સંબંધો નામે સાપોલિયાં પકડ્યા પછી પણ પસ્તાશો એ નક્કી છે (પ્રકરણ ૫)

26 December, 2025 01:47 PM IST  |  Mumbai | Rashmin Shah

શહેરમાં ચોરી તો અનેક થાય પણ સગી દીકરી ઘરમાં ચોરી કરે એ સમાચાર મોટા કહેવાય અને મોટા સમાચાર હાથમાં આવે એટલે કોઈ મીડિયા-હાઉસ પાછળ ન રહે. ટીવીથી લઈને ન્યુઝપેપરમાં વૈશાલી પટેલ હેડલાઇન હતી.

ઇલસ્ટ્રેશન

પોલીસ-વૅનની સાઇરનનો અવાજ જેમ-જેમ નજીક આવતો ગયો એમ-એમ વૈશાલીના ચહેરા પર ચમક આવવા માંડી.

‘હવે તું જો... તને તારાં પાપ યાદ ન કરાવું તો મારું નામ વૈશાલી નહીં.’

વૈશાલીએ કુતુબ સામે જોયું. કુતુબના ચહેરા પર કોઈ ભાવ નહોતા પણ બાજુમાં ઊભેલી શર્મિલાના ફેસ પર ગભરાટ પ્રસરી ગયો હતો.

‘કુતુબ, પોલીસ...’ શર્મિલા ગભરાઈને બોલી, ‘નીકળ જલદી.’

‘ના જાનેમન, ડર નહીં.’ કુતુબે શર્મિલા સામે જોયું, ‘બધું પર્ફેક્ટ પ્લાન મુજબ ચાલે છે... બસ, હું કરું એટલું તું પણ કરતી જા..’

વૈશાલી સામે ક્રૂર સ્મિત આપતાં કુતુબે પોતાના બન્ને હાથ ટી-શર્ટની ગરદન પર રાખ્યા અને પછી ઝાટકો મારી તેણે ટી-શર્ટ ફાડવાનું શરૂ કરી દીધું. કુતુબના વર્તનથી વૈશાલી સ્તબ્ધ હતી અને કુતુબના હાથ ચાલુ હતા. તેણે હવે ફ્લૅટનો સામાન વેરવિખેર કરવાનું શરૂ કર્યું અને શર્મિલા કંઈ સમજે કે કંઈ કરે એ પહેલાં તેની પાસે આવી તેણે પહેરેલું શર્ટ પણ ઝાટકો મારી ગળાના ભાગથી ફાડી નાખ્યું અને શર્મિલાનાં ઉપરનાં અન્ડર-ગાર્મેન્ટ્સ દેખાવા માંડ્યાં.

‘માર મને.’

જાણે કે કુતુબના મનને પારખી લીધું હોય એમ તેના શબ્દોને પાળતાં શર્મિલાએ કુતુબને બે ઝાપટ ચોડી દીધી. પછી કુતુબે જ શર્મિલાનો હાથ લઈ તેના હાથ અને છાતીના ભાગમાં નખ માર્યા. કુતુબ અને શર્મિલા બન્નેના શરીર પર ઉઝરડા પડી ગયા હતા. બન્નેનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો અને હવે ઘર આખું અસ્તવ્યવસ્ત હતું. કુતુબ અને શર્મિલાએ જે રીતે આખું દૃશ્ય પલટી નાખ્યું હતું એ જોઈને વૈશાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વૈશાલી રીતસર થીજી ગઈ હતી. તેના કાનમાં સાઇરનનો અવાજ હતો તો આંખ સામે કુતુબે મચાવેલું તાંડવ હતું.

વૈશાલી કંઈ સમજે કે પૂછે એ પહેલાં દરવાજે ટકોરા પડ્યા અને વૈશાલી શૉકમાંથી બહાર આવી. ઑલમોસ્ટ દોડીને તેણે દરવાજો ખોલ્યો.

lll

‘સર, સર... આ જુઓ. આ લોકોએ...’

સીઇઇઇશશશ...

ઇન્સ્પેક્ટર આપ્ટેએ અંદર આવતાંની સાથે નાક પર આંગળી મૂકી સિસકારો કર્યો.

‘ચૂપ...’ વૈશાલી કંઈ કહેવા જતી હતી પણ તે બોલે એ પહેલાં આપ્ટે રીતસર તાડૂક્યા, ‘બિલકુલ ચૂપ.’

‘ક્યા હો રહા હૈ?’ ઇન્સ્પેક્ટર આપ્ટે આગળ વધ્યા. તેમની આંખો કુતુબ અને શર્મિલા પર હતી, ‘અમને ફોન આવ્યો કે તમારા ઘરમાંથી મારામારીનો અવાજ આવે છે.’

‘સાહેબ... આ જુઓ...’ રડમસ અવાજે કુતુબે નાટક શરૂ કર્યું, ‘આ મૅડમ મને છેલ્લા એક વર્ષથી બ્લૅકમેલ કરે છે ને હું ચૂપચાપ ચલાવતો આવ્યો છું પણ સાહેબ, આજે તો હદ થઈ ગઈ. તે... આ મારા ઘરે આવ્યાં અને મારી વાઇફ પર હુમલો કર્યો અને મને ધમકી આપી કે જો હું તેની સાથે નહીં ભાગું તો તે મને જેલભેગો કરી દેશે. મેં ના પાડી તો મારા પર પણ અટૅક કર્યો. મને કહે કે હું મારા ઘરેથી દાગીના ચોરીને આવી છું એની ચોરીનો આરોપ તારા પર મૂકીને તને જેલ કરાવીશ.’

‘શું છે આ બધું?’

ઇન્સ્પેક્ટર આપ્ટેએ વૈશાલી સામે જોયું, વૈશાલી લિટરલી સ્તબ્ધ અને સ્પીચલેસ હતી એટલે આપ્ટેએ તેના હાથમાં રહેલી સ્ટિક વૈશાલીના માથા પર સહેજ ઠપકારી.

‘સર, આ માણસ ખોટો છે. તેણે મને ફસાવી છે. હું, હું તમને કેવી રીતે કહું... પ્લીઝ ટ્રસ્ટ મી.’ અચાનક વૈશાલીને યાદ આવ્યું, ‘તેનો મોબાઇલ, મોબાઇલ જુઓ સર, એમાં મારા તેની સાથેના ઇન્ટિમેટ રિલેશનશિપના વિડિયો છે. પ્લીઝ તમે તેને...’

‘આ બેનનું નામ શું?’

આપ્ટેનો હાથ વૈશાલી તરફ હતો અને તેણે સવાલ કુતુબને કર્યો હતો.

‘વૈશાલી, ડૉક્ટર વૈશાલી પટેલ.’

‘તેના ફાધરનું નામ રમણીકભાઈ પટેલ?’

‘હા, સર...’ વૈશાલીમાં ફરીથી ઉત્સાહ આવ્યો, ‘એ જ મારા ફાધર.’

આપ્ટેએ તેની સાથે આવેલા કૉન્સ્ટેબલ સામે જોયું અને ઑર્ડર આપ્યો.

‘મૅડમને અરેસ્ટ કરો.’

‘પણ સર...’

‘મૅડમ, ઑલરેડી તમારા ફાધરે તમારી વિરુદ્ધ કમ્પ્લેઇન્ટ કરી છે કે તમે મૅરેજમાંથી તમારાં મમ્મીના ઑર્નામેન્ટ્સ ચોરીને નીકળ્યાં છો.’ ઇન્સ્પેક્ટરે ફરી કૉન્સ્ટેબલ સામે જોયું, ‘અરેસ્ટ હર.’

‘હા સર, પણ મને ઘરેથી ચોરી કરવાનું આ... આ માણસે કહ્યું હતું.’

‘એ તો કહેશે કૂવામાં પડ તો પડીશ કૂવામાં?’ ઇન્સ્પેક્ટરે હવે કડક શબ્દોમાં કૉન્સ્ટેબલને કહ્યું, ‘લઈ જાવ આને...’

વૈશાલીએ કુતુબની સામે જોયું. કુતુબની આંખોમાં શાતિર ચમક હતી.

‘તું જોઈ લે. હવે હું તને નહીં છોડું... તને ને તારી આ... આ...ને જેલમાં નખાવીશ.’

lll

‘પપ્પા, મારી વાત તો સાંભળો.’

‘વૈશાલી, મારે ફોન પર વાત નથી કરવી. હું આવું ત્યારે વાત કરશું.’

ત્રણ દિવસથી પોલીસ લૉકઅપમાં રહેલી વૈશાલીને મળવા માટે હજી સુધી ફૅમિલીમાંથી કોઈ આવ્યું નહોતું. વૈશાલીને મહામહેનતે પોલીસ-સ્ટેશનથી ફોન કરવા મળ્યો અને વૈશાલીએ પપ્પાને ફોન કર્યો.

‘પપ્પા... પ્લીઝ, મારી વાત સાંભળો.’

‘સાંભળવા જેવું કંઈ તેં બાકી રાખ્યું છે?’

પપ્પા ઘરમાં જ હતા.

