ધ કિલર ટૅટૂ નાનો હોય કે મોટો, ન્યાયનો હક દરેકનો (પ્રકરણ ૧)

20 July, 2026 01:31 PM IST  |  Mumbai | Rashmin Shah

કૂવો અવાવરું અને ખાસ્સો ઊંડો હતો. એમાં મહદંશે કચરો જ રહેતો, પણ આજે કન્સ્ટ્રક્શન-સાઇટના JCB મશીને કૂવાની આસપાસનો કચરો સાફ કર્યો ત્યારે અંદર કંઈક અજુગતું દેખાયું હતું

ઇલસ્ટ્રેશન

કાંદિવલીના મોટા ભાગના વિસ્તારોમાં આકાશને આંબતી ઇમારતો ઊભી થઈ ગઈ હતી, પણ એની વચ્ચે હજી પણ ભદ્રાવતી ચાલ અકબંધ ઊભી છે. જોકે સોમવારની સવારે આ ચાલમાં સન્નાટો પ્રસરી ગયો. ઊતરતા અષાઢ મહિનાની આખી રાત વરસાદ રહ્યો અને સવારે એ જરા ધીમો પડ્યો કે ચાલના છેવાડે આવેલી

કન્સ્ટ્રક્શન-સાઇટના કમ્પાઉન્ડમાં ગરમાવો પ્રસરી ગયો હતો.

‘સાહેબ, કોઈ અંદર છે.’

હાંફતા બિહારી મજૂરે એક દિશામાં હાથ કર્યો હતો. તેની

સામે ઇન્સ્પેક્ટર સુરેશ સાળુંકે

ઊભા હતા.

‘ત્યાં... ત્યાં કોઈક કાળું કરી ગયું?’

‘આ માણસ શું બોલે છે...’ સાળુંકેના ચહેરા પર સહેજ અણગમો આવી ગયો, ‘શું કાળું કરી ગયો...’

‘તમે... તમે આવો.’

બિહારી મજૂર આગળ વધ્યો અને દોડતો ચાલીના છેવાડે આવેલા વર્ષો જૂના, પથ્થરથી ચણેલા કૂવા પાસે આવ્યો. કૂવો અવાવરું અને ખાસ્સો ઊંડો હતો. એમાં મહદંશે કચરો જ રહેતો, પણ આજે કન્સ્ટ્રક્શન-સાઇટના JCB મશીને કૂવાની આસપાસનો કચરો સાફ કર્યો ત્યારે અંદર કંઈક અજુગતું દેખાયું હતું. બિહારી મજૂરની પાછળ આવેલા ઇન્સ્પેક્ટર સાળુંકેએ કૂવામાં નજર કરી અંદર અંધકાર હતો એટલે તેણે કૂવામાં ટૉર્ચ મારી. અંદર પીળી શેવાળવાળા પાણીમાં મહિલાની લાશ તરતી હતી. પાણીમાં રહેવાને કારણે લાશ ફૂલી ગઈ હતી.

‘પાટીલ, ફાયર-બ્રિગેડ બોલાવ.’

lll

લાશ જેવી કૂવામાંથી બહાર આવી એટલે વાતાવરણમાં ભયાનક દુર્ગંધ ફેલાઈ ગઈ. ત્યાં ઊભેલાઓએ મોઢા પર રૂમાલ દબાવવો પડ્યો.

નાક બંધ કરીને ઇન્સ્પેક્ટર સાળુંકે પણ લાશ પાસે બેસીને એનું નિરીક્ષણ કરવા માંડ્યા. મહિલાએ સાદાં, સસ્તાં કૉટનનાં કપડાં પહેર્યાં હતાં. કાનમાં કાચની બુટ્ટીઓ હતી. લાશ ચાર-પાંચ દિવસ જૂની હોય એવું લાગતું હતું. ચહેરો કોહવાઈ ગયો હતો એટલે ચહેરાથી ઓળખ અશક્ય હતી. સાળુંકેએ લાશનો જમણો હાથ સીધો કર્યો. હાથ પર કાદવ અને શેવાળ હતા. સાળુંકેએ હાથ લંબાવ્યો. કૉન્સ્ટેબલ જાણે કે સમજી ગયો હોય એમ પાણીની બૉટલ સાથે તે આગળ આવ્યો અને તેણે લાશના હાથ પર પાણી રેડ્યું.

ચામડી ગળી ગઈ હોવા છતાં કાંડા પર લીલા રંગનું ત્રાજવું સ્પષ્ટ વંચાતું હતું, જેના પર લખ્યું હતું : ‘રાજુ’.

‘આ કૂવામાં કેવી રીતે પડી?’ સાળુંકેએ આજુબાજુમાં ઊભેલા લોકો સામે જોયું, ‘સુસાઇડની શક્યતા લાગે છે.’

‘ના સાળુંકે... આ મર્ડર છે.’

પીઠ પાછળથી અવાજ આવતાં સાળુંકેએ પાછળ જોયું અને તેમની આંખોમાં સ્માઇલ આવી ગયું. સફેદ શર્ટ અને જીન્સ સાથે ડિટેક્ટિવ સોમચંદ પાછળ ઊભા હતા.

‘અરે, તમે અહીં...’ સાળુંકેને સોમચંદ સાથે જૂની દોસ્તી હતી, ‘આ સમયે...’

‘ચા પીતો હતો ત્યાં ચકલાંઓએ ઇન્ફર્મેશન આપી કે કૂવામાંથી કંઈક મળ્યું છે એટલે આ તરફ આવી ગયો.’

ખિસ્સામાંથી મૅગ્નિફાઇંગ ગ્લાસ કાઢીને સોમચંદ લાશની નજીક ગયા. આંખો ઝીણી કરીને તેણે લાશના ગળા પર ગ્લાસ ફેરવ્યો.

‘આ જુઓ...’ લાશના ગળા તરફ આંગળી કરતાં સોમચંદે કહ્યું, ‘ગળાની ચામડી પર કાળી દોરી જેવું નિશાન છે, પણ દોરી છે નહીં. જો કોઈ જીવતો કૂવામાં પડે કે સુસાઇડ કરે તો તેના ગળા પર આવાં નિશાન ન હોય. આ લેડીનું ગળું પહેલાં દબાવવામાં આવ્યું છે અને પછી લાશ કૂવામાં નાખવામાં આવી છે.’

‘પહેલાં તો આની ઓળખ કરીએ...’ સાળુંકેએ આસપાસ

એકઠી થયેલી ભીડ તરફ નજર કરીને ઊંચા અવાજે પૂછ્યું, ‘આને કોઈ ઓળખે છે...’

બધાએ મૂંડી નીચે કરી લીધી એટલે સોમચંદે ભીડ વચ્ચે

ચાલવાનું શરૂ કર્યું. તેમની આંખો દરેકના હાવભાવ વાંચી રહી હતી. અચાનક તે એક આધેડ શ્રમિક પાસે ઊભા રહી ગયા. તે શખસે પંચમહાલ-ડાંગ બાજુની આદિવાસી શૈલીનાં કપડાં પહેર્યાં હતાં. સોમચંદ ઊભા રહ્યા કે તરત તેના ચહેરા પર ભય પ્રસરી ગયો.

સોમચંદે તેના ખભા પર હાથ મૂક્યો.

‘કેમ ભઈલા, આ બહેન કોણ છે...’

‘સાહેબ... અમારે પોલીસ લોફામાં નઈ પડવું. અમે તો મજૂર માણહ...’

દક્ષિણ ગુજરાતી લહેકામાં પેલાએ ધીમેથી જવાબ આપ્યો કે તરત સોમચંદ શાહે પેલાના ખિસ્સામાં પાંચસોની નોટ સરકાવી.

‘સાચું બોલવામાં પોલીસ કાંઈ ની કરે, પણ જો ખોટું બોલ્યો તો આ પોલીસવાળો તને થાણે લઈ જાહે. જલ્દી બોલ, કોણ છે આ?’

‘સાહેબ, આ શોભા મલે... ધરમપુર બાજુની હોવે...’ પેલાએ ડરના માર્યા કહી દીધું, ‘તેનો વર રાજુ કન્સ્ટ્રક્શન-સાઇટ પર કલરકામ કરતો. તે લોકો ચાલીની ૧૦૪ નંબરની રૂમમાં રહેતા મળે...’

નામ ખબર પડતાં જ ઇન્સ્પેક્ટર સાળુંકેએ રાડ પાડી.

‘રાજુ ક્યાં છે અત્યારે...’

કોઈ આગળ આવ્યું નહીં, પણ ટોળામાંથી એક માણસ આગળ આવ્યો.

‘ખબર નઈ. પાંચ દી પહેલાં રાત્રે તેના ઘરે મોટા ઝઘડાનો

અવાજ આવતો હતો અને વાસણો ફેંકાતાં હતાં. સવારે મેં જોયું તો રૂમને તાળું હતું.’

સાળુંકે અને સોમચંદ તરત

રૂમ-નંબર ૧૦૪ પર પહોંચ્યા. રૂમના દરવાજા પર મોટું તાળું લટકતું હતું. સાળુંકેએ કૉન્સ્ટેબલને ઇશારો કર્યો. કૉન્સ્ટેબલે તાળું તોડી નાખ્યું અને દરવાજો ખૂલતાં જ અંદરથી બંધિયાર ભેજવાળી હવાની વાસ આવી.

રૂમના એક ખૂણામાં રસોડાનાં થોડાં વાસણો વેરવિખેર પડ્યાં હતાં. રૂમમાં ખાસ કોઈ સામાન નહોતો. એવું લાગતું હતું કે ઉતાવળમાં બધું સમેટી લેવામાં આવ્યું હોય. સોમચંદની નજર રૂમની નાની બારી પાસે પડેલી લાકડાની પેટી પર પડી. તેણે પેટી ખોલી. અંદર બાળકોનાં કપડાં, રબરનાં થોડાં રમકડાં અને એક ફ્રેમ વગરનો કાગળનો ફોટો હતો.

સોમચંદે ફોટો હાથમાં લીધો.

ફોટો કોઈ લોકલ સ્ટુડિયોમાં પડાવ્યો હોય એવો હતો. ફોટોમાં એક મહિલા હતી જે કદાચ આ શોભા હતી. તેની બાજુમાં એક પાતળો, કાળો વાન ધરાવતો પુરુષ હતો જે કદાચ રાજુ હતો અને

પતિ-પત્ની વચ્ચે અંદાજે આઠ વર્ષનો એક છોકરો અને ચાર વર્ષની નાની બાળકી ઊભાં હતાં.

‘આ તેમનાં બાળકો લાગે છે... પૉઇન્ટ એ છે કે બાપ અને તેનાં બે છોકરાં અત્યારે છે ક્યાં?’ સોમચંદે ફોટો ખિસ્સામાં મૂકતાં કહ્યું, ‘થિયરી તો એવી બેસે છે કે રાજુએ તેની વાઇફને મારી અને પછી તે બાળકોને લઈને ભાગી ગયો.’

રૂમની બહાર નીકળતાં સોમચંદે જ કહી દીધું.

‘સાળુંકે, નક્કી કરો ટ્રેનમાં ધરમપુર જવું કે સરકારી જીપમાં...’

lll

પાંચ કલાક પછી કાંદિવલી પોલીસની એક ટીમ ધરમપુર પહોંચી ગઈ અને સ્થાનિક ઇન્ફૉર્મરની મદદથી ગામના એક દેશી ઘરમાંથી રાજુને ઊંચકી લીધો.

‘સાહેબ, મેં કંઈ નથી કર્યું...

મારી વાત માનો સાહેબ, હું... હું નિર્દોષ છું.’

રાજુ ટ્રેનના ડબ્બાના ખૂણામાં બેસીને રડવા માંડ્યો કે તરત સાળુંકેએ તેનો કૉલર પકડીને લાફો ઝીંકી દીધો.

‘તો ભાગી કેમ ગયો?! ક્યાં છે તારાં બે છોકરાં...’

‘સાહેબ મારી વાત સાંભળો...’ રાજુએ ધ્રૂજતા હાથે આંખો લૂછી, ‘વતનમાં ખાવાનાં ફાંફાં હતાં એટલે અમારા ગામના જુવાનિયા રાનુએ અમને મુંબઈ બોલાવ્યાં. રાનુ વર્ષોથી મુંબઈ રહેતો હતો. મુંબઈમાં તેણે મને ફિલ્મસિટીમાં કલરકામની નોકરી અપાવી. પણ સાહેબ... હું આખો દિવસ કામમાં ને મારી પીઠ પાછળ રાનુ અને મારી શોભા વચ્ચે... બધું ચાલુ થઈ ગયું...’

વાત કરતી વખતે રાજુના ચહેરા પર રહેલું પેઇન ક્લિયર દેખાતું હતું.

‘એક રાત્રે હું વહેલો ઘરે આવ્યો અને મેં શોભા અને રાનુને ખરાબ હાલતમાં જોયાં. મારો જીવ બળી ગયો. હું... હું શોભા અને છોકરાંવને લઈને બીજે રહેવા જતો રહ્યો, પણ રાનુ ત્યાં પણ અમારી પાછળ આવ્યો. રોજ ઘરમાં કકળાટ થતો. આખરે થાકી-હારીને પાંચ દી પહેલાં રાતે શોભા ઘરે નહોતી ત્યારે હું મારાં છોકરાંવ દેવા અને મીનુને લઈને રાતોરાત ટ્રેન પકડીને મારા વતન ધરમપુર આવી ગયો. મને લાગે છે સાહેબ, મારા ગયા પછી શોભાએ કૂવો પૂર્યો હશે...’ રાજુ ફરી રડી પડ્યો, ‘હું... હું... સાહેબ નિર્દોષ છું. મેં કંઈ નથી કર્યું. તમારા સોગન...’

રાજુના અવાજમાં સત્યતાનો રણકો હતો જે સૌકોઈને સ્પર્શતો હતો અને એ પછી પણ ઇન્સ્પેક્ટર સાળુંકેએ મુંબઈ લાવીને તેને પૂરી દીધો.

lll

‘સોમચંદ, મને તો આ રાજુની વાત સાચી લાગે છે...’ ચાની ચૂસકી લેતાં સાળુંકેએ સોમચંદ સામે જોયું, ‘પત્નીના આડા સંબંધોથી કંટાળીને તે બાળકોને લઈને ભાગી ગયો અને પત્નીએ પાછળથી કૂવામાં આત્મહત્યા કરી.’

‘ધારો કે તમારી વાત સાચી હોય સાળુંકે તો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જુદું કેમ કહે?’ સોમચંદે જવાબ આપ્યો, ‘શોભાનાં ફેફસાંમાં પાણી બિલકુલ નહોતું. એનો સીધો અર્થ એટલો કે તે જ્યારે કૂવામાં કૂદી ત્યારે જીવતી નહોતી અને માણસ મરી ગયા પછી કૂવાની પાળી પર ઊભો રહે, અંદર છલાંગ લગાવે એ મને ગળે નથી ઊતરતું...’

‘સોમચંદ, તો પછી હવે તમે જ કહો કે તો ખૂન કોણે કર્યું? રાજુ તો ધરમપુર પહોંચી ગયો હતો. તેની પાસે જવાની ટિકિટ પણ છે અને સૌથી અગત્યની વાત, ધરમપુરમાં તેને આંખે જોનારાઓ પણ...’

‘સાહેબ, અમારાં છોકરાંએ કંઈ નથી કર્યું...’

સાળુંકે પોતાની વાત પૂરી કરે એ પહેલાં એક વૃદ્ધ દંપતી ધ્રૂજતા પગે અંદર આવ્યું. તેમની સાથે એક યુવાન છોકરી પણ હતી.

‘અમારો દીકરો રાજુ નિર્દોષ છે, તેણે કંઈ નથી કર્યું... તેને છોડી દો સાહેબ.’

વૃદ્ધ પિતાએ રડમસ અવાજે સાળુંકે સામે હાથ જોડ્યા.

‘જુઓ કાકા, તમારા દીકરાની વહુનું ખૂન થયું છે, તમારા દીકરા પર અમને શંકા છે, તમે અત્યારે બહાર બેસો...’

‘સાળુંકે, એક મિનિટ...’

સોમચંદે ખિસ્સામાંથી ફૅમિલી ફોટો કાઢીને ટેબલ પર મૂક્યો.

‘આ ફોટો જો બહેન... આ તારો ભાઈ અને તારાં ભાભી છેને?’

ફોટો જોઈને વૃદ્ધ દંપતી સાથે આવેલી છોકરીની આંખો પહોળી થઈ.

‘ના સાહેબ... આ મારો ભાઈ રાજુ નથી...’

‘શું બકવાસ કરે છે.’ સાળુંકેની કમાન છટકી, ‘આ જ રાજુ છે...’

‘ના સાહેબ, મારી પોયરી સાચું કે‘વા...’ વૃદ્ધ પિતા આગળ આવ્યા, ‘આમાં જે છોકરી છે તે શોભા છે પણ આ તો... આ તો અમારા ગામનો રાનુ છે, રાજુ નથી...’

‘ઓહ ગૉડ...’ સોમચંદની આંખોમાં ચમક હતી, ‘સાળુંકે, આ વડીલ પાસે ખોટું બોલવાનું કોઈ કારણ નથી. રમત જ ઊંધી રમાઈ રહી છે જેને આપણે ફોટોના આધારે રાજુ સમજીને લૉકઅપમાં પૂર્યો તે રાનુ છે. રાનુએ જ રાજુનું મહોરું પહેરી લીધું છે.’

‘જો લૉક-અપમાં રાનુ છે તો અસલી રાજુ અને બાળકો ક્યાં છે?’

‘સાળુંકે, રાજુ ક્યાં છે એ તો રાનુની ચામડી ઉતારીશું ત્યારે ખબર પડશે, પણ મને ટેન્શન પેલાં બે બાળકોનું છે. તે બન્ને છોકરાઓ મુશ્કેલીમાં છે...’

ઇન્સ્પેક્ટર સાળુંકેનો હાથ

પકડીને સોમચંદ લૉક-અપ તરફ આગળ વધ્યા.

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah