✕

રાત ઔર દિન: ભીતરના ભેદભરમ ((પ્રકરણ ૪)

08 October, 2026 05:07 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

અરુંધતીને પણ આરઝૂની ભનક ક્યા છે? અને આરઝૂને અરુનો અણસાર નથી, તે તો મને પણ અજાતશત્રુ માને છે.

રાત ઔર દિન: ભીતરના ભેદભરમ ((પ્રકરણ ૪)

મધરાતે કશાક સંચારે અંતરીક્ષની આંખ ખૂલી ગઈ.

જોયું તો અરુંધતી લૉનમાં પડતી ગ્લાસ-વિન્ડો સરકાવીને રૂમની બહાર નીકળતી દેખાઈ.

પણ કેવી અરુંધતી! જે સ્ત્રી રાતે પણ સાડી પહેરીને સૂતી હોય તે મારો બાથરોબ ઓઢીને ટહેલવા નીકળી પડી હોય એમ ચાલી.

દબાતાં પગલે અંતરીક્ષ તેની
પાછળ પડ્યો.

અરે, આ તો વૅલી ક્રૉસિંગ તરફ જાય છે!

સેફ્ટી હાર્નેસ પહેરી એનું હુક દોરડા પર ભેરવીને સરકવાની વૅલી ક્રૉસિંગની ઍડ્વેન્ચર ઍક્ટિવિટીમાં એન્ડ પૉઇન્ટ સહેજ ઢોળાવમાં હોય છે, જેથી સ્ટાર્ટ પૉઇન્ટથી માણસ સરરર કરતો સરકી શકે. અહીં સામા છેડે નીચાણમાં વસ્તી ખરી એટલે ત્યાંથી ક્યારેક સામાનની હેરફેરની સવલત રહે એ માટે એ બાજુ તરફથી અહીં અવાય એ રીતે બીજો ટ્રૅક પણ રાખ્યો છે. રિસૉર્ટના છેડાથી સામે ઊતરી, એક વળાંક જેટલો ઢોળાવ ચડી બીજા ટ્રૅકથી અહીં ઊતરી શકાય એવી સવલત સહેલાણીઓને બહુ અનુકૂળ થઈ પડે છે. 

અત્યારે અરુને ખરેખર રોપ પર સરકતી જોઈને અંતરીક્ષ આભો બન્યો. ના, અમે ઘણી વાર વૅલી ક્રૉસ કરી છે એટલે અરુંધતી એકલી જાય એની નવાઈ ન હોય, પણ માથે મધરાત હોય ને આમ નીકળે...

અંતરીક્ષ તેની પાછળ સરક્યો.

આવારા... અય મેરે દિલ,

જાને કહાં હૈ તેરી મંઝિલ...

લતાનું ગીત ગણગણતી તે આગળ વધી રહી છે. ચોતરફની નિર્જનતા, ચાંદ-તારાના અજવાશમાં તે આમ ક્યાં ચાલી જાય છે?

અંતરીક્ષની ધીરજ ખૂટી. દોડીને તે અરુંધતીની આગળ થઈ ગયો : સ્ટૉપ, આમ ક્યાં જઈ રહી છે અરુ?

તે ન ડરી, ન સહેમી કે ન ઝંખવાઈ. બલ્કે હોઠના ખૂણે હસી, ‘હું કોઈ અરુ નથી. મારું નામ આરઝૂ છે... ઇઝન્ટ ઇટ પોએટિક?’

‘વૉટ ધ હેલ. તેં નશો કર્યો છે કે શું અરુ?’

‘નશો...’ તેની આંખ ઉઘાડબંધ થઈ, ‘મારે બહેકી જવું છે જુવાનીના નશામાં... કામના આસવમાં... જાણે કોની તલાશમાં સદીઓથી ભટકું છું, હોય કોઈ એવો મરદ જે મારી અખૂટ પ્યાસ બુઝાવી શકે?’

અંતરીક્ષના કપાળે કરચલી ઊપસી. જાગૃત અવસ્થામાં તો અરુંધતી આવો સંવાદ બોલી જ ન શકે. તો શું તેનું સબકૉન્શ્યસ માઇન્ડ તેને સ્લીપ-વૉકમાં આ બધું કરવા પ્રેરતું હશે?

‘હેય! યુ લુક ક્વાઇટ હૅન્ડસમ! શું નામ છે?’

પત્ની પતિને નામ પૂછે છે. અંતરીક્ષ મલકી પડ્યો, ‘તું આરઝૂ તો હું... અજાત! અજાતશત્રુ.’

‘નામમાં તો દમ છે. જોઈએ તારી કાયામાં કેવોક કસ છે...’ કહેતાં તેણે બન્ને હાથ અંતરીક્ષની ગરદને ટેકવ્યા. એ ક્રિયામાં રોબની ગાંઠ ખૂલી જતાં ગુલાબી આંતરવસ્ત્રોમાં તેનું દૂધિયા બદન ઉઘાડું થઈ ગયું. અંતરીક્ષના અણુએ અણુમાં હજાર વાયગ્રાનો આવેગ ફરી વળ્યો. પત્ની આજ અગાઉ આ રીતે કદી ઊઘડી નહોતી.

‘માય... માય!’ તેણે અંતરીક્ષના ગાલ પર હાથ ફેરવ્યો, ‘યુ લુક હૉટ...’ તેના હાથ અંતરીક્ષના શર્ટનાં બટન ખોલવા લાગ્યા, ‘શો મી હાઉ હૉટ યુ આર!’

અંતરીક્ષનો શ્વાસ દહેકવા લાગ્યો. પત્નીનો હાથ પકડીને તેણે આંખમાં આંખ પરોવી : અરુ - આઇ મીન આરઝૂ - ઇટ્સ નૉટ સેફ હિયર... મારી સાથે આવીશ?’

અને થોડી મિનિટ પછી ફરી ઘરના બેડરૂમમાં પ્રવેશતાં જ અંતરીક્ષે પત્નીને ઊંચકી લીધી. ખિલ-ખિલ હસતી તેણે અંતરીક્ષના હોઠોને પોતાના હોઠોમાં જકડી લીધા.

...અને પછી જે થતું ગયું એ અંતરીક્ષની પણ કલ્પના બહારનું હતું. ગાંડીતૂર બનેલી નદીના પ્રતાપે સાગરનો ઉછાળ પણ આજે માઝા મૂકતો હતો. વાત્સ્યાયને પણ આલેખી ન હોય એવી તેમની બેમર્યાદ, બેશરમ હરકતોએ રૂમની દીવાલો પાણી-પાણી થતી હતી અને બહાર પેલો ચંદ્ર વાદળીમાં છુપાઈ ગયો.

કોઈનાં ડૂસકાંએ અંતરીક્ષની નીંદર ખૂલી ગઈ.

જોયું તો અરુંધતી રડતી દેખાઈ.

‘શું થયું અરુ?’

તેના સાદે ચમકતી અરુંધતીએ ચાદરથી પોતાના બદનને ઢાંકી દીધું, ‘તમે આ ઠીક ન કર્યું અંતરીક્ષ. જાણે મને કાલે એવી તે કેવી ઊંઘ આવી... ને તમે મારી સાથે એ જ હાલતમાં...’ તેની પીઠ ધ્રૂજી, ‘કાલે મારે વ્રત હતું એય ભૂલી ગયા?’

‘અરુ ઇનફ.’ અંતરીક્ષ તેની નિકટ સરતાં તે ઊભી થઈ ગઈ.

‘કમ ઑન, તને સાચે જ યાદ નથી કે રાતે શું થયું? મધરાતે તું મારો બાથરોબ પહેરીને વૅલી ક્રૉસ કરી સામા છેડે ગઈ...’

‘મધરાત. વૅલી ક્રૉસિંગ. તમારો બાથરોબ.’ શબ્દે-શબ્દે અરુંધતીનાં નેત્રો પહોળાં થતાં ગયાં, ‘હોટેલ-મૅનેજરની નોકરી છોડીને સ્ટોરી લખતા થઈ જાઓ અંતરીક્ષ, પોતાની ભૂલ છુપાવવા જબરો પ્લૉટ ઘડી કાઢ્યો.’

છણકો જતાવીને તે બાથરૂમમાં જતી રહી.

અંતરીક્ષે હોઠ કરડ્યો.

વહેલી પરોઢિયે થાકીને ચૂર થયેલી અરુ - ના, આરઝૂએ ગાલે આંગળી ફેરવતાં કહ્યું હતું : મારી તલાશનો આજે અંત આવ્યો અજાત! હું તમારી રાહ જોઈશ અજાત... તમારી દરેક રાત હવે મારી.’

આવું કહીને મને વળગીને પોઢી જનારી ઊઠતાંવેંત ઠપકો આપે ત્યારે શું સમજવું?

અંતરીક્ષને એ સમજાયું નહીં.

પણ મધરાતે ફરી એ જ ક્રમ. ઘૂંટણ સુધી થતું અંતરીક્ષનું ટી-શર્ટ પહેરીને અરુંધતીનું વિન્ડો વાટે બહાર નીકળવું, વૅલી ક્રૉસિંગ કરીને સામે જવું, એ જ લતાનું ગીત ગણગણવું અને પછી પાછળ આવતો અંતરીક્ષ પ્રગટ થતાં જ -

‘ઓહ અજાત! તું આવી ગયો!’ કહીને આવેગમાં વળગી પડવું...

અને અંતરીક્ષના આગ્રહે પાછું ઘરે આવવું ને ફરી એવી જ બેમર્યાદ હરકતોમાં ખોવાઈ જવું. 

રાત્રે આરઝૂનું અનન્ય લવમેકિંગ અને સવારે અરુંધતીની નારાજગી : જાણે મારી ઊંઘ બેહોશી જેવી કેમ થતી જાય છે! ઊઠું ત્યારે મારું બદન ચૂર-ચૂર થતું હોય છે. એનો મતલબ મારી નીંદરનો ગેરલાભ લઈને તમે...

રાત્રે પથારીમાં અકરાંતિયાની જેમ મારા પર તૂટી પડતી આરઝૂ ને સવારે તેની જ અરુચિ જતાવતી અરુંધતી.

એક જ સ્ત્રીનાં બે કેવાં જુદાં રૂપ!

પણ મને તો તેનાં બન્ને રૂપ એકસરખાં ગમે છે. અરુંધતીને તો મેં સદા ચાહી છે ને આરઝૂ દ્વારા અમારા દામ્પત્યમાં અધૂરી રહેલી કામસુખની પૂર્તિ થાય છે.

પત્ની માટે મારો ભાવ સ્થિર હોય તો આનું વધુ પિષ્ટપેષણ શું કામ કરવું.

દિવસો વીતતા ગયા.

અંતરીક્ષ હવે વધુ ખુશમિજાજ રહેતો. સંસારસુખની પરિતૃપ્તિ તેના વદન પર વર્તાતી. દિવસે અરુંધતીનું સાંનિધ્ય ગમતું, રાતે આરઝૂનું પ્રગટવું એટલું જ પ્યારું લાગતું. અરુંધતીએ પણ પતિની હરકતો સ્વીકારી લીધી હોય એમ ફરિયાદ કરવાનું છોડી દીધું એ ચમત્કાર જેવું જ લાગ્યું. અરુંધતી ખુશ રહેતી, આરઝૂને તેનો ચાવ હતો ને આ બેવડા સુખે અંતરીક્ષને ભીતરથી હર્યોભર્યો કરી દીધો હતો.

અને એક દિવસ...

‘વેલકમ ડૉ. દીવાનજી.’

રિસૉર્ટના જૂના કસ્ટમર અને પોતે જેને કન્સલ્ટ કરેલા તે ડૉક્ટરના આગમને અંતરીક્ષ રાજી થયો. નંદનને સૂચના આપી : પરિવાર સાથે વીક-એન્ડ ગાળવા પધારેલા ડૉક્ટરસાહેબને VIP ટ્રીટમેન્ટ આપવી.

તેમને રૂમમાં વળાવીને કૅબિનમાં ગોઠવાતો અંતરીક્ષ વાગોળી રહ્યો :

પત્નીનો, તે જેવી છે એ સ્વરૂપમાં નિર્દંભ સ્વીકાર તો અંતરીક્ષ કરી શક્યો, પણ એક કસોટી હજી રહેતી હતી.

તેનો પોતાનો કામ.

બેડરૂમમાં નહીં સંતોષાતી પ્યાસ બહાર તેને ટંકારી જતી. વાદળ જોતાં જ મોરલો થનગનાટ કરવા માંડે એવું થવા માંડ્યું. કિચનમાં કામ કરતી અરુના દેહવળાંકો તેને ધગવી જતા ત્યાં સુધી તો ઠીક, પણ પછી સ્વિમિંગ-પૂલમાં તરતી યૌવનાને જોઈને પણછની જેમ તંગ બનતી વાસનાને તો પછી કુંવારી અવસ્થાના હાથવગા ઉપાયથી ઠારી દેવાય, પરંતુ પરસ્ત્રી થકી એ અવસ્થા સર્જાવી જ શું કામ જોઈએ? આમાં હું મારી જ જીવનસંગિનીનો દ્રોહ નથી કરતો?

આનો એક જ ઉપાય છે... અરુની જેમ મારી કામના નૈસર્ગિકપણે તો ઓછી થવાની નહીં, પણ મેડિકલી તો એના પર કન્ટ્રોલ મેળવી જ શકાય.

અને તેના ચિત્તમાં ડૉ. દીવાનજી ઝળક્યા.

ડૉક્ટર પોતાને ખપના વિષયના નિષ્ણાત હતા, બેએક વરસ અગાઉ આધેડ વયના ડૉક્ટર અહીં રહી ગયેલા એટલે ઓળખાણ હતી. અને બસ, મુંબઈ ઓનર્સ સાથેની મીટિંગ માટે જવાનું થતાં અંતરીક્ષે દાદરના દવાખાનાની વિઝિટ પણ કરી લીધી.

તેમની સમક્ષ અંગત ઉઘાડવાને બદલે જુદું કહેલું : મને એવું લાગે છે કે હું વાસનાનો કીડો બનતો જાઉં છું... દિવસ-રાત મને બીજું કંઈ સૂઝતું નથી. પ્લીઝ હેલ્પ!

દીવાનજીએ અમુકતમુક ટેસ્ટ્સ કરાવીને કામવાસનાને અંકુશમાં રાખતી મેડિસિન લખી આપી. નૅચરલી, આ બધાની અરુને જાણ કરવાની પણ ન હોય; નાહક તે ગિલ્ટ ફીલ કરશે. હું અરુને ચાહું છું અને એટલે જ તેના જેવો બનવા માગું છું. આ જ પ્યારને?

અત્યારે પણ આ વિચારે અંતરીક્ષના હોઠ હળવું મલકી પડ્યા.

‘આવો ડૉક્ટરસાહેબ.’

પત્ની સાંજે બાળકો સાથે માર્કેટ ગઈ એટલે એકલા પડેલા ડૉક્ટર સામેથી મળવા આવ્યા એ અંતરીક્ષને ગમ્યું. કૅબિનના એકાંતમાં અંગત ચર્ચા થઈ શકે એમ હતી.

‘તમારી દવાથી મેન્ટલ પીસ છે સાહેબ.’

ખરેખર તો અરુંધતીમાં આરઝૂના પ્રાગટ્ય પછી પોતાને ડૉક્ટરની દવાની જરૂર જ નથી પડી, પણ મુદ્દો એ નથી. ડૉક્ટર આવ્યા જ છે તો અરુંધતીમાં દિવસ-રાતના બદલાવ વિશે તેમનો અભિપ્રાય જાણી લઉં...

‘એક બીજો કેસ છે સાહેબ.’ અંતરીક્ષેસાચવીને વાત મૂકી, ‘મુંબઈમાં મારો એક મિત્ર છે. તે પણ તમારી જેમ રિસૉર્ટમાં રોકાવા આવેલો એમાંથી ઓળખાણ થઈ, દોસ્તી જામી.’

દીવાનજી ધ્યાનથી સાંભળી રહ્યા.

‘ગયા અઠવાડિયે તે મને અહીંની માર્કેટમાં મળ્યો... હું તેને વઢ્યો કે ગુલાબગંજ આવીને તું બીજે રોકાઈ જ કેમ શકે?’ અંતરીક્ષે અવાજમાં અચરજ ભેળવ્યું, ‘પણ સાહેબ, તેણે તો મને ઓળખવાનો ઇનકાર કરી દીધો. મને કહે, હું રામકુમાર નહીં ધર્મવીર છું. રામને કોઈ વ્યસન નહીં, આ તો સિગારેટ પર સિગારેટ ફૂંકતો હતો.’

‘અચ્છા!’

‘પછીથી રામની વાઇફ બજારમાં મળી. તેણે કહ્યું કે રામને ક્યારેક આવા દોરા પડે છે ને તે અલગ જ વ્યક્તિ બની જાય છે, અમને પણ નથી ઓળખતો.’ અંતરીક્ષે ખભા ઉલાળ્યા, ‘તે તો બિચારી કશા વળગાડનું કહેતી હતી, પણ હું માનું છું કે આની પાછળ કોઈ મેડિકલ રીઝન હોવું જોઈએ.’

‘યા, ઇટ મસ્ટ બી સ્પ્લિટ પર્સનાલિટી.’

‘એટલે?’

‘એક જ વ્યક્તિમાં બીજી કે પછી ઘણી વ્યક્તિઓ શ્વસતી હોય અને પ્રસંગોપાત્ત જે-તે વ્યક્તિનાં પ્રચ્છન્ન લક્ષણો પ્રમુખ બની જાય ને આપણી સમક્ષ તેનું જુદું રૂપ ઊઘડે. મેડિકલ ભાષામાં આને સ્પ્લિટ કે મલ્ટિપલ પર્સનાલિટી કહે છે.’

(ઓ...હ. મતલબ અરુંધતીને સ્પ્લિટ પર્સનાલિટીનો રોગ છે?)

‘માણસનું મન અગાધ છે. ભીતર ધરબાઈ રહેલો આઘાત કે પછી અંગડાઈ લેતી ઝંખના બહાર આવી ન શકે ત્યારે મન આ રીતે બીજું રૂપ ધરીને પ્રત્યાઘાત આપે છે કે ઝંખનાને જીવી લેવા માગે છે.’

અ...ચ્છા. અંતરીક્ષને ગડ બેઠી : શરીરસુખની કામના અરુને ઓછી નહીં હોય, પણ પોતાનું સંસ્કારરૂપ વાસનાને બહાર આવવા દેતું નહીં હોય એટલે અરુમાંથી આરઝૂ બનીને તે ઇચ્છાપૂર્તિ કરી લે છે.

‘ઇઝ ઇટ સિરિયસ?’

‘વેલ, થેરપી કોઈ પણ સંજોગોમાં ઍડ્વાઇઝેબલ છે. ખાસ કરીને મૂળ વ્યક્તિ જ્યારે પોતાની ડ્યુઅલ કે મલ્ટિપલ પર્સનાલિટીથી અજાણ હોય ત્યારે તો એ જરૂરી બની જાય છે.’

અરુંધતીને પણ આરઝૂની ભનક ક્યા છે? અને આરઝૂને અરુનો અણસાર નથી, તે તો મને પણ અજાતશત્રુ માને છે.

ડૉક્ટરની સલાહ મુજબ તેને સારવારની જરૂર છે...

પત્નીનાં બે રૂપ વિશે પહેલી વાર અંતરીક્ષને ચિંતા જાગી.

રવિની સાંજે ડૉક્ટર દીવાનજી નીકળી ગયા. સોમવારે કૉલ કરીને અંતરીક્ષે તેમણે રિફર કરેલા સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ મેળવી લીધી.

શુક્રવારની અપૉઇન્ટમેન્ટ પહેલાં શું થવાનું છે એની અંતરીક્ષને ક્યા ખબર હતી?

(આવતી કાલે સમાપ્ત)

columnists gujarati mid day Sameet Purvesh Shroff lifestyle news life and style