09 February, 2026 02:17 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
શ્રી ગજાનન જય ગજાનન...
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિએ વાતાવરણ મંગલમય કરી દીધું.
મેડીની અગાસીએથી આંગણામાં બીબાથી સાથિયો પૂરતી માને નિહાળી તેના હોઠ પર આછું સ્મિત પ્રસરી ગયું.
પૂર્વાકાશમાં સૂરજદાદાના આગમનની છડી પોકારતાં સોનેરી કિરણો, ચોખ્ખાચણક આંગણાની મધ્યમાં તુલસીક્યારે ઝળહળતો દીવડો અને ભજનની મીઠી સુરાવલીના સાંનિધ્યમાં સાથિયો સજાવતી મા...
નાનો હતો ત્યારે પોતે સવારે ઊઠતાં જ દોટ મૂકી માના ખોળામાં લપાઈ જતો એ દૃશ્યના સંભારણાએ આરવને ખીલવી દીધો.
એ જોઈને દેવકી દાદી મોં વાંકું કરતાં : માના ખોળામાં શું દાટ્યું છે! દાદી પાસે આવ, આખરે તારી આ દાદી તારી મા પાછળ પડી રહી ત્યારે લગ્નનાં સાત-સાત વરસે વહુરાણીએ અઘરણીના ખુશ ખબર આપ્યા ને તો તું અવતર્યો એનો ગણ માન!
દાદા તો પપ્પાનાં લગ્ન પહેલાંના ગુજરી ગયેલા. ઘરના પુરુષ તરીકે પપ્પા દિવાકરભાઈને હંમેશાં
ઢીલા-ઢીલા ને માંદલા જ જોયા. દાદીના એટલા પ્રભાવ હેઠળ કે તેમનું આગવું કોઈ વ્યક્તિત્વ જ નહીં. દાદીની ઘરમાં ચોંપ રહેતી. તેમની જીભ કરવતની જેમ ચાલતી. હાલતાં-ચાલતાં બધાને વહેરતાં રહેતાં, પપ્પા સિવાય.
જોકે હું તેમને ગાંઠતો નહીં અને કેમ ગાંઠું? કોઈ મારી માનું વાંકું બોલી જાય એ કેમ સહન થાય?
નિતાંત સ્નેહ, પારાવાર મમતા જ પામ્યો છું મા પાસેથી. દાદી હું આઠમામાં આવ્યો ત્યારે ગુજર્યાં ને એના વરસમાં પપ્પાએ અમારો સાથ છોડ્યો. પછી તો મા જ મારા ઉછેરનો પાયો બની રહી. તેણે જ મને ઘડ્યો. મને અમારા જ ખેતરે મજૂરીએ મોકલી મારું શરીર કસરતી બનાવ્યું. પુસ્તકવાંચનની ટેવથી વિચાર-કૌશલ્ય ઘડાયાં. અને મામાં એકના એક દીકરાને જીવનના આધારને બાંધી રાખવાની જડતા પણ નહીં. મારી ઇચ્છા હતી તો મને એન્જિનિયરિંગનું ભણવા પુણે મોકલ્યો. ભણીને મલ્ટિનૅશનલમાં નોકરી મળી તો મારા મુંબઈ સેટલ થવામાં પણ તેણે હોંશભેર હામી ભરી.
આરવ સંભારી રહ્યો :
‘એનું કારણ છે આરવ, તારા પપ્પા.’ મુંબઈના ઘરમાં કુંભઘડો મૂક્યાના દિવસે યામિનીમાએ ફોડ પાડવાની ઢબે કહેલું, ‘પરણીને આવી ત્યારથી મેં તેમને બાના શરણમાં રહેતા જોયેલા. અલબત્ત, બાએ તેમને ધાકમાં રાખેલા એવું નહીં, પણ પતિ અકાળે પાછા થતાં બાએ દીકરાને એક વર્તુળ બહાર જવા જ ન દીધો. પરિણામે દિવાકરમાં કદી આત્મવિશ્વાસ પાંગર્યો જ નહીં. શરીરથી પણ કંતાયેલા જ રહ્યા. એટલે મને દિવસો રહ્યા ત્યારનું મેં જાતને પ્રૉમિસ કરેલું કે દીકરો કે દીકરી જે આવે તેને હું તેનું ગમતું આકાશ આપીશ.’
