શક (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

13 October, 2021 07:30 AM IST  |  Mumbai | Rashmin Shah

‘મને રિચા ગમતી, પણ મારા નેચર મુજબ હું તેને ક્યારેય કહી ન શક્યો. મનોજ પણ અમારી કૉલેજમાં હતો, અમારો સિનિયર. કૉલેજ પૂરી થયા પછી હું પોલીસ-ફોર્સમાં આવ્યો.

શક (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

‘હું અને રિચા કૉલેજમાં સાથે જ હતાં...’
પ્રભાતે વાત કરવાની શરૂઆત કરી.
‘મને રિચા ગમતી, પણ મારા નેચર મુજબ હું તેને ક્યારેય કહી ન શક્યો. મનોજ પણ અમારી કૉલેજમાં હતો, અમારો સિનિયર. કૉલેજ પૂરી થયા પછી હું પોલીસ-ફોર્સમાં આવ્યો. શરૂઆતના થોડા મહિના કૉન્ટૅક્ટસમાં હતા, પણ પછી કૉન્ટૅક્ટ છૂટી ગયો અમારો...’
‘અમારો એટલે?’
‘મારો અને રિચાનો.’ પ્રભાત શુંગ્લુ જેવા કરાફાડ અને માત્ર રિવૉલ્વરની બોલી સમજતા ઇન્સ્પેક્ટરનું પ્રેમ-પ્રકરણ હોય એ સોમચંદને માન્યામાં નહોતું આવતું, ‘શરૂઆતમાં ક્યારેક ફોન પર વાતો થતી, પણ પછી ટ્રેઇનિંગ અને પોસ્ટિંગ દરમ્યાન કૉન્ટૅક્ટ છૂટી ગયો. રિચા કૉસ્ચ્યુમ-ડિઝાઇનર તરીકે કામ કરતી એની મને છેક હમણાં દોઢેક વર્ષ પહેલાં ખબર પડી.’
‘કઈ રીતે ખબર પડી?’
‘રીયુનિયનમાં. મૅનેજમેન્ટ રીયુનિયન રાખ્યું હતું, ત્રણ દિવસનું, ગોવામાં. મને જવાની કોઈ ઇચ્છા નહોતી, પણ વાઇફે આગ્રહ કર્યો. સીમાના આગ્રહને લીધે હું જવા રાજી થયો. મનમાં હતું કે કદાચ રિચા પણ મળશે. રિચાને મળવાના વિચારથી હું જવા રેડી થયો. આજે મારે બે બાળકો છે. નૅચરલી, રિચાનાં લગ્ન પણ થયાં હોય. તેને પણ બાળકો હશે. હવે રિચાને મળીને શું વાત કરવી એ અવઢવ વચ્ચે હું ગોવા ગયો. રીયુનિયનમાં બે-ત્રણ જૂના ફ્રેન્ડ્સને રિચા વિશે મેં ઇનડાયરેક્ટલી પૂછ્યું પણ કોઈ ન્યુઝ મળ્યા નહીં એટલે મેં નક્કી કર્યું કે જો રિચા કે બીજા ફ્રેન્ડ્સ આવ્યાં હશે તો ગોવા રોકાઈશ, નહીં તો મુંબઈ પાછો આવી જઈશ.’
‘ચાલો, રિચા આવી હતી, પછી...’
‘ના, એવું નહોતું.’ પ્રભાતે સોમચંદનું અનુમાન ખોટું પાડ્યું, ‘શરૂઆતમાં મને મનોજ એક ઓળખીતો દેખાયો. મનોજને ખબર છે કે એ દિવસોમાં હું રિચાની પાછળ બહુ ફરતો. મનોજે મને પૂછ્યું પણ કે અમારી લવ-સ્ટોરી આગળ વધી કે નહીં. મેં હસીને ના પાડી. મનોજ સિવાય કોઈ જાણીતું નહોતું એટલે સાંજ સુધીમાં હું કંટાળી ગયો. સવારની ફ્લાઇટમાં નીકળી જવું એવું નક્કી કરી હું અમારા એક્સ-પ્રોફસરને મળવા ગયો તો ત્યાં મેં એક છોકરી જોઈ. હું દૂર ઊભો રહી ગયો. થોડી વારમાં સરનું ધ્યાન મારા પર ગયું એટલે તેમણે મને પાસે બોલાવ્યો. હું ગયો કે તરત મને કહે કે આ છોકરીને ઓળખી દે તો તું સાચો ઇન્સ્પેક્ટર.’
‘તમે રિચાને ન ઓળખી શક્યા...’
‘હાઆઆઆ...’ પ્રભાતના અવાજમાં ઉત્સાહ આવી ગયો હતો, ‘કૉલેજની રિચા અને આજની રિચા વચ્ચે જમીન-આસમાનનો ફરક હતો. મેં ના પાડી, પણ તે તરત મને ઓળખી ગઈ.’ 
‘પછી...’
‘મેં રિટર્ન થવાનું માંડી વાળ્યું. ઍક્ચ્યુઅલી રિચા એ જ ટાઇમે આવી હતી. રીયુનિયન માટે તે છેક અમેરિકાથી આવી હતી.’ 
‘રિચા સાથે કોઈ આવ્યું હતું?’
‘ના, રિચાને બાળકો નથી અને તેનો હસબન્ડ ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં બિઝી હતો.’ પ્રભાતે વાત આગળ વધારી, ‘ફ્રેશ થઈને કલાક પછી રિચા અમારી પાસે આવી. અમે બધાની સાથે જ બેઠાં હતાં. રાતે નવેક વાગ્યે રિચાએ મને બીચ પર વૉક માટે કહ્યું. હું ગયો. એકાદ કલાક અમે વૉક કર્યું. રિચા જબરદસ્ત દેખાવડી લાગતી હતી. તમે એવું કહી શકો કે જેમ ઉંમર વધતી જતી હતી એમ રિચાનું રૂપ ખીલતું જતું હતું.’
‘હા... હા... હા...’ 
મલકાતા સોમચંદથી ખડખડાટ હસી પડાયું. સોમચંદ ભૂલી ગયા હતા કે અત્યારે તેઓ મર્ડરનો શક જેના પર હતો એવા એક આરોપી સાથે કસ્ટડીમાં બેઠા છે.
‘કેમ, શું થયું...’
‘નથિંગ... ઇન્સ્પેક્ટરના મોઢે આવી વાતો સાંભળીને મજા આવી.’ સોમચંદ ઊભા થઈ પ્રભાત પાસે આવ્યા, ‘ઍનીવે, આગળની વાત હું સમજી ગયો. એ પછી તમે એકબીજાની વધુ નજીક આવ્યાં. તમારી વચ્ચે નવેસરથી અટ્રૅક્શન ઊભું થયું. અટ્રેક્શન પછી ફિઝિકલ અટ્રૅક્શન આવ્યું અને એની ખબર મનોજને પડી ગઈ.’ 
‘હા... પણ તમને કેવી રીતે ખબર...’
‘હિન્દી ફિલ્મો. ફિલ્મોમાં આ વાર્તા અનેક વાર જોઈ છે.’ સોમચંદ એકાએક ગંભીર થઈ ગયા, ‘એક જ વાર્તા અને એક જ ક્લાઇમૅક્સ. હિરોઇનને બચાવવા હીરો વિલનને મારી નાખે છે.’
‘મારી વાર્તામાં એવું નથી. મેં મનોજને માર્યો નથી. સાવ સાચું કહું છું...’ સોમચંદની આંખોમાં શંકા જોઈને પ્રભાતે કહ્યું, ‘હનુમાન નથી કે છાતી ચીરીને નિર્દોષ સાબિત થાઉં...’
પ્રભાતની આંખોમાં સત્ય છલકાતું હતું. એક એવું સત્ય જે તમારા મનમાં રહેલા શકને ક્ષણભર પીગળાવી દે. 
‘પ્રભાત, યુ બેટર નો, કોર્ટ હનુમાનમાં નહીં, પુરાવામાં વિશ્વાસ રાખે છે.’ પ્રભાત ચૂપ રહ્યો એટલે સોમંચદે વાત આગળ વધારી, ‘તમારી પાસે નિર્દોષતાનનો પુરાવો હોય તો અને તો જ આપણે આ કેસમાંથી બહાર આવી શકીશું. નહીં તો તમને કોઈ આ આરોપમાંથી બચાવી શકશે નહીં.’ 
અચાનક સોમચંદને અગત્યની વાત યાદ આવી.
‘તમને ખબર ક્યારે પડી કે તમારા અને રિચાના ફોટો મનોજ પાસે છે.’
‘એ રાતે જે બન્યું એ યોગ્ય નહોતું. મને અને રિચા બન્નેને એવું લાગ્યું હતું. રિચાએ તો કહ્યું પણ ખરું કે આપણે તારી વાઇફ અને મારા હસબન્ડ બન્નેનો ટ્રસ્ટ તોડ્યો છે. હું એ જ સાંજે મુંબઈ આવી ગયો. રિચા બે દિવસ પછી અમેરિકા ગઈ. મુંબઈ આવીને તેણે મને એક વાર ફોન કર્યો હતો, બાય કહેવા. હું તેને મળવા ઍરપોર્ટ જવાનો હતો, પણ ઇમર્જન્સી હતી એટલે જઈ ન શકાયું. અમારી વચ્ચે નક્કી હતું કે હવે અમે કોઈ એકબીજાનો કૉન્ટૅક્ટ નહીં કરીએ, પણ એકાદ વર્ષ પછી રિચાનો મને ફોન આવ્યો. પહેલાં મને તેના પર ખૂબ ગુસ્સે આવ્યો, પણ તેણે મને કહ્યું કે આપણી બધી વાત મનોજ મહેતાને ખબર છે. આઇ વોઝ શૉક્ડ...’
‘હંઅઅઅ... પછી?’
‘મનોજે રિચાને ફોન કરીને કહ્યું કે મારી પાસે એવા ફોટો છે જે જોઈને તારા હસબન્ડને કન્ફર્મ હાર્ટ-અટૅક આવશે. રિચાને વિશ્વાસ નહોતો એટલે તેણે રિચાને એ ફોટો મેઇલ કર્યા. મેઇલ જોઈને રિચાએ મનોજને ફોન કર્યો. મનોજને ચૂપ રહેવાના ૧૦,૦૦૦ ડૉલર જોઈતા હતા. રિચાએ ઇન્ડિયામાંથી તેને પૈસાની વ્યવસ્થા કરી આપી. રિચાને ખબર હતી કે તે મનોજ પાસે ફોટો મગાવશે તો પણ મનોજ બૅકઅપ રાખીને જ ફોટો મોકલશે. ૬ મહિના પછી મનોજે ફરી રિચાને ફોન કર્યો અને નવા ફોટો મોકલ્યા. રિચા ફોન પર રડી એટલે તેણે કહ્યું કે મને વધારે કંઈ નહીં, ૧૦,૦૦૦ ડોલર જ જોઈએ છે.’
‘મનોજે તમારા ફોટોગ્રાફ લીધા કેવી રીતે?’
‘મનોજના કહેવા મુજબ તેણે અમને બીચ પર જોયાં હતાં. મનોજ તરત અમારી રૂમમાં ગયો. આખી હોટેલ કૉલેજે બુક કરાવી હતી એટલે રિસેપ્શન પર વધારે ઇન્ક્વાયરી થઈ નહીં. મનોજ પાસે બે કૅમેરા હતા. સ્માર્ટનેસ સાથે તેણે એક કૅમેરા મારી રૂમમાં અને બીજો કૅમેરા રિચાની રૂમમાં ગોઠવી દીધો. મનોજે આ ચાન્સ લીધો હતો. રિચાએ મને જ્યારે આ વાત કરી ત્યારે મને યાદ આવ્યું કે સવારે મનોજ મારી રૂમમાં આવ્યો હતો. તેને સાથે બ્રેકફાસ્ટ કરવો હતો, પણ મારો મૂડ નહોતો. મેં રિચાને પણ વાત કરી હતી. મેં ના પાડી એટલે મનોજ રિચાની રૂમમાં ગયો અને સેમ વાત કરી, પણ રિચાએ પણ ના પાડી દીધી.’
‘રિચાએ તને ફોન કર્યો પછી, પછી શું થયું?’
‘મનોજને બીજી વાર પેમેન્ટ આપી દીધા પછી પણ રિચાને લાગ્યું કે મનોજ મને પણ બ્લૅકમેઇલ કરતો હશે. એની સ્પષ્ટતા માટે જ તેણે મને ફોન કર્યો હતો. વાત સાંભળીને નૅચરલી મને ઉશ્કેરાટ આવ્યો, 
પણ રિચાએ મને શાંત રહેવા સમજાવ્યું. રિચાને ડર હતો કે હું ઇન્ડિયામાં છું અને જો હું ભૂલ 
કરીશ તો મનોજ મારી વાઇફને ફોટોગ્રાફસ મોકલશે. પહેલી વાર, પહેલી વાર હું કોઈ સ્ત્રીની બુદ્ધિ પર ચાલ્યો અને શાંત રહ્યો. ગયા રવિવારે મને ફરી રિચાનો ફોન આવ્યો. મનોજ હવે રિચા પાસે લૅપટૉપ, આઇપૅડ મગાવતો હતો અને જો એ ખરીદવા જવાનો 
રિચા પાસે ટાઇમ ન હોય તો તેણે મનોજને ૫૦૦૦ ડૉલર મોકલવાના હતા. મેં રિચાને કંઈ પણ મોકલવાની ના પાડી.’
‘પછી તું મનોજને મળવા ગયો?
‘ના, પહેલાં મનોજને ફોન કર્યો અને કહ્યું કે તારું પાર્સલ અમેરિકાથી આવ્યું છે. મને એવી ધારણા હતી કે મારા ફોનથી મનોજ ગભરાશે, પણ એ નફ્ફટને કોઈ બીક નહોતી. મને કહે કે એ પાર્સલની તો હું ૨૪ કલાકથી રાહ જોઉં છું. રાતે ૯ વાગ્યે તેને પાર્સલ આપવા આવીશ એવું કહ્યું એટલે મનોજે ૯ને બદલે ૧૦ વાગ્યે આવવાનું કહ્યું.’
‘ઓકે...’ મૂળ વાત હવે આવતી હતી એટલે સોમચંદે ધ્યાન કેન્દ્રિત કર્યું, ‘પછી શું થયું?’ 
‘૧૦ વાગ્યે હું ચેતન અપાર્ટમેન્ટ ગયો.’ પ્રભાતની આંખો દીવાલને તાકતી હતી, ‘મનોજ ઘરે હતો. તેણે જ દરવાજો ખોલીને નફ્ફટની જેમ હાથ લંબાવી પાર્સલ માગ્યું. મેં નક્કી કર્યું હતું કે ગુસ્સો ન કરવો, પણ એ હરામીનું વર્તન જ એવું હતું કે ગુસ્સો આવ્યા વિના રહે નહીં. ઇન્સ્પેક્ટર તરીકે પણ મારો ઈગો હર્ટ થતો હતો. લોકો સ્માઇલ કરવા રીતસર તડપે જ્યારે આ માણસ, આ માણસ મારી સાથે ફાલતુની જેમ વર્તતો હતો. મેં તેને તમાચો ઠોકી દીધો. આવા પ્રત્યાઘાતનો તેણે વિચાર નહોતો કર્યો. તે કંઈ સમજે એ પહેલાં મેં તેના પેટમાં લાત ઠોકી દીધી. તે મને કંઈક કહેવા માગતો હતો, પણ મેં બોલવાની તક ન આપી. સાલો, દોઢ વર્ષથી કારણ વિના અમારી પત્તર ફાડતો હતો. ખૂબ માર્યા પછી મેં તેની પાસે ફોટોગ્રાફ્સ માગ્યા. મનોજે કમ્પ્યુટર દેખાડ્યું. મને થયું કે કમ્પ્યુટર જ તોડી નાખું, પણ પછી સમજાયું કે જો મનોજ કોઈ વિવાદ ઊભો કરશે તો મારી સાથે રિચા પણ ફસાશે. મેં કમ્પ્યુટરની હાર્ડ-ડ્રાઇવ ફાર્મેટ કરી નાખી. હું મનોજના ઘરેથી ૧૧ વાગ્યે નીકળી ગયો. જતાં પહેલાં મનોજને કહી દીધું કે હવે પછી ક્યારેય રિચાને ફોન કર્યો છે તો તારું એન્કાઉન્ટર કરી નાખીશ.’ 
‘નીચે આવતાં રસ્તામાં તમને કોઈ મળ્યું?’
‘યાદ નથી, પણ ખબર છે કે દર્શને આવું સ્ટેટમેન્ટ આપ્યું છે...’ 
‘તું નીકળ્યો ત્યારે મનોજ ક્યાં હતો?’
‘હું નીકળ્યો એટલે મનોજે જ ડોર બંધ કર્યો હતો. પછીની મને ખબર નથી કે તે નીચે કેવી રીતે આવી ગયો.’
સોમચંદનું દિમાગ કામે લાગ્યું.
- જો પ્રભાત સાચું બોલતો હોય, જો પ્રભાતનું સ્ટેટમેન્ટ સાચું હોય તો આખી ઘટનામાં ત્રણ શક્યતાઓ છે.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah