11 February, 2026 01:18 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
આ જોબન!
ઘરે આવી શાવર લેતી કુશાંગીએ મિરરમાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું : આનો પહેલો ભોગવટો કદાચ આરવના નસીબમાં જ લખાયો હતો... નહીંતર હું નિસર્ગને પહેચાનવામાં થાપ ખાઉં નહીં ને આરવ મારા પાલવડે બંધાય નહીં!
તેણે ગતખંડની કડી સાંધી:
પોતે જેને કંપનીનો સર્વેસર્વા માનતી હતી એ તો કર્મચારી નીકળ્યો જાણી ઘડીભર તો કુશાંગીને તમ્મર આવી ગયેલાં. પણ પછી નિસર્ગ એટલે પેલો શામળો એ કન્ફર્મ થતાં અફસોસ ગળે અટકી ગયો: તે મારા પડખે હોય તો કાગડો દહીંથરું લઈ ગયા જેવું લાગે!
એના કરતાં આ આરવ શું ખોટો? આરવ પૈસેટકે સુખી તો છે જ. ગામમાં કંઈકેટલાં વીઘાંની ખેતી છે. પાછો એકનોએક, મુંબઈમાં સ્વતંત્ર વસવાટ. છોગામાં આટલો રૂપાળો! મારા રૂપમાં બંધાયેલો તે મને રાજરાણીની જેમ રાખશે.
કુશાંગીએ મન મનાવી લીધું. તેમની ગાડી પ્રણયના માર્ગે પુરપાટ દોડી. વડીલોની મહોર લાગતાં ત્રણ મહિનામાં તો વેવિશાળ-લગ્ન પણ લેવાઈ ગયાં!
અમારાં લગ્નના મોંઘેરા મહેમાન હતા લંડનથી પધારેલા આરવના આદર્શ અંકલ. મા તેમને કેટલુ માને, આરવને તેમનો કેવો લગાવ અને આદર્શ અંકલ પણ આરવને દીકરા જેવું વહાલ કરે. આરવે તેમની ટ્રૅજિક લવ સ્ટોરી કહેલી. ક્રિસ્ટિનાની યાદમાં ફરી તેમણે ઘર ન માંડ્યુ એથી આરવ ભલે પ્રભાવિત થાય, મને એ ત્યારે પણ વેવલાપણું લાગ્યું હતું... હશે. પછી જોકે આદર્શ અંકલ ઇન્ડિયા આવ્યા નથી, બેચાર મહિને આરવ જોડે હાઇ-હલો થાય એ જ માત્ર.
ખેર! કુશાંગીએ યાદદાસ્તને ટ્રૅક પર આણી :
હનીમૂન મૂડમાંથી ધીરે-ધીરે બહાર આવી નવયુગલ રોજિંદી ઘટમાળમાં પરોવાયું. સામેના ફ્લૅટમાં મૂવ થયેલાં નિકામ-નિયતિ જોડે મેળ જામવા લાગ્યો, પણ તેમને ત્યાંની પહેલી પાર્ટીમાં જાહેરમાં એકાદ કપલને લિપલૉક કરી ઇન્ટિમેટ થતું જોઈ આરવે મેળ ઘટાડવા માંડ્યો : આટલુંબધું મૉડર્નિઝમ આપણે કામનું નહીં!
નિયતિએ કુતૂહલવશ કુશાંગીને પૂછતાં તેણે સરળપણે કહી દીધું : આરવને તમારી લાઇફસ્ટાઇલ વધુપડતી મૉડર્ન લાગે છે!
‘વધુપડતી એટલે શું?’ નિયતિ દાંત ચમકાવતું હસેલી : કાં તો તમે મૉડર્ન છો, કાં તો વેદિયા!
નિયતિ આરવને વેદિયો કહી ગઈ એ કુશાંગીને ગમ્યું નહીં એમ વિરોધ પણ ન થયો. બે દિવસ પહેલાં જ આરવે ‘બહુ ઓપન છે’ કહી મને ગમતો ગાઉન લેવા નહોતો દીધો. એ અર્થમાં આરવ જુનવાણી તો ખરા જને!
કુશાંગીને ખ્યાલ પણ આવે એ પહેલાં તે આરવને બીજાના તોલે તોલતી થઈ ગઈ. નિકામ-નિયતિની લાઇફ તેને બહુ હૉટ ઍન્ડ હૅપનિંગ લાગતી. અમારી નજર સામે આ બે વર્ષમાં એ લોકો યુરોપ ફરી આવ્યાં ને દુબઈ તો ખાસ ડ્યુટી-ફ્રી શૉપિંગ માટે આંટોફેરો કરી લેતાં હોય!
આવી જ લાઇફસ્ટાઇલનાં મેં શમણાં જોયેલાં. આરવને બદલે નિસર્ગને પરણી હોત તો કદાચ હું શૉપિંગ માટે પૅરિસ જતી હોત!
કુશાંગીથી બળબળતો નિસાસો સરી જતો. વ્યક્તિ પારકાં ચશ્માં ચડાવી પોતાનો સંસાર જુએ ત્યારે સુખમાંય દુઃખ શોધતી થઈ જાય એવી કુશાંગીની હાલત હતી.
પોતાની લાઇફસ્ટાઇલને જજ કરનાર આરવ પ્રત્યેની દાઝમાં નિયતિ બળતામાં ઘી હોમતી રહેતી. એ સોબતની અસર ધીરે-ધીરે વર્તાવા માંડી. આરવ નિકામ-નિયતિ સાથે ન ભળવા સમજાવતો તો તેને જુનવાણી કહી દેતી. ગામ ન જવાનું નિયતિએ જ શીખવાડ્યું : તારે આરવને કહી દેવાનું કે તારે જવું હોય તો જા, મને ગામમાં કંટાળો આવે છે! ભલે જતો તે. આપણે અહીં મજા કરીશું.’
કુશાંગીને એ જચી ગયું. તેણે માને જ પલોટ્યાં, પત્યું!
શુક્રવારની સાંજે નીકળી આરવ રવિની સાંજે પરત થાય એનો મોટા ભાગનો સમય કુશાંગી નિકામ-નિયતિ જોડે ગાળતી. ફિલ્મ, લંચ, ડિનર, શૉપિંગ...
આમાં ક્યારેક નિકામ નિયતિના લિપ લૉક કરી લે, બે વચ્ચે નૉનવેજ કમેન્ટ્સ થતી રહે ત્યારે આડું જોઈ જનારી કુશાંગી બળાપો ઘૂંટે : આરવને આવા રોમૅન્ટિક થતાં આવડ્યું જ નહીં!
‘આરવ પર જ કંઈ મહોર મારી છે?’ નિયતિ આંખ મીંચકારતી, ‘મારો નિકામ તને નથી ગમે એવો?’
કુશાંગી લાલચોળ થયેલી. બેશક, નિકામ બેહદ ખૂબસૂરત હતો, પણ એથી કાંઈ..!
‘જવા દે હની, બિચારી હજી આરવના સો કૉલ્ડ સંસ્કારની કેદમાં છે.’ નિકામ બેપરવાઈભર્યું હસેલો.
એ ઘડી ખરેખર તો કુશાંગી માટે પોઝ લેવાની ઘડી હતી. તેણે મનોમંથન કરવું જોઈતું હતું: પત્ની એક પરણેતરને પોતાના પતિ સાથે ઇન્ટિમેટ થવા ઉશ્કેરે એ કલ્ચરને આરવ આગોતરું પામી ગયા હોય તો જ દૂરી રાખતા થઈ ગયા હોય. તું પોતે નિયતિ જેવી થઈ શકે? આરવને તારી મોજૂદગીમાં પરસ્ત્રી સાથે વહેંચી શકે?
જવાબ નામાં જ આવ્યો હોત ને કુશાંગીનો સમજપટલ ખૂલી ગયો હોત. પણ તેણે તો પડકાર જોયો ને બેપરવાઈથી હસતા નિકામના હોઠ પર હોઠ જડી લીધા : હું કોઈની કેદમાં નથી. આરવની તો બિલકુલ નહીં!
નિયતિ તાળી પાડી ઊઠેલી : બ્રેવ ગર્લ!
એ દહાડે તો વાત કિસ પર અટકી ગઈ, પણ પછી કુશાંગીએ નિયતિને પૂછેલું : નિકામ માટે પરસ્ત્રીનો બાધ નથી એમ તું પણ અન્ય પુરુષો સાથે...
જવાબમાં સિગારેટનો ધુમાડો ફેંકતી નિયતિ હસેલી: તું હ સીધું પૂછતાં ખચકાય છે, પણ હું બેધડક કબૂલીશ કે યા, મારે મલ્ટિપલ પુરુષો સાથે સેક્સ સંબંધ રહ્યા છે! વૉટ સો બિગ ડીલ ઇન ધૅટ! શરીરનો ભોગવટો મનના આનંદ માટે થતો હોય છે અને એકના એક ભોજનથી મનને અરુચિ થાય એવું જ સેક્સનું છે, ઇટ્સ ધૅટ સિમ્પલ, યાર! એને પાપ-પુણ્ય સાથે સાંકળી સમાજે દંભ જ પેદા કર્યો કે બીજું કંઈ?’
વક્તૃત્વ સ્પર્ધાની વિજેતાના આવેશમાં દલીલ મૂકી નિયતિએ કુશાંગીને પળવાર તો ડઘાવી દીધી. માંડ દલીલ સૂઝી : આ બધું ક્યાં સુધી ચાલે? બાળક થશે પછી...
‘બાળક!’ નિયતિએ રાખ ખંખેરી સિગારેટ ઍશટ્રેમાં કચડી, ‘હુ ટોલ્ડ યુ ધેટ આયેમ ગોઇંગ ટુ બી અ મધર? નો વે, બેબ્સ!’
કોઈ સ્ત્રી મા બનવાની ઘસીને ના પાડે એ જોવાનો કુશાંગી માટે પહેલો પ્રસંગ હતો. પણ નિકામનું શું? તેને પિતા બનવાના કોડ નહીં હોય?
‘હાઉ હી કુડ? અમારી વેવલેન્ગ્થ એક છે સ્વીટી, વી આર અ ડિન્ક કપલ.’
DINK? કુશાંગી બાઘાની જેમ તેને તાકી રહી.
‘યુ આર નોટ અવેર ઑફ ડિન્ક ટર્મિનોલૉજી? ડિયર, ઇટ્સ ડબલ ઇન્કમ, નો કિડ્સ કપલ.’
આવાં પણ કપલ હોય?
‘અરે, આ તો આજકાલ ટ્રેન્ડમાં છે.’ નિયતિ ફૉર્મમાં આવી, ‘લુક, એવું નથી કે અમને બાળકો પ્રત્યે પ્રેમ નથી, જસ્ટ ધૅટ વી ડોન્ટ વૉન્ટ અવર્સ.’
પણ કેમ?
‘કેમ? ગાંડી છોકરી, બચ્ચું કેટલાં બંધન, કેટલી જવાબદારી લઈને આવે. રાતોના ઉજાગરા, તેમનાં ડાયપર બદલાવો, તેમને ચાલતાં શીખવો, સ્કૂલ, ક્લાસિસ, ટ્યુશન્સ - એક એવી ચક્કી ચાલુ થઈ જાય જેમાં ગમે એટલો પૈસો, સમય નાખો ઓછો પડે. ઍન્ડ વૉટ ઇઝ ધ આઉટકમ? છોકરી પરણીને જમાઈને ત્યાં જતી રહેશે, દીકરો વહુનો થઈ જશે; અલોઅલી એકલાં. તો પછી જુવાની માણવાના સમયથી જ એકલાં ન રહીએ?’
ધૅટ મેક્સ સેન્સ! કુશાંગીએ ડોક ધુણાવી.
‘વી આર ઇન્ડિપેન્ડન્ટ. પણ તારે એવું નથી. તારાં મૅરેજને ઘણો ટાઇમ થયો, હવે સાસુમા વંશના વારસની ઉઘરાણી કરશે.’
ના, સાસુજી તો નહીં પણ ચાર મહિના પહેલાં પાંચમી ઍનિવર્સરીની ઉજવણીમાં રોમૅન્ટિક થતાં આરવે કહ્યું ઃ હવે નો પ્રોટેક્શન. લેટ્સ હૅવ અવર બેબી!
બેબી? નો વે!
મનોમન ભડકેલી કુશાંગીએ હોઠ વંકાવ્યા: તમે તો એમ કહો છો આરવ, જાણે બાળક આવતાં જ તેને અંબાણી કે અદાણીની અમીરાત મળી જવાની હોય!
પછી નીતા અંબાણીના નેકલેસનું કહેતાં આરવે શબ્દબાણ ચલાવેલું : એવું હતું તો તારે અંબાણી કે અદાણી જેવો જ કોઈ શોધવો હતોને!
એ વખતે હોઠે આવેલું કે તને આવો જ કોઈ (નિસર્ગ) ધારી મેં મેળ જમાવેલો.
પણ એ જાતને ખુલ્લી પાડવા જેવું લાગે એટલે મારી ભૂલ થઈ કહી ખભા ઉલાળી અલ્ટિમેટમ આપી દીધેલું : નીતા અંબાણી જેવો નેકલેસ લેવાની ત્રેવડ થાય પછી જ બાળકનું કહેજો!
પોતે કેમ આવું કહી શકી? આરવને દુખી કરી જીવ કેમ ન દુખ્યો? શું હું તેને હવે ચાહતી જ નથી? ક્યારેય ચાહ્યો હતો ખરો કે પછી પતિને એક પૅકેજ તરીકે જોવાની મારી વૃત્તિમાં તે ફિટ થયો એને હું પ્રેમ માનતી રહી?
‘ચિલ યાર, વરને કંઈક કહ્યું એમાં જાતને આટલી શું પિંજવી!’
તક મળતાં કુશાંગીએ મૂંઝારો કહેતાં નિયતિએ પોતાનો દાખલો આપ્યો : આવું તો નિકામને હું કેટલું વઢતી હોઈશ...
‘બટ સ્ટિલ આઇ લવ હર.’ નિકામ તેની સોડમાં ભરાયો ને નિયતિએ લિપ લૉક કરી દીધા.
બન્ને વચ્ચે કેટલો લવ છે, બેઉ કેવાં મુક્ત છે!
‘આઇ ઇન્વાઇટ યુ...’ નિકામે હાથ લંબાવ્યો, ‘બી અ પાર્ટ ઑફ ધિસ ફ્રીડમ!’
અને જાણે-અજાણે કુશાંગી તણાઈ. શરમ-સંકોચ છૂટતાં ગયાં. ન સ્ત્રીની હાજરી નડી, ન પરપુરુષનો સ્પર્શ ડંખ્યો.
જોગાનુજોગ એ જ અરસામાં નિકામે જૉબ બદલી. મલ્ટિનૅશનલમાં તેને વર્ક ફ્રૉમ હોમ હતું. USના વર્કિંગ અવર્સને કારણે તેણે રાતે જાગવાનું થતું.
‘સો દિવસે હું ઑફિસમાં હોઉં ત્યારે જનાબ રાતનો ઉજાગરો વસૂલતા હોય ને ઘરે આવું ત્યારે તે સ્ટડી રૂમમાં ગોઠવાઈ ગયા હોય. બટ ઇટ્સ વર્થ. નિકામને પૅકેજમાં અધધધ ગણાય એવો રાઇઝ મળ્યો છે.’
કહી નિયતિ આંખ મીંચકારતી : દિવસે તું પણ એકલી હોય છે તો મારા વરનું ધ્યાન રાખજે!
કુશાંગી રાતીચોળ થયેલી. પણ પછી ‘ધ્યાન રાખવાનું’ પાછલા આ ત્રણ મહિનામાં રૂટીન બનતું ગયું. આરવ-નિયતિ કામે જવા નીકળે, નિકામ થોડો આરામ કરી લે પછી બપોરે મેઇડને રવાના કરી જમ્યા પછી કુશાંગી સામા ફ્લૅટમાં સરકી જાય.
જાતને સમજાવી દીધેલી: એવું નથી કે શારીરિક દૃષ્ટિએ નિકામ આરવથી ચડિયાતો હોય, પણ તેનામાં ક્રીડાને બહેલાવવાની આર્ટ છે એને માણવામાં ખોટું શું છે?
હા, શરૂમાં એક ધ્રાસકો રહેતો : રખેને ઑફિસથી અચાનક આરવ વહેલો આવી ગયો તો!
એક વાર તેણે ભેદ જાણ્યો તો નૅચરલી તે તો ડિવોર્સ જ આપે, પણ છિનાળનું બિરુદ લાગ્યા પછી મારાં માવતર પણ મને નહીં સંઘરે. અફેરને કારણે ઍલિમની નહીં મળે. નિકામ-નિયતિ પણ કંઈ મને તેમના ઘરમાં કાયમ માટે ઓછી રાખવાનાં! નહીં, આરવથી છૂટાછેડા તો મને કોઈ કાળે નહીં પરવડે.
આનો ઉકેલ નિકામે આપ્યો. આરવની ગતિવિધિ જાણવા માટે નિકામે કહી એ ઍપ આરવના ફોનમાં પણ ડાઉનલોડ કરી સેટિંગ ગોઠવી દીધું એટલે આરવનું લાઇવ લોકેશન કુશાંગીને દેખાતું રહે ને એક કિલોમીટરની રેન્જમાં આવે કે અલાર્મ બજી ઊઠે!
નિકામને ત્યાં જતાં પહેલાં અને ત્યાંથી આવીને કુશાંગી ઍપનું સેટિંગ ઑન-ઑફ કરવાનું ચૂકતી નહીં. એ વાત જુદી કે પેલું અલાર્મ ક્યારેય વાગ્યું નહીં! આરવને મારા અફેરની ગંધ સુધ્ધાં નથી!
સો ફાર, સો ગુડ!
પતિને છેતરીને પોરસાતી કુશાંગીને આગળના વળાંકની ક્યાં ખબર હતી?
lll
રવિવારની સાંજે ગામથી પરત થયેલો આરવ ઉમંગમાં લાગ્યો કુશાંગીને.
‘તું પણ ખુશીથી ઝૂમી ઊઠીશ, હની! શુક્રવારે મા આવે છે - અહીં રહેવા!’
‘વૉટ! વાય?’
તેના તીણા ઉદ્ગારમાં રહેલા અણગમાએ આરવને થોડો અકળાવી મૂક્યો, ‘આ તેનું ઘર છે, કુશાંગી. શી હૅઝ એવરી રાઇટ ટુ બી હિયર.’
કહી અજાણતાં જ વ્યંગ થઈ ગયો : ‘મહેરબાની કરી એવું ન કહીશ કે પહેલાં નીતા અંબાણી જેવો નેકલેસ લાવી આપો પછી જ હું તમારી માને અહીં રહેવા દઈશ.’
કુશાંગી સમસમી ગઈ.
(વધુ આવતી કાલે)