26 March, 2026 12:15 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
રાતે જાગીને નિરાલીએ વસુધાના આત્મવૃત્તાંતનું વાંચન પતાવ્યું.
ક્યાંય સુધી તેના દિલદિમાગ પર એ ગાથાની અસર રહી.
ન રહેવાતાં અજાતશત્રુને ફોન જોડ્યો : જાણો છો અજાત, તમારાં જન્મદાત્રી વસુધામા અદ્ભુત સ્ત્રી હતાં.
હેં! અજાતશત્રુ અવાક બન્યો. દાદીમૈયાએ ઘણી વાર મા-બાપ વિશે જણાવવાનો યત્ન કરેલો, પણ પોતે એની જરૂર મહેસૂસ નહોતી કરી. પણ મારી જનનીએ મરતાં પહેલાં પોતાનો આત્મવૃત્તાંત લખેલો એ નિરાલીએ વાંચ્યો એ જાણી ડઘાઈ જવાયું.
‘એ પાછાં મારાં મમ્મીનાં બહેનપણી, હોં!’
અચ્છા!
અજાતશત્રુના હોઠ સળવળ્યા, ‘અને મારા પિતા?’
નિરાલી સાવધ બની: ના, બાહુબલીનો ઉલ્લેખ કરીશ તો અજાતશત્રુ જાણે કઈ હદની પ્રતિક્રિયા આપે!
‘એ બધું તમે રૂબરૂ આવો ત્યારે.’ કહેતી નિરાલીએ રણકો બદલ્યો: હવે કહો, ક્યારે આવો છો?
lll
‘આવો, આવો!’
દિવાકરભાઈ-નિર્મળાબહેનને આવકારતાં અનસૂયામા ભાવવિભોર બન્યાં : તમારી દીકરીએ તો અહીં સૌનાં દિલ જીતી લીધાં! હમણાંની તો અજાતશત્રુની વર્ષગાંઠની ઉજવણીની તૈયારીમાં મચી પડી છે. બેચાર દિવસથી તે રોજ બપોરે નીકળી જાય એ ઠેઠ મોડી સાંજે પરત થાય છે. જુઓને, આશ્રમની સજાવટ માટે કેટલી સામગ્રી ભેગી કરી છે!
માબાપને આનો પોરસ હોય જ.
બપોરે જમીને દિવાકરભાઈ-નિર્મળાબહેન તેમના કક્ષમાં આડા પડખે થયાં કે નિરાલી આવી : મા, ઓળખાણ પડે છે?
તેણે ધરેલી છબી જોતાં નિર્મળાબહેન ઊછળ્યાં : અરે, આ તો વસુધા, મારી પરમ સખી!
‘અને અજાતશત્રુની જન્મદાત્રી.’
હેં!
lll
નિરાલી હજી ન આવી!
ચૈત્રની સાતમના નોરતે સાંજે માતાજીના મંદિરે જવાનું કહી નીકળેલી નિરાલી પરત આશ્રમ આવી જ નહીં. તેનો મોબાઇલ પણ નથી લાગતો!
હવે?
‘બેચાર દિવસથી તો વાડામાં ભાજી ચૂંટવા આવી મારી સાથે કેટલું ગપાટતાં. અહીંનો છોટે ભૈયા કેવો ખતરનાક છે, આ પ્રદેશમાં રૂપાળી સ્ત્રીના માથે એ ભમતું જોખમ છે એ બધુંય તેમને મેં સમજાવેલું. તોય હમણાંના રોજ સાંજે નીકળી જતાં તે ક્યાંક યુવરાજના આદમીઓએ તો...’
ચંદનનો અધ્યાહાર બાકીનાને થથરાવી ગયો.
‘હે રામ. કંઈ ઊંચનીચ થઈ ગઈ તો મારે અજાતશત્રુને શું જવાબ આપવો!’ દાદીમૈયા કંપી ગયાં.
દિવાકરભાઈ-નિર્મળાબહેનની નજરો મળી-છૂટી પડી.
lll
‘લડકી વહી હૈ ના!’
