15 June, 2026 01:09 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
સ્થળ : મૉસ્કો, રશિયા
સમય : આજથી પાંચ વરસ પહેલાં
વિમાનનાં પૈડાં ધરતીને સ્પર્શ્યાં એની ઘરઘરાટીમાં પહેલી વાર વિદેશમાં પગ મૂકવાનો રોમાંચ તેના બદનમાં ફરી વળ્યો. લેન્ડિંગ સમયે પ્લેનની વિન્ડોમાંથી રશિયાના પાટનગરને નિહાળતાં એ અજાણ્યું ક્યાં લાગ્યું હતું? ભારત-રશિયા વચ્ચે મૈત્રીની ધરી હંમેશાં મજબૂત રહી છે. મિત્રદેશની ભૂમિ પર મારું આગમન યુદ્ધને કારણે થયું એ કેવું!
કસ્ટમ્સ ક્લિયરન્સની વિધિ પતાવતાં આકારે ભારતીયો માટે ઉષ્માભર્યા પ્રતિસાદનો અનુભવ કર્યો. ઍરપોર્ટની બહાર એજન્ટનો માણસ હાજર હતો : આપનું સ્વાગત છે...
આકાર સહિત અન્ય પાંચ ભારતીયોને લશ્કરી તાલીમકેન્દ્ર સુધી પહોંચતાં તે ગાઇડની જેમ કહેતો
ગયો : ૧૧ ટાઇમ-ઝોન અને ૧૪ દેશો સાથે જમીની સરહદ ધરાવતા વિશ્વના સૌથી મોટા દેશમાં આપનું સ્વાગત છે. અમારી રાષ્ટ્રીય ભાષા રશિયન છે અને રૂબલ અમારી કરન્સી છે એ તો જાણતા જ હશો...
તેની વાતો સાંભળતા આકારે શોલ્ડર બૅગમાંથી લાલ પૂંઠાની ડાયરી કાઢી, શર્ટના ગજવામાંથી પેન લીધી.
કોરી ડાયરીના પહેલા પાના પર હથેળી ફેરવી કલમ ઉપાડી અક્ષર પાડ્યા :
પ્રિય રેવાને...
પછી થોડી જગ્યા છોડી નીચે લખ્યું :
ફ્રૉમ રશિયા વિથ લવ!
lll
સ્થળ : સૌરાષ્ટ્રનું અંતરિયાળ ગામ
સમય : વર્તમાન
તે હાંફી રહ્યો.
‘બસ, રેવા, થોભી જા... મારાથી તને નહીં પકડાય!’
બે પગ પહોળા કરી, કમરેથી સહેજ વળી તે હાંફ ખાળતો બોલી રહ્યો, ને થોડે દૂર ઊભી દાંતથી શેરડીનો સાઠો તોડતી રેવાએ નૈન નચાવ્યાં, ‘બસ, નાનકડી દોડમાં હારી ગયો, આકુ!’
મલપતી ચાલે તે નજીક આવી, ‘અમે સ્ત્રીઓ હૈયું હારીએ ત્યાં સર્વસ્વ લૂંટાવી દઈએ, એમ જીતવાની ઠાની લઈએ ત્યારે કોઈ અમને હરાવી ન શકે એ દુનિયાના પુરુષમાત્રે યાદ રાખવું ઘટે...’
તેનાં વેણમાં કાઠિયાવાડની ખુમારી હતી, ચાલમાં હરણીની નજાકત હતી ને તેવરમાં સિંહણનો તિખારો હતો. ગામની સીમમાં તળાવને કાંઠે આથમતી સંધ્યાનાં સોનવર્ણી કિરણોથી તેનો ગોરો વાન કેસરભીનો થઈ દમકી રહ્યો હતો. લીલાં-પીળાં ચણિયાચોળીમાં ઢંકાયેલા જોબનને ઓઢણીની આડશ છુપાવી નહોતી શકતી. તેની મૃગનયની-સી કાજળઘેરી આંખો, રસઝરતા ગુલાબી હોઠ, ડાબા ખભેથી આગળ લઈ વક્ષપર્વત પરથી નાભિએ પડતું મૂકતા લાંબા ખુલ્લા કેશ...
આકુની કીકીમાં મદહોશી ઘૂંટાઈ. નિકટ આવેલી રેવાનો ચૂડીવાળો હાથ તરાપ મારતો હોય એમ ઝડપી લીધો, ‘એ તો તમને સ્ત્રીઓને જીત્યાનો આનંદ આપવા અમે પુરુષોય ક્યારેક જાણીને હારતા હોઈએ છીએ રેવારાણી!’
‘અચ્છાજી!’ રેવાએ તેના ગાલે ટપલી મારી, ‘કેમ જાણે એ વાત અમે સમજતાં ન હોઈએ! પોલીસ ફોર્સની તાલીમ લઈને આવેલો જુવાન આમ જરા જેટલી દોડમાં હાંફી-હારી જાય એવું માની લઉં એટલી નાદાન નથી હું...’
પછી ડિંગો દેખાડ્યો, ‘અને મને આમ ખોટું-ખોટું જિતાડી ફૂલવીને તમને જોઈતું આપી દઈશ એવી ભોળી પણ નથી, સમજ્યા જનાબ!’
અને ખિલખિલ હાસ્યની એ કિલકારીએ રેવા ઝબકીને પથારીમાં બેઠી થઈ ગઈ.
ક્યાં એ સીમ, ક્યાં એ સલોણી સંધ્યા, ક્યાં આકુ...
નિઃશ્વાસ સરી ગયો.
મેડીની આ રૂમ આકુના ઘરની નથી, ગળાનું આ મંગળસૂત્ર આકુનું નથી... રાતે મારીપીટીને ઉપર શય્યામાં પોઢેલો પુરુષ આકુ નથી!
આંખમાં ધસી આવતાં અશ્રુને પાછાં વાળી તેણે આકુને પણ હૈયાના પેટાળમાં પૂરી ખંભાતી તાળું મારી દીધું. ઊભાં થઈ પથારી વાળી તેણે પલંગ પર ઊંઘતા પતિ પર નજર નાખી ન નાખી ને દરવાજા તરફ ચાલવા માંડ્યું.
પરોઢ થઈ હતી ને સૂરજ ઊગે એ પહેલાં વહુએ ઘરનાં કામોમાં જોતરાઈ જવાનો સાસુમાનો હુકમ હતો!
lll
‘જ્યોતિ કલશ છલકે...’
ધીમા અવાજે લતાજીનું ગીત ગણગણતી તે ઘરકામમાં જોતરાઈ.
ગામડાગામમાં સવાર આમેય વહેલી પડતી હોય, એમાં આ તો મુખીનું ખોરડું.
‘ગામ ઊઠે એ પહેલાં આપણું ઘર ચોખ્ખુંચણક થઈ જવું જોઈએ, સમજ્યાં વહુરાણી!’
નવી વહુના નવ દહાડા પતે એ પહેલાં જ સુલક્ષણાબહેને ઘરનાં કામકાજનો ભાર થોપી દીધેલો : ખાલી આંગણું વાળ્યે નહીં ચાલે, આખા ઘરમાંથી કચરો કાઢવાનો, દરવાજે રંગોળી પૂરવાની, પાછળ વાડામાં ગાય-ભેંસોને ચોખ્ખી કરી નીરણ નાખવું.... અને અમે ઊઠીએ એટલે ગરમાગરમ ચા તૈયાર જોઈએ, સમજી ગયાં?’
રેવા એટલું સમજેલી કે સાસુ અદ્દલ મારી સાવકી માના એક્સ્ટેન્શન જેવાં છે!
‘અલી મા-મા કહી વળગવા શાની આવે છે? તારી મા તો ગઈ સ્વર્ગે, હું તારા બાપની બીજી બૈરી છું, તારી કંઈ નથી!’ કહી લલિતામા કેવો ધક્કો દેતાં!
અત્યારે, આંગણું વાળતી રેવા સાંભરી રહી :
રેવાને બે વરસની મૂકી તેની જનેતાએ ગામતરું કર્યું, એના
વરસ-દોઢ વરસમાં ભગવાનજીભાઈએ નિ:સંતાન વિધવા સાથે બીજાં લગ્ન કર્યાં, ને એક વારની રંડાયેલી લલિતાએ પરણીને આવતાં જ ધણીને હાથમાં લઈ રમાડવા માંડ્યો. ઘર-ખેતી પોતાના નામે કરાવી તેણે અસલી રંગ દેખાડવા માંડ્યો. કર્કશા બાઈની કાતર જેવી જીભ ને તોછડા વહેવાર સામે ભગવાનજીભાઈનો પનો ટૂંકો પડતો. રેવાને તે રીતસર હડધૂત કરતી. પરણ્યાના બીજા વરસે અઘરણી રહી ત્યારથી રેવાને ઘરકામમાં જોતરી દીધી. દીકરાને જણી પોતે જાણે કુળનો ઉદ્ધાર કરી નાખ્યો હોય એવા તેવર દાખવી લલિતાએ પોતાનું વર્ચસ જમાવી દીધું.
મોટી થતી રેવાને ભાઈ-બહેનના લાલનપાલનનો ભેદ ખટકતો. તેને કામનો વાંધો નહોતો, બાર-પંદરની થતાં સુધીમાં તો તે રસોઈપાણીમાં પણ નિપુણ બની ગઈ, સાવકી મા પાસેથી હેતભર્યાં બે વેણની અપેક્ષા પણ નહોતી રહી, લાચાર પિતા સમક્ષ રોદણાં રડવાથી દૂર રહેતી, પણ ધીરેન આંગણામાં કંદોઈને ત્યાંથી આવેલી મીઠાઈનો પડિયો લઈ બેઠેલો દેખાય કે તે તરાપ મારે: એકલો એકલો શાનો ખાય છે, મને પણ આપ! ધીરેનના જન્મદિવસ માટે નવાં કપડાં આવે એના પર રાતે ઊઠી કાતર ચલાવી ફાડી નાખતી: મારો જન્મદિવસ ગયો ત્યારે તો નવાં કપડાં નહોતાં આવ્યાં!
આમાં ઈર્ષા કે દ્વેષ નહોતાં, પોતાનો હક જતાવવાની બાળકીની જીદ હતી. ધીરેન તો એનાથી બીતો જ, લલિતામા જાણે ફાડી ખાવાની હોય એમ ધસી આવે, પણ રેવાની ધારદાર નજરે જાણે લકવો લાગી ગયો હોય એમ તેને મારવા ઊપડેલો હાથ અધવચાળ જ અટકી જાય. એટલે પછી જીભથી ઝેર ઓકે : હાય-હાય. ડાકણ જેવી મા ગઈ, પણ ચુડેલ જેવી છોકરી અમારા માથે નાખતી ગઈ!
રેવાને તેનું બોલવું ખટકતું નહીં, કારણ કે સ્પર્શતું જ નહીં.
જોકે મોટો થતો ધીરેન ભારાડી બનતો થયો, પણ રેવા તેને તોય ગાંઠતી કે ગણકારતી નહીં.
અંગે યૌવન મહોર્યું, કુંવારાં અરમાન છાતીમાં અંગડાઈ લેતાં થયાં, એ અવસ્થાએ રેવાને નિખારી, પણ રૂપની મૂડીથી છકી જવાનો કે એનાં વખાણથી બહેકી જવાનો રેવાનો સ્વભાવ નહોતો.
‘બળ્યાં એવાં રૂપ!’ લલિતામા ગામવાળા આગળ ટલ્લા ફોડતી, ‘છોકરી કોઈને ગાંઠતી નથી. વચમાં મીરગઢથી ચૌધરીના છોકરાનો રિશ્તો આવ્યો’તો, કેટલું મોભાનું ઠેકાણું! પણ બહેનબા આડાં ફાટ્યાં : હું તો હજુ અઢારની થઈ, મારે ગ્રૅજ્યુએટ થયા પહેલાં નથી પરણવું! બોલો, કોઈને થાય કે સાવકી માને જુવાન દીકરીની પરવા નથી, પણ તે અમારા માથે કેવાં છાણાં થાપે છે એ કોને કહીએ!
કહી લલિતામા સાચાં-ખોટાં આંસુડાં પણ સારી લે.
અલબત્ત, ગામવાળા પણ લલિતામાની સચ્ચાઈ જાણતા જ હોય, પણ કૂથલીમાં કોને રસ નથી પડતો! ખરેખર તો ચૌધરીના દીકરાને પગની ખોડ હતી એટલે કન્યાના બદલામાં લલિતામાને પાંચ લાખના દાગીનાનો વહેવાર કરવાની વાત રેવાએ કાનોકાન સાંભળી હતી, એટલે તો તેમની બેઠકમાં ધસી જઈ સોદો કરવા આવેલી ચૌધરીની પત્નીને મોં પર ચોપડાવી હતી : તારા દીકરાનો બીજો પગ પણ ભાંગવો હોય તો જ મને વહુ બનાવવાનું વિચારજે!
બાપ રે. રેવાના તેવરે ચૌધરીની બૈરી ફફડીને ગઈ એ ગઈ! લલિતામાને દીકરીનું સગપણ ન થવા કરતાં દાગીનાનો જોગ ગયો એનું દર્દ વધુ હતું એ રેવાને તો ખબર જ હોયને!
ના, મારા રુદિયાનો માલિક આવો સોદાગર તો નહીં જ હોય...
સાવકી મા અને ભાઈથી સદા ખબરદાર રહેતી રેવા રાતના એકાંતમાં મનના માણીગરની છબી ઘૂંટતી... અને તે એકાકાર બની ભવનાથના મેળામાં, જ્યાં મને આકુ મળ્યા...
‘કેમ રે વહુરાણી, આજે ધીમી ગતિના સમાચારની જેમ કામ કરો છો!’
સાસુના કડપભર્યા સાદે ઝબકતી રેવા વિચારમેળો સમેટી ઝડપથી ઝાડુ ફેરવવા લાગી.
‘હાય હાય મા, ક્યાંક તારી વાંઝણી વહુનો પગ તો ભારે નથી થયોને... ભૂલમાં!’ મેડીનાં પગથિયાં ઊતરતી નણંદે વ્યંગબાણ છોડ્યું.
વાંઝણી વહુ.
રેવાએ હોઠ કરડ્યો.
લગ્નનાં ચાર-ચાર વરસે વારસની વધાઈ ન મળતાં ગાઈવગાડી વહુને વાંઝણી કહેતાં સાસરિયાં કેવાં છે એ તો કોઈ જુઓ!
પોતાનાથી દાયકો મોટો પતિ વિરમદેવ વેતા વિનાનો છે, ચિલમ ફૂંકવા સિવાય એના જીવનનો બીજો અર્થ રહ્યો નથી. નશાથી લાલ રહેતી આંખોથી નોકરવર્ગ પર તુમાખી દાખવી મરદ હોવાનો વહેમ જાળવે છે એટલું જ, તેની મરદાનગીની પોકળતા શયનખંડમાં ખુલ્લી પડી જાય એટલે વિના વાંકે પત્ની પર હાથ-લાકડી ઉપાડી બળૂકા હોવાનું મિથ્યાભિમાન પોષતા પતિને શું કહેવું!
આટઆટલો પૈસો છે, તોય દાનધરમ કરવાને બદલે બીજાના ઘરમાં કલેશ કરાવી તેમની જમીન મફતના ભાવે પડાવી લેવા જેવાં કામોમાં શ્વશુર ભાનુભાઈ એક્કા છે. વરના નામે ગામના મહિલાવૃંદના આગેવાન બની બેઠેલાં સાસુ સુલક્ષણા વહુ સાથે તો જમાદારની જેમ જ રહ્યાં. છોગામાં નણંદ-નણદોઈના ધામા!
ઘરના સભ્યોમાંથી સૌ પહેલાં નણદોઈ સુબોધકુમારનાં કુલક્ષણ મને પરખાયેલાં... પરણ્યાની બીજી બપોરે પોતે મેડીના રૂમમાં હતી, ત્યાં આસપાસ જોતાં તે ચોરની જેમ રૂમમાં સરકી આવ્યા, હું ઘૂંઘટ ખેંચવા ગઈ તો ગંદું હસ્યા : મારાથી કેટલું ને શું-શું છુપાવશો વહુરાણી! આ ઘરમાં એક જ મરદ છે એમ માની લો... વહેલીમોડી તમને મારી જરૂર પડવાની જ!
નપાવટ. ભીતર રોષ ઘૂંટાયેલો. પહેલાંની રેવા હોત તો સુબોધનું મોં તોડી લીધું હોત, વાતે-વાતે મહેણાં મારતી નણંદને ક્યારનો બહારનો રસ્તો દેખાડી દીધો હોત, મારઝૂડ કરતા પતિને સીધોદોર કરી દીધો હોત - અરે, પહેલાંની રેવા હોત તો તો સાવકાં મા-ભાઈની મજાલ કે મને કપટ આદરી ચોરીમાં બેસાડી શકે! આ રેવા તો એક લાશ છે જેને હું વેંઢારી રહી છું, મારે જીવવાનું ત્યાં સુધી જ છે જ્યાં સુધી -
અને બ્રેકના તીણા અવાજે કચરો સૂપડીમાં સમેટતી રેવા અટકી. છાપું લઈ હીંચકે બેઠેલા શ્વશુર ભાનુભાઈ ડોક લંબાવી જોવા લાગ્યા, સુલક્ષણાબહેને ઓસરીમાંથી નજર દોડાવી, કામિની તેમની બાજુમાં આવી ઊભી રહી : લાગે છે સામે મહીધરભાઈની હવેલીમાં કોઈ રહેવા આવવાનું... તેના સામાનની ટ્રક આવી લાગે છે. વરસોથી ખાલી હવેલી આમ જુઓ તો બિસમાર હાલતમાં છે.
‘અમરનાથ પચાસ-પંચાવનના બુઝુર્ગ આદમી છે...’ મોંમાં દાતણ ચબાવતાં મેડીનાં પગથિયાં ઊતરતાં સુબોધે માહિતી આપી, ‘ફૉરેસ્ટ ખાતામાંથી નિવૃત્તિ લઈ ગામડાગામમાં રહેવા આવ્યા છે. આઠેક વરસ પહેલાં તેની બૈરીને દીપડાએ ફાડી ખાધી પછી પરણ્યો નથી, એકલપંડો આદમી થોડો સનકી હોવો જોઈએ, સામી હવેલીના બાર લાખ આપ્યા હોવાનું કહેવાય છે, બોલો!’
ગામઆખાની ખબર રાખનારા સુબોધકુમારે દાતણના થૂંક સાથે માહિતી ઠાલવી દીધી.
એક નજર હવેલી પર નાખી રેવાએ કચરો સમેટવા માંડ્યો ત્યાં શ્વશુર કહેતાં સંભળાયા, ‘સનકી તો
રશિયા-અમેરિકાના વડા ઓછા છે! આ જુઓને, રશિયા-યુક્રેનનું યુદ્ધ છ-છ વરસથી ચાલ્યા જ કરે છે!’
રશિયા-યુક્રેન વૉર.
ધગધગતો નિસાસો રેવાની છાતીમાં ઊઠ્યો : આ યુદ્ધની મેં જે કિંમત ચૂકવી છે એ અહીં કોઈને કહેવાય એમ નથી!
(ક્રમશઃ)