીને લાડના નામે એ દરેક ચીજ મળી જે પૈસાથી ખરીદાઈ શકતી હોય. ફાઇનૅન્સર પિતા ધીરજભાઈની પહોંચ મિનિસ્ટર્સ સુધી હતી, મોટા-મોટા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ્સ, ફિલ્મજગતના માંધાતાઓ તેમની ગુડબુકમાં રહેવા મલાવા કરતા. એવો જ કમાન્ડ માતા વિશાખાદેવીનો સોસાયટીના મહિલાવૃંદ પર હતો. મા-પિતાના ઢંગમાં ઢળવું એકની એક દીકરી માટે સહજ હતું. મા-બાપની જેમ તે પણ બુદ્ધિમંત હતી, મા-બાપની વ્યસ્તતા સામે પોતાને મળતી સ્વતંત્રતાથી તે ખુશ હતી. ત્યાં સુધી કે ૧૬ વર્ષની ઉંમરે, દેખાવડા સ્કૂલ સિનિયરને ફોસલાવીને તેણે કામસુખ માણી લીધું હતું. નૅચરલી, પરિણીત હોવા છતાં પેરન્ટ્સ એસ્કોર્ટ્સની મોજ માણતા હોય તો પછી દીકરી શું કામ પાછી રહે!
વિશાખામૉમથી દીકરીનો આવેગ ઝાઝો છાનો ન રહ્યો. તેમણે તેજીની ટકોરની જેમ દીકરીને એટલું કહ્યું કે ‘યુ હેવ ટુ કીપ ઇટ વેરી પ્રાઇવેટ. કોઈ તારો વિડિયો ઉતારી ન જાય, કોઈ બ્લૅકમેઇલર પેંધો ન પડે, ઍન્ડ નો અનવૉન્ટેડ પ્રેગ્નન્સી - મેક સ્યૉર ઑફ ધિસ ઍન્ડ એન્જૉય ધ વે યુ વૉન્ટ!’
પત્યું. ચારિત્રની શિથિલતાને હાઈ સોસાયટી કલ્ચર ગણ્યા પછી છોછ જાગે પણ શું કામ! સ્વિટ્ઝરલૅન્ડની કૉલેજમાં મોહિનીને દોર મળ્યો. માની શીખ આત્મસાત્ કરી તેણે ગમતી મોજ માણી. સાથે અભ્યાસમાં અવ્વલ રહીને પિતાનો વારસો સંભાળવાની કાબેલિયત કેળવવામાં પણ કેમ ચુકાય? સાતેક વર્ષ અગાઉ બાવીસની ઉંમરે તે પરદેશની ડિગ્રી લઈને મુંબઈ પરત થઈ, પિતાના વ્યાપારમાં જોડાઈ અને બહુ જલદી ઘડાતી ગઈ.
‘યુ નો, તારા માટે કહેણ પણ બહુ આવે છે...’
વિશાખાએ શૉર્ટલિસ્ટ કરેલા મુરતિયાઓ વિશે જાણીને મોહિનીના કપાળે કરચલી ઊપસેલી - ‘મૉમ, સંબંધ બરાબરીમાં ન હોવો જોઈએ? આ બધા અમીરીમાં આપણાથી ઊતરતા છે, ઘણાના તો બિઝનેસ ડૅડીના ફાઇનૅન્સથી ચાલે છે.’
‘સો વૉટ!’ વિશાખાએ પાંપણ પટપટાવેલી, ‘આપણા પૈસે વેપાર કરનારો આપણા વશમાં તો રહે!’
આ ગણતરી મગજમાં ગોઠ‍વાઈ ગઈ અને એમાં મોહિનીને એક નજરમાં ગમી ગયો બાંદરાનો અનુરાગ!
‘ઝવેરચંદ શાહ જાણીતા વેપારી છે. તેમના બિઝનેસમાં ડૅડીનું મોટું મૂડીરોકાણ છે. અનુરાગ તેમનો એકનો એક દીકરો. લંડન ભણ્યો છે, હોશિયાર છે અને ખૂબ રૂપાળો પણ છે!’
