ષડ્‍યંત્ર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

27 October, 2021 11:00 AM IST  |  Mumbai | Rashmin Shah

‘છેલ્લા થોડા સમયથી સમીર જે શૉપિંગ કરતો એ બધું મારા નામે કરતો. પહેલાં એવું નહોતું, પણ ખબર નહીં કેમ, તે બધું મારા નામે લેવાનું રાખતો.’

ષડ્‍યંત્ર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

‘પૈસા અને પાવર.’ જ્યોતિના જવાબમાં ક્લૅરિટી હતી, ‘પૉસિબલ છે છોકરીના મનમાં સમીર પાસેથી પૈસા પડાવવાનો ઇરાદો હોય, પણ પછી થયું હોય કે જો સમીરને જ પડાવી લે તો બધું તેનું થઈ જાય. સમીર નહીં માન્યો હોય એટલે તેણે સમીરને બ્લૅકમેઇલ કરવાનું શરૂ કર્યું હશે. એ દિવસે એવો દેખાડો કર્યો હશે કે હું મરી જાઉં છું. સમીર બચાવવા ગયો હશે અને ઝપાઝપીમાં સમીરના શરીરે આગ લાગી હશે.’
સંતોષે નોંધ્યું કે જયોતિ હજી સુધી એક પણ વાર શિવાનીનું નામ નહોતી બોલી. રેકૉર્ડેડ સ્ટેટમેન્ટમાં નામ બોલાવવું જરૂરી હતું.
‘કઈ છોકરીની વાત કરો છો?’
‘શિવાની નામની પેલી હરામખોરની...’
વ્યક્તિ ગમે એટલી ભણેલી 
હોય, પણ આક્રોશ તેને જાત પર લઈ આવે છે.
‘સમીરે ક્યારેય શિવાનીનો ઉલ્લેખ કર્યો હતો?’
‘હંઅઅઅ...’ જ્યોતિએ નીચેનો હોઠ બહાર કાઢીને મોઢું બગાડ્યું, ‘ના ક્યારેય નહીં, પણ હા, બે-ત્રણ મહિનાથી તે ટેન્શનમાં હતો. 
વાત-વાતમાં ચિડાઈ જાય. રાતે આવવામાં લેટ થાય. પૈસાની બાબતમાં ગુસ્સે થાય.’
‘તમે કારણ જાણવાની કોશિશ કરી હતી?’
‘હા, બનતી બધી ટ્રાય કરી, પણ એ બિઝનેસના ટેન્શનના નામે વાત વાળી દેતો.’ 
‘જો જરૂર પડશે તો તમને પરેશાન કરવા આવીશ...’
ઇન્સ્પેક્ટર સંતોષે બહાર જવા પગ ઉપાડ્યા.
‘એક મિનિટ...’ 
સંતોષ દરવાજા પાસે પહોંચ્યો ત્યાં જ્યોતિ આવી.
‘છેલ્લા થોડા સમયથી સમીર જે શૉપિંગ કરતો એ બધું મારા નામે કરતો. પહેલાં એવું નહોતું, પણ ખબર નહીં કેમ, તે બધું મારા નામે લેવાનું રાખતો.’
‘ટૅક્સ ઍડ્વાન્ટેજ?’ સંતોષે જાતે જવાબ શોધવાની કોશિશ કરી. 
‘ના, પેલી વાંદરીને કારણે તે એવું કરતા હશે.’ 
જ્યોતિ પાસે પોતાનો તર્ક હતો.
lll
વાત ક્લિયર થતી જતી હતી.
શિવાની શાહ અને સમીર પટેલ વચ્ચે એક્સ્ટ્રા-મૅરિટલ રિલેશન હતાં, જેનો શિવાની આર્થિક લાભ લેતી. લાભની શિવાનીને આદત પડવા લાગી, પણ સમીર માટે તે મોજશોખનું સાધન માત્ર હતી. વાતનો અંદેશો શિવાનીને આવી ગયો. સમીરે શિવાની સાથે સંબંધો ઘટાડવાનું શરૂ કર્યું એટલે શિવાનીએ બ્લૅકમેઇલિંગ શરૂ કર્યું. મુંબઈ સ્ટૉક એક્સચેન્જ પર પ્રભાવ ધરાવતી પટેલ ઑનબોર્ડ્સ લિમિટેડના ચૅરમૅન પાસે સ્વાભાવિકપણે બ્લૅકમેઇલને તાબે થવા સિવાય કોઈ રસ્તો નહોતો. તેણે શિવાનીના કહેવા પ્રમાણે રહેવાનું શરૂ કર્યું. પહેલાં જે શિવાની સમીરને લઈને ફૉરેન ફરતી એ જ શિવાની હવે સમીરની સાથે મુંબઈમાં ફરવા લાગી. શિવાની ઇચ્છતી હતી કે સમીર તેની વાઇફને ડિવૉર્સ આપે. સમીર અંદરખાને આ બધી વાતોથી બહુ ડિસ્ટર્બ હતો. શિવાનીના કહેવા મુજબ, ઘટનાની સવારે તેણે ચિક્કાર દારૂ પીધો હતો. દારૂના નશામાં તેઓ બન્ને બોટમાં ગયાં અને બોટમાં સમીરે પોતાને આગ લગાવી દીધી.
અલબત્ત, દેખીતી રીતે સ્પષ્ટ લાગતી વાતને હજીયે અનેક પુરાવાની જરૂર હતી.
સાબિત કરવાનું હતું કે શિવાની સમીર પાસેથી પૈસા પડાવતી હતી. એ પુરવાર કરવાનું કે શિવાની સમીર અને જ્યોતિના છૂટાછેડા ઇચ્છતી હતી, એ પણ સાબિત કરવાનું હતું કે શિવાની સમીરને મેન્ટલી ટૉર્ચર કરતી હતી. ઘટનાની સવારે બોટ પર સમીરે પોતાની જાતને સળગાવી દીધી એ પણ સાબિત કરવું જરૂરી હતું અને સમીરની આત્મહત્યાથી શિવાનીને લાભ થયો કે થવાનો છે કે નહીં એ શક્યતા પણ જોવાની હતી.
શિવાનીની ધરપકડ માટે આટલાં કારણો પૂરતાં હતાં અને આ કારણોના જવાબ શિવાનીની ધરપકડ પછી મળે એવું લાગતું હતું.
પોલીસ-સ્ટેશને જઈને ઇન્સ્પેક્ટર સંતોષે પહેલું કામ શિવાનીની અરેસ્ટનું શરૂ કર્યું. જોકે તેમને નહોતી ખબર કે કેસમાં હજી એક વળાંક એવો આવવાનો છે જેને લીધે ભલભલા ધ્રૂજી ઊઠવાના છે.
lll
‘શિવાની, યુ હેવ ટુ સે...’ સતત ત્રીજા દિવસે પણ શિવાની પાસેથી સંતોષને કોઈ મહત્ત્વની ઇન્ફર્મેશન ન મળી અને હવે રિમાન્ડના બે 
દિવસ બાકી વધ્યા હતા. ‘જો તારી પાસે કોઈએ કરાવ્યું હોય તો પણ કહી દે. અત્યારે સમય છે... પછી બચી નહીં શકે.’
‘જો બચવું હોત તો અત્યાર સુધી વકીલ વિના રહી ન હોત.’ સંતોષના ભારેખમ હાથના તમાચાથી શિવાનીના હોઠનો ડાબો ખૂણો સૂજી ગયો. ‘મારે એક જ વાત કહેવી છે, વી લવ ઇચઅધર... એકબીજા વિના રહી નહોતાં શકતાં. છેલ્લા બે મહિનાથી સમીર ડિપ્રેશનમાં હતો. તેને ડર હતો કે ક્યારેક તો અમારા સંબંધોનો અંત આવશે. તે જ્યોતિભાભીને પણ છોડી નહોતા શકતા અને મને પણ...’
‘હંઅઅઅ... પછી?’
‘વૉટ પછી?!’ શિવાનીને એકાએક ખ્યાલ આવ્યો કે સંતોષ તેને ધ્યાનથી સાંભળે છે, ‘એ દિવસે સમીર સવારથી દારૂ પીતા હતા. હેવી રેઇનને કારણે રાતે ઘરે નહોતા ગયા. હું પણ ઘરે નહોતી ગઈ. મૂડ ચેન્જ કરવાના ઇરાદાથી હું સમીરને ગેટવે ઑફ ઇન્ડિયા લઈ ગઈ, જ્યાં તેણે બોટમાં જવાની જીદ કરી. અમે રવાના થયાં. થોડી વાર પછી મને કહે કે મને ડૂબી જવાનું મન થાય છે. તેની આવી વાતોથી મને ડર લાગ્યો એટલે મેં વિચાર્યું કે હું સમીરને ઉપરથી નીચે લઈ જાઉં, પણ સમીરના પગ સીધા નહોતા પડતા. દારૂની અસરને કારણે તેનું બૅલૅન્સ નહોતું રહેતું. તેની સેફ્ટી માટે હું બોટના અસિસ્ટન્ટને લેવા 
નીચે દોડી, પણ પવન બહુ હતો એટલે નીચે ઊતરવામાં મને વાર લાગી. નીચેથી હું ફરી ઉપર પહોંચું એ પહેલાં તો સમીરે પોતાને આગ લગાડી દીધી હતી. મને ખબર નહોતી કે પાંચ મિનિટમાં આવું બનશે...’
‘શિવાની, તારી વાત કોઈને ગળે ઊતરતી નથી.’
‘સો વૉટ યુ વૉન્ટ ટુ લિસન?’ 
‘જે સત્ય છે એ...’ સંતોષે શિવાની સામે જોયું, ‘સત્ય એ છે કે તેં સમીરને ફસાવ્યો. માત્ર પૈસા માટે, પણ પછી તને પૈસા અને સ્ટેટસની આદત પડી ગઈ, પણ સમીર તને છોડી દેવાની તૈયારીમાં હતો એટલે તેં સમીરને બ્લૅકમેઇલ કરવાનું શરૂ કર્યું. જો વાત બહાર આવે તો સમીરની કૉર્પોરેટ ઇમેજ ખતમ થઈ જાય એટલે તે ચૂપચાપ તને તાબે થયો.’
શિવાનીના ફેસ પર કોઈ પ્રતિભાવ નહોતા એટલે સંતોષે વાત આગળ વધારી.
‘સમીરની તાબેદારીથી તને કોઈ ફરક નહોતો પડ્યો. તું એવું દેખાડવા માગતી હતી કે સમીરને તારા સિવાય કશું દેખાતું નથી. તારી આ જીદને કારણે તું સમીરને મુંબઈમાં જ લઈને ફરવા માંડી. તેં સમીરને શરાબના રવાડે ચડાવ્યો અને સમીર તારા કન્ટ્રોલમાં આવ્યો એટલે તેં જ્યોતિ સાથે ડિવવૉર્સ લેવા માટે તેના પર પ્રેશર કર્યું, જે સમીરને મંજૂર નહોતું. ગયા વીકમાં પણ તું મુદ્દાના નિરાકરણ માટે સમીર સાથે ઑફિસથી નીકળી. નીકળતાં પહેલાં તેં સમીરને ચિક્કાર દારૂ પીવડાવ્યો અને બોટ પર જતાં પહેલાં સમીર અને જ્યોતિનાં ડિવૉર્સપેપર પણ સાથે લીધાં. તને એમ હતું કે તું સમીરને ઇમોશનલ બ્લૅકમેઇલ કરીને પેપર્સ સાઇન કરાવી લઈશ. તેં કર્યું પણ એવું જ. વરસતા વરસાદ વચ્ચે તું સમીરને લઈને બોટના ઉપરના પ્લૅટફૉર્મ પર બેસવા ગઈ. તારા નાટક માટે આ પ્રાઇવસી જરૂરી હતી. ઉપરના પ્લૅટફૉર્મ પર તેં સમીરને કહ્યું કે ‘જો તું મૅરેજ નહીં કરે તો હું અત્યારે દરિયામાં પડીને સુસાઇડ કરી લઈશ. મારું સુસાઇડ તને ખતમ કરી નાખશે. બોટમાલિક પોલીસને સ્ટેટમેન્ટ આપશે અને એ સ્ટેટમેન્ટ કાલની હેડલાઇન બનશે.’ સમીર તારી વાત સાંભળીને હેબતાઈ ગયો.’
સંતોષે પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો. સતત બોલવાને કારણે તેને ગળામાં બળતરા થતી હતી.
‘કેમ અટકી ગયા, ઇન્સ્પેક્ટર.’ શિવાની નિરાંતે બેઠી હતી, ‘તમારા કહેવા મુજબ સમીર મારી વાતથી હેબતાયા, પણ તમારી વાતથી મને ફરક પડતો નથી. કન્ટિન્યુ...’
‘શિવાની, લાઇફ ખતમ થઈ જશે.’
‘બાકી પણ શું છે હવે?’ શિવાનીએ નિસાસો નાખ્યો, ‘જેને જિંદગીનો આધાર ગણતા હો તે હાથ છોડીને ચાલી જાય પછી જિંદગીમાં માત્ર શ્વાસ જ રહે, બીજું કંઈ નહીં.’
‘શિવાની, હજીયે મને શંકા છે કે તારી સાથે કોઈ જોડાયેલું છે. તું નામ કહી દે, તને સજા ઓછી થાય એનું ધ્યાન રાખીશ.’
‘સાથે કોઈ હતું કે નહીં એ 
પછી વિચારીએ, પહેલાં તમે તમારી વાર્તા પૂરી...’
સટાક...
શિવાનીના ગાલ પર સંતોષના પહાડી હાથનો તમાચો જડાઈ ગયો.
રિમાન્ડ-રૂમમાં અત્યારે સંતોષ અને શિવાની બે જ હાજર હતાં.
‘કેમ, ‘વાર્તા’ શબ્દથી ચચરાટ થયો?’
સંતોષને શિવાનીના શબ્દોથી ઝાળ લાગી.
- ‘આ છોકરી ગજબની છે. ઉંમર માંડ ૨૬ની છે, પણ મૅચ્યોરિટી ૫૬ વર્ષ જેવી. સહેજ પણ ગભરાતી નથી અને મન પણ કળવા નથી દેતી. નક્કી તેની પાછળ કોઈક છે.’ 
સંતોષના મનમાં રહી-રહીને આ એક જ વાત ઝબકી જતી હતી.
‘શિવાની, પોલીસ-સ્ટેશનમાં તારી પિકનિક થશે તો બહાર કોઈને ખબર નહીં પડે.’
‘ખબર છે, દેશની પોલીસ ધાર્યું કરાવવામાં બદનામ છે.’
ધડામ...
સંતોષ રિમાન્ડ-રૂમના દરવાજાને ધક્કો મારીને બહાર નીકળી ગયા.
lll
‘જુઓ મા, શિવાનીને બચાવવી અઘરી છે.’ 
ઇન્સ્પેક્ટર સંતોષ શિવાનીના ઘરે હતા. શિવાનીનાં મમ્મી સાથે નાનો ભાઈ પણ હતો તો શિવાનીના પપ્પા વકીલ પાસે ગયા હતા. 
‘શિવાનીને ઓછી સજા થાય એની ટ્રાય અમે કરીએ છીએ.’
‘ના, ભાઈ ના. તમને જે યોગ્ય લાગે એ કરો.’
શિવાનીનાં મમ્મીનું રીઍક્શન સંતોષ માટે અકલ્પનીય હતું. કોઈ પણ મા આવી વાત સાંભળીને રડી પડે, પણ સરોજબહેન મન મક્કમ રાખીને બેઠાં હતાં.
‘મા, શિવાનીની બૅન્કનાં સ્ટેટમેન્ટ...’
‘શિવાનીની શું કામ ભાઈ, અમારા બધાનાં સ્ટેટમેન્ય લઈ જાઓને...’
સરોજબહેને હકારાત્મક વલણ અપનાવ્યું એટલે શિવાનીના ભાઈએ ઊભા થઈને શિવાનીના મોબાઇલમાં મોબાઇલ-ઍપ ખોલીને સંતોષ સામે મૂકી દીધી.
શિવાનીના અકાઉન્ટમાં ૪૦,૭૦૦ રૂપિયા હતા. રકમ રાતોરાત જમા નહોતી થઈ. ગયા મહિને તેણે અકાઉન્ટમાંથી ૪પ,૦૦૦ રૂપિયા વિધડ્રૉ કર્યા હતા, જે સંદીપની ફી માટે તેણે ઘરમાં આપ્યા હતા. 
સ્પષ્ટતા માટે શિવાનીનો ભાઈ અંદર જઈને ફાઇલ લાવ્યો. વિધડ્રૉઅલના બીજા બીજા દિવસે એટલી જ રકમની પહોંચ શિવાનીના ભાઈની ફાઇલમાં હતી.
‘કોઈનો એક રૂપિયો ઘરમાં આવવા નથી દીધો અને તોય કહું છું કે શિવાનીએ જેકાંઈ કર્યું 
એ યોગ્ય નથી કર્યું. તમતમારે જે કાયદેસર થતું હોય એ કરો. 
અમે નાના માણસો, મોટા વકીલ તો પોસાય નહીં, દીકરી છે એટલે બનતું કરીશું, પણ મન શિવાનીથી ખાટું થઈ ગયું એ નક્કી.’
શિવાનીની ફૅમિલીમાં કોઈએ તલાસીમાં વિઘ્ન નહોતું નાખ્યું.
ઘરમાંથી કંઈ ન મળ્યું.
સંતોષ નીકળ્યો ત્યારે ન્યુઝ-ચૅનલનો કાફલો ઘરની બહાર ગોઠવાઈ ગયો હતો.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah