મોહમાયા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

09 June, 2021 12:34 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

અને અદિતિને ઊંહકારો અફળાયો. ‘ઓહ, અતિરાજની પાંપણ ફરકી રહી છે.’ અદિતિનું હૈયું ધડકી ગયું.

મોહમાયા

‘અતિરાજ!’
પેશન્ટ સાથે રાત્રિ વેળા રૂમમાં એકલી પડેલી નર્સ અદિતિ તેને નિહાળી રહી.
ખરેખર તો પોતે અતિરાજનું મોઢું જોવા નહોતી માગતી. ડીન સર પાસે રજા લેવા માટે માતાની માંદગીનું બહાનું પણ વિચારી રાખેલું, પણ એ જ ઘડીએ ઍમ્બ્યુલન્સની સાયરને નર્સિંગના એથિક્સ યાદ અપાવી દીધા, ‘દરદીની સારવારમાં હું કેમ ચૂકી શકું? અતિરાજ અત્યારે કેવળ એક પેશન્ટ છે... અને મોં નહીં બતાવવા જેવું તો અતિરાજે કર્યું છે, ખરેખર તો મારે જોવું જોઈએ કે અતિરાજ કયા મોઢે મને ફેસ કરે છે!
બસ, આ સમજે અદિતિ રોકાઈ ગઈ. અતિરાજને દાયકા પછી જોતી હોવા છતાં હૈયે થડકારો ઊપસવા દીધો નહોતો. 
અતિરાજની હાલત ખરેખર ગંભીર હતી. તેની બે પાંસળીમાં ક્રૅક હતું, જમણા ખભાનું હાડકું ભાંગી ગયેલું. ફૉર્ચ્યુનેટલી હેડ ઇન્જરી યા ઇન્ટર્નલ ડૅમેજ નહોતું, પણ ડાબા પગની ધોરી નસ કપાવાને કારણે લોહી ઘણું વહી ગયેલું. તે પોતે બેભાન હતો. પહેલાં તો તેના ડાબા પગની ધોરી નસ સાંધવાનું ઑપરેશન થયું, ટાંચાં સાધનો છતાં ડીન ડૉક્ટર સુબોધભાઈએ પોતાની તમામ સ્કિલ કામે લગાડી, અતિરાજને ઉગારી લીધો એમ જ કહેવાય. સેલિબ્રિટી પેશન્ટની ડ્યુટી ડીન સરે ખાસરૂપે અદિતિને સોંપી હતી એટલે હમણાં તો લગભગ આખો દિવસ અતિરાજની આસપાસ રહેવાનું બનવાનું. અદિતિ માટે એ પડકારરૂપ હતું, ‘આનાથી હું અતિરાજથી કેટલી અલિપ્ત છું એની ખબર પડી જશે. મને પણ, અને અતિરાજને પણ!’
‘અતિરાજનો મૅનેજર નિહાર કુલકર્ણી મુંબઈથી સાંજે આવી ગયેલો, અત્યારે તે તો હોટેલમાં જ હોયને. એ પણ માલિકના ખર્ચે. ચૂંચી આંખવાળો જુવાન મૅનેજર મને બહુ ઠીક ન લાગ્યો. ડીન સરને અતિરાજની હાલતની પૂછપરછ બહુ સ્વસ્થપણે કરી. સહેજેય ચારેક વર્ષથી અતિરાજ સાથે કામ કરતો હોવા છતાં તેને બૉસ પ્રત્યે લાગણી નહીં હોય? હોત તો અતિરાજની દુર્દશા જોઈને આંખ ભીની જરૂર થાત!’
પણ એમાં વાંક મૅનેજરથી વધુ અતિરાજનો જ હોય. પોતાના માણસોની કદર કરતાં તેમને આવડે છે જ ક્યાં?
અને અદિતિને ઊંહકારો અફળાયો. ‘ઓહ, અતિરાજની પાંપણ ફરકી રહી છે.’ અદિતિનું હૈયું ધડકી ગયું.
કણસાટભેર અતિરાજે આંખો ખોલી. એમાં નજર પરોવાતાં જ સમય જાણે થંભી ગયો. અતિરાજની કીકીમાં ઓળખાણનું અચરજ ઊપસતું ગયું. ‘અદિતિ, તું! હું ક્યાં છું?’
‘અકસ્માત પછી તમને અમારી 
ઇડરની હૉસ્પિટલમાં લઈ આવ્યા...’ એટલું કહેતાં તેની કીકીમાં વિહ્‍વળતા ઝબકી, ‘આયૅમ સેફ?’ 
‘માણસને પહેલી ચિંતા તો 
જાતની જ થાયને.’
‘જી.’
વળી ભારેખમ મૌન છવાઈ ગયું. અતિરાજના મનમાં ઘણા સવાલ હશે, પણ પૂછવામાં સંકોચ થાય છે. ખરેખર તો અદિતિ સામે નજર પણ મિલાવી નથી શકાતી. છેવટે તેના હોઠ ઊઘડ્યા, ‘તું પરણી કે નહીં, અદિતિ?`
‘નો પર્સનલ મૅટર્સ, મિસ્ટર ધોળકિયા.`’
અતિરાજ એકબે પળ અદિતિને જોઈ રહ્યો. ‘ના, ગળામાં મંગળસૂત્ર નથી, માંગમાં સિંદૂર નથી... અદિતિ નહીં જ પરણી હોય. કમાલ છે, મારી અને માન્યતાની સ્ટોરી પછી પણ અદિતિ શું જોઈને કુંવારી બેઠી હશે?’
અને તેને સાંભર્યું, ‘સૉરી, તારાં લગ્નનાં ઘરેણાં તો મેં વેચી નાખેલાં. એની કિંમત ચૂકવવાનું પણ ભૂલી જવાયું.’
‘મિસ્ટર અતિરાજ ધોળકિયા’ અદિતિના સ્વરમાં તીખાશ આવી ગઈ, ‘ઘરેણાંની સામે તમે એક વાયદો પણ કર્યો હતો... એ પણ ભૂલી જવાયો?’
અદિતિનો જ્વાળામુખી ફાટી પડ્યો.
અતિરાજ તરત તો મૂંગો થઈ ગયો, પણ પછી ન રહેવાયું, ‘વાયદો કર્યો એ કેવળ દેખાવા કે છળ ખાતર નહીં... ક્યારેક તું જરૂર મારા હૈયે હતી, પણ મુંબઈની માયાએ એ વાયદો ભુલાવી દીધો, અદિતિ, સંઘર્ષકાળે બે ટંકની રોટી સિવાય બધું ભુલાવી દીધું. અને સફળતાના આરંભિક દોરમાં અમારા પ્રોફેશનને સમજતો ગયો એમ આપણો તફાવત પરખાતો ગયો. એક ઓલ્ડ ફૅશન્ડ છોકરી મારા સ્ટાન્ડર્ડની ન ગણાય. મારા વાયદાનો ભરોસો રાખીને તે ત્રણ-ત્રણ વર્ષથી બેઠી હોય તો મૂરખ ગણાય! એવું મેં જાતને સમજાવી દીધેલું. સત્ય એ પણ છે કે માન્યતા સાથે પહેલી વાર ઇન્ટિમેટ થયો ત્યારે અદિતિ મારા અંતરમનમાં ક્યાંય નહોતી.’
અદિતિ આંખો મીંચી ગઈ, ‘ધેર વોઝ નો રિઝન. અતિરાજે મને છોડવા માટે મારા હિતનું કોઈ કારણ હશે એવું કંઈક સાંભળવાની એષણાનો કણ પણ હૈયે રહ્યો હોય તો આજે એ પણ નષ્ટ પામ્યો.’
‘બાકી ગામને મેં ક્યારેય સાંભર્યું નથી, તું જ કહે, મારા ઘરમાં મને શું સુખ હતું? મારે એ સંબંધને સ્મૃતિમાં પણ રાખવા નહોતા, ગામવાળાથી એટલે મોં ફેરવ્યું.`
‘ના, અતિરાજના બોલમાં બનાવટ નથી.’
‘રિટર્ન થતી વેળા અકસ્માત થયો અને મેં માની લીધું કે જીવનનો ‘ધી એન્ડ’ આવી ગયો! પણ ના, આંખ ખૂલે છે અને હું વતનની હૉસ્પિટલમાં છું, નર્સ તરીકે તું મારી સામે છે. મે બી, તારો અપરાધી ગણી કુદરતે મને તારી કોર્ટમાં હાજર કરી દીધો.’
‘આ કેવળ એક વિધાન હતું. આમાં લગીરેય પસ્તાવો નહોતો.’
‘આ અદાલત નથી, હૉસ્પિટલ છે. હું કેવળ એક નર્સ છું, મિસ્ટર ધોળકિયા, અને તમે પેશન્ટ. મારા ખ્યાલથી તમારે હવે બોલવું ન જોઈએ, બેટર યુ સ્લીપ.’
અદિતિએ ઇન્જેક્શન આપતાં અતિરાજની આંખો ફરી ઘેરાવા લાગી.
lll
‘મારાથી તો મનાતું નથી. આખરે અતિરાજનો ભેટો થયો ખરો.’
છેવટે વાળુ સમયે દેવકીબહેને જ વાત કાઢી. અદિતિને રવિવારે રજા રહેતી એટલે શનિવારે નાઇટ શિફ્ટ ન હોય તો મોડી સાંજ સુધીમાં અચૂક ગામ પહોંચી જતી. રાત્રિભોજન સાથે ન ખૂટે એટલી વાતો મંડાય. લગ્નનો મુદ્દો બેમાંથી કોઈ પક્ષે ઊખળતો નહીં. મા-બાપે સ્વીકારી લીધેલું કે અદિતિને અતિરાજની મોહમાયા ભલે ન રહી, બીજાના મોહમાં બંધાવા તેનું મન તૈયાર ન થાય ત્યાં સુધી બધું નકામું. જોકે એ દિવસ ક્યારેક તો આવશે એવી આશા તેમના હૈયે છે. બાકી નર્સ દીકરીની કાબેલિયતનો તેમને ગર્વ હતો. ગામવાળું કોઈ હૉસ્પિટલમાં ભરતી થયું હોય તો અદિતિ જોગ સાચવી જાણતી એટલે ગામલોકો પણ તેને વખાણતા.
એમાં ગયા અઠવાડિયે તો ખુદ અતિરાજ ત્યાં ભરતી થયો. અતિરાજે ભલે સ્ટાર બન્યા પછી ગામ સામે જોયું ન હોય, તેના ઍક્સિડન્ટના ખબરની ઉત્તેજના જેવીતેવી નહોતી. નવીનભાઈ રડી પડેલા, ઉંમર સાથે નયનાબહેનમાં ઠહેરાવ આવ્યો હતો તોય રૂક્ષતા પૂરી ગઈ નહોતી, ‘ઈશ્વર તેને સાજો કરી દે. બાકી સુખમાં જેને અમારી યાદ ન આવી તેના દુઃખમાં જઈને અમે શું કરવાના? કદાચ કોઈ એવુંય માને કે દીકરાનો તમાશો જોવા પહોંચી ગયા!’
‘અતિરાજને તેની જોકે પરવાહ પણ ક્યાં હતી? તેણે મારાં મા-બાપના ખબર પૂછેલા, પણ પોતાના માવતર વિશે જાણીને ચૂપ જ રહેલો.’ પાછલા અઠવાડિયાના સંસર્ગમાં અદિતિને સમજાયું કે પહેલી મોહબ્બતને સરળપણે વીસરી જનાર અતિરાજની ભીતર સાવકા બાળપણનો ઘા હજીય ક્યાંક દૂઝે છે. ‘ખેર, પહેલી રાતે અતિરાજને હોંશ આવતાં અમારી વચ્ચે ચર્ચાવા યોગ્ય ચર્ચાઈ ગયું, એ પણ એક રીતે ઠીક થયું. ત્રીજાની હાજરીમાં આપણી જૂની ઓળખાણ દર્શાવવાની જરૂર નથી એવું અતિરાજને કહેવું ન પડ્યું.’
ક્યારેક દવા આપતી વેળા કે પ્રેશર-ટેમ્પરેચર માપતી વખતે અતિરાજને સ્પર્શ થતો, પણ પોતે કોઈ સ્પંદન અનુભવતી નહીં. પહેલા બે દિવસમાં જોકે એ દવાના ઘેનમાં વધુ રહ્યો. દરમ્યાન અતિરાજના ડ્રાઇવર જાવેદને ડિસ્ચાર્જ મળી ગયો, ટક્કર મારનાર ટ્રક-ડ્રાઇવર ઝડપાઈ ચૂકેલો અને અકસ્માત જેન્યુન હોવાના પુરાવા પછી જાવેદને ગામ જવાની અતિરાજે છૂટ આપી પણ પોતે બીજે ક્યાંક શિફ્ટ થવાની નિહારને ના પાડેલી. 
ત્રીજી સવારથી તેનો અસલ રણકો ઊભર્યો. મૅનેજર સાથે શૂટનાં અપડેટ્સ લીધાં, મીડિયામાં શું સ્ટોરી આવી એવી ચર્ચા કરી, પણ કેન્દ્રસ્થાને રહી માન્યતા! 
‘માન્યતા તો પૅનિક થઈ ગઈ હશે, હું જાણુંને તેને!’ 
આમાં એટલું તો પરખાયું કે હી ઇઝ વેરી મચ કન્સર્ન્ડ અબાઉટ માન્યતા. કદાચ આ જ તેનો પ્રેમ. ના, આની પણ ચચરાટી નહોતી થઈ.
‘યા, મૅડમ ગોવામાં છે. મને પૂછતા રહે છે કે જરૂર હોય તો આવી જાઉં, એમ પણ કહેતાં હોય છે.` 
અદિતિને એ થોડું વિયર્ડ લાગ્યું, ‘અરે, પ્રેમી કે પછી પતિ! ગંભીરપણે ઘવાયો હોય ત્યારે તેને મળવા આવવાનું તેના સેક્રેટરીને પૂછવાનું? પણ કદાચ શહેરી જીવનમાં પ્રેમીને પણ પૂછીને મળવામાં એટિકેટ ગણાતી હશે.
‘નો, નો ટેલ હર નૉટ ટુ  રશ. ચલ, વિડિયો-કૉલ કરીને હું જ તેને મના કરી દઉં છું.’
કર્ટ્સીરૂપે પણ પોતે પેશન્ટની પર્સનલ ટૉકમાં હાજર રહેવાનું ટાળ્યું હોત, પરંતુ અતિરાજને ઇન્જેક્ટ કરેલી બૉટલ પૂરી થવાની હતી. પોતે એ બદલવામાં રોકાઈ એમાં અતિરાજના પગ આગળ ઊભેલા સેક્રેટરીએ ફોન જોડીને સ્ક્રીન ધરી ને ‘હાય!’ કહેતી માન્યતા પોતાની નજરે ચડી ગઈ.
રેડ સાડીમાં તે જાજરમાન જણાઈ. મે બી, શૂટિંગના વિરામ વચ્ચે મેકઅપ-રૂમમાંથી વાત કરતી હોય એવું લાગ્યું.
‘ઈશ્વરનો પાડ કે તમે બચી ગયા રાજ! યુ નો, મારી મૉમ કહે છે, તારું સૌભાગ્ય તપે છે!’
‘યા, તારી દુવાએ જ મને ઉગાર્યો’ કહેતાં અતિરાજથી સિસકારો નીકળી ગયો. અદિતિએ ઇન્જેક્શન 
ઘોંચ્યું હતું.
‘સૉરી, યુ કન્ટિન્યુ...’ કહીને અદિતિ દૂર હટતાં કૅમેરાની રેન્જમાંથી નીકળી ગઈ.
અદિતિને સહેજેય ફરક નથી પડતો એ અતિરાજને પણ પરખાયું, ગમ્યું પણ અને ન પણ ગમ્યું. ‘અદિતિ નાદાન વયની પ્રીત વીસરી હોય તો મારા પક્ષે ગિલ્ટનું કારણ રહેતું નથી એ અર્થમાં ગમ્યું અને સ્ટારના ફૅન તરીકે પણ તેને જલન-ઈર્ષા ન થયાં એ જરાક ન ગમ્યું!’
‘તારી નર્સ બહુ ઍટિટ્યુડવાળી લાગે છે.’ માન્યતાએ પણ એવો જ પડઘો પાડ્યો, ‘મને અદબ ન દાખવી એ તો ઠીક, બીજાની વાતમાં હાજર ન રહેવાય એટલું મેનર્સ પણ તેને નથી લાગતી.’
અદિતિને એ બીજા અર્થમાં ખટક્યું, ‘ખરી છે આ બાઈ. તેનું ધ્યાન 
અતિરાજની પાટાપિંડીથી વધુ નર્સના ઍટિટ્યુડ પર ગયું?’
‘ગામડાના લોકોનું એવું જ હોય, હની...’ અતિરાજે કહેતાં અદિતિનાં ભવાં તંગ બન્યાં, પણ વાક્યના ઉત્તરાર્ધે કડકાઈ ઓસરી ગઈ, ‘પણ તેમનામાં મેનર્સ હોય કે ન હોય, દિલનાં બહુ ચોખ્ખાં હોય. ઍની વે, આપણે આપણી વાતો કરીએ?’
એમાં નવીન કશું નહોતું. માન્યતા આવું-આવું કરતી હતી અને અતિરાજ ઇનકાર ફરમાવતો, ‘નો, યુ ડૉન્ટ કમ. ઇડરમાં ફાઇવસ્ટાર હોટેલ નથી, યુ નો!’
‘અતિરાજ માન્યતાના કમ્ફર્ટનું પહેલાં વિચારે છે, બટ માન્યતા? તેની કાળજી, તેની ચિંતામાં ઊંડાણ ક્યાં? તેની જગ્યાએ હું હોત તો સેક્રેટરી કરતાં પહેલાં આવી ગઈ હોત.’
વિચાર્યા પછી અદિતિએ જાતને ઠપકારી, ‘ના, ના, કોઈની જગ્યાએ હું શું કામ હોઉં?’
ત્યાર બાદ જોકે અદિતિ મૅનેજરની મુલાકાત કે પછી માન્યતા સાથેની વિડિયો-ચૅટ વખતે રૂમ બહાર નીકળી જવાની ચીવટ રાખતી ખરી. ‘ઇટલીમાં થયેલાં લગ્ન વિશે કે માન્યતા વિશે વાત કરતી વેળા તેના ચહેરા પર લાલિમા છવાઈ જાય એ ખરેખર પ્રેમ હશે કે પછી તે મને છોડીને લગીરેય પસ્તાયો નથી, સવાયો સુખી થયો છે એ દર્શાવવાની ચેષ્ટા? જે હોય એ, મને શું ફેર પડવો જોઈએ?’
- અત્યારે પણ તેણે મા-પિતાજીને એ જ મતલબનું કહ્યું, ‘અતિરાજ કેવળ |
પેશન્ટ છે, મા. અકસ્માતે તે હૉસ્પિટલમાં આવ્યો અને સાજો થઈ આવતા વીકે જતો પણ રહેવાનો. એની નોંધ પણ આપણે શું કામ રાખવી?’
દીકરીનું લાગણીતંત્ર મા-બાપથી છૂપું નહોતું. તેની નિઃસ્પૃહતામાં બનાવટ પણ ન લાગી. દીકરી પહેલા પ્રેમને ભૂલી ગઈ, એમાં મળેલા ધોકાનું તેણે વેર પણ ન રાખ્યું... બસ, હવે તેના હૈયા પર ફરી પ્રણયપીંછીનો લસરકો મારનાર કોઈ એમાં પ્રણયકાર મળી જાય તો અમે કન્યાવિદાયનું સુખ પામીએ!
lll
‘હી ઇઝ ક્વાઇટ ફાઇન નાઉ.’
શનિની રાતે કલેક્ટરના ફૅમિલી-ફંક્શનમાં હાજરી પુરાવવા ગયેલા ડીન સુબોધ સરને ઘેરી પત્રકારોએ અતિરાજ બાબતે પૂછપરછ કરતાં તેમણે જાણકારી આપી, ‘અતિરાજને હિંમતનગર યા અમદાવાદ લઈ જવાનું વિચાર્યું હોય તો આયૅમ અફ્રેડ, તેમની ઇમર્જન્સી સચવાઈ ન હોત. મેં કહ્યું કે તેમને હવે જીવનું જોખમ નથી, એનો અર્થ એ પણ નહીં કે ખતરો પૂરેપૂરો ટળ્યો છે. હી સ્ટીલ નીડ્સ પ્રૉપર મેડિકલ એક્ઝામિનેશન. ઍન્ડ ધેટ્સ વૉટ વી આર ડુઇંગ. નાઉ ધેટ્સ ઑલ, થૅન્ક્સ.’
lll
ઇડરના ડીનનું હેલ્થ-બુલેટિન પત્યું એટલે રિમોટની સ્વિચ દબાવીને માન્યતાએ ટીવી બંધ કર્યું.
‘અતિરાજના જીવને જોખમ નથી, એમ ખતરો પૂરપૂરો ટળ્યો નથી એમ ડૉક્ટરે કહ્યું, મતલબ  હજી પણ અતિરાજને કંઈક થઈ શકે ખરું...’
માન્યતાની હથેળીમાં ખૂજલી આવવા માંડી. ૩૦૦ કરોડની ખૂજલી!
વીત્યા દિવસોમાં તેણે જાતને સમજાવી દીધી છે કે પોતાના સુખ ખાતર સ્વાર્થી બનવામાં કાંઈ ખોટું નથી. ‘૩૦૦ કરોડની લૉટરીની તક ઝડપી લેવામાં જ સમજદારી છે! મારે તો અતિરાજ ન બચે એવી જ પ્રાર્થના કરવાની હોય અને પ્રાર્થનાથી પણ કામ ન બન્યું તો કોઈ એવું છે જે પૈસા લઈને આ કામ કરી આપે?’
માન્યતાના દિમાગમાં ઝબકારો થયો, ‘એક વ્યક્તિ છે! નિહાર.’
પ્રોડક્શન-હાઉસ સાથેની અતિરાજની ડીલમાંથી કટકી લેતાં પોતે તેને જોયો છે. અતિરાજને ન કહીને નિહારને ઑબ્લાઇજ કરવા પાછળની ગણતરી એટલી જ કે જેની સાથે પોતે જીવનડોર બાંધવાની છે તેના પર વૉચ રાખનારું કોઈ તો હોય! ‘જોકે અતિરાજે મારાથી છાનુ કાંઈ કર્યું નથી એટલે નિહાર પર કરેલો ઉપકાર ઉધાર છે અને જે માણસ નિયતનો સાફ નથી તે પોતાના લાભ માટે ગમે તે કરી શકે!’
માન્યતાએ નિહાર સાથે ડીલ પાકી તો કરી, પણ ભાવિમાં શું લખ્યું છે એની કોઈને ક્યાં ખબર હોય છે?

આવતા અંકે સમાપ્ત

columnists Sameet Purvesh Shroff