મજબૂર (પ્રકરણ 2)

17 May, 2022 10:13 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આગળના પ્લાન માટે શેઠજીની જરૂર નહોતી. મોહિનીએ પ્રાઇવેટ એજન્સીને અનુરાગનો ટ્રૅક રાખવા કામે લગાડી : ‘તે શું કરે છે, તેનું બૅન્ક-બૅલેન્સ, તેની ફૅમિલી... આઇ નીડ ઇચ ઇન્ફર્મેશન’

મજબૂર (પ્રકરણ 2)

‘અનુરાગ!’
મોહિનીના પડખે અનાહત હતો ને તેના ચિત્તમાં અનુરાગ રમતો હતો.
અનુરાગે વેવિશાળ તોડ્યું એમાં મોહિનીને પોતાનો વાંક દેખાતો નહોતો. બલકે તેનાં મધર પોતાને ચરિત્રહીન કહી ગયાં એનો ધમધમાટ હતો. પિતા ધીરજભાઈએ અનુરાગના પિતાને ફરી પગભર ન થવા દીધા, અનુરાગ નોકરી કરવા મજબૂર થાય એવી સ્થિતિ સર્જાઈ. પછી જોકે મા-પિતાના અણધાર્યા દેહાંતે મોહિનીનું ફોકસ જ બદલાઈ ગયું. તેણે વ્યાપારની ધુરા સંભાળી લેવી પડી. આ બધામાં અનુરાગ નેપથ્યમાં ધકેલાઈ ગયેલો.
તે અચાનક ઝબક્યો ૬ મહિના અગાઉ!
ગુજરાતના અંકલેશ્વરની જાણીતી ‘અંકિત ફાર્માસ્યુટિકલ્સ’ના આધેડ વયના શેઠ શ્યામલભાઈને પોતે મોટું ધિરાણ ધરેલું. વાર્ષિક હિસાબ સેટલ કરવા નરીમાન પૉઇન્ટની ઑફિસે આવેલા શ્યામલભાઈએ કંપનીના ઍન્યુઅલ રિપોર્ટની સમરી ધરી એ બુકેલટના એક ફોટોમાં અનુરાગ દેખાયો!
મોહિની પૂતળા જેવી થયેલી ઃ ‘સેફ્ટી હેલ્મેટ પહેરીને કારીગરોને પ્રશિક્ષણ આપતો જુવાન અનુરાગ જ છે, યસ! પહેલાં કરતાં થોડો ભરાવદાર થયો છે. વધુ હૅન્ડસમ લાગે છે. પથારીમાં પણ તે હીરો જ પુરવાર થયો હોત!’
‘ડેમ ઇટ.’ મોહિનીએ માથું ખંખેર્યું ઃ ‘મારી કન્સર્ન એવી હોવી જોઈએ કે તેના ચહેરા પર સ્મિત કેમ છે? તે સુખી કેમ છે?’
જાણવું તો જોઈએ.
 ‘આ તો અનુરાગ ઝવેરચંદ શાહ!’
શેઠજીને પૂછતાં બહુ પોરસભેર તેમણે અનુરાગને ઓળખી બતાવ્યો એ મોહિનીને ખટક્યું.
‘બહુ હોનહાર જુવાન છે. બે વર્ષથી અમારે ત્યાં કામ કરે છે. સાંભળ્યું છે કે તેના પિતા પણ મોટા વેપારી હતા, પણ બધું નુકસાનીમાં ગુમાવ્યું. હાલમાં ભરૂચ નર્મદામૈયાના તટે ભાડાના મકાનમાં રહે છે. માથે બહોળી જવાબદારી છે. તેનાં માતા-પિતાને અવસ્થાવશ હેલ્થના નાના-મોટા ઇશ્યુઝ ખરા, પણ કહેવું પડે તેની પત્નીનું.’
‘પત્ની!’ અનુરાગ પરણ્યો હોય એની નવાઈ ન હોય, પણ તેની વાઇફનાં આવાં વખાણ! મીનાબહેનના શબ્દો ગુંજ્યા - ‘અનુરાગ માટે હું સંસ્કારલક્ષ્મી લાવીશ!’
‘અનુરાગનાં લગ્નને ત્રણેક વર્ષ થવાનાં.’
‘મતલબ કે પપ્પા ગયાના વરસેકમાં તે પરણ્યો.’ 
‘સીમાવહુએ ઘર-વર બરાબર સંભાળી લીધાં છે.’ 
‘સીમા.’ મોહિનીએ હોઠ કરડ્યો. ‘નામ જ કેવું જુનવાણી છે! હશે કોઈ અભણ, ગામડાની છોરી.’ 
‘સીમા પોતે ગ્રૅજ્યુએટ છે, મુંબઈની જ છે. સાધારણ કુટુંબની સંસ્કારી કન્યાએ શ્વશૂરગૃહની જવાબદારી ઉઠાવી લીધી. અનુરાગનો પગાર પણ સારો.’
‘રિલીવ હીમ!’
‘હેં..’ શેઠને થયું પોતે ખોટું સાંભળ્યું, પણ મોહિનીના તેવર જુદું જ કહેતા હતા. ૬ વર્ષ જૂની ઘટના સમાજ ભૂલી ચૂક્યો હોય છે, શેઠને તો ધડમાથું કશાની જાણ નહોતી એટલે બિચારા ગૂંચવાયા. મોહિની અનુરાગને નોકરીમાંથી છૂટો કરવાનું શું કામ કહે?
‘એ કથાનું તમારે શું કામ છે? આ પગલું મને ખુશ કરશે, તમારા માટે એટલું કાફી નથી?’
‘અફકોર્સ, શેઠને તો એની જ નિસ્બત હોયને!’
‘બટ યા, એમ્પ્લૉઈને કારણ વગર પાણીચું ન અપાય... પણ તે કોઈ ચોરી-ચપાટીમાં ભેરવાય તો...’
શેઠ થોડામાં ઘણાની જેમ સમજી ગયા. અંકલેશ્વર પહોંચીને પ્લાન ઘડી નાખ્યો અને બીજી જ સાંજે પાળી છૂટતી વેળા ગેટ પર થતા ચેકિંગમાં અનુરાગના સ્કૂટરની ડિકીમાં તાંબાના તારનું ગૂંચળું મળ્યું જેની કિંમત સહેજેય બાર-પંદર હજાર હશે...
‘અનુરાગને સમજાયું જ નહીં કે કંપનીની વસ્તુ સ્ટોરમાંથી તેની ડિકીમાં ક્યાંથી આવી! એ બધું મારું પ્લાનિંગ હતું. પણ દેખીતા પુરાવાના આધારે તેને તરત જ ટર્મિનેટ કર્યો, પોલીસ-ફરિયાદ કરી એટલે હાલમાં તો જમાનત પર છૂટ્યો છે.’ શેઠે મોહિની સમક્ષ મલાવો કરેલો. બદલામાં મોહિનીએ ધિરાણના વ્યાજમાં ઘટાડો કરીને તેમને ઑબ્લાઇજ કર્યા.
આગળના પ્લાન માટે શેઠજીની જરૂર નહોતી. મોહિનીએ પ્રાઇવેટ એજન્સીને અનુરાગનો ટ્રૅક રાખવા કામે લગાડી : ‘તે શું કરે છે, તેનું બૅન્ક-બૅલેન્સ, તેની ફૅમિલી... આઇ નીડ ઇચ ઇન્ફર્મેશન.’ 
તગડી ફી ચૂકવાતી હોય ત્યારે એજન્સીને એના મોટિવ સાથે લાગતું-વળગતું નહોતું. આનું પરિણામ એ આવ્યું કે અનુરાગને જ્યાં-જ્યાં નોકરીની, નાના-મોટા ધંધાની તક દેખાઈ મોહિનીએ એને સાકાર ન થવા દીધી. ક્યાંક પૈસા વેરીને, ક્યાંક વગ વાપરીને. બચતમૂડી હોય કેટલી અને એ કેટલી ચાલે! અરે, અનુરાગની પત્ની સીમા ટિફિન સર્વિસ શરૂ કરવાની થઈ તો ગ્રાહકોને ત્યાં નનામા ફોન કરાવીને અનુરાગ ચોર હોવાનું કહીને ઑર્ડર્સ પણ બંધ કરાવ્યા. હવે હાલત એ છે કે દવાવાળાએ ઉધારી બંધ કરતાં મા-બાપની રૂટીન દવાના સાંસા છે. મકાનમાલિકે મહિનામાં ઘર ખાલી કરવાની નોટિસ આપી છે. આમ જુઓ તો પરિવાર માટે સામૂહિક આત્મહત્યા સિવાય કોઈ માર્ગ બચ્યો નહોતો.
‘અથવા તો એક જ માર્ગ છે : મારા શરણે આવવાનો!’
મોહિનીનું ગુમાન ઊભરાયું : ‘આનો તખ્તો પણ તૈયાર છે.’
ગુજરાતમાં જાણીતી કંપનીના મરી-મસાલાનું ડિસ્ટ્રિબ્યુશન સંભાળતા દિનકરભાઈને તેમના નવા વેપારમાં હમણાં ફાઇનૅન્સ કરવાનું બન્યું ત્યારે જ પોતે દાણો ચાંપેલો : ‘મારા એક ઓળખીતાને તમારે સેલ્સમૅનની નોકરીમાં રાખવાનો રહેશે, બિચારો બહુ તકલીફમાં છે, માણસની ગૅરન્ટી મારી.’ પછી દિનકરભાઈને શું વાંધો હોય?
‘તમે તેની સાથે પગારધોરણ વગેરે નક્કી કરી રાખો, પણ તેને ખરેખર કામે લગાડવાનો છે હું કહું પછી જ. અને હા, હાલમાં મારું નામ ક્યાંય આપતા નહીં.’ 
એ અનુસાર દિનકરભાઈએ અનુરાગને નોકરીની ઑફર આપીને કહી દીધું છે ઃ ‘નોકરીમાં જોડાતાં પહેલાં ફૉર્માલિટીરૂપે તમારે મુંબઈનાં અમારાં મુખ્ય મૅડમને મળવાનું રહેશે...’ 
‘અનુરાગે ના પાડવાનું કારણ શું હોય! મહિને ૭૦,૦૦૦ના પગારવાળી નોકરી અનુરાગ માટે આમેય હવામાંના ઑક્સિજન જેવી છે – પ્રાણપૂરક! હવે પરમ દિવસે, સોમવારે બપોરે તે મળવા આવે ત્યારે મજબૂરીના છેલ્લા પગથિયે ઊભા અનુરાગ માટે મારી વાત માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહીં હોય...’ 
આનો ખુમાર વાગોળીને મોહિનીએ એટલા જ ઉન્માદથી અનાહતને ભીંસી દીધો!  
lll
‘અદ્ભુત, અનન્ય!’
કામક્રીડાથી ચૂર થયેલી મોહિની નિદ્રાના ઘેનમાં પણ અનાહતે વરસાવેલું સુખ વાગોળી રહી છે. અનાહતમાં ધરતી પર આભની જેમ છવાઈ જવાની ત્રેવડ છે. તેના લોખંડી બદનના રોમેરોમમાં પૌરુષનો આસવ છે. પુર્ણત્વથી ઓપતું પુરુષત્વ ધરાવતા જુવાને જાણે કઈ મજબૂરીમાં ‘ધંધો’ માંડવો પડ્યો હશે? એ જે હોય એ, મારા જેવીને તો એ લાભમાં જ રહ્યુંને!’ 
અનાહતના ગતખંડની મોહિનીને જાણ હોત તો?
lll
શાવરની ધારે અનાહતનું તપ્ત બદન શાતા અનુભવી રહ્યું. શનિની ગઈ રાતે પોતે વરસાવેલા સુખથી ચિત્ત થઈને મોહિની હજી સૂતી છે... ‘મારે તો કોઈ એકના થવું હતું, એને બદલે કાયાની હાટડી માંડી બેઠો હું! કોણે ધારેલું, જિંદગી આમ પલટાઈ જશે?’ અનાહત વાગોળી રહ્યો. 
ભાયખલાની ભાડાની ખોલીમાં રહેતાં રામુભાઈ-જીવીબહેનનું આર્થિક પોત ભલે પાતળું હોય, એકના એક દીકરાના ઉછેરને તેમણે લાડથી સમૃદ્ધ કર્યો હતો. દેખાવમાં કામણગારો, ભણવામાં હોશિયાર અનાહત પણ માતા-પિતાનાં ચરણોમાં તમામ સુખ ન્યોછાવર કરવા કટિબદ્ધ હતો. મેરિટના દમ પર મુંબઈની મોટી ગણાતી કૉલેજમાં ઍડ્મિશન લીધું ત્યારે લાગ્યું હવે ડિગ્રી મળે એટલી જ વાર. દિવસો ફરવામાં હવે ઝાઝી વાર જોવાતી નથી!
પ્રતિષ્ઠિત ગણાતી સાર્વજનિક કૉલેજમાં શ્રીમંત ઘરનાં સંતાનો પણ આવતાં. બૉય્‍સમાં પહેરવેશની સાદગી છતાં અનાહતની આભા જુદી જ વર્તાઈ આવતી. ઘરકામને કારણે દેહ આપોઆપ કસાયો હતો ને મુછાળો ચહેરો વધુ મારકણો દેખાતો. સંસ્કારનું, વિદ્યાનું તેજ અનાહતના આકર્ષણમાં ઉમેરો કરતું. 
‘હા, એક નમણી યુવતી હતી ખરી, જેને તે ચોરીછૂપે તાકી રહેતો. તે પણ સાથે જ ભણનારી, પોતાની જેમ જ ખોલીમાં રહેનારી, ઘાટીલી એવી કે સાદગીસભર વસ્ત્રોમાંય તેનું સૌંદર્ય દીપી ઊઠે. સ્વભાવે સ્વમાની. ફુરસદના સમયે લાઇબ્રેરીમાં હોય અથવા તો જૂનાપુરાણા મોબાઇલમાં લતાનાં ગીતો સાંભળતી હોય.
એ છોકરી અનાહતને ગમવા લાગી હતી. ક્યારેક કૉલેજમાં નયન અથડાય, અનાહત મલકી પડે તો તેય હળવું મુસ્કુરાતી. ઠેઠ બીજા વર્ષની ફાઇનલ પરીક્ષા વખતે પહેલ કરીને ‘ઑલ ધ બેસ્ટ’ કહ્યું ત્યારે તેણે પણ ટહુકો કરેલો ઃ ‘તમને પણ બેસ્ટ લક!’
ત્રીજા વર્ષમાં વાતચીત આગળ વધારવાનો અનાહતનો મનસૂબો હતો, પણ કિસ્મતના લેખ જુદા નીકળ્યા. 
મિલમાં મજૂરી કરતા પિતાને કૅન્સર નીકળ્યું. નોકરીમાંથી છૂટા કરાયા. માએ સિવણનો સંચો શરૂ કર્યો, અનાહતે ટ્યુશન્સ લેવાનું શરૂ કર્યું, પણ એથી શું દળદળ ફીટે? સુધરાઈની હૉસ્પિટલમાં ઇલાજના નામે મીંડું.
‘કોઈ રસ્તો છે જેથી હું પિતાનો સારામાં સારો ઇલાજ કરાવી શકું?’ અનાહત પાડોશીઓને પૂછતો, કૉલેજમાં પણ તેના હાલાત છૂપા નહોતા. 
‘રસ્તો તો તું ખુદ છે, અનાહત.’
એક સાંજે, કૉલેજથી ઘરે જતી વેળા વેદાંગીએ તેને આંતરેલો. વેદાંગી અમીરજાદી હતી અને પોતાના પર તેની નજર હોય છે એનો અનાહતને અણસાર હતો. તેણે સીધો જ પ્રસ્તાવ મૂકેલો - ‘તારા સુંદર દેહથી તું મને રીઝવે તો દસ-વીસ હજાર રૂપિયા તને આપું!’
સાંભળીને સમસમી જવાયેલું, ‘વેદાંગીએ મને આટલો હલકટ ધાર્યો! ના, હલકટ તો તે ગણાય. નિર્લજ્જ થઈને શરીરસુખની માગણી કરી હોત તો હજીય તેની કામપિપાસા સમજીને જતું કરાય, આ તો હું બજારમાં ઊભો હોઉં એમ મને ભાડાપેટા લેવાનો પ્રસ્તાવ મૂકે છે!’
‘હાઉ ડેર યુ. દેહની હાટડી માંડું એવા મારા સંસ્કાર નથી. મારાં મા-બાપ એવા રૂપિયાને હાથ પણ નહીં અડાડે.’
ત્યારે તો અનાહતે માનેલું કે વાત અહીં પૂરી થઈ ગઈ. 
પણ ના. અનાહતના ઇનકારે વેદાંગીનો અહમ્ છંછેડાયો હતો. તેના હાઈ સોસાયટીવાળા કલ્ચરને અનાહતનો ઇનકાર સમજાય એમ જ નહોતો. અનાહતને મજબૂર કરવાની તેણે ગાંઠ વાળી લીધી હતી. બીજા અઠવાડિયે તેણે ફરી અનાહતને આંતર્યો, ‘લુક ઍટ ધિસ.’
વેદાંગીએ ધરેલો મોબાઇલ જોતો અનાહત ધ્રૂજી ઊઠ્યો. એમાં વેદાંગી સાથે અનાહતની કામક્રીડાની ફિલ્મ હતી!
‘આઇ નો, આ જુવાન તું નથી, પણ મારો ચહેરો બ્લર કરીને આ ફિલ્મ ફરતી કરી દઉં, અરે, તારાં મા-બાપને દેખાડી દઉં તો...’
‘નો!’ અનાહત ચીખી ઊઠેલો. ‘આ ફિલ્મમાં હું નથી એવું પુરવાર થાય ત્યાં સુધીમાં જે બદનામી થવાની એ તો થઈ ચૂકી હોય. મા-બાપ મારો વિશ્વાસ કરે જ, પણ સમાજમાં - ખોલીમાં થનારી વગોવણી ખમી શકે ખરાં! આ અવસ્થામાં તેઓ કોને કેટલા ખુલાસા કરવા જશે?’
‘વેલ, એ ન જોઈતું હોય તો... યુ હેવ ટુ જસ્ટ પ્લીઝ મી - ઇન બૅડ!’
‘નાઉ ધેર ઇઝ નો અધર ઑપ્શન... અને જિંદગીમાં શૈયાસુખ કેવળ પોતાને ગમતી છોકરીને વિધિવત્ પોતાની કરી માણવાનો અભરખો એ સાંજે હોટેલની રૂમમાં વેદાંગી દ્વારા કાયમ માટે લૂંટાઈ ગયો! અનાહતને એટલી સ્પષ્ટતા ખરી કે હવે પોતે પોતાને ગમતી છોકરીને લાયક ગણાય નહીં!
જોકે મજબૂરીનો ત્યાં અંત નહોતો આવ્યો...
‘નેક્સ્ટ મન્થ મારી ફ્રેન્ડની વિલામાં પ્રાઇવેટ ગર્લ્સ પાર્ટી છે... યુ વિલ પર્ફોર્મ સ્ટ્રિપ શો ધેર!’ છૂટાં પડતી વેળા વેદાંગીએ કહ્યું. 
‘વૉટ ધ હેલ. હું આવું કંઈ જ નહીં કરું.’
જવાબમાં વેદાંગી ખંધું મલકીને ફરી મોબાઇલ દેખાડ્યો : ‘બદમાશ છોકરીએ આજની કામલીલા રેકૉર્ડ કરી હતી.’
‘નાવ ઇટ્સ યૉર ઓરિજિનલ! હજીય ઇનકાર હોય તો અબીહાલ આ ફિલ્મ ફરતી કરી દઉં.’
તેના બ્લૅકમેઇલિંગને તાબે થયા વિના છૂટકો ક્યાં હતો?
હા, પછીથી પર્ફોર્મન્સના પૈસા મળતા થયા એ ખરું. પિતાના ઇલાજ ખાતર પણ અનીતિના જે રસ્તે જવું નહોતું ત્યાં મજબૂરીવશ જવું પડ્યું, પછી એ કળણમાંથી બહાર નીકળાય એવું ક્યાં હોય છે? 
‘કોઈને કંપની જોઈતી હોય તો કહેજો... અનાહત ઇઝ અવેલેબલ!’ ગ્રુપની મજાક-મશ્કરીમાં વેદાંગી આંખ મીંચકારી બોલી જતી. 
કયા અર્થમાં અવેલેબલ છે એનો ફોડ પાડવાની જરૂર નહોતી. એક વાર તેમની આ ટીખળ ત્યાંથી પસાર થતી પેલી છોકરીના કાને પડી. આપોઆપ તેના પગે બ્રેક લાગી. અનાહતને તાકી રહી. અનાહતે નજર વાળી લીધી. એ જોઈને તેની નજરમાં દુ:ખ ઊભરાયું ને હળવો નિ:શ્વાસ નાખી આગળ વધી ગઈ.
સીમા નામની એ છોકરીના જતાં અનાહતને લાગ્યું, ‘જીવનનું એક સ્વપ્ન સાકાર થયા વિના સરકી ગયું!’ 
અત્યારે, પણ એનો નિઃસાસો નાખતા અનાહતને જાણ નહોતી કે બાદમાં સીમા અનુરાગને પરણી, જેને બરબાદ કરવા આ મોહિનીએ બાજી માંડી છે! અરે, છ-સાત વર્ષે સીમાનો ભેટો મોહિની થકી જ થવાનો હતો એની પણ અનાહતને ક્યાં ખબર હતી?

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff