સમણાંનો સ્વામી - મૈં દિલ તૂ મેરી ધડકન (પ્રકરણ ૩)

14 January, 2026 12:16 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આજનું પ્રકરણ અહીં વાંચી શકો છો

ઇલસ્ટ્રેશન

‘મિસ યુ, માય લવ!’

મારિયાએ ઑસ્ટ્રિયાથી મૂકેલી પોસ્ટને જોઈ ઍલનના હોઠ વંકાયા.

નજર મારિયાની આંગળીની મોટા હીરાવાળી એન્ગેજમેન્ટ રિંગ પર અટકી.

હૈયે ન સમજાય એવી ઝણઝણાટી ઊઠી ને ઍલન વીસની વયનો તરવરતો જુવાન બની ગયો.

lll

‘મારિયા, પ્લીઝ અરેન્જ અ બ્યુટિફુલ રિંગ ફૉર મી...અ ડાયમન્ડ રિંગ.’

વિમ્બલ્ડનની ફિનાલેની આગલી સાંજે ઍલને મારિયાને ફરી યાદ અપાવ્યું હતું: મારે આજે રાતે તેને પ્રપોઝ કરવું છે!

‘રિયલી?’ મારિયાની આંખો પહોળી થયેલી: ઍલન, તને અંદાજો પણ છે, આવતી કાલની જીત સાથે તારું ફ્યુચર બદલાઈ જવાનું; પૈસો, પૉપ્યુલારિટી, પાવર - શું નહીં હોય તારી પાસે! હૉલીવુડની અૅક્ટ્રેસિસ તારી સાથે ડેટ પર જવા તલપાપડ થતી હશે, ને તારે ધૅટ ઑર્ડિનરી ઇન્ડિયન ગર્લને પ્રપોઝ કરવું છે! આઇ મીન, રિયલી?’

ઍલન મલક્યો.

દોઢ-બે વર્ષથી ઍલનનો પોર્ટફોલિયો સંભાળતી મારિયાને તે બરાબર સમજતો થયેલો: ટેનિસની રમતમાં તેને ખાસ દિલચસ્પી નથી, તેને આકર્ષે છે કૉન્ટ્રૅક્ટ્સ, મની, પાવર...

અને મને રૂપિયા-પૈસાના ગ્રોથમાં રસ નથી. બ્રૅન્ડના એન્ડોર્સમેન્ટની ડીલમાં એફર્ટ્સ નાખવાને બદલે મારિયા મારી બે ટુર્નામેન્ટ વધુ ગોઠવવામાં મદદરૂપ થાય એટલી મારી જરૂરિયાત પણ ન સમજાતી હોય એવી મૅનેજરને મારું હૈયુ હારવાનું તો કેમ જ સમજાય!

યસ, આઇ હેવ ફૉલન ઇન લવ વિથ ઊર્જા... ક્યારે? તેને પિક-અપ સ્ટૅન્ડ પર ઊભેલી જોઈ એ ઘડીથી, બસમાં તેની પડખે ગોઠવાયો ત્યારથી, તે મારા ફોટો પાડતી હતી ત્યારે તેણે ધરેલા સ્પાઇસી થેપલાનો આસ્વાદ લઈ સિસકારો ભર્યો ત્યારે કે પછી તેણે આપેલી સ્વીટ આરોગી તેને સ્વીટ કહી ત્યારે... એ ચોક્કસ પળની મને નથી ખબર, પણ હા, તેના ગાલે પ્રસરી જતી રતાશમાં હું ખૂંપી ગયો હતો. મારા નજીક જવાથી તેના હૈયાની ધડકનની વધતી તીવ્રતા માણવાની મને મજા આવી હતી. હું તેના પ્રેમમાં ચકચૂર છું એ ઊર્જાને દેખાતું નથી, પણ તેનો હૈયાભાવ બરાબર મારા સુધી પહોંચે છે એનોય અણસાર નથી! તેની પાસે અધરોનું ચુંબન માગ્યું તો કહે: ભારતીય કન્યા આવી ગિફ્ટ લગ્ન પછી જ આપે...

ખરેખર તો ત્યારે ને ત્યારે તેને પ્રપોઝ કરી દેવું હતું પણ પછી થયું, પ્રપોઝ કરવાની ક્ષણ થોડી રોમૅન્ટિક હોવી જોઈએ. નદીકિનારો, એકાંત અને હાથમાં રિંગ લઈ તેને ઘૂંટણિયે પડી પ્રપોઝ કરીશ એ મોમેન્ટ અમારા બેઉ માટે જીવનભરનું સંભારણું રહેવાની!   

અને ટ્રોફી જીત્યા પછી મને બીજા કશામાં રસ નહોતો. બટ મારિયા! તેણે કેટલાય ઇન્ટર્વ્યુઝ લાઇનઅપ કરી રાખ્યા હતા. ડિનર પ્લાન્ડ હતું. મને કશામાં રસ નહોતો. મારે ઊર્જાને મળી તેને આલિંગનમાં જકડી લેવી હતી, જીતની અનુભૂતિ તેની સાથે જ માણી શકાય એમ હતી.

‘મારિયા, ક્વિક. મારે નીકળવાનું છે, યુ નો, ઊર્જા નદીએ પહોંચી ચૂકી હશે, મારી રાહ જોતી હશે...’ પરવારીને હોટેલ પર પહોંચતાં હું તેને તાકીદ કરું છું.

‘ચિલ. મેં કૅબ બુક કરી છે, અડધો કલાકમાં આવે છે.’ મારિયાએ આમંત્રણ આપ્યું, ‘ત્યાં સુધી તને વાંધો ન હોય તો એક ચિયર્સ આપણે કરીએ? આઇ ઑલ્સો ડિઝર્વ સેલિબ્રેશન ફૉર યૉર વિક્ટરી, રાઇટ!’

એનો ઇનકાર ન થયો. અમે તેના રૂમમાં ગયાં. એક બૉટલ, બે ગ્લાસ, આઇસ, સોડા બધું તૈયાર હતું.

‘તેં તો પૂરી તૈયારી કરી રાખી છે!’ મારાથી તારીફ થઈ ગઈ.

‘પૂરી એટલે પૂરી!’ મારિયા મલકી.

તેના શબ્દોનો, તેના સ્મિતનો મતલબ સમજાયો ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું... એક પેગ પીધા પછી મારી આંખો ઘેરાવા માંડી. હોશ આવ્યા ત્યારે હું મારિયાની સોડમાં હતો ને અમે બન્ને નિર્વસ્ત્ર હતાં! પડદા આડેથી ચળાઈ આવતો તડકો જોઈ છાતીમાં ચિરાડ પડી: ઊર્જાની ફ્લાઇટ...

‘હવે એ છોકરીને સંભારવાનો તને હક નથી, ઍલન. રાતે બહેકી તેં મારી અસ્કયામત લૂંટી, નાઓ યુ હૅવ ટુ મૅરી મી!’ મારિયાના હોઠ વંકાયા, ‘માઇન્ડ ઇટ, આપણી અંગત પળોના પુરાવા પેલા કૅમેરામાં કેદ છે!’ 

કૅમેરા! ઝાટકાભેર મારી નજર મારિયાએ ચીંધેલી આંગળીની દિશામાં ફરી. સામી દીવાલે ફોટોફ્રેમની ઉપર કૅમેરા એવી રીતે મુકાયો હતો કે આખા રૂમને કવર કરે. સો ઇટ વૉઝ ઑલ પ્લાન્ડ. ડ્રિન્ક, કૅમેરા, સેક્સ. મને રૂમમાં નિમંત્રણ દેનારી મારિયાએ કૅમેરા ગોઠવવાની સાથે જરૂર મારા ડ્રિન્કમાં પણ કશુંક મેળવી રાખ્યું હશે જેની અસરમાં હું અભાનપણે બહેકી ગયો.

‘સો વૉટ! એવરીથિંગ ઇઝ ફેર ઇન ગેટિંગ સુપર રિચ હસબન્ડ! મૅરેજની ના પાડશે તો આ વિડિયોના આધારે રેપનો કેસ ઠોકી દઈશ, તને ટેનિસ કોર્ટમાં ઊતરવા નહીં દઉં.’

ધેર વૉઝ નો ચૉઇસ, નો અધર વે. ત્રીજા મહિને અમે પરણી ગયાં... સમારોહમાં બધું જ ભવ્ય હતું. બસ, વરનું સ્મિત નકલી હતું અને નવવધૂનો પ્યાર!

અને આ જ વાસ્તવિકતા હતી. બહારની દુનિયામાં ભલે સાત-સાત વર્ષથી હૅપી, લકી કપલનો ભ્રમ જળવાઈ રહ્યો હોય! 

ઍલને ઊંડો શ્વાસ લીધો: વિમ્બલ્ડન જીત્યા પછી ઍલનનું માર્કેટ બદલાયું હતું અને એનો ભરપૂર ઍડ્વાન્ટેજ લેવા મૅરેજ પછી મારિયાએ પોતાનાથી સવાયો મૅનેજર ખોળી કાઢ્યો હતો. બર્લિનના ડેવિડને બે-ત્રણ ટૉપ રૅન્કર સાથે કામનો અનુભવ હતો.

ઍલનથી લગભગ ચારેક વર્ષ મોટો ડેવિડ ડિવૉર્સી હતો. બેચાર ડીલ એવી ક્રૅક કરી કે મારિયા આફરીન પોકારી ગયેલી.

‘અફકોર્સ, તમારી વેવલેન્ગ્થ જ એક છે.’ ઍલન કહી નાખતો.

ખરેખર તો ઍલને જાતને ટેનિસમાં ડુબાડી દીધેલી. રૅકેટ પકડતાં જ તે સઘળું ભૂલી જતો.

ધીરે-ધીરે એવું થતું ગયું કે તે ટેનિસમાં રત હોય ને મારિયા તેની દુનિયામાં. સોશ્યલ મીડિયામાં અમારા પ્રેમનો દેખાડો મારિયા એટલા પૂરતો પણ કરતી રહે છે જેથી મારે ડિવૉર્સ ફાઇલ કરવાનું કોઈ કારણ ન રહે. કોઈ આટલું ગણતરીબાજ કઈ રીતે હોઈ શકે!

 અને હવે તો તેને શરીરસુખની પણ જરૂર નથી!

અત્યારે આ વિચારે ઍલન ટટ્ટાર થયો. થોડા દિવસો અગાઉ અનાયાસ જ ધ્યાનમાં આવ્યું કે મહિનાઓથી અમે બેડ શૅર નથી કર્યો. પતિ તરીકે મને મારિયાના તલસાટની જાણ છે. તે કેમ હવે મારી પાસે નથી આવતી?

મારિયાને પૂછતાં તેણે છણકો કરેલો, ‘તારી સાથે સૂવું ભીખ જેવું લાગે છે એટલે નથી પાસે આવતી, ખુશ?’ કહી ભ્રમર તંગ કરેલી, ‘એમ તો તારી રાતોય કોરી રહે છે તો શું એનો અર્થ એવો કે તું કોઈ બીજી સાથે સૂવા માંડ્યો?’

હેં! મને શરીરભૂખ પજવતી નથી કેમ કે હું ઊર્જાને સમર્પિત છું, બટ મારિયા... તો શું તે કોઈ બીજા પુરુષ સાથે સૂતી હશે? તો જ તેને આવો તર્ક સૂઝેને!

એવું હોય તો એ પણ નક્કી કે તેને શૈયાસુખ આપનારો તેનો કોઈ વિશ્વાસુ આદમી હોવો જોઈએ! અજાણ્યા આદમી સાથે સૂઈ બ્લૅકમેલની સંભાવના નોતરે એટલી નાદાન નથી મારિયા.

એવો વિશ્વાસુ તો અમારા પરિઘમાં કોણ હોય? ડ્રાઇવર કે ગાર્ડ સાથે તો મારિયા સૂવે નહીં, તેનું માલકિનપણું અભડાઈ જાય. બીજા રહ્યા હું અને ડેવિડ...

ડેવિડ!

ઍલને સ્વીકારી લીધું : મારિયા કોઈ પરપુરુષનું પડખું સેવતી હોય તો એ ડેવિડ જ હોય!

ધારો કે એવું હોય તો આ દિશામાં શું થઈ શકે એ વિચારવું હતું ત્યાં અણધાર્યો પ્રસ્તાવ સાંપડ્યો: ભારત પ્રવાસનો!

રમતના પ્રચાર માટે મારિયા-ડેવિડે એન્ડૉર્સ કરેલી બ્રૅન્ડ્સના પ્રમોશન માટે વિદેશની ટૂર્સ રહેતી એમાં આ વર્ષે ઇન્ડિયાનો વારો આવતાં ખુશી જ થઈ : ઊર્જાનો દેશ!

પોતાના દેશમાં એક વાર મને ઊર્જા મળી જાય તો! અલબત્ત, મારાં લગ્નના ખબરે ઊર્જા ભાંગી ચૂકી હશે. તે પરણી પણ ગઈ હોય તો હું ફરિયાદ નહીં કરું. 

બસ, તને મારા હૈયે રાખી આમ જ ઝૂરતો રહીશ!

ઍલન આંખો મીંચી ગયો.

lll

‘જે કરવું હોય એ જલદી કર...’ મારિયાના સ્વરમાં તાકીદ ભળી, ‘ઍલનને આપણા આડા સંબંધનો વહેમ જાય એ પહેલાં...’ 

મારિયા જાણતી કે ઍલન ઊર્જાને ચાહે છે અને ઊર્જા પણ તેને ચાહતી હોવાનું તેનું અનુમાન છે, પણ એથી શું! તે પોતે વૈભવ માણવામાં રમમાણ રહેતી. ઍલન જવાબદારીરૂપે બેડ શૅર કરતો એ તેના સ્ત્રીત્વને ચુભતું. મારિયા સગવડપૂર્વક વીસરી જતી કે પોતે જેને કપટથી પરણી, પોતે જેને ચાહ્યો જ નથી તેની પાસેથી ચાહતની આશા
કેમ રખાય?

ઍલનના મૅનેજર તરીકે જોડાયેલા ડેવિડે પતિ-પત્ની વચ્ચેની શુષ્કતા પારખી. ઍલન ટેનિસ સિવાયના મામલામાં પડતો નહીં એટલે ડેવિડને વધુ કામ મારિયા સાથે રહેતું.

‘ઍલન સાવ નીરસ છે, નહીં! હું હોત તો આવી ખૂબસૂરત બીવીના પડખે ભરાઈ રહેત..’

તેણે મારિયાના અહમને પંપાળવા માંડ્યો. તેમની સંગત એટલે પણ જામતી ગઈ કેમ કે બેઉની વિચારસરણી સરખી હતી. ઍલનની ગેરહાજરીમાં બેઉ ફિઝિકલ પ્લેઝર્સ માણતાં થયાં. ધીરે-ધીરે સંબંધ અંતરંગ બનતો ગયો. મારિયાએ ઍલનને ફસાવવાનું કપટ કબૂલી લીધેલું. આમાં હવે એક જ જોખમ લાગતું હતું: લંડનના અમારા પહેલા સહશયનના ફોટો હવે ઍલનને રેપિસ્ટ પુરવાર કરવા કામ ન લાગે, પણ મારા-ડેવિડના આડા સંબંધના આધારે ઍલન જરૂર છૂટાછેડાની અરજી મૂકી શકે! પછી અમે બેઉ રસ્તા પર!

‘એવું નહીં થાય. આઇ હૅવ અ પ્લાન.’ આજના એકાંતમાં ડેવિડે વિચારેલી યોજનાનાં પડ ખોલવા માંડ્યાં, ‘એનું એક્ઝિક્યુશન ઇન્ડિયામાં થશે. ધારો કે મુંબઈના રોકાણ દરમ્યાન ઊર્જા ઍલનને મળવા આવે છે...’

નૅચરલી, ડેવિડ મારિયાના રસ્તે ઍલનની લવસ્ટોરીથી માહિતગાર હતો.

જોકે ઊર્જાના નામે મારિયાએ મોં બગાડ્યું: આવે તો મારી બલાથી.

‘સ્વીટી, ચિલ. ઊર્જા એટલે સાચકલી ઊર્જા નહીં... ખરેખર તો એ યુવતી મેં હાયર કરેલી હશે જે ઊર્જાના નામે હોટેલના રિસેપ્શન પરથી ઍલનની મુલાકાત માગશે. એવા સમયે જ્યારે આપણે હોટેલથી દૂર હોઈએ ને રૂમમાં ઍલન એકલો હોય. સ્વાભાવિકપણે ઍલન તરત તેને રૂમ પર બોલાવવાનો...’

‘અને દરવાજો ખોલતાં જ પારખી જવાનો કે બાઈ કોઈ બીજી જ છે!’

ડેવિડ ખંધું હસ્યો: ના, તે નહીં ઓળખી શકે કેમ કે બાઈ બુરખામાં હશે ને તેણે ચહેરો પણ ઢાંક્યો હશે. ઍલન ખચકાય તો તે કહી દેશે કે પાપારાઝીથી બચવા બુરખામાં આવી છું. આ બહાનું ઍલનના ગળે ઊતરી જશે, એ બાઈને રૂમમાં લેશે.

મારિયાની નજર સમક્ષ દૃશ્ય ઊપસવા માંડ્યું: તાજના સ્વીટમાં ઍલન અને બુરખાધારિણી એકલાં પડ્યાં... પછી શું?

‘બાઈ બુરખો ઉતારી ઍલનને સિડ્યુસ કરવા મથશે... હું તારી ફૅન છું ને તારી સાથે સૂવાની મારી ફૅન્ટસી આજે સાકાર કરવા માગું છું કહી તે ઍલનને બેડમાં તાણી એક તબક્કે ઍલનનું પુરુષાતન વાઢી નાખે છે!’

હેં!

‘બુરખાધારિણીનો ચહેરો ક્યાંય દેખાવાનો નથી, રૂમમાંથી સ્વસ્થ ચાલે નીકળી તે PCO પરથી પોલીસને ફોન કરે છે: હું મારા માનીતા ટેનિસ પ્લેયરને મળવા ગયેલી, પણ તે તો વહેશી નીકળ્યો.મારી આબરૂ પર હાથ નાખ્યો એટલે તેનું પુરુષાતન વાઢતી આવી છું...’

મારિયાએ ડોક ધુણાવી: અમારી ‘ઊર્જા’ ક્યારેય ઝડપાવાની નથી, પણ ઍલન વહેશી તરીકે બદનામ થઈ જવાનો, વિદેશની ધરતી પર મરદાનગી ગુમાવ્યાનું ગામગજવણું થતાં એ તો મરવા જેવું જ લાગે!

‘ધેર યુ આર.’ ડેવિડે મોઘમ કહ્યું, ‘નામર્દ ઠરેલો પુરુષ બેચાર છ મહિને બાલ્કનીમાંથી પડતું મૂકે, ચરસગાંજાનો ઓવરડોઝ કરી મોતને ભેટે એ આપઘાત જ ગણાય કે બીજું કંઈ!’

આ..હા!

lll

‘વી આર સૉરી ટુ ઇન્ફૉર્મ યુ મિસિસ ગ્રીન. તમારા હસબન્ડે ઇન્ડિયાની ટૂર પ્લેઝર માટે નહીં, તમારી હત્યા માટે પ્લાન કરી છે.’

પ્રાઇવેટ ડિટેક્ટિવના રિપોર્ટે કૅથરિન આંખો મીંચી ગયાં. ખૂલી ત્યારે એમાં નિર્ણયની પોલાદી ચમક હતી.

(વધુ આવતી કાલે)

 

columnists Sameet Purvesh Shroff gujarati mid day exclusive