✕

The Perfect Doubt : સો ટકા એવું જ બન્યું છે! (પ્રકરણ ૨)

29 September, 2026 12:11 PM IST  |  Mumbai | Rashmin Shah

સેશન્સ કોર્ટમાં દેવેન સંઘવી સામે પત્ની મીરાની હત્યાનો કેસ આગળ વધે છે. કેમિસ્ટ અને કાંતાબહેનની જુબાની બાદ મીરાની ફાટેલી ડાયરીનાં પાનાંની ફૉરેન્સિક તપાસથી કેસમાં નવો વળાંક આવે છે.

ઇલસ્ટ્રેશન

ફોર્ટમાં આવેલી મુંબઈની સેશન્સ કોર્ટની ઇમારત સવારથી જ વકીલો, પત્રકારો અને ઉત્સુક લોકોથી ખીચોખીચ ભરેલી હતી. ગૉથિક શૈલીની ઊંચી કમાનો અને પથ્થરની ભીંતો વચ્ચે પંખાઓનો ધીમો અવાજ ઘૂમરાતો હતો, પણ રૂમ-નંબર ૧૪ની અંદરનું વાતાવરણ તનાવની સાથોસાથ ઉત્તેજનાથી ધગધગતું હતું.
આ કેસ માત્ર એક હત્યાનો કેસ નહીં; શહેરના સૌથી ધનિક, તેજસ્વી અને પ્રતિષ્ઠિત સિનિયર ઍડ્વોકેટ દેવેન સંઘવીની પોતાની જ પત્ની મીરા સંઘવીની હત્યાના આરોપસર ચાલનારો કેસ હતો.
કઠેડામાં ઊભેલા દેવેન સંઘવીના ચહેરા પર જેલની રાતોનો થાક હતો, સફેદ લિનનના કુરતા પર કરચલીઓ હતી; પણ તેમની આંખોમાં અડગ તેજ અને વકીલાતનો વર્ષોનો આત્મવિશ્વાસ અકબંધ હતો. સૌને આશ્ચર્ય એ વાતનું હતું કે મુંબઈના મોટા-મોટા ધારાશાસ્ત્રીઓ દેવેનનો બચાવ કરવા તૈયાર હતા, છતાં દેવેને જાહેર કર્યું હતું કે ‘હું મારો કેસ જાતે જ લડીશ.’
જસ્ટિસ અરુણ દેશમુખે આવીને પોતાની બેઠક લીધી કે તરત તેમની કડક નજરે અદાલતમાં પિન-ડ્રૉપ સાઇલન્સ સર્જી દીધું. જસ્ટિસ અરુણ દેશમુખે ચશ્માં સરખાં કર્યાં અને ફાઇલ પર નજર કરી.
‘સ્ટેટ વર્સસ દેવેન સંઘવી. પબ્લિક પ્રોસિક્યુટર સુહાસ પાટીલ... કોર્ટની કાર્યવાહી શરૂ કરો.’
સરકારી વકીલ સુહાસ પાટીલ ઊભા થયા. તેમની બાજુની ખુરસીમાં ડિટેક્ટિવ સોમચંદ બેઠા હતા. સુહાસ પાટીલ કોઈ પણ પગલું ભરતાં પહેલાં સોમચંદની આંખોના ઇશારાની રાહ જોતા.
‘યૉર ઓનર...’ સુહાસ પાટીલે ગંભીર અવાજે શરૂઆત કરી, ‘આ કેસ માનવતાને લજવતો, લાલચ અને દગાબાજીનો નિર્દયી કિસ્સો છે. આરોપી દેવેન સંઘવી માત્ર કાયદાના રક્ષક નહીં, એક કૅન્સરપીડિત અસહાય પત્નીના રક્ષક પણ હતા. જોકે જ્યારે માણસના માથે ૪૦ કરોડનું દેવું આવી પડે, વ્યાજખોરો ધમકી આપવા માંડ્યા હોય ત્યારે માનવીય સંબંધો રૂપિયા સામે હારી જાય છે. મીરા સંઘવીના નામે પચીસ કરોડની લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી લેવાયેલી હતી. એમાં ક્લિયર સૂચના હતી કે નૅચરલ ડેથમાં ૧૦ ટકા અને મર્ડર જેવા સંજોગોમાં પૂરા પચીસ કરોડનો ક્લેમ મળશે. જો ક્લેમની રકમ જોઈતી હોય તો મીરાએ મરવું પડે. તેનું ઍક્સિડન્ટલ ડેથ જ થવું જોઈ જે પ્લાન દેવેને બનાવ્યો. દેવેને મર્ડર કર્યું. મર્ડર એવી રીતે કર્યું કે જો આ ડેથ ઍક્સિડન્ટલ ન રહે તો નૅચરલ લાગે અને તેને ૧૦ ટકા ક્લેમ મળે અને ધારો કે ઍક્સિડેન્ટલ ડેથ સાબિત થઈ જાય તો... પણ પાપ પકડાઈ ગયું અને દેવેન નામનો હત્યારો તમારી સામે છે.’
કોર્ટરૂમમાં ગણગણાટ ફેલાયો, જે થોડી ક્ષણો પછી શાંત થયો એટલે સુહાસ પાટીલે વાત આગળ વધારી...
‘યૉર ઓનર, આ માત્ર અનુમાન નથી. અમારી પાસે ફૉરેન્સિક પુરાવા અને વ્યક્તિગત સાક્ષી છે. હું પ્રોસિક્યુશનના પ્રથમ સાક્ષીને બોલાવવાની પરવાનગી માગું છું. તે છે રમેશ ચોકસી, ફોર્ટમાં આવેલા અપોલો મેડિકોઝના મૅનેજર...’
lll
રમેશ ચોકસીએ ગીતા પર હાથ મૂકીને સોગંદ લીધા અને સુહાસ પાટીલે તેની સામે એક ડૉક્યુમેન્ટ ધર્યો.
‘મિસ્ટર ચોકસી, કોર્ટને જણાવો કે મીરા સંઘવીના શરીરમાંથી જે ઘાતક દવા મૉર્ફીન-હાઇડ્રોકોડોન ઓવરડોઝ માત્રામાં મળી એ દવા સામાન્ય રીતે ઓવર-ધ-કાઉન્ટર એટલે કે કોઈ પણ માણસને સરળતાથી મળી શકે ખરી?’
‘ના, બિલકુલ નહીં,’ કેમિસ્ટે ધ્રૂજતા અવાજે જવાબ આપ્યો, ‘સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરના સહી-સિક્કાવાળા પ્રિસ્ક્રિપ્શન વિના એ એક ગ્રામ પણ ન વેચી શકાય.’
‘તો તમારા મેડિકલ સ્ટોરમાંથી ઘટનાના એક્ઝૅક્ટ ૩ દિવસ પહેલાં આ દવાનું આખું બૉક્સ કોણે ખરીદ્યું હતું?’
કેમિસ્ટની આંગળી સીધી દેવેન સંઘવી તરફ ચીંધાઈ ગઈ. 
‘આ સાહેબે, દેવેન સંઘવી પોતે સાંજે આવ્યા હતા.’
જાણે કે પોતાનું કામ પૂરું થયું હોય એમ સુહાસ પાટીલ જસ્ટિસ દેશમુખ તરફ ફર્યા.
‘યૉર ઓનર... આ એ પ્રિસ્ક્રિપ્શન છે જેના આધારે દવા આપવામાં આવી. ઇન્ક્વાયરી દરમ્યાન ડિટેક્ટિવ સોમચંદને ખબર પડી છે કે પ્રિસ્ક્રિપ્શન પર જે ડૉ. કે. વી. મહેતાનું નામ છે તે હકીકતમાં બે વર્ષ પહેલાં જ ગુજરી ગયા છે.’
કોર્ટમાં આછોસરખો ગણગણાટ અને સુહાસ પાટીલે વાત આગળ વધારી.
‘તે ડૉક્ટર દેવેન સંઘવીના જૂના ક્લાયન્ટ હતા. દેવેને પોતાના જૂના કેસની ફાઇલમાંથી એ ખાલી લેટરપૅડ ચોરીને એના પર નકલી પ્રિસ્ક્રિપ્શન ઊભું કર્યું અને જાતે જઈને આ પ્રોહિબિટેડ દવા ખરીદી. અમારી પાસે અપોલો મેડિકોઝના CCTV કૅમેરાનાં ફુટેજ પણ છે જેમાં દેવેન સંઘવી આ દવા ખરીદતા સ્પષ્ટ દેખાય છે...’
જસ્ટિસ દેશમુખે ચશ્માં નીચે કરીને દેવેન સામે આકરી નજરે જોયું. 
‘આરોપી આ સાક્ષીની ઊલટતપાસ કરવા માગે છે?’
કોર્ટરૂમમાં સોપો પડી ગયો. દરેકને હતું કે દેવેન સંઘવી હવે વધારે વાત ખેંચી નહીં શકે, પણ દેવેનના ચહેરા પર કોઈ ભય નહોતો. તે ધીમા પગલે સાક્ષીના કઠેડા પાસે આવ્યા.
‘મિસ્ટર ચોકસી...’ દેવેને અત્યંત નમ્ર અવાજે પૂછ્યું, ‘તમે મને કેટલાં વર્ષોથી ઓળખો?’
‘દસેક વર્ષથી. તમારી ઑફિસ અમારા સ્ટોરની નજીક છે.’
‘હું જ્યારે તમારી દુકાને આવ્યો ત્યારે શું મેં મારો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો? શું મેં તમને કોઈ વધારાના પૈસા કે લાંચ આપીને ચોરીછૂપીથી દવા માગી હતી?’
‘ના, તમે સીધા કાઉન્ટર પર આવ્યા હતા.’
‘જે પ્રિસ્ક્રિપ્શન મેં આપ્યું, શું એના પર મારા હૅન્ડ-રાઇટિંગ હતા?’
‘ના, ટાઇપ કરેલું હતું અને નીચે 
સહી હતી.’
દેવેન સંઘવી જજ તરફ ફર્યા. 
‘યૉર ઓનર, મુંબઈમાં કૅન્સરના પેશન્ટ માટે પેઇન મૅનેજમેન્ટની દવાઓ લાવવા અવારનવાર સગાંવહાલાં દોડતાં હોય છે. મારા અસીલના પરિવાર તરફથી મને આ દવા મીરા માટે મગાવવાની ભલામણ કરવામાં આવી. મને એ વાતની જાણ નહોતી કે ડૉક્ટર ગુજરી ગયા છે. સવાલ એ છે કે જો મારે કોઈનું મર્ડર કરવું હોય તો શું હું મને ઓળખતા કેમિસ્ટ પાસે CCTV કૅમેરાની સામે જઈને જાતે દવા ખરીદવાની મૂર્ખામી કરું? આ કોઈ મર્ડરની તૈયારી નહોતી, પણ દરદીનું પેઇન ઘટાડવાની સામાન્ય કાર્યવાહી હતી.’
દલીલ ટેક્નિકલ હતી, પણ સુહાસ પાટીલના પ્રહારની ધાર સહેજ બુઠ્ઠી જરૂર થઈ. સોમચંદે પોતાની ડાયરીમાં કંઈક નોંધ્યું અને પાટીલના કાનની નજીક ગયા.
‘ઇટ્સ ઓકે સુહાસ, હવે કાંતાબેનને બોલાવો.’
lll
‘કાંતાબેન, બનાવની રાતે ૧૨ વાગ્યે તમે શું જોયું હતું? કોઈ પણ જાતના ડર વિના અદાલતને સાચેસાચું કહો.’
કાંતાબેને રૂમાલથી નાક લૂછ્યું.
‘સાહેબ... રાતે ૧૨ વાગ્યે હું પાણી પીવા ઊઠી. મેં જોયું કે દેવેનસાહેબ રસોડામાં હતા. તેમણે એક નાની પડીકીમાંથી સફેદ પાઉડર કાઢીને પાણીના ગ્લાસમાં હલાવ્યો. મેં પૂછ્યું તો સાહેબે મને ધમકાવીને સૂઈ જવા કહ્યું. પછી સાહેબ એ ઝેરવાળો ગ્લાસ લઈને બેનના રૂમમાં ગયા... અને સવારે બેન... ’
કાંતાબહેન રડી પડ્યાં. અલબત્ત, ત્યાં હાજર હતા એ રિપોર્ટરોને તેમનાં આંસુમાં કોઈ રસ નહોતો. તેમણે ઝડપથી પોતાની નોટો લખવાનું શરૂ કરી દીધું અને સુહાસ પાટીલે વિજયી સ્મિત સાથે જજ સામે જોયું. 
‘ધ લાસ્ટ સીન થિયરી યૉર ઓનર. આરોપી હાથમાં ઝેરનો ગ્લાસ લઈને પીડિતાના રૂમમાં જાય છે, બારણું બંધ કરે છે અને સવારે લાશ મળે છે. આનાથી મોટો કોઈ પ્રત્યક્ષદર્શી પુરાવો હોઈ શકે નહીં.’
‘આરોપી આ સાક્ષીની ઊલટતપાસ કરવા માગે છે?’
મૅજિસ્ટ્રેટે દેવેન સંઘવીની સામે જોયું અને દેવેન કાંતાબહેન તરફ આગળ વધ્યા.
lll
‘કાંતાબેન, તમે અમારા ઘરમાં કેટલાં વર્ષથી કામ કરો છો?’
‘૧૫ વર્ષથી સાહેબ.’
‘મીરા તમને પરિવારના સભ્યની જેમ રાખતી હતી, બરાબરને?’
‘હા સાહેબ...’
‘કાંતાબેન, હવે મને કહો...’ દેવેને અચાનક અવાજમાં ધાક ઉમેરી, ‘કિચનના દરવાજાથી મીરાના બેડરૂમનું અંતર કેટલું છે?’
‘લગભગ... વીસ-પચીસ ફુટ.’
‘ઓકે અને હવે એ કહો કે રાતે ૧૨ વાગ્યે પૅસેજની લાઇટો ચાલુ હતી કે બંધ?’
કાંતાબહેન સહેજ ખચકાટ સાથે બોલ્યાં, ‘બંધ... ના, ઝાંખો નાઇટ-લૅમ્પ ચાલુ હતો.’
‘સરસ...’ દેવેને તાળી પાડી, ‘કાંતાબેન, તમે મને રસોડામાં ગ્લાસમાં પાઉડર નાખતા જોયો. શું તમે એ પાઉડરને સૂંઘ્યો હતો, ચાખ્યો હતો?’
‘ના સાહેબ, મેં દૂરથી જોયો હતો.’
‘દૂરથી જોવામાં તમને કેવી રીતે ખબર પડી કે એ ઝેર જ હતું? એ ઇલેક્ટ્રોલાઇટ પાઉડર કે ગ્લુકોઝ કેમ ન હોઈ શકે?’
સુહાસ પાટીલ તરત ઊભા થયા. 
‘ઑબ્જેક્શન યૉર ઓનર, સાક્ષી મેડિકલ એક્સપર્ટ નથી...’
‘ઑબ્જેક્શન સસ્ટેઇન્ડ...’ જસ્ટિસ દેશમુખે કહ્યું, ‘મિસ્ટર સંઘવી, મુદ્દા પર આવો.’
દેવેને કાંતાબેનની આંખોમાં સીધું જોયું. 
‘કાંતાબેન, તમે કહ્યું કે હું ગ્લાસ લઈને રૂમમાં ગયો અને દરવાજો બંધ કર્યો. હવે સોગંદ ખાઈને સાચું બોલો - શું તમે મને તમારી પોતાની સગી આંખે એ પાણી મીરાના મોંમાં રેડતાં જોયો હતો? શું તમે રૂમની અંદર પ્રવેશ્યાં હતાં?’
કાંતાબેનના હાથ ધ્રૂજવા લાગ્યા. પરસેવો તેના કપાળ પર વળી ગયો. 
‘ના સાહેબ... મેં રૂમની અંદર... અંદર નથી જોયું.’
‘હું રૂમમાં ગયો ત્યારે મીરા જાગતી હતી કે સૂતી હતી?’
‘મને... મને ખબર નથી સાહેબ. બારણું બંધ હતું.’
‘તો તમે એવું કેવી રીતે કહી શકો કે મેં મીરાને ઝેર આપ્યું? માત્ર મારા હાથમાં ગ્લાસ જોયો, ગ્લાસમાં હું ગોળી ઓગાળતો હતો એ જોઈને તમે નક્કી કરી લીધું? તમે નથી જોયું કે એ ગ્લાસ મીરાએ પીધો, મેં પીવડાવ્યો કે એ પાણી સાઇડ-ટેબલ પર એમ ને એમ પડ્યું રહ્યું.’ દેવેન સંઘવી મૅજિસ્ટ્રેટ તરફ ફર્યા, ‘યૉર ઓનર, સાક્ષીએ માત્ર મને અંદર જતાં જોયો છે, કૃત્ય કરતાં નહીં અને કાયદા મુજબ અનુમાન ક્યારેય પુરાવો નથી ગણાતો.’
દેવેનની ઊલટતપાસે સુહાસ પાટીલનો ચહેરો સહેજ તંગ કરી દીધો. જોકે સોમચંદ હજી પણ સ્ટ્રૉન્ગ હતા. તેણે ધીમેથી પાટીલને કવર તરફ ઇશારો કર્યો. 