‘પણ મેં આવવામાં બહુ મોડું કર્યુંને મા?’ આરવે માના ખોળામાં માથું મૂક્યું, ‘લગ્નનાં સાત-સાત વરસ વીત્યા પછી...’
પળવાર સ્થિર થતાં યામિનીબહેન અદૃશ્યને તાકતાં અણધાર્યું બોલી ગયાં : એમ માની લે કે વૈતરણી પાર કરીને મેં તને પામ્યો છે.
છાતીમાં હામ ભરી જુહુના દરિયાની સામે દીકરાને કંપની તરફથી મળેલા ફ્લૅટમાં કુંભઘડો મુકાયાના શુભ દિને માએ ધ્રૂજી જતા સ્વરે કહેલી ગાથા માતૃત્વનો મહિમા વધારનારી લાગી હતી અને મારી પ્રતિક્રિયાએ માની આંખો વરસી પડેલી : તેં મારો ઉછેર ઉજાળ્યો, દીકરા!
‘મા કેવાં પ્રેમાળ છે!’
પત્નીના શબ્દો પડઘાતાં આરવે ઊંડો શ્વાસ લીધો.
કુશાંગી!
કંપનીના વાર્ષિક મેળાવડામાં કર્મચારીઓની ફૅમિલીને પણ ઇન્વાઇટ રહેતું. રૂપના અંબાર જેવી કુશાંગીને એવા જ એક ગેધરિંગમાં પહેલી વાર જોઈ ને હૈયું હારવા એ એક ઝલક જ કાફી હતી. મારા સિનિયર કલીગની ગ્રૅજ્યુએટ થયેલી એકની એક દીકરીને પણ મારામાં રસ પડ્યો અને અમારી ગાડી પ્રણયના માર્ગે પુરપાટ દોડી, વડીલોની મહોર લાગતાં ત્રણ મહિનામાં તો વેવિશાળ-લગ્ન પણ લેવાઈ ગયાં.
આરવે વાગોળ્યું :
‘મારા ઘરમાં અજવાળું થઈ ગયું. દીકરો મારો ચાંદ જેવી વહુ લઈ આવ્યો!’
નવદંપતીને ગામના ઘરે વધાવતાં યામિનીબહેને દીકરા-વહુનાં ઓવારણાં લીધાં, કુશાંગી સાચે જ શરમાઈ ઊઠી.
અને પછી મેડીની રૂમની સુહાગસેજ પર વસ્ત્રોનાં આવરણ હટતાં ગયાં એમ જોબનનો રસ જામતો ગયો. કમળકાકડી જેવી કોમળ કુશાંગી આરવના લોખંડી બદનના ઉઘાડે પ્રસ્વેદભીની થઈ ગઈ, પણ કમાને ચડેલું કામનું બાણ રતિને વીંધ્યા વિના તે હેઠું ઊતર્યું છે?
બીજા દહાડે ઊઠતાં બપોર થઈ, કુશાંગીને હતું બીજું કંઈ નહીં તો સાસુમા મોં બગાડશે.
પણ યામિનીબહેન જેનું નામ! તેમણે હંમેશાં હેતવર્ષા જ વરસાવી એટલે તો કુશાંગી પણ સાસુને વખાણતી.
લગ્ન-હનીમૂનની અસરમાંથી બહાર આવી ધીરે-ધીરે નવદંપતી જુહુના ઘરે ઘરેડમાં પરોવાવા માંડ્યું. ડસ્ટિંગથી માંડી કુકિંગના કામો માટે બાઈઓ આવતી એટલે કુશાંગીએ તો રાજરાણીની જેમ મહાલવાનું જ હતું. ત્રણ વિંગની લક્ઝુરિયસ સોસાયટીમાં એક ફ્લોર પર બે જ ફ્લૅટ હતા અને સાતમા માળે પોતાની સામેના ફ્લૅટમાં નવા-નવા રહેવા આવેલા કપલ જોડે આરવ-કુશાંગીની ઘનિષ્ઠતા વધવા માંડી.
નિકામ-નિયતિ વયમાં તેમનાથી પાંચ-સાત વર્ષ મોટાં હશે. બેઉની જોડી મેડ ફૉર ઇચ અધર જેવી ફાંકડી હતી. નિયતિ સાઉથની, નિકામ બંગાળી. ડેટિંગ સાઇટ પર મળેલાં બેઉ ત્રણેક વર્ષ લિવ-ઇનમાં રહ્યા પછી પરણ્યાં. તેમનાં મૅરેજનેય ત્યારે ત્રણેક વર્ષ થયાં હશે. બન્ને બુદ્ધિમંત, બન્ને વર્કિંગ. વેસ્ટર્ન કલ્ચરની જેમ અઠવાડિયાના પાંચ દિવસ ઊંધું ઘાલીને કામ કરે અને વીક-એન્ડ લૅવિશલી એન્જૉય કરે. ખરેખર તો તેમનું સેલિબ્રેશન ફ્રાઇડે નાઇટથી જ શરૂ થઈ જાય. કાં તો તેમના ઘરે દોસ્તોની મહેફિલ હોય કાં એ લોકો ક્યાંક પાર્ટીમાં જવાના હોય.
અને કેવી એક્ઝૉટિક પાર્ટી!
નિકામના નિમંત્રણે એક-બે વાર સામે પાર્ટીમાં જોડાયાં એમાં જ અંદાજ આવતો ગયો. મ્યુઝિક-ડાન્સ સાથે શરાબની છોળો ઊડે એ તો જાણે સમજ્યા, પણ ઉન્માદમાં આવી કોઈ કપલ બધાની હાજરીમાં લિપલૉક કરી લે, ઉત્તેજનાવશ વસ્ત્રો આઘાંપાછાં કરવા માંડે એ જોઈ અડધી પાર્ટીએ આરવ માથું દુખવાનું બહાનું ઉપજાવી કુશાંગીને લઈ ઘરે આવતો રહેલો : આટલુંબધું મૉડર્નિઝમ આપણે
કામનું નહીં!
તેણે વધતો મેળ સંયત કરવા માંડ્યો. પાર્ટીમાં તો જવાનું જ નહીં, નાટક-ફિલ્મોના પ્રોગ્રામમાંય રૅશનિંગ કરવા માંડ્યું.
પણ કુશાંગીને કદાચ તેમની કંપની, તેમની લાઇફસ્ટાઇલ ગમી ગઈ હતી. શુક્રની સાંજથી તેનું ધ્યાન સામા ઘરે થતી પાર્ટી પર જ હોય: કોણ આવ્યું, મેનુ શું છે, કપલ્સ ભેગાં થઈ કેવી મોજ કરતાં હશે...
‘ધિસ ઇઝ સ્પૉઇલ્ડ કલ્ચર.’ આરવ ટકોરતો તો તે છણકો કરતી : એમ કહો તમે જુનવાણી છો!
એ પછી આરવ ઑફિસ હોય એ ગાળામાં તક મળ્યે નિયતિને પાર્ટીની વાતો પૂછતી અને એ સોબતની અસર બહુ ધીરે-ધીરે, પણ વર્તાવા માંડી.
આરવનાં જડબાં તંગ થયાં: મહિને એક વીક-એન્ડ ગામ આવવાનો પોતે નિયમ રખેલો, એમાં તેણે પહેલાં એક યા બીજા બહાને ખાડા પાડવા માંડ્યા. પછી માને ભોળવી: મા, મને તમે ગમો છો, આપણું ઘર ગમે છે, પણ ગામ બહુ ધૂળિયું લાગે છે. આવ્યા પછી બેચાર દિવસ તો ઍલર્જીનાં શરદી-ઉધરસ રહેતાં જ હોય છે. તો આરવ જોડે હું ન આવું તો તમને ખોટું નહીં લાગેને!
‘હોતું હોય, વહુ! તબિયત પહેલાં.’
એ તો ઠીક છે, મા બધું ચલાવી લે છે પણ તેનાથી કહેવાતી ઍલર્જીને કારણે ગામ અવાતું ન હોય તો વહુ તરીકે માને મુંબઈ આવવાનો વિવેક તો થાયને!
પણ ના. કુશાંગીનું એ દિશામાં દિમાગ ચાલતું જ નથી.
આવામાં હજી ચાર મહિના પહેલાં લગ્નની પાંચમી ઍનિવર્સરીએ આરવે નક્કી કર્યું: હવે નો પ્રોટેક્શન. લેટ્સ હૅવ અવર બેબી!
‘બેબી? રિયલી!’ તેણે હોઠ વંકાવ્યા: તમે તો એમ કહો છો આરવ જાણે બાળક આવતાં જ તેને અંબાણી કે અદાણીની અમીરાત મળી જવાની હોય!
‘એટલે?’ કુશાંગી પર છવાતો આરવ સહેજ અક્કડ બન્યો, તેની છાતીએ હાથ પસવારતી કુશાંગી ફૂંકીને ડંખી, ‘તમને બાળઉછેરના ખર્ચાની ખબર પણ છે! રેપ્યુટેડ સ્કૂલોની ફીઝ લાખોમાં હોય છે. ડૉક્ટર–એન્જિનિયર માટે કરોડની.’
‘સો? તને શું લાગે છે મેં આનું પ્લાનિંગ નહીં વિચાર્યું હોય?’ આરવે સ્મિત ઉપજાવ્યું, ‘ઍન્ડ યુ નો અવર ફાઇનૅન્સ સ્ટેટસ. મારું પેકેજ, ગામની ખેતી...’
‘તમે તો એવું કહો છો આરવ જાણે આપણે કોઈ ખર્ચ કરતાં પહેલાં વિચારવાની જરૂર જ ન હોય.’ તેણે મોબાઈલ ખેંચી આરવને ફોટો દેખાડ્યો, ‘એવું જ હોય તો આ જુઓ. મને નીતા અંબાણીએ પહેર્યો છે એવો નેકલેસ જોઈએ. બાર કરોડનો છે. બોલો, ક્યારે અપાવશો?’
‘ધિસ ઇઝ સો મીન, કુશાંગી.’
અળગા થઈ આરવે મોં ફુલાવ્યું, ‘એમ તો હું પણ કહી શકું કે તારે આવા કરોડોના હાર પહેરવા હતા તો અંબાણી-અદાણી જેવો જ કોઈ શોધવો હતોને! મારા ગળામાં વરમાળા શું કામ નાખી?’
‘ભૂલ થઈ’તી મારી...’ ખભા ઉલાળી કુશાંગીએ વળ ચડાવ્યો: સો વાતની એક વાત. હવે તો એ નેકલેસની ત્રેવડ થાય પછી જ છોકરું પેદા કરવાનો જોસ્સો દાખવજો!
હાઉ કુડ શી સે ધિસ!
રાતભર આરવ મટકું મારી ન શક્યો. આજે પત્નીની માનસિકતા છતી થઈ ગઈ! નિકામ-નિયતિથી ડિસ્ટન્સ રાખવાની મારી સાફ વાત છતાં તે લળી-લળીને તેમને મળતી જ રહે એનું જ આ પરિણામને? પણ પોતાનું માણસ ચલિત થાય એનો દોષ પારકાને કેમ આપવો? બહાર ભલે બેસુમાર વરસાદ વરસે, બીજ તમારી અંદર હોય તો જ કૂંપળ તો ફૂટેને! કુશાંગીનું ખરું મૂલ્ય બંધારણ આજે ખૂલી ગયું.
નહીં, નહીં, કુશાંગીને દોષ દેવાથી તો દૂરી વધવાની, અભાવનો ગુણાકાર જ થવાનો...
અભાવ.
આરવના કાળજે ચીરો પડ્યો: કુશાંગીને ભાવ હોત તો મારા સ્વમાન પર ઘા ન કર્યો હોત. મરદને પાણી ચડાવવાનો આશય હોત તો તેની લઢણ જુદી હોત. નહીં, તે જે રીતે બોલી એમાં તો મને તુચ્છ પુરવાર કરી બાળક બાબત પોતાનો કક્કો ખરો કરવાની જીદ હતી માત્ર. એનો તેને અફસોસ નહીં, પાછી કેવી નિરાંતે પોઢીય ગઈ!
આમાં પ્યાર ક્યાં, ભાવ ક્યાં?
આરવે મુંઝારો અનુભવ્યો. પાંચ વર્ષના લગ્નજીવનમાં આવી કટોકટીનું અનુમાન નહોતુ. નવી જ કુશાંગી ઊઘડી, તેની સાથે ટૅકલ કેમ કરવું? ઉતાવળ કરીશ તો વાત વણસી જશે ને ઢીલ મૂકીશ તો કદાચ કુશાંગી સરકી જશે. મારાથી એ નહીં બને.
સંબંધમાં સમતોલ રહેવાનું કામ એક જ વ્યક્તિ શીખવી શકે. મારી મા! અને વહુને શીખવવા માએ મુંબઈ આવવું રહે.
‘આરવ!’
માના સાદે ઝબકી જવાયું, ‘હમણાંનો બેચાર વખતથી તું થોડો ચિંતાગ્રસ્ત હોય એવું કેમ લાગે છે?’
માએ ધરેલાં જળ-પ્રસાદ ગ્રહણ કરતાં આરવે મન મક્કમ કર્યું: હવે મોડું નથી કરવું!
‘મને હસતો જોવો હોય તો મા, તો મારી સાથે તારે મુંબઈ આવવું રહ્યું!’
મુંબઈ! યામિનીબહેન પોરસાયાં : દીકરાને ત્યાં જવાનો ઉમંગ કઈ માને ન હોય? અને દીકરા-વહુના ભાવ છતાં એટલું નથી જવાતું. વરસે એકાદ-બે વાર જવાનું બને તો પણ એક રાત પૂરતું. અહીંનો પથારો પણ જોવાનોને!
ત્યાં તો આરવની ચોખવટ આવી, ‘મા, હું એકબે દિવસની વાત નથી કરતો. તારે ત્યાં બેચાર મહિના રહેવાનું છે, મારે ખાતર!’
હેં!
lll
કેટલો સોહામણો જુવાન!
આદર્શની લંડનની ઑફિસના ટેબલ પર આરવનો ફોટો છે. પ્રૌઢ વયના આદર્શની સેક્રેટરી લીઝા એને મુગ્ધપણે તાકી રહે છે : આદર્શસરનો રિલેટિવ કેવો સોહામણો છે! એની તપખીરી કીકીમાં કેટલી નિર્મળતા છે. પછી જાતને ટપારી: તે પરણેલો છે એ કેમ ભૂલે છે, લીઝા!
જીવ અને નજરને વાળી તે કામમાં પરોવાઈ, પણ હૈયાને ગમી ગયેલા જુવાનના અંગત જીવનની ગડમથલની તેને ક્યાં જાણ હતી?
(ક્રમશઃ)