શક (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

14 October, 2021 08:01 AM IST  |  Mumbai | Rashmin Shah

‘ચાન્સિસ છે, પણ પર્સન્ટેઇજ ઓછા છે.’ સોમચંદે સાચો જવાબ આપ્યો, ‘જો પ્રભાત સાચું બોલતો હોય તો પણ પૂરાવા તેની વિરુદ્ધમાં છે.’

શક (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

સોમચંદનું દિમાગ કામે લાગ્યું,
- ‘જો પ્રભાત સાચું બોલતો હોય તો ત્રણ શક્યતાઓ છે.’
‘પહેલી, પ્રભાતની વાત કોઈ એવી વ્યક્તિએ સાંભળી છે જે મનોજ હયાત રહે એવું ઇચ્છતો નથી. શક્યતા બીજી, કોઈ એવું ઇચ્છે છે કે પ્રભાત શુંગ્લુ આ કેસમાં ફસાય અને પ્રભાતને ફસાવવા માટે જ મનોજનું મર્ડર કરવામાં આવ્યું છે. શક્યતા ત્રીજી, પ્રભાતના ગયા પછી મનોજના ઘરે કોઈ આવ્યું છે. એ જે વ્યક્તિ છે તેને પણ મનોજ બ્લૅકમેઇલ કરતો હશે અને તેના હાથે મનોજનું મર્ડર થયું છે.’ 
‘પ્રભાત, તારા છુટકારાની શક્યતાઓ છે, પણ ટકાવારી બહુ ઓછી છે.’ 
ડિટેક્ટિવ સોમચંદ ઊભા થઈને બહાર નીકળી ગયા.
lll
‘શું લાગે છે તમને?’
પ્રભાતને મળીને આવેલા સોમચંદને સીમાએ પૂછ્યું.
‘ચાન્સિસ છે, પણ પર્સન્ટેઇજ ઓછા છે.’ સોમચંદે સાચો જવાબ આપ્યો, ‘જો પ્રભાત સાચું બોલતો હોય તો પણ પૂરાવા તેની વિરુદ્ધમાં છે.’
‘તો... નાઉ?’
‘એક જ રસ્તો છે, મનોજને મારનારો ફરી આ જ ભૂલ કરે અને સામે આવે.’
lll
‘કહાં લું સા’બ?’ 
ટૅક્સી-ડ્રાઇવરે સોમચંદ સામે જોયું. સોમચંદ એ સમયે મનોજનો પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ જોતા હતા. 
‘બોરીવલી લે લો...’
મનોજના ગળા પર થયેલો ઘા જીવલેણ હતો. એ ઘા આઠ ઇંચ લાંબો, દોઢ સેન્ટિમીટર પહોળો અને એટલો જ ઊંડો હતો. દોઢ સેન્ટિમીટર ઊંડો ઘા હત્યા માટે ખાસ ન કહેવાય. આટલા નજીવા ઘાથી માણસનું મૃત્યુ થાય એ વાત માની ન શકાય, પણ મનોજની ગરદનની નીચેની ધોરી નસ કપાઈ હતી એટલે તેનું મોત થયું હતું. હત્યા માટે વપરાયેલું શસ્ત્ર પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં પણ જાણી નહોતું શકાયું. શરીર પર એ જ પ્રકારના હથિયારથી આઠ ઘા હતા, પણ એ જીવલેણ નહોતા. મનોજના ચહેરા પર જે કાણાં પાડવામાં આવ્યાં હતાં એ ખીલી કે સ્ક્રૂથી કરવામાં આવ્યાં હોય એવી શક્યતા ઓછી હતી. રિપોર્ટ સાથે ફૉરેન્સિક લલૅબોરેટરીનો રિપોર્ટ જોડ્યો હતો, જેમાં કહ્યું હતું કે મનોજ પર કરવામાં આવેલા કોઈ ઘામાંથી ફેરસનાં પાર્ટિકલ્સ નહીં, પણ સ્ટીલનાં પાર્ટિકલ્સ હતાં.
સોમચંદે ફાઇલ બંધ કરીને બારીની બહાર જોયું.
હથિયાર લોખંડથી બને, પણ અહીં સ્ટીલ મળ્યું છે.
સ્ટીલ... સ્ટીલ... સ્ટીલ... 
‘સા’બ, ન્યુઝપેપર...’
સોમચંદે ૧૦ની નોટ બારીમાંથી પાસ કરીને ન્યુઝપેપર લીધું.
ફ્રન્ટ પેજ પર રૂટીન ન્યુઝ હતા, પણ આ જ પાના પર એક ટૅગલાઇન હતી. આ તે મારવાની કેવી રીત... જુઓ પેજ નંબર-૧૩ પર. સોમચંદે તરત પેજ નંબર-૧૩ ખોલ્યું. આ તે મારવાની કેવી રીત... ન્યુઝ હતા, જે વાંચીને સોમચંદની આંખોમાં ચમક આવી ગઈ.
ભાઈંદરમાં હરીશ પટેલની હત્યા થઈ. હત્યા પાર્કિંગમાં જ થઈ અને હત્યારાએ હરીશ પટેલના ગળા પર એક ઘા કર્યો હતો. એ ઘા જીવલેણ હતો. આ ઉપરાંત પટેલના શરીર પર બીજા ૯ ઘા મારવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત એ કે હરીશના ચહેરા પર ખીલીનો ઉપયોગ કરીને અસંખ્ય ઝીણા ઘા કરવામાં આવ્યા હતા.
મનોજના ગળા પર પણ એક ઘા હતો. એ ઘા જીવલેણ બન્યો. શરીર પર આઠ ઘા હતા અને મનોજના ચહેરા પર પણ ખીલી સાઇઝના અસંખ્ય ઝીણા ઘા હતા.
સેમ મોડસ ઑપરૅન્ડી.
‘ભાઈંદર લે પહલે...’ 
ડ્રાઇવરને સૂચના આપીને સોમચંદે મોબાઇલ હાથમાં લીધો.
lll
‘બન્ને મર્ડરમાં એક જ મોડસ ઑપરૅન્ડી. રાતનો જ સમય અને પાર્કિંગમાં જ મર્ડર. એક ફાર્મા કંપની સાથે સંકળાયેલો અને ફોટોગ્રાફીનો શોખ પણ ખરો અને બીજો, ઇન્ડસ્ટ્રી મટીરિયલ સપ્લાયર પણ ફોટોગ્રાફી કે કૅમેરા સાથે નિસબત નહીં. તો પછી એવું તે શું હશે કે પહેલાંને મારનારા આ બીજી વ્યક્તિને મારવા આવ્યા?’
સોમચંદના મનમાં અવઢવ ત્યાં સુધી જ અકબંધ રહી જ્યાં સુધી તેણે હરીશ પટેલની બૅન્ક-ડિટેઇલ નહોતી જોઈ.
lll
‘સાંજે ઘરે કોઈ આવ્યું હતું. તમારા ભાઈ દેકારો કરી-કરીને બોલતા હતા...’
‘તમારા ભાઈ...’
સોમચંદે માંડ હસવું દબાવ્યું. ટિપિકલ ગુજરાતી બૈરાંઓ તેના પતિને ગમે તેના ભાઈ બનાવી દેતી હોય છે.
‘બરાબર હંસાબહેન, તમે ૧૦ વાર આ કહ્યું પણ હરીશભાઈ, મારા ભાઈ શું કામ દેકારો કરતા હતા?’
‘શું ખબર, ગાડીની લમણાઝીંક હતી. તમારા ભાઈ કહે કે હવે જો હપ્તા માટે આવ્યો તો પોલીસ-કેસ કરીશ...’
‘હંસાબહેન, ચેકબુક-પાસબુક...’
‘તમારા ભાઈ બધું પેલા ટેબલના ખાનામાં જ રાખતા...’
સોમચંદે ટેબલનું ડ્રૉઅર ખોલ્યું. પહેલા ડ્રૉઅરમાં કામનું કંઈ નહોતું. બીજા ડ્રૉઅરમાં ચેકબુક મળી એટલે સોમચંદે છેલ્લાં પાનાં જોયાં.
યસ, હરીશ પટેલની કાર લોન પર હતી. લોનના ૩૬ ઇન્સ્ટૉલમેન્ટ હતા જેના ચેક હરીશભાઈએ કો-ઑપરેટિવ બૅન્કના સેવિંગ અકાઉન્ટમાંથી આપ્યા હતા. લોન માર્ચમાં લીધી હતી અને અત્યારે ઑક્ટોબર ચાલે છે. સોમચંદે લોનને કેટલા મહિના થયા એ ગણતરી કરી. ૭ ઇન્સ્ટૉલમેન્ટ પાસ થયા કે નહીં એ જાણવા પાસબુક જોવી જરૂરી હતી.
સોમચંદે બધા ડ્રૉઅર ખાલી કરી નાખ્યા. બીજી બે ચેકબુક મળી, પણ પાસબુક ક્યાંય દેખાતી નહોતી. 
‘અહીં પાસબુક નથી...’ 
‘બધું ત્યાં જ હોય.’ હંસાબહેનની સ્વસ્થતા ગજબનાક હતી, ‘ખાનામાં નહીં હોય તો ટેબલ પર હશે, જુઓને.’
સોમચંદે ટેબલ જોયું, ટેબલ પર પાંચ ફાઇલ હતી. એક ફાઇલમાં બિલ હતાં તો  એક ફાઇલ ખર્ચની, એક ફાઇલમાં અગત્યના લેટર્સ હતા. ચોથી ફાઇલમાં હાઉસિંગ ટૅક્સનાં બિલ અને સોસાયટીનાં પેપર્સ હતાં. પાંચમી ફાઇલ સોમચંદે હાથમાં લીધી, એવી આશા સાથે કે કાશ આ ફાઇલમાંથી બૅન્ક-સ્ટેટમેન્ટ મળી જાય અને બન્યું પણ એવું. પાંચમી ફાઇલના સાઇડ ફોલ્ડરમાંથી સ્ટેટમેન્ટ મળ્યાં. સ્ટેટમેન્ટ મુજબ ઑક્ટોબરમાં હરીશ પટેલના અકાઉન્ટમાં ૪,૯૮,૪૯૦ રૂપિયા હતા. સોમચંદે તરત સ્ટેટમેન્ટની બાકીની એન્ટ્રીઓ જોવાનું ચાલુ કર્યું. કારની લૉનનો ચેક પાસ થયો હતો. માર્ચ, એપ્રિલ અને એ પછી...
સોમચંદની આંખો તેજ થઈ. એપ્રિલ પછી મે મહિનામાં ઇન્સ્ટૉલમેન્ટનો ચેક પાસ નહોતો થયો. જૂનમાં પણ એમ જ હતું અને જુલાઈમાં પણ. ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં પણ ઇન્સ્ટૉલમેન્ટ પાસ નહોતો થયો. એક પણ ઇન્સ્ટૉલમેન્ટ ભરાયો નહોતો એનો અર્થ એવો થયો કે હરીશે સ્ટૉપ પેમેન્ટ કરાવ્યું હોય. સોમચંદે સ્ટેટમેન્ટના પહેલા પેજ પર લખેલો બૅન્કનો નંબર ડાયલ ર્ક્યો. 
આ ફોન પ્રભાતને છુટકારો અપાવવાનું કામ કરવાનો હતો.
lll
હરીશ પટેલના ઘરેથી નીકળીને સોમચંદ સીધા હરીશની બૅન્કમાં ગયા હતા. ત્યાંથી તેને જાણવા મળ્યું કે હરીશે ઇન્સ્ટૉલમેન્ટ સ્ટાૅપ કરાવ્યા હતાં, જેનો અર્થ એક જ હતો કે હરીશ લોન પૂરી કરવા માગતો નહોતો.
‘જો કોઈ લોન ન ભરે તો શું થાય?’ 
પ્રાઇવેટ બૅન્કમાં જૉબ કરતા સોમચંદના ફ્રેન્ડે જવાબ આપ્યો.
‘નથિંગ, અમે કલેક્શન એજન્સીને કેસ સોંપી દઈએ...’
‘કલેક્શન એજન્સી શું કરે?’
‘કલેક્શન એજન્સીમાં બે પ્રકારની એજન્સી હોય. પહેલીને સૉફ્ટ બકેટ કહે. જો પહેલો ચેક રિટર્ન થાય કે એક ઇન્સ્ટૉલમેન્ટ બાકી હોય તો એ પાર્ટીને સૉફ્ટ બકેટ પાસે મોકલીએ. સૉફ્ટ બકેટ સમજાવીને ઇન્સ્ટૉલમેન્ટ કલેક્ટ કરી લે. બીજા નંબરની એજન્સીને હેવી બકેટ કહેવાય. હેવી બકેટ એવા લોકો માટે છે જે એવું માને છે કે લોન ન ભરીએ તો કોઈનો બાપુજી તેમનું બગાડી ન લે...’
‘ધાર કે હેવી બકેટમાં મારું નામ હોય તો...’
‘જો એમાં તારું નામ હોય તો શરૂઆતમાં તો સીધી રીતે વાત થાય, પણ જો એ પછી પણ પેમેન્ટ ન આવે તો ગાળો આપવાથી માંડીને મારવા સુધી વાત પહોંચે. જરૂર પડે તો એ લોકો ઘરની કીમતી વસ્તુ કે કાર કે વેહિકલ પણ આંચકી લે.’ 
સોમચંદને જવાબ મળી ગયો હતો. 
lll
‘મને મનોજની બૅન્ક-ડિટેઇલ્સ જોઈએ છે...’
‘અમને ખબર નથી ક્યાં છે...’ મનોજનાં બા ઘરમાં હતાં, ‘તમતમારે જોઈ લ્યો...’ ડિટેક્ટિવ સોમચંદ સીધા મનોજના સ્ટડીરૂમમાં ઘૂસ્યા.
સોમચંદનો તર્ક સાચો હતા. મનોજની કાર લોન પર હતી, કારના શરૂઆતના ત્રણ ઇન્સ્ટૉલમેન્ટ ભરાયા પણ પછી તેણે ઇન્સ્ટૉલમેન્ટ ભરવાના બંધ કરાવી દીધા. સેવિંગ્સ અકાઉન્ટમાં ૧ર,૬૮,૩૮૭ રૂપિયા હોવા છતાં મનોજ સાડાસાત હજારનો ઇન્સ્ટૉલમેન્ટ ભરતો નહોતો.
સોમચંદનું દિમાગ ગણતરીએ લાગ્યું.
‘હરીશની જેમ મનોજે પણ ધારી લીધું કે લોન ન ભરીએ તો કોણ શું બગાડી લેશે. બન્નેની ધારણા ખોટી પડી અને ફાઇનૅન્સ કંપનીએ નામ હેવી બકેટ એજન્સીને આપી દીધાં. બન્યું એવું હશે કે પ્રભાત ગયા પછી મનોજને ત્યાં રિકવરી માટે આવ્યા હશે. મનોજે આડાઈ કરી હશે અથવા તો એ લોકોને કાર લઈ જતા અટકાવ્યા હશે. માથાકૂટ થઈ હશે અને માથાકૂટ દરમ્યાન મનોજે કોઈ પર હાથ ઉપાડી લીધો હશે. રિકવરી એજન્ટે સામો વાર કર્યો હશે. વાર ગળાની વચ્ચે લાગ્યો હશે અને મનોજ નીચે પડી ગયો હશે...’
સોમચંદની વિચારધારા અટકી. 
જો પેમેન્ટનો મુદ્દો હોય તો મર્ડર પછી ચહેરા પર કાણાં પાડવાની વિકૃતિ શું કામ? 
‘હેલો...’ સોમચંદે ઇન્સ્પેક્ટર પ્રવીણ જોષીને મોબાઇલ લગાડ્યો, ‘પ્રવીણ, ઈઝી ફાઇનૅન્સ લિમિટેડની હેવી બકેટ એજન્સી જે પાર્ટી હૅન્ડલ કરે છે એ લોકોને અરેસ્ટ કરવાના છે. તેના માણસોએ મનોજનું મર્ડર કર્યું છે.’
‘શું વાત કરો છો સોમચંદ...’ 
પ્રવીણના અવાજમાં થડકારો હતો. હકીકત એ હતી કે ઈઝી ફાઇનૅન્સની એક કલેક્શન એજન્સી ખુદ તેના દીકરા રાહુલ પાસે હતી અને આજે સવારે જ જોષીએ રાહુલની કારમાં લાલ ડાઘવાળી સ્ટીલની ફુટ જોઈ હતી.
સોમચંદના ફોન પછી પ્રવીણ જોષી ગુમસુમ થઈ ગયા હતા.
ઇઝી ફાઇનૅન્સની હેવી બકેટ એજન્સીના માલિકની અરેસ્ટ કરવાની હોય તો દીકરા રાહુલની જ અરેસ્ટ કરવાની થાય. જો બીજા કોઈએ આવો ફોન કર્યો હોત તો જોષીએ ગંભીરતા ન દાખવી હોત, પણ ફોન ડિટેક્ટિવ સોમચંદનો હતો. સોમચંદના ઇન્વેસ્ટિગેશનમાં ક્યારેય ભૂલ ન હોય. જોષીએ રાહુલની ઑફિસ જવાને બદલે તેને પોલીસ-સ્ટેશન બોલાવ્યો અને પોલીસ-સ્ટેશને બધાની હાજરીમાં રાહુલની અરેસ્ટ કરી.
પપ્પાના હાથે અરેસ્ટ થયા પછી રાહુલ પડી ભાંગ્યો હતો. તેણે પપ્પાને બધી વાત કહેવા માંડી. જોકે જોષીએ રાહુલની કોઈ વાત ધ્યાનથી સાંભળી નહોતી. હા, એટલું તેમણે સાંભળ્યું હતું કે રાહુલ અને તેના ફ્રેન્ડ્સે બન્ને મર્ડરમાં સ્ટીલની ફુટ અને કંપાસમાં આવતા પરિકરનો ઉપયોગ કર્યો હતો.
ત્રણ કલાકની પૂછપરછ પછી ઇન્સ્પેક્ટર જોષીએ પોલીસ-કમિશનરને વિનંતી કરી હતી કે કેસની તપાસ તેની પાસેથી લઈ લેવામાં આવે. કમિશનરે તપાસ કસ્ટડીમાંથી બહાર આવેલા ઇન્સ્પેક્યર પ્રભાત શુંગ્લુને સોંપી હતી. 
lll
‘સોમચંદ, કેવી કહેવાય...’ શુંગ્લુ ઘરે હીંચકા પર બેઠા હતા, ‘જેણે મારી અરેસ્ટ કરી તેમણે એ જ કેસમાં પોતાના દીકરાની અરેસ્ટ કરીને કેસની તપાસ મને સોંપવી પડી.’
‘હા, પ્રભાત...’ 
ટ્રિન... ટ્રિન....
મોબાઇલમાં મેસેજ-ટોન વાગતાં સોમચંદ સહેજ અટક્યા. નોટિફિકેશનમાં લખ્યું હતું, રિચા યુએસએ.
- થૅન્ક યુ વેરી મચ ડિયર. ઍનીવેઝ, આઇ ઍમ કમિંગ નેક્સ્ટ વીક, સો વી વિલ ડેફિનેટલી મીટ.
સોમચંદના ચહેરા પર સ્માઇલ આવી ગઈ.

સંપૂર્ણ

columnists Rashmin Shah