મોડી રાતે બંગલીમાં પ્રવેશતાં યુવરાજના સવાલે બેઉ ગાર્ડ્સે ડોક ધુણાવી: એ જ છે છોટે ભૈયા... મંદિર જતી’તી, રસ્તામાંથી ઉઠાવી લીધી.’
હં!
યુવરાજે સીટી વગાડી.
આનો અર્થ એ કે છોટે ભૈયા આજે ફરી તાંડવ જમાવવાના! ગાર્ડ્સે પરસ્પર મલકી લીધું.
પિતાની ઓથમાં ઊછરેલા યુવરાજનો ઢાંચો આપોઆપ બાહુબલીપણામાં ઢળ્યો. માને તેણે જોઈ નહીં, ઘરમાં
દાદી-કાકી જેવાં સ્ત્રીપાત્રો પણ નહીં. હા, દાદા-પિતાએ હેત વરસાવવામાં કસર નહોતી રાખી. અને સમજ વિસ્તરતી ગઈ એમ પિતાનો પ્રભાવ યુવરાજને ગમવા લાગ્યો. દસ વર્ષની ઉંમરે તે પપ્પાની ગન ઉપાડી આમતેમ ફેરવવા લાગ્યો એ જોઈ નોકર દોડી આવ્યો: બેટા, હથિયારથી ન રમાય!
‘ખબરદાર જો તેને સુફિયાણી વાતો શીખવી તો. સાવજનો દીકરો છે, બાપની ગાદી આમ પોચટ બનીને નહીં સંભાળાય.’
ધર્મરાજનો ઠપકો સેવકે નીચી મુંડી કરી ખમી લીધો.
અને ખરેખર મોટો થઈ ગયો હોય એમ સેવક પર તુચ્છકારભરી નજર ફેંકતો યુવરાજ પિતા તરફ દોડી ગયેલો: પપ્પા, ગન કેવી રીતે ચલાવાય?
અને પપ્પાએ શીખવ્યા પ્રમાણે પિસ્ટલ ઉઠાવી ધડધડાધડ હવામાં કારતૂસ ખાલી કરી નાખી. એ જોઈ દાદાજી બોલેલા: ધર્મરાજ, આ તારો ખરો વારસદાર!
એ ઝનૂન યુવરાજની રગ-રગમાં વ્યાપ્ત બન્યું. અને બહુ જલદી ભૈયાજી કહેવાતા પિતા ધર્મરાજ બડે ભૈયા બની ગયા ને યુવરાજનું નામ છોટે ભૈયા પડી ગયું! સૌ છોટે ભૈયાના નામથી ફફડે છે. આજે દાદાજી તો નથી રહ્યા, પણ પિતાને એનો ગર્વ છે. અલબત્ત, પપ્પા હવે થાક્યા હોય એમ બેખોફપણાને બદલે સમાધાનની નીતિ અપનાવે છે તોય આજે પણ તે મારા હીરો છે!
‘દીકરા, આ કળથી કામ લેવાનો સમય છે. બીજું તો ઠીક, યુવાન સ્ત્રીઓને ઉઠાવી ભોગવવાની વૃત્તિ પર લગામ તાણ. તું જાણે છે, નવાબસરની સબીનાના કેસમાં તને છાવરતાં મને નવનેજાં આવ્યાં...’
હજી ગયા અઠવાડિયે જ ધર્મરાજે તેને સમજાવાનો યત્ન કરેલો. સબીનાના ઉલ્લેખે યુવરાજે હોઠ કરડેલો. આમ તો ઉઠાવેલી સ્ત્રીને તે મન ભરાય એટલા દહાડા બંગલીમાં કેદ રાખી ભોગવતો ને આબરૂ લૂંટાઈ રવાના કરાતી સ્ત્રીઓ કાં તો ગામ ઘર કે પછી દુનિયા છોડી દે, આત્મહત્યા કરી લે તો હૂ કૅર્સ!
પણ સબીના જુદી માટીની નીકળી. સોશ્યલ મીડિયામાં લાઇવ થઈ તેણે ખુદ પર પેટ્રોલ છાંટ્યું ને ‘યુવરાજ ઉર્ફે છોટે ભૈયાએ મારી આબરૂ લૂંટી’નું બયાન દઈ દિવાસળી ચાંપી મરી ગઈ એ ઘટનાનો પડઘો આખા ઉત્તર પ્રદેશમાં પડ્યો. પિતાએ દિલ્હી સુધી દોડભાગ કરી ‘છોકરીને અમારા વિરોધીઓએ પૈસા આપી ખરીદી હતી’નું તિકડમ પુરવાર કરતાં પોતે આબાદ છટકી શક્યો, પણ દર વખતે એ શક્ય નહીં બને એવી પિતાની વાત તો સાચી.
‘તું બનાવ તારો રંગમહેલ, રાખ પચાસ-સો તને ગમતી બાઈઓ ખરીદીને, માણ જેવી રંગરેલી માણવી હોય એ; કોણ ના પાડે છે? પણ છોકરીઓ ઉઠાવવાનું બંધ કર અને તારાં લગ્ન પણ મારે હવે લઈ લેવાં છે. તોફાની ઘોડો ખીલે બાંધેલો સારો!’
પિતાની ઉપમાએ અત્યારે પણ યુવરાજથી મલકી જવાયું.
પપ્પા કદાચ મારી ઐયાશીનું વધુપડતું સ્ટ્રેસ લઈ રહ્યા છે. છતાં તેમની સેહતનું વિચારી યુવરાજે થોડો સમય છોકરીઓ ઉઠાવવામાં ખમૈયા કરવાનું વિચાર્યું હતું, પણ બે દિવસ અગાઉ મહેસૂલની ઉઘરાણીથી પરત થતાં તેની ગાડી ભરતગઢના બજારને ચીરતી નીકળી કે...
‘તેં મને સીટી મારી જ કેમ!’
રસ્તાની વચ્ચોવચ કોઈ જુવાનનો કૉલર પકડી બે તમાચા ઠોકતી યુવતીએ સોપો સર્જી દીધો. ઘડીકમાં ટોળું જામી ગયું.
‘કેવો મરદ છે! છોકરીથી પિટાય છે.’
યુવરાજે કહેતાં ગાર્ડ્સને ચાનક ચડી : કહો તો છોકરીને સીધી દોર કરી દઈએ.
‘નહીં.’ યુવરાજ એક નજરે કારના કાળા કાચમાંથી યુવતીની સપ્રમાણ કાયાના રસભર્યા વળાંકો નિહાળી રહ્યો, ‘આને બંગલીએ લાવો. બાકીનું હું જોઈ લઈશ!’
અને છોટે ભૈયાની કાર અટકી હોવાનો અણસાર આવતા લોકો ફફડીને આઘાપાછા થઈ ગયા. ગાડી આગળ સરકી, પણ યુવરાજ તો ગરદન ઘુમાવી પાછળ સરકતી યૌવનાને જ નિહાળી રહ્યો!
એ યૌવનને ભોગવવાની વેળા હવે આવી ગઈ!
એ નિરાલી હતી.
lll
ઉત્તેજના ઘૂંટતો યુવરાજ બંગલીના શયનકક્ષમાં પ્રવેશ્યો.
આ માત્ર બેડરૂમ નહોતો. કિંગસાઇઝ પલંગ ઉપરાંત અહીં બાર હતો. મિની પૂલ જેવું બાથટબ ધરાવતો અડધા રૂમ જેવડો મોટો બાથરૂમ હતો. ત્રણ દીવાલે અશ્લીલ તસવીરો હતી ને ચોથી દીવાલે વૉલસાઇઝ સ્ક્રીન પર યુવરાજ પોતાના બળાત્કારને લાઇવ નિહાળી શકે એવી વ્યવસ્થા હતી.
અને પલંગ પર બંધનગ્રસ્ત યુવતીને જોતાં જ યુવરાજની કીકીમાં શિકારીની ચમક આવી ગઈ.
lll
રાક્ષસ આવી ગયો!
મનમાં દાઝ ઘૂંટી નિરાલી ચકોર નેત્રે યુવરાજને નિહાળી રહી. દમ ઘૂંટ્યો : આ બંગલીમાં તેં ઘણી અબળાની લાજ લૂંટી નરાધમ, પણ આજે એવું કંઈક થવાનું જેની તેં કલ્પના પણ નહીં કરી હોય!
તું માને છે કે તેં મને ઉઠાવી, પણ ઓ દુષ્ટ, હું મારી મરજીથી તારી નજરે ચડી અને ઉઠાવાઈ છું એની તને ક્યાં જાણ છે!
‘શું જુએ છે રાણી!’
બીજી છોકરીઓની જેમ આ ગભરુ હરિણીની માફક ફફડતી નથી એની જરાતરા નવાઈ પણ લાગી યુવરાજને. પછી તેનો તોરીલો મિજાજ સાંભરતાં હસી જવાયું : હમણાં અંગ પરનું વસ્ત્ર ચીરીશ એટલે બાઈમાં રહેલી સતી સાવિત્રી જાગી જશે!
‘તમે મરદ થઈને સ્ત્રીના હાથપગ બાંધીને રેપ કરો છો?’
આંખમાં આંખ પરોવી પૂછેલા સવાલે યુવરાજનુ સ્મિત સમેટાઈ ગયું.
‘મારાં બંધન ખોલી દો... દોરડા સાથે મને મજા નહીં આવે!’
યુવરાજે તેના તરફ ધસી ગયો: મજા નહીં આવે એટલે?
‘ઉફ્ફ! આ તમારું કસાયેલું શરીર. રૂંવે-રૂંવે ટપકતી મરદાનગી. અફકોર્સ, આઇ વૉન્ટ ટુ એન્જૉય યૉર મસ્ક્યુલિન બૉડી.’
યુવરાજ ધગી ગયો.
‘જલદી તારાં કપડાં ઉતાર. તારો બળકટ દેહ જોવા મારી આંખો તરસી રહી છે. જલદી!’
બસ, નિરાલીના તડપભર્યા ચિત્કાર પછી યુવરાજે વિચારવાનું ન રહ્યું. આમ પણ એક કોમળ કન્યા મને શું કરી લેવાની!
ફટાફટ વસ્ત્રો ઉતારી તે નિરાલીનાં બંધન ખોલવા ઝૂક્યો, પણ આ શું...
છોકરીના હાથ પહેલેથી ખુલ્લા છે, નામનું દોરડું રાખ્યું છે અને તેની મુઠ્ઠીમાં ચમકતું સાધન ગુપ્તી છે એનો ઝબકારો થતાં ચોંકેલો યુવરાજ પાછળ હટવા ગયો, પણ મોડો પડ્યો.
ગુપ્તીના એક જ ઘાથી નિરાલીએ યુવરાજના જનનાંગને મૂળમાંથી વાઢી નાખ્યું!
lll
યુવરાજની કાળી ચીસોએ બેઉ ગાર્ડ્સ ચમક્યા.
બંગલીમાંથી છોકરીઓની આવી જ ચીસો આવતી, આજે પહેલી વાર છોટે ભૈયા ચીખી રહ્યા છે એનો અર્થ શું કરવો.
ત્યાં તો દરવાજો ખૂલ્યો ને નિરાલી ધસી આવી: જલદી કરો. યુવરાજને છાતીમાં દુખાવો ઊપડ્યો છે. હાર્ટ-અટૅક લાગે છે. જઈને જુઓ તો ખરા!
હાર્ટ-અટૅકના નામે ભડકેલા ગાર્ડ્સ અંદર દોડ્યા ને બંગલીનો દરવાજો બહારથી બંધ કરી નિરાલી છટકી ગઈ!
lll
‘વી આર સૉરી...’
બીજી બપોરે એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમે ધર્મરાજ સમક્ષ ખેદ જતાવ્યો: યુવરાજ પર એવો તીક્ષ્ણ અને ઝનૂનભેર વાર થયો છે કે અંગનું જોડાણ કે ઈવન ટ્રાન્સપ્લાન્ટ પણ સંભવ નથી.
પુત્ર નપુંસક બન્યાનો ધક્કો ધર્મરાજને ખળભળાવી ગયો. નિદાન જાણી યુવરાજે અયોધ્યાની હૉસ્પિટલ માથે લીધી.
‘એ છોકરી મારો વિડિયો પણ ઉતારી ગઈ છે. મારે જીવવું નથી.’ કહી તેણે હૉસ્પિટલની રૂમની બાલ્કનીમાંથી પડતું નાખવાની કોશિશ કરી. વૉર્ડબૉયની સમયસૂચકતાએ તેને ઉગાર્યો. ડૉક્ટરે ઘેનનું ઇન્જેક્શન આપી તેને સુવાડ્યો ત્યાં સુધીમાં ધર્મરાજ સિંહમાં જૂનો ભૈયાજી પુનઃજીવિત થઈ ચૂક્યો હતો.
નિરાલી નામની એ છોકરી ભરતગઢના આશ્રમમાં રહે છે જાણી ભીતર ખટકો જાગે એ પહેલાં તેણે પિસ્ટલ ઉઠાવી ટીમને આદેશ આપ્યો: ચલો!
અને એકની પાછળ એક ગાડી આશ્રમ તરફ ધસવા લાગી.
lll
‘આ તેં શું ગજબ કર્યો, છોકરી!’
અનસૂયામા નિરાલીની સાહસગાથા સાંભળી હજીયે થથરી જાય છે. રાક્ષસના સકંજામાં સામેથી ફસાવા નિરાલી બજારમાં ભટકતી, સાચો-ખોટો ઝઘડો કરી યુવરાજ નહીં તો તેના ચમચાઓની નજરમાં ચડવા મથતી અને પાછી દિવાકર-નિર્મળાને આની જાણ હતી એ બધું જાણી હેબતાઈ જવાયેલું.
‘આ તો રામજીની મહેર કે તું બચી ગઈ, પણ ન કરે નારાયણને તારો દાવ ઊલટો પડત તો...’
‘ક્યાંથી પડત, દાદીમૈયા? મને સ્વરક્ષણની તાલીમ ખુદ અજાતે આપી છે. યુવરાજ જેવા દસને પહોંચી વળું.’ કહી સધિયારો પાઠવ્યો, ‘અહીં આવીને અજાતને જોખમનો અંદાજ આપ્યોને મેં. તેણે ખેતરમાં દેખાય નહીં એમ પોલીસપહેરો ગોઠવી દીધો છે અને તે પોતે પણ તો હવે આવતો જ હશે.’
અલબત્ત, અજાતશત્રુને પૂર્ણ સત્ય નથી માલૂમ. તે તો એટલું જ જાણે છે કે બાહુબલીના દીકરાએ નિરાલીને કિડનૅપ કરી અને નિરાલી તેના પૌરુષ પર ઘા કરીને છટકી આવી...
‘વિશ્વાસ રાખજો દાદીમૈયા, અખિલે કહેલી એ ઘડી ઢૂંકડી છે...’
નિરાલીના વાક્યે અનસૂયામા આંખો મીંચી ગયાં.
અને ઢળતી સાંજે ભરતગઢની ધરા ધ્રૂજી ઊઠી. ખેતરના મોલને ચીરતાં મોટાં વાહન આંગણે આવી ઊભાં.
ઘરની બારીમાંથી આ દૃશ્ય જોતાં દાદીમૈયા બોલી ઊઠ્યાં : પચીસ વર્ષ પછી એવી જ એક સાંજ... ફરી એ જ હત્યારો... અને ફરી એ જ...
મુખ્ય ઝાંપેથી અજાતશત્રુને દાખલ થતો જોઈ પછીના શબ્દો તેમના ગળામાં ગંઠાઈ ગયા!
(આવતી કાલે સમાપ્ત)