ધ ઘોસ્ટ ઍડ્રેસ બોરીવલી ૪૦૦ ૦૬૬: આવ્યા છો તો રોકાજો (પ્રકરણ ૧)

11 May, 2026 11:26 AM IST  |  Mumbai | Rashmin Shah

વાર્તાનું આખું પ્રકરણ વાંચો અહીં

ઇલસ્ટ્રેશન

બોરીવલીની એ સાંજ આમ તો સામાન્ય સાંજ જેવી જ હતી. કાર્ટર રોડ પર સાંજની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. સ્ટેશન સાથે કનેક્ટ કરતા મેઇન રોડ પર ટ્રાફિક વધી ગયો હતો. સોસાયટીમાંથી બૈરાંઓ શાક લેવા માટે બહાર આવી ગયાં હતાં તો સ્ટેશન પાસે મળતાં ગરમાગરમ વડાપાંઉની સુગંધ રસ્તાને તરબતર કરતી હતી. ફુટપાથ પર ઑલમોસ્ટ દુકાનદારોએ કબજો કરી લીધો હતો તો રસ્તાની કૉર્નર પર ઇમિટેશન વેચવાવાળાઓનો કબજો હતો. રોજનું આ દૃશ્ય હતું, એને કોઈ દિવસ કે વાર સાથે કોઈ નિસબત નહોતી. જોકે શિવાંજલિ અપાર્ટમેન્ટના સાતમા માળે રહેતી હેલીના ફ્લૅટનું વાતાવરણ રોજ કરતાં આજે જુદું હતું.

મીઠીબાઈ કૉલેજમાં ભણતી હેલી ફ્લૅટ-નંબર ૭૦૨ની પોતાની રૂમનો દરવાજો બંધ કરીને બેઠી હતી. હેલી સાથે તેના ફ્રેન્ડ્સ હતા. રેગ્યુલરલી બધા મળતા એટલે મમ્મી ભાવનાબહેન કે પપ્પા પરેશભાઈને એમાં કશું નવીન નહોતું લાગ્યું.

હેલી સ્વભાવે શાંત અને ભણવામાં હોશિયાર, પણ તેની એક ખાસિયત મમ્મી-પપ્પા કે તેના ભાઈ આદિત્યને ખબર નહોતી. હેલીને ભૂતપ્રેત અને એની રહસ્યમય વાતોમાં બહુ રસ પડતો. હૉરર ફિલ્મો જોવાનો તેનો શોખ આમ તો જગજાહેર હતો. નાનપણથી હૉરર મૂવી જોતી હેલી ધીમે-ધીમે એ પ્રકારની નૉવેલ અને રિયલ સ્ટોરી વાંચતી થઈ ગઈ. આ બધી હરકતો બધાની સામે હતી, પણ અંગત રીતે હેલી ક્યારે હૉરર શોધતી થઈ ગઈ એ ન તો ક્યારેય પપ્પાને ખબર પડી કે ન તો મમ્મી સુધી એ વાત પહોંચી. જોકે આજે... આજે પહેલી વાર ઘરના સૌની સામે એ વાત આવવાની હતી, એ પણ સાવ અનાયાસ.

lll

‘હેલી, સાંજ થઈ ગઈ, દીવાબત્તી કરી લે...’

કિચનમાંથી મમ્મીનો અવાજ આવ્યો અને રૂમમાંથી હેલીએ પ્રત્યુત્તર આપ્યો...

‘હા મમ્મી, પાંચ મિનિટ!’

હેલીએ જવાબ આપ્યો, પણ તેનું ધ્યાન રિયા અને આકાશ પર હતું. રિયા અને આકાશ હેલી સાથે ફર્સ્ટ યરમાં જ હતાં. રિયાનું બ્રેકઅપ થયું હતું અને બ્રેકઅપના સૉલ્યુશન માટે જ તે હેલી પાસે આવી હતી તો આકાશ તો બસ એમ જ હેલી કેવી રીતે સૉલ્યુશન આપે છે એ જોવા આવ્યો હતો.

‘તમે લોકો આ કરો છો શું?’

‘તને નહીં સમજાય...’ હેલીએ પેપર પાથરતાં આકાશની સામે જોયું, ‘તું બસ બધું જોયા કર...’

હેલીએ જમીન પર એક પેપર પાથર્યો હતો, જેના પર આખી ABCD લખી હતી તો કાગળના નીચેના ભાગમાં બરાબર મધ્યમાં ઊંધો સ્ટીલનો ગ્લાસ હતો. આ ગ્લાસની ડાબી અને જમણી બાજુએ ઇંગ્લિશમાં યસ અને નો લખ્યા હતા. પેપરની બાજુમાં બે અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી.

‘આ ઓઇજા બોર્ડ છે...’ હેલીએ રિયાની સામે જોયું, ‘આ જે ગ્લાસ છે, સ્પિરિટ એમાં આવશે...’

‘સ્પિરિટ... મીન્સ ભૂત?’

‘હા...’ આકાશને જવાબ આપીને હેલીએ ફરી રિયા સામે જોયું, ‘સ્પિરિટ બધા જવાબો સાચા આપે અને એ હેલ્પ કરવાના હોય તો પણ જવાબ આપીને કહી દે. તારે ફરીથી પૅચઅપ કરવું છેને?’

રિયાએ હા પાડી કે તરત હેલીએ પેપરની મધ્યમાં રાખેલા સ્ટીલના ઊંધા ગ્લાસના તળિયા પર જમણા હાથની પહેલી આંગળી મૂકી.

‘આપણે પહેલાં એને બોલાવવો પડશે...’ આંખ બંધ કરતાં પહેલાં હેલીએ કહ્યું, ‘નાઓ કીપ ક્વાએટ...’

‘હેલી, તું શ્યૉર છેને કે આ બધું સેફ છે?

આકાશના અવાજમાં સહેજ ડર હતો. જોકે હેલીના ફેસ પર આત્મવિશ્વાસ હતો.

‘એકદમ... તું જરા પણ ટેન્શન ન કર...’

‘રિયા...’ આકાશે રિયા સામે જોયું, ‘ભૂત-બૂત જેવું કંઈ ન હોય. એ બધું સાઇકોલૉજિકલ હોય છે. આપણે આવું કંઈ નથી કરવું.’

‘સાચે જ સ્પિરિટ હોય છે... તું જોજે. એ હશે તો આ ગ્લાસ ફેરવશે.’

‘ના, આપણા સબકૉન્શ્યસ માઇન્ડથી એવું લાગે.... બાકી મારા ડૅડી કહે છે કે આવું કંઈ ન હોય...’ આકાશે રિયાનો હાથ પકડ્યો, ‘તારું પૅચઅપ હું કરાવી દઈશ. તું માન મારી વાત, આપણે આવું કંઈ નથી કરવું... પ્લીઝ...’

‘આકાશ, કીપ ક્વાએટ...’

આકાશે હેલી સામે જોયું. હેલીના હોઠ ફફડતા હતા. હેલીના જમણા હાથમાં અગરબત્તી હતી જે તે સ્ટીલના ગ્લાસને આપતી હતી. હેલીના ચહેરાનાં એક્સપ્રેશન એકદમ સ્થિર હતા.

અગરબત્તીનો ધૂપ આપીને હેલીએ ગ્લાસ પર આંગળી મૂકી અને આંખો બંધ કરી.

રૂમમાં AC ચાલુ હોવા છતાં ગજબનાક ગૂંગળામણ અનુભવાતી હતી.

હેલીએ ધીમેથી આહ્‌વાન આપવાનું શરૂ કર્યું...

‘જો અહીં કોઈ આત્મા હોય તો અમને હિન્ટ આપો.’

થોડી ક્ષણો સન્નાટો રહ્યો. કોઈ ચહલપહલ નહીં.

આકાશે નજર ઊંચી કરીને આજુબાજુમાં જોઈ લીધું તો રિયાની આંખો હેલી પર મંડાયેલી રહી અને હેલીની નજર ગ્લાસ પર.

‘આપ જો અહીં હો, મને સાંભળતા હો તો મને હિન્ટ આપો જેથી અમને ખબર પડે કે તમે અહીં છો...’ હેલીની આંગળી સહેજ મૂવ થઈ કે હેલીના ફેસ પર ખુશી પ્રસરી ગઈ, ‘અહીં જો કોઈ હોય તો તે અમને સંકેત આપે... પ્લીઝ, આપ આવો. અમે તમારી રાહ જોઈએ છીએ...’

સ્ટીલનો ગ્લાસ સહેજ મૂવ થયો અને ફરી અટકી ગયો.

હેલીએ તરત આંખો બંધ કરીને મનોમન મંત્રોચ્ચાર શરૂ કર્યો અને પછી તેણે ફરી આંખો ખોલીને ગ્લાસ પર ત્રાટક કર્યું.

‘જો અહીં કોઈ હોય તો અમને હિન્ટ આપે... અમને તમારી હાજરીની ખાતરી કરાવો...’ હેલીનો અવાજ સહેજ ભારે થઈ ગયો હતો, ‘આપ આવો, અમે આપની રાહ જોઈએ છીએ.. આપ કોઈ પણ રીતે અમને હિન્ટ આપો...’

અચાનક રૂમમાં રહેલું AC જાતે જ બંધ થઈ ગયું અને પંખો જે બંધ હતો એ એકઝાટકે પાંચની સ્પીડ પર ફરવા માંડ્યો. હેલીની આંગળી પર પરસેવો વળવા લાગ્યો અને અચાનક ગ્લાસ ધ્રૂજવા માંડ્યો. રિયા અને આકાશ હેબતાઈ ગયાં હતાં. બન્નેની નજર હેલી અને હેલીની આંગળી જે ગ્લાસ પર હતી એના પર સ્થિર થઈ ગઈ.

પેપર પર રહેલો ગ્લાસ ધીમે-ધીમે યસ લખેલા અક્ષર તરફ સરક્યો. હેલીની આંખોની કીકીઓ ઉપર તરફ ચડી ગઈ હતી. હવામાં ઊડતા તેના વાળને કારણે હેલીના ચહેરા પર રૌદ્ર રૂપ ઝળકવા માંડ્યું હતું.

‘હેલી... હેલી... તારી આંગળી હટાવ!’

આકાશે ઑલમોસ્ટ બૂમ પાડી, પણ હેલીની આંગળી ગ્લાસ સાથે એવી રીતે ચોંટી ગઈ હતી જાણે કોઈએ ફેવિકૉલથી ચોંટાડી હોય. હેલીએ આંગળી ઊંચી કરી એની સાથે ગ્લાસ હવામાં ત્રણથી ૪ ઇંચ જેટલો અધ્ધર થયો અને પછી જમીન પર પછડાયો.

સ્ટીલનો હોવા છતાં ગ્લાસ કાચની જેમ ટુકડા થઈ ગયો, જેનો અવાજ પણ ધારણા કરતાં ખાસ્સો મોટો હતો...

lll

ખણણણ...

બહાર કિચનમાં કામ કરતાં ભાવનાબહેનના હાથ અચાનક અટકી ગયા. તેમને લાગ્યું કે કોઈએ તેમના કાનમાં જોરથી ફૂંક મારી છે. તેમણે ઝાટકા સાથે બાજુમાં જોયું, પણ તેમની ધારણા ખોટી નીકળી. બાજુમાં કોઈ નહોતું.

‘સાંભળો છો... જુઓ તો હેલીની રૂમમાંથી શેનો અવાજ આવ્યો?’

‘અરે ભાવના, ગ્લાસ-બ્લાસ ફોડ્યો હશે...’

‘જઈને જુઓ તો ખરા...’ મમ્મીના શબ્દોમાં આવી ગયેલું ઇરિટેશન પરેશભાઈ અનુભવી શક્યા હતા, ‘નીચે કંઈ લેવા મોકલું તો પણ વાંધો, રૂમમાં જવાનું હોય તોય તકલીફ...’

પરેશભાઈ મોબાઇલ મૂકીને ઊભા થયા અને હેલીની રૂમ તરફ ગયા. જોકે તે જેવા રૂમની નજીક પહોંચ્યા કે અંદરથી આવતી ગંધે તેમને ચોંકાવી દીધા. એ ગંધ કોઈ વસ્તુ બળતી હોય એવી નહોતી પણ કોઈ શબ સડતું હોય એવી હતી.

પરેશભાઈએ રૂમનો દરવાજો ખોલ્યો. રૂમની લાઇટ લબક-ઝબક થતી હતી. હેલી જમીન પર બેઠી હતી. રિયા અને આકાશ ખૂણામાં ઊભાં હતાં. હેલીએ માથું ઊંચું કર્યું. તેના ચહેરા પર એક અજીબ હાસ્ય હતું. તેણે પપ્પા સામે જોયું અને જે બોલી એ સાંભળીને પરેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ.

‘Vete de aqu! l ha venido por ti.’

હેલી સ્પૅનિશમાં બોલી હતી. હેલી ક્યારેય સ્પૅનિશ શીખી નહોતી. તેના અવાજની પિચ બદલાઈ ગઈ હતી. ૨૦ વર્ષની છોકરી નહીં પણ કોઈ વૃદ્ધા બોલતી હોય એવું લાગતું હતું. પપ્પાએ હેલી સામે જોયું અને પછી તરત રિયા અને આકાશ સામે જોયું. રિયા અને આકાશ રીતસર ધ્રૂજતાં હતાં.

પપ્પા કંઈ કહે એ પહેલાં હેલી જમીન પર પેટભેર સૂઈ ગઈ અને સાપની જેમ સરકતી આગળ વધી.

‘દી...’

અંદરના વાતાવરણથી બેખબર એવો આદિત્ય દોડતો રૂમમાં ઘૂસી આવ્યો કે બીજી જ ક્ષણે પેટભેર સરકતી હેલીએ આદિત્યનો પગ પકડી લીધો. આદિત્ય કંઈ સમજે, પપ્પા કંઈ કરે એ પહેલાં જ હેલીના દાંત આદિત્યના પગ પર ખૂંપી ગયા અને એમાંથી લોહીની ધાર વહેવા માંડી.

પપ્પાએ મહામહેનતે આદિત્યને હેલીની પકડમાંથી છોડાવ્યો. પપ્પા જ્યારે આ કામમાં હતા ત્યારે રિયા અને આકાશ ઘર છોડીને નીકળી ગયાં હતાં તો રાડારાડી-ચીસાચીસી સાંભળતાં કિચન પડતું મૂકીને ભાવનાબહેન પણ રૂમમાં આવી ગયાં હતાં. તેમના માટે અત્યારનું આ દૃશ્ય કોઈ હૉરર ફિલ્મથી સહેજ પણ ઓછું ઊતરતું નહોતું.

lll

‘હવે શું કરીશું ભાવુ?’

ભાવનાબહેનની આંખોમાં આંસુ હતાં. તેમની નજર હેલી પર હતી. હેલી બેડ પર સૂતી હતી. પપ્પાએ મહામહેનતે તેને બેડ પર સુવડાવી હતી. પથારી પર રહેલી હેલી હજી પણ કંઈક બડબડ કરતી હતી. જે ભાષામાં તેનું બકબક ચાલતું હતું એ પપ્પા કે મમ્મીને સમજાતું નહોતું.

‘ડૉક્ટરને બોલાવું ભાવુ... આ હેલીને... હેલીને કંઈક થઈ ગયું લાગે છે.’

‘કંઈ નથી થયું...’ મંદિર તરફ આગળ વધતાં ભાવનાબહેન બોલ્યાં, ‘ઊભા રહો... હમણાં સરખું થઈ જશે.’

મમ્મીએ મંદિરના નીચેના ખાનામાંથી ગંગાજળની બૉટલ હાથમાં લીધી અને પછી તેઓ મનોમન ભગવાનનું નામ લેતાં હેલી પાસે આવ્યાં. બૉટલમાંથી થોડું ગંગાજળ તેમણે હાથમાં લીધું અને હેલી પર છાંટ્યું. જેવાં પાણીનાં ટીપાં હેલીની ચામડી પર પડ્યાં ત્યાંથી ધુમાડો નીકળવા લાગ્યો, જાણે પાણી નહીં પણ તેજાબ છાંટ્યો હોય!

હીહીહી...

હેલીએ મમ્મીની સામે જોઈને દાંતિયાં કર્યાં અને ભાવનાબહેન ડરીને બે ડગલાં પાછળ ખસી ગયાં.

lll

રાતના બે વાગી ગયા હતા પણ ઘરમાં મમ્મી-પપ્પા સૂતાં નહોતાં. આદિત્યને પાડોશીને ત્યાં મોકલી દેવામાં આવ્યો હતો અને હેલી હવે શાંત હતી, પણ તેનું શરીર બરફ જેવું ઠંડું પડી ગયું હતું. બે વખત પપ્પાએ ટેમ્પરેચર ચેક કર્યું, પણ થર્મોમીટર તાપમાન બતાવતું નહોતું. આવું ત્યારે જ બને જ્યારે માણસના શરીરમાં જીવ ન હોય અને હેલી આંખ સામે આંખ હલાવતી, વિચિત્ર હરકતો કરતી હતી પણ થર્મોમીટર શરીરનું તાપમાન દેખાડવામાં નિષ્ફળ હતું.

ખરરર...

અચાનક બહાર ડાઇનિંગ રૂમમાંથી ફર્નિચર ખસવાનો અવાજ આવ્યો.

ઉતાવળા પગલે પરેશભાઈ બહાર આવ્યા અને તેમણે જોયું કે ડાઇનિંગ ટેબલની છએ છ ખુરસી આપોઆપ હવામાં ગોળ-ગોળ ફરતી હતી.

‘કોણ છે?’

પપ્પાએ હિંમત ભેગી કરીને જોરથી પૂછ્યું અને જવાબમાં તેમના ગાલ પર જોરદાર લાફો પડ્યો. તેમના ગાલ પર આંગળીઓનાં પાંચ નિશાન ઊપસી આવ્યાં. મમ્મી દોડીને આવ્યાં. તેમણે જે જોયું એ વધુ ભયાનક હતું. ડાઇનિંગ ટેબલ પર રહેલી ફ્રૂટ્સની બાસ્કેટમાંથી એક પછી એક સફરજન હવામાં ઊછળીને દીવાલ પર એવી રીતે અથડાતાં હતાં જાણે કોઈ પૂરા જોરથી ફેંકી રહ્યું હોય.

એ જ વખતે રૂમમાંથી હેલીની ચીસ સંભળાઈ.

‘મમ્મી...’

(ક્રમશ:)

columnists Rashmin Shah gujarati community news gujaratis of mumbai exclusive gujarati mid day