23 December, 2025 12:21 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘મમ્મી, તમને મન પડે ત્યાં હું મૅરેજ નથી કરવાની.’ કિચનમાં આવતાંની સાથે જ વૈશાલીએ કહી દીધું, ‘તારે પપ્પાને કહેવું હોય તો અત્યારથી કહી દેજે. હું કહીશ તો એ નાના છોકરાની જેમ મોઢું ચડાવશે...’
‘બેટા, એક વાર છોકરો જોઈ તો લે. તારી જેમ હાર્ટ સ્પેશ્યલિસ્ટ છે. એક ફીલ્ડના લોકો હોય તો જીવનમાં ફરક પડે.’
‘તું બિલ્ડર છો?’ વૈશાલીના શબ્દોથી મમ્મીની બોલતી બંધ થઈ ગઈ, ‘મમ્મી, લાઇફ-પાર્ટનર સાથે કમ્ફર્ટેબિલિટી રહે એ માટે એક ફીલ્ડ નહીં, ફીલિંગ્સ એક હોવી જોઈએ. મારી જ્યાં ઇચ્છા છે, મને જેના માટે ફીલિંગ્સ છે તેની સાથે તો તમે મૅરેજ કરાવવા રાજી નથી તો પછી શું કામ મૅરેજનું ટેન્શન કરો છો?’
‘બેટા, તું જો તો ખરી... તું બત્રીસ વર્ષની થઈ.’ મમ્મી તરત ભૂતકાળમાં પહોંચી ગઈ, ‘હું તારા જેવડી હતી ત્યારે તું મારા ખોળામાં રમવા માંડી હતી.’
‘એક્ઝૅક્ટ્લી... ને હું શર્મા અંકલની પિન્કીની જેમ ટેન્થમાં આવી ત્યારે મારો ભાઈ ત્રણ વર્ષનો હતો.’
મમ્મીની પાંપણો ભેગી થઈ.
‘તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે વૈશાલી.’ વૈશાલી જવાબ આપે એ પહેલાં જ મમ્મીએ તેને કહી દીધું, ‘હું તને હજી પણ કહું છું, તું એક વાર છોકરો જોઈ લે. જોયા વિના ના પાડવા કરતાં જોઈને, મળીને ના પાડવી સારી.’
વૈશાલીની આંખો ચમકી. તેના કાનોમાં મમ્મીના શબ્દો ગુંજતા હતાઃ ‘મળીને ના પાડવી સારી.’
lll
‘વૈશાલી, વૈશાલી...’ ઑલમોસ્ટ ચીસો પાડતાં રમણિકભાઈ ઘરમાં દાખલ થયા, ‘વૈશાલી..’
‘અરે શું છે પણ...’ મમ્મી કિચનમાંથી બહાર આવી, ‘હજી નથી આવી. થયું શું?’
‘આવવા દે આજે એને... આવે એટલે તને ખબર પડશે, થયું શું?’
‘તમે વાત તો કરો. અને જરાક શાંત થાઓ.’ લોટવાળા હાથે જ મમ્મીએ જગ હાથમાં લઈ પાણીનો ગ્લાસ ભર્યો, ‘હળવા થઈને વાત કરો, ખોટું બ્લડપ્રેશર નહીં વધારો.’
‘તું તારી દીકરીને સમજાવ કે વગરકારણે મારું BP વધારે નહીં.’ એકઝાટકે આખો ગ્લાસ પેટમાં ઠાલવી પપ્પાએ મમ્મી સામે જોયું, ‘તારી દીકરીને સંદીપ દેખાડ્યો હતોને, એ સંદીપ સામે તારી છોકરીએ બધું ભસી માર્યું છે. કહી આવી છે કે તેને તો મૅરેજ કરવાં જ નથી પણ આપણા પ્રેશરને કારણે તે સંદીપને મળવા રાજી થઈ ગઈ.’
‘આ છોકરી મારો જીવ લેશે.’ મમ્મી બબડી, ‘જરાય શાંતિ નથી
લેવા દેતી.’
‘બબડાટ બંધ કર. હજી તને ખબર નથી કે બીજું શું-શું બોલીને આવી છે.’ પપ્પાએ બૉમ્બ ફોડ્યો, ‘કહી આવી છે કે મારે તો ખોજા સાથે લગ્ન કરવાં છે પણ ગામમાં અમારી વાતો થશે એવું કહીને પપ્પા મને રોકે છે.’
મમ્મીની આંખો ફાટી ગઈ.
‘તમને કોણે કહ્યું?’
‘કોણે કહ્યું એટલે... પેલો સંદીપ આવ્યો હતો મળવા, ઑફિસે... આવીને તેણે આ બધી લવારી કરી ને પાછા જતી વખતે મને સલાહ દઈને ગયો કે મારે હવે થોડા મૉડર્ન થવું જોઈએ.’
‘તેણે સાચું જ કહ્યું તમને.’
ઘરમાં દાખલ થતાં વૈશાલીએ કહ્યું અને પહેલી વાર પપ્પાની કમાન એવી તે છટકી કે તેણે વૈશાલી પર હાથ ઉપાડી લીધો.
lll
એ રાત આખા ઘર માટે ભયાનક રહી.
પપ્પાએ વૈશાલી પર હાથ ઉપાડ્યો અને વૈશાલીએ ઘરમાં તોડફોડ કરી. ડિનર માટે બનાવવામાં આવેલું ફૂડ એમ જ પડ્યું રહ્યું.
અમેરિકી કંપનીનું જૉબ-વર્ક નાના ભાઈ રવિની કંપનીમાં થતું એટલે રવિને ઘરે આવતાં મોડું થતું. રાતે સાડાબાર વાગ્યે તે ઘરે આવ્યો ત્યારે ડાઇનિંગ ટેબલ પર પડેલા કૅસરોલમાં રહેલી ફૂડની ક્વૉન્ટિટી જોઈને તે સમજી તો ગયો કે ઘરમાં કંઈક માથાકૂટ થઈ છે, પણ શું માથાકૂટ થઈ છે એનો ખુલાસો કરવા મમ્મી-પપ્પા કે બહેન કોઈ હૉલમાં નહોતાં એટલે તે સામેથી વૈશાલીના રૂમમાં ગયો.
lll
‘હાઇ...’ વૈશાલીએ રવિની સામે જોવાની પણ તસ્દી લીધી નહીં, ‘ઘરમાં કંઈ થયું?’
કોઈ જવાબ નહીં.
‘દી, હું તને પૂછું છું.’ રવિએ ફરીથી સવાલ કર્યો, ‘મમ્મી-પપ્પા ઝઘડ્યાં?’
‘મને નથી ખબર.’
‘હંમ...’ રવિએ અનુમાન લગાવી લીધું, ‘મીન્સ તારે એ લોકો સાથે લપ થઈ.’
સામેથી ફરી ખામોશી ઓઢી લેવામાં આવી.
‘કોના કારણે લપ થઈ?’
‘તારા કારણે...’ વૈશાલી રીતસર બૉમ્બની જેમ ફૂટી, ‘તારા લીધે. આ ઘરમાં જે કંઈ થાય છે એ બધું તારા કારણે થાય છે.’
‘મેં શું કર્યું દી...’ રવિ હેબતાઈ ગયો હતો, ‘મેં... મેં તો કંઈ કર્યું પણ નથી. અરે, પપ્પા કે મમ્મી મને બે દિવસથી મળ્યાં પણ નથી...’
‘તું જા અત્યારે, મને... મને સાચે જ ગુસ્સો આવે છે.’ વૈશાલીએ રવિને ધક્કો માર્યો, ‘તું નીકળ મારા રૂમમાંથી.
‘એય, એક મિનિટ દી...’ રવિના ચહેરા પર દૃઢતા આવી ગઈ, ‘આ શું નૉન્સેન્સ વાત કરે છે. મારા રૂમમાંથી ઍન્ડ ઑલ ધૅટ...’
‘હા, તું તો પપ્પાનો લાડકો છોને, તને બધું નૉન્સેન્સ જ લાગે.’ અચાનક વૈશાલી ટર્ન થઈ રવિની સામે આવી, ‘અરે હા, આ ઘર પણ પપ્પા તો તારા નામે જ કરશે એટલે મારાથી તો એવું પણ ન કહેવાય કે આ રૂમ મારો છે.’
રવિ માટે વૈશાલીનું આ વર્તન ખરેખર શૉકિંગ હતું.
‘જો તને વાંધો હોય તો હું, અત્યારે, તારા આ ઘરમાંથી જવા તૈયાર છું. ટેન્શન કરવાની જરૂર નથી. મને હૉસ્પિટલની હૉસ્ટેલમાં રૂમ મળી જશે. કદાચ બેચાર દિવસ પછી મળે, અરેન્જમેન્ટ થાય એટલે પણ હું રૂમ વિનાની નહીં રહું...’ વૈશાલીએ કબાટ ખોલ્યો, ‘કહે, હું રહું ઘરમાં કે પછી જાઉં અહીંથી...’
રવિ બિલકુલ હેબતાયેલો હતો. શું જવાબ આપવો એ તેને સૂઝતું નહોતું.
‘જવાબ આપ... મને પૅકિંગ કરવાની ખબર પડે.’
વૈશાલી રવિની સામે જોતી ઊભી રહી. વૈશાલીની આંખમાં આંસુ આવવાની તૈયારીમાં હતાં પણ તેણે એ મહામહેનતે રોકી રાખ્યાં હતાં.
‘દી...’
‘મરી ગઈ તારી દી...’ વૈશાલી ફરી ચિલ્લાઈ, ‘જવાબ દે મને, હું તારા આ ઘરમાં રહું કે નહીં?’
રવિએ વૈશાલી સામે નજર નાખી અને પછી ક્ષણવારમાં રૂમમાંથી બહાર નીકળી ગયો.
ધડામ...
જોરથી બંધ થયેલા દરવાજાએ કૉર્નર પર ઊભેલી મમ્મીને ધ્રુજાવી દીધી હતી.
મમ્મીએ વૈશાલીનું વર્તન જોયું નહોતું પણ તેણે દીકરીના શબ્દો સાંભળ્યા હતા અને એ શબ્દો સાંભળીને મમ્મી હેબતાઈ ગઈ હતી. તેને આજે પહેલી વાર વૈશાલીનો ડર લાગ્યો હતો અને મમ્મીનો ડર ખોટો પણ નહોતો.
lll
‘બધાનાં લિસ્ટ તૈયાર થઈ ગયાં. આ એક વૈશાલીનું લિસ્ટ આવવાનું બાકી છે.’ પપ્પાએ આઇપૅડ પર નજર કરતાં કહ્યું, ‘તેને હૉસ્પિટલમાંથી, મેડિકલ ફીલ્ડવાળા અને બીજા લોકોને રવિનાં મૅરેજમાં બોલાવવાના હોય તો પછી આપણને લિસ્ટ આપવું પડશેને. ક્યારે આપશે લિસ્ટ?’
‘મેં તો તેને બે દિવસ પહેલાં જ કહી દીધું.’ મમ્મીએ જવાબ આપ્યો, ‘પંદર દિવસ પછી મૅરેજ છે અને એ છોકરીએ હજી તેનાં કપડાં પણ નથી લીધાં.’
‘એમાં વાંધો નહીં. બધાને ખબર છે દીકરી ડૉક્ટર છે એટલે બધાં સમજી જશે કે ડૉક્ટરોને ફૉર્માલિટીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી હોતો.’
‘એક્ઝૅક્ટ્લી પપ્પા.’
પપ્પાને પોતાની ફેવરમાં બોલતાં સાંભળીને વૈશાલીને ખુશી થઈ હતી. બે સક્સેસફુલ સર્જરી પૂરી કર્યા પછી વૈશાલી થાકી તો હતી પણ થાક સાથે આવતા કંટાળાને ભગાડવાનું કામ આ સફળતા જ કરતી હોય છે.
‘મમ્મી, હું ફૉર્મલ કંઈ પણ પહેરી લઈશ એટલે તું મારી ચિંતા નહીં કર.’
‘બેટા, ફૉર્મલમાં થોડું સારું, ઢંગનું...’ પપ્પાએ પૂછી પણ લીધું, ‘તું કહેતી હો તો તારી શૉપિંગ માટે આપણે બન્ને જઈ આવીએ. ’
‘એ હેલો પપ્પા, સારું અને ઢંગનું પસંદ કરતાં મને આવડે છે.’
‘ઠીક છે પણ મૅરેજમાં પહેરાય એવાં કપડાં, થોડું જરીકામ થયું હોય અને ભારે લાગે એવાં...’ પપ્પાને અચાનક યાદ આવ્યું, ‘અરે હા, વૈશાલી તારું લિસ્ટ. તારે મૅરેજમાં કોને-કોને બોલાવવાના છે?’
પપ્પાના સવાલ સાથે જ વૈશાલીના ચહેરા પરથી સ્માઇલ ગાયબ થઈ ગયું. તેના કાનમાં સાંજે કૅન્ટીનમાં પુછાયેલો પ્રશ્ન ગુંજવા લાગ્યો.
lll
‘વૈશુ, મારે મૅરેજમાં આવવાનું છે કે નહીં એ તો મને કહે?’
