ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૩)

02 September, 2026 12:50 PM IST  |  Mumbai | Rashmin Shah

વલ્લભ ચોરાયેલી પ્રાચીન ઠાકોરજીની મૂર્તિ લઈને ભાગે છે, પરંતુ રસ્તામાં બૅગ બદલાઈ જતા એક ગરીબ પિતાની દીકરીના સારવારના પૈસા તેના હાથમાં આવે છે. ધર્મ અને માનવતાની કસોટી વચ્ચે વલ્લભ શું પસંદ કરશે? હવે શેખરના માણસો પણ તેની પાછળ છે. ખતરો!

ઇલસ્ટ્રેશન

બોરીવલીથી નીકળેલી લોકલ ટ્રેનનાં પૈડાંના ખડખડાટ સાથે વલ્લભ ત્રિકમરાય સોજિત્રાના હૃદયના ધબકારા પણ બેકાબૂ બની ગયા હતા. તેના હાથમાં રહેલી મોરપીંછની ડિઝાઇનવાળી બૅગ એક સમયે તેને અતિ પવિત્ર લાગતી હતી, પણ હવે વલ્લભને એનો ભાર લાગવા માંડ્યો હતો. 
વલ્લભે દાદર જવાનું હતું, પણ એકધારું દાદર પહોંચવાને બદલે તે અંધેરી સ્ટેશને ઊતરી ગયો અને પછી તેણે પ્લૅટફૉર્મના એક જૂના થાંભલા પાછળ આશરો લીધો. અત્યારે તેનો ડાબો ખભો અસહજ રીતે સતત ઊંચો-નીચો થતો હતો અને તે ધ્રૂજતા હાથે સુતરાઉ સદરાનો છેડો સતત સરખો કરતો હતો જે તેના મનની ભયંકર ગભરામણ અને અપસેટનેસની ચાડી ખાતી હતો.
સ્ટેશન પર નિર્દોષ, સીધો-સાદો, ભોળો માણસ પાંચ કરોડની ચોરાયેલી પ્રાચીન મૂર્તિવાળી બૅગ સાથે મુંબઈની અફાટ ભીડ વચ્ચે સાવ એકલો પડી ગયો હતો. વલ્લભને પોતાની જાત પર અતિશય લાચારી અને લાજ આવતી હતી. જેણે જિંદગીભર હરામની કોઈની પાઈ પણ ન લીધી હોય, જે દિવસના ૧૦૦ રૂપિયાના રોજ પર ઈમાનદારીથી કાપડના તાકા ખેંચતો હોય તે આજે અજાણતાં જ અન્ડરવર્લ્ડની સૌથી મોટી લૂંટનો કુરિયર બનીને રસ્તા પર ભટકતો હતો.
‘ઠાકોરજી... બા-બાપુજી તો કહેતા કે તું તો ભક્તોની રક્ષા કરે, સાચી શ્રદ્ધા રાખનારને ક્યારેય અધવચ્ચે નથી છોડતો... પણ આ વખતે... આ વખતે તો હું સાચે જ, સાચે જ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો. ચારેય તરફ ખાઈ છે અને રસ્તો ક્યાંય દેખાતો નથી.’ 
વલ્લભે બૅગ હાથમાં લીધી અને પછી એને છાતીસરસી ચાંપીને આજુબાજુમાં જોયું. લોકલમાં પોલીસની નાકાબંધી વધતી હોય એવું તેને લાગ્યું તો અમુક ચહેરાઓ જોતાં તેને મનમાં બીક પેઠી કે ક્યાંક તે શેખરના માણસો છે. વલ્લભે મનોમન નક્કી કર્યું કે લોકલમાં જવા કરતાં તે હવે રસ્તા પરથી જ આગળ વધે અને વલ્લભ અંધેરી સ્ટેશનની બહાર નીકળીને સ્ટેશનની સામે આવેલી મૅક્ડોનલ્ડ્સની બાજુના બસ-સ્ટૉપ પર ઊભો રહી ગયો. બે જ મિનિટમાં બેસ્ટની બસ આવી અને વલ્લભે અંધેરી-કુર્લા લિન્ક રોડ પર આવેલા મેઇન બસ-સ્ટૉપ માટે બસ પકડી લીધી.
બસ-સ્ટૉપ પર પહોંચ્યો ત્યારે બપોરના બે વાગી ગયા હતા. વરસાદ ન હોવાના કારણે વાતાવરણમાં ભારોભાર ઉકળાટ હતો અને સ્ટેશન પર જબરદસ્ત ભીડ પણ હતી. આગળ વધતાં વલ્લભને અચાનક પાછળથી ભયાનક ધક્કો લાગ્યો. કાનમાં હેડફોન લગાવીને મોબાઇલ પર 
મોટે-મોટેથી વાત કરવાનો ઢોંગ કરતો વીસેક વર્ષનો છોકરો ભીડમાંથી આગળ વધતો આવ્યો અને તેણે વીજળીની ઝડપે વલ્લભ પાસેથી બૅગ આંચકી લીધી. વલ્લભે બૅગ બરાબર પકડી રાખી હતી, પણ પેલા છોકરાએ મારેલી ચિત્તા જેવી ઝાપટને તે ઠગી શક્યો નહીં અને તેના હાથમાંથી બૅગ સરકી ગઈ.
‘પકડો... ચોર... ચોર. મારી બૅગ... પકડો, પકડો...’ 
રાડો પાડતો વલ્લભ પેલા છોકરાની પાછળ દોડ્યો, પણ કમનસીબે વલ્લભના પગનાં જૂનાં ચંપલ લપસ્યા અને તે રસ્તા પર પછડાયો. વલ્લભના બન્ને ઘૂંટણ છોલાઈ ગયા અને લોહી નીકળવા માંડ્યું. આજુબાજુમાં ઊભેલા લોકો તમાશો જોતા રહ્યા પણ કોઈ આગળ ન આવ્યું. વલ્લભની આંખમાં આંસુ આવી ગયાં. તે મહામહેનતે ઊભો થયો. તેની નજર હવે આગળ જતા છોકરા તરફ હતી.
વલ્લભની બૅગ ચોરીને ભાગતો પેલો ચોર એક વળાંક પર ટર્ન લે એ પહેલાં જ ડાબી બાજુથી સ્પીડમાં આવતી રિક્ષાએ તેને જોરથી અડફેટે લીધો અને તેના હાથમાંથી બૅગ છટકીને રસ્તા પર પડેલા કચરાના ઢગલા પર જઈને પડી. આ અથડામણને કારણે પાસે ઊભેલા ટ્રાફિક પૉઇન્ટ પરથી ટ્રાફિક-હવાલદાર સીટી મારતો આગળ આવ્યો અને પોલીસની સીટી સાંભળીને પેલો પેલો ચોર લંગડાતો સામેની સાઇડ પર આવેલી ગલીમાં ગાયબ થઈ ગયો. 
બૅગ બચી ગયાના ભાવ સાથે વલ્લભ ઊભો થયો અને ઘૂંટણના દર્દની પરવા કર્યા વિના રસ્તો ક્રૉસ કરીને બૅગ પાસે પહોંચ્યો. તેણે ઝડપથી બૅગ ઉપાડીને છાતીએ લગાવી. 
હાશકારા સાથે હવે વલ્લભ પાસે આવેલી બંધ દુકાનના ઓટલા પર જઈને બેઠો. તેણે જરા અમસ્તો ઊંડો શ્વાસ લીધો અને તેની નજર બૅગ પર ગઈ કે વલ્લભનો જીવ અધ્ધર થઈ ગયો. બૅગ પર મોરપીંછની છાપ તો હતી, પણ પોતાની બૅગ પર તેણે રક્ષાપોટલી બાંધી હતી જ્યારે આ બૅગમાં એવું કશું નહોતું.
કદાચ... કદાચ આ એ બૅગ નહોતી. 
વલ્લભે ધ્રૂજતા હાથે ચેઇન સહેજ ખોલીને અંદર નજર કરી. અંદર અષ્ટધાતુની મૂર્તિ નહોતી.
‘અરે બાપ રે...’
વલ્લભને પેટમાં ફાળ પડી અને તેણે અંદર રહેલી ચીજવસ્તુ બહાર કાઢી.
એ બૅગમાં હૉસ્પિટલની ફાઇલ, હૃદયરોગની મોંઘી દવાઓની બૉટલો, નાના બાળકના રિપોર્ટ્સ અને રબરબૅન્ડથી બાંધેલાં પચાસ અને ૧૦૦ રૂપિયાની જૂની નોટોનાં બંડલ હતાં, જેના પર એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું : ‘પિન્કીના ઑપરેશનની છેલ્લી મુદત : આજે બપોરે બે વાગ્યા સુધીની.’
વલ્લભના પગ નીચેથી જમીન સરકી ગઈ. 
પોતાની અસલી મૂર્તિવાળી બૅગ ક્યાંક મુંબઈના રસ્તા પર ખોવાઈ ગઈ હતી અને વલ્લભના હાથમાં કોઈ ગરીબ, લાચાર બાપની જિંદગીની કમાણી અને તેની દીકરીના શ્વાસ બચાવવાની રકમ આવી ગઈ હતી.
વલ્લભ રસ્તાની ધારે બેસીને બે હાથ વચ્ચે માથું પકડીને પોક મૂકીને રડી પડ્યો. 
‘હું શું કરું ઠાકોરજી, શું કરું હું?! ક્યાં જઉં...’
‘રસ્તા વચ્ચે બેસી રહેવાથી તો જવાબ નહીં મળેને વલ્લભ...’
વલ્લભના કાનમાં સાંત્વન આપતો અવાજ આવ્યો અને પીઠ પર હાથ. 
પીઠ પર આવેલા હાથમાં પણ એ જ સાંત્વન હતું જે સ્વરમાં હતું.
વલ્લભે ભીની આંખે બાજુમાં જોયું. સામે એક આધેડ વયના સજ્જન ઊભા હતા. તેમણે આછો પીળો રેશમી ઝભ્ભો અને સફેદ ધોતી પહેર્યાં હતાં. ગળામાં તુલસીની શ્યામ કંઠી શોભતી હતી અને કપાળે કસ્તુરી-ચંદનનું ઊર્ધ્વપુંડ્ર તિલક ચમકતું હતું. તેમના મુખની ચમક વલ્લભના તપી ગયેલા મગજ પર જાણે કે ગંગાજળનો છંટકાવ કરનારી હતી.
‘તમે... તમે મને કેવી રીતે ઓળખો? તમે કોણ છો...’
‘તારાં જ કપડાં પહેરું છું અને તને જ ન ઓળખું ભાઈ?’ પેલા સજ્જને ધીમેકથી કહ્યું, ‘હું ગોપાલદાસ... તારી બૅગ ક્યાં ગઈ અને તું શેનાથી ડરે છે એ મને ખબર છે.’
‘ગોપાલદાસજી, મારી પાસે સમય નથી. પેલો માણસ મને મારી નાખશે ને આ... આ બીજા કોઈની બૅગ મારી પાસે આવી ગઈ.... જો આ બૅગ નહીં પહોંચે તો ક્યાંક બીજું કોઈ નિર્દોષ મરશે... મને... મને કંઈ નથી સમજાતું કે હું શું કરું?’
‘આંખ બંધ કર વલ્લભ... જવાબ તને જ મળશે, જે તારી પાસે છે.’ ગોપાલદાસનો અવાજ વધુ ગહન થયો, ‘તારા હાથમાં અત્યારે જે બૅગ છે એ એવા બાપની છે જે હૉસ્પિટલના પગથિયે બેસીને પોતાની મરતી દીકરી માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. જો તું ધાતુની મૂર્તિ પાછળ દોડીને એ જીવને મરવા દઈશ તો તું જેને ધર્મ માને છે એ કર્મ વિના અધૂરો રહી જશે...’ 
‘પણ ગોપાલદાસજી... મારી મૂર્તિ?’
‘જેનું રક્ષણ સ્વયં સમય કરે એની ચિંતા તારે કરવાની જરૂર નથી.’ ગોપાલદાસે અનાયાસ જ રસ્તો દેખાડ્યો, ‘ફાઇલમાં જો, સામે દેખાતી જીવનદીપ હૉસ્પિટલમાં જ તારે જવાનું છે. ત્યાં પેલી દીકરીના પપ્પા ભગવાનની રાહ જુએ છે. બને કે આજે તેનો ભગવાન તું હો... અને બને કે તું કોઈનો ભગવાન બન અને તને તારો ભગવાન મળી જાય... જા...’
ગોપાલદાસે વલ્લભના કપાળે હાથ ફેરવ્યો. વલ્લભે જેવી આંખો ઝપકાવી અને પગે લાગવા માથું નમાવ્યું અને ગોપાલદાસ રવાના થઈ ગયા.
lll
‘ભાઈ, તમે મારી વાત માનો... હું... હું હમણાં બૅગ શોધીને બધા પૈસા ભરાવી દઉં... તમે પ્લીઝ મારી દીકરીનું ઑપરેશન શરૂ કરો...’
‘એવી રીતે સર્જરી શરૂ ન થાય ભાઈ...’
‘આ પૈસા મળી જાય તો-તો થાયને સાહેબ...’
વલ્લભે બૅગમાંથી પૈસા કાઢીને ડૉક્ટરના હાથમાં મૂક્યા અને પછી બૅગ પિન્કીના પપ્પાના હાથમાં મૂકી, ‘ભાઈ, આ તમારી બૅગ. તમારી દીકરીની દવાઓ, કાગળિયાં અને બીજા બધા પૈસા આમાં અકબંધ છે, તમે ચિંતા ન કરો.’
પેલો લાચાર વલ્લભને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો, પણ વલ્લભનું ધ્યાન હૉસ્પિટલના વેઇટિંગ લાઉન્જમાં ચાલતા ટીવી પર હતું. ટીવીની સ્ક્રીન પર બ્રેકિંગ ન્યુઝનો લાલ પટ્ટો ચમકતો હતો.
‘બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ પર રહેતો વલ્લભ ત્રિકમરાય સોજિત્રા નામનો શખ્સ જેસલમેરના ટ્રસ્ટમાંથી નાથદ્વારાની એક અતિ પ્રાચીન અષ્ટધાતુની ઠાકોરજીની મૂર્તિ ચોરી કરીને ફરાર થયો છે. કાલબાદેવીના વેપારી શેખર ઉપાધ્યાયે તેની વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. આ છે તે વલ્લભ સોજિત્રા...’
ટીવીની સ્ક્રીન પર વલ્લભનો મોટો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવ્યો અને હૉસ્પિટલના સિક્યૉરિટી ગાર્ડ્સ ટીવી તરફ અને પછી વલ્લભ તરફ શંકાસ્પદ નજરે જોવા લાગ્યા.
શેખરે આખી બાજી પલટી નાખી હતી. તેણે પોતાનું કૃત્ય વલ્લભ પર ઢોળી દીધું હતું અને હવે આખું મુંબઈ વલ્લભની પાછળ શિકારી કૂતરાની જેમ પડવાનું હતું.
વલ્લભ ગભરાયો અને તે હૉસ્પિટલના પાછલા દરવાજેથી પાર્કિંગ તરફ ભાગ્યો, પણ પાર્કિંગમાં પહોંચતાં જ તેને બીજો મોટો આંચકો લાગ્યો.
પાર્કિંગના ખૂણામાં ઍમ્બ્યુલન્સ ઊભી હતી. ઍમ્બ્યુલન્સની પાછળ શેખરનો ખાસ માણસ રઘુ અને તેનો સાથી ઊભા હતા અને રઘુના હાથમાં પેલી મોરપીંછવાળી અસલી બૅગ હતી.
lll
બન્યું એવું હતું કે વલ્લભનો પીછો કરતાં શેખરના માણસો છેક બસ-સ્ટૅન્ડ સુધી પાછળ હતા, પણ પછી ચોરી કરીને છોકરો ભાગ્યો અને જે ગોટાળો થયો એમાં પિન્કીના બાપના હાથમાં ઓરિજિનલ બૅગ આવી ગઈ જે શેખરના માણસોએ બૅગ પડાવી લીધી. હવે પિન્કીનો બાપ મૂંઝાયો હતો. તેની પાસેથી પૈસા પણ જતા રહ્યા હતા અને જેનો સામાન અદલાબદલી કરી શકાય એમ હતું એ બૅગ પણ હાથમાંથી જતી રહી હતી.
lll
‘શેખરભાઈને ફોન કર.’ રઘુએ સાથીને ઑર્ડર કર્યો, ‘કહી દે, માલ મળી ગયો છે અને વલ્લભ મળે એટલી વાર...’
પાર્કિંગના એક પિલ્લર પાછળ વલ્લભે આ શબ્દો સાંભળ્યા અને વલ્લભના કાનમાં ગોપાલદાસના શબ્દો પડઘાયા : ‘બને કે તું કોઈનો ભગવાન બન અને તારો ભગવાન તને મળી જાય...’ 
ગોપાલદાસના શબ્દો સાથે જ વલ્લભને ભાઈ ઠાકોરજીના શબ્દો યાદ આવી ગયા.
‘જ્યારે કંસ સામે હોય ત્યારે હાથ જોડીને ઊભા ન રહેવાય, શસ્ત્ર ઉપાડવું જ પડે...’ 
વલ્લભનો ડાબો ખભો હવે થથરતો નહોતો. તેના ચહેરા પરથી ડર સાવ ભૂંસાઈ ગયો હતો. 
ત્રણ-ત્રણ ઠાકોરજીનું બળ તેની 
સાથે હતું.
lll
પાર્કિંગમાં પડેલી એક મોટી લોખંડની વ્હીલચૅર અને ઑક્સિજન સિલિન્ડરનું સ્ટૅન્ડ વલ્લભે જોયું. વલ્લભે એ ભારે સ્ટૅન્ડને પૂરી તાકાતથી ધક્કો માર્યો. લોખંડનું સ્ટૅન્ડ ગડગડાટ કરતું સીધું ઍમ્બ્યુલન્સના પાછલા કાચ સાથે અને રઘુના પગ સાથે અથડાયું.
ધડાકા સાથે રઘુ નીચે પટકાયો અને તેના હાથમાંથી મૂર્તિવાળી બૅગ દૂર જઈને પડી. રઘુના સાથીએ પિસ્તોલ કાઢવા હાથ લંબાવ્યો, પણ વલ્લભે જમીન પર પડેલી લાલ ફાયર એક્સ્ટિંગ્વિશરની બૉટલ ઉપાડીને એની નૉઝલ દબાવી દીધી. આખા પાર્કિંગમાં સફેદ કેમિકલનો ધુમાડો અને પાઉડર છવાઈ ગયો. ગુંડાઓની આંખો બળવા લાગી અને તેઓ ખાંસવા લાગ્યા.
એ અંધાધૂંધીની એક જ સેકન્ડમાં વલ્લભે ચપળતાથી ઝપટ મારીને અસલી બૅગ લઈ લીધી અને હૉસ્પિટલની પાછળની દીવાલ કૂદીને અંધેરીની સાંકડી ચાલીઓની ભુલભુલામણીમાં ગાયબ થઈ ગયો.
હવે વલ્લભ પાસે અસલી મૂર્તિ હતી, પણ તેના માથા પર મૂર્તિચોરનું સરકારી લેબલ લાગી ગયું હતું અને સરકાર અને શેખર બન્ને તેની પાછળ હતાં.
(ક્રમશ:)

columnists Rashmin Shah exclusive gujarati mid day