25 May, 2026 10:18 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
બોરીવલી-વેસ્ટની અલકાપુરી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેવું એ મોભો ગણાતો અને એ મોભાને ધ્યાનમાં રાખીને જ શાહ પરિવાર છેલ્લા ૩ દસકાથી અલકાપુરી છોડતો નહોતો. ગૌતમ શાહે પોતાની મહેનત, કોઠાસૂઝ અને પ્રામાણિકતાથી વૈષ્ણવ સમાજમાં અદનું સ્થાન મેળવ્યું હતું. આખું બોરીવલી ગૌતમભાઈને પરમ ધાર્મિક, પરોપકારી, ગૌસેવા કરનારા અને અત્યંત સીધા માણસ તરીકે જોતું; પણ આજે તેમના ફ્લૅટ-નંબર ૭૦૨ના આલીશાન લિવિંગ રૂમમાં ગંભીરતા પ્રસરેલી હતી.
લિવિંગ રૂમની દીવાલ પર ગૌતમભાઈની તાજી મઢાવેલી ફોટોફ્રેમ લટકતી હતી જેના પર ચંદન અને સુખડનો હાર હતો. ફોટોની બરાબર નીચે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત હતો જેની જ્યોત રૂમમાં ફેલાયેલા અંધકારને ચીરવાનો નિષ્ફળ પ્રયાસ કરતી હતી. ગૌતમભાઈની વિદાયને હજી માંડ ૧૦ દિવસ થયા હતા. પરિવાર હજી આઘાત અને શોકમાંથી બહાર નહોતો આવ્યો. શશી તરીકે ઓળખાતો ગૌતમભાઈનો મોટો દીકરો શશિકાંત શાહ સોફા પર બેઠો હતો. શશીથી થોડે દૂર નાનો ભાઈ અરુણ બેઠો હતો.
રસોડાના લાકડાના દરવાજાના ટેકે શશીનાં મમ્મી મંગળાબા ઊભાં હતાં. મંગળાબાના ચહેરા પર વર્ષોની પરંપરાગત ભક્તિ, કપાળ પર મોટું તિલક અને આંખોમાં એક સાત્ત્વિક શાંતિ દેખાતી હતી; પણ પતિના અવસાન પછી તેમના ચહેરાનું નૂર ખોવાઈ ગયું હતું. આખો દિવસ માળા ફેરવતો તેમનો હાથ આજે સ્થિર હતો.
‘શશી બેટા...’ મંગળાબાએ અત્યંત ધીમા અને ધ્રૂજતા અવાજે પૂછ્યું, ‘તારા બાપુજીના ગયા પછી આ સોસાયટીની કમિટીના લોકો અને બજારના વેપારીઓ જે વાતો કરે છે એ શું સાચી છે? ઑફિસના લૉકરમાંથી કઈ ફાઇલો ગાયબ થઈ છે? બજારમાં લોકો કેમ એવું કહે છે કે ગૌતમભાઈ કંઈક મોટું મૂકીને ગયા છે?’
ઊંડો શ્વાસ લઈને શશીએ મંગળાબા સામે જોયું.
‘બા, તમે ચિંતા ન કરો. બોરીવલીની જે મોહિનીદેવી ધાર્મિક સમિતિના બાપુજી સેક્રેટરી હતા એના હિસાબોમાં થોડી મૂંઝવણ છે. બાપુજીએ જિંદગીમાં ક્યારેય ખોટું કામ કર્યું નથી. એકાદ દિવસમાં હું કમિટીના ટ્રસ્ટીઓ સાથે બેસીને ચોખવટ કરી દઈશ. તમે બસ ભગવાનનું નામ લો.’
જવાબ તો શશીએ આપી દીધો, પણ અંદરખાને તે જાણતો હતો કે સત્ય જુદું અને અત્યંત ભયાનક હતું. ગૌતમભાઈ જે મોહિનીદેવી સેવા ટ્રસ્ટ ચલાવતા હતા એ માત્ર ભજન-કીર્તન કે ગૌસેવા કરતી ધાર્મિક સંસ્થા નહોતી. આ ટ્રસ્ટની આડમાં મુંબઈના મોટા બિલ્ડરો, લોકલ નેતાઓ અને સરકારી બાબુઓના બ્લૅક મનીને વાઇટ કરવાનું મોટું નેટવર્ક ચાલતું. આ સત્યની શશીને બાપુજીના અવસાનના ૪૮ કલાક પહેલાં જ ખબર પડી હતી.
lll
ICUમાં ગૌતમભાઈના અંતિમ શ્વાસ ચાલતા હતા. તેમણે શશીનો હાથ પકડ્યો હતો. બોલવામાં તકલીફ પડતી હતી છતાં તેમણે પ્રયાસ કર્યો...
‘શશી, મેં જે કંઈ કર્યું એ તમારા ભવિષ્ય માટે કર્યું... આ મુંબઈમાં જીવવા માટે પૈસો જોઈએ...’ ગૌતમભાઈનો અવાજ ધ્રૂજતો હતો, ‘શશી, આ બધું કાંદિવલીના કાનજીને ખબર છે... તેનાથી સાવધાન...’
વાક્ય પૂરું થાય એ પહેલાં જ ગૌતમભાઈનો શ્વાસ થંભી ગયો.
lll
બપોરના બરાબર અઢી વાગ્યા હતા.
મુંબઈની કાળઝાળ મે મહિનાની ગરમી વચ્ચે બોરીવલીની અલકાપુરી સોસાયટીના કમ્પાઉન્ડમાં એક વિચિત્ર સન્નાટો હતો અને ફ્લૅટ-નંબર ૭૦૨ની ડોરબેલ એકાએક વાગી.
ડિન્ગ ડૉન્ગ...
ડોરબેલના અવાજમાં ઉતાવળ પણ હતી અને આક્રમકતા પણ.
અરુણે દરવાજો ખોલ્યો. દરવાજો ખૂલતાંની સાથે જ પચાસેક વર્ષનો પડછંદ, કદાવર અને ભયાનક ચહેરાવાળો શખ્સ અંદર ઘૂસી આવ્યો. તેણે ડાર્ક બ્લૅક કલરનું શર્ટ પહેર્યું હતું. શર્ટનાં ૩ બટન ખુલ્લાં હતાં જેમાંથી છાતીના વાળ અને ગળામાં રહેલી સોનાની જાડી ચેઇન દેખાતાં હતાં. તે શખ્સની આંખો લાલચોળ હતી જેમાં ક્રૂરતા અને નશો સ્પષ્ટ દેખાતાં હતાં. તેની પાછળ બે ગુંડા હાથ ક્રૉસ કરીને ઊભા હતા.
‘કોણ તમે? અને આ રીતે...’
અરુણ હજી બોલવાનું પૂરું કરે એ પહેલાં પેલા શખ્સે અરુણને જોરથી ધક્કો માર્યો.
‘તમે કોણ?’ શશી તરત સોફા પરથી ઊભો થયો, ‘આમ કોઈના ઘરમાં અવાતું હશે? બહાર નીકળો...’
પેલો શખ્સ ખડખડાટ હસ્યો અને પછી લિવિંગ રૂમની દીવાલ પર રહેલી ગૌતમભાઈની તસવીર સામે હાથ જોડ્યા.
‘વાહ ગૌતમશેઠ વાહ! તમે તો ઉપર જતા રહ્યા... પણ પાછળ આ કરોડોનો ફ્લૅટ, આ આલીશાન લાઇફસ્ટાઇલ અને આ લોકો મૂકતા ગયા...’ શખ્સ હવે શશી સામે ફર્યો, ‘શશીબાબુ, ઓળખાણ આપી દઉં... હું કાનજી! તમારા બાપુજીનો પરમ મિત્ર, તેમની જમણી આંખ અને તેમના દરેક કાળા-ધોળા ધંધાનો પચાસ ટકાનો ભાગીદાર!’
કાનજી નામ સાંભળતાં જ શશીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યાં સુધીમાં મંગળાબા પણ રસોડામાંથી બહાર આવી ગયાં હતાં.
‘કાનજીભાઈ...’ મંગળાબાએ હાથ જોડીને કહ્યું, ‘શશીના પપ્પાને ગયાને હજી ૧૦ દિવસ માંડ થયા છે, અમારું સૂતક પણ હજી ઊતર્યું નથી. તમારે જે વાત કરવી હોય એ પછી આવીને કરજો... અત્યારે તમે જાવ...’
‘અરે બેન!’ કાનજીએ સામા હાથ જોડ્યા, ‘તમારો શોક આખી જિંદગી ચાલે એટલે થોડો મારા ઘરે શોક શરૂ કરાય છે. તમારા પતિએ મોહિની ટ્રસ્ટમાં બિલ્ડરો પાસેથી જે કરોડો રૂપિયા રોકડા લીધા એમાં ૭૫ લાખ મારા ભાગના હતા. એ પૈસા ગૌતમભાઈ સાથે ઉપર તો નથી જ લઈ ગયા. એ કાં તો આ ઘરની તિજોરીમાં છે ને કાં તો લૉકરમાં છે. મને મારો ભાગ આપી દો એટલે હું નીકળી જઉં...’
‘અમારી પાસે કોઈ પૈસા નથી. તમે અત્યારે ઘરમાંથી બહાર નીકળો, નહીં તો હું પોલીસને ફોન કરીશ...’
‘પોલીસ?’ પોલીસનું નામ સાંભળતા કાનજી ખડખડાટ હસ્યો, ‘શશીબાબુ, પોલીસ પાસે જશો તો તમારા પપ્પાની આબરૂ જશે. બાકી યાદ રાખજો, ટ્રસ્ટમાં થયેલાં તમામ ખોટાં કામની ફાઇલો મારી પાસે છે. ઍન્ટિ-કરપ્શન બ્યુરોના ઑફિસર મોહનદાસની નજર ટ્રસ્ટ પર છે. તેણે દોઢ કરોડ માગ્યા છે, ફાઇલ બંધ કરવા. મેં મારા ૭૫ લાખ આપવાની હા પાડી દીધી છે, બાકીના ૭૫ લાખ તમારે આપવા પડશે. જો સવાર સુધીમાં મને મારા પૈસા મળ્યા નહીં તો હું આ બધી ફાઇલો તેને સોંપી દઈશ...’
કાનજીની વાત સાંભળીને હાજર સભ્યો સ્તબ્ધ થઈ ગયા. અરુણને ગુસ્સો આવતો હતો તો મંગળાબાના હાથમાંથી માળા પડી ગઈ અને શશી સમજી ગયો કે કાનજી કઈ હદે હરામીપંતી પર ઊતરી શકે એવો છે.
શશીએ વાતાવરણને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.
‘કાનજીભાઈ, તમે જે ઑફિસર મોહનદાસની વાત કરો છો એના માટે કાં તો અમને થોડો સમય આપો અને કાં તો તે ઑફિસર સાથે અમારી ડાયરેક્ટ મુલાકાત કરાવો, અમે તેમને સમજાવીશું.’
‘ઑફિસર સાથે ડાયરેક્ટ વાત કરવાની તારી ઓકાત નથી શશી!’ કાનજીના અવાજમાં કડકાઈ હતી, ‘ડીલ મારે કરવાની છે. મને સવારે ૧૦ વાગ્યા સુધીમાં મારી ઑફિસે ૭૫ લાખ રૂપિયા રોકડા જોઈએ. જો પૈસા ન પહોંચ્યા તો વસઈમાં રહેતી તારી સગી બહેન શ્રીલતાના પતિના ઘરે પણ પોલીસની રેઇડ પડશે. તારા બાપે તેના નામે પણ બેનામી પ્રૉપર્ટીઓ લીધી છે, એ પેપર્સ પણ મારી પાસે છે.’
‘ના, ના! મારી દીકરીના ઘરે કંઈ થવું ન જોઈએ...’ મંગળાબાએ કાનજીભાઈ સામે હાથ જોડ્યા, ‘અમારા પર દયા કરો... થોડાક દિવસ સાચવી લો...’
‘હવે કોઈનો સમય સાચવવામાં આવશે નહીં...’ કાનજીએ લિવિંગ રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો, ‘હું અહીંથી હલવાનો નથી. મને હમણાં ટોકન અમાઉન્ટ તરીકે પાંચ લાખ રૂપિયા રોકડા જોઈએ, બાકીના ૭૦ કાલે સવારે.’
કાનજી લિવિંગ રૂમમાં રાજાની જેમ બેઠો અને ટીવી ચાલુ કરીને મૅચ જોવા લાગ્યો. શશી અને અરુણ રસોડામાં ગયા. તેમની પાછળ ધ્રૂજતા પગલે મંગળાબા પણ આવ્યાં તો પાછળ વહુઓ પણ આવી ગઈ. રસોડાનો દરવાજો અડધો બંધ કરીને અરુણે શશી સામે જોયું.
‘ભાઈ, હવે કરવાનું શું? આ માણસ હરામખોર છે... જો આ માણસ બહાર જઈને પોલીસને બધું કહી દેશે તો બાપુજીની આખી જિંદગીની આબરૂ ધૂળધાણી થઈ જશે, સોસાયટીના લોકો આપણી સામે થૂ-થૂ કરશે.’
શશીના કપાળ પર પરસેવાનાં ટીપાં જામી ગયાં હતાં.
‘મને પણ કંઈ સમજાતું નથી. નથી ઘરમાં પૈસા કે આપણે આ કાનજીને આપી શકીએ...’ શશીએ અરુણની સામે જોયું, ‘આ કાનજી આપણી લાચારીનો ગેરફાયદો લે છે. તે આપણને આર્થિક અને સામાજિક રીતે જીવતા મારી નાખશે.’
મંગળાબાનાં આંસુ રોકાતાં નહોતાં. તેમણે સાડીના છેડાથી પોતાની આંખો લૂછી.
‘શશી, ગમે એમ કરીને તેને શાંત કરો. પગે પડવું પડે તો પગે પડ... તારી બહેનનું ઘર ભાંગી જશે તો હું જીવતી નહીં રહું.’
એ જ સમયે લિવિંગ રૂમમાંથી કાનજીનો કર્કશ અવાજ આવ્યો...
‘એય, ક્યાં મરી ગયા બધા. પૈસાની વ્યવસ્થા કરો. મારી પાસે બહુ સમય નથી. કાં પૈસાનું કરો કાં પોલીસ માટે તૈયાર રહો...’
શશી અને મંગળાબા રસોડામાંથી બહાર આવી ગયાં હતાં.
‘કાનજીભાઈ, પ્લીઝ અવાજ ધીમો રાખો. પાડોશી સાંભળશે તો ખોટી બદનામી થશે.’ શશીએ હાથ જોડ્યા, ‘સોસાયટીમાં અમારી આબરૂ બહુ સારી છે.’
‘તો મને મારા પૈસા આપો ને વાત ટૂંકાવો...’
સોફા પરથી ઊભા થઈને કાનજીએ શશીનો કૉલર પકડી લીધો. તેની લાલ આંખો શશીના ચહેરાની સાવ નજીક હતી.
‘મને મારો ભાગ દે ને કાં તારો જીવ દે...’
કાનજીએ ગુસ્સામાં શશીને જોરથી ધક્કો માર્યો. શશીનું બૅલૅન્સ ગયું અને તે લિવિંગ રૂમના કાચના સેન્ટર ટેબલ સાથે જોરથી અથડાઈને જમીન પર પડ્યો. કાચ તૂટ્યો તો નહીં, પણ શશીનું માથું ટેબલની લાકડાની ધાર સાથે એટલા જોરથી ભટકાયું કે તેના કાનની ઉપરના ભાગમાંથી લોહી વહેવા માંડ્યું.
સગા મોટા ભાઈની આવી હાલત જોઈને અરુણ ઊકળી ઊઠ્યો.
‘મારા ભાઈ પર હાથ ઉપાડવાની હિંમત કરી?’
અરુણે કાનજીને જોરથી ધક્કો માર્યો. મજબૂત બાંધાના કાનજીને અરુણના ધક્કાની ખાસ કંઈ અસર થઈ નહીં અને તેણે વળતો ઘા કરીને અરુણના પેટ પર જોરથી લાત મારી. અરુણ લિવિંગ રૂમના ખૂણામાં જઈને પડ્યો. કાનજી હવે બેકાબૂ થઈ ગયો હતો. તે જોરજોરથી ગાળો દેવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો.
‘તમારી આટલી હિંમત! કાનજી પર હાથ ઉપાડ્યો... હવે હું તમને જેલભેગા કરીશ, રસ્તા પર ભિખારી બનાવીશ. હવે આખી સોસાયટીને ભેગી કરું અને પોલીસને બોલાવું, જુઓ તમે...’
કાનજી ગુસ્સામાં લાલચોળ થઈને મેઇન ડોર તરફ ભાગ્યો અને મંગળાબા ક્ષણનો પણ વિચાર કર્યા વિના દોડીને કાનજી અને મેઇન ડોરની વચ્ચે ઊભાં રહી ગયાં.
‘કાનજીભાઈ, પ્લીઝ... મારા છોકરાઓથી ભૂલ થઈ ગઈ. હું તમારા પગે પડું છું. અત્યારે આ બધું રહેવા દો...’
મંગળાબાએ કાનજીને રોકવાનો પ્રયાસ કર્યો, પણ કાનજી માતેલા સાંઢ જેવો થઈ ગયો હતો. તે કંઈ સાંભળવા કે સમજવા રાજી નહોતો. કાનજીએ મંગળાબાને પણ જોરથી ધક્કો મારીને રસ્તામાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો.
‘એય ડોશી, આઘી ખસ... હવે તું જો, તમારી આબરૂની તો હું...’
પાડોશીઓ કાનજીની બૂમો ન સાંભળે અને સોસાયટીમાં કોઈને ખબર ન પડે એવા હેતુથી મંગળાબાએ પાછળથી કાનજીનું મોઢું પોતાના બન્ને હાથથી દબાવી દીધું. તેમનો હેતુ માત્ર કાનજીનો અવાજ બંધ કરવાનો હતો. બરાબર એ જ ક્ષણે શશી જમીન પરથી બેઠો થયો અને તેણે કાનજીને પાછળથી પકડી રાખવા માટે, તેને દરવાજા તરફ જતો રોકવા માટે, પોતાનો આખો હાથ કાનજીના ગળા અને ખભાની ફરતે વીંટાળીને તેને મજબૂતાઈથી પાછળ ખેંચ્યો. ખૂણામાંથી અરુણ પણ દોડ્યો અને તેણે કાનજીના બન્ને પગ નીચેથી પકડી લીધા જેથી તે હલનચલન ન કરી શકે અને લાત ન મારી શકે.
કાનજી હવે શાહ પરિવારના ૩ સભ્યોની વચ્ચે બરાબરનો ફસાઈ ગયો હતો. તે પોતાનું મોં અને ગળું છોડાવવા માટે તરફડિયાં મારવા લાગ્યો. તેનું ભારેખમ શરીર હવામાં ફંગોળાવા લાગ્યું. શાહ-સભ્યો પણ અત્યારે આબરૂ બચાવવાના મરણિયા પ્રયાસમાં હતા. કાનજી પોતાનું જોર વધારતો ગયો એમ-એમ મંગળાબાએ પણ તેનું મોઢું વધારે જોરથી દબાવ્યું અને શશીએ કાનજીને કાબૂમાં લેવાના, પાછળ ખેંચવાના ચક્કરમાં પોતાનો હાથ કાનજીના ગળા ફરતે વધુ કસ્યો.
શ્વાસ અધ્ધર કરી દેનારી ઝપાઝપી માત્ર દોઢ કે બે મિનિટ ચાલી. કાનજીનું આખું શરીર એકાએક જોરથી ઝટકા મારવા લાગ્યું અને પછી લિવિંગ રૂમના એ સન્નાટામાં સહેજ અમસ્તો અવાજ આવ્યો.
કટાક...
(ક્રમશ:)