રામનવમી - એક અનોખી વાત (પ્રકરણ ૫)

27 March, 2026 03:05 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

જવાબમાં ભગવાધારી જુવાનને બહાર આવતો જોઈ વસુધાથી ન રહેવાયું. હમણાં તો સંતાન માટે કુળદેવીના સ્થાનકે માથું ટેકવી આવ્યાં અને હવે એક તપસ્વીના પ્રાણ લેવા છે તમારે? ધરમને વારવાના આશયે તે પણ નીચે ઊતરી. 

ઇલસ્ટ્રેશન

ફરી એ જ હત્યારો અને ફરી એ જ... 
ઘરની બારીમાંથી બહારનું દૃશ્ય જોતાં અનસૂયામાની કીકી આગળ ગતખંડ ઊપસી આવ્યો. 
પચીસેક વર્ષ અગાઉ અખિલ સંધ્યા સાધનામાંથી પરવાર્યો કે ઊભા મોલને કચડતી મોટી ગાડીઓ આમ જ આશ્રમના આંગણમાં અટકી હતી.
lll
કારમાંથી ઊતરી ધર્મરાજે હવામાં ફાયર કર્યું : બહાર આવ અખિલ, તારું મોત આવ્યું છે! 
જવાબમાં ભગવાધારી જુવાનને બહાર આવતો જોઈ વસુધાથી ન રહેવાયું. હમણાં તો સંતાન માટે કુળદેવીના સ્થાનકે માથું ટેકવી આવ્યાં અને હવે એક તપસ્વીના પ્રાણ લેવા છે તમારે? ધરમને વારવાના આશયે તે પણ નીચે ઊતરી. 
ગાડીની ડાબે-જમણે પતિ-પત્ની હતાં ને સામે બરાબર તેમની મધ્યમાં અખિલ ઊભો હતો. સ્વસ્થ, તેજમય અને ચહેરા પર આછી મુસ્કાનભેર. 
‘છેલ્લી વાર પૂછું છું, જમીન મને આપવી છે કે નહીં? ‘હા’માં તારી જિંદગી છે ને ‘ના’માં મોત એ જાણીને જવાબ આપજે.’ 
‘તું શું માને છે, મારા મોતથી જમીન તારી થઈ જશે?’ જાણે નજર સામે ભવિષ્ય તરવરતું હોય એમ અખિલ આંખો મીંચી ગયો. તેના કપાળની નસ ફૂલી ગઈ, ઊંડાણમાંથી આવતા પડઘા જેવા અવાજે તે બોલી ગયો, ‘નહીં, આ જમીન તો તારી નહીં જ થાય, હત્યાનો સિલસિલો પણ નહીં અટકે. આજે તું મારી સામે બંદૂક તાકી ઊભો છે, કાલે તારું જ લોહી તારી સામે બંદૂક તાકે એ તારી નિયતિ જાણ!’ 
વસુધા સહેમી ગઈ. ધર્મરાજે અટ્ટહાસ્ય વેર્યું. 
‘સાધુડા, હું કાંઈ બબલુ નથી કે તારા ઝાંસામાં આવી જાઉં.’ 
‘જેવી કર્મની ગતિ. આ દેહ તારી ગોળીથી પડવાનું નિર્મિત હશે તો એમાં મીનમેખ સર્જી હું મારા રામને ભોંઠો નહીં પાડું કેમ કે દેહ મરે છે, પ્રાણતત્ત્વ તો અમર છે!’ 
અખિલની નજર વસુધાના ઉદર પર અટકી-ન અટકી કે... 
ધડામ. 
ગોળી અખિલનું હૃદય વીંધી ગઈ, પ્રાણપંખેરું ઊડી ગયું ને એ જ પળે વસુધાએ ઉદરમાં ફફરાટ અનુભવ્યો : ધ..ર..મ! આપણું બાળક ધબક્યું!  
હેં! 
