12 May, 2026 11:11 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘શું થાય છે બેટા...’
બહારનું ભયાવહ દૃશ્ય જોઈને રૂમમાં આવેલી મમ્મીએ હેલીના માથા પર હાથ ફેરવ્યો. હેલીના ચહેરાના હાવભાવ પરથી તે સમજી ગયાં હતાં કે હેલી અત્યારે તેની દીકરીના રૂપમાં જ છે.
‘બેટા, કંઈક તો બોલ... જો હું અહીં છું... તને કંઈ નહીં થાય બેટા...’
હેલી એક જ દિશામાં જોયા કરતી હતી. હવે તેની આંખોમાંથી આંસુ નીકળવાનાં શરૂ થયાં. આંખમાંથી નીકળતાં એ આંસુ લોહીનાં હતાં!
‘મમ્મી જો, તે કબાટની પાછળ છે... તે... તે... મને લઈ જશે!’ હેલીએ ખૂણામાં રહેલા કબાટ તરફ આંગળી ચીંધી, ‘તે હવે મને લઈ જશે...’
રૂમમાં આવી ગયેલા પપ્પાએ હિંમત કરીને કબાટ ખોલ્યું. અંદર હેલીનાં કપડાં સિવાય કંઈ નહોતું.
‘અહીં કોઈ નથી બેટા... તું જો...’
‘ત્યાં જ છે... હવે નીચે છે...’
પપ્પાએ કબાટના સૌથી નીચેના ખાનામાં જોયું. નીચેના ખાનામાં એક જૂની ફોટોફ્રેમ હતી જેમાં હેલીના દાદા હતા. વર્ષો પહેલાં જ્યારે એ લોકો જામનગરમાં રહેતા ત્યારે આ ફોટો લાખોટા તળાવ પાસે પાડ્યો હતો. ફોટો હાથમાં લઈને પપ્પા હેલી પાસે આવ્યા.
‘બેટા, આ તો દાદા છે...’
પરેશભાઈની નજર હજી એ ફોટો પર જ હતી અને અચાનક દાદાની પાછળ ઊભેલી વ્યક્તિ પર તેમનું ધ્યાન ગયું. ફોટોમાં કોઈ અજાણ્યો ફૉરેનર આવી ગયો હતો. તે ધોળિયાએ ધીમેકથી ગરદન ફેરવી અને ફોટોની અંદરથી જ પરેશભાઈ સામે જોઈને હસવા લાગ્યો. પરેશભાઈ ધ્રૂજી ગયા. ડરના માર્યા તેમણે ગભરાઈને ફોટો નીચે ફેંકી દીધો અને ફોટો જમીન પર પડતાંની સાથે જ સળગવા માંડ્યો. આશ્ચર્યની વાત એ હતી કે ફોટો આખો સલામત હતો. ફોટોમાં માત્ર તે માણસનો ચહેરો જ બળ્યો, બાકીનો કાગળ અકબંધ રહ્યો.
આ એ જ માણસ હતો જેના આત્માને હેલીએ અજાણતાં આમંત્રણ આપ્યું હતું.
lll
આખું ઘર અત્યારે ભગવાન ભરોસે હતું. મમ્મીએ હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કર્યું, પણ જેમ-જેમ શ્લોક બોલતાં એમ હેલીનું શરીર હવામાં અધ્ધર થવા લાગતું.
હેલીએ પપ્પા તરફ જોયું. પપ્પા એકધારું તેને જોતા હતા. હેલીના હોઠ હલતા નહોતા, પણ તેના ગળામાંથી અવાજ આવ્યો...
‘તમે મને બોલાવ્યો... હવે હું અહીં રહીશ.’ અચાનક ખડખડાટ હસવાનો અવાજ આવ્યો, ‘અહીં બોરીવલી, પિન-કોડ ૪૦૦ ૦૬૬...’
હસવાનો અવાજ વધારે ઘટ્ટ થયો અને અચાનક ઘરની સફેદ દીવાલો પર લાલ રંગ ઊપસવા લાગ્યો. એ રંગ નહીં પણ તાજું લોહી હતું જે દીવાલોમાંથી ઝરતું હતું. લોહીનાં ટીપાં ભેગાં થઈને દીવાલ પર મોટા અક્ષરે લખાઈ ગયું:
‘કાલે રાત્રે ૩.૩૩ વાગ્યે, પહેલી વ્યક્તિને હું લઈ જઈશ...’
lll
‘તમે કરો કંઈક... જલદી...’
આવી સિચુએશનમાં માણસ શું કરે?
પરેશ મહેતાને કંઈ સૂઝતું નહોતું. તેમણે મોબાઇલ હાથમાં લીધો કે બીજી જ ક્ષણે મોબાઇલની સ્ક્રીન પર હેલીનો વિકૃત ચહેરો આવી ગયો. પરેશભાઈ ધ્રૂજી ગયા.
‘બોલાવી લે જેને બોલાવવા હોય તેને... એક અહીંથી જશે એ નક્કી...’
lll
‘પણ ઝાલંય કાય તે તર સાંગા...’
આ વખતે ઇન્સ્પેક્ટર કાંબલેનો અવાજ જરા મોટો થઈ ગયો હતો અને એમાં રોફ પણ ઉમેરાયો હતો. પપ્પાએ બોરીવલી પોલીસ-સ્ટેશને ફોન કર્યો હતો અને એકધારું એક જ વાત કહેતા હતા...
‘પ્લીઝ સાહેબ, તમે અમારે ત્યાં આવો. મારી દીકરીનો જીવ જોખમમાં છે.’ પરેશભાઈનાં આંસુ તેમના શબ્દોમાં સ્પષ્ટ રીતે વર્તાતાં હતાં, ‘પ્લીઝ સાહેબ, મારી દીકરીને બચાવો... તમે આવો...’
‘પણ ઝાલંય કાય તે તર સાંગા...’ ઇન્સ્પેક્ટર કાંબલેએ બીજી વખત કહ્યું, ‘કંઈક વિગતવાર વાત કરશો, પ્લીઝ...’
‘અમારા ઘરમાં કોઈ છે... તમે આવો તો જ હું તમને સમજાવી શકીશ...’ પપ્પાએ કહ્યું, ‘તમે પ્લીઝ આવો...’
lll
‘અમારા ઘરમાં કોઈ છે...’
આ એક વાક્યની સાથે જ ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ કાંબલે પોતાની ચૅર પરથી ઊભા થઈ ગયા હતા અને શિવાંજલિ અપાર્ટમેન્ટ જવા માટે નીકળી ગયા હતા. જોકે ત્યાં પહોંચ્યા પછી તેમની આંખોમાં અચરજ પથરાઈ ગયું હતું. આખું ઘર વેરણછેરણ હતું અને ઘરમાંથી માંસ બળવાની વાસ આવતી હતી.
‘તમે... આજની એકવીસમી સદીમાં આવી વાત કરો છો. તમને શરમ નથી આવતી?’ ઇન્સ્પેક્ટર કાંબલેના અવાજમાં ગુસ્સો હતો, ‘મુંબઈમાં રહીને તમે અંધશ્રદ્ધામાં માનો છો? હદ છે...’
‘સર, મેં તમને બધી વાત તો કરી...’ પરેશભાઈએ સમજાવવાનો ફરી પ્રયાસ કર્યો, ‘હેલી ક્યારેય આવું નથી કરતી. અરે, એ બધું છોડો, હેલી ક્યારેય તેના ભાઈ પર હાથ પણ નથી ઉપાડતી... એને બદલે આજે તેણે... તમારે જોવું છે આદિત્યને તેણે કેવું બચકું ભર્યું એ. બોલાવું મારા દીકરાને?’
