18 June, 2026 12:10 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
સ્થળ : મૉસ્કોની સ્ટેટ હૉસ્પિટલ
સમય : આજથી સવાચાર વરસ પહેલાં
યુક્રેનના ડ્રોન-હુમલાએ મૉસ્કોમાં હાહાકાર મચાવી દીધો છે. શક્તિશાળી રડાર્સને થાપ આપી ડ્રોન આવી ચડે એવી કોઈ સંભાવના નહોતી. છતાં એ બન્યું. અણધાર્યા વિસ્ફોટક હુમલામાં લશ્કરી છાવણી અગનગોળા જેવી બની ગઈ. મૉસ્કોની સ્ટેટ હૉસ્પિટલમાં અડધા, આખા બળી ગયેલા મૃતદેહોનો ખડકલો થવા લાગ્યો. ક્ષત-વિક્ષત દેહવાળા જીવતા-મૂઆ સૈનિકોની નોંધણી કરવી મુશ્કેલ બની. રશિયાના પ્રેસિડન્ટ પર જોખમ હોવાના ખબરે મૉસ્કોમાં અંધારપટ લાગુ કરી દેવામાં આવ્યો.
અને ત્યારે...
મરણપથારીએ પડ્યો હોય એ રીતે ઘાયલ થયેલો જુવાન તૂટતા શ્વાસે પોતાના જૅકેટની અંદર મૂકેલી ડાયરી ડૉક્ટરને ધરે છે : આ મારી આખરી અમાનત ઇન્ડિયામાં મારી મેહબૂબા સુધી પહોંચાડજો.
‘યુ ઇન્ડિયન!’ કૅન્ડલના અજવાશમાં દેવદૂત જેવા જણાતા પ્રૌઢ ડૉક્ટરે ડાયરીનાં બે-ચાર પાનાં પલટાવતાં સ્મિત પહોળું થયું : ગુજરાતી છો!
અંતિમ અવસ્થામાં વિદેશી ધરતી પર કોઈ ગુજરાતીનો ભેટો થઈ જાય એનો અચંબો આકારની તપખીરી કીકીમાં ઘૂંટાયો.
‘તારી ડાયરી રેવા સુધી પહોંચાડીશ, પણ એક શરતે...’
શરત! અધમીંચી આંખે આકાર ડૉક્ટરને તાકી રહ્યો.
lll
સ્થળ : સૌરાષ્ટ્રનું અંતરિયાળ ગામ
સમય : વર્તમાન
ક્યારનું ગોરંભાયેલું આકાશ બેરહેમપણે ધરતી પર તૂટી પડ્યું. આંગણામાં સૂકવેલાં કપડાં સમેટવા જતી રેવા વરસાદની પહેલી ઝાપટમાં જ પૂરેપૂરી ભીંજાઈ ગઈ.
ઝરૂખાની પાળીએથી અમરનાથ તેને નિહાળી રહ્યા અને તેમની તપખીરી કીકીમાં તિખારો ઝબક્યો. ભીંજાયેલી રેવા અંદરની રૂમમાં કદાચ કપડાં બદલવા ગઈ ને તેની પાછળ શિકારી કૂતરા જેવો સુબોધ ક્યાં લપક્યો!
ઘરે તે બે સિવાય વિરમ છે જે અત્યારે તો નશામાં ધુત થઈને પડ્યો હશે. આવા એકાંતનો ગેરલાભ લઈને સુબોધ રેવા સાથે...
અમરનાથનાં જડબાં તંગ બન્યાં.
lll
આજે તો રેવારાણીને નહીં છોડું!
સુબોધના અંગેઅંગમાં વાસનાની લાહ્ય ઊઠતી હતી.
કામિની સાથેનું તેનું સાંસારિક જીવન સુખી જ હતું... પત્નીના પિયરમાં ધણીધણિયાણીએ બરાબરનો પગદંડો જમાવી દીધેલો. નસેડી સાળાના ચરસમાં નપુંસકપણાની દવા ભેળવી તેને નમાલો બનાવવાના કાવતરામાં કામિનીની પણ શાહેદી હતી.
માણસ પોતાના સ્વાર્થને જસ્ટિફાય કરી લે પછી કપટમાં પાછું વળી જોતો નથી. વિરમને નપાણિયો બનાવીને વર-બૈરી નિશ્ચિંત બન્યાં ત્યાં સુલક્ષણાબહેને રઢ પકડી : મારે વિરમને પરણાવવો છે! સંસાર મંડાયા પછી કોને ખબર પત્નીના મોહમાં તેની નશાની લત ઊતરીયે જાય! અને વંશનો વારસ તો જોઈએને!
‘ઓહો, કેમ મારા વિનુ-દિનુ નથી?’ કામિનીએ છણકો જતાવ્યો.
‘એ તો દોહિતર, અમારા વંશનો વારસ તો વિરમનો દીકરો જ ગણાયને.’
વર-બૈરી ત્યારે એવાં તો ખળભળી ગયેલાં.
‘ગમે એટલું કરો... માબાપને દીકરો જ વહાલો લાગવાનો!’ કામિની રિસાઈ હોય એમ રૂમમાં જતી રહી એટલે સુલક્ષણાબહેન ઓઝપાયાં, પોતાની ભૂલ સમજાતી હોય એમ જમાઈ સામે કરગર્યાં : સુબોધકુમાર, મારા મનમાં કોઈ ભેદ નથી. જેવો વિરમ એવા જ તમે, પણ જુવાન છોકરો ત્રીસીમાં આવ્યા પછીયે કુંવારો બેસી રહે તો ગામમાં વાતો થાય – પીઠ પાછળ તો આમેય થતી હોય છે. કેટલાં ઠેકાણેથી તેનાં કહેણ પાછાં થયાં એ તમે ક્યાં નથી જાણતા! અને આપણું ગામના મુખિયાનું ઘર, તોય છોકરો કુંવારો રહી જાય એ તો વટનો સવાલ ગણાય! વિરમ માટે કન્યા ગોતવાની જવાબદારી તમને સોંપું છું...’
‘ભલે મા...’ સુબોધે આજ્ઞાંકિત જમાઈનો પાઠ ભજવી જાણ્યો. અંદરખાને પત્નીને સમજાવી દીધી : તારા ભાઈના પરણવાથી પણ વંશનો વારસ તો આવવાનો નહીં... ને વહુ એવી લાવીશું કે સુહાગરાતની બીજી સવારે નામરદ પતિ સાથે છેડો ફાડવાની હિંમતવાળી હોય!
એટલે તો કંઈકેટલાં પાત્રો તરાસ્યા પછી કાઠિયાવાડની કન્યા પર કળશ ઢોળ્યો હતો. છોકરી સાવકી મા-ભાઈને માથાની થઈ રહે છે, એક વાર તો લગ્નના નામે સોદો કરવા આવેલી બાઈને ભગાડી હતી – તે નપાણિયા ધણીને કોઈ કાળે સાંખી નહીં લે!
એમ વિચારીને સુબોધે રેવાના સાવકા ભાઈ ધીરેનને સાધ્યો. બે-પાંચ લાખમાં મામલો પતાવવાની ધારણા હતી, પણ તેય કાબો નીકળ્યો. ‘મને વિચારવાનો વખત આપો’ કહીને બે-ચાર દિવસનો સમય માગ્યો ને એમાં વિરમની કુંડળી કાઢી લીધી : તમારા ગંજેરી સાળા માટે મારી બત્રીસલક્ષણી બહેન જ મળી? કહીને પંદર લાખમાં માન્યો હતો બદમાશ!
‘તમે તો મારી બહેન વિશે જાણતા હશો... મેં પૈસા લીધા છે એવું તે જાણી ગઈ તો ગામ માથે લેશે એટલે લગ્નના દિવસે તેને થોડું ઘેન આપવું પડશે... પછી તમે સંભાળી લેજો.’
અરે, અમે તો ઇચ્છીએ જ છીએ કે રેવા તમાશો કરીને ગામમાં આબરૂનો ધજાગરો કરે એટલે સાસુજીના માથેથી વહુનું ભૂત ઊતરે! પણ એ માટે પહેલાં લગ્ન તો હેમખેમ પતવાં જોઈએ...
સુબોધે ઘરે પણ સમજાવી દીધું : લગ્નની વિધિ પૂરતું થોડું જતું કરજો. રેવાને વિરમની કુટેવ વિશે કહેવાય એમ નથી એટલે તેને ઘેનમાં રાખીને બધું પતાવવાનું છે...
નશો તો મારે પણ કરવો પડશે... લગ્નની વાતે વિરમ નર્વસ હતો. પોતાની શિથિલતા તેનાથી છૂપી નહોતી. સુહાગરાતે ફિયાસ્કો ન થાય એ માટે શહેરની બદનામ ગલીના બે-ચાર વાર આંટાફેરા કરી જોયા, પણ હર વખતની નિષ્ફળતા પછી લગ્નના માંડવે નશો કરીને જ જવાય એમ હતું!
ઉચાટ જીવે લગ્ન પત્યાં. ફેરા ફરતી વેળા રેવાની આંખો ઉઘાડબંધ થતી હતી, વિરમ વિના કારણ હસતો હતો. આ તે કેવાં લગ્ન કે શું થઈ રહ્યું છે એ વર-કન્યાને જ સમજાતું નહીં હોય!
પહેલી રાતે નવયુગલ ઘેન-નશામાં હતું, બીજી બપોરે પોતે તેને ઘરમાં એક જ મરદ છે એમ કહીને હિન્ટ આપી દીધી, ધારેલું કે પતિ નપાણિયો નીકળતાં રેવા તેના સ્વભાવ મુજબ મોરચો માંડવાની...
પણ ના, એવું કંઈ જ થયું નહીં. વિરમ સાથે સંબંધ શક્ય નથી એ જાણવા છતાં કોઈ પત્ની પતિ સાથે કેમ રહે? પોતાને ઘેન દઈને પરણાવનારા સાવકા ભાઈ વિરુદ્ધ પણ રેવાની કોઈ પ્રતિક્રિયા જ નહીં?
પોતાનું પ્યાદું ખોટું નીકળે એથી સેનાપતિને થાય એવો મૂંઝારો સુબોધે અનુભવ્યો હતો. વિરમની ખોડ કોઈને કહેવાય એમ નહોતી, છતાં ધીરેનને પૂછેલું : તમારી બહેન તો સાવ પાણીમાં બેસી ગઈ... તમે કપટથી પરણાવી એવું કહીને ઝઘડવા પણ ન આવી?’
(સમજાયું તો ધીરેનને પણ નહોતું, ધાસ્તી તો હતી જ કે રેવા હોશમાં આવતાં તમાશો કરવાની... કદાચ પોલીસમાં પણ જાય, પરંતુ એવું બન્યું નહીં એનો આનંદ જ હોયને!)
‘એ તો સારુંને, તેણે તમારાં જેવાં ગુણવાન સાસરિયાંને સ્વીકારી લીધાં.’
ધીરેનના બોલવામાં વ્યંગ નહોતો, તોય એનો ચચરાટ રહેલો. જોકે માથે પડેલી મોટા ઘરની વહુને કામિનીએ લગ્નના ચાર-છ માસમાં વાંઝણી ઠેરવી દીધેલી ને રેવા બધું ખમ્યે રાખતી એની ધરપતે હતી.
તોય તેના રૂપને જો ઝાંખપ લાગી હોય! અપ્સરા જેવું તેનું કુંવારું જોબન ચાર-ચાર વરસથી મારી આંખ સામે રમ્યા કરે એને હવે ભોગવવું તો રહ્યું! હમણાંનો પોતે તેને ઇશારા પણ કરતો રહ્યો છે, ને તે દર વખતે સિફતથી સરકી ગઈ છે...
પણ આજે નહીં!
અને ભીંજાયેલી રેવાની પાછળ ચુપકેથી તે રૂમમાં પ્રવેશી ગયો!
lll
ભીનો સાડલો ઉતારીને રેવા અરીસામાં તાકી રહી. ના, એમાં પોતાનું પ્રતિબિંબ નહીં, આકારના ઘરની રૂમનું દૃશ્ય ઊભરતું હતું :
આકુના મૉસ્કો જવાના મહિના અગાઉની વાત. બન્ને ઘરમાં આજે એકલાં છે, પ્રણયની ઘેલી વાતો થાય છે એમાં અચાનક આકુ તેના શર્ટનાં બટન ખોલવા લાગતાં રેવા મૂંઝાઈ, શરમાઈ : આ શું કરો છો આકુ!
‘તને કંઈક દેખાડવું છે...’ બટન ખોલીને આકુએ શર્ટ ખુલ્લું કરતાં રેવાની કીકી પહોળી થઈ : છાતીની બરાબર વચ્ચે ચાકુની ધારથી આકારે ‘રેવા’ નામ કોતર્યું હતું!
ટૅટૂ તો ઘણા કરાવે, પણ પ્રેયસી માટે લોહી વહાવીને ચાકુની પીડા ખમનારો તો મારા આકુ જેવો કો’ક જ હોય!
પછી તો રેવા એવી તોફાની બનેલી કે સંયમ જાળવવામાં આકુ હાંફી ગયેલો!
ચલચિત્રની જેમ એ દૃશ્યો અરીસાની સપાટી પર નિહાળતી રેવાની છાતીમાં નિઃશ્વાસ ઊભર્યો : તમે રશિયા કેમ ગયા આકુ!
આઇ વિલ કમ બૅક! – કહેનારો પાછો આવ્યો જ નહીં...
રેવા સંભારી રહી :
આકારના રશિયા ગયા પછી તેની સાથે સંપર્કનો કોઈ સેતુ નહોતો, પણ અહીંની બૅન્કમાં દર મહિને પૈસા આવતા રહેતા. મતલબ બધું બરાબર છે! આકારે કહેલું - મને કંઈ થાય તો એમ્બેસીમાંથી ફોન રણકશે...
અને કમભાગ્યે એ ઘંટડી રણકી.
યુક્રેનના ભીષણ ડ્રોન-હુમલામાં નિર્દોષ નાગરિકો ઉપરાંત દોઢસો જેટલા સૈનિકો માર્યા ગયા હતા. બે દિવસે પરિસ્થિતિ થાળે પડી પછી સૈનિકોની હાજરી લેવાઈ, મૃત સૈનિકોનું સાગમટે ફ્યુનરલ કરી દેવાયું અને રેકૉર્ડ મુજબ આકાર એમાંના એક હતા...
એમ્બેસીમાંથી સાંપડેલા ખબરે પણ રેવા કોણ જાણે કેમ ટકી ગઈ : ફિલ્મો કે વાર્તામાં બને એમ મૃત મનાયેલી વ્યક્તિ જીવિત મળી આવી હોવાના ચમત્કાર વાસ્તવમાં પણ બન્યા છે, છાવણીની ભયાનક તારાજીમાં લાશની મિસઆઇડેન્ટિટી થવાનો સંભવ ખરો જને! શક્ય છે આકુ બેભાન હોય, યાદદાસ્ત ગુમાવી બેઠા હોય... એને જ આધાર બનાવીને રેવાએ શરીરમાં પ્રાણ ટકાવી રાખ્યા : હું જીવું છું એનો અર્થ જ એ કે આકુ પણ ક્યાંક શ્વસે છે! તેમણે મને કહ્યું છે : આઇ વિલ કમ બૅક... ઍન્ડ સો હી વિલ!
‘વહેમ છે તારો બેટી...’
આકારનાં માતા-પિતા અને
ભાઈ-બહેન ભાંગી પડેલાં, તેની ચિરવિદાયને સત્ય માની સ્વીકારી ચૂકેલાં : મૃત સૈનિકની ફૅમિલીને રશિયન સરકારે ભારે કૉમ્પેન્સેશન ચૂકવવું પડતું હોય છે એટલે પૂરી ખાતરી સિવાય મોતનું કન્ફર્મેશન અપાતું નથી એ હકીકત તું પણ સ્વીકારી લે. આકુને ભૂલી જા, પિયર છોડીને અહીં આવતી રહે, તારું કન્યાદાન અમે કરીએ...’
‘નહીં બાપુ, આકુએ મને વાયદો કર્યો છે : આઇ વિલ કમ બૅક! અને તો આવશે...’
તેના જીવિત હોવાનો વિશ્વાસ છાતીમાં સમાવી, એક અખૂટ લાગતા ઇંતેજારને આંખોમાં વસાવીને રેવાએ જાતને કોચલામાં પૂરી દીધેલી... ધીરે-ધીરે આકુના ઘરે જવાનું પણ બંધ થઈ ગયું. ત્યાં હૉલમાં પ્રવેશતાં જ આકુની છબિએ ચડાવેલો હાર આંખમાં ભોંકાતો. એના કરતાં મારા હૈયે રહેલી છબિ શું ખોટી!
અને કોઈનો હાથ પોતાની કમર ફરતે વર્તાતાં રેવા સચેત થઈ. અરીસામાં જોયું તો -
સુ...બો...ધ!
‘છોડ મને!’ રેવા છટપટી, પણ સુબોધની વાસનાએ માઝા મૂકી હતી. તેની પકડમાં રાક્ષસનું જોમ હતું. તેના હાથ હવે રેવાની નાભિ પરથી ઉપર સરક્યા કે -
રેવાએ પગ પાછળ વાળી કચકચાવીને લાત સુબોધની જાંઘ વચ્ચે ઠોકી કે તેની રાડ સરી ગઈ, રેવાને છોડીને બન્ને હાથ જાંઘ વચ્ચે દબાવતો તે બેવડ વળી ગયો.
‘કમજાત! નામરદ ધણીનો માર ખમી લઉં છું એટલે તેં શું મને અબળા ધારી?’ ખૂણામાં પડેલી લાકડી ઉઠાવીને રેવાએ સુબોધને ધીબેડવા માંડ્યો, ‘જાણતો ન હોય તો સાંભળી લે, મારું તન-મન મારા આકુની અમાનત છે...’
એ જ વખતે રેવાને જોખમમાં ભાળીને આવી પહોંચેલાં અમરનાથ રેવાના શબ્દોએ દરવાજા-સરસા થઈ ગયા.
lll
સુબોધને કણસતો મૂકી રેવા સાડી વીંટીને બહાર નીકળી કે ચોંકી જવાયું.
સામે હૉલમાં અમરનાથ ઊભા હતા!
ત્યાં વીજળી ઝબૂકી ને એવો જ ઝબકારો રેવાના ચિત્તમાં થયો.
અમરનાથમાં નહીં કલ્પેલો બદલાવ ભાળીને તે તેમની નજીક દોડી ગઈ : તમે કોણ છો?
તેમની તપખીરી આંખોમાં આંખો પરોવી રેવાએ આંચકો આપીને તેમનું શર્ટ ચીર્યું ને ફાટી આંખે તે અમરનાથની ખુલ્લી છાતીને તાકી રહી.
(આવતી કાલે સમાપ્ત)