સૉરી (પ્રકરણ-૨)

24 May, 2022 07:14 PM IST  |  Mumbai | Rashmin Shah

‘સાંભળ શેખર, તું સ્ટ્રેસ નહીં લે અને એવી કોઈ વાત પણ નથી કે જેમાં તારે આટલું સ્ટ્રેસ લેવું પડે. તું વીક-એન્ડમાં આવશે ત્યારે નિરાંતે વાત કરીએ છીએ... ડોન્ટ ફરગેટ, યુ હૅવ ટુ ગો ફૉર યૉર વિડિયો કૉન્ફરન્સ...’

સૉરી (પ્રકરણ-૨)

‘તું ક્યાં છે? ઘરે છે? અંજની ક્યાં છે?’
અંજની...
બધી મોકાણ એ સાલ્લી (ગાળ) અંજનીની તો છે.
દી​​િક્ષતે દાંત ભીંસ્યા. જોકે તેણે તરત જ મનમાં ઊભરી રહેલા ગુસ્સા પર કાબૂ પણ કરી લીધો. જરૂરી હતો એ.
‘હું ઑફિસે છું...’
‘ઠીક છે, મારી યાદી આપજે.... ને નેક્સ્ટ વીક-એન્ડમાં સો ટકા આવું છું ત્યારે વાત કરીએ...’ શેખરે પૂર્ણવિરામ મૂકવાના હેતુથી કહ્યું, ‘જો અત્યારે બીજું કશું અર્જન્ટ ન હોય તો પછી વાત કરીએ. મારે એક ક્લાયન્ટ સાથે વિડિયો કૉન્ફરન્સ છે તો...’
‘અરે હા, શ્યૉર. તું તારું કામ પતાવી લે...’ દી​​િક્ષત ફરી વાર યાદ કરાવવાનું પણ ચૂક્યો નહીં, ‘બસ, શનિ-રવિનું તું ભૂલતો નહીં’
‘પાક્કું...’ શેખરે પણ પોતાની વાત રિપીટ કરી, ‘જો પૉસિબલ હોય અને તને એવું લાગતું હોય તો મને હિન્ટ આપી દે તો સારું. માઇન્ડ-મેકઅપ કરીને આવું... આફટરઑલ મારે ઍડ્વાઇઝ આપવાની છે તને...’
શેખરના હસવાના અવાજ પાછળ તેના બાકીના શબ્દો દબાઈ ગયા. 
‘આપણી આ વાતમાં જ તને હિન્ટ મળી ગઈ છે દોસ્ત...’
‘વૉટ?! તેં મને હિન્ટ આપી દીધી છે?’ 
શેખરનો હસવાનો અવાજ અચાનક બંધ થઈ ગયો. આઠ-દસ સેકન્ડ વિચાર કર્યા પછી તેણે કહ્યું...
‘યાર, આવું નહીં કર તું... મને એવું કંઈ યાદ નથી આવતું જેમાં તેં મને હિન્ટ આપી હોય... નાઓ, ટેલ મી ક્રિસ્ટલ ક્લિયર કે તું મજાક કરે છે.’
‘નો, આઇ ઍમ સિરિયસ... આપણી વાતમાં હિન્ટ આવી જ ગઈ.’ 
હવે વાત પૂરી કરવાનો વારો દી​​િક્ષતનો હતો. જો વધુ ચર્ચા થાય તો અત્યારે જ મુદ્દો ખૂલી જાય અને દી​​િક્ષત નહોતો ઇચ્છતો કે આટલી ગંભીર ચર્ચા સાવ આવી ફાલતુ રીતે, મોબાઇલ પર થાય. આફટરઑલ કોઈના જીવન-મરણનો આ સવાલ હતો.
‘સાંભળ શેખર, તું સ્ટ્રેસ નહીં લે અને એવી કોઈ વાત પણ નથી કે જેમાં તારે આટલું સ્ટ્રેસ લેવું પડે. તું વીક-એન્ડમાં આવશે ત્યારે નિરાંતે વાત કરીએ છીએ... ડોન્ટ ફરગેટ, યુ હૅવ ટુ ગો ફૉર યૉર વિડિયો કૉન્ફરન્સ...’ 
‘અરે પણ...’