શહેરમાં ચોરી તો અનેક થાય પણ સગી દીકરી ઘરમાં ચોરી કરે એ સમાચાર મોટા કહેવાય અને મોટા સમાચાર હાથમાં આવે એટલે કોઈ મીડિયા-હાઉસ પાછળ ન રહે. ટીવીથી લઈને ન્યુઝપેપરમાં વૈશાલી પટેલ હેડલાઇન હતી. રમણીક પટેલના ફોટોગ્રાફ્સ દેખાડવામાં આવતા હતા અને સોશ્યલ મીડિયા પરથી રવિ-મિતુલનાં મૅરેજના વિડિયો લઈને એમાંથી ફોટોગ્રાફ્સ કાઢી એ પ્રિન્ટ કરવામાં આવતા હતા.

માત્ર મુંબઈ જ નહીં, ગુજરાતમાં પણ ડૉક્ટર વૈશાલી પટેલનો કેસ લોકોની જીભે ચડી ગયો હતો.

‘ઓકે. તમે ક્યારે મળવા આવો છો? મારે તમને મળવું છે.’ સામેથી જવાબ આવ્યો નહીં, ‘પ્લીઝ પપ્પા. એક વાર... એક વાર મને મળો. મારે તમને બધી વાત કહેવી છે. તમને સૉરી પણ કહેવું છે. તમે જે કહેતા રહ્યા એ મેં માન્યું નહીં ને હવે હું...’

‘પછી વાત.’

‘પપ્પા, મમ્મી... મમ્મી છે ત્યાં?’

‘ના.’

વૈશાલી વધારે વાત કરે એ પહેલાં રમણીકભાઈએ ફોન કટ કરી નાખ્યો. રમણીકભાઈનું વર્તન વાજબી હતું, વૈશાલીને એ માટે કોઈ ફરિયાદ પણ નહોતી.

lll

ન તો પપ્પા આવ્યા કે ન તો પપ્પા વતી કોઈ મળવા આવ્યું.

બે રાત પછી વૈશાલીએ મનોમન નક્કી કર્યું કે હવે વકીલ માટે તેણે જ ટ્રાય કરવી પડશે. સવારે વૈશાલી વકીલ માટે હૉસ્પિટલમાં વાત કરવાની હતી પણ એ પહેલાં વધુ એક બૉમ્બ ફૂટ્યો.

lll

લોહીતરસ્યો સંબંધઃ‍ પ્રૉપર્ટી માટે ડૉક્ટર બહેને સગા ભાઈને મારવાનો કર્યો પ્રયાસ.

ન્યુઝપેપરની હેડલાઇન હતી અને સબ-ટાઇટલમાં લખ્યું હતુંઃ ઘરમાં ચોરી માટે ખુદ સગી દીકરી પર કેસ કરનારા મુંબઈના જાણીતા બિલ્ડર રમણીકભાઈ પટેલે ગઈ કાલે દીકરી સામે વધુ એક કેસ કરી પોલીસને આપ્યાં પ્રૂફ.

lll

નવા દાખલ થયેલા કેસની ઇન્ક્વાયરી શરૂ થઈ. હવે વૈશાલી પાસે કોઈ જવાબ નહોતો. અફકોર્સ તેણે ભાઈનો જીવ લેવાનો પ્રયાસ નહોતો કર્યો પણ તેણે જે કર્યું હતું એ તો ખોટું જ હતું. દાખલ થયેલા આ કેસ પછી ઑલ ઇન્ડિયન મેડિકલ અસોસિએશને ઇમિડિએટ અસરથી વૈશાલીની સનદ કૅન્સલ કરી નાખી.

વૈશાલીએ હાર માની લીધી અને સ્ટેટમેન્ટ આપવાને બદલે પોલીસને કોરા કાગળ પર સાઇન કરી આપી.

lll

વીસ દિવસ પછી બપોરે જેલની મુલાકાત રૂમમાં રમણીકભાઈ આવ્યા. તેમના ચહેરા પર કોઈ દુઃખ નહોતું, માત્ર એક ઠંડી ક્રૂરતા હતી.

‘પપ્પા... તમે પોલીસને ખોટું કેમ કહ્યું? મને ખબર છે, મેં ખોટું કર્યું પણ તમને, તમને પણ ખબર છે કે મેં રવિને બ્લડપ્રેશર લો થાય એ માટેની દવા જ આપી હતી.’

‘આપી તો હતીને?’ પપ્પાએ સળિયા પાછળ ઊભેલી દીકરી સામે જોયું, ‘એ પણ પેલા કુતુબના કહેવા પર...’

વૈશાલીની સૂઝેલી આંખો પહોળી થઈ.

‘તેં બીજી કોમના છોકરા સાથે સંબંધ બાંધીને મારી વર્ષોની આબરૂ ખતમ કરી. તને કહેતો રહ્યો, સમજાવતો રહ્યો પણ તેં મારું કંઈ સાંભળ્યું નહીં.’ પપ્પાએ કહ્યું, ‘આવી સિચુએશનમાં મારી આબરૂ પાછી મેળવવાનો એક જ રસ્તો છે. હું, હું બિચારો બની જાઉં. વૈશાલી, સમાજમાં મારું નાક કપાય એના કરતાં તું જેલમાં રહે એ મને ચાલશે.’

વૈશાલી સમજી ગઈ, જે પપ્પા ‘સ્ટેટસ’ની વાતો કરતા હતા તેમણે પોતાની આબરૂ બચાવવા પોતાની જ દીકરીને જીવતી દાટી દીધી છે.

lll

ત્રણ મહિના પછી કોર્ટનો ચુકાદો આવ્યો.

હત્યાના પ્રયાસ અને ચોરીના ગુનામાં માટે વૈશાલીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી અને મેડિકલ અસોસિએશનને તાકીદ કરવામાં આવી કે વૈશાલીને ક્યારેય લાઇસન્સ આપવામાં ન આવે. જે દિવસે આ ચુકાદો આવ્યો એ દિવસે દુબઈના જુમેરા બીચ પર જુદો જ માહોલ હતો.

જુમેરા બીચની વિલાના હૉલમાં બૅગ ખુલ્લી પડી હતી જેમાં પચ્ચીસ લાખ દિરહામ પડ્યા હતા. દિરહામ હાથમાં લઈ શર્મિલાએ કુતુબની સામે જોયું.

‘કુતુબ, પેલી ડૉક્ટરને ખરેખર ખબર પણ ન પડી કે આપણે અને એના પપ્પાએ મળીને આ ગેમ રમી હતી?’

‘રમણીકભાઈને શાંતિ જોઈતી હતી ને આપણને પૈસા.’ કુતુબના ચહેરા પર સ્માઇલ હતું, ‘તેનું ને આપણું કામ થઈ ગયું. રમણીકલાલને CCTVનાં ફુટેજ મળ્યાં કે તરત તેણે જુહુ બીચ મળવા બોલાવ્યો. વાતની ખરાઈ થઈ એટલે તેણે મુંબઈ છોડી દેવાની શરત મૂકી. શરત સામે આપણી શરત, પાંચ કરોડ જોઈએ, દુબઈમાં. તેણે હા પાડી દીધી.’

‘CCTV ફુટેજ તેણે શું કામ ખરીદ્યાં?’

‘દીકરીને ફસાવવા અને બીજું... માત્ર એ જ ફુટેજ તેમને નહોતાં જોઈતાં, તેમને મારાં અને વૈશાલીનાં ઇન્ટિમેટ રિલેશનનાં એ ફુટેજ પણ જોઈતાં હતાં જે હું વાઇરલ કરવાનો હતો.’ કુતુબે શર્મિલા સામે જોયું, ‘વાત તો સ્ટેટસની હતીને. જો એ વિડિયો બહાર આવે તો પણ સમાજમાં આબરૂ જાય.’

lll

‘મારી બાના નામની આ હૉસ્પિટલ હું સમાજને અર્પણ કરું છે. એ સમાજને જે સમાજે મને પેટ ભરીને માન આપ્યું, સન્માન જાળવ્યું ને મારો મોભો વધાર્યો.’

રમણીકભાઈએ પાછળ ફરીને હૉસ્પિટલના નામ પર નજર કરી.

‘માતુશ્રી રાંભીબહેન પટેલ મેમોરિયલ હૉસ્પિટલ’નું આજે ઉદ્ઘાટન હતું.

‘સમાજ એટલે શું?’ રમણીકભાઈએ ફરી આમંત્રિતો સામે જોયું, ‘જે ખરાબ સમયે આવીને થાળી માંડી જાય એ સમાજ. ને સારા સમયે જે આવીને થાળી છીનવી જાય, તમારો વિશ્વાસ તોડી જાય એ સ્વજન... યાદ રાખજો, જાગતા રહેજો. સ્વજનની સાથે નહીં, સમાજની સાથે ચાલજો. સમાજ છે તો તમે છો...’

તાળીઓના ગડગડાટ પાછળ અસત્ય અટ્ટહાસ્ય કરતું હતું.

(સંપૂર્ણ)

columnists exclusive gujarati mid day Rashmin Shah