01 October, 2026 09:28 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
ડૉક્ટરની આ એક વાતે સોમચંદના મગજમાં બંધ પડેલાં તમામ તાળાં ખોલવાનું કામ એકસાથે શરૂ કરી દીધું હતું. બધી કડીઓ એકબીજા સાથે અદ્ભુત રીતે જોડાતી હતી.
દવાના પાઉચ પર માત્ર મીરાની આંગળીઓનાં નિશાન. ઇન્શ્યૉરન્સનો ક્લોઝ હતો કે આત્મહત્યામાં રૂપિયો ન મળે, પણ હત્યામાં પચીસ કરોડ મળે. મીરાને ખબર પડી ગઈ હતી કે તેની જિંદગી માંડ ૧૫ દિવસ છે અને પતિ બરબાદ થઈ ગયો છે અને ડાયરીમાં લખાયેલા પેલા અંતિમ શબ્દો.
આ તો પ્રેમ, દર્દ, લાચારી અને કાયદાના દાવપેચ વચ્ચે રચાયેલો એક એવો ચક્રવ્યૂહ હતો જેની કલ્પના સામાન્ય માણસ કરી પણ ન શકે.
સોમચંદને ખબર હતી કે ગુરુવારની સવાર કોર્ટમાં સામાન્ય નહોતી રહેવાની. સોમચંદ હવે પ્રોસિક્યુશનના પક્ષે રહીને દેવેનને ફસાવવા નહીં પણ કાયદાના આ મહા-ષડયંત્રને સમજવા તૈયાર થઈ ગયા હતા. આ આખું ષડયંત્ર હતું એ તો સોમચંદ પારખી ગયા હતા, પણ એ ષડયંત્ર પાછળનો હેતુ અને ઇચ્છાઓ શું છે એ હજી પણ તેની સમજની બહારની વાત હતી.
lll
સેશન્સ કોર્ટના રૂમ-નંબર ૧૪ની બહાર સવારથી જ પ્રેસનો ધસારો હતો. બહાર કાળાં ડિબાંગ વાદળો ઘેરાવા માંડ્યાં હતાં અને આકાશમાં વીજળીના કડાકા શરૂ થઈ ગયા હતા, પણ કોર્ટની અંદરનું વાતાવરણ એનાથી પણ વધુ ગંભીર અને વિસ્ફોટક હતું. આજે કેસના ચુકાદાનો દિવસ હતો.
કઠેડામાં ઊભેલા દેવેન સંઘવી શાંત હતા. તેમના ચહેરા પર આજે ક્ષોભ કે હતાશાને બદલે અડગ સ્વસ્થતા છવાયેલી હતી. આજે તેમણે કાળો વકીલનો કોટ નહોતો પહેર્યો, કારણ કે તે આજે બચાવ પક્ષના વકીલ નહીં પણ કલમ ૩૦૨ અંતર્ગત પત્નીની હત્યાના આરોપી તરીકે ઊભા હતા. સામે પબ્લિક પ્રોસિક્યુટર સુહાસ પાટીલના ચહેરા પર વિજયનો ઉત્સાહ સ્પષ્ટ હતો. તેમની બાજુમાં ડિટેક્ટિવ સોમચંદ બેઠા હતા. સોમચંદની આંખોમાં આજે મૌન હતું. તેનો હાથ બીજા હાથમાં રહેલી સીલબંધ ખાખી ફાઇલને વારંવાર સ્પર્શતો હતો.
lll
‘અદાલતની કાર્યવાહી શરૂ કરો...’ જસ્ટિસ દેશમુખે કહ્યું, ‘પ્રોસિક્યુશન અને ડિફેન્સ બન્ને પાસે અંતિમ દલીલો માટે હવે છેલ્લી તક છે. મિસ્ટર પાટીલ, તમે શરૂઆત કરી શકો છો.’
સુહાસ પાટીલ ઊભા થયા.
‘યૉર ઓનર...’ સુહાસ પાટીલે શરૂઆત કરી, ‘આ કોઈ સામાન્ય કેસ નથી. આ કેસ સાબિત કરે છે કે કાયદાનું જ્ઞાન જ્યારે લાલચુ માણસના હાથમાં આવે ત્યારે તે પોતાના જ ઘરમાં કેવી રીતે મોતનો વેપાર કરી શકે છે. આરોપી દેવેન સંઘવી પર ૪૦ કરોડનું દેવું હતું. તેમની પત્ની મીરા કૅન્સરથી પીડાતી હતી અને તેના નામે પચીસ કરોડ રૂપિયાનો વીમો હતો, જે અકુદરતી મોત પર જ મળે એમ હતો. આરોપીએ નકલી પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને પ્રતિબંધિત મૉર્ફીન પાઉડર ખરીદ્યો. કામવાળાં કાંતાબેને આરોપીને સફેદ પાઉડર પાણીમાં ઓગાળીને મીરાના રૂમમાં જતા જોયા અને સૌથી મોટો પુરાવો, મીરાના હાથે લખાયેલી ડાયરીના અંતિમ શબ્દો. આ તમામ પુરાવા સંજોગોની સાંકળ રચે છે જ્યાં આરોપીની નિર્દોષતાની એક ટકો પણ શક્યતા બચતી નથી.
