રક્ષાબંધન : ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના (પ્રકરણ ૩)

26 August, 2026 06:06 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ઉષાબહેનના ભૂતકાળના દગાની કડવી યાદો દીકરાના સંબંધમાં ફરી સામે આવે છે. બીજી તરફ અપમાનનો બદલો લેવા સાગર અરેનના જીવનમાં અનીતિનું ઝેર ઘોળવાની યોજના ઘડે છે. બે કથાઓ હવે એક વળાંક તરફ આગળ વધે છે.

ઇલસ્ટ્રેશન

‘કૉન્ટ્રૅક્ટ સુરતની પાર્ટીને મળ્યો...’
મહિના પછી બસ-સર્વિસનો ઑર્ડર જાહેર થતાં સાગર છટપટાયો. ઘરમાં વાત કરતાં ભામિનીકાકીએ ટલ્લા ફોડ્યા, ‘મા-બાપ મરતાં તે આપણા માથે પડ્યો ને મેં તેના રોટલા ઘડ્યા એ ગુણ પણ નગુણો ભૂલી ગયો?’
‘ભૂલ્યો તો હું નથી મા... મારું અપમાન અને હવે આ વેપારનું નુકસાન.’ સાગરના દાંત ભીંસાયા : નો અરેન, આની કિંમત તો હું વસૂલ કરવાનો.
બટ હાઉ?
lll
વહુ અને તેનો માનેલો ભાઈ...
રાતે પથારીમાં પડતાં ઉષાબહેનનો જીવ કોચવાયો.
વહુ ગાંધીનગર ગયે બે મહિના થવાના. આમ તો અદ્વય વગર પોતે વહુને ભાઈને ત્યાં એકલી મોકલી નથી. વહુ એને કદાચ મારી કાળજી ગણતી હશે, ખરેખર તો એ સાવચેતી હતી. જોકે વેવાણની સારવાર લાંબી ચાલવાની. એટલું અદ્વયથી રોકાવાય નહીં અને આ સંજોગોમાં વહુને માથી દૂર કરવા જેટલું નિષ્ઠુર થવાતું નથી એટલે ભીતર ભ્રમણાનાં વમળ સર્જાતાં રહે છે, વીખરાતાં રહે છે.
અને એના મૂળ અતીતમાં છે.
ઉષાબહેન સંભારી રહ્યાં:
‘કહેવું પડે જીવીબા, તમારી વહુ તો બહુ રૂપાળી સે!’
પરણીને હું આ હવેલીમાં આવી ત્યારે તો સહિયારું કુટુંબ હતું. બધા પિતરાઈઓમાં નવીન સૌથી મોટા એટલે ઘરની પહેલી વહુ તરીકે વડીલોની આંખમાં વસવા આંસુ આવી જાય એવાં વૈતરાં મારે કરવાં પડતાં. આમાં કાયમ મને વખાણનારી તો તે એક જ... કજરી.
ઘરની વર્ષો જૂની કામવાળી જમનાની તે દીકરી. ઉંમરમાં મારા જેવડી કજરી તિતલીની જેમ ઘરના એકથી બીજા ખૂણે ફરફરતી રહે. મા સાથે સવારથી આવી જતી કજરી રાતની અમારી પથારી કરીને ઘરે જાય. વસ્તારી ઘરમાં કોઈ કામમાં તેની ના નહીં. સામે નોકરાણી જેવો તેની સાથે ઘરમાં કોઈનો વ્યવહાર પણ નહીં. ભાણામાં તેને ભાત ઓછો પડે તો બેધડક પોતે કુકર ચડાવી દે ને દૂરદર્શન પર ‘રામાયણ’ જોવા અમારી સાથે ગોઠવાઈ જાય એટલી તેને છૂટ.
આનું બીજું કારણ એ પણ હોય કે પાછલાં બે-ચાર વર્ષથી, મારા આવ્યા પહેલાંથી બળેવ પર તે નવીન સહિત ઘરના બધા છોકરાઓને રાખડી બાંધતી. એક તો ઘરમાં કોઈ કન્યારત્ન નહોતું અને જુવાનીમાં આવેલી કન્યા આખો દહાડો ઘરે પડીપાથરી રહેતી હોય ત્યારે જુવાન છોકરાઓવાળા ઘરમાં કંઈ ઊંચનીચ ન થઈ જાય એ માટે વડસાસુ જેવાં કો’ક વડીલે જ આ પ્રથા પાડી હશે. બધામાં નવીન સાથે કજરીને વધારે ફાવતું અને નવીનની પત્ની તરીકે મારી સાથે પણ ફાવી ગયેલું.
જોકે મારાં લગ્નના બીજા વર્ષે જમનાએ તેને સચિન તરફ પરણાવી. પછી તો ઘરનાય ભાગલા થયા ને સાસુમા પાછાં થતાં હવેલીમાં વર-બૈરી જ રહ્યાં.
‘હવે ધણી-ધણિયાણી બે જ સો ઘરમાં તો ઘોડિયું જલદી બંધાવું જોઈએ!’ સાસરેથી બે દા’ડા માટે પિયર આવી હોય એમાંય કજરી અમારી ભાળ કાઢવાનું ન ચૂકે ને સખીની જેમ મારી સાથે આવી મીઠી મશ્કરીયે માંડે.
‘તકલીફ એ જ છે કજરી કે સુવાવડ માટે મારે પિયર જવાનું થાય એમાં તો તારા ભાઈ સુકાઈ જાય!’
‘એની ફિકર તમે કરો મા. લો, ઈ બે-ત્રણ મહિના હું આંઈ રઈ જઈસ... તમારા વરજીને કોઈ વાતનું ઓસું નઈ આવવા દઉં, લખી રાખજો.’
- આનો ગૂઢાર્થ મને રિયાના જન્મના છઠ્ઠા મહિને સમજાયો હતો, પરખાયો હતો.
કચવાતા જીવે ઉષાબહેન 
સંભારી રહ્યાં:
મને ટાઇફૉઇડ થયો હતો. સાત-આઠ વર્ષનો થયેલો અદ્વય નાનો જ ગણાય અને રિયા તો હજી ધાવણી. આમ તો નવી બાઈ ખરી, પણ તેનામાં વેંત ઓછા. પિયરમાં કોઈ રહ્યું નહોતું ને સાસરામાં કોઈને મોટાભા કરવા કરતાં મેં કજરીને તેડાવી લીધી. તેને છૈયાંછોકરાં 
નહોતાં અને અગાઉ બબ્બે સુવાવડની મારી ગેરહાજરીમાં તેણે જ જોગ 
સાચવ્યો હતોને!
કજરી આ વખતે પણ આવી. ઊલટભેર તેણે બધાં કામ સંભાળી લીધાં. માંદી હોવાથી હું નીચેના ઓરડામાં અલગ સૂતી. એની બાજુની રૂમમાં કજરી બન્ને છોકરાઓ સાથે સૂતી અને નવીન મેડીની રૂમમાં.
લગભગ આઠમી રાતે રિયાના રડવાના અવાજે મારી નીંદ તૂટી. છોકરી આટલું રડે તો કજરી કેમ જાગતી નથી!
‘કજરી આજે ઘોડા વેચીને સૂતી છે કે શું!’ બબડતાં હું ઊઠી. દીવાલના ટેકે-ટેકે બાજુની રૂમ આગળ પહોંચી. અડકાવેલો દરવાજો ખોલ્યો તો ઘોડિયામાં રડતી રિયા હાથ-પગ ઉછાળતી દેખાઈ. સામા પલંગ પર અદ્વય પોઢ્યો હતો, પણ બે વચ્ચે ભોંય પર કજરીની પથારી ખાલી હતી!
ના, તે બાથરૂમમાં પણ નથી.
પહેલાં તો દૂધ આપીને રિયાને પોઢાડી. કજરીનો હજીયે પત્તો નથી! ઘરનો મુખ્ય દરવાજો પણ બંધ છે તો તે ગઈ ક્યાં?
અને દરવાજેથી વળતી મારી નજર ઉપલા માળે જતી સીડી પર અટકી. દિમાગમાં કડાકો બોલ્યો. નવીનની રૂમની લાઇટ તો બંધ હતી, પણ દરવાજાની ફાટમાંથી ધસી આવતા પલંગના કિચૂડાટમાં ભળી જતા ઉત્તેજનાભર્યા સિસકારાએ ધરતી રસાતળ જતી હોય એવું લાગ્યું. કઠેરા પર મુઠ્ઠી ભીડીને હું સીડી ચડું છું, બેડરૂમ સુધી પહોંચતાં હાંફી જવાય છે અને અડધા ખુલ્લા દરવાજામાંથી નજર નાખતાં ઝંઝાવાત ઊઠે છે : વાસનાઘેલી સ્ત્રીને પોતાના બળકટ પૌરુષથી રીઝવવામાં રમમાણ કામી પુરુષ...
અત્યારે પણ એ દૃશ્યના ઝબકારાથી સમસમી ગયાં ઉષાબહેન.
ના, મેં કોઈ જ તમાશો નહોતો કર્યો. એટલી શક્તિ જ ક્યાં બચી હતી? ચૂપચાપ રૂમમાં આવી ગઈ.
ધડાકો બીજી સવારે થયો - નવીન બ્રેકફાસ્ટ ટેબલ પર આવ્યા ત્યારે...
ઉષાબહેને કડી સાંધી:
‘કજરી, તારો સામાન બાંધી દે, કલાકમાં તારો વર તને લેવા આવે છે...’
ઉષાએ સપાટ સ્વરે આપેલા આદેશે બેઉને થોડાં ડઘાવી દીધાં.
‘ઉષા? કજરી જશે તો કેટલી તકલીફ પડશે...’
બોલતા નવીનને ઉષાએ હાથનો પંજો દેખાડીને અટકાવ્યા, ‘તમે ખરેખર મારી તકલીફનું વિચારો છો નવીન કે તમારા સ્વાર્થનું?’
‘મારો સ્વા...ર્થ!’ નવીનથી પત્નીની નજરોનો તાપ જીરવાયો નહીં, ‘બહેન ભાઈના ઘરે રોકાય એમાં...’
સટાક. ઉષાના સણસણતા તમાચાએ નવીનનો ગાલ લાલ કર્યો, કજરીને સહેમાવી દીધી.
‘શરમ કરો. રાત્રે જેનું પડખું સેવ્યું તેને બહેન ગણાવતાં શરમાતા નથી? તમે મારા બિસ્તરને નહીં, મારા વિશ્વાસને અભડાવ્યો; દુનિયાના સૌથી પાક સંબંધને અભડાવ્યો... મારી એક માંદગીમાં તમારો સંયમ તૂટી ગયો નવીન?’
‘તારી માંદગી!’ કજરી પહેલી વાર જરા હસી, ‘અરે, તારા વર સાથે હું તારા આવ્યા પહેલાંની સૂતી છું.’
હેં!
ઉષાએ ત્યારે જાણ્યું કે નવીન-કજરી વચ્ચે લગ્ન અગાઉનો દેહસંબંધ હતો... અને મને વર્ષો સુધી આની ગંધેય ન આવી?
અને આવે પણ કેમ? ભાઈ-બહેન વચ્ચે આડો સંબંધ હોય એવું કોઈ ધારે પણ કેમ?
‘આ શું ભાઈ-બહેનની રટ લગાવી છે?’ નવીન તાડૂક્યો. તેની દલીલનો સૂર એ જ હતો કે અમે કંઈ સગાં ભાઈ-બહેન ઓછાં છીએ? વર્ષે એક વાર કજરી મારા હાથે સૂતરનો દોરો બાંધે એટલે શું મારા માટે તે અછૂત થઈ ગઈ?’
‘અલી બાઈ, રાખડી બાંધવાથી હું નીચી જાતની કંઈ ખરેખર આબરૂદાર ભાઈઓની બહેન ન બનું એટલી સમજ તો મારા જેવી અભણનેય સે.’
ઉષાએ કાને હાથ દાબ્યા, ‘બંધ કરો તમારો બકવાસ. તમે સૂતરના એ તાંતણાનું મોલ જ નથી જાણ્યું. નવીન, જે થયું એ થયું. હવે પછી કજરી આ ઘરમાં પગ નહીં મૂકે અને તમે મારા કમરામાં... આનું ઉલ્લંઘન થયું તો...’
ઉષાની માંદલી કાયામાં માતા આવ્યાં હોય એમ રસોડામાંથી ગૅસનો બાટલો લાવીને નૉબ ઘુમાવ્યું, બીજા હાથમાં રહેલી માચીસ દેખાડતાં નવીન-કજરીની આંખો ફાટી ગઈ, જીવ તાળવે ચોંટ્યા. ત્યાં ઉષાએ અધ્યાહાર પૂરો કર્યો, 
‘સર્વ કંઈ સ્વાહા કરતાં મને કાચી સેકન્ડ નહીં લાગે.’
ખલાસ!
રણચંડી જેવા મારા તેવરે નવીન-કજરીને એવાં ભડકાવ્યાં, ગભરાવ્યાં કે ઘરે તો શું, બહાર પણ મળવાની હિંમત કે હિમાકત નહોતી કરી.
ઉષાબહેને નિ:શ્વાસ ખાળ્યો : જોકે પછી બેઉ ઝાઝું જીવ્યાં પણ નહીં... ધણી સાથે બાઇક પર સચિનથી પિયર આવવા નીકળેલી કજરી માર્ગ-અકસ્માતમાં વર સાથે જ મૃત્યુ પામી અને એના વરસેકમાં નવીન ટૂંકી માંદગીમાં પાછા થયા.
મને બેઉના જવાનો હરખ-શોક નહોતો. નવીન સાથેનું દામ્પત્ય તો તેને કજરી સાથે જોયો એ ઘડીનું ખતમ થઈ ગયેલું. બસ, અમે બેઉએ ત્રીજા કોઈને - ખાસ તો અમારાં બાળકોને આનો અણસાર આવવા નહોતો દીધો એટલું જ. નવીનના ગયા પછી દેખાડ્યું તો એવું જ કે જાણે મારાં બાળકો ખાતર હું પતિની વિદાયનો શોક ભીતરમાં દફનાવીને જીવી રહી છું.
ધીરે-ધીરે ભૂતકાળની ભૂતાવળ નેપથ્યમાં સરકતી ગઈ, અદ્વય-રિયાના સહારે જિંદગી આગળ વધતી ગઈ.
અને દીકરા માટે ગમેલી કન્યાનો પણ કોઈ માનેલો ભાઈ છે એ જાણીને ૭ પાતાળનાં પડ વીંધાયાં. સમસમી જવાયું. અરેન બાબત જાણીને પોતે આપેલી પ્રતિક્રિયા જલદ હતી. અરેન વિશે પહેલાં જાણ્યું હોત તો-તો ૧૦૦ ટકા વાત આગળ જ ન વધારત... જે દોજખ મેં અનુભવ્યું એ મારા દીકરાએ પણ અનુભવવાનું થાય એવી સંભાવના રાખવી જ શું કામ!
પણ કહે છેને, ધાર્યું ધણીનું થાય. ઉષાબહેને સામી દીવાલે ટીંગાતી ઠાકોરજીની છબિ નિહાળી : જાણે મારા રામે શું ધાર્યું છે?
lll
‘શું વાત છે ડાર્લિંગ, આટલી રંગીન ફિલ્મ જોઈને પણ તું આજે રંગમાં નથી આવતો.’
મુંબઈની હોટેલની રૂમમાં રસિકાએ સાગરની ઉઘાડી છાતી પર હાથ પસવાર્યો.
સાગર પાસે બાપના પૈસાની એંટ તો હતી જ, તેનો પોતાનો ટ્રાન્સપોર્ટનો ધંધો પણ જામી ચૂકેલો. લગ્નના કમિટેડ બંધનમાં હજી બંધાવું નહોતું, પણ મહિને-બે મહિને એકાદ વીક-એન્ડ દિલ્હી-મુંબઈ જેવાં શહેરોમાં ભાડાની છોકરીઓ સાથે ગાળીને ગમતી મોજ માણી લેતો. ઘરઆંગણે તો કુટુંબની શાખની મર્યાદા નડેને! એમાં વરસેક અગાઉ ઑફિસમાં ઑર્ડર-ઇન્વૉઇસના કામ માટે રસિકાની નિમણૂક કર્યા બાદ બહુ જલદી બેઉ હોટેલનું એકાંત માણતાં થઈ ગયેલાં.
રસિકાનું છલકાતું જોબન કોઈની પણ નીયત ડોલાવી દેનારું હતું. બૉસ માટે પોતાની જોબનમૂડી વટાવવાનો રસિકાને વાંધો પણ કેમ હોય? બદલામાં તેને બૉસના ખર્ચે ફ્લાઇટમાં ઊડવાનું અને મહાનગરમાં મહાલવાનું મળતું. ક્યારેક મૂડ હોય તો સાગર શૉપિંગ પણ કરાવી દે. સાધારણ ઘરની રસિકાને એવી મનસા પણ ખરી કે ઉમરાવ બૉસને રીઝવીને તેની નબળાઈ બની જાઉં તો પત્ની બનતાં વાર કેટલી! એટલે પણ શય્યામાં સાગરનું બેફામપણું જીરવી લેતી, સહશયનને બ્લુ ફિલ્મ ચાલુ કરીને માણવાનું મનસ્વીપણું જતું કરતી.
પણ આજે કેમ જનાબ ટાઢા છે? લાસ્ટ ટાઇમ અહીં જ એકાંત માણ્યું ત્યારે બૉસ અરેન મહેતાના ખયાલોમાં ગુમ હતા. તેની મુલાકાત જોકે ફળી નહીં અને ગયા મહિને યાત્રાધામવાળો પ્રોજેક્ટ કોઈ બીજાને મળ્યો ત્યારના બૉસ ધૂંધવાયેલા છે... પણ હું તેને રંગમાં લાવીને જ રહેવાની.
‘હેય ડાર્લિંગ, જોને જરા... આ ન્યુડ ફિલ્મના આર્ટિસ્ટ્સથી વધુ સુંદર શરીર તારું-મારું નથી? ટીવીમાં આપણે બે હોઈએ તો કેવી આગ લાગી જાય.’
હેં! ચમકેલો સાગર ઘડીક સાઇડ મિરરમાં ઝિલાતા તેમના પ્રતિબિંબને તો ઘડીક સામા ટીવી પર કામક્રીડામાં મશગૂલ સ્ત્રી-પુરુષને જોઈ રહ્યો.
પછી જાણે શું થયું, એકદમ રસિકાને ભીંસી દીધી : યુ સૉલ્વ્ડ ધ પઝલ.
પોતે એવું તે શું કહી નાખ્યું એ રસિકાને સમજાયું નહીં, પણ સાગરને વેરનો માર્ગ મળી ગયો હતો : તું સંબંધને નીતિમત્તાથી નિભાવતો હોવાની શેખી મારતો હતોને અરેન... હવે જો એને અનીતિનું, બદનામીનું કેવું ગ્રહણ 
લગાવું છું.
(ક્રમશ:)

columnists exclusive Sameet Purvesh Shroff gujarati mid day