24 July, 2026 02:52 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
ધડામ...
અન્નાના જવાબની રાહ જોયા વિના સોમચંદે સીટી વગાડી એટલે બીજી સેકન્ડે અન્નાની પ્લાસ્ટિક રીસાઇકલ ફૅક્ટરીનો પાછળનો દરવાજો ધડાકાભેર તૂટ્યો અને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની આખી ફોજ સામે આવીને ઊભી રહી ગઈ.
‘અન્ના, આ જે આવ્યા છે એ લોકો પૂરેપૂરી તૈયારી સાથે આવ્યા છે... જોઈ લે.’ સોમચંદ ચાલતાં-ચાલતાં ટાસ્ક ફોર્સના એક ઑફિસર પાસે પહોંચ્યા, ‘જો આ તેના હાથમાં હૅન્ડગ્રૅનેડ... ને આ જો, દુનિયાની સૌથી ફાસ્ટ મશીનગન AK98.’
અન્નાની બોલતી બંધ થઈ ગઈ હતી.
‘અન્ના, એક વાત કહું છું, ધ્યાનથી સમજી લેજે...’ ટાસ્ક ફોર્સ તરફ હાથ કરતાં સોમચંદે કહ્યું, ‘જો તારા જેવો હરામી મરતો હોય તો હું ઇચ્છીશ કે મારા અને સાળુંકે સાથે ભલે આ પચાસ બાળકો પણ શહીદ થાય. અમને કોઈ ફરક નથી પડતો; પણ હા, દેશમાં મોટી શાંતિ થઈ જશે... હવે તું નક્કી કર કે તારે શું કરવું છે.’
અન્ના કંઈ બોલે એ પહેલાં અચાનક એ જગ્યાએ લાઇટ ગઈ અને બીજી જ સેકન્ડે ભયંકર અફરાતફરી મચી ગઈ. થયેલી એ અફરાતફરી વચ્ચે સોમચંદ અને ઇન્સ્પેક્ટર સાળુંકે પોતાની જાતને સાચવતાં સીધા દેવા અને મીનુ તરફ દોડ્યા.
lll
ધારાવીના શાહુનગરમાંથી પચાસ બાળકોને મુક્ત કરાવ્યા પછીની સવાર કાંદિવલી પોલીસ-સ્ટેશન માટે એક નવી આશા લઈને આવી હતી. ચાઇલ્ડ વેલ્ફેર ડિપાર્ટમેન્ટની ટીમે અનાથ બાળકોને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડવાની વ્યવસ્થા કરી તો જેમનાં માબાપ શોધવાનાં હતાં એની કામગીરી પણ શરૂ થઈ ગઈ. દેવા અને મીનુ માટે ઇન્સ્પેક્ટર સુરેશ સાળુંકે ખાસ પરમિશન લઈને તેમને પોલીસ-સ્ટેશને લાવ્યા.
સોમચંદે બાળકો માટે દૂધ, બિસ્કિટ અને ગરમ નાસ્તો મગાવ્યો હતો. નાની મીનુ સોમચંદના ખોળામાં બેસીને બિસ્કિટ ખાઈ રહી હતી, પણ ૮ વર્ષના મોટા ભાઈ દેવાના ચહેરા પરથી પોતાની માતા ગુમાવવાનું દુખ સ્પષ્ટ દેખાતું હતું.
રાનુ અને ધારાવીનો અન્ના
લૉક-અપમાં હતા. કાયદાકીય રીતે કેસ ઉકેલાઈ ગયો હતો. ૩ ખૂનનો આરોપી પણ પોલીસના સંકજામાં હતો તો બે માસૂમ જીવ પણ બચી ગયા હતા.
lll
‘સોમચંદ, ફાઇનલી કેસ સૉલ્વ થયો...’ બાળકોને સુવડાવીને સોમચંદ અને સાળુંકે ચેમ્બરમાં આવ્યા હતા, ‘બસ, હવે ચાર્જશીટ તૈયાર થઈ જાય એટલી વાર...’
‘સાળુંકે... દેખાય છે એટલું સહેલું પિક્ચર નથી... આખી ઘટનામાં એક કડી હજી ઓછી છે.’ સાળુંકેની આંખો પહોળી થઈ, ‘રાનુ મજૂર છે. તેને નામ પૂરતું લખતાં-વાંચતાં આવડે છે. રાનુ દારૂડિયો અને લુચ્ચો છે એ સાચું; પણ ૩ મર્ડર પ્લાન કરવાં, મર્ડર કરીને આટલા દિવસ ઓળખ બદલીને પોલીસને ગેરમાર્ગે દોરવી... આ બુદ્ધિ રાનુ જેવા સામાન્ય આદિવાસીની હોય એવું મને લાગતું નથી.’
‘મીન્સ...’
‘સાળુંકે, આ આખી રમત પાછળ કોઈ એવું છે જેના હાથમાં દોરીસંચાર હતો.’
સોમચંદે કેસના તમામ પુરાવાઓ ફરી ટેબલ પર પાથર્યા અને શોભાની બહેન ગીતાના નાના-સસ્તા પ્લાસ્ટિકના પાકીટ તરફ ઇશારો કર્યો.
‘સાળુંકે, આ પાકીટ જુઓ... ગીતા ધરમપુરથી મુંબઈ આવી ત્યારે તેના આ પાકીટમાં ધરમપુરની જિલ્લા સહકારી બૅન્કની એક જૂની પાસબુક હતી.’
‘હા, મેં રિપોર્ટમાં વાંચ્યું...’ સાળુંકેએ ફરી પાસબુક હાથમાં લીધી, ‘આ અકાઉન્ટમાં તો બારસો-તેરસો રૂપિયા પડ્યા છે.’
‘રાઇટ... પણ પાસબુકમાં વાળીને મૂકેલી આ રસીદ જુઓ...’ સોમચંદે એક ઝીણી કાગળની રસીદ સાળુંકે સામે ધરી, ‘આ રસીદ મૅક્સ-વિન લાઇફ ઇન્શ્યૉરન્સ કંપનીની છે. બે વર્ષ પહેલાં રાજુના નામે પૂરા ૫૦ લાખની વીમા પૉલિસી લેવામાં આવી હતી.’
‘બે વર્ષ પહેલાં અને એ પણ પ૦ લાખની ઇન્શ્યૉરન્સ પૉલિસી?’ સાળુંકેની આંખો ઝીણી થઈ, ‘બે વર્ષ પહેલાં તો તે ધરમપુર હતો... તો ત્યાં તેને પૉલિસી લેવાનું કેવી રીતે સૂઝ્યું હશે...’
‘ધેટ્સ ધ પૉઇન્ટ...’ સોમચંદના ફેસ પર સ્માઇલ આવ્યું, ‘બીજી વાત, ૫૦ લાખની પૉલિસીનું પ્રીમિયમ...’
‘હા, એ પણ હજારોમાં હોય. રાજુ એ ભરી જ ન શકે...’
‘હં... ત્રીજી વાત...’ સોમચંદે નવી વાત ઉમેરી, ‘એ પૉલિસીમાં નૉમિની તરીકે શોભાનું નામ હતું.’
‘તો એ પૈસા ક્યાં ગયા સોમચંદ?’
‘પહેલાં પૂરી વાત સાંભળ અને સમજ સાળુંકે...’ સોમચંદે ઘટસ્ફોટ કર્યો, ‘ઇન્શ્યૉરન્સ કંપનીની હેડ ઑફિસમાં તપાસ કરાવી તો ખબર પડી કે રાજુની પૉલિસીનું પ્રીમિયમ કૅશ નહોતું ભરાતું. દર ૩ મહિને વલસાડના એક બૅક-અકાઉન્ટમાંથી એ પેમેન્ટ ઑનલાઇન ટ્રાન્સફર થતું હતું.’
‘ઓહ...’
‘સાળુંકે, મને લાગે છે કે ત્યાં સુધી આ જે મર્ડર થયાં એની પાછળ માત્ર અફેર કે પારિવારિક ઝઘડા નહોતા પણ કદાચ... આઇ ઍમ નૉટ શ્યૉર પણ મહદંશે... આ જે ક્લેમના ૫૦ લાખ રૂપિયા આવ્યા હતા એ કારણ હતું.’ સોમચંદે ચોખવટ કરી, ‘શોભાની પણ પૉલિસી લેવાય છે, એ જ રીતે જે રીતે રાજુની લેવામાં આવી હતી; પણ એમાં હજી એક જ પ્રીમિયમ ભરાયું છે... બને કે તેને પણ બે વર્ષ જીવતી રાખવાની હોય, પણ એ પહેલાં કંઈક એવું બન્યું જેને લીધે શોભાને રસ્તામાંથી હટાવવી પડી.’
‘મતલબ કે આ બધા પાછળ રાનુ છે...’ સાળુંકેએ રાડ પાડી, ‘એય, રાનુનું લૉક-અપ ખોલ... જલદી...’
lll
‘સાલા, સાચું બોલ... તેં વીમાની રકમ માટે રાજુને માર્યો હતોને?’
રાનુ ધ્રૂજી ગયો, તેણે હાથ જોડ્યા.
‘ના સાહેબ, મને એની ખબર પણ નથી.’ રાબેતા મુજબ જ રાનુનો હાથ ફરી તેની ગરદન પર ગયો અને તેણે સમ ખાધા, ‘તમે કહો તેના સોગન... મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે શોભા તો મને પૈસા માટે બ્લૅકમેઇલ કરતી હતી. કહેતી હતી કે જો તું મને પૈસા નહીં આપે તો હું બધાને બધું કહી દઈશ... મેં કંઈ નથી કર્યું સાહેબ...’
સટાક...
‘માયલા, ખોટું બોલે છે, હજી અમને રમાડે છે.’
સાળુંકે રીતસર રાનુ પર તૂટી પડ્યા. જોકે થોડી ધોલધપાટ પછી સોમચંદે જ તેને રોક્યા અને કહ્યું, ‘સાળુંકે, રાનુ સાચું બોલે છે. તેણે પૈસા માટે કંઈ નથી કર્યું...’
‘તો...’
‘તેની પાસે પૈસા માટે કોઈએ આ કામ કરાવ્યું છે.’ સોમચંદે રાનુની આંખોમાં જોયું, ‘જે માણસ રાજુનું પ્રીમિયમ ભરતો હતો, અસલી સૂત્રધાર તે જ છે... અને રાનુ તેના માટે કામ કરે છે.’
‘ના સાહેબ, હું... હું કોઈના માટે કામ નથી કરતો... હું કોઈને ઓળખતો નથી.’
‘એ વાત આપણે કાલે કરીશું રાનુ... આજનો દિવસ તું જીવી લે...’
સોમચંદ બહાર નીકળી ગયા અને રાનુ ધબકારો ચૂકી ગયો.
પહેલી વાર તેને ડર લાગ્યો કે હવે તે વધારે લાંબો સમય કોઈને બચાવી નહીં શકે.
lll
‘હું સોમચંદ શાહ બોલું છું, કાંદિવલી પોલીસ-સ્ટેશનમાંથી...’ સોમચંદે વલસાડની બૅન્કમાં મૅનેજરને ફોન લગાવ્યો હતો, ‘સાહેબ, મને તમારી એક હેલ્પ જોઈએ છે. એક ઇન્શ્યૉરન્સ કંપનીમાં તમારે ત્યાંના એક સેવિંગ્સ અકાઉન્ટમાંથી પ્રીમિયમ ભરાતું. હું તમને અકાઉન્ટ-નંબર આપું, મને તે માણસની ડીટેલ જોઈએ છે.’
‘હું ન આપી શકું મિસ્ટર શાહ.’ મૅનેજરે નમ્રતા સાથે કહ્યું, ‘એ કોઈની પર્સનલ ઇન્ફર્મેશન છે, જે શૅર કરવાની અમને મનાઈ છે.’
‘જો હું તમને એમ કહું કે એ ફન્ડથી દેશના વડા પ્રધાન પર હુમલો કરવાનું પ્લાનિંગ ચાલતું હતું તો પણ તમે તમારા નિયમો સાથે વળગેલા રહેશો કે પછી પોલીસને હેલ્પ કરવા રાજી થશો?’ સોમચંદે પણ વિનમ્રતા સાથે જ વાત કરી, ‘હું જે માગું છું એ કથિત આરોપીના અકાઉન્ટની ડીટેલ હોય શકે છે. પોલીસને સપોર્ટ કરશો તો મારે તમારા સુરતના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બલવંતસિંહ મોરીને એક ફોન માટે હેરાન નહીં કરવા પડે.’
‘સવારે ૧૦ વાગ્યે આપું તો ચાલે કે અત્યારે જ ડીટેલ જોઈએ છે?’
મૅનેજર જલેબીના ગૂંચળામાંથી ફાફડા જેવો થઈ ગયો એટલે સોમચંદના ફેસ પર સ્માઇલ આવી ગયું.
‘હું તમને અકાઉન્ટની ડીટેલ મોકલી રાખું છું, સવારે તમે બધી વિગત મોકલી દેશો તો ચાલશે.’
lll
સવારે સવાદસ વાગ્યે બૅન્કમાંથી તે અકાઉન્ટહોલ્ડરની વિગતો આવી ગઈ.
‘સોમચંદ, આ અકાઉન્ટ તો રાજુ કે રાનુનું નથી... આ કાંદિવલીની આ જ ભદ્રાવતી ચાલીના માલિક અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કૉન્ટ્રૅક્ટર મગનલાલ કાપડિયાનું છે.’
મગનલાલ કાપડિયા કાંદિવલીનો જાણીતો બિલ્ડર હતો. એ ધરમપુર-વલસાડ બાજુએથી સસ્તા મજૂરો મુંબઈ લાવતો અને પોતાની કન્સ્ટ્રક્શન-સાઇટ પર કામે રાખતો અને પોતાની ચાલીમાં રહેવા રૂમ પણ આપતો.
‘ઓહ, હવે આખી ચેઇન પૂરી થઈ...’ સોમચંદના મગજમાં આ રમતનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું, ‘મગનલાલ દક્ષિણ ગુજરાતથી ગરીબ આદિવાસી મજૂરોને મુંબઈમાં પોતાની સાઇટ પર કામે રાખતો. પછી તેમના નામે મોટી રકમનો વીમો ઉતરાવતો. રાનુ અને શોભા વચ્ચે અફેર કરાવીને તેણે જ રાજુની હત્યાનો પ્લાન બનાવ્યો. મગનલાલને ખબર હતી કે રાજુ મરશે એટલે ૫૦ લાખ શોભાને મળશે, પણ શોભા આડી ચાલી એટલે રાનુને કહીને મગનલાલે તેને રસ્તામાંથી હટાવી.’
‘શોભાનું સમજાણું પણ સોમચંદ, આમાં ગીતાનું મર્ડર શું કામ?’
‘સિમ્પલ... ગીતાને મગનલાલના આ કાંડની ખબર પડી ગઈ હોવી જોઈએ. બને કે ગીતાએ થોડી પૂછપરછ કરી હોય અને તેને ખબર પડી હોય કે મગનલાલે અગાઉ પણ આવાં કામો કર્યા છે જેને લીધે મગનલાલે જ રાનુ પાસે ગીતાને પણ રસ્તામાંથી દૂર કરાવી... શોભાને રસ્તામાંથી હટાવવાની હતી અને રાજુની જેમ જ તેનો ઇન્શ્યૉરન્સ પણ ક્લેમ કરવાનો હતો, પણ એ પહેલાં જ શોભાએ આડાઈ કરી એટલે શોભાને થોડી વહેલી રસ્તામાંથી હટાવવી પડી.’
સોમચંદે આખી ઘટનાનું તારણ કાઢતાં કહ્યું, ‘સાળુંકે, મગનલાલ શાતિર છે. તેને ક્લિયરલી ખબર છે કે રાનુ મૂર્ખની જેમ જેલમાં પુરાશે એટલે આપણે... રાધર, પોલીસ... આખો કેસ સૉલ્વ થઈ ગયો એવું ધારીને ચૂપ થઈ જશે.’
‘માયલા...’ સાળુંકેએ જીપની ચાવી હાથમાં લીધી, ‘ચાલો સોમચંદ, આ મગનલાલ કાપડિયાને ઉપાડી લાવીએ...’
lll
સાળુંકે, સોમચંદ અને ૪ કૉન્સ્ટેબલ બોરીવલીમાં આવેલી મગનલાલની ઑફિસ પર પહોંચ્યા, પણ ઑફિસ લૉક હતી. આજુબાજુની ઑફિસવાળા પાસેથી ખબર પડી કે મગનલાલ અડધા કલાક પહેલાં ઉતાવળે નીકળી ગયા.
‘સાલો, ભાગી ગયો...’ સાળુંકે ફ્ર્સ્ટ્રેટ થઈ ગયા, ‘તેને ખબર પડી ગઈ કે આપણે તેના સુધી પહોંચી ગયા...’
મગનલાલનું ભાગી જવું પોલીસ માટે મોટો આંચકો હતો. સોમચંદ શાંતિથી ઑફિસની બહાર ઊભા રહ્યા અને તેમનું ધ્યાન ઑફિસની બહાર બોર્ડ પર લખેલા લૅન્ડલાઇન નંબર પર પડી, જે તેણે તરત નોંધી લીધા.
‘સાળુંકે, સીઝન્ડ આરોપી ક્યારેય પોતાના પૈસા મૂકીને ભાગતો નથી. મગનલાલ ભલે ભાગી ગયો, પણ તેની નેક્સ્ટ ચાલ ક્લિયર છે.’ સોમચંદે ચોખવટ કરી, ‘મગનલાલ વીમાની રકમ ક્લેમ કરવા વલસાડ જશે...’
‘વલસાડ જવું છે?’
‘ના...’ સોમચંદે સાળુંકેની સામે જોયું, ‘વલસાડ જતાં પહેલાં તે રાનુને કાયમ માટે શાંત કરશે. બાકી રાનુ તેને ખુલ્લો પાડી દેશે...’
જાણે કે સોમચંદની વાતમાં સાક્ષી પુરાવવી હોય એમ એ જ સમયે સાળુંકેનો મોબાઇલ રણકી ઉઠ્યો.
‘બોલ તામ્બે...’
‘સાહેબ, પોલીસ-ક્વૉર્ટરમાં પેલા બે છોકરાઓને રાખ્યા હતાને ત્યાં મજૂરના વેશમાં બે અજાણ્યા માણસો ઘૂસી ગયા. તેઓ બાળકોને કિડનૅપ કરવા આવ્યા હતા, પણ બાળકોએ દેકારો કર્યો અને સ્ટાફને ખબર પડી ગઈ એમાં તે બન્ને ભાગી ગયા.’
આ સાંભળીને સાળુંકેના હોશ ઊડી ગયા. સોમચંદના ચહેરા પર ટેન્શન પ્રસરી ગયું.
મગનલાલ કોઈ પુરાવો છોડવા માગતો નહોતો. રાજુ અને શોભાના કાયદેસરના વારસદારો દેવા અને મીનુ હતાં. તેઓ જીવતા રહે તો વીમાની રકમ બાળકોને મળે. એવું ન થાય એટલે મગનલાલે પોતાના માણસોને એ બે બાળકોને ખતમ કરવા મોકલ્યા હતા.
(આવતી કાલે સમાપ્ત)