રક્ષાબંધન : ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના (પ્રકરણ ૪)

27 August, 2026 05:12 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

રસિકા એક ગુપ્ત વિડિયોના આધારે અબ્દુલના બ્લૅકમેઇલિંગ અને શોષણના જાળમાં ફસાય છે, જ્યારે બીજી તરફ ઉષાબહેનને વૈદેહી અને અરેનના સંબંધ વિશે ચોંકાવનારા ફોટા મળે છે. રક્ષાબંધનના દિવસે બંને રહસ્યો શું વળાંક લાવશે?

ઇલસ્ટ્રેશન

‘હાય સ્વીટી!’
ઇનોવાની ચાવી ઘુમાવતો અબ્દુલ રસિકા તરફ આંખ મીંચકારીને સાગરની કૅબિન તરફ વળ્યો.
પાંત્રીસેક વર્ષનો અબ્દુલ સાગર ટ્રાન્સપોર્ટનો મુખ્ય ડ્રાઇવર કમ મેકૅનિક કમ હરફનમૌલા જેવો હતો, બૉસનો ખાસ આદમી. અહીં લેડીઝ સ્ટાફમાં પોતે એકલી હતી એમાં ભય જેવું જરાય નહોતું, પણ કેવળ આ અબ્દુલથી થોડો ડર લાગતો. પહાડી આદમીની કાજળમાંજી આંખોમાંથી પોતાને જોઈને વાસના ટપકતી.
‘હાય જાલિમ! ક્યારેક તારા જોબનનો લહાવો અમનેય લૂંટવા દે. દરેક મજા બૉસને જ આપવાની?’
અઠવાડિયા અગાઉની સાગર સાથેની મુંબઈ મુલાકાતના બીજા દહાડે તે નજીક બેસીને કાનમાં ગણગણી ગયો હતો. બૉસના રહસ્યમંત્રી જેવો ગણાતો અબ્દુલ અમારી રંગરેલી વિશે જાણતો હોય એની નવાઈ ન હોય, પણ શેઠ સાથે સુનારી છોકરી સાથે દિલ્લગી કરવાની હિંમત કરે એનું અચરજ જરૂર થયેલું.
ત્યારે પણ પોતે તેને અજાણ બનીને અવગણેલો, પણ હવે થાય છે કે સાગરની કાનભંભેરણી કરીને અબ્દુલનું પત્તું જ કાપી નાખ્યું હોય તો! બૉસ પર મારું કામણ કેટલુંક ચાલે છે એની ઍસિડ-ટેસ્ટ પણ થઈ જશે. બૉસની ઓથ ગુમાવ્યા પછી તો મામૂલી ડ્રાઇવર મારું શું બગાડી લેવાનો?
રસિકાને ભાવિની ખબર હોત તો!
lll
બળેવ!
શ્રાવણની શરૂઆતે મંદિરના ઓટલે આવનારા તહેવારોની ગણતરી મંડાતી હતી. એમાં રક્ષાબંધનના ઉલ્લેખે ઉષાબહેનનો જીવ જરાતરા કોચવાયો.
એનું એક કારણ પોતાને ભાઈ નહોતો એ તો ખરું જ અને બીજું કારણ પતિનું પાપ, જેણે માનેલાં ભાઈ-બહેનને 
જોવા-મૂલવવાની મારી દૃષ્ટિ ધૂંધળી કરી નાખી છે. એમાં વહુને પણ મોંબોલો ભાઈ છે એ જાણ્યા પછી મન-ત્રાજવું હાલક-ડોલક થતું રહે છે. જે મારા પર વીતી એ મારા દીકરાએ વેઠવાનું ન થાય એનો ધ્રાસકો વહુ માટેના ભાવમાં ક્યારેક અભાવ ભેળવી દે છે.
ત્યાં તેમનો ફોન રણક્યો. વૈદેહીવહુનો ફોન!
‘જુઓ મા! કીમોનાં બે સેશન પછી મા એકદમ ઑલરાઇટ છેને!’
સાસુના વિડિયો-કૉલ પર સ્નેહામાને દેખાડતી વૈદેહીના રણકામાં માના ઊગરી ગયાનો હરખ ટપકતો હતો.
‘વેવાણે તો ઠીક થવાનું જ હતું!’ ઉષાબહેને સામું સ્મિત ફરકાવ્યું, ‘હજી તો ખોળામાં દોહિત્રને રમાડવાનો, તેનું મોસાળું કરવાનું...’
વૈદેહી શરમાઈ, સ્નેહાબહેને પૂર્તિ કરી, ‘મોસાળું તો પછી, પહેલાં તો મારે અરેનનાં લગ્ન લેવાનાં છે.’
કહેતાં સ્નેહાબહેન ગદ્ગદ થયાં, ‘મારી ચાકરીમાં તેણે સગા-પારકાનો ભેદ ભૂંસી નાખ્યો વેવાણ... તમે તો જોયું છે.’
ઉષાબહેને ડોક ધુણાવી.
નોકરીની વ્યસ્તતા વચ્ચેય અરેને સ્નેહાબહેનની સારવારમાં પાછું વળીને નથી જોયું એ તો કબૂલવું પડે... કીમોનું સેશન અમદાવાદની મોટી હૉસ્પિટલમાં કરાવવાનું હતું. માની સારવારના બહાને વૈદેહીને અરેન સાથે ગાંધીનગર રહેવાનું બનશે એનો અંદરખાને કચવાટ હતો. વેવાણ માંદાં, વેવાઈ ઢીલા પડે એમાં...
એમાં શું?
ભીતરથી ચાબુક વાગ્યો ને ઉષાબહેને ડહોળાવા જતાં મન પર લગામ તાણી દીધેલી. છતાં રહેવાતું નહીં ત્યારે પોતે વખત-કવખતે વહુને વિડિયો-કૉલ કરી દેતાં, દર વીક-એન્ડ અદ્વયને મોકલી આપતાં.
અરે, વીતેલા આ ૩ મહિનામાં વેવાણના ખબર કાઢવાના બહાને પોતે બે વાર અચાનક ગાંધીનગર પહોંચી ગયેલાં... એથી બીજા તો ઠીક, મારો દીકરોય એવું માને છે કે માને વેવાણની કેટલી ફિકર છે! ના, ફિકર તો હોય જ; પણ એ ઉપરાંત શું હતું એ કોઈને કહેવાય એમ નથી, જતાવાય એમ નથી... બધું નવીન, તમારા પ્રતાપે!
ત્યાં વૈદેહી કહેતી સંભળાઈ, ‘અરેનભાઈની ચાકરીનો આભાર માનીને હું તેમને પરાયા કરવા નથી માગતી મા. મોટા ભાઈ છે, તે નહીં કરે તો કોણ કરશે?’
કહીને વૈદેહીએ વાતનો સઢ ફેરવ્યો, ‘સારી વાત એ છે મા કે ડૉક્ટરે નવસારી જવાની પરવાનગી આપી દીધી છે.’
હાશ.
‘તમારો પણ આભાર વેવાણ... વૈદેહીને આટલા દહાડા મારી ચાકરીમાં રહેવા દીધી.’
‘એનો આભાર ન હોય સ્નેહાબહેન. વૈદેહીના જ શબ્દો પાછા વાળું છું - તે નહીં કરે તો કોણ કરશે!’ ઉષાબહેને રણકો ઊપસાવ્યો, ‘તહેવારિયા શરૂ થાય છે, બધા ભેગા મળી એને ઉત્સવની જેમ મનાવીએ.’
શું થવાનું હતું એની કોને ખબર હતી?
lll
‘હાય સ્વીટી!’
ઘરની ગલીમાં વળતી રસિકા થંભી ગઈ : અબ્દુલ, તું અહીં!
‘તને એક ચીજ બતાવવાની હતી...’
અબ્દુલે તેનો ફોન દેખાડતાં રસિકા પ્રસ્વેદભીની થઈ. એમાં મારા-સાગરના સહશયનનો વિડિયો છે, જેમાં સાગરનો ચહેરો બ્લર છે પણ મારું દરેક અંગ ઉઘાડું છે! અબ્દુલ અમારી રંગરેલી વિશે જાણે છે, પણ એની ફિલ્મ પણ ઉતારે છે?
‘તું અમારા એકાંત પર નજર રાખે છે?’
‘એ બધું અગત્યનું નથી... તારા મતલબની વાત એ છે કે તારો આ વિડિયો ફરતો ન થવા દેવો હોય તો મારો મતલબ સાચવી લે.’
અબ્દુલ હસ્યો ને રસિકાએ પીંજરે પુરાતી બુલબુલ જેવો ફફડાટ અનુભવ્યો. 
lll
‘કુરિયર!’ 
વૈદેહીવહુ વેવાણ સાથે નવસારી આવી ગઈ છે, ત્યાં બધું ગોઠવીને પરમ દહાડે અહીં આવશે. રિયા કૉલેજ છે, અદ્વય સ્કૂલે છે; પણ ટપાલ તો હવે આવતી નથી તો આ આંગડિયાવાળો શું આપવા આવ્યો!
ઉષાબહેને સહી કરીને ખાખી કવર લીધું. ઍડ્રેસની ઉપર લખાયેલી સૂચના ભોંકાઈ : અદ્વય માટે જ... અર્જન્ટ અને અંગત!
એવું તે શું હશે! પાછું મોકલનારનું નામ-ઠામ કશું નથી... આંગડિયાવાળો સહી કરાવી ગયો એમાં પ્રેષકનું નામ-સરનામું લખ્યાં હતાં કદાચ, પણ એ બધું નોટિસ કરવાનું ત્યારે કોને સૂઝે!
ઉષાબહેનનું કુતૂહલ કૂદાકૂદ કરવા લાગ્યું. કવરની સાઇઝ અને વજન પરથી તો અંદર ફોટો જેવું લાગે છે... કવર પર અંગત લખ્યું છે એટલે ખોલવું ન જોઈએ, પણ પાછું અર્જન્ટ પણ લખ્યું છે એટલે મા તરીકે હું તો ખોલી જ શકું!
અને કવર ખોલતાં ૪ તસવીરો સરકી આવી. એના પર નજર નાખતાં જ ઉષાબહેનને અંધારાં આવી ગયાં.
લગભગ નિર્વસ્ત્ર ગણાય એવી હાલતમાં વૈદેહી-અરેન એકમેકની બાંહોમાં... શિવ, શિવ!
આખરે માનેલાં 
ભાઈ-બહેનના આ સંબંધમાં પણ ખોટ જ નીકળી! નિસાસો સરી ગયો. પછી ધ્યાન ગયું કે તસવીર સાથે એક પત્ર પણ છે...
તેમણે ઝડપથી કાગળના લખાણ પર નજર ફેરવી:
અદ્વય,
કહેવાતાં ભાઈ-બહેનની કામલીલાનો પાકો પુરાવો તમને મોકલું છું. તાજેતરમાં વૈદેહીનાં મધર હૉસ્પિટલમાં હતાં ત્યારે તેમની સારવારની આડમાં સો-કૉલ્ડ 
ભાઈ-બહેન કેવી અય્યાશી મનાવતાં હતાં એ તમે જ જોઈ લો. સંસારનો સૌથી પાક સંબંધ આવા લોકો થકી બદનામ થતો અટકે એ જ આશયથી તમને ફોટો મોકલ્યા છે.
લિખિતંગ
તમારો, સમાજનો,
શુભચિંતક!
હે ભગવાન! ઉષાબહેનનું દિમાગ ધમધમ થવા માંડ્યું : આખરે મારો ભય સાચો પડ્યો! ભાઈ-બહેનના સંબંધની મર્યાદાનો લોપ કરનાર વહેશી પતિ સાથે મેં પછી કોઈ સંબંધ રાખ્યો નહોતો એમ વૈદેહી પણ આ ઘરની વહુ નહીં રહે - કોઈ કાળે નહીં!
એ માટે ભલે થોડી રાહ જોવી પડે. થોડા દિવસમાં બળેવ આવે છે. માનેલાં 
ભાઈ-બહેનની ગંધાતી અસલિયતને ખુલ્લી પાડવા રક્ષાબંધનથી ઉત્તમ મુરત કયું હોય!
lll
‘નો... નો!’
હોટેલની રૂમમાં અજાણ્યા પુરુષને પ્રવેશતો જોઈને રસિકાને ચીસ પાડવાનું મન થયું.
ગયા અઠવાડિયે વિડિયો દેખાડીને અબ્દુલે રવિવારની બપોરે મને તેની રૂમ પર તેડાવેલી. કદાવર આદમી મારી કોમળ કાયા પર અકરાંતિયાની જેમ તૂટી પડ્યો હતો.
અબ્દુલને તાબે થવાને બદલે શા માટે મેં તેની ફરિયાદ સાગરને ન કરી? અબ્દુલ પાસે આપણી ફિલ્મ છે કહીને સાગરને ચેતવ્યો હોત તો સાગરે અબ્દુલને ધમકાવીનેય ફિલ્મ ડિલીટ કરાવી હોત... પણ પછી જેનાં અંગ પરપુરુષ સામે ઊઘડ્યાં તે સ્ત્રીને પોતાની પત્ની તો ન જ બનાવત! એના કરતાં અબ્દુલને રીઝવીને સાગરને પતિ તરીકે પામવાનો માર્ગ ખુલ્લો રાખવાના સ્વાર્થે પોતે દોરાઈ. એક રવિવાર ગાળું તો ફિલ્મ ડિલીટ કરવાનું અબ્દુલે પ્રૉમિસ કર્યું હતું, પણ પછી ફરી બેઠો બદમાશ!
‘તારી ફિલ્મ તો મારા સાઇડ બિઝનેસની લૉટરી છે!’ તે ગંદું હસ્યો : ‘તારે ફિલ્મ ફરતી ન કરવી હોય તો હું મોકલું તે ગ્રાહકને તારા રૂપથી રીઝવતી રહેજે!’
મને ધંધે બેસાડીને મારો દલાલ બની ગયો અબ્દુલ! મારું આ રૂપ સાગર સમક્ષ ખૂલે તો પત્ની બનવાનું સપનું પીંખાઈ ગયું સમજો! સાગરની મદદ લેવામાં, અબ્દુલ વિશે તેની કાનભંભેરણી કરવામાં હું મોડી પડી...
નિસાસો નાખતી રસિકા સહેમી ઊઠી. અજાણ્યો, ગંધાતો પુરુષ તેનાં વસ્ત્રોને અડી રહ્યો હતો. હજારો વીંછીના ડંખની પીડા રસિકાએ અનુભવી.
ના, હું સાગર સાથે મરજીથી સૂતી, પણ આમ દેહની હાટડી માંડવા જેટલી પણ હલકટ નથી... આ દળદળ તને પૂરેપૂરું ગળી જાય એ પહેલાં કોઈક રીતે અબ્દુલને ચકમો આપીને તારી ફિલ્મ ડિલીટ કરાવ ને આમાંથી બહાર નીકળી જા રસિકા!
અજાણ્યો આદમી તેના જિસ્મને ચૂંથી રહ્યો હતો ને રસિકાનું દિમાગ અબ્દુલને માત આપવાના ખ્યાલોમાં ખોવાયેલું હતું!
lll
‘યા ખુદા!’
અબ્દુલની રાડ ફાટી ગઈ.
બુધવારની સાંજે રસિકાના પહેલા ગ્રાહકે આપેલી ટીપ લેવાના બહાને અબ્દુલે રસિકાને પોતાની ખોલી પર તેડાવી હતી અને તેને કોરી તો ઓછી જવા દેવાય! તે પણ બહુ મૂડમાં હોય એમ પહેલ કરીને મને પલંગ તરફ દોરી ગઈ અને પછી... ડ્રેસમાં છુપાવેલું ચાકુ કાઢીને એક જ ઘાથી મારી મર્દાનગી વાઢી નાખી! અબ્દુલની આંખે અંધારાં છવાયાં, મોંમાં ફીણ આવી ગયાં.
‘હવે તું મને જ નહીં, કોઈને લાયક ન રહ્યો નામર્દ! લાવ તારો ફોન...’
અબ્દુલનો મોબાઇલ ઝૂંટવીને તે ફિલ્મ શોધવા લાગી : તારી પાસે પુરાવો જ નહીં રહે તો સાગરની વાઇફ બનવાનો મને મોકો તો રહે!
એવો જ અબ્દુલ હસ્યો : ‘મૂરખ છોકરી! તારા માટે ગ્રાહક એમ જ આવવાનો? દામ ચૂકવતાં પહેલાં માલની ખાતરી તો કોઈ પણ માગેને...’
‘એ...ટ...લે?’
‘એટલે એમ કે મારા વૉટ્સઍપનાં ફલાણાં-ફલાણાં ગ્રુપ પર તારી ફિલ્મમાંથી હાઈ-ક્લાસ ફોટો મોકલ્યા છે... એ ક્યાં-ક્યાં ફરતા થઈ ગયા હશે ને કોણે-કોણે ડાઉનલોડ કર્યા હશે કોણે જાણ્યું!’
આની ખાતરી કરતી રસિકા ધબ્બ દઈને બેસી પડી.
‘બાઈએ મિસિસ સાગર બનવું છે...’ અબ્દુલે બૉમ્બ ફોડ્યો, ‘જાણતી નથી કે તારી ફિલ્મ સાગરે જ ઉતારેલી અને તેણે જ મને આપેલી!’
હેં!
lll
‘આવો... આવો!’
બળેવની સવારે મમ્મી-પપ્પા-અરેનભાઈને આવકારતાં વૈદેહીની ખુશી છલકાઈ ઊઠી.
ગયા વખતે અરેનભાઈ એકલા આવેલા, આ વખતે તો ઉષામાએ ખાસ ફોન કરી સૌને નિમંત્ર્યાં છે.
ઉષામા. દોડવીરને દોડ દરમ્યાન અચાનક હર્ડલ આવી જાય એમ વૈદેહી ખચકાઈ.
અહીં આવી છું ત્યારથી મા થોડાં અકળ લાગ્યાં - અને મારાથી અળગાં પણ.
સવારે હું ઊઠું એ પહેલાં તો ઠાકોરજીની સેવા કરીને ઘરમંદિરે પડદો ઢાળી દીધો હોય, તુલસીક્યારે દીવો થઈ ચૂક્યો હોય અને રસોડાનો ઉંબરો ઓળંગવા જાઉં કે ચૂલા આગળ બેઠેલાં મા હાથ આગળ કરીને તાડૂકે : ‘અહીં તારું કામ નથી વહુ, એક કામમાં બબ્બે જણ શું કામ રહે! જા, બહારનાં કામ પતાવ!’
માના બોલમાં એવું વર્તાય છે જાણે મારા જવાથી રસોઈ અભડાઈ જવાની હોય! આવા નીતિ-નિયમ તો મા હું કે રિયા દૂર બેઠાં હોઈએ ત્યારેય નથી પાળતાં... સ્નેહામાની બીમારી દરમ્યાન ઉષામા કેવાં પ્રેમાળ રહેલાં. વળી પાછું કંઈ બન્યું કે પછી એ જ જૂની વાત હશે?
ના... ના. એ જ મા પાછાં બળેવ નિમિત્તે મારાં પિયરિયાંને તેડાવે છે એનો જ હરખ તું માણને મારી બાઈ! અને વૈદેહીએ ખચકાટ ઓગાળી દીધો.
આજના રક્ષાબંધને સાસુમા ઍટમબૉમ્બના ધડાકાની તૈયારી કરીને બેઠાં છે એની વૈદેહીને ત્યારે ક્યાં ખબર હતી?

(આવતી કાલે સમાપ્ત)

columnists Sameet Purvesh Shroff exclusive gujarati mid day