15 May, 2026 10:59 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ કાંબલેએ આખા ફ્લૅટમાં ધ્યાનથી જોયું અને તેમને ધીમે-ધીમે સમજાવા માંડ્યું કે તેમની ધારણા બિલકુલ સાચી હતી, તે ક્યારેય બોરીવલી છોડીને નીકળ્યા જ નહોતા. જે કારની મુસાફરી, જે રસ્તાઓ અને જે નવું ઘર તેમણે જોયાં હતાં એ માત્ર તે સ્પૅનિશ તાંત્રિકની માયાજાળ હતી. તેઓ હજી પણ ફ્લૅટ-૭૦૨ના એ જ લોહિયાળ વાતાવરણમાં કેદ હતા.
સીલિંગ પરથી ટપકતું લોહી હવે જમીન પર એક વિશાળ ખાબોચિયું બની ગયું હતું અને એમાંથી પેલો સ્પૅનિશ તાંત્રિક ધીમે-ધીમે આકાર લઈ રહ્યો હતો. તેના ચહેરા પરનું હાસ્ય સાક્ષાત્ કાળ જેવું હતું.
‘તમને લાગ્યું કે મેં તમને બધાને છોડી દીધા, મારી જવાબદારી પૂરી કરી?’ તાંત્રિકનો અવાજ હવામાં ગુંજ્યો, ‘ના, એ તમારી ધારણા ખોટી હતી. જે એક વાર આ ૭૦૨ નંબરના ફ્લૅટમાં પ્રવેશે છે તેનો પડછાયો હંમેશ માટે મારો થઈ જાય છે.’
હેલી હજી પણ હવામાં લટકતી હતી. તેના પોતાના જ વાળ સાપની જેમ તેના ગળાને ભીંસી રહ્યા હતા. તેનો ચહેરો હવે વાદળી પડી રહ્યો હતો. ભાવનાબહેન અને પરેશભાઈ પથ્થરની મૂર્તિની જેમ એક ખૂણે જકડાઈ ગયાં હતાં. તેમની વાચા ઑલમોસ્ટ હણાઈ ગઈ હતી. તેમના ચહેરા પરથી સ્પષ્ટ થતું હતું કે જો આ થોડું વધારે ચાલ્યું તો તે બન્ને હાર્ટઅટૅકથી મરી જશે.
ઇન્સ્પેક્ટર કાંબલેએ પોતાની રિવૉલ્વર ફેંકી દીધી.
‘તને શું જોઈએ છે? મને મારી નાખ, પણ આ માસૂમ છોકરીને છોડી દે!’
સ્પૅનિશ તાંત્રિક હસ્યો.
‘મારે જીવ નથી જોઈતો, મારે એક વંશ જોઈએ છે જે મારી સાધનાને આગળ વધારે. હેલીએ પ્લાન્ચેટ કરીને મને જે રસ્તો આપ્યો એ હવે પાછો નહીં વળે, પણ જો તું આહુતિ આપવા તૈયાર હોય તો હું વિચાર કરી શકું.’ તાંત્રિકના અટ્ટહાસ્ય સાથે વાત આગળ વધી, ‘હેલી થકી મને બાળક જોઈએ છે, એ બાળક જે તારું હોય...’
ઇન્સ્પેક્ટર કાંબલેની રગરગમાં મરચું લાગ્યું હોય એવી તેના શરીરમાં ઝાળ ઊઠી.
‘માયલા, તું...’
કાંબલે સ્પૅનિશ બુઢ્ઢા તરફ આગળ વધે એ પહેલાં જ કોઈ અદૃશ્ય શક્તિએ તેને ધક્કો માર્યો અને તે સીધા દીવાલ સાથે અથડાયા.
કૉન્સ્ટેબલ શિંદે જે અત્યાર સુધી ડરનો માર્યો ધ્રૂજતો હતો તેને અચાનક કંઈક યાદ આવ્યું. તેણે પોતાના ખિસ્સામાંથી એક નાની ડબ્બી કાઢી. આ એ જ ભભૂતિ હતી જે તેણે બોરીવલીના એક જૂના મંદિરમાંથી લીધી હતી. શિંદેએ અચાનક જોરથી રાડ પાડી.
‘સાહેબ, બાજુમાં ખસી જાઓ!’
શિંદેએ પેલી ભભૂતિ લોહીના ખાબોચિયામાં ફેંકી. જેવી ભભૂતિ લોહીને અડી કે આખા ફ્લૅટમાં ભયાનક ચીસ ગુંજી ઊઠી. તાંત્રિકની આકૃતિ ધુમાડામાં ફેરવાવા લાગી. જોકે આ તેની હાર નહોતી, આ તો માત્ર તેની શક્તિનું રૂપાંતર હતું.
વાતાવરણમાં એટલી ગૂંગળામણ ઊપસી આવી કે ઑક્સિજનની કમી વર્તાવા લાગી. હેલીના ગળાની આસપાસ વીંટળાયેલા વાળ હવે વધુ મજબૂત થયા. એક જોરદાર કડાકો સંભળાયો, એ હેલીના ગળાના હાડકાં તૂટવાનો અવાજ હતો.
‘નાઆઆઆ...’
પરેશભાઈની ચીસ ફાટી ગઈ.
હેલીનું શરીર પટકાઈને જમીન પર પડ્યું. તેની આંખો ખુલ્લી હતી, પણ એમાંથી તેજ જતું રહ્યું હતું. શિવાંજલિ અપાર્ટમેન્ટનો સૌથી લાડકો જીવ હવે શાંત હતો. ભાવનાબહેન બેભાન થઈ ગયાં. ઇન્સ્પેક્ટર કાંબલેના ઘૂંટણ ટકી ગયા. એક પોલીસ અધિકારી તરીકે તેઓ પોતાની કારકિર્દીમાં પહેલી વાર હાર્યા હતા.
પરંતુ વાર્તાનો અંત આ નથી.
હેલીના મૃત્યુ પછી રૂમમાં એક સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. તાંત્રિકની આકૃતિ અદૃશ્ય થઈ ગઈ હતી. લાઇટો ફરી ચાલુ થઈ. બારીની બહાર જોયું તો ખરેખર સવાર પડી રહી હતી. ઇન્સ્પેક્ટર કાંબલેએ ભારે હૈયે હેલીના દેહને ઉપાડ્યો.
પોલીસફોર્સ આવી, પંચનામું થયું, ઇન્સ્પેક્ટર કાંબલે અને કૉન્સ્ટેબલ શિંદે બન્ને નજરે જોનારા શાહિદ હતા એટલે વધુ ઇન્ક્વાયરી થઈ નહીં અને કેસ બંધ કરવામાં આવ્યો. જોકે કેસ બંધ કરતાંની સાથે ફ્લૅટ-૭૦૨ને કાયમ માટે સીલ કરી દેવામાં આવ્યો.
એક જ રાતમાં દીકરી ગુમાવનારો મહેતા પરિવાર મુંબઈ છોડીને કાયમ માટે જામનગર જતો રહ્યો. સમય જતાં લોકો પણ આ ભયાનક પ્રકરણ ભૂલવા માંડ્યા અને ભૂલવું એ તો માનવની ફિતરત છે.
lll
એક વર્ષ પછી...
શિવાંજલિ અપાર્ટમેન્ટના એ સીલ કરેલા ફ્લૅટ-નંબર ૭૦૨ની બહારથી એક દિવસ બિલ્ડિંગનો નવો વૉચમૅન પસાર થતો હતો. દરવાજા પર પોલીસનું સીલ હજી પણ લાગેલું હતું. અચાનક વૉચમૅનને અંદરથી કોઈના હસવાનો અવાજ સંભળાયો.
એ હાસ્ય કોઈ વૃદ્ધનું નહીં, પણ ૨૦ વર્ષની એક છોકરીનું હતું.
વૉચમૅને કાન દરવાજે માંડ્યા. અંદરથી સ્પૅનિશ ભાષામાં કોઈ ગીત ગાવાનો અવાજ આવતો હતો. તેણે ગભરાઈને ટૉર્ચ મારી તો દરવાજાની તિરાડમાંથી તેને લોહી જેવું લાલ પ્રવાહી બહાર આવતું દેખાયું.
વૉચમૅન ભાગ્યો, પણ જેવો તે લિફ્ટમાં બેઠો લિફ્ટના કાચ પર અંદરની બાજુએથી કોઈએ આંગળીથી લખ્યું : ‘Me extraaste?’
લખાણ સ્પૅનિશમાં હતું જે એ સમયે તો વૉચમૅન ઉકેલી શક્યો નહોતો, પણ એનો અર્થ થતો હતો શું તેં મને મિસ કરી?
હેલી મરી ગઈ હતી, પણ તે શક્તિએ હેલીના શરીરનો ત્યાગ કરીને હવે એ આખા બિલ્ડિંગને જ પોતાનું શરીર બનાવી લીધું હતું. હેલીના આત્માને પણ તે તાંત્રિકે પોતાની માયાજાળમાં કેદ કરી લીધો હતો.
lll
‘સાહેબ, પેલો ફ્લૅટ યાદ છે?’
આ ઘટના પછી ઇન્સ્પેક્ટર કાંબલેએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. જોકે નિવૃત્ત થયા પછી પણ રાત્રે ૩.૩૩ વાગ્યે તે અચૂક જાગી જાય, કારણ કે તેમના ઘરના અરીસા પર રોજ રાત્રે એક પંજાનું નિશાન ઊપસી આવે છે. ઊપસી આવતા એ પંજાની વાત તેમણે હજી સુધી કોઈને કરી નહોતી, પણ તેમને અંદરખાને વિશ્વાસ હતો કે એ આત્મા અહીં જ ક્યાંક છે અને એટલે જ તે વારંવાર પોતાની હાજરી પુરાવે છે.
‘હા, યાદ છે. શું થયું એનું?’
‘પોલીસ-સ્ટેશનમાં કમ્પ્લેઇન્ટ આવી છે કે શિવાંજલિ અપાર્ટમેન્ટના એ ફ્લોર પર એ લોકોનો વૉચમૅન મરી ગયો.’ કૉન્સ્ટેબલ શિંદેએ વાત આગળ વધારી, ‘કહે છે કે તેના આખા શરીરમાંથી કોઈ લોહી ચૂસી ગયું છે.’
‘હં...’
‘સાહેબ, એ ભૂત હજી પણ ત્યાં હશે?’
‘ના, ના... એવું ન હોય.’ કાંબલેનો અવાજ ધ્રૂજતો હતો, ‘એ તો ગયું... ક્યારનું ગયું. આ બધું તો અજાણતાં થયું હોય... હવે તો ઘણા નવા વાઇરસ આવી ગયા છે, એની પણ આ અસર હોય...’
કાંબલેનો બબડાટ ચાલુ હતો.
‘ના, ના... ભૂત-બૂત જેવું કંઈ નથી.’
કૉન્સ્ટેબલ શિંદે ઊભો થયો અને કાંબલેની નજીક આવીને તેણે ગરદન પર હાથ ફેરવ્યો. કાંબલેની ગરદન પર લાલ રંગનો મોટો ડાઘ હતો.
‘સર આ...’ શિંદેએ સહેજ આંગળી એ લાલ રંગના ડાઘ પર બેસાડી, ‘આ શેની નિશાની...’
ઈઈઈઈ...
શિંદે કંઈ સમજે એ પહેલાં કાંબલેએ ઝાટકા સાથે શિંદેને ગરદનથી પકડીને પોતાની તરફ ખેંચી લીધો. હવે શિંદેની પીઠ કાંબલે તરફ હતી અને કાંબલેનો હાથ તેની ગરદન ફરતે. કાંબલેનો ઉચ્છ્વાસ શિંદેના ગાલ પર અનુભવાતો હતો. તે સમજી ગયો હતો કે પોતે અજાણતાં જ પેલા આત્માને જગાડી ચૂક્યો છે, પણ તેને એ સમજાતું નહોતું કે આત્મા અહીં સુધી પહોંચ્યો કઈ રીતે.
‘તું નીકળ... નહીં તો...’ કાંબલેએ શિંદેને ધક્કો માર્યો, ‘તું જા... જલદી.’
‘પણ સાહેબ તમે...’
‘જા...’
કાંબલેએ જીવ પર આવીને ચીસ પાડી. એ ચીસ પાડતી વખતે કાંબલેના ચહેરા પર પેલો સ્પૅનિશ આધેડ આવી ગયો હતો, જે જોઈને શિંદેનું પૅન્ટ ખરા અર્થમાં ભીનું થઈ ગયું હતું.
lll
‘સાહેબ, તમે માનો કે નહીં પણ હું જે કહું છું એ સત્ય કહું છું.’ ઇન્સ્પેક્ટર માંજરેકર સાથે વાત કરતી વખતે કૉન્સ્ટેબલ શિંદે હજી પણ ધ્રૂજતો હતો, ‘કાંબલેસાહેબમાં ભૂત આવી ગયું છે. એ... એ કોઈને પણ મારી શકે એમ છે.’
‘પણ તું કેવી રીતે બચ્યો?’
‘કાંબલેસાહેબ મહેનતપૂર્વક એ આત્માને પોતાનાથી દૂર રાખવાની કોશિશ કરે છે; પણ સાહેબ, જે સમયે એવું ન થયું એ સમયે કાંબલેસાહેબ સામે કોઈની તાકાત નહીં ચાલે. તે કોઈને નહીં ગણકારે...’
‘કરવું શું હવે?’
‘સાહેબ, એક જ રસ્તો છે...’ શિંદેએ રિવૉલ્વર હાથમાં લીધો, ‘તમે તમારા હાથે... તેને... જો એન્કાઉન્ટર...’
‘તને ખબર છેને તું શું કહે છે?’
‘ખબર છે, હું મારા એ સાહેબને મારવાનું કહું છું જેની સાથે ૧૫ વર્ષ મેં ડ્યુટી કરી... ૧૫ વર્ષ તેમણે મને સાચવ્યો; પણ સાહેબ, આજે મેં જે જોયું એ જોયા પછી હું તમને કહું છું કે હવે સમય આવી ગયો છે. લાગણીઓ ભૂલીને બધાના હિતનું વિચારવું. નહીં તો એ દિવસ દૂર નથી જ્યારે તમારું આખું બોરીવલી આ આત્માથી તરફડતું હશે.’
‘કાંબલેને બહાર લાવવાનું કામ કોણ કરશે અને બીજી વાત... તેને ક્યાં લઈ જઈશું?’
‘નૅશનલ પાર્ક સર... એ જ જગ્યા બેસ્ટ છે.’ શિંદેએ કહ્યું, ‘કાંબલેસાહેબને બહાર લાવવાનું કામ મારું. તે આવશે, મને લઈ આવવામાં વાંધો નહીં આવે.’
‘ઓકે, આજે રાતે... પણ ફક્ત તારી વાતના ભરોસા પર હું
આગળ વધીશ.’ માંજરેકરે કહ્યું, ‘તારે પહેલાં સાબિત કરવું પડશે કે કાંબલે નૉર્મલ નથી.’
‘પાક્કું સાહેબ...’
lll
‘શિંદે... નહીં કર આવી ભૂલ...’
શિંદએ સવારવાળી જ હરકત ફરી દોહરાવી હતી અને ઇન્સ્પેક્ટર કાંબલેના ગળા પર ઊપસી આવેલા લાલ ચાંભા પર આંગળી મૂકી હતી. એ જ વર્તન ફરી આવ્યું હતું. કાંબલે એક જ ઝાટકે રાતાચોળ થઈ ગયા હતા અને તેમણે શિંદેને ગરદનથી પકડી લીધો હતો.
‘હવે પછી, હવે પછી જો તેં આ ભૂલ કરી તો...’ કાંબલેએ દાંત ભીંસ્યા, ‘જીવતો નહીં છોડું.... કાચેકાચો ખાઈ જઈશ...’
ઢીંચીઈઆવ...
ઇન્સ્પેક્ટર માંજરેકરને જેવી ખાતરી થઈ કે બીજી જ ક્ષણે તેણે કાંબલેના કપાળની બરાબર મધ્યમાં ગોળી ધરબી દીધી. કાંબલે ઊંધા માથે જમીન પર પછડાયા.
‘થઈ ગયો વિશ્વાસ સાહેબ? આ જ માણસમાં આત્મા હતો.’
‘હં...’ માંજરેકરે રિવૉલ્વર કવરમાં મૂકતાં આદેશ આપ્યો, ‘લાશને ઠેકાણે લગાડવાની છે અને પંચનામું પણ કરવાનું છે. પતાવીને તું પોલીસ-સ્ટેશને આવી જા...’
lll
‘૧૦ વર્ષ પહેલાં, ના... હવે ૧૧ વર્ષ પહેલાં તમે જેને માર્યો હતો તે બીજું કોઈ નહીં પણ મારો સગો નાનો ભાઈ વિશ્વાસ શિંદે હતો કાંબલે...’ માંજરેકરના ગયા પછી શિંદે કાંબલેની લાશ પાસે બેઠો હતો, ‘આજે મારું કામ પૂરું થયું... આ કામ માટે કેટલી રાહ જોઈ, કેટલા ભૂવા-તાંત્રિકને મળ્યો અને પછી ફાઇનલી આ કામ પૂરું થયું.’
શિંદેએ આકાશ સામે જોયું અને જોરથી રાડ પાડી.
‘વિશ્વાસ, હવે આને ત્યાં જીવવા નહીં દેતો...’
આકાશ તરફ જોતા શિંદેને ક્યાં ખબર હતી કે કાંબલેની આંખો ખૂલી ગઈ હતી.
(સંપૂર્ણ)