સૉરી (પ્રકરણ-૧)

23 May, 2022 08:03 PM IST  |  Mumbai | Rashmin Shah

‘અરે સાલા...!?!?!?... મને ડૅડી નહીં કહેવાનું...’ સૌભાગ્યને ના પાડવા છતાં પણ ડૅડી શબ્દ સાંભળીને તેણે અત્યાર સુધી ટકાવી રાખેલી દિમાગની કમાન છટકી ગઈ. ‘હજી... નહીં... નહીં કહેવાનું મને ડૅડી... x!?x?!?...!?!? x!?...’

સૉરી (પ્રકરણ-૧)

- પણ તે કશું જ બોલ્યા વિના બિલકુલ ચૂપ રહ્યો. કહેવા તો ઘણું માગતો હતો, પણ હવે કહેવા-સાંભળવાનો કોઈ અર્થ સરતો નહોતો. જે કરવું હતું એ કરી લીધું હતું, જે થવાનું હતું એ થઈ ગયું હતું, કરેલા કર્મ પર કોઈ અફસોસ નહોતો; પણ જે કર્યું હતું એના માટે આત્મસંતોષ પૂરેપૂરો હતો. તેની આંખો સામે ઘર આવી ગયું.
ના, ઘર તો બિલકુલ નહીં. ઘર હતું જ ક્યાં? એ તો સાલ્લો રાંડવાડો હતો અને... અને તે બિચારો આ રંડીબજારને ઘર માનીને જીવતો રહ્યો. જીવતો રહ્યો અને ઘરને મંદિરની જેમ પૂજતો રહ્યો. ભલું થજો સૌભાગ્યનું કે તેને કારણે તેને સાચી હકીકત ખબર પડી.
સૌભાગ્ય...
તેની આંખો સામે સૌભાગ્યનો ચહેરો આવી ગયો.
રડતો, કરગરતો અને કાલાવાલા કરતો ચહેરો.
‘ડૅડી, મને... નહીં... પ્લીઝ ડૅડી...’
‘અરે સાલા...!?!?!?... મને ડૅડી નહીં કહેવાનું...’ સૌભાગ્યને ના પાડવા છતાં પણ ડૅડી શબ્દ સાંભળીને તેણે અત્યાર સુધી ટકાવી રાખેલી દિમાગની કમાન છટકી ગઈ. ‘હજી... નહીં... નહીં કહેવાનું મને ડૅડી... x!?x?!?...!?!? x!?...’
ગાળો અસ્ખલિત ચાલુ હતી અને આંખોમાં ભારોભાર ખુન્નસ ઊભરાઈ આવ્યું હતું.
‘ડૅ...’
રૂંધાતા શ્વાસોની સાથે સૌભાગ્યના મોઢેથી માત્ર અડધો શબ્દ બહાર આવ્યો. સૌભાગ્ય મરતી વખતે પૂરું ડૅડી ન બોલી શક્યો એ વાતની ખુશી તેને અત્યારે આર્થર રોડ જેલની ૪૦ નંબરની બૅરેકમાં બેઠાં-બેઠાં પણ થઈ આવી. 
બૅરેક નંબર ૪૦. ફાંસીના કેદીઓ માટે વર્ષોથી બંધ પડી રહેલી બૅરેક.
આર્થર રોડ જેલમાં રહેતા તમામ કેદીઓ અને કર્મચારીઓ સુધ્ધાં એવું જ માનતા કે આ બૅરેક હવે ત્યારે જ ભરાશે જ્યારે દાઉદ ઇબ્રાહિમ પકડાઈને આર્થર રોડ જેલમાં આવશે; પણ ના, એવું થવાને બદલે આ બૅરેક એ પહેલાં ભરાઈ ગઈ. બૅરેકમાં દાઉદને બદલે દી​​િક્ષત આવી ગયો.
દાઉદ ઇબ્રાહિમ અને દી​િક્ષત સોની. બન્નેના નામમાં કંઈ બહુ મોટો ફરક નહોતો. બન્ને હત્યારા હતા. બન્ને સમાજમાં રહેવાને લાયક નહોતા. બન્નેમાંથી કોઈનામાં સામાજિક પ્રાણીને છાજે એવી લાયકાત નહોતી. બન્નેએ મનનું ધાર્યું કર્યું હતું અને બન્નેના નામે હત્યાઓ બોલતી હતી. ફરક હતો તો માત્ર એક કે દાઉદે હત્યાઓ ગણવા એકાદ અકાઉન્ટન્ટ રાખવો પડે, જ્યારે દી​િક્ષતે આંગળીના વેઢે ગણાય એટલી હત્યાઓ કરી હતી.
દી​િક્ષતના જમણા હાથનો અંગૂઠો અચાનક જ આંગળીઓ પર ચાલ્યો ગયો.
એક... બે... ત્રણ... ચાર... કુલ ચાર મર્ડર.
દી​િક્ષતનો અંગૂઠો હજીયે આંગળીઓ પર હતો, પણ તેના કાનમાં મૅજિસ્ટ્રેટનો ચુકાદો રિવાઇન્ડ થતો હતો. 
lll
‘ચાર હત્યાઓ કરવામાં આવી છે. ચારેય હત્યાઓ એકદમ નિર્દયપણે અને વિકૃતિ સાથે કરવામાં આવી છે. હત્યા પછી લાશ સાથે જે રીતનાં ચેડાં થયાં છે એ ચેડાં દર્શાવે છે કે હત્યારો માનસિકપણે વિકૃત હોવાની સાથોસાથ ભારોભાર ખુન્નસ પણ ધરાવતો હતો. લાશ સાથે થયેલાં ચેડાં એ પણ દર્શાવે છે કે હત્યારાને પોતાના કૃત્ય માટે સહેજ પણ શરમ નહોતી. જ્યારે સામા પક્ષે હત્યારા તરફથી જે ખુલાસો કરવામાં આવ્યો છે એ દર્શાવે છે કે હત્યામાં માર્યા ગયેલા લોકોએ એવું કોઈ ગુનાહિત કૃત્ય કર્યું નહોતું જેના કારણે હત્યારાએ તેમને આ પ્રકારની વિકૃતિ દાખવવી પડે. આ એક રૅર ઑફ રૅર ક્રાઇમ છે. ગુનો જોતાં, ગુનાની તીવ્રતા જોતાં હવે કોર્ટ એ નિર્ણય પર પહોંચી છે કે હત્યારાને ફાંસી આપવામાં આવે, જેથી સમાજમાં આ પ્રકારના ગુનાઓ કરવા વિશે અન્ય કોઈ વિચાર સુધ્ધાં ન કરી શકે.’
lll
‘૭૬ નંબર... હું તારી સાથે વાત કરું છું...’
ફરી વખત તેને નંબર સાથે સંબોધીને બોલાવવામાં આવ્યો. આ વખતે એ અવાજમાં સહેજ નિષ્ઠુરતા આવી ગઈ હતી. 
‘જો ઇચ્છા હોય તો તું હજી પણ રહેમની અરજી કરી શકે છે. તારી પાસે છેલ્લા ૨૪ કલાક છે...’
છેલ્લા ૨૪ કલાક એટલે?
તેણે ઘણુંબધું પૂછવું હતું, પણ તે કશું જ બોલ્યા વિના બિલકુલ ચૂપ રહ્યો. કહેવા તો ઘણું માગતો હતો, પણ હવે કહેવા-સાંભળવાનો કોઈ અર્થ સરતો નહોતો. જે કરવું હતું એ કરી લીધું હતું, જે થવાનું હતું એ થઈ ગયું હતું. કરેલા કર્મ પર કોઈ અફસોસ નહોતો, પણ જે કર્યું હતું એના માટે આત્મસંતોષ ચોક્કસ હતો. 
તેણે સહેજ નજર ઊંચી કરી. આંખો સામે કાળા રંગનાં કપડાંમાં સજ્જ જેલર આવ્યા. જેલરને જોઈને તેણે નજર ફરીથી નીચી કરી લીધી. ડરને કારણે કે પછી જેલરની આંખમાં રહેલી નફરતને કારણે એ તેને નહોતું સમજાયું.
‘ચૂપ મત રહો... મુંહ સે કુછ કહોગે તો હી સમઝ મેં આએગા કી તુમ ક્યા કરના ચાહતે હો... જીના હૈ તો મુંહ સે બોલ... વર્ના કલ તો તેરા બાપ આને હી વાલા હૈ...’
તેરા બાપ એટલે કોણ? જલ્લાદ જને? 
એટલે શું આજ સુધી હું જેને મારો બાપ માનતો હતો એ મારો બાપ નહોતો? એટલે કે આ જલ્લાદને મારી મા સાથે આડા સંબંધો હતા? એટલે કે આ જલ્લાદ મારી માની સાથે...
મનમાં ઝબકી ગયેલા વિચારોને અટકાવવા માટે તેણે આંખોને જોર આપીને બંધ કરી.
જો એવું હોય તો સૌભાગ્યની જેમ મને પણ જીવવાનો કોઈ અધિકાર નથી. જેમ... જેમ સૌભાગ્યને મેં ગળાફાંસો આપીને મારી નાખ્યો એમ... એવી જ રીતે જલ્લાદે પણ મને મારી નાખવો જોઈએ. 
જલ્લાદે શું કામ, મને તો મારા બાપે જ મારી નાખવો જોઈતો હતો; પણ વાંધો નહીં. બાપે એ કામ ન કર્યું તો ભલે જલ્લાદ આવીને એ કામ કરી જાય.
તેણે આંખો ખોલી, આંખો ખૂલતાની સાથે જ ડાબી આંખમાંથી આંસુનું એક ટીપું બહાર દોડી આવ્યું. 
‘સાલ્લે... xl?x?x/?... અબ રોના આતા હૈ તુઝે... જબ ચાર-ચાર લોગોં કો મારા તબ કહાં ગએ થે તુમ્હારે યે આંસુ...’ 
જેલર ગોખલેએ તેનાં આંસુનો ભાવતો અર્થ કરી લીધો હતો, 
‘મૌત આંખો કે સામને દેખકર હર કિસી કી ફટ જાતી હૈ, ક્યા?’
બોલતી વખતે ગોખલેના જમણા હાથની પહેલી બન્ને આંગળીઓ કાતરની જેમ ખોલ-બંધ થતી હતી. દી​િક્ષતની નજર જેલરની આ ખોલ-બંધ થતી આંગળીઓ પર ચોંટી ગઈ હતી. દી​િક્ષતને એકીટશે હાથની આંગળીઓ તરફ જોતો જોઈને ગોખલેએ ધીમે રહીને તેની આંગળીઓની આ કાતર જેવી પ્રવૃત્તિ અટકાવી અને ગોઠણભેર થઈને દીિક્ષતની બાજુમાં બેસી ગયો.
‘અબ અફસોસ હો રહા હૈના?!’ 
દીિક્ષતે ધીમે રહીને દીવાલ પરથી નજર હટાવી. પહેલાં બૅરેકના લોખંડી દરવાજા પર અને થોડી ક્ષણો ત્યાં ટકી રહ્યા પછી આ નજર જેલર ગોખલેના ચહેરા પર આવી. 
‘તૂ બનિયા હૈ, મારવાડી હૈ... તૂ હૈ ક્યા... બોલને મેં ઇતની કંજૂસી ક્યૂં કર રહા હૈ...’ 
જવાબ આપવાને બદલે દી​િક્ષત ગોખલેના ચહેરાને તાકી રહ્યો એટલે ગોખલેને અકળામણ થઈ. 
‘જવાબ દે, અબ અફસોસ હો રહા હૈના? ખામખાં ચાર લોગોં કી જાન લે લી... લગતા હૈના ઐસા હી?’ 
‘બિલકુલ નહીં...’ 
ઊંડેથી, કદાચ નાભિમાંથી આવતો અવાજ. સહેજ ઘોઘરો અને એકદમ પ્રભાવશાળી અવાજ. અવાજમાં સહેજ પણ ડર નહોતો. ન તો ગોખલેનો ડર અને ન તો મોતનો ભય.
‘તો ફિર તૂને...’
‘મૈંને કુછ નહીં કહાં, ના હી મુઝે કુછ કહના હૈ. મુઝે કોઈ પછતાવા નહીં હૈ ઔર ઇસી કારણ મેં કોઈ માફી ભી માંગના નહીં ચાહતા...’
‘મગર...’ 
‘આપ જા સકતે હૈ... મૈં નહીં ચાહતા કિ મેરા આખરી વક્ત આપકી ફિઝૂલ સી બાતોં સે બિગડે...’
જેલર ગોખલે ઊભા થઈને બહાર નીકળ્યા. દી​િક્ષત સોની સાથેની પહેલી મુલાકાત તેની આંખો સામે આવી ગઈ હતી. 
lll
‘આઓ, સઝા-એ-મૌત... નજદીક આઓ...’ 
દી​િક્ષતે ધીમે રહીને પગ ઉપાડ્યો. જોકે ગોખલેનું ધ્યાન તેના તરફ નહોતું. જેલર ગોખલેની આંખો તો ટેબલ પર ખુલ્લી પડેલી દી​િક્ષતની કેસ-ફાઇલ પર હતી.
દી​િક્ષતે જેલરની ઑફિસમાં નજર કરી. જેલરની બરાબર પીઠ પાછળ બારી હતી. બારીને પડદાઓ હતા, પણ એ મેલા હતા. માનો કે એકાદ વર્ષથી ધોવામાં ન આવ્યા હોય એવા મેલા. પડદા પર લાગેલા એ મેલને કારણે માંડ અનુમાન લગાવી શકાય કે પડદાનો રંગ કદાચ લીલો હશે. જેલરના જમણા હાથ તરફની દીવાલ પર મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની મોટી તસવીરો લટકતી હતી. ડાબી દીવાલે એટલે કે ગાંધીજી અને શાસ્ત્રીજીની તસવીરોની સામે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની તસવીરો લટકતી હતી. આવનારા વિધાનસભાના ઇલેક્શનમાં જો બીજેપી જીતશે તો આ બેમાંથી એકાદ તસવીરની જગ્યાએ અટલ બિહારી વાજપેયીની તસવીર આવી જશે. દી​િક્ષતને પોતાના જ વિચાર પર સહેજ હસવું આવી ગયું. બરાબર એ જ સમયે જેલર ગોખલેએ ફાઇલમાંથી નજર ઊંચી કરીને તેની સામે જોયું. 
‘ક્યા બાત હૈ, સઝા-એ-મૌત સુનને કે બાવજૂદ ભી હંસી આ રહી હૈ...’
દી​િક્ષતે ધીમે રહીને પોતાના બન્ને હોઠ પરથી સ્માઇલ હટાવ્યું.
મોતની વાત ચાલતી હોય એવા સમયે ચહેરા પર સહેજ ગંભીરતા હોવી જોઈએ એવા ભાવ સાથે. અલબત્ત, એનો અર્થ જેલરે જરાક જુદો કાઢ્યો.
‘મોતનો વિચાર જ ભલભલાને પી-પી કરાવી દેતો હોય છે દોસ્ત...’
વાત સાચી છે, બિલકુલ સાચી છે. આંખ સામે મોત જોઈને શેખરની ખરેખર પીપી છૂટી ગઈ હતી અને લેંઘો આખો ભીનો થઈ ગયો હતો સાલ્લાનો.
શેખર... શેખર શુક્લ.
lll
પોતાનો ખાસ ભાઈબંધ. ના, ભાઈબંધ નહીં પણ પત્ની અંજનીનો યાર...
x?s!? x!? (ગાળ)
દી​િક્ષતના મોઢેથી નીકળેલી ગાળ ખરેખર તો કોને અપાતી હતી એ ત્યારે ક્યાં કોઈને ખબર હતી. 
lll
‘શેખર, આપણે ક્યારે મળી શકીએ? અર્જન્ટ કામ છે...’ 
દી​િક્ષતે પોતાની કૅબિનમાંથી જ ફોન કર્યો હતો અને એમ છતાં પણ તેનો અવાજ દબાયેલો હતો. અંગત વાત કરતી વખતે વ્યક્તિ અનાયાસ જ સભાન થઈ જતી હોય છે.
‘કામ હોય એ કહેને ભાઈ... કામ થઈ જશે.’ 
શેખરના અવાજની પાછળથી કોઈ વૉઇસ ઍમ્બિયન્સ સંભળાતો નહોતો. બને કે તે ઘરમાં હોય. એવું પણ બને કે ઑફિસમાં હોય. શક્ય પણ છે કે શેખર ફૉરેનની કોઈ હોટેલમાં હોય. જોકે અત્યારે દી​િક્ષતને એ વાતમાં રસ નહોતો કે ભાઈ જેવો આ ભાઈબંધ ક્યાં અને કેવા હાલમાં છે. સંકટ સમયે સ્વાર્થી બનવાનું આમ પણ માણસને ક્યાં કોઈએ શીખવવું પડે છે. 
‘વાત થોડી અંગત છે... બહુ જરૂરી છે અને એટલે જ ફોન પર ચર્ચા નથી કરતો. તું એક કામ કર...’ દી​િક્ષતે વાતને પૂર્ણાહુતિ આપવા કહ્યું, ‘નેક્સ્ટ શનિ-રવિ તું અહીં આવી જા. તું આવે પછી આપણે બધી વાત કરીએ...’ 
‘ડોન્ટ મેક પઝલ યાર...’ શેખરના અવાજમાં હમદર્દી હતી, ‘મને આવવામાં વાંધો નથી, પણ જે હોય એ તું અત્યારે કહી દે એટલે શાંતિ થાય....’
‘ના, રહેવા દે... બધી વાત રૂબરૂ... અને એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.’
‘ખરેખર ચિંતા કરવાની જરૂર નથીને?’
‘હા, ડોન્ટ વરી. તારી થોડી ઍડ્વાઇઝ જોઈએ છે...’ 
‘ધેન ઓકે...’ શેખરે અચાનક વાતનો ટ્રૅક બદલ્યો, ‘તું છે ક્યાં... ઘરે છે? અંજની ક્યાં છે?’

વધુ આવતી કાલે

columnists Rashmin Shah