‘તમે ખોટું બોલો છો એવું હું નથી કહેતો, પણ તમે સમજો છો એ ખોટું છે.’ કાંબલે સહેજ શાંત પડ્યા, ‘તમારી દીકરીને કાં તો કોઈ મેન્ટલ શૉક લાગ્યો છે અને કાં તો આ કોઈ હિસ્ટીરિયાનો કેસ છે.’
‘તો આ દીવાલ પરનું લોહી, આ લખાણ...’
‘એ કોઈએ મજાક કરી હશે...’
‘સાહેબ, મેં મારી સગી આંખે જોયું છે!’ ભાવનાબહેન રડતાં-રડતાં બોલ્યાં, ‘અમે ખોટું નથી બોલતાં... તમે જ જઈને જુઓ, આવો...’
ભાવનાબહેન ઊભા થયાં એટલે ઇન્સ્પેક્ટર કાંબલે પણ કમને ઊભા થયા.
lll
હેલી બેડ પર સૂતી હતી, અત્યંત શાંત. તેના ગળા પર હજી પણ નખના ઉઝરડા સ્પષ્ટ દેખાતા હતા. કાંબલેએ ડાયરી કાઢી અને કૉન્સ્ટેબલ શિંદે સામે જોયું.
‘પંચનામું શરૂ કર... બારીઓ ચેક કર, ક્યાંથી કોઈ અંદર આવી શકે એમ છે?’
કાંબલેના કહેવાથી શિંદેએ બધું ચેક કરવાનું શરૂ કર્યું અને અચાનક જ રૂમનું ટેમ્પરેચર એટલું ઘટી ગયું કે દરેકના મોઢામાંથી ધુમાડો નીકળવા લાગ્યો. કાંબલેએ તેમની ડાયરીમાં આ વાત નોંધવાનો પ્રયત્ન કર્યો, પણ પેન ચાલી નહીં. તેમણે બીજી પેન કાઢી, પણ એય જૅમ થઈ ગઈ અને એ જ વખતે અચાનક હેલીએ આંખો ખોલી. તેની આંખના ડોળા આખેઆખા સફેદ થઈ ગયા હતા, જેને લીધે આંખો આખી વાઇટ દેખાતી હતી.
હેલી બેડ પર ઊભી થઈ, પણ તેના પગ બેડને સ્પર્શ નહોતા કરતા. તે હવામાં ૩ ફુટ ઉપર હતી. કાંબલેના હાથમાંથી ડાયરી છૂટી ગઈ.
ઠકઠકઠક...
કાંબલેએ અવાજની દિશામાં જોયું. રૂમના કબાટના દરવાજા કોઈ અદૃશ્ય શક્તિ જોર-જોરથી અથડાવતું હતું. કાંબલેએ પોતાની સર્વિસ રિવૉલ્વર કાઢી, પણ રિવૉલ્વરનું લોખંડ એટલું ગરમ થઈ ગયું કે તેમણે એને નીચે ફેંકવી પડી. કાંબલે કંઈ કહે કે કરે એ પહેલાં શિંદેના ચહેરા પર કચકચાવતી થપ્પડ આવી.
‘સાહેબ... આ શું છે?’
કૉન્સ્ટેબલ શિંદેનો અવાજ ફાટી ગયો.
‘બહાર નીકળો! જલદી...’
કાંબલેએ ઑર્ડર કર્યો. જેવો શિંદે દરવાજા તરફ ગયો, દરવાજો આપોઆપ લૉક થઈ ગયો અને બીજી જ સેકન્ડે લાકડાના એ દરવાજા પર બહારથી કોઈએ જોરથી પ્રહાર કર્યો. પ્રહાર એટલો શક્તિશાળી હતો કે દરવાજામાં નખનાં ઊંડાં નિશાન પડી ગયાં, જાણે કોઈ મહાકાય પંજાવાળું પ્રાણી બહાર ઊભું હોય.
lll
હૉલમાં આવ્યા પછી કાંબલેનો પરસેવો છૂટી ગયો હતો. રૂમમાંથી બહાર આવવામાં તેમને વીસેક મિનિટ લાગી હતી. આ સમયમાં શિંદેએ ઓછામાં ઓછા ચારેક લાફા ખાધા હતા. શિંદેના તો બન્ને હાથ ગાલ પર ઢાલ બનીને ગોઠવાઈ ગયા હતા. જે કાંબલે ગુનેગારોથી ક્યારેય નહોતો ડર્યો તે આજે એક ખાલી રૂમથી ડરતો હતો. તેમણે વાયરલેસ પર મેસેજ કરવાનો પ્રયત્ન કર્યો, પણ માત્ર કર્કશ અવાજો જ આવતા હતા.
‘હવે ટેન્શન કરવાની જરૂર નથી...’ કાંબલેએ આશ્વાસન આપતાં કહ્યું, ‘હવે બધું રૂમમાં છે... આપણે...’
કાંબલે આગળ બોલે એ પહેલાં જ રસોડામાંથી વાસણો પડવાનો અવાજ આવ્યો. જાણે કે આત્મા કહેતો હોય કે એ અત્ર-તત્ર-સર્વત્ર છે.
કાંબલે દોડતા કિચનમાં ગયા તો જોયું કે ગૅસનાં ચારેય બર્નર આપોઆપ ચાલુ થઈ ગયાં હતાં અને એની જ્વાળાઓ છત સુધી પહોંચતી હતી.
‘આ ઘર ખાલી કરવું પડશે કાંબલેસાહેબ.’ કૉન્સ્ટેબલ શિંદેએ કહ્યું, ‘આપણે બધા અહીંથી નીકળી જઈએ...’
‘ના, હજી તપાસ પૂરી નથી થઈ.’ કાંબલેના અવાજમાં મક્કમતા હતી, ‘મારે જોવું છે કે આ ૩.૩૩ની થિયરી શું છે....’
ઇન્સ્પેક્ટર કાંબલેની નજર એ દીવાલ પર હતી જે દીવાલ પર લોહીથી લખાણ ઊપસી આવ્યું હતું.
‘સર, આ જે હોય એ... આપણે અહીંથી જઈએ...’ શિંદેના ચહેરા પર ગભરાટ હતો, ‘જો ખતરનાક ભૂત હોય તો જ એ દિવસ દરમ્યાન એનો પરચો દેખાડે. બાકી બીજાં બધાં ભૂત રાતે જ જાગતાં હોય છે, પણ આ... ’
અચાનક જ એકદમ ઘેરો અવાજ આવ્યો...
‘વિઠ્ઠલ, તૂ વિસરલાસ કા?’
કાંબલે સ્તબ્ધ થઈ ગયા.
આ એ જ વાક્ય હતું જે ૧૦ દિવસ પહેલાં એન્કાઉન્ટર દરમ્યાન મરનારા ગુનેગારે જીવ છોડતાં પહેલાં કહ્યું હતું.
તો શું આ શક્તિ તેનો ભૂતકાળ પણ જાણે છે?
અચાનક ઇન્સ્પેક્ટર કાંબલેને અનુભવ થયો કે કોઈએ તેમની વર્દીનો કૉલર પકડ્યો છે. કાંબલે કંઈ કહે કે કરે એ પહેલાં તેમને હવામાં અધ્ધર કરીને બાલ્કનીની રેલિંગની બહાર ફેંકવાનો પ્રયત્ન થયો. પરેશ મહેતા અને શિંદેએ દોડીને ઇન્સ્પેક્ટરના પગ પકડી લીધા. હવામાં કોઈ જ નહોતું છતાં કાંબલેસાહેબ હવામાં લટકી રહ્યા હતા!
‘સાહેબ...’
શિંદેને બૂમ પાડવી હતી, પણ તેના ગળામાંથી અવાજ નહોતો નીકળતો. તેણે અને પરેશ મહેતાએ ઇન્સ્પેક્ટર કાંબલેના પગ પકડી રાખ્યા હતા અને કાંબલે બાલ્કની તરફ ખેંચતા હતા. કાંબલેના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ હતી. તે પોતાની જાતને છોડાવવાનો પ્રયાસ કરતા હતા, પણ હવામાં પકડાયેલો તેમનો કૉલર કોઈએ મજબૂતી સાથે પકડી રાખ્યો હતો. અચાનક એ પકડ છૂટી અને અને કાંબલે જમીન પર પટકાયા.
lll
રાતના ૩ વાગવાની તૈયારી હતી. આખું ઘર સન્નાટામાં હતું. હેલી તેની રૂમમાં હજી પણ બેભાન હતી. કાંબલેએ નક્કી કર્યું હતું કે રાતના ૩.૩૩ના ટાઇમ સુધી તે ત્યાં જ રોકાશે. શિંદેએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો, પણ માચીસની દરેક સળી આપોઆપ ઓલાઈ જતી હતી.
૩.૨૫ વાગ્યા.
ઘરની લાઇટો એકસાથે ચાલુ-બંધ થવા લાગી. ટીવી જાતે જ ચાલુ થઈ ગયું અને એમાં માત્ર સફેદ-કાળાં ટપકાં દેખાતાં હતાં અને અચાનક ટીવીમાંથી એક કરડાકીભર્યો અવાજ આવ્યો...
‘સમય પૂરો થયો.’
અવાજ પછી બીજી જ સેકન્ડે ફ્લૅટમાં જાણે વીજળી પડી હોય એવો મોટો અવાજ થયો. હેલીની રૂમનો દરવાજો ઝાટકા સાથે ખૂલી ગયો અને હેલી બહાર આવી. કોઈ કશું સમજે એ પહેલાં તે સીધી કિચનમાં ગઈ અને પછી ક્ષણવારમાં હાથમાં એક ધારદાર છરી સાથે ફરી બહાર આવી.
‘હેલી, બેટા... હેલી...’
મમ્મી-પપ્પા હેલીને બોલાવતાં રહ્યાં, પણ હેલીની નજર તેના નાના ભાઈ આદિત્ય પર હતી અને તે ધીમે-ધીમે આદિત્ય તરફ આગળ વધતી હતી.
હેલીને રોકવા કાંબલે રીતસર દોડ્યા, પણ જેવો તેમણે હેલીનો હાથ પકડ્યો, હેલીનો ચહેરો અચાનક બદલાઈને ઇન્સ્પેક્ટર કાંબલેની પોતાની મૃત મા જેવો થઈ ગયો. કાંબલે ક્ષણભર માટે થંભી ગયા અને એ જ ક્ષણે હેલીએ છરી હવામાં ઉછાળી, પણ આશ્ચર્યની વાત એ હતી કે છરી આદિત્યને ન વાગી પણ હવામાં ઊલટી ફરીને પરેશભાઈ તરફ ગઈ.
છરી પરેશભાઈના ખભાને ચીરીને પાછળની દીવાલમાં ઘૂસી ગઈ, પણ લોહી પરેશભાઈના ખભામાંથી નહીં પણ દીવાલ પર રહેલી હેલીની ફ્રેમવાળી તસવીરમાંથી નીકળવા લાગ્યું! તસવીરમાં રહેલી હેલીની આંખોમાંથી અસલી લોહી વહેવા લાગ્યું અને આખા હૉલમાં એક જોરદાર ચીસ ગુંજી ઊઠી જે કોઈ મનુષ્યની નહોતી.
કાંબલેએ જોયું કે ૩.૩૩ વાગ્યે કોઈનું મોત નહોતું થયું, પણ હેલીના આત્માનો એક અંશ હંમેશ માટે છીનવાઈ ગયો હતો. દીવાલ પર ફરીથી નવા અક્ષરો ઊપસ્યા : ‘આ તો માત્ર ટ્રેલર હતું, અસલી ખેલ હવે શિવાંજલિ બિલ્ડિંગની છત પર રમાશે.’
(ક્રમશ:)