‘સુહાસ, બ્રહ્માસ્ત્ર ચલાવવાનો સમય આવી ગયો...’
lll
‘યૉર ઓનર, આરોપી ભલે કાયદાની રમત રમીને સાક્ષીને ગૂંચવે, પણ જે વ્યક્તિ હવે આ દુનિયામાં નથી તેનું અંતિમ સત્ય કોઈ બદલી શકશે નહીં.’ સુહાસે દેવેન સામે જોયું, ‘હું કોર્ટ સામે મૃતક મીરા સંઘવીની પર્સનલ ડાયરી રજૂ કરવા માગું છું, જે ડિટેક્ટિવ સોમચંદે મીરાના કબાટમાંથી શોધી છે.’
દેવેન સંઘવીના ચહેરા પરનો રંગ પહેલી વાર ઊડ્યો અને સુહાસ પાટીલે લાલ રંગની એક ડાયરી જસ્ટિસ દેશમુખ તરફ કરી.
‘યૉર ઓનર, આ ડાયરી મીરા સંઘવીના છેલ્લા દિવસોની રોજનીશી છે, પણ ડાયરીનાં છેલ્લાં ૩ પાનાં ફાડી નાખવામાં આવ્યાં છે કારણ કે દેવેન નહોતો ઇચ્છતો કે મીરાના એ છેલ્લા શબ્દો દુનિયા સામે આવે.’
‘જો પાનાં ફાટેલાં છે તો પ્રોસિક્યુશન આને પુરાવો કેવી રીતે ગણાવી શકે?’ 
દેવેને તરત જ મૅજિસ્ટ્રેટ સામે જોયું અને પાટીલે સોમચંદ તરફ હાથ કર્યો.
‘જવાબ ડિટેક્ટિવ સોમચંદ આપશે.’ પાટીલે કહ્યું.
lll
‘જજસાહેબ, જ્યારે કોઈ વ્યક્તિ ડાયરીમાં બૉલપેનથી લખે ત્યારે કાગળ ફાટી ગયા પછી પણ એની પાછળના કોરા પાના પર અક્ષરોની ઇમ્પ્રેશન રહી જાય. ફૉરેન્સિક લૅબમાં ગ્રેફાઇટ પાઉડર અને ઓબ્લિક લાઇટિંગની મદદથી અમે એ લાસ્ટ પેજ પર ઊભી થયેલી છાપ સફળતાપૂર્વક ઊપસાવી છે.’ સોમચંદે મોટા અક્ષરે પ્રોજેક્ટ કરેલો ફોટોગ્રાફ મૅજિસ્ટ્રેટ તરફ ધરતાં કહ્યું, ‘યૉર ઓનર, મીરા સંઘવીએ મોતના બે દિવસ પહેલાં એ પાના પર શું લખ્યું હતું એ હું વાંચી સંભળાવું છું...’ 
lll
દેવેન હવે મારી આ અસહ્ય પીડા સહન નથી કરી શકતો. તે રોજ રાત્રે મારી સામે જોઈને રડે છે. તેનું દેવું, તેની લાચારી અને મારી આ રિબાતી કાયા... તે હવે સતત એવું બોલે છે કે આવી નર્કની યાતના સહન કરવા કરતાં તું મરી જાય તો સારું... તું ને હું બન્ને છૂટીએ. મને ડર છે... દેવેન હવે મારાથી મુક્ત થવા માગે છે. જો અચાનક મારો શ્વાસ થંભી જાય તો સમજી લેજો કે એ કુદરતનો નહીં પણ દેવેને મને આપેલો અંત છે.
lll
આખી કોર્ટ સ્તબ્ધ થઈ ગઈ. મીરાના પોતાના હાથે લખાયેલી ડાયરીની આ નોંધ સીધું ડાઇંગ ડેક્લેરેશન જેવું હતું, જે દેવેન સંઘવીના મર્ડરપ્લાનને ખુલ્લો પાડતી હતી.
દેવેન સંઘવી કઠેડાના લાકડાને પકડીને પથ્થરની મૂર્તિની જેમ સ્થિર થઈ ગયા. અલબત્ત, એ ડાયરી વાંચ્યા પછી સોમચંદના મનમાં એક વિચાર ઝબકી ગયો હતો. સોમચંદ કંઈ કહે કે કરે એ પહેલાં જ હથોડાનો અને પછી મૅજિસ્ટ્રેટનો અવાજ આવ્યો...
‘કોર્ટ એડજર્ન્ડ ટિલ ટુમોરો...’
(ક્રમશ:)

columnists exclusive Rashmin Shah gujarati mid day