25 December, 2025 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન
‘જગ્યા કરો... સાઇડમાં ખસો બધા!’
લગ્નમંડપમાં વૈશાલીનો અવાજ ગુંજ્યો. જોકે એ અવાજમાં એક બહેન તરીકેની ચિંતા ઓછી અને એક ડૉક્ટરનો અહમ્ વધારે હતો. રવિ સ્ટેજ પર ઢળી પડ્યો હતો. મિતુલ રવિનું કાંડું પકડીને પલ્સ ચેક કરતી હતી. રમણીકભાઈ અને સુધાબહેનના ચહેરા પરથી લોહી ઊડી ગયું હતું.
‘મિતુલ, તું રહેવા દે. તને ખબર નહીં પડે.’
વૈશાલીએ રીતસર મિતુલને હડસેલી અને રવિનો હાથ પકડ્યો. રવિની પલ્સ ખરેખર ડાઉન હતી, બરાબર એટલી જ જેટલી વૈશાલીએ આપેલી દવાની અસર હોવી જોઈએ. પણ વૈશાલીના આશ્ચર્ય વચ્ચે રવિનું શરીર જરૂર કરતાં વધુ ઠંડું પડી રહ્યું હતું.
‘દી... આ શું થયું?’ રવિએ અર્ધજાગત અવસ્થામાં વૈશાલી સામે જોયું. તેની આંખોમાં ભય હતો.
વૈશાલીને એક ક્ષણ માટે ફાળ પડી કે દવાનો ડોઝ વધી તો નથી ગયો?
ના, માત્રા તો તેની બરાબર હતી.
‘કંઈ નથી થયું, જસ્ટ બ્લડપ્રેશર લો થયું છે.’ સ્માઇલ સાથે વૈશાલીએ પપ્પા સામે જોયું, ‘પપ્પા, ડેન્ટિસ્ટ દાંતની કૅવિટી દૂર કરે, પ્રેશર અને પલ્સ ચેક કરવાં તેનું કામ નહીં. જુઓ મિતુલને, સાઇડમાં ઊભી રહી ગઈ છે.’
‘વૈશાલી! અત્યારે આ બધી વાત મહત્ત્વની નથી.’ ગુસ્સો દબાવતાં રમણીકભાઈએ આજુબાજુમાં ઊભેલા લોકોને કહ્યું, ‘રવિને અંદર લઈ જાઓ.’
lll
રવિને બૅન્ક્વેટ હૉલના રૂમમાં સુવડાવવામાં આવ્યો. મંડપમાં મહેમાનો વચ્ચે ગણગણાટ શરૂ થઈ ગયો હતો. દિનકરભાઈનું ટેન્શન વધી ગયું હતું તો મિતુલના ચહેરા પર પણ નૂર નહોતું રહ્યું. બધાના મનમાં એક જ વાત ચાલતી હતી કે હવે શું થશે, એકને છોડીને. વૈશાલીનું ધ્યાન હવે માત્ર ને માત્ર તેના મોબાઇલ પર હતું.
તે કુતુબના મેસેજની રાહ જોતી હતી. કુતુબે કહ્યું હતું કે રવિનું બ્લડપ્રેશર લો થાય અને તે જેવો બેભાન થાય કે તરત વૈશાલીએ હૉસ્પિટલનું બહાનું કાઢી એક ગાડીમાં રવિ અને રમણીકભાઈ-સુધાબહેનને રવાના કરી દેવાનાં છે અને બીજી ગાડીમાં તેણે નીકળી જવાનું છે. નીકળ્યા પછી તેણે હૉસ્પિટલ નથી જવાનું. તેણે કુતુબ માટે અંધેરી સ્ટેશને પહોંચી જવાનું છે. ત્યાંથી તે બન્ને મુંબઈ છોડીને કાયમ માટે નીકળી જશે.
lll
‘તારે એક કામ કરવાનું છે વૈશુ, મૅરેજ-ફંક્શન છે એટલે બધા ઑર્નામેન્ટ્સ તારી પાસે જ હશે.’ કુતુબે વૈશાલીને સમજાવવાનું શરૂ કર્યું, ‘એ ઑર્નામેન્ટ્સમાંથી એક પણ ઉતારવાનું નથી અને ટ્રાય કરવાની કે બીજું પણ જે હાથમાં આવે એ તું લઈ લે.’
‘કુતુબ એની જરૂર નથી. હું ડૉક્ટર છું. ક્યાંય પણ જૉબ પર રહીશ તો દોઢ-બે લાખની સૅલેરી તરત શરૂ થઈ જશે.’
‘હા, પણ એમાં વાર લાગી તો?’ કુતુબ ઇમોશનલ થયો, ‘જો મારી પાસે પૈસા હોત તો મેં તને ક્યારેય આવું કરવાનું ન કહ્યું હોત. આઇ નો, આ ચોરી છે. પપ્પાના જ ઘરમાં ચોરી કરવી એ...’
‘અરે કંઈ ચોરી નથી. પપ્પાએ મારાં મૅરેજ માટે જ મને અપાવ્યું છે.’ વૈશાલીએ કુતુબને હળવો કર્યો, ‘મૅરેજ કરવા જાઉં છું તો એ મારે લઈ જ જવાનું હોયને. ડોન્ટ વરી. પણ હા, હું બધું સાથે લઈને નીકળી નહીં શકું એટલે મૅરેજના આગલા દિવસે જ તને મૅક્સિમમ ઑર્નામેન્ટ્સ આપી દઈશ. તું તારી સાથે લઈ લેજે.’
‘આપણે એ બધું પાછું આપી દઈશું... પ્રૉમિસ.’
કુતુબે આંખમાંથી આંસુ સાફ કર્યાં.
lll
રાતના બે વાગી ગયા હતા.
રવિને હૉસ્પિટલ લઈ જવાની પપ્પાએ ના પાડી દીધી હતી અને હવે તેની તબિયત પણ નૉર્મલ થવા માંડી હતી. જોકે લગ્ન અટકી ગયાં હતાં. માથું પકડીને રમણીકભાઈ સોફા પર બેઠા હતા તો સુધાબહેન ઠાકોરજી સામે રડતી આંખોએ બેઠાં હતાં. વૈશાલીએ પોતાના રૂમમાં પૅકિંગ કરી લીધું હતું. હજી પણ તેનું ધ્યાન મોબાઇલ પર હતું. કુતુબનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ હતો. રાતે ૧૧ વાગ્યે તેણે સ્ટેશન પહોંચવાનું હતું પણ પોતે પહોંચી શકી નહીં એ વાતથી કુતુબ ગુસ્સે થયો હશે એવું સીધું અનુમાન વૈશાલીના મનમાં ચાલતું હતું.
અચાનક વૈશાલીને આપવામાં આવેલા રૂમના દરવાજે ટકોરા પડ્યા.
વૈશાલીએ જઈને દરવાજો ખોલ્યો.
સામે રવિ ઊભો હતો.
‘તું... રવિ તારે તો રેસ્ટ કરવાનો છે.’ વૈશાલીએ બૅગ પીઠ પાછળ સંતાડી દીધી હતી, ‘શું કામ તું અહીં આવ્યો?’
‘જવાબ માગવા, દી... તેં મને જે શેક આપ્યો એમાં કંઈ મિક્સ કર્યું હતુંને?’ રવિનો અવાજ ધીમો પણ ધારદાર હતો, ‘તેં મને પીવડાવ્યું હતુંને?’
વૈશાલી થંભી ગઈ.
‘શું બકે છે? તને ચાર કલાક સુધી કંઈ મળવાનું નહોતું એટલે મેં તને શેક આપ્યો હતો.’ વૈશાલી શબ્દો ગોઠવી રહી હતી, ‘હું, હું શું કામ તને કંઈ આડુંઅવળું આપું?’
‘તેં મને આપ્યું છે દી... તેં મને જે શેક આપ્યો એ મને ત્યારે જ કડવો લાગ્યો, પણ મેં માન્યું કે એ મારો ભ્રમ હશે. હું એ ભ્રમમાં રહ્યો હોત, પણ મને ચક્કર આવવાનું શરૂ થયું ત્યારે મારું ધ્યાન અચાનક તારા પર ગયું ને મેં જોયું, તું... તું સતત ખુશ થતી જતી હતી.’ રવિની આંખો ભીની થઈ ગઈ હતી, ‘દી, પપ્પા પાર્શિયાલિટી કરે છે એ મને ખબર છે, પણ એમાં મારો શું વાંક? મેં તો તને હંમેશાં મોટી બહેન જ માની છે.’
‘મોટી બહેન?’ વૈશાલીનો ગુસ્સો ફાટ્યો, ‘જે ઘરમાં મારું કોઈ સ્ટેટસ નથી, જ્યાં ભાઈનાં મૅરેજ માટે જ્ઞાતિબાધ સ્વીકારી લેવામાં આવે છે પણ દીકરીની પસંદગીને લાત મરાય છે ત્યાં બધા સંબંધો નામના જ હોય.’
‘હું કાલે... કાલે પપ્પા સાથે વાત કરીશ. તારાં મૅરેજ માટે હું...’
‘તારે કંઈ કરવાની જરૂર નથી.’ વૈશાલીએ તુમાખી સાથે કહ્યું, ‘હવે જે કરવાનું છે એ હું કરીશ ને એ પણ આજે... કાલે ઘરમાં વૈશાલી નહીં હોય ત્યારે તમારા સો-કૉલ્ડ રેપ્યુટેશનનાં ચીંથરાં ઊડશે. બધા તમારા પર થૂંકશે. ને એ સમયે હું સૌથી વધારે રાજી થઈશ.’
વૈશાલી બૅગ લઈને બહાર નીકળી ગઈ.
તેને રોકવાની ક્ષમતા રવિમાં નહોતી.
lll
પહેલાં અંધેરી સ્ટેશન અને પછી વૈશાલી સીધી સાકીનાકા પહોંચી. કુતુબના ફ્લૅટની બહાર તે ઊભી હતી. અડધી રાતે આખો વિસ્તાર સૂમસામ હતો. કુતુબના ફ્લૅટની ડુપ્લિકેટ ચાવી તેની પાસે હતી. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. તેને લાગ્યું કે કુતુબ ગુસ્સામાં હશે પણ તેને જોઈને તેનું દિમાગ ઠંડું થઈ જશે. જોકે અંદર રૂમમાંથી આવતા અવાજોએ વૈશાલીના પગ જમીન પર ચોંટાડી દીધા.
lll
‘કુતુબ, આ હીરાનો સેટ તો ઓરિજિનલ છે.’
શર્મિલાએ હાર ગળા પર રાખીને મિરરમાં જોયું.
‘અરે મારી જાન, પૂરેપૂરો અસલી છે. ડૉક્ટરનો ટેસ્ટ બહુ ઊંચો છે.’
‘એ વાત તારી ૧૦૦ ટકા સાચી.’
શર્મિલાએ કુતુબના ગાલ પર હાથ ફેરવ્યો અને કુતુબ ખડખડાટ હસી પડ્યો.
‘એ જાડી એવું માને છે કે હું સ્ટેશનની બહાર રાહ જોતો અકળાયો હોઈશ... તેને ક્યાં ખબર છે કે હું ને તું સવારની ફ્લાઇટમાં અહીંથી સીધાં...’
ધડામ.
વૈશાલીના હાથમાંથી બૅગ છૂટી ગઈ અને રૂમમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો.
ક્ષણવારમાં કુતુબ બહાર આવ્યો. તેના હાથમાં દારૂનો ગ્લાસ હતો અને ગળામાં એ સોનાની ચેઇન હતી જે વૈશાલીનાં મૅરેજ સમયે તેના પપ્પા જમાઈને આપવાના હતા.
‘વૈશુ! તું અહીં અત્યારે?’ સેકન્ડમાં જ કુતુબે પોતાની જાત સંભાળી લીધી, ‘તને કેટલા ફોન ટ્રાય કર્યા, તારો ફોન જ નહોતો લાગતો.’
‘આ કોણ છે કુતુબ?’
રૂમમાંથી બહાર આવીને કુતુબની પાછળ ઊભી રહી ગયેલી શર્મિલા તરફ હાથ કરતાં વૈશાલીએ પૂછ્યું. વૈશાલીએ નોટિસ કર્યું હતું કે એ છોકરીએ કુતુબનું શર્ટ પહેર્યું હતું અને નીચે એક પણ વસ્ત્ર નહોતું પહેર્યું.
‘એ તો... એ તો...’
‘કુતુબ, આ કોણ છે?’
વૈશાલીએ ઑલમોસ્ટ ચીસ જ પાડી હતી. તેની ચીસની લગીરે અસર ન થઈ હોય એમ કુતુબ હસ્યો. તેનું એ સ્માઇલ હિંસક હતું.
‘આ... આ શર્મિલા છે... તારી ભાભી.’ કુતુબના શબ્દોથી વૈશાલીનું લોહી થીજી ગયું, ‘આ જે ઑર્નામેન્ટ્સ છે એ તારા છે... તેં કાલે મને આપ્યાને, તારી ભાભીને ગિફ્ટ આપવા માટે... તો હું તેને એ જ દેખાડતો હતો. યુ સી, તારી ભાભી ગોલ્ડ અને ડાયમન્ડ જુએ પછી બેડ પર વાયલન્ટ થાય અને એ વાયલન્ટ હોય તો જ મને મજા આવે.’
અચાનક યાદ આવ્યું હોય એમ કુતુબ બોલ્યો.
‘અરે હા, તને તો ખબર છે કેમ? બેડ પર મને કોઈ સરૅન્ડર કરે એ નથી ગમતું. તે સામે ફાઇટ કરવી જોઈએ, અટૅક કરવી જોઈએ...’
ગુસ્સાથી વૈશાલીનું માથું ફાટતું હતું.
‘તેં મારી સાથે ચીટિંગ કર્યુ... તારા માટે હું મારા ફૅમિલી સામે પડી, મારા ભાઈને...’
‘ભાઈને મારવાની ટ્રાય કરી.’ વાત કાપતાં કુતુબે કહ્યું, ‘હા, તેં કરીને. અને એનો વિડિયો પણ મારી પાસે છે. તારી જ હૉસ્પિટલની કૅન્ટીનમાં તું જ્યારે ટૅબ્લેટ વાટતી હતી ત્યારે પાછળના CCTV કૅમેરા મેં જ સેટ કર્યા હતા.’
વૈશાલી ઠંડીગાર થઈ ગઈ.
‘તું શું ઇચ્છે છે?’
‘સિમ્પલ છે મૅડમ...’ નજીક આવી શર્મિલાએ વૈશાલીના ગાલ પર હાથ ફેરવ્યો, ‘તારા પપ્પા મુંબઈના મોટા બિલ્ડર છે. અમને પાંચ કરોડ અપાવી દે એટલે તારા ભાઈને ખોટી ટૅબ્લેટ આપવાનો વિડિયો અને મારા હસબન્ડ સાથેના ઇન્ટિમેટ રિલેશનના ફોટો-વિડિયો અમે ડિલીટ કરી નાખશું.’
‘એ પૉસિબલ નથી.’
‘તો સવારે તારા પપ્પાની આબરૂ તો જશે, સાથોસાથ તારી ડૉક્ટર તરીકેની કરીઅર જેલમાં પૂરી થશે.’
બહાર વીજળીના કડાકા સાથે મધ ડિસેમ્બરે વરસાદ શરૂ થયો હતો.
વૈશાલીને સમજાઈ ગયું હતું કે તેણે જે ખાડો ખોદ્યો એમાં તે જ ઊંધે કાંધ પડી છે.
તેણે કુતુબ સામે જોયું. જે માણસને તે પોતાનું સર્વસ્વ માનતી હતી તે અત્યારે તેને રાક્ષસ જેવો લાગતો હતો.
‘પાંચ કરોડ નહીં મળે.’
વૈશાલીનો અવાજ ફાટી ગયો.
‘તો તૈયાર રહે.’ કુતુબે ફોન કાઢ્યો, ‘તારા પપ્પાને અત્યારે જ એક નાનકડો ડેમો મોકલું છું.’
‘નાઆઆઆ...’
વૈશાલીએ ઝાપટ મારીને ફોન પાડ્યો અને કુતુબની કમાન છટકી. વૈશાલીના વાળ પકડી કુતુબે તેને દીવાલ સાથે પછાડી.
‘ડૉક્ટર છો, ચોપડીઓમાં તું સ્માર્ટ છો, રિયલ લાઇફમાં નહીં. કર અત્યારે ને અત્યારે તારા પપ્પાને ફોન, કહે તું કિડનૅપ થઈ છો.’
વૈશાલીની આંખો સામે અંધકાર પ્રસરી ગયો. તેને અત્યારે પપ્પાની સલાહ અને વાતો યાદ આવતી હતી.
‘વૈશુ, સ્ટેટસ જોઈને સંબંધ રાખવાનો હોય.’
અચાનક વૈશાલીની નજર બાજુના ટેબલ પર પડેલા કુતુબના લૅપટૉપ પર ગઈ.
ત્યાં કંઈક એવું હતું જે જોઈને તેના હોશ ઊડી ગયા.
લૅપટૉપમાં મોટા અક્ષરે લખ્યું હતું,
‘Target 4: Sudha Patel.’
એટલે કે મમ્મી?!
બરાબર એ જ સમયે દૂરથી પોલીસ-વૅનની સાઇરનનો અવાજ સંભળાયો અને વૈશાલીને હાશકારો થયો. જોકે એ હાશકારાની ક્ષણ હતી કે ધબકારા વધારવાની એ તો પોલીસ આવે પછી જ સમજાવાનું હતું.
(વધુ આવતી કાલે)