18 August, 2026 05:36 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
બન્ને સાથે જ જૉબ કરતાં હોવાથી માનસી અને વૈભવને કંપનીએ લાંબી રજા આપી નહોતી. માનસીને એક મહિનાની રજા મળી હતી, જ્યારે વૈભવને ૧૦ જ દિવસની રજા મળી અને ૧૦ દિવસ પૂરા થતાં જ વૈભવે ઑફિસ શરૂ કરવી પડી. સવારે વૈભવ નીકળી જાય એ પછી ભાલચંદ્ર દેશમુખ પણ નીકળી જાય. પાછળ વધે આઈ, માનસી અને માનસીની નણંદ નિશા. દિવસ દરમ્યાન મોટા ભાગે નિશા તેની રૂમમાં જ રહેતી. માનસીને હવે અણસાર આવી ગયો હતો કે આઈ કંઈક તો એવું કરે છે જેને લીધે તેના અને વૈભવ વચ્ચે આછી દીવાલ ઊભી થવા માંડી છે.
અકળામણ માનસીના મન પર બરાબર કબજો કરીને બેઠી હતી જેને લીધે તે સતત ન સહેવાય, ન કહેવાયની અવસ્થામાં રહેતી.
lll
‘માનસીવહુ, તમે આ ઘરનાં કુળવધૂ છો...’ માનસી પાસે આવીને આઈએ નાની વાટકી માનસી તરફ લંબાવી, ‘આ આપણાં કુળદેવીનો પ્રસાદ છે. અત્યારે અડધી વાટકી અને આજે રાતે બાકીનો પ્રસાદ તમારે ખાઈ લેવાનો છે.’
‘આ શા માટે આઈ...’
‘તારું સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે.’ આઈએ જવાબ આપ્યો, ‘જે હોય એ તમારા હિતમાં જ હોય. પ્રસાદ લઈ લો...’
માનસીએ વાટકી હાથમાં લીધી. પ્રસાદમાં કાળા તલ, ગોળ સિવાય પણ કંઈક એવું હતું જેની દુર્ગંધ સહન થાય એવી નહોતી. પ્રસાદ બળી ગયો હોય એવી એમાંથી દુર્ગંધ પણ આવી હતી.
‘ના માનસી... નહીં...’
જાણે કે છઠ્ઠી ઇન્દ્રિય તેને ચેતવતી હોય એમ અંદરથી અવાજ આવ્યો અને માનસીએ તરત સ્માર્ટનેસ વાપરી.
‘આઈ, હું રાતથી જ પ્રસાદ શરૂ કરીશ અને સૌથી પહેલાં આ પ્રસાદ તમારા દીકરાને ખવડાવીશ...’ માનસીના ફેસ પર સ્માઇલ હતું, ‘આમ પણ હેલ્થ અને વેલ્થ માટે છે તો તે પણ મારી સાથે પ્રસાદ ખાશે તો ઘર માટે જ સારું છેને...’
આઈના ચહેરાના હાવભાવ ક્ષણવારમાં બદલાયા. તેની આંખોમાં ગુસ્સો આવી ગયો અને ચહેરો કડક થઈ ગયો.
‘માનસીવહુ, આ તમારા માટે છે...’
‘માતાજીનો પ્રસાદ તો બધા
માટે હોયને આઈ...’ માનસીએ શાંતિથી કહ્યું, ‘વૈભવ ખાશે તો તેને પણ લાભ થશે...’
‘રહેવા દો... તમારે કંઈ કરવાની જરૂર નથી...’
આઈએ ઝાટકા સાથે માનસીના હાથમાંથી વાટકી છીનવી લીધી અને તે કિચનમાં જતાં રહ્યાં. થોડી વાર પછી માનસીએ નોટિસ કર્યું કે આઈએ એ પ્રસાદ ઢોળી નાખ્યો હતો અને નજરે ન ચડે એ રીતે વાટકી ધોઈને પાછી મૂકી દીધી હતી!
lll
સમય પસાર થતો રહ્યો અને પસાર થતા સમય વચ્ચે માનસી દેશમુખ વાડામાં પોતાની જગ્યા બનાવવાનો વ્યર્થ પ્રયાસ કરતી રહી, પણ ઘરનું વાતાવરણ વધુ ને વધુ ગૂંગળામણભર્યું થતું જતું હતું.
વૈભવનું વર્તન પણ બદલાવા લાગ્યું હતું. જે વૈભવ ઘરે આવ્યા પછી માનસીથી પાંચ મિનિટ પણ દૂર નહોતો રહેતો એ જ વૈભવ હવે માનસીથી દૂર ભાગતો. ઘરમાં હોય ત્યારે તે ચૂપ રહેતો અને રાતે ૧૨ પછી તેનામાં આક્રમકતા આવી જતી. વૈભવ આઈની દરેક વાત આંખ બંધ કરીને માની લેતો અને જો માનસી આઈ સામે કંઈ બોલે તો વૈભવનો ચહેરો તમતમી જતો.
lll
‘માનસી, સૉરી ટુ સે... પણ તારા ફેસ પરથી રીતસર નૂર ગાયબ થઈ ગયું છે. તું કંઈ ટેન્શનમાં છે?’
મેઘાએ માનસીનો હાથ પકડી લીધો હતો. મેઘા માનસીની નાનપણની ફ્રેન્ડ હતી. મેઘા જ પહેલી વ્યક્તિ હતી જેની સાથે માનસીએ વૈભવ સાથેની પોતાની લવસ્ટોરી શૅર કરી હતી. મૅરેજ પછી પહેલી વાર મેઘા માનસીને મળવા તેના ઘરે આવી અને માનસીને જોઈને તે રીતસર શૉક્ડ થઈ ગઈ.
‘માનસી, તને કંઈ પ્રૉબ્લમે છે?’ માનસીએ નકારમાં માથું ધુણાવ્યું, પણ મેઘાએ વાત પકડી રાખી, ‘ના માનસી, કંઈક તો છે જે તું છુપાવે છે. પ્લીઝ, એવું ન કર... તું મને વાત કર. હું કોઈને નહીં કહું, પ્રૉમિસ...’
માનસી પોતાની જાતને રોકી શકી નહીં અને તેણે મૅરેજની ફર્સ્ટ નાઇટે બનેલી અને રોજબરોજ બનતી ઘટનાઓ અને આઈના વર્તન વિશે બધું કહી દીધું. માનસીની વાત સાંભળીને મેઘા રીતસર હેબતાઈ ગઈ.
‘વૉટ... આજના જમાનામાં પણ આવું બધું?’ મેઘાએ સલાહ આપી, ‘માનસી, મારું માન અને તું ઘર છોડીને તારાં મમ્મી-પપ્પાને ત્યાં જતી રહે. આવી... આવી બાઈ સાથે રહેવાય જ નહીં... તું અને વૈભવ જુદાં થઈ જાઓ...’
‘એ શક્ય નથી મેઘા... અને બીજી વાત... હું વૈભવને આ સ્થિતિમાં છોડીને નહીં જઉં.’ માનસીએ આંખો સાફ કરી, ‘મને લાગે છે કે વૈભવના મગજ પર આઈએ કબજો કરી લીધો છે. મારે શોધવું છે કે આઈ આ બધું શું કામ કરે છે?’
‘માનસી, એ બધા વિશે બહુ નહીં વિચાર... અત્યારે તું તારું જો.’
‘ના મેઘા... ઇટ્સ નૉટ પૉસિબલ...’ માનસીએ દબાયેલા અવાજે કહ્યું, ‘હું ઑલરેડી પિરિયડ્સ મિસ કરી ગઈ છું. મે બી, આઇ ઍમ પ્રેગ્નન્ટ...’
‘ઓહ નો...’
‘બને કે એવું ન પણ હોય અને અત્યારે તો હું ઇચ્છું છું કે એવું ન હોય, પણ...’ માનસીએ મેઘાની સામે જોયું, ‘હું અહીંથી નીકળી તો નહીં શકું.’
‘ઓકે...’ મેઘાએ દૃઢતા સાથે કહ્યું, ‘માનસી, હું જોઉં છું જો કોઈ આનો જાણકાર હોય તો... બટ રેસ્ટ અશ્યૉર્ડ, આઇ વિલ હેલ્પ યુ...’
lll
એ જ રાતે ૧૧ વાગ્યે એક ઘટના ઘટી અને આઈ વૈભવ સામે ખુલ્લી પડી.
વૈભવ આઈ સાથે વાતો કરતો હતા અને આઈએ માનસીને બોલાવી. માનસી આવી કે આઈએ તરત તેની સામે દૂધનો ગ્લાસ ધર્યો.
‘માનસીવહુ, સિદ્ધિવિનાયકની કૃપા થઈ છે.’ આઈએ કહ્યું, ‘ડૉક્ટરનો રિપોર્ટ આવ્યો છે. તમે મા બનવાનાં છો... ને હું દાદી...’
માનસી ખુશ તો થઈ, પણ તરત તેના મનમાં સવાલ જન્મી ગયો. આવી અસુરી સાસુની છત્રછાયામાં મા બનવું એ આશીર્વાદ છે કે અભિશાપ?
‘લો માનસીવહુ, દૂધ પીઓ... મારા હાથે ખાસ તમારા માટે
બનાવ્યું છે...’
માનસીએ દૂધના ગ્લાસ તરફ જોયું. દૂધની ઉપર કેસરની પાંદડીઓ હતી, પણ એમાંથી કેસરને બદલે કંઈક વિચિત્ર દુર્ગંધ આવતી હતી.
‘ના આઈ, મારે દૂધ નથી પીવું... મને ઊબકા આવે છે.’
માનસીનો નકાર સાંભળીને આઈની આંખો લાલ થઈ. તેણે વૈભવ સામે જોયું.
‘જો વૈભવ, આ તારી બાયડી... તારી માની વાત માનવાની ના પાડે છે.’
‘માનસી, તારી હિંમત કેમ થાય?’ વૈભવે માનસીનો હાથ પકડી લીધો, ‘આઈ જે કહે એ કર...’
માનસી વૈભવના આ રૂપથી ધ્રૂજી ગઈ, પણ તેણે હિંમત અકબંધ રાખી.
‘વૈભવ, આ દૂધમાં કંઈક ગરબડ છે... મારી વાત...’
‘ચૂપ... આઈના કામમાં ગરબડ કહે છે.. પી દૂધ...’
વૈભવે માનસીનો હાથ મરોડ્યો અને દૂધનો ગ્લાસ માનસીના મોઢા પાસે લાવવાનો પ્રયાસ કર્યો. માનસીએ જોર લગાડીને વૈભવને ધક્કો માર્યો અને વૈભવના હાથમાંથી ગ્લાસ જમીન પર પડ્યો, દૂધ ફર્શ પર ઢોળાયું અને બીજી સેકન્ડે દૂધ જ્યાં ઢોળાયું એ જગ્યાએ લાકડાના ફ્લોરમાંથી સફેદ ધુમાડો નીકળવા લાગ્યો. દૂધનો સફેદ રંગ થોડી જ સેકન્ડમાં કાળો પડી ગયો અને એમાંથી લોહીની દુર્ગંધ આવવા માંડી. એ દૂધમાં અંદર નાના કાળા કીડા સળવળતા પણ દેખાયા.
આ જોઈને વૈભવ પણ ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો, પણ આઈએ વાત ફેરવી.
‘જોયું, જોયું... તારી બાયડી આ ઘર માટે કેટલી અપશુકનિયાળ છે. જો વૈભવ, આ માતાજીનો કોપ છે.’ આઈની આંખોમાં ભરપૂર ગુસ્સો હતો, ‘આ છોકરી તારા અને આ ઘરનો વિનાશ બનશે, યાદ રાખજે...’
આઈનું રમકડું બની ગયેલા વૈભવે તરત માનસી સામે જોયું અને રડતી આંખોએ માનસી પોતાની રૂમમાં જતી રહી. તેને સમજાઈ ગયું હતું કે આઈ તેને અને તેના પેટમાં ઊછરતા બાળકને મારી નાખવા અથવા તેને પણ પોતાના બ્લૅક મૅજિકનું સાધન બનાવવા માગે છે.
lll
એ રાતે માનસી રડતી-રડતી વૈભવની રાહ જોતી રહી, પણ વૈભવ હૉલમાં જ સૂઈ ગયો. વૈભવને ઓઢવાનું આપવા માટે માનસી હૉલમાં આવી ત્યારે તેને આઈની રૂમમાંથી ગણગણાટનો અવાજ સંભળાયો અને માનસી હિંમત કરીને આઈની રૂમ તરફ ગઈ. રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદરથી લાલ રંગનો ઝાંખો પ્રકાશ બહાર આવતો હતો.
માનસીએ દરવાજાની તિરાડમાંથી અંદર જોયું. આઈ રૂમની વચ્ચે તાંત્રિક ચક્ર સામે બેઠાં હતાં. માનસીની નજર આઈની પાછળ રહેલા કબાટ પર ગઈ. કબાટનો દરવાજો ખુલ્લો હતો અને અંદર ચિત્રવિચિત્ર પૂતળાં અને કેટલીક ડાયરીઓ પડ્યાં હતાં.
ખટ...
આઈ ઊભાં થયાં અને તેની કમરમાંથી ટચાકિયો ફૂટ્યો, જેના અવાજે માનસીને સાવધ કરી. આઈ બાથરૂમ તરફ ગઈ અને માનસી લપાતાં પગલે આઈની રૂમમાં ગઈ. રૂમમાં જઈને માનસીએ ઝડપથી કબાટમાં રહેલી એક ડાયરી હાથમાં લીધી. એ ડાયરીનાં પાનાં ઉથલાવતાં માનસીના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ.
ડાયરીમાં વૈભવનો નાનપણનો ફોટો હતો, જેની નીચે કોકણીમાં મંત્રો લખ્યા હતા અને દરેક ફોટો પર સોય ભોંકાયેલી હતી. ડાયરીના એક પાના પર મરાઠીમાં લખેલું હતું, ‘વૈભવ મારો દીકરો નહીં, મારી સાધનાનું સાધન છે. અઘોરી બાબાના આશીર્વાદથી મળેલા આ બાળક પર ફક્ત મારો અધિકાર રહેશે, બીજા કોઈનો નહીં.’
ખટ...
માનસીની પીઠ પાછળથી અવાજ આવ્યો અને માનસીએ પાછળ જોયું. આઈ બાથરૂમમાંથી આવી ગઈ હતી. આઈના હાથમાં તીક્ષ્ણ છરો હતો અને આંખોમાં ખુન્નસ.
‘બહુ હોશિયાર થાય છેને તું?’ આઈએ કહ્યું, ‘હવે તું જો...’
આઈએ છરા સાથે માનસી તરફ છલાંગ મારી અને બચવા માટે માનસી બે ડગલાં પાછળ ગઈ, પણ પગ સાડીમાં ભરાયો અને તે જમીન પર પછડાઈ. આઈએ માનસીના પેટ તરફ હાથ ઉગામ્યો અને માનસીએ આંખો મીંચી દીધી, પણ એ જ ક્ષણે રૂમમાં ભાલચંદ્ર આવી ગયા અને તેમણે આઈનો હાથ પકડી લીધો.
‘દમયંતી, બસ...’
ભાલચંદ્રના હાથમાં ત્રિશૂળ ચીતરેલો કળશ હતો. તેણે કળશમાંથી જળ આઈના ચહેરા પર છાંટ્યું. જેવું જળ આઈના ચહેરા પર પડ્યું કે આઈની ચીસ નીકળી ગઈ અને તેના ચહેરા પરથી ધુમાડો નીકળવા લાગ્યો, જાણે તેજાબ પડ્યો હોય.
આઈના હાથમાંથી છરો છૂટી ગયો અને તે જમીન પર પડીને તડપવા લાગી.
ભાલચંદ્રએ માનસીનો હાથ પકડીને તેને રૂમની બહાર ખેંચી લીધી.
‘બેટા માનસી, ભાગ અહીંથી... આ બાઈ તને જીવવા નહીં દે.. ભાગ...’
‘પણ બાબા, વૈભવ?’
‘વૈભવ તેના વશમાં છે. તું પહેલાં તારો અને તારા બાળકનો જીવ બચાવ...’ ભાલચંદ્રનો અવાજ ધ્રૂજતો હતો, ‘આ લે, આ કાર્ડ રાખ... સિદ્ધિવિનાયક મંદિરની પાછળ રુદ્ર ગુરુજી રહે છે. કોઈને પણ પૂછીશ તો ઘર દેખાડશે. રુદ્ર ગુરુજી જ તમને બધાને બચાવી શકશે... જા ભાગ...’
માનસી કંઈ પૂછે કે કહે એ પહેલાં ભાલચંદ્રએ માનસીને વાડાના પાછળના દરવાજેથી બહાર ધકેલી દીધી.
બહાર મુશળધાર વરસાદ વરસતો હતો અને રાતના અઢી વાગ્યે પ્રેગ્નન્ટ માનસી દાદરની સૂમસામ ગલીઓમાં એકલી ભાગતી હતી. તેના હાથમાં ભાલચંદ્રએ આપેલું વિઝિટિંગ કાર્ડ હતું અને આંખોમાં આંસુ. માનસીની પીઠ પાછળ દેશમુખ વાડામાંથી દમયંતી આઈની ભયાનક ચીસો ગુંજતી હતી.
(ક્રમશ:)