હું અદાલતને વિનંતી કરું છું કે આરોપીને ફાંસીથી ઓછી કોઈ સજા ન મળવી જોઈએ...’
સુહાસ પાટીલની દલીલો સાંભળીને કોર્ટમાં સોપો પડી ગયો.
જસ્ટિસ દેશમુખે દેવેન તરફ જોયું.
‘આરોપી દેવેન સંઘવી, તમારે બચાવમાં કંઈ કહેવું છે?’
દેવેન સંઘવી ધીમા પગલે કઠેડાના આગળના ભાગમાં આવ્યા.
‘યૉર ઓનર...’ દેવેનનો અવાજ શાંત હતો, ‘કાયદો ઇમોશન પર નહીં, નક્કર પુરાવા પર ચાલે છે. પ્રોસિક્યુશને સંજોગોની સાંકળ ગણાવી, પણ એ સાંકળની દરેક કડી માત્ર ધારણા અને અનુમાનોથી જોડેલી છે. હું સાબિત કરવા માગું છું કે આ કેસમાં શંકા એટલી ઊંડી છે કે પ્રોસિક્યુશનનો પાયો જ ખોટો સાબિત થઈ જાય...’
દેવેને ટેબલ પરથી એક ફૉરેન્સિક રિપોર્ટ હાથમાં લીધો.
‘પ્રોસિક્યુશનનો દાવો છે કે કાંતાબેને મને પાણીના ગ્લાસમાં સફેદ પાઉડર ઓગાળતા જોયો અને એ જ પાઉડર મૉર્ફીન હતો જેનાથી મીરાનું મોત થયું. હવે હું સ્ટેટ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના રિપોર્ટ-નંબર ૪૨ તરફ જોવાનું કહીશ.’
દેવેને રિપોર્ટનું ચોક્કસ
પાનું ખોલ્યું.
‘યૉર ઓનર, ક્રાઇમ સીન પરથી પોલીસે જે પાણીનો અડધો ગ્લાસ જપ્ત કર્યો એ ગ્લાસના પાણી માટે ફૉરેન્સિક સાયન્ટિસ્ટ કહે છે કે એ ગ્લાસમાં મૉર્ફીનનો એક પણ અંશ મળ્યો નથી. એ ગ્લાસમાં મેડિકલ ઇલેક્ટ્રોલાઇટ અને વિટામિન C સપ્લિમેન્ટ પાઉડર મળ્યો છે, જે કૅન્સર પેશન્ટને ડીહાઇડ્રેશનથી બચાવવા રોજ રાતે અપાતો હોય છે.’
‘ઑબ્જેક્શન યૉર ઓનર. એ ગ્લાસ બદલાયો હોઈ શકે છે.’
‘ફરી એક અનુમાન... મિસ્ટર પાટીલ.’ દેવેનનો અવાજ ઊંચો થઈ ગયો, ‘ગ્લાસ પોલીસે ઘટનાસ્થળેથી સીલ કર્યો હતો તો પછી કેવી રીતે હું બદલી શકું.’
દેવેને ફરી મૅજિસ્ટ્રેટ સામે જોયું.
‘રહી વાત દવાના નકલી પ્રિસ્ક્રિપ્શનની... હું કબૂલ કરું છું કે મેં ડૉક્ટરના જૂના લેટરપેડ પરથી પેઇનકિલર્સ ખરીદી. મીરાને અસહ્ય પેઇન હતું અને બીજા ડૉક્ટર તાત્કાલિક પ્રિસ્ક્રિપ્શન આપવા તૈયાર નહોતા. હું મારી પત્નીનું પેઇન જોઈ ન શક્યો અને નિયમો તોડીને પેઇનકિલર્સ લાવ્યો એ કાયદાકીય ભૂલ હોઈ શકે છે, પણ એ હત્યાનો પુરાવો તો નથી જ બનતો...’
જસ્ટિસ દેશમુખના ચહેરા પર ગંભીર વિચારના સળ પડી ગયા. તેમણે પાટીલ સામે જોયું, જેમના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો હતો.
સુહાસ પાટીલનું બ્લડ-પ્રેશર વધવા માંડ્યું હતું. તેણે ડિટેક્ટિવ સોમચંદ તરફ ઝૂકીને ધીમા અવાજે કહ્યું...
‘સોમચંદ, તમે ફૉરેન્સિક લૅબમાંથી ફિંગરપ્રિન્ટ્સનો રિપોર્ટ લઈને આવવાના હતા. એ ક્યાં છે?’
‘સૉરી પાટીલ...’ સોમચંદના ચહેરા પર નિરાશા હતી, ‘રિપોર્ટ પર હજી ડિરેક્ટરની સાઇન બાકી હોવાથી એ હોલ્ડ પર છે. નિયમ મુજબ અધૂરો કે અનઑફિશિયલ રિપોર્ટ હું કે તમે કોર્ટમાં રજૂ કેવી રીતે કરીએ?’
‘સોમચંદ, આજે આખરી સુનાવણી છે. જો એ રિપોર્ટ અત્યારે રેકૉર્ડ પર નહીં આવે તો આપણે વીક પડીશું....’
‘હા, પણ એનો અર્થ ખોટું પણ નથી કરી શકાતુંને?’
સોમચંદે નમ્રતાથી હાથ જોડી દીધા, પણ વાસ્તવિકતા એ હતી કે એ રિપોર્ટ સોમચંદ પાસે જ હતો અને રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે દવાના પાઉચ પર દેવેનની ફિંગરપ્રિન્ટ્સ નહીં, માત્ર મીરાની આંગળીઓનાં નિશાન હતાં. સોમચંદે અત્યારે જાણીજોઈને રિપોર્ટ અટકાવી રાખ્યો હતો,
જેથી પ્રોસિક્યુશનનો કેસ નબળો પડે અને દેવેનને કાયદાકીય શંકાનો પૂરો લાભ મળે.
પાટીલ લાચાર બનીને દેવેન સંઘવીની દલીલ સાંભળવા માંડ્યા.
‘યૉર ઓનર, પ્રોસિક્યુશને મીરાની ડાયરીના શબ્દો રજૂ કર્યા. મીરાએ લખ્યું હતું કે દેવેન મને મુક્ત કરવા માગે છે.’ દેવેન સંઘવીએ પોતાની અંતિમ દલીલને અંતિમ તબક્કામાં લીધી હતી, ‘યૉર ઓનર, હું તેને મુક્ત કરવા માગતો હતો એ સાચું છે; પણ પણ મોત આપીને નહીં, કૅન્સરમાંથી મુક્ત કરવા માગતો હતો. મેં મારી જિંદગીની એક-એક પાઈ તેની સારવાર પાછળ ખર્ચી. મારો સવાલ એ છે કે કૅન્સર જેવી બીમારીથી પીડાતી વ્યક્તિ પોતાના ડિપ્રેશનમાં કંઈ લખે તો પતિને સીધો હત્યારો માની લેવાનો?’
દેવેનની આંખોમાં આંસુ
છલકાઈ આવ્યાં હતાં, તેના અવાજમાં પેઇન હતું.
‘યૉર ઓનર, ફૉરેન્સિક ગ્લાસમાં કોઈ ઝેર મળ્યું નથી. કાંતાબેને મને ઝેર આપતા જોયો નથી અને હું પોતે મારી પત્નીને પ્રેમ કરતો હતો જે મારા આડોશી-પાડોશીથી લઈને મારાં બીજાં સગાંવહાલાંઓ પણ જાણે છે. પ્રોસિક્યુશન પાસે કોઈ આંખેદેખ્યો પુરાવો નથી. માત્ર સંજોગોના આધારે કોઈ નિર્દોષને પોતાની જ પત્નીના મોતનો દોષી ઠેરવીને જેલમાં નાખી ન શકાય. આઇ રેસ્ટ માય કેસ...’
દેવેન શાંતિથી જઈને કઠેડામાં ઊભા રહી ગયા.
જસ્ટિસ અરુણ દેશમુખે ફાઇલ ખોલીને ચુકાદો વાંચવાનું શરૂ કર્યું.
lll
કોર્ટે બન્ને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાનીઓ અને ફૉરેન્સિક પુરાવાઓ ચકાસ્યાં છે. ભારતીય ન્યાયપ્રણાલીના મૂળભૂત સિદ્ધાંત મુજબ ૧૦૦ ગુનેગારો છૂટી જાય તો વાંધો નહીં, એક પણ નિર્દોષને સજા ન થવી જોઈએ. ગુનો શંકાથી પર સાબિત થવો અનિવાર્ય છે.
આ કેસમાં કાંતાબેનની જુબાની માત્ર આરોપીના રૂમમાં પ્રવેશ સુધી સીમિત છે, તેમણે દવા આપવાનું કૃત્ય જોયું નથી. બીજા નંબરે, ઘટનાસ્થળેથી મળેલા પાણીના ગ્લાસમાં ફૉરેન્સિક તપાસ દરમ્યાન કોઈ ઝેરી ડ્રગ મળ્યું નથી. ત્રીજી વાત, મીરાની ડાયરીમાં લખાયેલા શબ્દો દરદીની માનસિક હતાશા હોઈ શકે, એને કાનૂની ભાષામાં મરણોન્મુખ નિવેદન તરીકે સીધું સ્વીકારી શકાય નહીં. ચોથી વાત, પ્રોસિક્યુશન એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે મીરાને ઝેર આરોપી દેવેન સંઘવીએ જ આપ્યું હતું.
માત્ર નાણાકીય મુશ્કેલી કે વીમા પૉલિસી હોવાના કારણે કોઈ વ્યક્તિને હત્યારી માની ન શકાય. સંજોગોની સાંકળ અધૂરી છે અને કેસમાં ઊંડી શંકાઓ રહેલી છે. આથી કોર્ટ આરોપી દેવેન સંઘવીને બેનિફિટ ઑફ ડાઉટ હેઠળ કલમ ૩૦૨ના તમામ આરોપોમાંથી દોષમુક્ત જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપે છે. આ કેસ હવે અહીં બંધ કરવામાં આવે છે.
ઠક... ઠક... ઠક!
જસ્ટિસ દેશમુખની હથોડી પછડાઈ.
lll
કોર્ટમાં સોપો પડી ગયો અને પછી અચાનક બ્રેકિંગ ન્યુઝ ઑન-ઍર કરવા માટે પત્રકારો દરવાજા તરફ ભાગ્યા. કઠેડામાં ઊભેલા દેવેન સંઘવીએ ધીમેથી આકાશ તરફ જોયું. તેના ચહેરા પર વિજયનું નહીં, પણ કોઈ બોજ હળવો થયો હોય એવું કરુણ સ્મિત પ્રસરી ગયું હતું.
પોલીસે દેવેન તરફ આગળ વધીને કઠેડાનો દરવાજો ખોલી આપ્યો. તે હવે આઝાદ હતા. કોર્ટના દરવાજેથી બહાર નીકળતાં પહેલાં દેવેનની આંખો ક્ષણવાર માટે ડિટેક્ટિવ સોમચંદ સાથે મળી. સોમચંદ હજી પણ ત્યાં જ હતા. સોમચંદે દેવેન સામે જોઈને સહેજ ડોકું હલાવ્યું. એ નજરમાં મૂક સંદેશ હતો જે માત્ર દેવેન જ સમજી શકતા હતા:
આ રમત અહીં પૂરી નથી થઈ દેવેન... સાચો ખેલ તો હવે શરૂ થશે.
મુંબઈના રસ્તાઓ પર અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો.
lll
મુંબઈની સાંજ હંમેશાં કંઈક છુપાવતી હોય છે, પણ આજની સાંજમાં ચોમાસાનાં સરકતાં વાદળો અને અરબી સમુદ્રની ખારી લહેરો વચ્ચે એક અનોખો સન્નાટો ઘૂંટાતો હતો. મરીન ડ્રાઇવના પ્રૉમનેડ પર પથરાયેલા ટેટ્રાપૉડ પથ્થરો સાથે મોજાંઓ ભયાનક વેગથી અથડાઈ, સફેદ ફીણ બનીને હવામાં ઊડી રહ્યાં હતાં. ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. સ્ટ્રીટલાઇટ્સની પીળી રોશની ભીના ડામરના રસ્તા પર
ઓગળીને ક્વીન્સ નેકલેસનો આભાસ રચતી હતી.
દેવેને દરિયા સામે ઊભો હતો અને દરિયો ઘૂઘવાટા મારતો હતો.
દેવેનની આંખો ભીની હતી, પણ આંખમાંથી નીકળતાં આંસુઓ વરસાદનાં ટીપાંઓ પોતાની સાથે ખેંચી જતાં હતાં.
કોર્ટમાંથી છૂટ્યા પછી દેવેને ઘરે જવું જોઈએ, તેને ઘરે જવું જ હતું; પણ ઘરમાં ખાલીપો તેને ઘેરી વળશે એની ખાતરી હતી એટલે ઘરે જવાને બદલે તે સીધા નરીમાન પૉઇન્ટ આવી ગયા હતા. જો દેવેનનું ચાલ્યું હોત તો તે અત્યારે, આ જ ક્ષણે દરિયો ક્રૉસ કરીને જોજનો દૂર નીકળી જાત; પણ તેને ખબર હતી કે એવું કરવું ગેરવાજબી છે, એ નવેસરથી નવી શંકાઓ ઊભી કરશે. જોકે તેને ખબર નહોતી કે એક શંકા, એક શક હજી પણ તેના પર મંડરાતો હતો અને તેના પર નજર રાખીને બેઠો હતો.
અત્યારે પણ.
(આવતી કાલે સમાપ્ત)