‘કુતુબ, મારું ચાલે તો હું પોતે પણ મૅરેજમાં ન જઉં.’ બ્લૅક કૉફીની કડવાશ વૈશાલીના શબ્દોમાં ઉમેરાઈ, ‘ડ્રામા છે બધા. બસ, બધાને દેખાડો કરશે અને પછી મનોમન પોતાના કૉલર ટાઇટ કરશે.’
‘ઠીક જ છેને! એ લોકો રાજી તો આપણે રાજી. સિમ્પલ.’ કુતુબે હળવાશ સાથે કહ્યું, ‘હું તો મજાક કરું છું પણ હા, એક વાત કહી દઉં. રવિનાં મૅરેજ પછી તારા પર મૅરેજનું પ્રેશર વધશે એ નક્કી છે.’
‘હંમ... પૉસિબલ. પણ જો એવું થયું તો યાદ રાખજે, ઘરમાં આવેલી પપ્પાની ફેવરિટ વહુ દેખતાં એવા ડ્રામા થશે કે મમ્મી-પપ્પાને ખબર નહીં પડે કે હવે બધું કન્ટ્રોલ કેમ કરવું.’
‘કેમ, તું શું કરવાની છો?’ કુતુબની આંખોમાં અચરજ હતું, ‘જો વૈશુ, રવિ અને મિતુલને એવું ન થવું જોઈએ કે તું આપણા રિલેશનના કારણે એ લોકોને હેરાન કરે છે.’
‘ના રે, હું તો હેરાન રમણિકભાઈ પટેલને કરીશ. હા, એ હેરાનગતિમાં વચ્ચે કોઈ આવે અને જાતે હેરાન થાય તો એ લોકોનાં નસીબ.’ કુતુબ કંઈ કહે એ પહેલાં જ વૈશાલીએ કહી દીધું, ‘ટૉપિક ચેન્જ. મારે અત્યારે કોઈ જ્ઞાન નથી જોઈતું.’
કુતુબ ખડખડાટ હસી પડ્યો
અને વૈશાલીએ તેના ખભા પર માથું ઢાળી દીધું.
‘કુતુબ, આપણે ક્યારેય એક થઈશું કે નહીં?’
lll
‘એકને ઇન્વાઇટ કરવાનો છે. જો તમે પરમિશન આપો તો.’ ત્રાંસી આંખે પપ્પા પોતાની સામે જુએ છે એ વૈશાલીએ ચેક કરી લીધું હતું, ‘પરમિશન એટલે માગું છું કે આ તમારા દીકરાનાં મૅરેજ છે. તમારી ઇચ્છા મારે ધ્યાનમાં રાખવાની હોય.’
‘સાવ સાચું બોલી તું.’ સોફા પર જોરથી આઇપૅડ પછાડતાં રમણિકભાઈ ઊભા થયા, ‘આ મારા દીકરાનાં મૅરેજ છે, કોનાં? મારા દીકરાનાં અને મારા દીકરાનાં મૅરેજમાં હું કોઈ હાલીમવાલીને આવવા નહીં દઉં.’
વાત આગળ વધવાની તૈયારીમાં જ હતી પણ એ જ વખતે ડોરબેલ વાગી.
‘જા, જો... વેવાઈ આવી ગયા હશે.’ પપ્પાએ વૈશાલી સામે જોયું, ‘તારા એ... એ... જે હોય તેને આ ઘરમાં તો શું, મારી આસપાસ પણ હું ફરકવા નથી દેવાનો. હરામી સાલ્લો.’
‘પપ્પા, હદ થાય છે.’
વૈશાલી કંઈ બોલે એ પહેલાં તેની પીઠ પાછળથી અવાજ આવ્યો.
‘દીકરાનાં મૅરેજ છે, હદ તો ભૂલવી જ પડેને...’ વેવાઈએ રમણિકભાઈને પણ સાથે લીધા, ‘બરાબરને રમણિકભાઈ.’
ખોટું સ્માઇલ આપી પપ્પાએ વૈશાલી સામે જોયું.
‘તું જા. ફ્રેશ થઈ જા. મોઢું જો તારું, કાળું ધબ્બ થઈ ગયું છે.’
‘તમારા કારણે.’
વૈશાલી રૂમમાં ગઈ અને તેણે ઇરાદાપૂર્વક દરવાજો જોરથી બંધ કર્યો.
ધડામ.
આવેલો એ અવાજ અનેક જીવનમાં ઊથલપાથલ લાવવાનો હતો.
(વધુ આવતી કાલે)