ધ ઘોસ્ટ ઍડ્રેસ : દાદર ૪૦૦ ૦૨૮ (પ્રકરણ ૧)

17 August, 2026 11:23 PM IST  |  Mumbai | Rashmin Shah

લવમૅરેજ બાદ માનસી દેશમુખવાડામાં પગ મૂકે છે, જ્યાં સાસુનું રહસ્યમય વર્તન અને કાળા જાદુના સંકેતો તેને ડરાવવા લાગે છે. શું વૈભવ પણ આ ભયાનક શક્તિના કાબૂમાં છે? આગળ શું થશે?

ઇલસ્ટ્રેશન

દાદરના તિલક રોડ પર આવેલા દેશમુખવાડાની બહાર આજે જબરદસ્ત ચહલપહલ હતી. જોકે એ ચહલપહલ વચ્ચે પણ કંઈક વિચિત્ર એવી શાંતિ હતી. ૧૦૦ વર્ષ જૂના બે માળના આ વાડાનાં નળિયાં પર હળવો વરસાદ વરસતો હતો. વાડાના દરવાજા પર મરાઠી પરંપરા મુજબ પીળા ગલગોટાનું તોરણ અને આંબાનાં પાન બાંધેલાં હતાં.
વાડાના બીજા માળે પોતાના રૂમમાં વૈભવ દેશમુખ શેરવાનીનો કૉલર સરખો કરતો હતો. ત્રીસની ઉંમરે પહોંચેલા વૈભવની આંખો ટેબલ પર મૂકેલી ફોટોફ્રેમ પર હતી. ફોટોમાં માનસી હતી. ૨૪ વર્ષની માનસી અને વૈભવનાં આજે લવમૅરેજ હતાં. બન્ને IT કંપનીમાં સાથે કામ કરતાં હતાં. વૈભવ મરાઠી અને માનસી ગુજરાતી. શરૂઆતમાં તો આ મૅરેજ માટે બન્નેની ફૅમિલીમાં ખચકાટ હતો, પણ વૈભવ અને માનસીની જીદ સામે બધાએ આ રિલેશન સ્વીકારી લીધા અને મૅરેજ માટે હા પાડી. ફાઇનલી મૅરેજનો દિવસ પણ આવી ગયો.
વૈભવે જરા ઊંડો શ્વાસ લીધો. કોઈ વિચિત્ર તીવ્ર ગંધ વાડાના નીચેના ભાગમાંથી આવતી હતી. બીજો કોઈ દિવસ હોત તો વૈભવે રાડ પાડીને આઇનું ધ્યાન દોર્યું હોત, પણ આજના દિવસે તેણે એવી કોઈ દરકાર કરી નહીં અને પોતાની શેરવાની પર થોડું વધારે પરફ્યુમ છાંટી લીધું.
lll
વાડાના રસોડામાં જુદો જ ધમધમાટ હતો. ઘરમાં લગ્ન હતાં એટલે દમયંતી આઇએ વેડમી અને મસાલા ભાત બનાવ્યાં હતાં. વેડમીની ગળી સુગંધ અને મસાલા ભાતની તીવ્ર તીખી સુગંધ મિક્સ થઈને નવી જ ગંધ જન્માવતી હતી અને આ ગંધ વચ્ચે રસોડાના એક ખૂણામાં દમયંતી આઇ પોતાના કામમાં લાગેલી હતી. દમયંતીના ચહેરાની આભા આજે કંઈક જુદી જ હતી. તેની નજર લોખંડની નાની સગડી પર હતી અને એ સગડી પર કંઈક ઊકળી રહ્યું હતું. રસોડાનો દરવાજો અડધો ખુલ્લો હતો. 
એક વખત પાછળ ફરી દરવાજાને જોઈને દમયંતીએ કાળા કપડામાં બાંધેલી નાની પોટલીમાંથી થોડી રાખ અને સુકાયેલાં કાળાં પાંદડાં ઊકળતા પાણીમાં નાખ્યાં અને તેના જીભના ટેરવા પર કોકણી-મિશ્રિત મરાઠી ભાષામાં મંત્રોચ્ચાર શરૂ થયા અને એ મંત્રોચ્ચાર પછી તેણે આંખો બંધ કરીને હોઠ ફફડાવ્યા...
‘માઝા મૂલ... ફક્ત માઝા... કશાહી પરકીય સ્ત્રીચ્યા તાબ્યાત જાનાર નાહી.’ 
દમયંતીના હાથમાં કાળો રેશમી દોરો હતો જે તેણે ઊકળતા પાણી પર ૭ વાર ફેરવ્યો. ત્યાં જ દરવાજો ખૂલ્યો અને નાની દીકરી નિશા અંદર આવી. 
‘આઇ, વરઘોડો તૈયાર છે. તું હજી અહીં શું કરે છે?’
‘કંઈ નહીં... વૈભવને નજર ન લાગે એ માટે વિધિ કરતી હતી.’
નિશાએ રસોડામાં ફેલાયેલી દુર્ગંધ નાકમાં ખેંચી. 
‘આઇ, આ વિચિત્ર ગંધ...’
‘અરે, આ તો ધૂપનો ધુમાડો છે. તું જા... હું આવું છું.’ 
દમયંતીના ચહેરા પર કડવાશ આવી ગઈ હતી.
lll
દાદરના ગણેશ હૉલમાં લગ્નનો મંડપ તૈયાર હતો. એક તરફ મરાઠી શરણાઈ અને ઢોલ-તાશાનો અવાજ હતો તો બીજી તરફ ગુજરાતી ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ હતી.
મંડપમાં પૂજા શરૂ થઈ ગઈ હતી. માનસી સાથે તેની ખાસ ફ્રેન્ડ મેઘા બેઠી હતી. માનસીના ફેસ પર ખુશી હતી. મરાઠી શાસ્ત્રીજીના શ્લોકો સાથે કન્યાદાનની વિધિ પૂરી થઈ અને શાસ્ત્રીજીએ કહ્યું, ‘હવે વરરાજા કન્યાને મંગળસૂત્ર પહેરાવશે.’
વૈભવે થાળી તરફ હાથ લંબાવ્યો જેમાં મંગળસૂત્ર રાખવામાં આવ્યું હતું.
પણ આ શું? થાળી ખાલી હતી.
મંડપમાં સનાટો પ્રસરી ગયો. માનસીની મમ્મી સીમાબહેનની આંખો ફાટી ગઈ.
‘મંગળસૂત્ર ક્યાં ગયું? હમણાં તો અહીં જ હતું...’
મહેમાનોમાં ગણગણાટ શરૂ થયો અને એક વડીલ આન્ટી ઊભાં થયાં.
‘મંગળસૂત્ર ગુમ થવું એ તો બહુ મોટા અપશુકન છે...’
બધા મંગળસૂત્ર શોધવામાં લાગ્યા. એકમાત્ર આઇના ચહેરા પર શાંતિ હતી.
‘આઇ, મંગળસૂત્ર લઈને તું જ આવી હતીને...’
‘બાબા, મેં તો ક્યારનું થાળીમાં મૂકી દીધું હતું...’ દમયંતીએ નિર્દોષભાવે જવાબ આપ્યો, ‘શાસ્ત્રીજીને પણ ખબર છે.’
વાતાવરણ તંગ થવા માંડ્યું, લગ્ન અટકી જાય એવી સ્થિતિ ઊભી થઈ. સીમાબહેનના ચહેરા પર આવી ગયેલું ટેન્શન સ્પષ્ટ દેખાતું હતું. તેમને પહેલેથી જ આ મૅરેજ સામે વાંધો હતો અને એવામાં આ અપશુકન...
‘એક મિનિટ...’
આગળ આવીને દમયંતીએ સાડીના છેડેથી જૂનું, કાળી પોતનું અને જરા વિચિત્ર કહેવાય એવા આકારના પેન્ડન્ટવાળું મંગળસૂત્ર કાઢ્યું. 
‘આ અમારા દેશમુખ પરિવારનું ખાનદાની મંગળસૂત્ર છે. મારી સાસુએ મને આપ્યું, આજે હું એ મારી વહુને આપું છું.’ દમયંતીના ચહેરા પર કડકાઈ હતી, ‘તેના નસીબમાં આ મંગળસૂત્ર સાથે ઘરસંસાર માંડવાનું લખાયું હશે.’
સોનાનાં મોતીઓને બદલે એમાં નાના કાળા પથ્થરો અને ઍલ્યુમિનિયમ જેવી ઘસાયેલી સફેદી ધરાવતું પેન્ડન્ટ હતું જેના પર કોકણી સાઇન્સ કોતરેલી હતી. મંગળસૂત્ર જોઈને શાસ્ત્રીજીના ચહેરા પર આછીસરખી ચિંતા પ્રસરી. તે કંઈ કહે એ પહેલાં જ દમયંતીએ ઊંચા અવાજે કહ્યું...
‘શાસ્ત્રીજી, વિધિ ચાલુ કરો... મુરત જાય છે...’ 
ફરીથી શ્ળોક શરૂ થયા અને શ્ળોક વચ્ચે વૈભવે માનસીને મંગળસૂત્ર પહેરાવ્યું. મંગળસૂત્ર જેવું માનસીની ગરદનને ટચ થયું કે માનસીને લાગ્યું કે જાણે તેના શરીરમાં કોઈ દાખલ થઈ રહ્યું છે. માનસીના શરીરમાં આછીસરખી ધ્રુજારી આવી ગઈ અને હવનકુંડનો અગ્નિ અચાનક વધી ગયો. 
બહાર વીજળીનો આછોસરખો કડાકો થયો અને વરસાદે એની ગતિ પકડી કે બીજી જ સેકન્ડે ગણપતિ સામે કરવામાં આવેલો દીવો ઓલવાઈ ગયો. બધા એકબીજાના ચહેરા જોવા માંડ્યા કે દમયંતીએ ફરી આગેવાની લીધી... 
‘પવનને કારણે થયું છે, એમાં કંઈ મોટી વાત નથી...’
lll
વિધિ પછી વિદાયનો સમય આવ્યો. હૉલના એક ખૂણામાં દમયંતી તેના પતિ ભાલચંદ્ર સાથે ઊભી હતી. ભાલચંદ્ર પોતાના વિચારોની દુનિયામાં ખોવાયેલા હતા.
‘તમે જુઓ છોને, કેવી ભારેપગી છોકરી આવી છે.’ દમયંતીએ દબાયેલા અવાજે કહ્યું, ‘આ ગુજરાતી છોકરી મારા વૈભવને મારી પાસેથી છીનવી ગઈ, પણ જોજો હું મારા દીકરાને કોઈના વશમાં નહીં થવા દઉં.’
‘દમયંતી, હવે તું તો સમજ...’ ભાલચંદ્ર દેશમુખના સ્વરમાં પીડા હતી, ‘વૈભવ હવે મોટો થઈ ગયો છે. તેનો પોતાનો સંસાર છે. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો... ન હોય. હવે તેને છોડવાનો હોય.’
‘ના, જરાય નહીં...’ દમયંતીએ રીતસર ડંખ માર્યો, ‘તમે આ ગુજરાતીઓને ઓળખતા નથી. આપણાં મરાઠી ઘરોમાં વહુઓ આવે, પણ ગુજરાતી છોકરીઓ ઘરમાંથી દીકરા લઈ જાય. આ બધી બહુ માથે ચડાવેલી હોય. એટલે તો આ ગુજરાતી છોકરાઓ લગ્ન પછી ફટાફટ જુદા થઈ જાય છે. મારી બહેનનો છોકરો આજે પોતાની ગુજરાતી બાયડીનો ગુલામ બનીને રહે છે, પોતાની માને પૂછતો પણ નથી. હું મારા વૈભવ સાથે આવું ક્યારેય નહીં થવા દઉં. વૈભવ મારો છે, ફક્ત મારો...’
દમયંતી આઇની આ બળતરા માત્ર ભાલચંદ્ર દેશમુખના કાનમાં જ નહીં, હૉલના પિલર પાછળ ઊભેલી માનસીની મમ્મી સીમાબહેનના કાનમાં પણ જતી હતી. દમયંતી આઇની વાત સાંભળીને સીમાબહેન ધ્રૂજી ગયાં હતાં.
lll
‘બેટા... મારી વાત ધ્યાનથી સાંભળ. તારી સાસુના મનમાં ગુજરાતી છોકરીઓ માટે બહુ ઝેર છે. તેને એમ લાગે છે કે ગુજરાતી છોકરીઓ પોતાના પતિને વશમાં કરી લે છે. તું સંભાળજે બેટા. વૈભવના ઘરમાં તારી સેફ્ટી નથી...’
‘પ્લીઝ મમ્મી, મને નેગેટિવ નહીં કરો... આઇ લવ્સ મી લૉટ...’ સીમાબહેન કંઈ આગળ કહે એ પહેલાં જ માનસીએ કહી દીધું, ‘કદાચ આવી જ વાતોને લીધે છોકરીઓ પહેલેથી જ તેના ઇન-લૉઝ માટે નેગેટિવ થઈ જતી હશે.’
‘માનસી, મારું માન...’ વિદાયની અંતિમ ઘડીઓ આવી જતાં સીમાબહેને વાત ટૂંકાવી, ‘તને કંઈ પણ અજુગતું લાગે તો તું મને કહી દેજે... પ્લીઝ...’ 
સીમાબહેનની આંખમાં આવી ગયેલાં આંસુ વિદાયનાં હતાં કે દીકરીની ચિંતાનાં એ ત્યારે કોઈ સમજી શક્યું નહોતું.
lll
રાતે નવ વાગ્યે દેશમુખવાડા બહાર ગાડી અટકી. વરસાદની ગતિ હવે વધી ગઈ હતી અને વરસાદે ઘરની બહારનું ડેકોરેશન તહસનહસ કરી નાખ્યું હતું. ગૃહપ્રવેશની વિધિ શરૂ થઈ. દરવાજા પર ચોખા ભરેલો કળશ મૂકવામાં આવ્યો હતો. માનસીએ પોતાના જમણા પગથી કળશને ઢોળ્યો અને કંકુના પાણીમાં પગ બોળીને વાડામાં પ્રવેશ કર્યો, પણ જેવો માનસીએ વાડામાં પહેલો પગ મૂક્યો કે તરત વાડાના જૂના લાકડાના ફ્લોરિંગમાંથી બળવાની વાસ ફેલાવા માંડી અને છત પર ખૂણામાં લટકતું જૂનું ઝુમ્મર હવામાં જોરજોરથી ઘૂમવા માંડ્યું.
માનસીના ચહેરા પર ડર પ્રસરી ગયો. તેને મમ્મીના શબ્દો યાદ આવ્યા, પણ એ જ વખતે આઇએ માનસીનો હાથ પકડ્યો. આઇના હાથનો સ્પર્શ અસામાન્ય રીતે ગરમ હતો.
‘આવો માનસીવહુ... આ તમારું નવું ઘર...’ આઇએ સ્માઇલ સાથે કહ્યું, ‘યાદ રાખજે, દેશમુખવાડાના પોતાના નિયમો છે. અહીં રાત્રે ૧૧ વાગ્યા પછી કોઈ પોતાના રૂમમાંથી બહાર નીકળતું નથી. બીજા નિયમો હું તમને સમય આવ્યે સમજાવતી જઈશ...’
માનસીએ નમ્રતાથી હકારમાં માથું નમાવ્યું, પણ તેને અંદરથી બેચેની થતી હતી.
lll
‘માનસી... આમ તો તને ખબર જ છે, પણ કહીને રાખું. આઇ થોડી કડક લાગશે, પણ દિલની ખૂબ સારી છે. બસ, તેને સમજવાની કોશિશ કરજે.’
માનસીએ હકારમાં મસ્તક નમાવ્યું, પણ તેને મમ્મીના શબ્દો હૉન્ટ થતા હતા.
lll
ટંગ... ટંગ... ટંગ...
રાતના ૧૨ વાગ્યા અને અચાનક વૈભવની આંખો ઘેરાવા લાગી. તેનો ચહેરો સફેદ પડવા માંડ્યો. તે પલંગ પર ઊભો થઈ ગયો અને ગરદન એક તરફ ઝૂકી ગઈ.
‘વૈભવ, શું થયું?’ 
માનસીનો જીવ અધ્ધર થઈ ગયો. જોકે વૈભવે જવાબ આપ્યો નહીં. વૈભવની આંખો અર્ધખુલ્લી હતી, પણ તે હવામાં જોતો હતો. એ જ વખતે માનસીને રૂમની બહાર કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. 
ખટ... ખટ... ખટ...
માનસીએ ધીમેથી દરવાજો ખોલ્યો. બહાર અંધારું હતું અને કૉરિડોરના છેડે આઇ ઊભી હતી. આઇના હાથમાં દીવો હતો અને માનસીએ જોયું કે આઇના પગ નીચેથી જમીન અધ્ધર હતા. આઇ જમીન પર ચાલતી નહોતી! આઇના હાથમાં કાળો રેશમી દોરો હતો, જેનો છેડો કૉરિડોરથી સીધો માનસીના રૂમમાં વૈભવના શરીર સુધી જતો હતો.
આઇના ચહેરા પર ભયાનક, આસુરી સ્માઇલ હતું; આંખો કાળીભમ્મર હતી અને એમાંથી કીકીઓ ગાયબ હતી. તે પોતાના હોઠ હલાવતી દોરી રમાડતી હતી અને જે રીતે દોરી હલાવતી હતી એ પ્રકારે વૈભવનું શરીર પલંગ હલતું હતું, જાણે વૈભવ કઠપૂતળી હોય અને આઇ તેની માસ્ટર!
માનસીની ચીસ ગળામાં જ અટકી ગઈ. 
તેને સમજાઈ ગયું હતું કે આઇ કાળા જાદુની સાધક છે. 
માનસીએ ડરતા હાથે, 
ધ્રૂજતા-ધ્રૂજતા ગળામાં પહેરેલા કાળા મંગળસૂત્રને પકડ્યું અને બરાબર એ જ ક્ષણે વાડાની બહાર જોરદાર વીજળીનો કડાકો થયો.

(ક્રમશ:)

columnists exclusive Rashmin Shah gujarati mid day