થોડી લપ, થોડી દલીલ, થોડી તર્કબાજી અને પછી એ સામાન્ય ચર્ચાઓ સાથે બન્ને છેડેથી મોબાઇલ કટ થયા.
lll
શેખર અને દી​​િક્ષત પંદરેક વર્ષના હતા ત્યારથી બન્ને વચ્ચે ભાઈબંધી હતી. જિંદગીની પહેલી ચોરી, પહેલું અફેર અને પહેલા આંતરસ્રાવની લાગણીઓ એકબીજા સાથે માણી હતી બન્નેએ. ટીનેજ ફ્રેન્ડશિપ સામાન્ય રીતે સમય જતાં છૂટી જતી હોય છે; પણ ના, શેખર અને દી​​િક્ષતના કેસમાં એવું નહોતું થયું. નસીબે પણ બન્નેને સાથ આપ્યો હતો. બન્નેને એક જ કૉલેજમાં ઍડ્મિશન મળ્યું અને બન્નેને એક કંપનીમાં નોકરી મળી. બન્નેએ નોકરી પણ એકસાથે છોડી અને બન્નેએ બિઝનેસ પણ એક જ મહિનામાં શરૂ કર્યો. 
હા, બન્નેમાંથી કોઈ એકબીજા સાથે પાર્ટનરશિપ માટે તૈયાર નહોતા. દીિક્ષત દૃઢપણે માનતો કે જ્યાં અને જ્યારે પૈસાનો મુદ્દો આવતો હોય છે ત્યારે લોકો સંબંધોને ભૂલીને સગવડને વધુ પ્રાધાન્ય આપવા લાગતા હોય છે. શેખર પણ કંઈક અંશે આવી જ માન્યતાઓ વચ્ચે જીવતો હતો. જોકે તેની આ માન્યતાને એક જ્યોતિષીએ વધુ મજબૂત બનાવી હતી. કૉલેજકાળમાં મળેલા એક જ્યોતિષીએ શેખરને દોસ્તોથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. જ્યોતિષીની આ સલાહને શેખરે બિઝનેસ સાથે જોડી દીધી હતી.
‘જો હું ભાઈબંધ સાથે બિઝનેસ કરું તો મારે બૅક-સ્ટૅબિંગથી સાવધાન રહેવું પડેને. તમારી પાસેથી છૂટા પડતા પહેલાં હું લાઇફટાઇમ માટે એક પ્રૉમિસ આપું છું કે હું ક્યારેય, કોઈ દોસ્ત સાથે ફાઇનૅન્શિયલ કે બિઝનેસ વ્યવહાર નહીં રાખું... નેવરએવર.’
શેખરે વ્યવહારની આ વ્યાખ્યા બિઝનેસ સુધી સિમિત રાખી અને એ જ તેની સૌથી લાઇફની મોટી ભૂલ.
lll
દિલ ખો ગયા, હો ગયા કિસી કા
અબ રાસ્તા મિલ ગયા ખુશી કા
આંખોં મેં, ખ્વાબ કિસી કા...
અબ રાસ્તા મિલ ગયા ખુશી કા
રિશ્તા નયા રબ્બા, દિલ છૂ રહા હૈ
ખીંચે મુઝે કોઈ ડોર, તેરી ઓ... 
મોબાઇલની સ્ક્રીન પર નજર કર્યા વિના જ દી​​િક્ષતે મોબાઇલનું સ્પીકર ઑન કર્યું...
‘બોલ...’
ફોન અંજનીનો હતો.
‘તું આજે વહેલો આવવાનો છે કે...’
‘કામ શું છે એ કહેને...’
‘સૌભાગ્યની દવા...’
દી​​િક્ષત હવે દૃઢપણે માનતો થઈ ગયો હતો કે ઘરમાં સૌભાગ્યના નામે તેની સાથે અને તેની સામે બધું ચલાવવામાં આવી રહ્યું છે.
‘તું મગાવી લે, મારે મોડું થશે...’ 
‘પણ વરસાદ....’
‘અરે... !?xt? x!? ગયો વરસાદ...’ 
ગુસ્સે નહોતું થવું એવું નક્કી કર્યું હતું તો પણ દી​​િક્ષતથી ગુસ્સે વિના રહેવાયું નહીં. અરે, જે છોકરો મારો નથી, જે છોકરા સાથે મારે કંઈ લેવા-દેવા નથી એ છોકરા માટે મારે શું કામ હેરાન થવાનું. 
‘તારે જે કરવું હોય એ કર... મને વાંધો નથી. બાકી મરતો હોય મરવા દે...’
સામેથી કોઈ અવાજ આવ્યો નહીં, પણ પાંચ-દસ સેકન્ડ પછી એક આછા ડૂસકાનો અવાજ આવ્યો.
‘*&^%*&?!’
દી​​િક્ષતે ગાળ બોલીને મોબાઇલ કટ કરી નાખ્યો.
અંજની.
અંજની અને દી​​િક્ષતનાં લગ્નને સાત વર્ષ થયાં હતાં. અરેન્જ્ડ મૅરેજ હતાં આ. મા અને દાદીએ પહેલેથી અંજની પસંદ કરી લીધી હતી. એ સમયે દી​​િક્ષત અને શેખર બન્ને સાથે જૉબ કરતા હતા. જામનગરથી ફોન આવ્યો કે તારે છોકરી જોવા તાત્કાલિક જામનગર આવવાનું છે ત્યારે દી​​િક્ષતે એકઝાટકે ના પાડી દીધી હતી... 
‘બા, શેખર હમણાં નથી... શેખર આવે પછી અમે સાથે જ આવીશું.’
‘હવે લગ્ન તારે કરવાનાં છે કે પછી તારા ઈ શેખરિયાએ...’ 
દાદીના દિમાગની ડગળી બરાબર ચસકી ગઈ હતી.
છોકરો વાત-વાતમાં અને દરેક વાતમાં ભાઈબંધને વચ્ચે લઈને ઊભો રહી જતો હતો. જામનગરમાં ઘર લેવાની વાત હતી ત્યારે પણ દી​​િક્ષતે એવું કહી દીધું હતું કે શેખરને હમણાં બહુ કામ છે, શેખર ફ્રી થશે પછી અમે સાથે જ આવી જઈશું. 
શેખર ફ્રી થયા પછી દી​​િક્ષત અને શેખર સાથે આવ્યા. સાથે આવ્યા પછી પણ દીિક્ષત દરેક મીટિંગમાં શેખરને આગળ કરતો હતો. 
‘દસ્તાવેજ કેટલાનો કરવાનો છે’થી માંડીને ‘નવા મકાનનું વાસ્તુ ક્યારે રાખવું’, ‘નવા મકાનમાં કેવું ફર્નિચર કરાવવું’ અને ‘નવા મકાનનું નામ શું રાખવું’ જેવી દરેક બાબતમાં દી​​િક્ષત શેખરને આગળ કરતો હતો.
lll
‘હવે લગ્ન તારે કરવાનાં છે કે પછી તારા શેખરિયાએ...’ બાના દિમાગની ડગરી ખસી ગઈ હતી, ‘બધી વાતમાં તું તેને લઈને આવી જાશ એ કાંય સારું નો કે’વાય. કાલ સવારે તારાં લગન થાશે... તું લગન પછીયે શેખરિયાની માયાજાળમાંથી બહાર નહીં આવે...’ 
‘બા, એવુ કંઈ નથી... શેખર નથી એટલે મારે અહીં થોડું વધારે કામ રહે છે...’
‘વધારે કામ હોય તો શું થઈ ગ્યું... કાલ સવારે તારી આ બા ગુજરી જાશે તો શું તું આવાં બહાનાં કાઢીશ...’
દી​​િક્ષતે લપ છોડી દીધી અને બે દિવસ પછી તે જામનગર જવા રવાના થઈ ગયો. મનમાં એવું નક્કી કર્યું હતું કે છોકરીને જોઈને તો કહી જ શકાય કે એકાદ વીકમાં નિર્ણય લઈને કહેવડાવીશ. બસ, એ એક વીકના સમયમાં તો શેખર પાછો આવી જશે અને શેખરને પણ છોકરી બતાવી દેવાશે. જોકે એવું કંઈ બન્યું નહીં. અંજનીને જોયા પછી દીિક્ષત રીતસર સંમોહિત થઈ ગયો હતો અને અંજની હતી પણ એવી જ. 
એકદમ પ્રભાવિત ચહેરો, પોણાછ ફુટ હાઇટ, ભરાવદાર વૃક્ષઃસ્થળ, ઝીણી પણ ધારદાર આંખો, લચી પડેલા ગાલ, રંગ શ્યામ અને એ પછી પણ જોતાંવેંત આંખોને ગમે અને આંખો થંભી જાય એવો રંગ.
આટલી સરસ છોકરીને હજી સુધી કોઈ પસંદ કેમ નહીં કરી હોય?
જે હોય એ, હવે રાહ જોવાનો કોઈ અર્થ નથી. 
‘મને મૅરેજ સામે કોઈ વાંધો નથી, પણ...’
‘... ... ...’
‘પણ જો તારે વિચારવું હોય કે...’ 
‘ના, મને કંઈ પૂછવાની જરૂર નથી. તમને જેમ યોગ્ય લાગે એમ...’
દી​​િક્ષતે ઘરે પાછા જતી વખતે રસ્તામાં જ બા અને મમ્મીને હા પાડી દીધી. શેખરને પૂછ્યા વિના કે શેખરની સલાહ લીધા વિનાનો આ પહેલો નિર્ણય. 
પહેલો અને કદાચ છેલ્લો નિર્ણય.
જીવનમાં પહેલી વાર શેખરની ગેરહાજરીમાં લીધેલો આ નિર્ણય કેવો ખોટો પુરવાર થયો એ દી​​િક્ષતને લગ્નના એક વર્ષ પછી ખબર પડી હતી.
lll
દી​​િક્ષત ઊભો થઈને બૅરેકના દરવાજા પાસે આવ્યો. આદમકદ સાઇઝના લોખંડના દરવાજાની બરાબર વચ્ચોવચ એક ફુટની નાનકડી બારી હતી, જેના પર સળિયા જડેલા હતા. આ સળિયામાંથી જેલની વચ્ચે આવેલું મેદાન દેખાતું હતું. મેદાનમાં અત્યારે બધા કેદીઓ કામ કરતા હતા. ત્રણ કેદીઓ લૉન કાપવાનું કામ કરતા હતા. બે કેદી મેદાનમાં રહેલી બેન્ચને ધોતા હતા. ત્રણ કપડાં સૂકવતા હતા અને ભવાન મુરાદી દી​​િક્ષતની બૅરેકની બરાબર સામે આવેલી લૉબીમાં બેઠો હતો. ભવાન મુરાદીને જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી. ભવાન પર પણ દીિક્ષત જેવા જ આરોપો હતો.
ભવાને તેની પત્નીની હત્યા કરી હતી. 
‘સાલ્લી, મેરે જાને કે બાદ મેરે હી ખાસ દોસ્ત કા બિસ્તર ગર્મ કરતી થી...’
ભવાને પત્નીને રંગેહાથ પકડી હતી એટલે પત્ની પાસે ખોટું બોલવાનું કે બચાવ કરવાનું કોઈ કારણ રહ્યું નહોતું. ભવાનને અફસોસ એ વાતનો હતો કે તેણે જ્યારે પત્ની પર હુમલો કર્યો એ દરમ્યાન પત્નીનો પ્રેમી ભાગી ગયો. પૅન્ટ પહેર્યા વિના. ભવાને પત્નીની હત્યા કરી, પણ પત્નીના આશિકને તે મારે એ પહેલાં જ પોલીસે તેને પકડી લીધો.
‘સાલ્લા, બહાર બૈઠા અપની ખેરિયત પે હસ રહા હૈ, મગર બહોત બડી ગલતી કર રહા હૈ... બીચ મેં જબ ભી પરોલ પે બાહર જાઉંગા તબ ઉસે માર કે હી આનેવાલા હૂં... સજા કિસી એક કો તો નહીં મિલની ચાહિએ... મેરી બીવી સોતી થી તો ઐસે હી નહીં સોતી થીના... વો ભી તો ઉસકે સાથ સોતા થાના. ઉસે માર કર દોનોં કે બિસ્તર ઉપર, નર્ક મેં લગવા દૂંગા...’
૧૫ ઑગસ્ટના આઝાદી દિને સવારે જેલમાં ધ્વજવંદન ચાલતું હતું ત્યારે ભવાને દીિક્ષતે કહ્યું હતું...
‘ઉસે માર કર દોનોં કે બિસ્તર ઉપર નર્ક મેં લગવા દૂંગા.’
૧૫ ઑગસ્ટે કહેવાયેલા આ શબ્દો દી​​િક્ષતના કાનમાં અત્યારે ગુંજવા લાગ્યા.
‘તું નસીબદાર છે. તને હજી એક વાર બહાર જવા મળશે. મારાં તો નસીબ જ વિચિત્ર છે...’
દી​​િક્ષતે વાત અધૂરી છોડી દીધી.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah