05 October, 2026 01:06 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
આ હુશ્ન!
અધખૂલી આંખો સામે તરવરતા જોબનના દીદારે તનબદનમાં સળવળાટનું તણખલું પસાર થયું ન થયું કે બુઝાઈ ગયું.
બંધ બેડરૂમમાં સૂતેલા પતિની પણ મરજાદ નડતી હોય એમ લૂગડાનું આવરણ રાખીને અંગો કોરાં કરતી સદ્યસ્નાતા પત્ની પોતાના જાગી ગયાના અહેસાસથી લજામણી બની જશે એ વિચારે પાંપણ બીડીને અંતરીક્ષ પડખું ફરી ગયો.
‘જાગને જાદવા...’
ધીમા કંઠે પ્રભાતિયું શરૂ થયું એટલે ધારી લીધું કે વસ્ત્રો ધારણ કરી ચૂકેલી અરુંધતી ડ્રેસિંગ-મિરર સામે ઊભા રહીને કપાળે કંકુ કરી રહી હશે.
‘મારી અરુ આજકાલની છોકરીઓ જેવી ઉછાંછળી નથી.’
પત્ની તૈયાર થઈ, પોતાના ચરણસ્પર્શ કરીને રૂમની બહાર નીકળી ગઈ એટલે પથારીમાં બેઠા થઈને અંતરીક્ષે વાગોળ્યું:
એકના એક દીકરાનાં લગ્ન માટે માએ કન્યા તરાશવા માંડી એમાં બીલીમોરાના વતન નજીકના અમલસાડની અરુંધતી મા-દીકરા બેઉને ગમી ગયેલી - પોતપોતાનાં કારણોસર.
ગોરી, નમણી અરુંધતીનું જોબન બે કાંઠે વહેતી નદીની જેમ હિલોળા લેતું હતું. કોઈ શિલ્પકારે ફુરસદમાં ઘડ્યો હોય એવો કાયાનો ઘાટ, રૂપાળા મુખડાને શોભાવતી મૃગનયની જેવી આંખો, રસઝરતા હોઠ, મરોડદાર ગ્રીવા પરથી નજર નીચે સરકાવ્યા બાદ ઉપર ઊઠી ન શકે એવું અંગોનું ચુંબકીય આકર્ષણ...
અલબત્ત, અંતરીક્ષ પોતે કમ આકર્ષક નહોતો. કૉલેજમાં છોકરીઓ તેના માટે ‘ઇરરેઝિસ્ટેબલ’નો કોડવર્ડ વાપરતી એથી બહેકવાના અંતરીક્ષના સંસ્કાર નહોતા.
દીકરાનાં રૂપ-ગુણનો માબાપને સ્વાભાવિક ગર્વ રહેતો. જોકે કૉલેજના અંતિમ વર્ષમાં પિતાના દેહાંત બાદ મા-દીકરાએ એકમેકને સંભાળી લીધેલાં. બીલીમોરામાં પોતીકું મકાન હતું. પિતાનું અડધું પેન્શન આવતું એટલે આર્થિક મોરચે નિશ્ચિંતતા હતી. એમ એકલી પડેલી મા ખાતર દીકરો તેનાં સમણાં સમેટે એ વિદ્યાબહેનને મંજૂર નહોતું : તને પર્વતો કેટલા ગમે એ હું શું નથી જાણતી. કેટલીયે વાર તું તારા પિતાને કહેતો કે તારી
ઇચ્છા હોટેલ મૅનેજમેન્ટનું ભણીને કોઈ હિલ-સ્ટેશને સ્થાયી થવાની છે. એમાં તારા પિતાનો હોંકારો હતો. હવે ગામમાં નોકરી મેળવીને થાળે પડવાની વાતો ન કરીશ. ગ્રૅજ્યુએશન પત્યું તો આગળ હોટેલનું જ ભણવાનું છે.
માના આદેશે અંતરીક્ષ ગદ્ગદ બનેલો. ખરેખર તો પપ્પાએ વર્ષમાં એક વાર ફરવા જવાની પ્રથા પાડેલી. આબુ, મસૂરી, માથેરાન ફર્યા પછી કિશોરાવસ્થાથી અંતરીક્ષને હિલ-સ્ટેશનનું ઘેલું લાગેલું : પપ્પા, આપણે કાયમ કોઈ હિલ-સ્ટેશને ન રહી શકીએ! નવનીતભાઈ મલકાતા, દીકરાને પાનો ચડાવતા : મારા માટે તો હવે જૉબ બદલવી મુશ્કેલ, પણ તું જરૂર એવી કરીઅર પસંદ કરી શકે જે તને ગિરિમથકે વસવાની તક આપે.
એમાંથી જ હોટેલ મૅનેજમેન્ટનું સૂઝેલું. પિતાના ગયા બાદ માએ એ સમણું તૂટવા ન દીધું અને કોર્સ પતાવી, એકાદ-બે જગ્યાનો અનુભવ લઈને તે મહાબળેશ્વરના રસ્તે સહ્યાદ્રિની પર્વતમાળામાં આવેલા ઓછા જાણીતા પણ અનહદ રમણીય ગુલાબગંજ ખાતેના રિસૉર્ટમાં મૅનેજર તરીકે ગોઠવાયો.
આઠેક એકરમાં ફેલાયેલા ગોલ્ડી રિસૉર્ટની બાંધણી પોર્ટુગીઝ સ્ટાઇલની હતી. રમકડાનાં ઘર જેવાં કૉટેજિસ.
પૂલ-જિમ તો હોય જ. વૅલી ક્રૉસિંગ જેવા ઍડ્વેન્ચર સ્પોર્ટની પણ વ્યવસ્થા હતી. ગિરિમથકની સૌથી ઊંચાઈએ આવેલા રિસૉર્ટના છેડેથી સામી હિલ પર
આવવા-જવાની સવલતનો ઘણી વાર રિસૉર્ટના કામે પણ ઉપયોગ થતો. ખાસ કરીને માલસામાનની હેરફેર માટે.
અંતરીક્ષનું ક્વૉર્ટર રિસૉર્ટના પ્રિમાઇસિસમાં જ, છતાં પ્રાઇવસી રહે એમ અલાયદું હતું. વૅલી ક્રૉસિંગનો રિસૉર્ટ તરફનો છેડો અહીંથી નજીક પડતો. ચારે બાજુ પહાડો, હરિયાળાં વૃક્ષો, તાજી હવા.
‘આ તો સ્વર્ગ જેવું છે!’ વિદ્યાબહેન થોડા મહિના અહીં રહી જતાં.
દીકરો રિસૉર્ટનો સર્વેસર્વા જેવો છે એ
જોઈ-જાણીને પોરસાતાં.
અંતરીક્ષને પણ ગુલાબગંજમાં ગોઠી ગયું હતું. પોતાની સૂઝથી કૉર્પોરેટ્સની ઍન્યુઅલ ઇવેન્ટ્સ, OTT સિરીઝનું શૂટ રિસૉર્ટમાં કરાવીને અંતરીક્ષે મુંબઈ રહેતા રિસૉર્ટના ઓનર્સનો ભરોસો જીતી લીધેલો.
‘હવે તને પરણાવી દેવો છે.’
અંતરીક્ષ છવ્વીસનો થતાં વિદ્યાબહેને કહેણ લેવાનું શરૂ કર્યું. છોકરી જોવાનો ઉમળકો અંતરીક્ષમાં પણ પડઘાતો. વયસહજ અરમાન હૈયે ઘૂંટાતાં. ગુલાબગંજના રમણીય માહોલમાં કોઈના સાથની ઝંખના જાગતી. ઠંડી રાતે તાપણાની ગરમી ક્યાં સુધી લેવી, એના કરતાં કોઈના બદનનો ગરમાટો મળે તો... અંતરીક્ષનું એકાંત ભડકે બળતું.
અને અરુંધતીને જોતાં જ જાણે પોતાની પ્યાસને ઠારનારી નદી આ જ હોય એવું અનુભવ્યું.
વિદ્યાબહેનને પણ છોકરી ગમી, એ જરા જુદા કારણસર.
‘મારી અરુ આજકાલની છોકરીઓ જેવી ઉછાંછળી નથી...’ અરુંધતીનાં માતુશ્રીની જીભ સુકાતી નહોતી, ‘હોશિયાર છે, સાઇકોલૉજીમાં MA થઈ છે. રૂપ તો તમે જુઓ જ છો... પણ આ બધા ગુણ તો હજી ઘણામાં હોય, મારી અરુની વાત જુદી. તેને આખું યમુનાષ્ટક મોઢે છે. અમારી તો સવાર જ તેનાં પ્રભાતિયાંથી પડે. અમારે બાજુની શેરીમાં હવેલી છે. સવારની મંગળા આરતીમાં પહોંચનારી તે પહેલી હોય. ચોથ-અગિયારસ હોય કે પૂનમ, શ્રાવણના સોમવાર હોય કે નવરાત્રિના ૯ દિવસ, વ્રત કે એકટાણાંમાં તે ક્યારેય ચૂકતી નથી.’
ઓહોહોહો. વિદ્યાબહેન પ્રભાવિત થયાં : આટલું તો કદી મારાથી નથી થયું. માનાં વખાણથી બિચારી સંકોચાય છે પણ કેવું!
‘તમે કદાચ મારી નણંદની મોટી દીકરી વિશે સાંભળ્યું હશે...’ મમતાબહેને કહેતાં અરુના પિતાએ નારાજગી જતાવી, ‘એ બધું જવા દોને.’
‘તમે ચૂપ રહો.’ મમતાબહેને આંખો કાઢી, ‘પોતાની બહેનનો વાંક આવે એટલે શાના બોલવા દો! પણ છોકરી જોવા આવનારા આખી વંશાવલી જોઈને આવતા હોય છે એટલે સામેથી કહેવામાં કશું ગુમાવાનું નથી, બલ્કે કહેવાથી ભરોસો પાકો થાય.’
વિદ્યાબહેન-અંતરીક્ષની નજરો મળી-છૂટી પડી. અરુંધતી તારકભાઈ-મમતાબહેનની એકની એક દીકરી છે. તારકભાઈની બૅન્કમાં ક્લેરિકલ જૉબ છે, ખોરડું સાધારણ સ્થિતિનું ગણાય અને ઘરનાં સૂત્રો મમતાબહેનના હવાલે છે એ તો દેખીતું છે. મહેમાનોની હાજરીમાં પતિને ડારો આપનારી સ્ત્રી પોતે જે કહેવા માગતી હશે એ કહીને જ રહેવાની.
‘મારાં નણંદ વિદુલાબહેન મારા પતિનાં મોટાં બહેન, સુરત પરણ્યાં છે. તેમની દીકરી મારી અરુથી દસ-બાર વર્ષ મોટી હશે. નણંદબા આમ તો બહુ ખબરદાર, પણ છોકરી જુવાનીમાં આવતાં જ ગલીના ગુંડા જેવા છોકરા જોડે ભાગી ગઈ.’
‘ઓહ...’ વિદ્યાબહેને આટલી વિગતે તપાસ નહોતી કરી, પણ આ કિસ્સાનો હવાલો આપીને મમતાબહેન કહેવા શું માગે છે એ સમજવું છે મારે.
‘બિચારી છોકરી આજે પણ દુખી છે. વર મારઝૂડ કરે, સાસુ મહેણાં મારે ને ખોળામાં ત્રણ-ત્રણ છોકરા. બધું મૂકીને નીકળાય પણ કેમ?’ કહેતાં મમતાબહેન મુદ્દે આવ્યાં, ‘મોહિની ભાગી ગઈ એ જાણ્યું ત્યારથી હું સજાગ થઈ ગઈ. અરુ તો ત્યારે હજી દસ-અગિયાર વર્ષની. કુમળો છોડ હતો, વાળીએ એમ વળે એવી તેની અવસ્થા હતી અને બસ, તેને મેં
સંસ્કાર-સંસ્કૃતિના રસ્તે વાળી. મારી સાથે હવેલીએ લઈ જતી, સવાર-સાંજ પાઠ કરાવતી. એ ચાર-પાંચ વર્ષ તો અમે ઘરે ટીવી પણ રાખ્યું નહોતું. ધીરે-ધીરે તે જ આપમેળે ધરમ-ધ્યાનમાં ઊંડી ઊતરવા માંડી. મને ભરોસો બેસતો ગયો પછી તો તેને વલસાડ કૉલેજ કરવાની પણ છૂટ આપી.’
વિદ્યાબહેને આમાં માની સતર્કતા જ જોઈ. જુવાનીના ચટકામાં દીકરી ભટક્યાનો દાખલો ઘરમાં હોય ત્યારે કોઈ પણ માએ સજાગ બની જવું ઘટે. મમતાબહેન ત્યારે કદાચ અરુંધતીને પણ આકરાં, કડવાં લાગ્યાં હશે; પણ તે આજે આવી શાલીન-સંસ્કારી છે એ માના જ પ્રતાપેને!
‘કૉલેજમાં પણ અરુને સ્ટ્રિક્ટ વૉર્નિંગ : પાંસરું ઘરે આવવાનું. લવ-લફરાં તો દૂર, છોકરાઓ જોડે બોલવાનું પણ નહીં.’ કહેતાં મમતાબહેને દીકરીનાં ઓવારણાં લીધાં : અરુને જોઈને લોકો મારી પરવરિશને બિરદાવે છે અને સાચું કહું તો મને શેર લોહી ચડે છે.
મમતાબહેનનો પોરસ મા-દીકરાને સ્વાભાવિક લાગ્યો.
‘તમે બહુ સંકોચાઓ છો.’
એકાંત મુલાકાત માટે બેઉ ઘરની ટેરેસમાં ગોઠવાયાં એમાં અંતરીક્ષ પૂછે એના ટૂંકા જવાબ તે આપતી રહી. ચોરીછૂપે અંતરીક્ષને જોતી ને બેઉની નજર મળે એટલે પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાઈ હોય એમ હોઠ કરડીને પાંપણના પડદા ઢાળી દેતી, ખભે વીંટાળેલા સાડીના છેડાને વધુ કસતી.
અંતરીક્ષને રમૂજ પણ થઈ ને થોડી મૂંઝવણ પણ : તમે આટલાં કેમ સંકોચાઓ છો?
‘હું આવી જ છું.’ ટૂંકો જવાબ. એમાં થોડું જિદ્દીપણું.
‘ધારો કે તમારી હા હોય તો આપણે ગુલાબગંજ રહેવાનું બનશે. ત્યાં હવેલી નથી. ચાલશે?’
ત્યારે તે ટટ્ટાર થઈ, કંઈક વિચારી લીધું હોય એમ જરા જેટલું મલકી, ‘પરણ્યા પછી તો પતિને જ પરમેશ્વર માનવાનો હોયને. તેનું ઘર એ જ મારું મંદિર.’
તેના ચતુરાઈભર્યા જવાબે અંતરીક્ષથી મલકી જવાયું. બે મલકાટનો તણખો પરિણયમાં પરિણમ્યો.
વિદ્યાબહેને ધામધૂમથી દીકરાનાં લગ્ન લીધાં.
‘ઓહોહોહો વિદ્યાબહેન, તમે તો ગામમાં અજવાળું કરી દીધું.’
વરઘોડિયાની પધરામણીએ મહોલ્લાવાળા બોલી ઊઠ્યા. અંતરીક્ષ મેડીની શણગારેલી રૂમમાં પહોંચવા અધીર બન્યો હતો અને નવી વહુ વખાણના ભારથી સંકોચાતી હતી. સાસરિયાંની શેરીની વહુ-દીકરીઓ કેવી ઘેરી વળી હતી!
એક તબક્કે વહુનાં વખાણે પોરસાતાં વિદ્યાબહેને જ કહેવું પડ્યું : બસ, બસ... બહુ થયું. હવે મારી વહુને આરામ કરવા દો.
સાંભળીને કોઈ નખરાળી ભાભીએ મહિલામંડળમાં મશ્કરી પણ કરી : તમારી વહુ કેટલોક આરામ કરશે એનો આધાર તો અમારા અંતરીક્ષભાઈ પર છે.
નવોઢા કાંપી ઊઠેલી. મેડીની રૂમમાં ડગ માંડતાં તેના પગ ધ્રૂજતા હતા. ફૂલોથી સજાવેલી સોહાગસેજ પર પાનેતર સંકોરીને બેસતાં કપાળે પ્રસ્વેદ ફૂટી નીકળેલો.
‘આટલાં કાંપો છો કેમ?’ સાથે આવેલી કુટુંબની જુવાન ભાભીઓએ વળી થોડી શબ્દછેડતી કરી, ‘અત્યાર સુધી સાવ કોરાં તો નહીં જ રહ્યાં હો!’
‘ના, ના...’ અરુંધતીએ સુકાતા ગળે કહ્યું, ‘અમારી વચ્ચે એવું કંઈ જ થયું નથી.’
‘તો આજે રાતે તો થશે જ... અમારા દિયરજી આવે એટલી વાર.’
હસીને ભાભીઓ નીકળી ગઈ. થોડી વારે પોતે પ્રવેશ્યો અને...
અત્યારે પણ અંતરીક્ષનો નિઃશ્વાસ સરી ગયો : પહેલા મેળાપનાં કેટલાં અરમાન હૈયે હતાં, અણુએ અણુમાં ઉત્તેજના ફૂંફાડા મારતી હતી; પણ શું લગ્નની પહેલી રાત્રે કે શું આજે લગ્નના ત્રીજા વર્ષે - અમારું એકાંત ટાઢુંબોળ જ રહ્યું.
નિઃશ્વાસ ખાળી પલંગ પરથી ઊતરીને બાથરૂમ તરફ ડગ માંડતો અંતરીક્ષ કબાટ તરફ વળ્યો. પોતાનાં કપડાં રહેતાં એ હિસ્સામાં ઑફિસની સેફ હતી. એનું ન્યુમરિક લૉક ખોલીને અંદર મૂકેલી પોતાની મેડિકલ ફાઇલ નિહાળી રહ્યો.
કામ ક્લિનિક, શિવાજી પાર્ક, દાદર, મુંબઈ.
ગુપ્ત રોગોના નિષ્ણાત : ડૉ. નિકેશ દીવાનજી.
ફાઇલના પડખે મૂકેલી દવાની સિલ્વર સ્ટ્રિપ્સ પર નજર નાખીને તેણે સેફ બંધ કરી દીધી.
lll
‘ઊઈ મા!’
રિસૉર્ટમાં સ્ટાફ માટેના કૉમન એરિયાના બાથરૂમમાં લૂગડાં બદલતી વાસંતી ઊંચી હવાબારીમાંથી ડોકાતા બિરજુને જોઈ ચીખી ઊઠી, હવામાં હાથનો મુક્કો ઉછાળ્યો, ‘મર રે મૂઆ! ઘેર મા-બેન નથી?’
‘નથી!’ બિરજુએ પાનની પિચકારી મારી, ‘બૈરી પણ નથી.’
‘નફફટ!’ વાસંતી બાથરૂમની બહાર નીકળી ગઈ. બિરજુ મોટેથી બોલ્યો, ‘તું બંદાને ગમી ગઈ છે... ને ગમી ગયેલી આઇટમને અપુન છોડતા નહીં.’
બાકીનું મનમાં બોલ્યો : આવી જ એક ગમેલી કન્યાનું ખૂન કરીને પોતે બિહારથી ભાગી આવ્યો છે એની અહીં કોને ખબર છે.
lll
બ્રેકફાસ્ટ પતાવીને અંતરીક્ષ ઑફિસે ગયો એટલે રસોઈનાં નાનાં-મોટાં કામકાજમાંથી પરવારીને અરુંધતી સવારનાં છાપાં લઈને વરંડાના હીંચકે બેઠી. ન્યુઝમાં તેને ઝાઝો રસ નહીં, પણ પૂર્તિઓ રસપૂર્વક વાંચતી.
અને પૂર્તિનાં પાનાં ફેરવતાં તેની નજર કૉલમના મથાળે અટકી : રાત ઔર દિન. લતાજીનાં અવિસ્મરણીય ગીતો અને નર્ગિસના બેનમૂન અભિનયનો કલાત્મક સંગમ.
જૂની ફિલ્મોનો રસાસ્વાદ કરાવતી સાપ્તાહિક કૉલમની આજની ફિલ્મના સબટાઇટલમાં તેને રસ પડ્યો : એક જ વ્યક્તિમાં વસતી બે ભિન્ન વ્યક્તિની ગાથા.
એક વ્યક્તિ, બે રૂપ.
અરુંધતીએ ભીતર ક્યાંક સળવળાટ અનુભવ્યો.
(ક્રમશઃ)