ધર્મરાજ ફાટી આંખે ઘડીક પત્નીને તો ઘડીક ભોંય પર પડેલા અખિલને તાકી રહ્યો. તેની ખુલ્લી નજર હજીયે વસુધાના ઉદર પર અટકી છે. શું એમાંથી નીકળેલા પ્રાણ વસુધાના ગર્ભમાં જઈ શિશુનો પહેલો ધબકાર બની ગયો? 
દેહ મરે છે, પ્રાણ તત્ત્વ તો અમર છે! 
અખિલના શબ્દો હવામાં ઘુમરાઈ છાતીમાં અફળાવા લાગ્યા. 
કાલે તારું જ લોહી તારી સામે બંદૂક તાકશે એને તારી નિયતિ જાણ! 
મારું લોહી... મારો અંશ... વિચિત્ર નજરે ધર્મરાજ પત્નીના ઊપસેલા પેટને તાકી રહ્યો : કે આ સાધુનો પુનર્જન્મ? 
નૉન્સેન્સ! 
ઘરે આવી ધર્મરાજે જાતને દારૂમાં ડુબાડી દીધી. વાહિયાત વિચાર કરવા બદલ ખુદને ગાળો દીધી : નજર સામે મોત તાંડવ કરતું લાગ્યું એટલે સાધુડો ભવિષ્યવાણી ભાખતો હોય એમ લવારો કરી ગયો એને શું સાચી માનવાની? કહતા ભી દીવાના, સુનતા ભી દીવાના.  
પણ એથી ભીતરનો ડર, એ આશંકા નિર્મૂળ થઈ નહીં બલકે વસુધાના પેટના ઘેરાવા સાથે વિકરાળ થતી ગઈ: એ જુવાન ચમત્કારી હતો એ તો સાચું. તેના સ્પર્શથી લોકો સાજા થાય એ સાવ મિથ કેમ હોય? શંકરના ગળામાં શોભતા સાપે બબલુ પર ત્રાટકી અખિલના પ્રાણ બચાવેલા એ કેમ ભુલાય? તપસ્વીની હત્યા ધનોતપનોત કાઢી નાખે એવું કહેનારા બધા જ તો ખોટા નહીં હોયને! 
તો શું મારો દીકરો મારી સામે બંદૂક તાકશે? મારી હ..ત્યા કરશે? 
ન બને. મારા હાથે મરેલા ભગવાધારીના વેણને તો હું સાચાં નહીં જ પડવા દઉં. મને મારો અંશ વહાલો છે, પણ મારો જીવ એનાથી વધુ વહાલો છે. 
એ જ કશ્મકશ. એના એ જ વિચારો. 
‘ભૈયાજી, આશ્રમની જમીનનું શું કરવું છે? એનો હવાલો અખિલની વિધવા મા અનસૂયાએ સંભાળ્યો છે.’ 
‘અભી કુછ મત કરો.’ એ જમીનમાંથી તેનો રસ ઊડી ગયો હતો. મારા અંજામની ભવિષ્યવાણી થઈ એ ધરા અપશુકનિયાળ ગણાય. આમેય અખિલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ઊઠ્યા છે. એટલે પણ હમણાંનો સમય ચૂપચાપ વીતી જવા દેવામાં શાણપણ છે.
પતિના જવાબે વસુધાને રાહત થયેલી. પતિનુ પાપ તેને કનડતું. પોતે અખિલને બચાવી ન શકી એનો વસવસો કોરી ખાતો અને વિકસતા ગર્ભને વિચિત્ર નજરે તાકી રહેતા પતિની બીક લાગતી. 
જોકે ભારાડી દીકરો પુનર્જન્મના તૂતમાં રમ્યા કરે એ પિતાથી સહન ન થયું, ‘તને વહેમ જ હોય કે તારું બાળક તારો જીવ લેશે તો તેને અવતરવા જ શું કામ દેવું! અને હા, તારો અંશ એકલી વહુમાં નહીં પાંગરે એ પણ ધ્યાન રહે...’ 
પિતાનું મોઘમ સમજી પહેલાં તો ધર્મરાજે બાળક ન થવાનું ઑપરેશન કરાવી લીધું. 
આ બાજુ બાપ-દીકરાની જાણ બહાર તેમનો સંવાદ સાંભળી ગયેલી વસુધાએ જોખમ સૂંઘ્યું : નહીં, મારા ગર્ભમાં અખિલના જ પ્રાણ શ્વસ્યા છે એ માનવું કાં તો શ્રદ્ધા કાં તો અંધશ્રદ્ધા છે, ધર્મરાજનો અંશ તેનો જીવ લે એવી ભવિષ્યવાણી માનવી-ન માનવી આસ્થાનો વિષય છે. ધર્મરાજ માટે એ ભયની સાયરન બની ચૂકી છે. પણ એથી મારું બાળ ગર્ભમાં ગૂંગળાઈ મરે એ નહીં થવા દઉં!    
અને કુદરત તેની સાથે હોય એમ એક અવસર તેને મળી ગયો. 
જાણે કોઈ કારણે રસોડાના સ્ટોરરૂમમાં આગ લાગી ને જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લબકારા લેવા લાગી. 
‘હાય...હાય... જલદી બંબા બોલાવો. વસુધા શેઠાણી અંદર ગયાં છે!’ 
ખરેખર તો હવેલીની બેજીવી દાસી સ્ટોરમાં ગઈ હતી, પણ આંખે ઝાંખપને કારણે ઘરડી દાસી દિનમણિએ વસુધા ગયાનું ધારી લીધું ને આગની હોહામાં આ તર્ક ફેલાતો સાંભળી વસુધાએ તક જોઈ. કોઈની નજરે ચડ્યા વિના તે તાત્પૂરતી ભંડકિયામાં પુરાઈ ગઈ...
...અને રાતનું અંધારું ઓઢી આશ્રમના આંગણે આવી પહોંચી! શું કામ એ તો તેને પણ પૂરેપૂરું નહોતું સમજાયું. કદાચ જે સ્થળે સંતાનનો પહેલો ધબકારો સંભળાયો એ જગ્યાનું ખેંચાણ હોય એટલે. કદાચ પોતે જીવિત હોવાનું ધરમ જાણે તો પણ અહીં હોવાનું અનુમાન ન જ કરે એટલે. 
અનસૂયામાએ દીકરાના અંત સમયની ગાથા ત્યારે જાણી. તેમણે વસુધાના ઉદર પર હાથ મૂક્યો ને સામેથી લાતનો પ્રતિસાદ મળતાં તેમની આંખો વરસી રહી. મારા અખિલે દીકરાના હાથે પિતાના અંજામની આગાહી કરી છે વસુધા, એ ખોટી નહીં પડે એ માટે પણ તારા રક્ષણની જવાબદારી લઉં છું. બાકી તારો લાડલો મારો સવાયો લાડલો બની રહેવાનો એ નક્કી! 
આશ્રમમાં થાળે પડી વસુધાએ તેનાં માબાપને અલાહાબાદથી તેડાવ્યાં. દીકરીનો સંસારભેદ જાણી તેમનો જીવ કકળી ઊઠ્યો. અને પિતાએ એટલું કર્યું કે મૃત બેજીવી દાસીના રિપોર્ટમાં તે વસુધા જ હતી એટલું કન્ફર્મ થાય... પરિણામે ધર્મરાજ વગેરેને શંકા ન રહી. હા, દાસીની ગેરહાજરી બાબત સ્ટાફમાં ધારી લેવાયું કે ભૈયાજીની નજર તેના પર પડી હશે તો જ તે આમ રહસ્યમય ઢબે ગાયબ થઈ જાય. કાં તો ભૈયાજીનો શિકાર બની ગામ-ઘર યા તો દુનિયા છોડી ચૂકી હોય એમ માની તેના પરિવારે પણ ગમ ખાઈ લીધો. ભૈયાજીને સવાલ કરવાની હિંમત તો કોને હતી?    
અનસૂયામાની નિશ્રામાં પ્રસૂતિ હેમખેમ પાર તો પડી, પણ વસુધાનુ સ્વાસ્થ્ય કથળતું ગયું. 
‘મા, મારા દીકરાને તમને સોંપું છું. તેને અજાતશત્રુની જેમ ઉછેરજો મા, જેથી પિતા જેવા બાહુબલીનો સામનો કરવાનો થાય ત્યારે તે ડગે નહીં. તેને એટલો પ્યાર આપજો કે તેની જનેતા પણ તેને સાંભરે નહીં!’ 
અજાતશત્રુ પર આશીર્વાદ વરસાવી વસુધાએ તેનો આત્મવૃત્તાંત પૂરો કર્યો અને બીજા દહાડે ડોક ઢાળી દીધી. છ-આઠ માસમાં તેનાં માવતર પણ પાછાં થયાં અને બસ, અજાતશત્રુ મારું સારસર્વસ્વ બની ગયો! 
ચહેરેમહોરે તે અખિલથી સાવ જુદો, ગુણોમાં પણ પાયાના ભેદ. ભક્તિમાં તેનું ચિત્ત ઓછું લાગતું, શાંત પ્રકૃતિને બદલે ખટપટિયો જીવ. ધીરે-ધીરે અનસૂયામાએ પણ અજાતશત્રુમાં અખિલને ખોળવાની વૃત્તિને તિલાંજલિ આપી. નાનો હતો ત્યારનો તે પોલીસ બનવાનું કહેતો ને અનસૂયામાને પુત્રના હાથે પિતાનું મૃત્યુ થતું દેખાતું... કુદરત તેના પાસા કેવા ખેલી રહી છે! 
અને ગોળીબારના ધડાકાએ અનસૂયામા વર્તમાનમાં ઝબકી ઊઠ્યાં. 
બારીમાંથી નજર નાખતાં ચોંકી જવાયું. 
પિતા-પુત્ર સામસામે ઊભા હતા. અજાતશત્રુના પડખે નિરાલી ઊભી છે. પોલીસના આદમીઓ પ્રગટ થઈ ધર્મરાજની સેનાને ટાંચમાં લઈ લીધી છે. અરે, અજાતે હમણાં છોડેલી ગોળીથી ધર્મરાજની ગન વચકી પડી છે! 
‘યાદ કર ધર્મરાજ!’ 
ઘરમાંથી ધસી આવતાં દાદીમાના સાદે પાછળ જોવાને બદલે અજાતશત્રુએ નજર શિકાર પર રાખી, આંગળી ટ્રિગર પર. નિરાલીએ તેનો ખભો દબાવ્યો. પુત્ર પર હુમલો થતાં બાપ બદલો લેવા દોડી આવવાનો એ ગણતરી સાચી પડી. અખિલની ભવિષ્યવાણીના ભરોસે યુવરાજના રસ્તે ધર્મરાજને અહીં આણવાનું જોખમ ખેડ્યું પણ ગોળી ચલાવતાં પહેલાં અજાતશત્રુને જાણ હોવી ઘટે કે સામે તેનો જન્મદાતા છે એમ ધર્મરાજને પણ ભાન થાય કે પોતે પોતાના અંશના હાથે જ મરી રહ્યો છે! 
 ‘સ્વસ્થ રહેજો, અજાત...’ નિરાલી ગણગણી. અજાતશત્રુનાં જડબાં સહેજ તંગ થયાં. 
‘કાલે તારું જ લોહી તારી સામે બંદૂક તાકશે.... આ ભવિષ્યવાણી આજે સાચી પડી છે!’ અજાતના પડખે આવી ઊભેલાં અનસૂયામા હાંફી રહ્યાં.  
હેં! 
ધર્મરાજ ભડક્યો, અજાતશત્રુ ચોંક્યો. 
‘અજાત તારું-વસુધાનું સંતાન છે... જેમાં મારા અખિલનો અંશ હોવાનું ધારી તું મારવા ઝંખતો હતો.’
હેં! 
lll
ન હોય, આવું તે કંઈ બને! 
વસુધાના અક્ષરમાં લખાયેલી ડાયરી, અજાત સાથે તેનો ફોટો... 
અનસૂયામાએ ધરેલા પુરાવા પછી સંશય રહેતો નથી. અજાતશત્રુને નિહાળતો ધર્મરાજ હસ્યો, ખડખડાટ હસ્યો: મારો ખુદનો દીકરો આશ્રમમાં ઊછર્યો ને મેં પારકાને દત્તક લઈ તમામ સાહેબી આપી! 
ખરેખર તો વસુધાના ‘અવસાન’ પછી બીજું ઘર માંડવાની ધર્મરાજે જરૂર નહોતી જોઈ. પોતાનો અંશ આમેય આણવો નહોતો અને ઐયાશી માટે ગમી એ સ્ત્રીને ક્યાં નથી ઉઠાવાતી! છતાં વંશને વારસ તો જોઈએ. 
એનો જોગ કઝિન મેઘનાના અકાળ મૃત્યુમાં કળાયો. છ માસના દીકરાને પિયર મૂકી મેઘના પતિ સાથે શિમલા ફરવા જતી હતી એમાં રોડ-ઍક્સિડન્ટમાં બેઉ અવસાન પામ્યાં ને ધર્મરાજે યુવરાજને ખોળે લઈ એવું વહાલ વરસાવ્યું કે લોકો તો ઠીક, યુવરાજને પોતાને યાદ નહીં હોય કે પોતે દત્તક દીકરો છે! 
‘પણ એ જ મારો સાચો દીકરો છે.’ ધર્મરાજના નાખોરાં ફૂલી ગયાં, ‘તેને બરબાદ કરનારીને હું...’
ધડામ. 
નીચે પડેલી ગન ઉઠાવી ધર્મરાજ નિરાલીનું નિશાન તાકે છે કે અજાતશત્રુની ગનમાંથી છૂટેલી ગોળી ધર્મરાજનું કપાળ વીંધી ગઈ. 
ધબ દઈને તે ફસડાયો અને અનસૂયામાને લાગ્યું મારા કાળજા જેટલી ટાઢક આજે વસુના હૈયે પણ પ્રસરી હશે! 
lll
ધર્મરાજ સિંહની હત્યાના ખબરે આખા અયોધ્યામાં સન્નાટો પ્રસરાવી દીધો. પિતાના અંજામથી પીસાતા યુવરાજનો નિરાલીએ ઉતારેલો વિડિયો વાઇરલ થતાં તેણે પડતું મૂક્યું ને કંઈ કેટલી અબળાઓએ વેર વળ્યાની તૃપ્તિ અનુભવી. 
lll
અજાતશત્રુએ નિરાલીના સાહસને પોંખ્યું. પોતાના અસ્તિત્વનાં સત્યો પચાવી ગયો : મારામાં બીજ ભલે ધર્મરાજનું હોય, હું જીવતો રહ્યો મારી માના સાહસના પ્રતાપે. દાદીમૈયા, હું અખિલ છું કે નહીં નથી જાણતો, પણ અજાતશત્રુ તમારો જ દીકરો છે એ જરૂર માનજો.’
અનસૂયામાએ તેનાં ઓવારણાં લીધાં. 
અને રામ નવમીની બીજી સવારે રામ મંદિરના નેપથ્યમાં તેમણે નિરાલીનો હાથ અજાતશત્રુના હાથમાં મૂક્યો, ‘હવે બેઉ આ દાદીમૈયાને પરદાદીમૈયા થવાના ખુશખબર જલદી આપો!’
એ જ ઘડીએ ‘જય શ્રી રામ’નો જયઘોષ ઊઠ્યો. તેમને નતમસ્તક થતાં અજાતશત્રુ-નિરાલીના જીવનમાં પછી સુખ જ સુખ રહ્યું એ ઉમેરવાની જરૂર ખરી? 
(સમાપ્ત)

columnists exclusive Sameet Purvesh Shroff gujarati mid day gujaratis of mumbai