મોહમાયા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

10 June, 2021 11:53 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ધ્રૂજતા હાથે નિહારે ફોન જોડ્યો. સામે તેની જ રાહ જોવાતી હોય એમ તરત કૉલ રિસીવ થયો, ‘યસ નિહાર, કામ થઈ ગયું?’

મોહમાયા

‘મૅડમ, પ્લીઝ.’
રવિવારે રાતે દસેક વાગ્યે હૉસ્પિટલ પાછી ફરેલી અદિતિ રિક્ષાના પૈસા ચૂકવી, બગલથેલો ખભે લટકાવીને પાછળના નર્સિસ ક્વૉર્ટર તરફ વળી. પાછળના ભાગમાં આમેય અત્યારે સન્નાટો હોય. ઝાંપા તરફની ઝાડીમાંથી દબાયેલો સાદ સંભળાતાં આપોઆપ તેના પગ થંભ્યા. આ અવાજ તો જાણીતો લાગે છે.
‘તમે વારંવાર ફોન ન કરો. મેં કહ્યુંને આજે કામ થઈ જશે. હા-હા, તમે મને કરોડ રૂપિયા આપવાના, પણ ઝેરના ઇન્જેક્શનની વ્યવસ્થા કરવી પડી, લાલચુ વૉર્ડબૉયને અલગ તારવીને તેને હમણાં જ અતિરાજની રૂમમાં મોકલ્યો છે.’
‘ઝેર, ઇન્જેક્શન, અતિરાજ!’ અદિતિની છાતી હાંફવા માંડી.
‘પેલી નર્સ અદિતિ બહુ ચતુર છે. સારું છે તેને ગામ જવાની સદ્બુદ્ધિ સૂઝી. તેની ગેરહાજરીમાં જોકે કામ પતી જવાનું.’
‘નહીં!’ અદિતિએ દોટ મૂકી, સડસડાટ પૉર્ચનાં પગથિયાં ચડીને તે લિફ્ટની રાહ જોયા વિના સીડી ચડી ગઈ. પહેલા માળની છેવાડેની સ્પેશ્યલ રૂમ તરફ ભાગી. હાંફતા શ્વાસે નૉબ ઘુમાવીને દરવાજો ખોલતાં ચીખી, ‘સ્ટૉપ!’
પીઠ પાછળની ચીસે અતિરાજના બાવડામાં ઇન્જેક્શન મૂકવા ઝૂકેલો વૉર્ડબૉય સુલતાન ધ્રૂજ્યો, અતિરાજની નિંદર તૂટી, ‘શું થયું અદિતિ?’
જવાબ દેવાને બદલે અદિતિએ ચીસાચીસ કરી મૂકી, ‘કોઈ જલદી આવો, આ સુલતાન પેશન્ટને ઝેર દઈ રહ્યો છે!’
‘હેં!’
lll
થોડી વાર પૂરતી હૉસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ. સિરિન્જ ફેંકીને ભાગવા ગયેલા સુલતાનને બીજા વૉર્ડબૉય-આયાએ ઝડપી લીધો. કોઈએ ડીન સરને તેડાવ્યા, કોઈએ પોલીસ બોલાવી. અદિતિના ધ્યાનમાં આવ્યું, ‘સુલતાન તો પ્યાદું છે, કોઈ મૅડમના કહેવાથી અતિરાજનો મર્ડર-પ્લાન કરનાર આદમી. ઓહ, યા એ અવાજ અતિરાજના મૅનેજરનો હતો. હી ઇઝ રાઇટ ધેર... પાછલા ભાગની ઝાડીમાં છુપાયો છે!’
તેને ઝડપી લેવાયો. સુલતાનવાળી સિરિન્જમાંથી ઢોળાયેલા પ્રવાહીનું પૃથક્કરણ થયું. એ ઝેર હોવાનું પુરવાર થતાં નિહાર ભાંગી પડ્યો. ઇન્સ્પેક્ટરની બે થાપટે મોં ખૂલી ગયું, ‘અસલી 
ગુનેગાર હું નથી સાહેબ, મને તો માન્યતા મૅડમે ફસાવ્યો.’
‘મા...ન્ય...તા...’ અદિતિ હાયકારો નાખી ગઈ. આ સમયે અતિરાજની રૂમમાં તેમના બે અને ઇન્સ્પેક્ટર-મૅનેજર સિવાય બીજું કોઈ નહોતું.
માન્યતાનું નામ સાંભળીને અતિરાજનાં જડબાં તંગ થયાં, સાજો 
હોત તો મૅનેજરને તેણે ત્યાં ને ત્યાં ઝૂડી નાખ્યો હોત.
‘ઇન્સ્પેક્ટર, અદિતિ...’ તેણે હાથ જોડ્યા, ‘મને બે મિનિટ આ માણસ સાથે એકલો રહેવા દો... પ્લીઝ.’
ઇન્સ્પેક્ટરે અદિતિ સામે જોયું. બન્ને બહાર નીકળ્યાં. દરવાજો બંધ થયો.
 ‘તારી પાસે કોઈ સબૂત છે નિહાર?’ સર કેટલી ઠંડકથી પૂછે છે. થરથરતા નિહારે ડોક ધુણાવી, ‘મૅડમ એટલાં તો ખબરદાર હોયને. તેઓ હંમેશાં વૉટ્સઍપ-કૉલ કરતાં જે રેકૉર્ડેબલ નથી હોતા.’ વળી માફી માગતાં તે રડી પડ્યો.
‘ચાર વર્ષની વફાદારી તેં કેટલામાં વેચી, નિહાર?’
‘મૅડમે એક કરોડ રૂપિયા આપવા કહેલું.’
‘હંઅઅઅ. માન્યતાને ફોન જોડ. બહુ નૉર્મલ ટોનમાં વાત કર કે મેં મોકલેલા આદમીએ અતિરાજને ઝેર આપી દીધું હશે... ડુ ઇટ.’
ધ્રૂજતા હાથે નિહારે ફોન જોડ્યો. સામે તેની જ રાહ જોવાતી હોય એમ તરત કૉલ રિસીવ થયો, ‘યસ નિહાર, કામ થઈ ગયું?’
માન્યતાના સ્વરે અતિરાજ આંખો મીંચી ગયો. ખૂલી ત્યારે દ્વિધા નહોતી.
‘ઑલમોસ્ટ મૅડમ, તમે કહેલું એમ, અતિરાજના મર્ડર માટે વૉર્ડબૉયને ઝેરનું ઇન્જેક્શન આપીને મોકલાવી દીધો છે. આમાં હૉસ્પિટલની જ બદનામી થવાની, આપણા પર કોઈને શક નહીં રહે.’
‘વેરી ગુડ, કીપ મી અપડેટેડ.’ તેણે કૉલ કટ કર્યો. નિહારના હાથમાંથી ફોન વચકી પડ્યો.
માન્યતાએ પહેલી વાર સીધી ઑફર મૂકી ત્યારે હેબતાઈ જવાયેલું. અતિરાજના મૃત્યુથી મૅડમને જરૂર મોટો આર્થિક લાભ થવાનો હશે. એક કરોડની સોપારીએ લલચાવ્યો. આ કામ સાવધાનીથી થવું જોઈએ, ડૉક્ટર-નર્સ આવું કરે નહીં, વૉર્ડબૉય કે આયાને જ સાધવાં પડે. પોતે નજર રાખતો રહ્યો એમાં સુલતાન ગરજાઉ લાગ્યો. ૫૦,૦૦૦ રૂપિયામાં તે તૈયાર થયો, પણ અણીના સમયે 
અદિતિએ ટપકીને આખો ખેલ બગાડી નાખ્યો.
‘માન્યતા તને હવે ફદિયુંય નહીં આપે નિહાર, પણ હું તને જરૂર એક કરોડ રૂપિયા આપીશ...’ અતિરાજની કીકીમાં સખતાઈ ઊપસી, ‘બસ, આખા કેસમાં માન્યતાનું નામ ક્યાંય આવવું ન જોઈએ!’
‘હેં.’
lll
‘વૉટ!’
અદિતિ માની ન શકી. ચાર મિનિટના એકાંત પછી દરવાજો ખૂલતાં જ નિહારે બયાનમાં પલટી મારી હતી, ‘પેટનો દાઝ્‍યો ગામ બાળે એમ મેં માન્યતા મૅડમને ફસાવવા તેમનું નામ લીધું. બાકી સરને મારવાનું પ્લાનિંગ મારું હતું. મને તેમના સ્ટાર સ્ટેટ્સની ઈર્ષા હતી, ઇન્સ્પેક્ટરસાહેબ, એટલા માટે મેં આ પગલું ભર્યું!’
કારણ બાલિશ હતું, પણ કબૂલાતની મક્કમતા અને પુરાવાના અભાવે માન્યતાને જરૂર ક્લીનચિટ મળી જવાની!
‘આ સોદો અતિરાજે કેટલામાં કર્યો હશે? આ પણ કેવી જીદ. પ્રેયસીની દેખીતી સંડોવણી સામે આંખ આડા કાન કરીને અતિરાજ શું પુરવાર કરવા માગે છે? કદાચ મારી સામે તેણે ભોંઠા પડવું ન હોય, તને ત્યજીને હું સુખી જ થયો છું એ ભ્રમ ભાંગવો ન હોય...’
‘પણ હવે એથી શું ફેર પડે? માન્યતાના ગુનામાં મને શંકા નથી અને અતિરાજ પ્રત્યે દયા જ જાગે છે - બિચારા!’
lll
ઇટ્સ ઑલ ઓવર!
અતિરાજનું હૈયું અજંપ છે, ‘માન્યતાને આ શું સૂઝ્‍યું? મેં તો તેને દિલ ફાડીને પ્રેમ કર્યો, પણ તે કેવળ પોતાના સ્વાર્થે મારી સાથે બંધાઈ હતી. જીવતા કરતાં મરેલો અતિરાજ વીમાના ૩૦૦ કરોડ આપી શકે એમ છે એ ધ્યાનમાં આવતાં તેની અસલિયત ઊઘડી ગઈ.’
‘આ ચોટ આત્મમંથન માટે પ્રેરે છે. બાળપણમાં મને માવતરનો પ્રેમ ન મળ્યો, જવાનીમાં જેને ચાહી તેણે ધોકો કર્યો.’ પણ આની ફરિયાદ ન હોય. બદલો ભલાબૂરાનો અહીં જ મળે છે. બાળસખી તરીકે જે મારાં અશ્રુ લૂછતી, પ્રેયસીરૂપે જેણે પોતાનાં ઘરેણાં મને ધરી દીધાં એ અદિતિ પ્રત્યે મારું માન બદલાયું, મેં તેને ધોકો આપ્યો, પછી મને ધોકો મળ્યાની ફરિયાદ કેમ થાય! અરે, અદિતિએ તો મારા માટે નફરત કે વેર પણ રાખ્યું નથી, બલકે તેની સમયસૂચકતાએ હું મરતાં બચ્યો. તેની સમક્ષ હું ખુદને કેટલો વામન મહેસૂસ કરું છું. પણ હું તારા જેટલો મહાન નહીં થઈ શકું, અદિતિ! તને તરછોડ્યાના ગુનાનો પસ્તાવો હવે પારાવાર ઊભરાય છે. તારી ક્ષમા માગતાં પહેલાં એક કામ પતાવવાનું રહે છે - રિવેન્જ!’
‘બટ હાઉ?’
‘અતિરાજનો જીવ જોખમમાં છે. માન્યતા તેના ૩૦૦ કરોડના વીમા ખાતર તેને મરાવી શકે છે... આવું કંઈક અદિતિ પાસે ટ્વીટ કરાવ્યું હોય તો?’
‘ના, ના. વેરની લડાઈમાં અદિતિને વચ્ચે નથી નાખવી. માન્યતા ઊલટી તેને બદનામ કરી મૂકે! અહં, બરબાદ તો હવે માન્યતાએ જ થવાનું છે!’
અતિરાજનું વેર ઘૂંટાય છે.
lll
‘અતિરાજ ગયા?’
ત્રીજી સવારે ડ્યુટી પર ચડતી અદિતિ અતિરાજના અર્લી ડિસ્ચાર્જના ખબર જાણીને થોડી હેબતાઈ, ‘અતિરાજ એકાએક વહેલા પરોઢિયે ઍમ્બ્યુલન્સમાં મુંબઈ જવા રવાના થઈ ગયા?’
‘ગઈ કાલનો આખો દિવસ અટેમ્પ્ટ ટુ મર્ડર કેસની નોંધણીમાં ગયો. ઘટનાની પબ્લિસિટી ન કરવાની અતિરાજની વિનવણીને કારણે ‘અતિરાજના મૅનેજરની ધરપકડ’ના સમાચાર ખૂણેખાંચરે છપાયા હશે, એટલે સોશ્યલ મીડિયામાં પણ એનું ગજવણું ન થયું. અને હવે ખબર પડે છે કે જનાબ રાતોરાત હૉસ્પિટલ પણ છોડી ગયા! મને મળવાય ન રોકાયા?’
અદિતિએ માથું ખંખેર્યું, ‘ના રે ના, મારે એવી અપેક્ષા પણ કેમ રાખવી. મારે ને અતિરાજને શું?’
ત્યાં નર્સ સુગંધા આવી,
‘અદિતિ, જતી વેળા તારા માટે અતિરાજ સર આ કવર આપતા ગયા. જો, ટિપ સાથે થૅન્ક્સ-નોટ હોવી જોઈએ.`
રૂમમાં જઈ અદિતિએ કવર ખોલ્યું. ‘અતિરાજે ટિપ મૂકવાની હિમાકત કરી હશે તો...’
-પણ ના, અંદર કેવળ પત્ર હતો. લખ્યું હતું...
અદિતિ,
ઘણી વાર વિચાર્યું કે મારો ઍક્સિડન્ટ ઇડર આગળ જ કેમ ઘટે અને નર્સ તરીકે તારી જોડે પુનઃ સંધાન કેમ થાય? કુદરત કેવળ સંજોગ સર્જતી હોય છે, અદિતિ, એમાંથી જિંદગીનો જોગ આપણે તારવી લેવાનો હોય. આજે એ તારવણી મને સમજાઈ છે. મારી જિંદગીમાં તારા આગમનનું પ્રયોજન મને મારી જિંદગીનો આયનો દેખાડવાનું હતું, મને ષડ્‍યંત્રમાંથી ઉગારવાનું હતું. આ ઋણ ઊતરી શકે એવું નથી, અદિતિ મારે ઉતારવું પણ નથી. જે બન્યું એણે મારું અભિમાન તોડ્યું, અદિતિ. તારી કિંમત મને સમજાઈ. શું થાય, કેટલુંક જ્ઞાન ઠોકર ખાધા પછી જ આવે છે. તને મળ્યા વિના જાઉં છું એનું માઠું ન લગાડીશ. જાણું છું, હું તારા હૈયે નથી, તને લાયક પણ નથી, પરંતુ તારું હૈયું હજી કોરું છે એ પણ જાણું છે અને એટલે લખવાની લાલચ રોકી શકતો નથી કે હું પાછો આવીશ અદિતિ. આ વખતનો વાયદો ખોટો નહીં ઠરે. તું આમાં પણ મારો સ્વાર્થ જોઈશ એ જાણવા છતાં પૂછવાની લાલચ રોકી શકતો નથી, મારો ઇન્તજાર કરીશને?’
તારો થઈ નહીં શકેલો, હવે તારો થવા માગતો,
અતિરાજ!
ચિઠ્ઠીનો શબ્દેશબ્દ અદિતિના હૈયે ઝંઝાવાત જગાડતો હતો. સમયનું ચક્ર ફરી પોતાને એ જ દ્વિભેટે લાવી ઊભું. ફરી એ જ પ્યારના માર્ગે જવું જ્યાં ઇન્તજાર લખાયો છે? કે પછી એનાથી પીઠ ફેરવી આગળ વધી જવું?
lll
ફાઇનલી, ઇટ્સ હૅપનિંગ!
માન્યતાની ખુશી - રાહત છૂપ્યાં છૂપાતાં નથી.
‘ઇડરમાં અતિરાજના મર્ડરનો પ્લાન ફળ્યો નહીં, નર્સની સાવધાનીને કારણે નિહાર ઝડપાયાના સમાચારે ધ્રાસ્કો પડેલો. પણ નિહારે મારું નામ ન આપ્યું એનો હાશકારો જેવોતેવો નહોતો. મર્ડરના પ્રયાસથી ચેતીને અતિરાજ મુંબઈ શિફ્ટ થઈ ગયો એની કાળજીનો દેખાવ કરી મેં તેને એ દિશામાં વિચારવા જ નથી દીધું. અને હવે, આજે, ઍક્સિડન્ટના મહિના પછી અતિરાજ એકદમ સ્વસ્થ છે એની પાર્ટીમાં શેમ્પેન ફોડીને તેમણે અમારી વેડિંગ-ડેટ અનાઉન્સ કરી મને જોઈતું આપી દીધું. જીવતો અતિરાજ કરોડનો છે, અબજ તો તેને ગમે ત્યારે મારીને મેળવી શકાય એમ છે.’
‘યુ સ્ટે હિયર ટુનાઇટ’ અતિરાજ માન્યતાના કાનમાં ગણગણ્યો.
અતિરાજના પેન્ટહાઉસમાં રોકાવાનો માન્યતાને ઇનકાર કેમ હોય? અગાઉ અનેક વખત અમે શરીરસુખ માણ્યું છે અને સુખ વરસાવવામાં અતિરાજ બેમિસાલ છે. માન્યતાને ખબર નહોતી કે આજે અતિરાજનો જુદો રંગ દેખાવાનો છે.
lll
‘અરે, અરે, આ શું કરો છો!’
માન્યતા ચીખી.
અતિરાજ આજે ગજબ મૂડમાં હતો. પહેલાં તેણે ખુદના હાથ-પગ બંધાવ્યા - ‘નાવ યુ જસ્ટ અટૅક મી!’ જવાબમાં પોતે પણ તેને રીઝવવાના આયાસમાં જંગલિયતપણે તૂટી પડી. હવે ઇન્ટિમેટ થવાની પળે દૂર સરીને અતિરાજ દીવાલમાં પોતાનું માથું શું કામ અફાળી રહ્યા છે? ‘હેલ્પ... હેલ્પ’ ચિલ્લાઈને આખા બિલ્ડિંગને શું કામ જગાડી રહ્યા છે?’
‘વાય? જસ્ટ ટુ સેટલ ધ ડ્યુ.’
‘ડ્યુ!’ પથ્થર જેવા સ્વરે બોલાયેલું વાક્ય છાતીમાં વાગ્યું. મતલબ સાફ છે, અતિરાજ તેના મર્ડરના પ્રયાસનું મૂળ જાણે છે અને હવે એનું વેર વાળી રહ્યો છે.
ધબ દઈને બેસી પડેલી માન્યતાને કંઈ સૂઝે એ પહેલાં દરવાજો ખોલીને કૅરટેકર ડોકાયો, બહાર પાડોશીઓનું ટોળું હતું.
‘સેવ મી...’ રડતો, ધ્રૂજતો 
અતિરાજ દોડી ગયો, ‘આ વહેશી બાઈ મારો જીવ લેશે!’
માન્યતા આંખો મીંચી ગઈ.
lll
કપાળમાં ચાર ટાંકા, બંધાયેલા હાથ-પગ, અર્ધનગ્ન શરીર પર ઠેરઠેર નહોર-બાઇટનાં નિશાન... છોગામાં વિક્ટિમનું બયાન ઃ માન્યતાને પુરુષની શ્રીમંતાઈ તો ખપે જ છે, સાથે માન્યતાની કામવૃત્તિ એક્સ્ટ્રીમ છે, ભૂખાવળી. સાચું કહું તો તેણે સતત મારા પર બળાત્કાર ગુજાર્યો છે. કદી ઇનકાર કરું તો આવી રીતે હાથ-પગ બાંધી મને બળજબરી...’ 
ધ્રુસ્કા અને ડૂસકાં ભરતું અતિરાજનું બયાન જોતજોતામાં વાઇરલ બન્યું, ‘એક સ્ત્રી પુરુષનું શારીરિક શોષણ કરે એ ઘટના આંખ ખોલનારી છે! આ બાઈ પાછી સ્મૉલસ્ક્રીન પર સીતા બની હતી, બોલો!’
માન્યતાનું એ ચીરહરણ હતું, ચારેકોર થૂથૂ થઈ રહ્યું. ગમે એટલું ચીખે-ચિલ્લાય એથી સમાજમાં સજ્જડ થયેલી છાપ ભૂંસાવાની નહીં. ટૉપનું બૅનર હવે હાથ નહીં ઝાલે, કરીઅર ખતમ, આબરૂ ખતમ. ખોટા કેસમાં ભેરવીને અતિરાજે એવો બદલો લીધો જેની ચોટમાંથી માન્યતા ક્યારેય ઊભરવાની નહીં!
‘જેવાં જેનાં કરમ, બીજું શું?’
lll
ધિસ ઇઝ રિવેન્જ!
અતિરાજની કરણીના ખબર ઇડરમાં અદિતિ સુધી પણ પહોંચ્યા. તેને સમજાઈ ગયું કે માન્યતાને મર્ડર અટેમ્પ્ટમાંથી બચાવવા પાછળ અતિરાજની ખરી મક્સદ તો વેર વાળવાની હતી. 
‘હવે?’
‘હવે શું... તું અપનાવશે તો તારો થઈને રહીશ. નહીં તો કોઈનો નહીં થાઉં.’
છેવટે મુંબઈનો પથારો સમેટીને અતિરાજ ગામ આવી ગયો હતો. નવીનભાઈએ તેને ગળે વળગાડ્યો, વખતવર્તી નયનાબહેને પણ માથે હાથ મૂક્યો, ‘બધું ભૂલી અમારો બુઢાપો સાચવી લેજે ભાઈ!’ 
  ‘એને માટે તમારી વહુ જોઈશેને.’ મા-પિતાને લઈને અદિતિના ઘરે આવી ઘૂંટણિયે બેસી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પળવાર તો અદિતિ માટે સર્વ કંઈ થંભી ગયું. અતિરાજની એક સમયની બેવફાઈ, ૧૦-૧૦ વર્ષનો વિયોગ - બધું ભુલાય એવું છે? ભૂલી જવું જોઈએ?
‘સવારનો ગયેલો સાંજે તારી પાસે જ આવ્યો છે, તારો થવા આવ્યો છે.’
દેવકીમાએ કહ્યું અને અદિતિને દ્વિધા ન રહી.
અતિરાજનો પ્રસ્તાવ સ્વીકારીને તે ફરી તેની મોહમાયામાં જકડાઈ ગઈ,  આ વખતે આ બંધન અતૂટ રહેવાનું એ નક્કી!
કથાના ઉપસંહારમાં એટલું જ કે અદિતિની પ્રેરણાથી અતિરાજે શેરીનાટકો યોજી અભિનયના હુન્નરથી જનજાગૃતિનો યજ્ઞ માંડ્યો. ગામમાં નાનકડું હેલ્થ સેન્ટર ઊભું કર્યું. સ્વાર્થ વિનાનો પરમાર્થ કરનારને દુઃખ સ્પર્શતાં નથી, એટલે અતિરાજ-અદિતિના સંસારમાં સુખ જ સુખ રહ્યું એ ઉમેરવાની જરૂર ખરી?

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff