ઠાકોરજી Returns: સંભવામિ યુગે યુગે (પ્રકરણ ૨)

04 March, 2026 12:48 PM IST  |  Mumbai | Rashmin Shah

જ્યાં હજારો માણસો કામ કરતા હોય ત્યાં એક માણસ શું ભારે પડવાનો અને એમાં પણ ખાસ તો ત્યારે જ્યારે જૉબ પર રખાવનારો ભાઈ ઠાકોરજી પોતે કહે છે કે તેની લાયકાત મુજબ સૅલેરી આપજો.

ઇલસ્ટ્રેશન

ત્રણ દિવસ પસાર થઈ ગયા પણ ઠાકોરજીનો કોઈ પત્તો નહોતો. વલ્લભ પાસે ઠાકોરજીનો જે નંબર હતો એ નંબર હંમેશાં માટે બંધ થઈ ગયો હતો તો ઠાકોરજી સાથે જોડાયેલા કોઈનો સંપર્ક નહોતો થતો.

‘વલ્લભ, આમ નહીં ચાલે દોસ્ત...’ આકાશે સહેજ અકળામણ સાથે કહ્યું, ‘ઠાકોરજી તને મળે નહીં એ વાત મને માનવામાં નથી આવતી.’

‘સાહેબ, શું કરું હું?’ વલ્લભે હાથ જોડ્યા, ‘તમે માનશો? છેલ્લા બે દિવસથી અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં કર્યા કરું છું પણ સાલ્લું કંઈ ભેગું જ નથી થતું. આપણને ખાલી એટલી ખબર હતી કે તે જોધપુરમાં રહે છે એટલે તમે જ મને જોધપુર પણ મોકલ્યો ને એય પ્લેનમાં, પણ ખાલી નામ ઉપરથી કેમ ઠાકોરજી મળે? ત્યાં તો દર બીજો માણસ ઠાકોરજી હતો, બોલો...’

વલ્લભની વાતોથી આકાશ મહેતાનો ગુસ્સો વધતો હતો પણ તેના મનમાં જે પ્લાન ચાલતો હતો એ પ્લાન પ્રમાણે વલ્લભને સહન કરવા સિવાય તેની પાસે છૂટકો નહોતો.

‘તું કંઈ પણ કર, ઠાકોરજી નહીં તો ઠાકોરજી જેવો કોઈ શોધ, આપણને એક એવા માણસની જરૂર છે જે મારું કામ કરે.’

‘શેઠ, મારાથી કામ થાય?’ વલ્લભની આંખોમાં ચમક આવી ગઈ, ‘તમારી માટે કંઈ પણ કરવાનું હોય આપણને વાંધો નથી હં... તમતમારે બોલો, તમારા શબ્દો ને મારી તાકાત. આ જ ઘડીએ... કહેશો એ કામ કરી આવીશ.’

‘વલ્લભ, તું જા અત્યારે...’ કંટાળીને આકાશ મહેતાએ વલ્લભને ઑફિસનો દરવાજો દેખાડ્યો, ‘ઠાકોરજી કે પછી તેના જેવું કોઈ પણ મળે એવું કર.’

‘બીજું શું કામ, હું આપણા ઠાકોરજીભાઈને જ ગોતવાનું

કામ કરુંને.’

વલ્લભ બહાર નીકળ્યો અને આકાશે મોબાઇલ હાથમાં લીધો.

સવારના ૧૧.૧પ વાગ્યા હતા. ગુરુજી અનુષ્ઠાનમાં બેઠા હશે એવું ધારીને આકાશે મોબાઇલ મૂકી દીધો. તેના મનમાં એક વિચાર આવી

ગયો હતો, એ વિચારને બળ મળે એ માટે તે ગુરુજી સાથે વાત કરવા માગતો હતો.

lll

‘ગુરુજી, એક જ અધિકારી એવો છે જે આડો ચાલે છે.’ આકાશે દબાયેલા અવાજે કહ્યું, ‘તમને પણ ખબર છે, આજકાલ હિટ-ઍન્ડ-રનના કિસ્સાઓ બહુ બને છે. જો એ અધિકારી વચ્ચેથી દૂર થાય તો...’

‘તારા જન્મના રાહુ અને મંગળ સાથે છે અને એના પરથી જ ગોચરના રાહુ-મંગળ પસાર થાય છે.’ ગુરુજીએ જવાબ આપ્યો, ‘અત્યારના સમયે આ પ્રકારની તોડફોડ મનમાં આવે એ સ્વાભાવિક છે.’

‘અત્યારે જ નહીં, અગાઉ પણ જરૂર પડી છે ત્યારે એવું કામ કર્યું જ છેને ગુરુજી?’ આકાશના અવાજમાં આત્મવિશ્વાસ હતો, ‘આ એક જ માણસ નડે છે. બાકી બધા સાથે સેટિંગ થઈ ગયું છે. એક ઍક્સિડન્ટ અને પ્રોજેક્ટ પાસ...’

‘પ્રોજેક્ટ પાસ થશે પણ પુણ્ય... તારું પુણ્ય ઓછું થશે આકાશ.’ ગુરુજીએ કહ્યું, ‘છતાં તને લાગતું હોય કે આ એક જ રસ્તો છે તો પછી ગ્રહની દશા તને કહી દઉં, કામ વિશ્વાસુ પાસે જ કરાવવું. એ સિવાય કોઈ અજાણ્યાને આ કામ આપવું નહીં. જો એવી ભૂલ કરી તો તારું નામ બહાર આવશે.’

‘વિશ્વાસુ એટલે...’

‘એ જે તારા માટે અગાઉ આ પ્રકારનાં ખોટાં કામ કરી ચૂક્યો હોય અને એ કર્યા પછી જેણે મોઢું બંધ રાખ્યું હોય.’ ગુરુજીએ વાત પૂરતાં કહ્યું, ‘વંદે શાસ્ત્રમ્...’

lll

ભાઈ ઠાકોરજી.

જો એ એક વાર મળી જાય તો કામ એકઝાટકે પૂરું થઈ જાય, પણ ઠાકોરજી ગુમ ક્યાં થઈ ગયા? વર્ષો સુધી મુંબઈમાં રહી સેન્ટ્રલ લાઇન પર પોતાની દાદાગીરી ચલાવનારા ઠાકોરજીએ પોતાનું એ કામ તો વર્ષો પહેલાં મૂકી દીધું હતું, જેની આકાશને પણ ખબર હતી. વર્ષો પહેલાં આ જ ભાઈ ઠાકોરજીને એક પ્રૉપર્ટી ખાલી કરાવવાનું કામ આકાશ મહેતાએ સોંપ્યું હતું. ભાઈ ઠાકોરજીએ કામ કરી આપ્યું અને પછી નક્કી થયેલી રકમ પાછી આપતાં આકાશ મહેતાને કહ્યું હતું, ‘આ વખતે મને રોકડા નથી જોઈતા.’

આકાશની આંખો સહેજ ખેંચાઈ હતી. તેને મનમાં શંકા જાગી હતી કે ઠાકોરજી હવે અનઑફિશ્યલ પાર્ટનરશિપ માગશે અને કાં તો ફ્લૅટ કે શોરૂમ માગશે, પણ ઠાકોરજીએ સાવ જુદી જ ડિમાન્ડ મૂકી હતી.

‘મારો એક ભાઈબંધ છે, તેને જૉબ પર રાખવાનો છે.’ ઠાકોરજીના અવાજમાં નમ્રતા હતી, જે અગાઉ ક્યારેય આકાશે જોઈ નહોતી, ‘માણસ સીધો છે, તેનો કોઈ ક્રાઇમ-રેકૉર્ડ નથી. ભલો અને ભોળો છે.

પટાવાળા તરીકે પણ ઑફિસમાં રાખશો તો મને ગમશે.’

‘અરે, એમાં કહેવાનું થોડું હોય?’

‘કહેવું પડે. જો શરત હોય તો.’ ઠાકોરજીએ ચોખવટ કરી, ‘તેને નોકરી પર રાખીને તમે તેના પર ઉપકાર નથી કરતા. તેની જે ટૅલન્ટ લાગે એ મુજબ જ સૅલેરી આપજો પણ બસ, એક ખાતરી જોઈએ છે. તમે તેને ક્યારેય જૉબ પરથી કાઢશો નહીં.’

‘પ્રૉમિસ ભાઈ...’

જ્યાં હજારો માણસો કામ કરતા હોય ત્યાં એક માણસ શું ભારે પડવાનો અને એમાં પણ ખાસ તો ત્યારે જ્યારે જૉબ પર રખાવનારો ભાઈ ઠાકોરજી પોતે કહે છે કે તેની લાયકાત મુજબ સૅલેરી આપજો.

બીજા દિવસે વલ્લભ મળવા ગયો અને આકાશ મહેતાએ તેને જૉબ પર રાખી લીધો. વલ્લભનો સ્વભાવ જ એવો હતો કે આકાશ મહેતાને ક્યારેય તે ભારે લાગ્યો જ નહીં. દર પગારે તે પેંડા લઈ આવે અને પહેલો પેંડો આકાશ મહેતાને જ ખવડાવે.

‘શેઠ, તમારી લક્ષ્મીનો જ પ્રસાદ છે. લેવો પડે...’

એક વાર, એક વાર ઠાકોરજી મળી જાય તો કામ આસાન થઈ જાય.

આકાશ મહેતાની અકળામણ વધી અને તેણે બેલ મારી વલ્લભને બોલાવ્યો.

lll

‘બોલોને શેઠ...’

‘ઠાકોરજીના જૂના માણસોમાંથી કોઈ તારા

કૉન્ટૅક્ટમાં છે?’

‘ના રે... વર્ષોથી બધા ક્યાંય ખોવાઈ ગયા.’ વલ્લભે ભોળાભાવે કહ્યું, ‘શેઠ, તમે ખોટી ચિંતા કરો છો. તમે જોજો, ઉપરવાળો ઠાકોરજી પાકા પાયે નીચેવાળા ઠાકોરજીને મોકલશે. જરાક ધરપત રાખો.’

‘એ જ તો નથી વલ્લભ.’ આકાશની અકળામણ ચહેરા પર આવી ગઈ, ‘આપણો એકેક દિવસ કરોડોનો છે. ઠાકોરજી વિના કામ થશે નહીં અને કામ નહીં થાય તો વલ્લભ, પહેલી વાર એવું બનશે કે મારે મુંબઈ છોડવું પડશે.’

‘શુભ-શુભ બોલો શેઠ, એવું તો મારો ઠાકોરજી કોઈ દિવસ ન કરાવે.’ વલ્લભે આશ્વાસન આપતાં કહ્યું, ‘આજે છેને હું મારા ઠાકોરજીને કહીશ, એ કાંયકને કાંયક રસ્તો કાઢશે. તમે ચિંતા નહીં કરો.’

lll

ચેમ્બરમાંથી વલ્લભ બહાર તો આવી ગયો પણ હવે તેનો જીવ ભાઈ ઠાકોરજી અને આકાશ મહેતામાં અટવાયો હતો. ઑલમોસ્ટ એક દશકથી તે આકાશ મહેતા સાથે હતો. આકાશ મહેતાને તેણે ક્યારેય આ પ્રકારે અપસેટ થયેલા જોયા નહોતા. ઉંમરમાં નાનો એવો આકાશનો ચહેરો મુરઝાયેલો હોય એવું પણ વલ્લભને યાદ નહોતું આવતું, પણ આજે તેણે પહેલી વાર એ ચહેરા પર એવી મૂંઝવણ જોઈ હતી જેમાં અકળામણ પણ ભારોભાર હતી.

‘ઠાકોરજી, કંઈક કરો. ભાઈને મોકલો ઠાકોરજી. નહીં તો શેઠનું કામ નહીં થાય.’

lll

‘ઠાકોરજી કંઈક કરો. ભાઈને મોકલો ઠાકોરજી... નહીં તો શેઠનું કામ નહીં થાય.’

રાતે ઘરે જઈને ઠાકોરજીને પ્રસાદ ધરતી વખતે પણ વલ્લભના હોઠ પર આ જ શબ્દો હતા.

‘શેઠ બહુ સારા માણસ છે. તેની પાસે બીજું કોઈ ન હોય તો જ તે ઠાકોરજીને યાદ કરે.’ વલ્લભે ઠાકોરજીની મૂર્તિ સામે જોયું, ‘જોવો ઠાકોરજી, તમે અગાઉ પણ મારાં કામ કર્યાં છે. આ કામને મારું કામ માનીને જ તમારે કરવાનું છે. આ કામ પાક્કેપાક્કું મારું છે, નહીં કરો તો પછી હું છેને, હું છેને...’

વલ્લભને શબ્દો મળતા નહોતા એટલે તેણે પોતાના મનમાં જે ભાવ પ્રગટ થયો એ જ વ્યક્ત કરી દીધો.

‘નહીં તો પછી હું છુંને... હું કિટ્ટા કરી દઈશ.’ કિટ્ટાની સ્ટાઇલ કરતાં વલ્લભે મૂર્તિની આંખોમાં જોયું, ‘પછી હું ક્યારેય બૂચા નહીં કરું હોં... તમે મનાવવા રૂબરૂ આવશો તોયે હું તો કિટ્ટા જ રહીશ.’

કડડડ...

આકાશમાંથી આવેલા અવાજે વલ્લભનું ધ્યાન બારી તરફ ખેંચ્યું.

આકાશમાં વીજળીના કડાકાઓ શરૂ થયા હતા.

‘ઠાકોરજી, આ ચાલુ થતા ઉનાળામાં પણ તમે વરસાદ દેવાના મૂડમાં ક્યાંથી આવી ગયા? જરાક નાના માણસોનું તો વિચારો, ખેડૂતોનું વિચારો. એ બિચારાને તો મનમાં પણ નહીં હોય કે તમે મેઘરાજા મોકલશો.’ ગૅલરીમાં સુકાતાં કપડાં લેતાં વલ્લભનો બબડાટ ચાલુ હતો, ‘એ હેરાન થાય એવું શું કામ કરવાનું? હવે તો ઋતુચક્રને એના સાચા રૂપમાં મૂકી દો એટલે જગતને રાહત થાય.’

જાણે કે વલ્લભની વાત સાંભળી હોય એમ આકાશમાં થતા વીજળીના કડાકાઓ બંધ થયા અને ગગનમાં ગોરંભાયેલાં વાદળો વિખેરાવા માંડ્યાં. થોડી જ ક્ષણોમાં આકાશ ફરી તારાઓથી ઝગમગવા માંડ્યું.

lll

અચ્યુતમ કેશવમ રામ નારાયણમ,

કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ્

રિંગટોનમાં ગોઠવાયેલા પદથી વલ્લભની આંખો ખૂલી. વલ્લભે મોબાઇલ સ્ક્રીન પર જોયું. સ્ક્રીન પર કોઈનું નામ નહોતું અને તૂટેલી સ્ક્રીનને લીધે જે લખ્યું હતું એ વાંચવામાં પણ વલ્લભને તકલીફ પડતી હતી. જોકે શેઠનું નામ નહોતું એટલે વલ્લભને હૈયે જરા ટાઢક થઈ હતી.

‘શું છે વાલીડા...’

સામેથી સંભળાયેલા અવાજમાં વહાલ હતું અને એ વહાલમાં સંબંધોની હૂંફ પણ હતી. અવાજ સાંભળી વલ્લભની આંખો સહેજ પહોળી થઈ ગઈ હતી.

‘ઊંઘમાંથી જગાડ્યોને?’

‘ઠાકોરજી, તમે...’ વલ્લભ પથારીમાં બેઠો થઈ ગયો, ‘તમે છો ક્યાં, હું કેટલા દિવસથી તમને યાદ કરું છું. તમારો કંઈ અત્તો-પત્તો નહીં, મારે તમને ગોતવા ક્યાં?’

‘શોધવાનો શું કામ, જો આવી ગયો તારી સામે...’ ઠાકોરજીના અવાજમાં મીઠાશ હતી, ‘બોલ, બોલ. શું ચાલે છે? બ્યાવ-સાવ કર્યા કે કોની? ટાબર-ટીંગર હૈ કે કોની?’

‘ના.’ વલ્લભે તરત જવાબ આપ્યો અને ચોખવટ પણ કરી, ‘આટલું જ મારવાડી સમજાય છે એટલે હવે વધારે નહીં બોલતા.’

સામેથી ઠાકોરજીનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો.

‘તમે છો ક્યાં ઠાકોરજી?’ વલ્લભ મૂળ વાત પર આવ્યો, ‘તમે મને જેને ત્યાં નોકરીએ રખાવ્યો એ બિલ્ડર છેને, આકાશશેઠ તેને તમારું કંઈક કામ છે.’

‘તું હજી ત્યાં જ નોકરી કરે છે?’

‘હાસ્તો, તમે રખાવ્યો તો પછી વફાદારી પણ તમારી રાખવાની હોયને.’ વલ્લભે ગર્વ સાથે કહ્યું, ‘હવે મને જલદી કહો, તમે છો ક્યાં. મારે તમને શેઠ પાસે લઈ જવાના છે. શેઠ બિચારા બહુ મૂંઝાયેલા છે. ઠાકોરજી, તેને તમારી જરૂર છે.’

‘મુંબઈ આવ્યો અને આવીને સીધો તને ફોન કર્યો.’ ઠાકોરજીએ કહ્યું, ‘રહેવાનું હજી ત્યાં જ કે પછી...’

‘ઘાટકોપર છોડી દીધું, હવે બોરીવલીમાં રહું છું. પોર્ટર રોડ બે નંબર. બગીચાની એકદમ સામે...’ વલ્લભે પૂછી લીધું, ‘તમે ક્યાં છો?’

‘બોરીવલી સ્ટેશન.’

‘હાયલા, તો-તો આપણે બેય સાવ પાસે-પાસે છીએ.’

‘વાલીડા, એનું નામ તો આત્મીયતા.’

‘હવે તમે ત્યાં સ્ટેશને જ રહો.’ વલ્લભ ઊભો થઈ ગયો, ‘હું તમને લેવા આવું છું. એવું હોય તો

આપણે અત્યારે જ શેઠને મળવા

જતા રહીએ.’

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah