ધ ઘોસ્ટ ઍડ્રેસ બોરીવલી ૪૦૦ ૦૬૬: આવ્યા છો તો રોકાજો (પ્રકરણ 3)

13 May, 2026 03:25 PM IST  |  Mumbai | Rashmin Shah

વાર્તાનું આખું પ્રકરણ વાંચો અહીં

ઇલસ્ટ્રેશન

‘આ તો માત્ર ટ્રેલર હતું. અસલી ખેલ હવે શિવાંજલિ બિલ્ડિંગની છત પર રમાશે.’
શિવાંજલિ અપાર્ટમેન્ટના ફ્લૅટ-નંબર ૭૦૨માં ૩.૩૩ વાગ્યાનો એ ભયાનક સમય પસાર થઈ ગયો હતો, પણ સન્નાટો એવો હતો કે જાણે સમય પોતે થીજી ગયો હોય. દીવાલ પર લોહીથી લખાયેલું વાક્ય વાંચીને ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ કાંબલેના હોશ ઊડી ગયા હતા, જેમાં ઉમેરો ત્યારે થવા માંડ્યો જ્યારે દીવાલ પરના લખાણની બાજુમાં રહેલી હેલીની તસવીરની આંખોમાંથી લોહીનાં આંસુ નીકળવા માંડ્યાં હતાં.

કૉન્સ્ટેબલ શિંદેના હાથમાં રહેલી ગન ધ્રૂજવા માંડી હતી તો જે ઇન્સ્પેક્ટર કાંબલેએ મુંબઈના અન્ડરવર્લ્ડ સામે આંખ મીંચ્યા વગર ગોળીઓ ચલાવી હતી તે આજે એક અદૃશ્ય શક્તિ સામે લાચાર હતા.

‘સાહેબ... આપણે અહીંથી નીકળવું પડશે. આ... આ... એમ કાબૂમાં નહીં આવે.’ શિંદેએ ફાટેલા અવાજે કહ્યું, ‘જીવ બચાવવો હોય તો નીકળો અહીંથી...’

‘શિંદે, હેલીને આ હાલતમાં મૂકીને નહીં જવાય.’ કાંબલેએ પપ્પાની સામે જોયું, ‘પરેશભાઈ, તમારાં વાઇફને કહો કે હેલીનો હાથ પકડી લે. આપણે જઈએ છીએ.’

lll
આખો પરિવાર અને પોલીસની ટીમ લિફ્ટ પાસે પહોંચી.

લિફ્ટનું બટન દબાવતાં જાણે કોઈ જૂની સાંકળ ખેંચાતી હોય એવો સાવ જુદા જ પ્રકારનો અવાજ આવ્યો અને લિફ્ટ સાતમા માળે આવીને ઊભી રહી. દરવાજો ખૂલ્યો ત્યારે અંદર કોઈ નહોતું, પણ અંદરની લાઇટ લાલ રંગની હતી.

‘આ લાઇટને શું થયું...’ 

રેગ્યુલર લિફ્ટનો વપરાશ કરતાં મમ્મી-પપ્પાના ફેસ પર મૂંઝવણ પ્રસરી ગઈ. બન્ને એકબીજા સામે જોતાં રહ્યાં અને એ જ વખતે તેમના કાન પર અવાજ પડ્યો...
‘મમ્મી...’

બન્નેએ અવાજની દિશામાં જોયું.

પગથિયાં પર આદિત્ય ઊભો હતો. આદિત્યને પાડોશીને ત્યાં નવમા માળે મોકલી દેવામાં આવ્યો હતો, જે ઉપરથી નીચે ઊતરીને આવ્યો હતો.

‘મને ત્યાં ઊંઘ નથી આવતી...’

મમ્મી-પપ્પા કંઈ કહે કે વિચારે એ પહેલાં જ કાંબલેએ ઑર્ડર આપ્યો...

‘ફાસ્ટ, ચાલો બધા અહીંથી નીકળીએ.’ કાંબલેએ પોતે જ આદિત્યનો હાથ પકડી લીધો, ‘આપણે જલદી અહીંથી નીકળીએ...’

આખી ફૅમિલી અને કાંબલે-શિંદે લિફ્ટમાં દાખલ થયાં.

‘ગ્રાઉન્ડ ફ્લોર દબાવો, શિંદે!’

શિંદેએ ‘૦’નું બટન દબાવ્યું અને લિફ્ટને ઝાટકો લાગ્યો, પણ લિફ્ટ નીચે જવાને બદલે આંચકા સાથે ઉપર તરફ ભાગવા લાગી. લિફ્ટની સ્પીડ એટલી વધી ગઈ હતી કે અંદર રહેલી દરેક વ્યક્તિને નવાઈ લાગી હતી. લિફ્ટનો અવાજ પણ વધી ગયો હતો. લિફ્ટના ડિસ્પ્લે પર આંકડા ઝડપથી બદલાવા માંડ્યા હતા.

૮, ૯, ૧૦... 

૧૨, ૧૩, ૧૪... 

અને પછી સીધું ‘R’.

‘સાહેબ, મેં તો ઝીરો દબાવ્યો હતો!’ 

કાંબલે શિંદેને જવાબ આપે એ પહેલાં ઝાટકા સાથે લિફ્ટ ઊભી રહી અને લિફ્ટના દરવાજા ખૂલી ગયા. બહાર ટેરેસ પર અંધકાર સિવાય કંઈ નહોતું. જેવો બધાએ બહાર પગ મૂક્યો કે પીઠ પાછળ રહેલી લિફ્ટના દરવાજા જોરથી બંધ થયા અને લિફ્ટ સીધી નીચે જતી રહી. 

ટેરેસ પરથી દૂર-દૂરની લાઇટો દેખાતી હતી, પણ આસપાસ એટલું કાળમ‌ીંઢ અંધારું હતું કે બાજુમાં ઊભેલી વ્યક્તિનો ચહેરો દેખાતો નહોતો. વાતાવરણમાં સન્નાટો હતો જેને તોડવાનું કામ હેલીએ કર્યું. 

હાહાહા...

આગળ આવીને હેલી ખડખડાટ હસી અને પછી અચાનક ટટ્ટાર થઈ.

હવે હેલી સહેજ ટર્ન થઈ અને તેણે ઇન્સ્પેક્ટર કાંબલે સામે જોયું. 

‘વિઠ્ઠલ, તૂ વિસરલાસ કા? દહા વર્ષાં પૂર્વી ત્યા એન્કાઉન્ટર મધ્યે તૂ માઝ્યા ભાવાલા મારલા હોતસ. હે સર્વ ત્યાચાચ બદલા આહે!’ 

કાંબલેસાહેબ સ્તબ્ધ થઈ ગયા. તેને યાદ આવ્યું કે દશકા પહેલાં બોરીવલીના નૅશનલ પાર્ક પાસે તેણે સ્પૅનિશ ડ્રગમાફિયાના શાર્પ શૂટરનું એન્કાઉન્ટર કર્યું હતું. એ સમયે પેલાના અંતિમ શબ્દો હતા : હું પાછો આવીશ... તને જીવતો નહીં મૂકું...

‘શિંદે, સમજાય છે તને...’ ઇન્સ્પેક્ટર કાંબલેની આંખો હજી પણ હેલી પર હતી, ‘આ સ્પૅનિશ માણસ અને પેલા ગુનેગાર વચ્ચે સંબંધ છે...’

કાંબલે સમજી ગયા હતા કે આ માત્ર પૅરાનૉર્મલ કેસ નહોતો, આ જૂના બદલાની આગ હતી જે હેલીના માધ્યમથી કાંબલે સુધી પહોંચી હતી.

‘તું જે હો એ... બસ, તું આ છોકરીને મૂકી દે...’

કાંબલે હેલી તરફ આગળ વધ્યા અને એ જ સમયે અચાનક ભાવનાબહેનની ચીસ સંભળાઈ.

‘આદિત્ય... આદિત્ય ક્યાં ગયો?’

પરેશભાઈ અને કાંબલેએ આસપાસ જોયું. આદિત્યનો હાથ મમ્મીએ પકડ્યો હતો, પણ હવે તે અચાનક દેખાતો બંધ થઈ ગયો હતો. બધાના ચહેરા પર ટેન્શન પથરાયું અને એ ટેન્શન વચ્ચે જ દૂરથી અવાજ આવ્યો...

‘મમ્મી, મને છોડાવ...’

અવાજ આદ‌િત્યનો હતો. ફૅમિલી અને કાંબલે-શિંદેની આંખોએ અવાજની દિશામાં જોયું કે ત્યાં જ હેલીનું અટ્ટહાસ્ય હવામાં ગુંજી ઊઠ્યું.

‘હાહાહા...’ હસતાં-હસતાં જ હેલીએ કહ્યું, ‘તમારો બલિદાનનો સમય શરૂ થાય છે... હવે જુઓ ત્યાં...’ 

હેલીએ ટેરેસની રેલિંગ તરફ ઇશારો કર્યો અને બધાએ એ દિશામાં જોયું.

રેલિંગ પર આદિત્ય હતો અને તે હવામાં લટકતો હતો.

જાણે કોઈએ તેને પગથી પકડ્યો હોય.

‘સાહેબ, કંઈ પણ કરો... મારો દીકરો, તેને... તેને બચાવો.’

મમ્મી-પપ્પા લગભગ એકસાથે જ ચિલ્લાયાં અને ઇન્સ્પેક્ટર કાંબલેએ ગન કાઢી. ગન કાઢવાનું કારણ તેને પણ સમજાતું નહોતું, પણ પોલીસ વિભાગ સાથેની લાંબા અરસાની નોકરી વચ્ચે તેની આ પ્રતિક્રિયા સહજ હતી.

‘હેલી, હવે હદ થાય છે...’ હેલી સામે ગન ધરીને કાંબલેએ કડક અવાજમાં કહ્યું, ‘આદિત્યને છોડ...’

‘ગનમાં ગોળી છે?’

હેલી ફરી ખડખડાટ હસી અને કાંબલેએ ‌ટ્રિગર પર આંગળીનું દબાણ મૂક્યું કે તરત ગનમાંથી ગોળીને બદલે લાલ રંગનું પાણી નીકળ્યું.

ખડખડાટ હસતી હેલી ધીમે-ધીમે આદિત્ય તરફ આગળ વધી.

‘તને જોઈએ છે શું એ બોલ!’ કાંબલેએ ક્રોધમાં બૂમ પાડી, ‘શું કામ આ માસૂમ બાળકોને હેરાન કરે છે?’

જવાબમાં ટેરેસની બધી લાઇટો ફૂટી ગઈ. અંધકારમાં માત્ર હેલીની લાલ આંખો ચમકતી હતી.

‘તારો જીવ... તારો જીવ જોઈએ છે કાંબલે...’

‘લઈ લે... પણ આ લોકોને છોડી દે.’

‘ના, આ લોકોને પણ સાથે લઈ જઈશ...’ હેલીએ રાડ પાડી, ‘તું જાતને સુરક્ષ‌િત રાખે છે એટલે પહેલાં આ લોકો જશે...’

જાતને સુરક્ષિત!

અચાનક કાંબલેને યાદ આવ્યું કે તેના ખિસ્સામાં ભભૂત‌િ ભરેલી એક નાનકડી પોટલી છે, જે તેને સાથે રાખવા માટે નાશિ‌કના એક સાધુએ આપી હતી.

ઓહ, તો એ ભભૂતિ હેલીને રોકે છે.

કાંબલેએ તરત ખિસ્સામાંથી એ ભભૂતિની પોટલી કાઢી, એને ખોલીને એ ભભૂતિ હથેળીમાં લઈને હવામાં ફેંકી. જેવી રાખ હવામાં ફેલાઈ, વાતાવરણમાં થોડું ધુમ્મસ ઓછું થયું. જોકે એ પછી જે જોયું એ વધુ ભયાનક હતું. 

ટેરેસ પર આદિત્ય એકલો નહોતો. તેની પાસે એક સ્પૅનિશ આધેડ ઊભો હતો જેણે આદિત્યના પગ પકડ્યા હતા. કાંબલેએ હેલી સામે જોયું. હેલી હવે એકદમ શાંત લાગતી હતી. કાંબલે સમજી ગયા કે હેલીમાંથી જ પેલો આત્મા બહાર આવ્યો છે.

‘તે છોકરાને છોડી દે...’

‘તારી વર્દી ઉતારી નાખ...’ જવાબ પેલા સ્પૅનિશે આપ્યો, પણ તેના ગળામાંથી અવાજ હેલીનો આવતો હતો, ‘માન મારી વાત, તો હું આ છોકરાને છોડીશ...’

ઇન્સ્પેક્ટર કાંબલે ધર્મસંકટમાં હતા.

એક તરફ તેમની બે દશકની કારકિર્દી અને ખાખીનું માન હતું, તો બીજી બાજુ એક માસૂમ બાળકનો જીવ. 

‘પ્લીઝ સાહેબ... અમારા છોકરાઓ...’

પરેશભાઈ અને ભાવનાબહેન ઇન્સ્પેક્ટરના પગમાં પડી ગયાં. 

‘અમારા છોકરાઓને બચાવો, પ્લીઝ સાહેબ...’

‘ઓકે...’ સ્પૅનિશ સામે જોઈને કાંબલેએ પોતાની કૅપ ઉતારી, ‘હોલ્ડ...’

ટેરેસ પર પવન તેજ થયો. કાંબલેએ વર્દીનાં બટન ખોલવાનું શરૂ કર્યું. જેમ-જેમ એક-એક બટન ખૂલતું ગયું તેમ-તેમ આદિત્ય નીચે ખેંચાતો ગયો. શર્ટ આખું કાઢીને કાંબલેએ ટેરેસ પર ફેંકી દીધું. રાતના અંધકારમાં ઇન્સ્પેક્ટર કાંબલેની કાળી ત્વચા ઝગારા મારતી હતી.

‘હવે છોડી દે તેને...’

‘ના...’ સ્પૅનિશ આધેડે જવાબ આપ્યો, ‘હજી તારું પૅન્ટ બાકી છે... એ ઉતાર.’

કાંબલે પાસે કોઈ છૂટકો નહોતો. તેણે પહેલાં ભાવનાબહેન સામે જોયું...

‘પ્લીઝ, તમે અવળા ફરી જાઓ...’

ભાવનાબહેનની આંખોમાં આંસુ હતાં. પોતાના દીકરાને બચાવવા સોસાયટીનો રક્ષક એવો પોલીસ-ઇન્સ્પેક્ટર આમ, ઑલમોસ્ટ જાહેરમાં કહેવાય એવી રીતે નિ:વસ્ત્ર થતો હતો અને ત્યાં હાજર હતા તેઓ કોઈ કશું કરી શકતા નહોતા.

‘એય... શિંદે.’ સ્પૅનિશ બુઢ્ઢાએ કૉન્સ્ટેબલને સૂચના આપી, ‘ખિસ્સામાંથી લાઇટર કાઢીને તારા આ સાહેબનું શર્ટ સળગાવી નાખ...’

શિંદેએ કાંબલેની સામે જોયું અને આંખના ઇશારે સૂચના માનવાની હા પાડી.

‘પણ સાહેબ...’ શિંદે આવનારા સમયની કલ્પના કરી શકતો હતો, ‘પછી તમે અહીંથી નાગડાપૂગડા...’

‘અત્યારે તે કહે એટલું કર શિંદે...’

અને શિંદેએ કાંબલેની વર્દીના શર્ટ પર લાઇટર મૂકી દીધું.

ભડભડ બળતા શર્ટના પ્રકાશમાં સ્પૅનિશ આધેડનો ચહેરો દેખાતો હતો. સ્પૅનિશ આધેડ ખતરનાક લાગતો હતો. સળગતી વર્દીએ તેને ખુશી આપી હતી, જે તેની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી.
અટ્ટહાસ્ય સાથે તેણે ફરી કાંબલે સામે જોયું.

‘કાંબલે, પૅન્ટ...’

કાંબલેએ પૅન્ટનું બટન ખોલ્યું અને ખૂલતી જતી ઝિપની ચરરાટીનો અવાજ રાતના એ શાંત વાતાવરણમાં બધાને સ્પષ્ટ સંભળાયો હતો.

‘બેટા, ઘૂમ જા...’

એકધારું તેની તરફ જોતી હેલી તરફ કાંબલેએ જોયું અને હેલી પણ તેની વાત માનતાં અવળી ફરી. જોકે તે અવળી ફરતી હતી ત્યારે એક ક્ષણ માટે કાંબલેને લાગ્યું કે તેનામાં ફરી માસૂમિયત પાછી આવી રહી છે. હેલીએ સહેજ ઇશારો કર્યો, પાણીની ટાંકી તરફ. કાંબલે સમજી ગયા. આ આત્માનું કેન્દ્ર ટેરેસ પરની એ પાણીની ટાંકી છે. આ એ જ પાણીની ટાંકી હતી જ્યાં ૧૦ વર્ષ પહેલાં આ સ્પૅનિશ આધેડના સાગરીત એવા મરાઠી ગુંડાએ પોતાનાં હથિયારો છુપાવ્યાં હતાં.

કાંબલેએ અચાનક વર્દી ઉતારવાને બદલે દોડીને પાણીની ટાંકીમાં પોતાની ગન ફેંકી અને જોરથી બૂમ પાડી, ‘સાંગા, મલા આતા કાય કરાયચં આહે!’ (બોલો, હવે મારે શું કરવાનું છે!)
ટાંકીમાં ધડાકો થયો.

લોહી જેવું પાણી ઊછળ્યું.

હેલી હવામાં ફંગોળાઈ અને આદિત્ય રેલિંગ પરથી સુરક્ષિત રીતે અંદર પડ્યો. જોકે ખેલ હજી પૂરો નહોતો થયો. ટાંકીમાંથી એક વિશાળ કાળો પડછાયો બહાર નીકળ્યો જેણે આખા બિલ્ડિંગને ઘેરી લીધું.

(ક્રમશ:)

columnists Rashmin Shah gujarati mid day exclusive gujarati community news