24 December, 2025 11:06 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘કુતુબ, હું હજી પણ તને કહું છું,
તું તારી આ ડૉક્ટરમાંથી બહાર આવી જા.’ કુતુબની ખુલ્લી છાતી પર હાથ ફેરવતાં શર્મિલા તેની નજીક આવી, ‘મને, મને એમાં કંઈક અજુગતું લાગે છે...’
‘તું એનું ટેન્શન નહીં કર. એ છોકરી પોતે જ મને છોડી દેશે.’ બગાસું ખાતા કુતુબે કહ્યું, ‘મારે લીધે તે અત્યારે એવી હવાતિયાં મારે છે કે નહીં ઘરની રહે અને...’
‘તારી હું નહીં થવા દઉં.’
શર્મિલાએ વાત પૂરી કરતાં કહ્યું અને કુતુબ તેને વળગી પડ્યો. કુતુબની ઇચ્છા તો વધુ એક વાર એકબીજામાં ખોવાઈ જવાની હતી પણ શર્મિલાએ તેને રોક્યો.
‘કુતુબ, પહેલાં મારી વાત સાંભળ. આપણે મુંબઈમાં ત્રણ વર્ષથી છીએ. સૌથી વધારે અહીં રોકાયાં છીએ. મને લાગે છે કે આપણે હવે અહીંથી નીકળી જવું જોઈએ.’ શર્મિલાએ કહ્યું, ‘તારી બીવી થઈને હું આજે પણ એકલી રહું છું, શું કામ? તારી ઇચ્છા હતીને કે એક વખત આપણી પાસે પૂરતા પૈસા આવી જાય પછી આપણે શાંતિની લાઇફ જીવીશું.’
‘એ તો હું અત્યારે પણ કહું છું.’ શર્મિલાથી અળગા થતાં કુતુબે જવાબ આપ્યો, ‘એક વાર આ વૈશાલીને ખંખેરી લઉં પછી આપણે નીકળી જઈશું. વૈશાલી પાસેથી મોટો માલ નીકળે એમ છે.’
‘માલની લાલચમાં જાન જોખમમાં મુકાશે તો?’
‘નહીં મુકાય, મારી ગૅરન્ટી.’ કુતુબના અવાજમાં ગર્વ હતો, ‘આગળના બે કેસમાં પણ આપણું કોઈ બગાડી નથી શક્યુંને...’
‘આ તારો ઓવર-કૉન્ફિડન્સ છે.’
‘ના, આ મારો વિશ્વાસ છે... છોકરી જાત પરનો.’ કુતુબે બાજુમાં પડેલો પેગ મોઢે માંડ્યો, ‘પૈસો અને શરીર બન્ને ગુમાવ્યા પછી તે જાહેરમાં આવવાને બદલે મૂંગા રહેવાનું પસંદ કરે.’
‘હા અને અત્યાર સુધીમાં એવું બન્યું છે, પણ એ બધું આપણા પ્લાન મુજબ હતું એટલે... અત્યારે તું પ્લાન મુજબ આગળ નથી વધતો.’ શર્મિલા ઊભી થઈને ચૅર પર બેઠી, ‘આપણે નક્કી કર્યું હતું કે તારે ફક્ત વિધવા અને ડિવૉર્સી છોકરીઓને ફસાવવાની છે અને એ માટે મૅટ્રિમોનિયલ સાઇટનો ઉપયોગ કરવાનો છે, પણ તું... એ બધું પડતું મૂકીને તું એ છોકરીને ફસાવવા ગયો જે તારી જ હૉસ્પિટલમાં સિનિયર લેવલની ડૉક્ટર છે.’
‘મેં ફસાવી નથી, પક્ષી જાતે જ આવીને જાળમાં ફસાયું.’
‘ઓકે... તું તેની સાથે મજા કર. પણ કામ એ જ રીતે આગળ વધાર જે રીતે આપણે નક્કી કર્યું છે. જસ્ટ યાદ કર.’ શર્મિલાએ ગણતરી શરૂ કરી, ‘નાશિકમાં તને વર્ષા મળી ગઈ, વર્ષા ડિવૉર્સી હતી. પુણેમાં તારા હાથમાં જિજ્ઞા આવી ગઈ, જિજ્ઞા વિધવા હતી, આગળ-પાછળ કોઈ નહોતું, ભાઈની સાથે રહેતી હતી. ભાઈ-ભાભીને આવી વાત કેમ કરવી એવું ધારીને તે ચૂપ રહી, પણ આ વૈશાલી... ખબર છેને તને, તે તારાથી વધારે ભણેલી છે, અનમૅરિડ છે. એક વખત આપણી સાચી વાત તેની સામે આવશે તો આપણી આજ સુધીની મહેનત પર પાણી ફરી વળશે.’
‘ડોન્ટ વરી બેબી, એવું કંઈ નહીં થાય.’ કુતુબે શર્મિલાનો હાથ ખેંચ્યો, ‘હવે એક શબ્દ નહીં. બસ, શાંતિથી મજા લે અને મને પણ લેવા દે...’
‘વૈશાલી સાથે સૂઈને આવ્યો તો પણ હજી તારું પેટ નથી ભરાયું?’
‘ના...’ કુતુબે શર્મિલાની ગરદન પર દાંત બેસાડ્યા, ‘બેડ પર તારા જેટલું ઍક્ટિવ કોઈ નથી.’
lll
કુતુબ અને શર્મિલા મૂળ ઉત્તર પ્રદેશનાં. બન્નેએ લવ-મૅરેજ કર્યાં. ઐયાશી તેમનો સ્વભાવ અને એટલે જ પૈસો હાથમાં ટકે નહીં અને મહેનત કરીને જે પૈસો હાથમાં આવે એ પૂરો થાય નહીં. અલગ-અલગ રીતે લોકોને છેતરવાની પ્રક્રિયા પણ કરી લીધી પણ એ પ્રક્રિયાના અંતે પણ ખુલ્લા પડી જવાનો ડર સતત રહેતો, જેને લીધે બન્નેએ છેતરપિંડી કરી તરત શહેર છોડીને નીકળી જવું પડતું.
એક દિવસ શર્મિલાના મનમાં એક પ્લાન આવ્યો અને તેણે પ્લાન કુતુબ સામે મૂક્યો.
lll
‘કુતુબ, તને જિમનો શોખ છે. તારી મસ્ત ચિકની ફેર સ્કિન છે. હજી માંડ ત્રીસનો દેખાય છે... એક કામ કરીએ. નાની ઉંમરે કાર-ઍક્સિડન્ટમાં તારી વાઇફ ગુજરી ગઈ એવું દેખાડીને તારો એક પ્રોફાઇલ બનાવ. આપણે એ મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર મૂકીએ.’
‘પછી શું?’
‘સિમ્પલ, વિડોઅર છો એવી ખબર પડશે એટલે મોટા ભાગે વિડો કે ડિવૉર્સી છોકરીઓ તારા કૉન્ટૅક્ટમાં આવશે.’ શર્મિલાએ વાત આગળ વધારી, ‘જેની ફાઇનૅન્શિયલ સ્ટ્રેન્ગ્થ સારી હોય તેની સાથે તું આગળ વધ અને પછી જ્યારે ચાન્સ મળે ત્યારે મસ્ત રીતે તેને ખાલી કરી નાખ.’
‘તે પોલીસમાં ગઈ તો?’
‘એ પહેલાં તારે સરસ રીતે તેને લપેટમાં લઈ લેવાનીને...’ પોતાના હોઠ પર જીભ ફેરવતાં શર્મિલાએ માદક ઇશારો કર્યો, ‘રેકૉર્ડિંગની વ્યવસ્થા હું કરી દઈશ. વિડિયો તારી પાસે હશે એવી જેવી પેલીને ખબર પડશે કે તરત તે ભાગશે.’
‘કન્ફર્મ?’
‘હન્ડ્રેડ પર્સન્ટ કર્ન્ફમ.’ શર્મિલાએ કહ્યું, ‘છોકરીઓનો એકમાત્ર વીક પૉઇન્ટ તેનું ચરિત્ર છે. પોતાના કૅરૅક્ટર પર આવે એટલે મોટા ભાગની છોકરીઓ સીધી બહાર.’
‘પાક્કું?’
‘અરે અંબુજા સિમેન્ટ જેવું પાક્કું. તું સામેથી તેનો કૉન્ટૅક્ટ કરવા જઈશ તો પણ તે તારાથી ભાગશે.’
‘હંમ... પ્રોફાઇલ બનાવી કાઢ. પણ સાચા નામની.’ કુતુબે ચોખવટ કરી, ‘મને ઉધારી ગમે છે, ઉધારની જિંદગી નહીં.’
lll
બે કેસમાં ખાસ્સી એવી મોટી રકમ કઢાવીને શર્મિલા અને કુતુબ મુંબઈ આવી ગયાં. સાકીનાકામાં એક ફ્લૅટ ભાડે રાખી લીધો અને લગ્નવિષયક સાઇટ પર દેખાડવા માટે કુતુબે હૉસ્પિટલમાં કમ્પ્યુટર ઑપરેટરની જૉબ લઈ લીધી. શિકારની શોધ ચાલુ હતી પણ એ શોધ આગળ વધે ત્યાં જ કુતુબની થાળીમાં વૈશાલી નામની પૂરણપોળી આવી. કુતુબ મિડલ ક્લાસ હતો એટલે વૈશાલીએ તેના મોટા ભાગના ખર્ચાઓ ઉપાડી લીધા હતા. મહિને આરામથી પચાસેક હજાર રૂપિયા કુતુબ પાછળ ખર્ચતી વૈશાલી એટલે કુતુબને માનસિક શાંતિ મળી ગઈ અને તેણે મનોમન નક્કી કર્યું કે જ્યાં સુધી નવો શિકાર હાથમાં ન આવે ત્યાં સુધી વૈશાલીના ખભા પર આગળ વધવું. આગળ વધવાની આ પ્રક્રિયા વૈશાલી માટે કેવી જોખમી બનશે એની ન તો કુતુબને ખબર હતી, ન તો વૈશાલી જાણતી હતી.
વિરોધ હંમેશાં આકર્ષણ જન્માવે.
બસ, વૈશાલી સાથે એવું જ થયું.
પરિવારમાંથી કુતુબનો વિરોધ થયો અને વૈશાલીનો નાનપણનો રાગદ્વેષ બળવાન બનીને બહાર આવ્યો. કુતુબ પણ એનો પૂરતો ગેરલાભ લેતો રહ્યો.
lll
‘તારે મૅરેજમાં નથી જવુંને?’
‘ના.’ વૈશાલીએ કુતુબને કહ્યું, ‘જો એ લોકો તને ન સ્વીકારે તો મારે પણ એ લોકો સાથે સંબંધો નથી રાખવા.’
‘ના, એવું નથી કરવાનું. આપણે રિલેશનશિપ તોડી નથી નાખવી પણ હા, એ લોકોને તારે એ પણ દેખાડી દેવું જોઈએ કે તું તારા પેરન્ટ્સથી નારાજ છો.’
વૈશાલીએ કુતુબની સામે જોયું.
‘કેવી રીતે?’
વૈશાલીની આંખમાં પ્રશ્ન વાંચીને કુતુબના ચહેરા પર સ્માઇલ આવ્યું.
‘સિમ્પલ છે, તું મૅરેજમાં જઈશ પણ મૅરેજ સમયે તારી વૅલ્યુ શું છે એ ત્યાં હાજર હશે એ બધાને ખબર પડી જશે.’ કુતુબે વૈશાલીના માથે હાથ ફેરવ્યો, ‘જો વૅલ્યુ વધશે તો જ ઇચ્છાઓ પણ પૂરી થશે.’
‘રાઇટ. પણ વૅલ્યુ વધારવા મારે શું કરવું જોઈએ મિસ્ટર, એ કહેશો?’
‘કહું પણ એનો ક્યાંય ને ક્યારેય મિસયુઝ નહીં કરવાનો.’
‘પ્રૉમિસ.’
‘હાર્ટ-સ્પેશ્યલિસ્ટ છો. તને ખબર જ છે કે કઈ મેડિસિન લેવાથી બ્લડપ્રેશર છે એ એકઝાટકે ડાઉન થાય અને જો બ્લડપ્રેશર ડાઉન થાય તો કેવી હાલત સર્જાય...’
‘યુ મીન... હું રવિને...’
‘હા... આપણે ભાઈને કંઈ કરવાનું નથી. આપણે તો માત્ર તેની બૅટરી થોડી ડાઉન કરવાની છે. એક વાર બૅટરી ડાઉન થશે એટલે તરત તારા પપ્પા અને મમ્મી સહિત બધા તારા નામની ચીસાચીસ કરી મૂકશે. તારે જવાનું અને જઈને પાંચ મિનિટમાં રવિને રિકવર કરી ફરી પાછા એક ખૂણામાં જઈને મોઢું ફુલાવીને બેસી જવાનું.’ કુતુબના શાતિર દિમાગમાં પ્લાન બનતો જતો હતો. ‘પછી બધા તારી આસપાસ અને તું મોઢું ફુલાવેલી.’
‘એ તો એકાદ દિવસની વાત થઈ. એક દિવસથી આ લોકોમાં કંઈ ફરક નથી પડવાનો.’
‘તારે ફરક પાડવો છેને?’
‘હા, તારી સાથે મૅરેજની હા પડી જાય અને આપણાં મૅરેજ થઈ જાય ત્યાં સુધી... પછી એ લોકો મારી સાથે ટર્મ્સ રાખે કે ન રાખે, મને કોઈ ફરક નથી પડતો.’
‘બસ તો મારો વિશ્વાસ રાખ અને કહું છું એટલું કર.’ કુતુબે કહ્યું, ‘૨૩ ડિસેમ્બરનાં મૅરેજ છે. સાંજે ફંક્શન શરૂ થાય એના અડધા કલાક પહેલાં તારે ભાઈને તને જે બરાબર લાગે એ એક મેડિસિન આપી દેવાની.’ કુતુબની આંખ સામે ભવિષ્યનું એ દૃશ્ય હતું, ‘તું દુલ્હાની બહેન છો. તેના રૂમમાં જતાં તને કોઈ રોકશે નહીં. તારે કંઈ પણ કોલ્ડ ડ્રિન્ક કે શેકમાં એ દવા દેવાની અને પછી એ પણ ધ્યાન રાખવાનું કે થોડીક વાર પછી રવિ બીજું પણ કંઈ ખાઈ લે.’
‘એવું કેમ?’
‘જેથી ખાવાના વિષય પર પોસ્ટમૉર્ટમ થાય ત્યારે છેલ્લે કોણ આવીને શું ખવડાવી ગયું એ જ બધાની સામે આવે.’
‘સો સ્માર્ટ મિસ્ટર...’ વૈશાલીએ કહ્યું, ‘આ આઇડિયા માટે મારે તને શું આપવાનું?’
‘તારી લાઇફમાં સ્થાન...’
પાછળના શબ્દો વૈશાલીને સંભળાયા હોત તો તેનું ભવિષ્ય જુદું હોત.
‘તારી પ્રૉપર્ટીમાં અડધો હિસ્સો.’
lll
‘અરે પી લેને... એનર્જી માટે સારું છે.’
‘દી, બધા આવી-આવીને આ જ કરે છે.’ સાફો સરખો કરતાં રવિએ ટચલી આંગળી દેખાડી, ‘પછી હસ્તમેળાપ વખતે મારે જવું પડશે.’
‘તો જઈ આવજે. મારા ભાઈ વતી મિતુલ સાથે હસ્તમેળાપ હું કરી લઈશ.’ રવિના ચહેરા પર સ્માઇલ જોઈ વૈશાલીએ ગ્લાસ લંબાવ્યો, ‘ચાલ, જલદી ફિનિશ કર. મને નથી લાગતું કે રાતે બાર પહેલાં તમારા લોકોનો જમવાનો ટર્ન આવે. ફટાફટ ગ્લાસ ફિનિશ કર. મારે બીજાં પણ કામ છે.’
lll
‘રવિઈઈઈ...’
મંડપમાં હાજર હતા એ બધાની આંખો ફાટી ગઈ હતી.
ત્રીજા ફેરે રવિને ચક્કર આવ્યાં અને રવિ આગળની તરફ ઝૂકી ગયો. થૅન્ક ગૉડ કે બાજુમાં અણવર બનેલો બેસ્ટ ફ્રેન્ડ હતો એટલે રવિ પડ્યો નહીં, નહીં તો ચોક્કસ તેનું માથું સ્ટેજ સાથે અફળાયું હોત અને લગ્ન રખડી પડ્યાં હોત.
‘શું થયું?’
ટોળા વચ્ચે જગ્યા કરતા રમણીકભાઈ આવ્યા અને તેમણે દીકરાના માથે હાથ મૂક્યો. દીકરો ઠંડોગાર થઈ ગયો હતો.
‘અરે કોઈ ડૉક્ટરને બોલાવો...’
મમ્મી જેવી બોલી કે તરત પપ્પાને યાદ આવ્યું.
‘અરે શું કોઈક ડૉક્ટરને બોલાવો, આ મિતુલ બાજુમાં તો છે.’ પપ્પાએ મિતુલ સામે જોયું, ‘બેટા, જલદી જોને...’
મિતુલે રવિની પલ્સ ચેક કરવાનું શરૂ કર્યું અને મિતુલની દરેક ગતિવિધિ વૈશાલીની પલ્સ વધારતી ગઈ. વધુ એક વખત એવું બન્યું હતું કે વૈશાલી હર્ટ થઈ. ઘરમાં આવનારી ડેન્ટિસ્ટે
હાર્ટ-સર્જ્યનની જગ્યા લઈ લીધી હતી.
જો એ દિવસે આવું ન બન્યું હોત તો કહાનીનો અંત આટલો ભયાનક ન હોત.
(વધુ આવતી કાલે)