વાર્તાનું આખું પ્રકરણ વાંચો અહીં
ઇલસ્ટ્રેશન
બોરીવલીના શિવાંજલિ બિલ્ડિંગની અગાસી પર રાતનો અંધકાર હવે લોહીના રંગમાં રંગાઈ રહ્યો હતો. વાતાવરણમાં એક વિચિત્ર સન્નાટો હતો જે માત્ર એ સ્પૅનિશ આત્માના અટ્ટહાસ્યથી તૂટતો હતો. ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ કાંબલે જે અત્યાર સુધી પોતાની શક્તિ અને વર્દીના રોફમાં હતા તે હવે અગાસી પરની લોહીની નદી વચ્ચે લાચાર ઊભા હતા. તેમના ગળા પરના પંજાનાં નિશાન હવે કાળાં પડી ગયાં હતાં.
હેલીની આંખના ડોળા ફરી એક વાર સફેદ થઈ ગયા હતા. તે હવામાં ૩ ફુટ ઉપર લટકતી હતી. તેના મોઢામાંથી નીકળતો અવાજ કોઈ ૨૦ વર્ષની છોકરીનો નહીં પણ સદીઓ જૂના કોઈ તાંત્રિકનો હતો.
‘વિઠ્ઠલ, તૂ વિસરલાસ કા?’ હેલીનો અવાજ કાંબલેના કાનમાં ધગધગતા સીસાની જેમ રેડાતો હતો, ‘તું ભૂલ્યો પણ હું તને નહીં ભૂલવા દઉં... ક્યારેય નહીં.’
‘તને શું જોઈએ છે?’ કાંબલે હેલીની દિશામાં આગળ વધ્યા, ‘તને જે જોઈએ એ આપવા તૈયાર છું, તું આ છોકરીને છોડી દે...’
હવામાં અટ્ટહાસ્ય ગુંજી ઊઠ્યું.
‘મળે એને છોડવાનું નહીં...’ હોઠ હેલીના ફફડતા હતા પણ અવાજ કોઈ આધેડનો હતો, ‘હું નહીં જઉં અહીંથી... તમને લોકોને લઈને જઈશ. પહેલાં તારો વારો...’
હેલીએ કાંબલે તરફ હાથ કર્યો. જાણે કે હાથમાંથી પાવર છૂટ્યો હોય એમ અચાનક જોરદાર પ્રહાર થયો અને ઇન્સ્પેક્ટર કાંબલે ટેરેસની પાણીની ટાંકી સાથે જઈને અથડાયા. શિંદે અને પરેશ મહેતા તેમને બચાવવા દોડ્યા, પણ હવામાં રહેલી અદૃશ્ય શક્તિએ તેમને પણ દૂર ફેંકી દીધા.
‘હેલી... બેટા... આવું ન કર!’
રડતાં-રડતાં ભાવનાબહેન ઘૂંટણભેર બેસી ગયાં. તેમને કંઈ સમજાતું નહોતું કે થોડી જ વારમાં આખો માહોલ કેમ બદલાઈ ગયો. સાંજ સુધી તો ઘરમાં શાંતિ હતી અને અચાનક, સાવ એકાએક હેલીનો રંગ બદલાઈ ગયો હતો.
‘સાહેબ, હનુમાન ચાલીસા...’ શિંદેએ કાંબલેને ઊભા કરતાં કહ્યું, ‘કહે છેને ભૂત-પિશાચ નિકટ નવ આવે...’
‘હા, પણ આ પિશાચ સાલ્લો સ્પૅનિશ છે...’ કાંબલેની વાતમાં વાજબી તર્ક હતો, ‘આને કાઢવા માટે એના રસ્તે જ ચાલવું પડશે.’
કાંબલે ફરીથી આગળ વધ્યા અને હેલી પાસે પહોંચ્યા.
હેલી હજી પણ હવામાં હતી, એવી રીતે જાણે કે તે હવામાં તરતી હોય.
‘હું તને સરેન્ડર થવા તૈયાર છું... પછી શું કામ તું જવા નથી માગતો?’
‘મારી મરજી...’
‘નહીં ચાલે તારી મરજી... તારી વાત માનીએ પછી તારે જવું જોઈએ.’ અનાયાસ જ કાંબલેના બે હાથ હેલી સામે જોડાઈ ગયા, ‘આ નાની બચ્ચી છે, નિર્દોષ છે.’
‘તેણે જ મને બોલાવ્યો... ઇન્વાઇટ કર્યો...’ આધેડ અવાજે એવી રીતે પ્રશ્ન કર્યો જાણે કે તે હેલીને પૂછતો હોય, ‘બરાબરને?’
સટાક...
હેલીએ પોતાના જ ગાલ પર થપ્પડ મારી.
‘મારી ભૂલ... મને જવા દો.’
‘જવું છે તારે?’
અચાનક હેલી ૪ ફુટ ઉપરથી નીચે ટેરેસની ફર્શ પર ફંગોળાઈ અને ધડામ કરતી જમીન પર પડી.
મમ્મી-પપ્પા બન્ને તેના તરફ દોડ્યાં, પણ તેઓ કંઈ કરે એ પહેલાં જ ફરી પેલા આત્માએ હેલીને પગથી પકડીને જોરથી જમીન પર ઢસડી.
‘જવું છે તારે?’
હવે હેલીમાં કોઈ આત્મા નહોતો, જે તેના જવાબ પરથી સ્પષ્ટ થતું હતું.
‘હા... મને પ્લીઝ છોડી દો...’ હેલીની આંખમાં આંસુ હતાં, ‘મારી ભૂલ થઈ ગઈ...’
‘એક શરતે...’
જવાબ હવામાંથી આવ્યો અને બીજી જ ક્ષણે ઝાટકા સાથે હેલી ઊભી થઈ ગઈ. પેલા સ્પૅનિશ આધેડે હેલીમાં ફરી પ્રવેશ કરી લીધો હતો. હવે તે હેલી મારફત બધા સાથે વાત કરવા માંડ્યો હતો.
‘એક શરતે તમને છોડું...’ હેલીએ રાડ પાડી, ‘જો જીવતા રહેવું હોય, જો આ છોકરી પાછી જોઈતી હોય તો આ ક્ષણે આ ઘર છોડીને જવું પડશે.’
‘અત્યારે... અત્યારે અમે ક્યાં જઈએ?’
પપ્પાથી અનાયાસ જ બોલી જવાયું, પણ જવાબ તરત મમ્મીએ વાળી લીધો...
‘ક્યાંય પણ જઈશું... ફુટપાથ પર રહીશું...’ મમ્મીએ હેલી સામે જોયું, ‘અમે... અમે તૈયાર છીએ. બધું... બધું તમારું. અમારે કંઈ નથી જોઈતું. બસ, મારી દીકરીને છોડી દો.’
‘માનશો નહીં તો...’
‘તો... તો બધાનો જીવ લઈ લેજો બસ.’ મમ્મીએ આદિત્યનો હાથ પકડ્યો, ‘અમે જઈએ છીએ. બસ, હવે હેલીને મૂકી દો.’
‘હું કહું ત્યાં જવાનું...’ હેલીમાં રહેલા આત્માએ હાથ લંબાવીને લિફ્ટ પાસેની દિશા તરફ ઇશારો કર્યો, ‘અહીં જવાનું છે...’
બધાની નજર એ દિશામાં ગઈ અને ટેરેસની સફેદ દીવાલ પર અચાનક લોહી ઝરવાનું શરૂ થયું. એ લોહીનાં ટીપાં દીવાલ પર તરત થીજી ગયાં અને દીવાલ પર એક નવું સરનામું લખાયું:
કાંદિવલી-પશ્ચિમ, ચારકોપ, ફ્લૅટ ૪૦૪. તમારું નવું ઍડ્રેસ...
‘શું કામ ત્યાં જવાનું?’
ઇન્સ્પેક્ટર કાંબલે સમજી ગયા હતા કે આ આત્મા તેમને મુક્ત નહોતો કરતો, પણ તેમને એક પાંજરામાંથી બીજા પાંજરામાં ધકેલતો હતો.
‘આ લોકોને હું મારા ઘરે લઈ જઈશ... ભૂલ મારી છે, મેં તારા સાથીનું એન્કાઉન્ટર કર્યુ... એની સજા આ લોકોને શું કામ...’
સટાક...
કાંબલેના ગાલ પર કચકચાવીને થપ્પડ પડી.
‘છોકરી પાછી જોઈએ છેને...’ હેલીમાંથી અવાજ આવ્યો, ‘કહું છું, ત્યાં જ જવાનું છે... જલદી જવાબ આપો...’
બીજા કોઈ જવાબ આપે એ પહેલાં ઇન્સ્પેક્ટર કાંબલેએ જ જવાબ આપી દીધો.
‘પરેશભાઈ, ભાવનાબેન... આપણે નીકળવું પડશે, અત્યારે જ!’
માત્ર બનિયન સાથે જ ઇન્સ્પેક્ટર કાંબલે લિફ્ટ તરફ આગળ વધ્યા કે તરત શિંદે આગળ આવ્યા...
‘સાહેબ, લિફ્ટ વાપરવી જોખમી છે... આ... આણે કોઈક રમત કરી હશે તો બધા મરીશું. આપણે દાદરથી ઊતરીશું.’
‘હા...’ કાંબલેએ બધાની સામે જોયું, ‘તમે લોકો દાદરા પાસે પહોંચો. હું સૌથી છેલ્લે આવીશ, હેલીને લઈને...’
પપ્પા-મમ્મીના પગ સહેજ અટક્યા કે તરત કાંબલેએ બાંયધરી આપી.
‘તમારી દીકરીને કંઈ નહીં થાય... મારી જવાબદારી.’
જેવા બધા દાદર તરફ વળ્યા કે બીજી જ સેકન્ડે બિલ્ડિંગની બધી જ બારીઓના કાચ એકસાથે ફૂટ્યા. કાચના ટુકડાઓ હવામાં તરવા લાગ્યા અને જાણે કોઈ પક્ષીઓની જેમ મહેતા પરિવારની આસપાસ મંડરાવા લાગ્યા.
lll
પરેશભાઈ ફ્લૅટ-નંબર ૭૦૨માં છેલ્લી વાર ગયા.
આખું ઘર વેરણછેરણ હતું. ઘરમાં જઈને તેમણે માત્ર ગાડીની ચાવી લીધી. ભાવનાબહેનને સોનાના દાગીના લેવાની લાલચ જાગી એટલે તેમણે કબાટ ખોલ્યું, પણ જેવા દાગીના હાથમાં લીધા કે બીજી જ સેકન્ડે એ દાગીના અતિશય ગરમ થઈ ગયા અને તે ખાલી હાથે જ નીચે ઊતરી ગયાં.
બધા સોસાયટીના ગેટની બહાર નીકળ્યા ત્યારે ઘડિયાળમાં ૩.૫૯ થઈ હતી.
હેલી અને ઇન્સ્પેક્ટર કાંબલે હજી પણ આવ્યાં નહોતાં.
આદિત્ય ઑલમોસ્ટ બેહોશ હતો અને શિંદેની નજર ૧૪ માળ ઊંચી ટેરેસ પર હતી. ટેરેસ પર આટલી ધમાલ થઈ એ પછી પણ આખી સોસાયટીમાંથી કોઈને એની ખબર સુધ્ધાં ન પડી હોય એવું લાગતું હતું. અરે, સિક્યૉરિટી ગાર્ડ પણ અધકચરી ઊંઘમાંથી જાગ્યો હોય એવું લાગ્યું હતું.
‘હેલી...’ મમ્મીનો જીવ તાળવે ચોંટેલો હતો, ‘તે હેમખેમ હશેને?’
‘હા બહેન, સાહેબ લઈને આવતા જ હશે...’
શિંદે આગળ કંઈ કહે એ પહેલાં જ તેમની નજર સામેથી ઑલમોસ્ટ ભાગતા આવતા કાંબલે પર પડી. કાંબલેએ હેલીને તેડી હતી. ૧૪ માળ ઊતરીને આવેલા કાંબલે હવે હાંફતા હતા. શિંદે દોડતો સામે ગયો અને તેણે હેલીને ઊંચકવામાં મદદ કરી. બન્નેએ હેલીને ગાડીમાં મૂકી.
હેલી બેભાન હોય એવું લાગતું હતું.
કાંબલે અને શિંદેએ તેને ગાડીમાં બેસાડી અને પરેશભાઈએ ગાડી કાંદિવલી તરફ દોડાવી. ગાડીના રિઅર-વ્યુ મિરરમાં પરેશભાઈએ જોયું તો પાછળની સીટ પર હેલીની બાજુમાં કોઈ આકૃતિ બેઠી હોય એવો ભાસ થયો, પણ જ્યારે પાછળ ફરીને જોયું તો હેલી એકલી જ હતી.
lll
કાંદિવલીના નવા ફ્લૅટમાં પહોંચતાં સવારના છ વાગી ગયા હતા.
મુંબઈની સવાર શાંત હતી, પણ મહેતા પરિવારના મનમાં તોફાન હતું. ભાવનાબહેને ગભરાતા હાથે નવા ઘરનો દરવાજો ખોલ્યો. ઘર ખુલ્લું જ હતું. અંદર બધું નવું હતું, પણ જેવી તેમની નજર હૉલના સેન્ટર ટેબલ પર પડી, તેમની ચીસ નીકળી ગઈ.
ટેબલ પર એ જ બળેલી ફોટોફ્રેમ હતી જે તે બોરીવલીના ઘરે મૂકીને આવ્યાં હતાં! ફોટોમાં રહેલા એ સ્પૅનિશ બુઢ્ઢાનો બળેલો ચહેરો જાણે ફરી જીવંત થતો હતો. કાંબલેએ પોતાની વર્દી પર જોયું તો જે પંજાનાં નિશાન તેના ગળા પર હતાં એ હવે તેની છાતી સુધી ફેલાઈ રહ્યાં હતાં.
‘ઇન્સ્પેક્ટર... આત્મા ઘર નથી છોડતો, એ શિકારની સાથે ચાલે છે,’ હેલીએ ઊંઘમાં જ સ્પૅનિશમાં બબડાટ કર્યો.
પરેશભાઈએ ધ્રૂજતા હાથે એ ફ્રેમ ઉપાડી. તેમને આશા હતી કે કદાચ આ કોઈ ભ્રમ હશે, પણ જેવી તેમણે ફ્રેમ સ્પર્શી તેમને કાચની નીચેથી કોઈના ધબકારા સંભળાયા. હા, એ નિર્જીવ ફ્રેમ જાણે શ્વાસ લઈ રહી હતી!
‘આ શક્ય જ નથી... આ ફ્રેમ તો આપણા બોરીવલીના કબાટમાં હતી.’
ભાવનાબહેન સોફા પર બેસી પડ્યાં. તેમની નજર રસોડા તરફ ગઈ. નવા ઘરના રસોડામાં હજી તો સામાન ગોઠવવાનો બાકી હતો, પણ અંદરથી કોઈ લોખંડની વસ્તુઓ પછાડતું હોય એવો અવાજ આવવા લાગ્યો. ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ કાંબલે, જે અત્યાર સુધી શાંતિથી બધું જોઈ રહ્યા હતા, તેમણે પોતાની રિવૉલ્વર કાઢી. જોકે તેમને ખબર હતી કે આ હથિયાર પેલી શક્તિ સામે નકામું છે, પણ વર્ષોની પોલીસ-ટ્રેઇનિંગ તેમને ચૂપ બેસવા દેતી નહોતી.
‘શિંદે, જરા ચેક કર તો...’
શિંદે જેવો રસોડા તરફ વધ્યો, અચાનક આખા ઘરની બધી જ લાઇટો એકસાથે ફૂટી ગઈ. અંધકાર એટલો ઘટ્ટ હતો કે પોતાની આંગળી પણ દેખાય નહીં. એ અંધકારમાં હેલીનો અવાજ ગુંજ્યો. આ વખતે તે રડતી હતી...
‘પપ્પા... મને બચાવો... તે મારું ગળું દબાવે છે!’
પરેશભાઈએ મોબાઇલની ટૉર્ચ ચાલુ કરી. જે પ્રકાશ પડ્યો એમાં તેમણે જે જોયું એ હૃદય ચીરી નાખે એવું હતું. હેલી હવામાં લટકતી હતી. આ વખતે કોઈ અદૃશ્ય પંજો નહીં પણ તેના પોતાના જ લાંબા વાળ તેના ગળાની આસપાસ વીંટળાઈ ગયા હતા.
કાંબલેએ હેલીને પકડવા માટે છલાંગ લગાવી, પણ હવામાં ઊડતા ફર્નિચરના એક ટુકડાએ તેમને રોકી દીધા. અચાનક ઘરની સફેદ સીલિંગ (છત) પરથી લોહી ટપકવા લાગ્યું. એ લોહી ટીપે-ટીપે જમીન પર પડતું હતું અને નીચે જમા થઈને એક આકૃતિ બનાવી રહ્યું હતું. એ આકૃતિ પેલા સ્પૅનિશ તાંત્રિકની હતી.
અચાનક વાતાવરણમાં ઘડિયાળનો અવાજ ઉમેરાયો.
ટક... ટક... ટક...
કાંબલેએ જોયું તો તેના હાથ પર રહેલી ઘડિયાળના કાંટા ઊલટા ફરવા લાગ્યા હતા. સમય પાછળ જતો હતો. જે સવાર થતી હતી એ ફરીથી રાતના અંધકારમાં ફેરવાતી હોય એવું લાગતું હતું. બારીની બહાર કાંદિવલીની ચહલપહલ દેખાવાને બદલે ફરીથી બોરીવલીનું શિવાંજલિ બિલ્ડિંગ દેખાવા લાગ્યું.
‘આપણે ક્યાંય નથી ગયા...’ શિંદેના અવાજમાં ડર હતો, ‘આપણે હજી પણ ફ્લૅટ-૭૦૨માં જ છીએ! આ નવું ઘર, આ સફર... બધું આ શક્તિએ આપણને દેખાડેલો ભ્રમ હતો!’
પરેશભાઈએ બારીની બહાર જોયું. નીચે એ જ બોરીવલીનો એસ. વી. રોડ હતો. તેઓ ક્યારેય ઘર છોડી શક્યા જ નહોતા.
(આવતી કાલે સમાપ્ત)