‘ધો આઇ હેવ શૉર્ટલિસ્ટેડ અનુરાગ, મને થોડો ડાઉટ છે. ઝવેરભાઈ-મીનાભાભી ઉમરાઉ હોવા છતાં સ્વભાવે પરંપરાવાદી, રીતિરિવાજમાં માનનારાં. અનુરાગ પણ છેવટે તો મા-બાપનો આજ્ઞાંકિત પુત્ર!’
માતાની ચોખવટ દીકરીને સમજાય એમ હતી. બીજા શબ્દોમાં મા કહેવા માગે છે કે તારા સાસરે સ્ટ્રિપ શો માણવા જેટલી આઝાદી નહીં હોય! જોકે મોહિનીનું મન અનુરાગ પર બેઠું હતું એટલે દલીલ શોધી કાઢી.
‘આઇ ગેટ ઇટ, મૉમ. પણ સાસુ-સસરાથી છૂટાં ક્યાં નથી થવાતું! અને અનુરાગના મિડલક્લાસ સંસ્કાર પલોટી ન શકું તો મારું જોબન શા કામનું!’
દીકરીની આ ગણતરી પણ ખોટી ન લાગી, ‘આમ પણ, ફાઇનૅન્સ અમારું હોય પછી અમારી દીકરીનું ધાર્યું થવા દેવા જેટલી સૂઝ તો મા-બાપ-દીકરામાં હોવી ઘટે!’
પરિણામે વાટાઘાટ આગળ વધી. છોકરા-છોકરીની મુલાકાત ધીરજભાઈની વાલકેશ્વરની વિલામાં ગોઠવાઈ. રૂબરૂમાં અનુરાગ વધુ હૅન્ડસમ લાગ્યો.
ઝવેરભાઈ-મીનાબહેન પણ મોહિનીને જોઈ-મળી રાજી થયાં. અનુરાગ તેમનો એકનો એક. તેના ગુણ-સંસ્કારમાં કહેવાપણું નથી. પાછો લાગણીશીલ પણ ખરો. તેને માટે શ્રેષ્ઠ કન્યા ગોતવામાં ઝવેરભાઈને મોહિની ધ્યાનમાં આવી. ખરેખર તો વેપારમાં જેનું રોકાણ હોય ત્યાંથી કન્યા લેવી મીનાબહેનને અણખટરૂપ લાગેલું. ‘આમાં આપણે દબાયેલાં ન રહેવું પડે?’ પણ ઝવેરચંદભાઈની ગણતરી જુદી નીકળી - ‘ધીરજભાઈની ઓથ હોય તો આપણો વ્યાપાર ને દીકરાનું ફ્યુચર બધું સલામત જ રહેશે!’
ત્યારે તેમણે મન મનાવ્યું : ‘ઝવેર કહે એ સાચું. પાર્ટી-મેળાવડામાં જોઈ છે મોહિનીને. છોકરી રુઆબદાર છે, મારા અનુરાગ સાથે શોભશે! પહેલી વાર ધીરજભાઈના ઘરે આવેલાં મીનાબહેનને થયું, ‘આવડા મોટા માણસો અમારું કહેણ રાખે એ તેમની ભલમનસાઈ જ કહેવાય!’
ઘરના ઓરડે, અડધો કલાકની એકાંત મુલાકાતમાં મોહિનીએ અનુરાગને પણ ઇમ્પ્રેસ કરી દીધેલો.
અભ્યાસની, વ્યાપારની ચર્ચા છેડી મોહિનીએ પોતાની બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો. અનુરાગમાં આકર્ષણ જાગવું સ્વાભાવિક હતું. બન્નેના હકારે વડીલો રાજી થયા. ભવ્ય રીતે સગપણ લેવાયું.
- ‘પણ પછી લગ્નની જોકે નોબત જ ન આવી...’
છએક વર્ષ અગાઉની એ ઘટના સાંભરતાં અત્યારે પણ મોહિની સમસમી ગઈ.
ના, ઇટલીના ડેસ્ટિનેશન વેડિંગની બધી તૈયારી થઈ ચૂકેલી, વિવાહ પછી અનુરાગ મોહિનીમય થઈ ગયેલો. લગ્ન પછીની પ્રાઇવેટ લાઇફ બહુ એક્સાઇટિંગ રહેવાની એવું મોહિનીની વાતો પરથી, હરકતો પરથી લાગતું. એનો વાંધો પણ ક્યાં હતો!
‘અનુરાગ, આવતા મહિને આપણાં લગ્ન થવાનાં... વૉટ્સ યૉર પ્લાન ફૉર બૅચલર્સ પાર્ટી?’ વિદેશ ભણવા છતાં ૨૪ વર્ષનો આ જુવાન કોરોકટ છે એવું પારખી ચૂકેલી મોહિનીને અંદાજ નહોતો કે આ વિષય છેડીને પોતે પગ પર કુહાડો મારવા જેવું કરી રહી છે!
‘વેલ, થોડા ફ્રેન્ડ્સ ભેગા મળીને વર્સોવાના અમારા બીચ હાઉસ પર જઈશું... ડ્રિન્ક ઍન્ડ ડાન્સ - ધૅટ્સ ઇટ.’
‘યુ મીન, વેજ પાર્ટી!’ મોહિનીએ જીભ કચરી, ‘અમારે એવું નહીં હોય, હં. વી ગર્લ્સ આર ગોઇંગ બૅન્ગકૉક. ત્યાંની વિલામાં અમે તો ખુલ્લેઆમ સ્ટ્રિપ-શો પણ માણવાનાં.’
‘હેં! ના, આ મજાક નથી. તો શું આ જ મોહિનીનું અસલી ચારિત્ર? એનો ઉન્માદ તો મને પરખાતો, મને એમાં પ્રેયસીનો તલસાટ લાગતો, એટલે જ ગમતો પણ અને છતાં એકાંતની ઘણી ક્ષણો મારા સંયમથી મેં જાળવી છે, પણ હવે લાગે છે કે મોહિનીને મર્યાદા પસંદ જ નથી! સ્ટ્રિપ શો શું, એ બધા જ અનુભવ લઈ ચૂકી હોવી જોઈએ!’
‘ઍન્ડ યુ નો ધેટ કસ્ટમ? બ્રાઇડ ગર્લ વિલ હેવ ધ પ્રિવિલેજ ટુ એન્જૉય ઍઝ મેની ઍઝ બૉય્‍સ શી વૉન્ટ!’
‘નાવ ધિસ ઇઝ ટુ મચ!’ અનુરાગ માટે એ બૉમ્બધડાકાની ક્ષણ હતી. લાગણીતંત્ર પર થયેલા ઘાએ વસમી પ્રતિક્રિયા આપી, ‘આઇ વૉર્ન યુ, એવું કંઈ જ કરીશ નહીં જે મારા આત્મસન્માનને, મારી ફૅમિલીને હર્ટ કરે.’
મોહિનીએ પહેલી વાર અનુરાગમાં તેવર ભાળ્યા. સમસમી જવાયું. ‘અનુરાગ કદાચ ભૂલી ગયો કે તેના બિઝનેસમાં મારા ડૅડીનો પૈસો રોકાયેલો છે! માટે મરજી તેની નહીં, મારી જ ચાલશે!’
ત્યાં અનુરાગે પ્રણય ઘૂંટી ઉમેર્યું, ‘આપણું વેવિશાળ થયું છે. હું તને ચાહવા લાગ્યો છું એટલેય મન મોટું રાખીને હું તારાં અત્યાર સુધીનાં સ્ખલન જતાં કરું છુ. હું તને કોઈ સુખની કમી વર્તાવા નહીં દઉં... તું પણ મને ચાહતી હોય તો કેવળ મારી થઈને રહે, મોહિની, રહેશેને?’
‘અફકોર્સ’ ત્યારે તો મોહિનીએ મોં મલકાવ્યું. બાકીનું મનમાં બોલી : ‘હું તારી થઈશ, અનુરાગ, પણ મારી શરતે! તને પામવાની કિંમત મારી લાઇફ-સ્ટાઇલ તો ન જ હોઈ શકે. પછી અમારાથી ઊતરતા ઘરમાં પરણવાનો ફાયદો શું!’
અને તે ધરાર બૅન્ગકૉક ગઈ. ત્રણ દિવસનો પ્રોગ્રામ, સાથે બીજી પાંચ સખીઓ અને ૬ ખૂબસૂરત જુવાન. વિલામાં યંગ બ્લડને જોઈતી મોકળાશ હતી. શરાબ, હુક્કો, ચરસ - શું નહોતું! બીજી બપોરે સૌ પૂલમાં મસ્તી માણતાં હતાં ત્યાં -
‘બેશરમ, કુલ્ટા.’
પુરુષસ્વરની ત્રાડે બધાંને ચમકાવ્યાં. જોયું તો અનુરાગ!
કાળઝાળ થતો તે મોહિની તરફ ધસ્યો, બે તમાચા ઠોકી દીધા, ‘ક્યારનો તમારો તમાશો જોઉં છું. આટલી ગંદકી! આ જ તારા સંસ્કાર?’
મોહિનીના કાનમાં હજી તમરા બોલતા હતા. અનુરાગનું આગમન અને તેની પ્રતિક્રિયા - બન્ને વણકલ્પ્યા હતા. ‘મારા પર હાથ ઉગામવાની તેની હિંમત!’ અનુરાગ એટલો આવેશમાં હતો કે કોઈએ તેને રોકવા-ટોકવાની હિંમત ન કરી.
‘ધાર્યું નહોતું કે મારા ઇનકારને તું અવગણીશ... તું બૅન્ગકૉક આવી છે એ જાણીને મારા હૈયાને ખાતરી કરાવવા આવવું પડ્યું... સૉરી મોહિની, આ કલ્ચર આપણને નહીં ફાવે...’ કહેતાં અનુરાગે સગાઈની અંગૂઠી ફગાવી હતી,
‘યુ ગેટ લૉસ્ટ!’ ધમધમાટભેર અનુરાગ ત્યાંથી નીકળી ગયો.
અનુરાગે બૅચલર પાર્ટી સ્પૉઇલ કર્યા પછી ગર્લ્સ પણ તેની પાછળ મૉર્નિંગ ફ્લાઇટમાં પરત થયેલી. આમ તો પપ્પા-મમ્મી સાથે રાતે જ વાત થઈ ગયેલી. ઘરે પહોંચીને મોહિનીએ ફેંસલો સુણાવી દીધો : ‘અનુરાગની શું હેસિયત કે સગાઈ ફોક કરે! પપ્પા, હું તેને ઠોકર મારું છું. ઓલ્ડ ફૅશન્ડ, ઑર્થોડોક્સ.’
મા-બાપમાંથી કોઈએ દીકરીને સમજાવવાની જરૂર ન જોઈ. ધીરજભાઈ-વિશાખા મુશ્તાક રહ્યાં: ‘અનુરાગ તો નાદાન. ઝવેરભાઈ બરાબર સમજે છે કે વેવિશાળ તોડીને તેઓ પોતાની બરબાદીને જ નિમંત્રણ આપશે! માટે જ તેઓ દીકરાને મનાવી લેશે...’
‘અનુરાગ માની જાય તો સારું...’ મોહિની પણ ઇચ્છી રહેલી - ‘લગ્ન પછી મને મારેલા તમાચાનો બરાબર બદલો લઈશ. ઇટ વિલ બી હેલ ફૉર યુ, અનુરાગ ઇફ વી મૅરી.’
તેમની ધારણા ઊલટી પડી. બીજી જ રાતે વિવાહનો વહેવાર લઈ ઝવેરભાઈ-મીનાબહેન ઘરે આવેલાં. ધીરજભાઈએ પરાણે સંયમ જાળવ્યો, ‘આ બધું શું છે, વેવાઈ?’
‘વેવાઈ!’ અનુરાગના પિતાનો આવેશ ઊછળ્યો, ‘તમારો વેવાઈ થાઉં એવું તમારી દીકરીએ રાખ્યું નથી. બૅન્ગકૉકથી પાછો ફરેલો અનુરાગ કેટલો વ્યથિત છે, કેટલો તડપ્યો એની દરકાર પણ છે તમને?’
‘બળ્યું, બોલતાંય લાજી મરાય એવાં લક્ષણ છે તમારી કુંવારીનાં.’ મીનાબહેને હૈયાવરાળ ઠાલવી, ‘પૈસો તો અમનેય છે, અમારો દીકરોય વિદેશ ભણ્યો છે, પણ તેણે તો સંસ્કાર નથી ગુમાવ્યા, તો પછી તેને માટે અમે આવી ચારિત્ર્યહીન વહુ શું કામ લાવીએ?’
‘અને તમે પૈસાનું હથિયાર ઉગામો એ પહેલાં...’ કહીને ઝવેરભાઈએ પોતાની બૅગમાંથી કાગળિયાં કાઢીને ધીરજભાઈ તરફ ફગાવ્યાં, ‘ધંધો વેચીને તારી મૂડી વ્યાજ સાથે તને પાછી કરું છું.’
‘હેં! જેના પર અમે મુશ્તાક હતાં એ ધોરી નસ જ આ માણસે કાપી નાખી? રાતોરાત પોતાનો વેપાર વેચી નાખ્યો!’ મા-બાપ-દીકરી હેબતાયાં. ‘પોતાના સંતાન માટે મા-બાપ સર્વ કંઈ કરી છૂટે એવું સાંભળેલું, પણ વર્ષોનો જમાવેલો વેપાર ક્ષણાર્ધમાં વેચી નાખે એવું તો પહેલી જ વાર જોયું...’
‘દીકરો અનુરાગ હોયને તો આવા સાત જનમ કુરબાન, વેપારની શું વિસાત છે!’
‘મારા અનુરાગ માટે તમારી મોહિનીથી ચાર ચાસણી ચડે એવી વહુ લાવીશ. જે સંસ્કારમૂર્તિ બની અમારા કુટુંબની શોભા વધારશે!’
lll
મીનાબહેનના શબ્દો, અત્યારે પણ મોહિનીને દઝાડી ગયા. અમે ધારેલું પૈસાના ધાકે, ધિરાણે અનુરાગ ઍન્ડ પાર્ટી મારા વશમાં રહેશે... એને બદલે આ શું થઈ ગયું?  
એટલું કહેવું પડે કે અનુરાગ ને તેના પેરન્ટ્સ સગાઈ તૂટવાના કારણમાં મોહિનીની એબને ઉજાગર કરવાનું ટાળતાં. ‘અમને નહીં ફાવ્યું’ એવો જવાબ અનુરાગનો રહેતો, પણ 
એથી શું?
‘વેપાર કરનારો નવું કંઈક કામ તો કરવાનો... તેને હું ફાવવા નહીં દઉં.’ પપ્પા કાળઝાળ હતા. આખરે લગ્નના ચાર-પાંચ દિવસ અગાઉ ધીરજ મહેતાની દીકરીનું સગપણ તૂટે એ કંઈ જેવીતેવી વાત હતી? તેમની વગ, તેમના સ્ટેટસને મોટો તમાચો હતો.
અને ખરેખર ધીરજભાઈએ પોતાનું તમામ જોર વાપરીને ઝવેરભાઈને ક્યાંય સેટ થવા ન દીધા. બે વર્ષમાં તો એવી હાલત થઈ કે વિલામાં રહેનારાં અંધેરીની ખોલીમાં ભાડે રહેતા થઈ ગયાં. એમાં તબિયત કથળી. નિર્વાહ માટે અનુરાગે નોકરી કરવાનો વખત આવ્યો...
-પપ્પાનું ચાલત તો અનુરાગને નોકરીમાંય ઠરવા ન દેત, પણ તેમનું આયુષ્ય ઓછું પડ્યું. દિલ્હી જતાં પપ્પા-મમ્મી પ્લેનક્રૅશમાં મૃત્યુ પામ્યાં. બહુ ઝડપથી એ આઘાતમાંથી ઊભરી પોતે વ્યાપારની ધુરા સંભાળી લેવી પડી. હવે પોતે સર્વસત્તાધીશ હતી. તેના ખુમારમાં લગ્નને સ્થાન નહોતું. ફાર્મહાઉસના એકાંતમાં એસ્કોર્ટ તેડાવીને તનની ભૂખ ભાંગવાનું ફાવી ગયેલું.
એસ્કોર્ટ! અને અધૂરા પ્રવાસે વિચારમેળો સમેટીને મોહિનીએ બાજુમાં આવી ઊભેલા અનાહતને ઉન્માદભેર આવકાર્યો.  
 
વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff