મુખવટો – સાધુ કે શૈતાન? (પ્રકરણ ૨)

10 March, 2026 11:02 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

નિશ્વાસ ખાળી અવનિએ રાતનો સંકલ્પ ફરી ઘૂંટ્યો : મારે આકારને આવું કંઈ પૂછી શરમમાં મૂકવાના ન હોય. તે ભલે અન્ય કોઈના થાય, હું તો જન્મોજનમ તેમને જ ચાહતી રહીશ, પૂજતી રહીશ, તેમની ખુશીની જ કામના કરતી રહીશ.

ઇલસ્ટ્રેશન

‘બ્યુટિફુલ!’

પીઠ પાછળના સાદે ભડકી હોય એમ અવનિએ ઉઘાડા બદન પર ટુવાલ ઢાંકી દીધો. અરીસામાં કાંપતી નજર નાખી તો પાછળ ઊભો આકાર શરારતભર્યું મલકતો દેખાયો: મારાથી શું કામ પડદો કરે છે, અવનિ! સૌંદર્યનો આ ખજાનો તું મારા નામે જ નથી કરવાની?

અવનિના હોઠ કાંપ્યા: હું તો કણ-કણથી તમારી થઈ ચૂકી છું આકાર, પણ તમે કોઈ બીજીને પસંદ કરી બેઠા છો એનું શું?

આકારને પૂછવા તેણે ગરદન ઘુમાવી, પણ આ શું? આકાર ક્યાં!

સપનું કહો કે વહેમ! બંધ કમરામાં આકુ ક્યાંથી આવી શકવાના!

નિશ્વાસ ખાળી અવનિએ રાતનો સંકલ્પ ફરી ઘૂંટ્યો ઃ મારે આકારને આવું કંઈ પૂછી શરમમાં મૂકવાના ન હોય. તે ભલે અન્ય કોઈના થાય, હું તો જન્મોજનમ તેમને જ ચાહતી રહીશ, પૂજતી રહીશ, તેમની ખુશીની જ કામના કરતી રહીશ.

‘અવનિ, કૉફી તૈયાર છે.’ બહારથી ભામિનીમાનો સાદ સંભળાયો.

‘કમિંગ, મૉમ!’

વાહ. આકારને ડાર્ક કૉફી પસંદ છે એ જાણી તમને બહુ ભાવતી ચાનો અભાવ થઈ ગયો છે. તમારા પર્સના ખાનામાં મલ્ટિકલર હેરબૅન્ડ રાખતાં થઈ ગયાં છો મૅડમ અને ઑફિસ જઈ તમારી સાડી સાથે નહીં પણ આકારે જે રંગનું બ્લેઝર પહેર્યું હોય એને મૅચિંગ હેરબૅન્ડ નાખો છો. ઇસ પ્યાર કે ક્યા કહને, મિસ અવનિ!

પ્રતિબિંબની ટકોરે લજ્જાથી રાતી થતી અવનિએ અરીસા સામેથી મોં ફેરવી લીધું. હૈયે ઘર કરી ગયેલા સાયબાને દુનિયાથી છૂપો રાખવો હોય એમ કંચુકીબંધ ભીંસી તેણે સાડીનો છેડો નાખી તૈયાર થવા માંડ્યું.

‘તારે ઑફિસમાં સાડી પહેરવાની હોય છે?’ મા શરૂ-શરૂમાં અચરજ જતાવતી: અને તમારી જેન-ઝી એ મંજૂર રાખે!

માને કેમ કહેવું કે સાડી પહેરી હોય ત્યારે આકારની નજર હટતી નથી એવા બેચાર વારના નિરીક્ષણ પછી સાડી પહેરવાનું મેં મરજીથી કાયમી કરી નાખ્યું છે!

આકારને ગમતું જ કરવું એવો જાણે મુદ્રાલેખ બની ગયો છે. આકુની કૅબિન ગોઠવવી તેને ગમતી. આકારને તરત તો ધ્યાનમાં ન આવે, પણ પછી તે ઇન્ટરકૉમ રણકાવે : મારી કૅબિનમાં રજનીગંધાનાં ફૂલ તમે સજાવ્યાંને, ઇટ્સ લવલી!

અને અવનિને સાર્થકતા અનુભવાય.

ક્યારેક આકારની અપૉઇન્ટમેન્ટ ડિસ્કસ કરતી વેળા આકાર બોલી ઊઠે : તારી આ રેડ સાડી જોડે કૅશમાં રાતું ગુલાબ પણ નાખ્યું હોત તો!

પોતાને ગમતો જુવાન શણગારની દરકાર લે એથી વધુ વહાલો લાગવા માંડે. પછી તો રિસેસમાં નજીકની ફ્લાવર શૉપ પર જઈ અવનિ ગુલાબ લગાવીને જંપે. આકાર એ નોટિસ પણ કરે : જોયું, નાઓ યુ લુક પ્રિટિયર! કોઈને પણ ગમી જાઓ એવાં લાગો છો.

એ ‘કોઈને પણ’માં તમે આવો ખરા? હૈયે ઊઠતો સવાલ અવનિના હોઠે અટકી જતો. પોતે આકારને ચાહવા લાગી છે, પણ આકારની કોરી હૈયાપાટી પર મારું નામ લખાઈ ચૂક્યું હશે?

આની મીઠી મૂંઝવણ હતી. આકાર ક્યાં કશું કહે છે? પણ ક્યારેક તેની આંખો જોઉં તો લાગે ત્યાં હું જ હું છું!

પણ એ ભરમ ગયા મહિને ભાંગી ગયો. આકુએ અણધારી રજા પાડી એમાં આનંદસરે ભેદ ખોલ્યો કે તેને જોવા છોકરીવાળા આવવાના છે! બીજા દહાડે આકુ પણ કેવો અધીરો લાગ્યો : ગ્રહોની યુતિને કારણે રોક લાગી ગઈ, બાકી મેં તો મારી ગમતી છોકરીને પ્રપોઝ કરી જ દીધું હોત!

ભલે. એમ તો એમ. ખભે પર્સ લટકાવતી અવનિએ દમ ભીડ્યો: પ્રીતમનું સુખ વાંછે એ જ સાચો પ્રેમ. હું એ કસોટીમાં પાર પડું એટલી મહેર રાખજે, ઈશ્વર!

lll

‘મા, હું નીકળું છું.’ 

‘આ તારું ટિફિન.’ ભામિનીબહેનને યાદ આવ્યું, ‘દીકરી, તને કહેવાનું રહી ગયું. આ અઠવાડિયે સમય કાઢી દમયંતીમાસીની ખબર પૂછતી આવજે. તે તને યાદ કરતાં હતાં.’

જૂના પાડોશી દમયંતીમાસી સાથે મમ્મીનાં બહેનપણાં છે. ગયા અઠવાડિયે બાથરૂમમાં સ્લિપ થતાં થાપાનું હાડકું ભાંગ્યું એમાં મહિનાનો ખાટલો થયો છે. મા તો તેમની ખબર પૂછવા જતી જ હોય છે, પણ મારેય જવું તો જોઈએ. નાનપણમાં માસીએ મને બહુ લાડ લડાવ્યાં છે.

‘ભલે મા.’

અવનિએ કહ્યું તો ખરું, પણ એ મુલાકાત ક્યાં દોરી જશે એની ત્યારે ક્યાં ખબર હતી?

lll

‘તમે બેઉએ હજી બ્રેકફાસ્ટ નથી પતાવ્યો?’

ડાઇનિંગ રૂમમાં ડગ મૂકતાં આરોહી બગડી, ‘આનંદ, તમે પેપર બાજુએ મૂકો ને આકુ, મોબાઇલમાંથી મોં કાઢ. નવરો પડ્યો નથી કે અવનિને નિહાળવા બેસી જાય છે.’

અવનિ.

આકારના હોઠ હસી પડ્યા.

ઇન્ટરવ્યુ આપવા આવેલી અવનિમાં કશુંક હતું કે પોતાની નજર જકડી રાખે. આકાર સાથે આવું પહેલી વાર થયું. ઘરે આવી તે તેની જ વાતો કરતો. એટલે તો ગયા વર્ષના મહિલાદિનની ઉજવણીમાં આરોહી અવનિને મળવા આતુર પણ હતી ને મળીને રાજી પણ થઈ હતી : આકુ તેને ખોટી તો નથી વખાણતો!  

અવનિ સાથે મેળ જામતો ગયો એમ હૈયે પ્રણયની કૂંપળ ફૂટતી ગઈ.

આનંદ-આરોહીથી એ ઓછું

છૂપું રહે!

‘છોકરીમાં કહેવાપણું નથી.’ આનંદે પૂરતી તપાસ કરાવી લીધી, ‘કરો કંકુના.’

અહીં આકાર ઢચુપચુ થઈ જતો : અવનિના હૈયે શું છે એ કેમ ખબર પડે!

‘બુદ્ધુ, તે તારી કૅબિન સજાવે, તને ગમતા શણગાર સજે એમાં જ સમજી જવાનું. પ્રેમનો એકરાર કરવા ઘૂંટણિયે તો તારે જ પડવાનું, ભઈલા મારા!’

‘વાહ, કેમ જાણે બનેવીલાલ તારા ઘૂંટણિયે પડ્યા હોય...’ આકારે કહેતાં આરોહીને પોતાની પ્રણયગાથા સાંભરી જતી.   

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગ્રૅજ્યુએટ થઈ એકવીસ વર્ષની ઉંમરે આરોહીએ પિતા દામોદરભાઈ સાથે નરીમાન પૉઇન્ટની કૉર્પોરેટ ઑફિસમાં આવવા માંડ્યું અને દીકરીને ઘડવાની જવાબદારી દામુભાઈએ તેમના વિશ્વાસુ બની ગયેલા આનંદને સોંપી.

ત્યારે તો આરોહીને એ નહોતું રુચ્યું. તેનો અહમ ઘવાયેલો : હું કેમ્બ્રિજની ગ્રૅજ્યુએટ, મારે મુંબઈની સાધારણ કૉલેજમાં વેપાર ભણેલા પાસેથી ટ્રેઇનિંગ લેવાની? ઘરે આવી પપ્પા સામે વિરોધ નોંધાવ્યો તો તે હસેલા : આનંદ પાસે કેમ્બ્રિજની ડિગ્રી ભલે ન હોય, તેના લોહીમાં વેપારની કોઠાસૂઝ છે. આપણે ત્યાં જોડાયાનાં ત્રણ જ વર્ષમાં એ કંપનીમાં ‘નેક્સ્ટ ટુ દામુશેઠ’ ગણાતો થઈ ગયો એ છોકરામાં કેટલું પોટેન્શિયલ હોય! એના પચાસ ટકા પણ તારામાં આવી જાય તો હું કાલે મારી ગાદી તને સોંપી દઉં.’

ત્યારે આરોહીએ દલીલ પડતી મૂકી, અહમને કોરાણે રાખી આનંદને અનુસરતી રહી. ધીરે-ધીરે સમજાતું ગયું કે મારી પાસે કેવળ ચોપડીનું ભણતર છે, એ આનંદના ગણતરથી મંજાયું.

તેમની વચ્ચે બુદ્ધિગમ્ય ચર્ચાઓ થતી. અને એક તબક્કે તે બોલી ઊઠતી : તમે હાર માની લો આનંદ નહીંતર હું તમને આઇ લવ યુ કહી બેસીશ!’

એ દિવસો વાગોળતી આરોહીના વદન પર અત્યારે પણ પહેલા પ્રણયની સુરખી છવાઈ : બિચારા આનંદ! એવા રાતાચોળ થઈ ઊઠતા. દલીલમાં જીતવાનું તો બહાનું હતું, ખરેખર તો હું હૈયું હારી ચૂકી છું એ જતાવવાનો આમાં આશય રહેતો. આનંદ અળગા રહેવા મથતા : તમારે આમ ન બોલવું જોઈએ. હૈયાને વારો આરોહી, તમારા પિતાએ મારા પર વિશ્વાસ મૂકી તમને ટ્રેઇન કરવાની જવાબદારી સોંપી છે. તેમનો ભરોસો મારાથી નહીં તૂટે. આપણી વચ્ચેનો અર્થભેદ તો જુઓ.

આનંદના પિતા નાનપણમાં ગુજરી ગયેલા. તેમની બચતમૂડી અને પેન્શનના આધારે વિધવા માતાએ એકના એક લાડકવાયાને જતનથી ઉછેર્યો હતો. કંપનીમાં લાગ્યા પછી તો આનંદે વરલીમાં સીફેસ અપાર્ટમેન્ટમાં લક્ઝુરિયસ ફ્લૅટ લીધો, કાર-શૉફર સહિતની જાહોજલાલી હતી. દામુશેઠે હોનહાર કર્મચારીને પારખવામાં થાપ નહોતી ખાધી ને પોંખવામાં ઊણા નહોતા ઊતર્યા.

‘અને છતાં તમને લાગતું હોય કે શેઠની છોકરી તમારા ઘરમાં ન સમાઈ શકે કે તમને ઘરજમાઈ તરીકે તાણી જશે તો આ બેઉ માન્યતામાં મારું, મારા ઉછેરનું અપમાન છે.’ આરોહી રણકાભેર કહેતી : તમારી આંખોમાં મારા માટેનો પ્યાર વરસે છે, આનંદ એ કબૂલાતો ન હોય તો એક વાર એટલું કહી જુઓ કે તમે મને નથી ચાહતા.’

‘જૂઠ કેમ કહું આરોહી? કબૂલ, હું તમને ચાહું છું. ભવોભવ ચાહતો રહીશ, પણ તમારી સાથે લગ્ન મને મારી સીમાનું ઉલ્લંઘન જેવું લાગે છે.’

આનંદને સમજાવી-મનાવી થાકેલી આરોહીએ સીધી પિતાને ધા નાખી : હું આનંદ સિવાય કોઈને પરણવાની નહીં, ડૅડી.

શેઠજીની કૅબિનમાં વન-ટુ-વન મીટિંગનો એજન્ડા ભૂલી આરોહીએ પ્રણયભેદ ખોલતાં આનંદ નીચું જોઈ ગયો. જાણે શેઠજી મારા માટે શું ધારશે, તેં મારા વેપાર પર નજર રાખી મારી દીકરીને ફોસલાવી એવું સંભળાવી દીધું તો ધરતીમાં સમાવા જેવું વસમું લાગશે.

‘હું તો નવી પેઢીને બહુ ફાસ્ટ સમજતો હતો...’ શેઠજીના શબ્દો સંભળાયા. આનંદે મહાપ્રયાસે ગરદન ઊંચી કરી તો તે મલકાતા દેખાયા, ‘પણ આટલે સુધી પહોંચવામાં તમે છ મહિના લગાડ્યા!’

હેં! ચોંકી જતાં આનંદ-આરોહીને ત્યારે સમજાયું કે અમે નિકટ આવીએ એ હેતુથી જ ડૅડીએ ટ્રેઇનિંગનો કારસો ગોઠવ્યો હતો!

‘શું કરું, આરોહીને પહેલાં કહ્યું હોત તો તેનું કેમ્બ્રિજનું ગુમાન આડે આવ્યું હોત.’ હસી લઈ તેમણે ઘરનો નંબર ઘુમાવ્યો, પત્નીને વધાઈ આપી : કંસાર રાંધો, અમે વેવાણને લઈને બંગલે આવીએ છીએ! 

પછી રંગેચંગે લગ્ન, અદ્વિતીયનું આગમન. મારા ડૅડી અને આનંદનાં વિભામા એ સુખ જોઈને ગયાં એનો સંતોષ. ઑફિસમાં ધીરગંભીર રહેતો આનંદ વાસ્તવમાં જૉલી છે. આકુ માટે અદિ જેટલો જ પ્રોટેક્ટિવ. આકાર પણ આનંદને પિતાનું માન આપતો અને આરોહીને આનો ભારોભાર ગર્વ હતો. આકારને જેટલું આનંદનું દાઝતું એટલો જ અદ્વિતીય તેને વહાલો હતો. નવ વર્ષનો થયેલો અદિ પણ આકુમામાનો હેવાયો. બન્ને એક થઈ આરોહીને પજવે પણ એટલી જ. પણ આનંદ આવતાં જ એવા ડાહ્યાડમરા થઈ જાય! 

આકાર બાબત અવનિનું મન જાણવાનો ઉપાય આનંદે જ

સૂચવ્યો, એ અનુસાર આકારે અમસ્તી રજા પાડી એમાં અવનિના પ્રત્યાઘાતે આનંદથી આંખના ખૂણે મલકી જવાયેલું અને ત્યારનો આકુ તો સાતમા આસમાનમાં વિહરવા લાગ્યો છે.  

‘હમણાં કોઈ કશું કરશો નહીં!’ 

દીકરાને કોઈ છોકરી ગમી છે જાણી મીતાબહેન હરખાયેલાં. સારા પ્રસંગે જોશીની સલાહ લેવાની તેમને ટેવ હતી. દીકરાના જન્માક્ષર લઈ તે તેમના વિશ્વાસુ બની ગયેલા વિલે પાર્લેવાળા જદુનાથ મહારાજ પાસે ગયા તો તેમણે જોશ જોયા વગર જ ખમી જવા કહ્યું :  હમણાં ગ્રહોની યુતિ શુભ કાર્ય માટે અનુકૂળ નથી. તમે જુઓ છોને, વિશ્વભરમાં કેવો તનાવ પ્રસર્યો છે? એ બધું આ યુતિના જ પ્રતાપે. આ બે મહિના તો જવા જ દો.

ઘરે આવી તેમણે જોશીનું રેડ સિગ્નલ દેખાડતાં દલીલ ન થઈ. પણ જોશીની પાબંદી પતે કે મારો ભઈલો અવનિને ઘૂંટણિયે પડી આઇ લવ યુ કહી દેવાનો! હું તો તેને ચીડવતી પણ હોઉં છું કે હજી તો ભાભી આવી નથી ને ભઈલો મારો વહુઘેલો થઈ ગયો!

મલકી પડતી આરોહીએ ચપટી વગાડી વળી બેઉનું ધ્યાન ખેંચ્યું, ‘પાંચ મિનિટમાં નાસ્તો પતાવી બેઉ મારું ઘર ખાલી કરો. મારે બીજાં ઘણાં કામ છે. અદિ સ્કૂલથી આવે પછી કશું કામ થતું નથી.’  

અને આકારને ગ્રાઉન્ડ ફ્લોર પર ઉતારી લિફ્ટમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પહોંચતા આનંદે પોતાના PAને ફોન જોડ્યો: હલો, વિલિયમ? 

lll

વિલિયમના કપાળે પ્રસ્વેદ ફૂટી નીકળ્યો.

ધિસ ઇઝ બ્લૅકમેઇલિંગ. કોઈ અજાણ્યો મને અજાણ્યા નંબર પરથી ફોન કરી મારું વર્ષો જૂનું લફરું યાદ અપાવી મને આનંદ સરનો પાસપોર્ટ ચોરવા દબાણ કરે છે!

હવે?

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff