✕

તુમ જો મિલ ગએ હો... આઇ લવ યુ, પણ આઇ ઍમ રાઇટ (પ્રકરણ ૪)

15 October, 2026 06:22 PM IST  |  Mumbai | Rashmin Shah

સચિને પાઇલટ તરફ જોઈને ઑલમોસ્ટ ચીસ પાડી. એ ચીસની સાથે જ અનિરુદ્ધે પોતાના વજનથી આરતીને કૅબિનની અંદર ધકેલી અને તેણે પણ પાછળ ચડીને હેલિકૉપ્ટરનો સ્લાઇડિંગ ડોર જોરથી ખેંચીને લૉક કર્યો.

ઇલસ્ટ્રેશન

‘ટેક-ઑફ કર ડેવિડ... નાઓ.’ 
સચિને પાઇલટ તરફ જોઈને ઑલમોસ્ટ ચીસ પાડી. એ ચીસની સાથે જ અનિરુદ્ધે પોતાના વજનથી આરતીને કૅબિનની અંદર ધકેલી અને તેણે પણ પાછળ ચડીને હેલિકૉપ્ટરનો સ્લાઇડિંગ ડોર જોરથી ખેંચીને લૉક કર્યો. બરાબર એ જ સેકન્ડે બહારથી ધણધણતી બે ગોળી કૅબિનની નીચલી મેટલ બૉડી સાથે અથડાઈને તણખા કરતી ગઈ.
રોટર બ્લેડ્સના કાન ફાડી નાખતા અવાજ સાથે હેલિકૉપ્ટરે જમીન છોડી કે પળવારમાં નીચે ઊભેલા માણસો અને લોનાવલાનો પહાડી વિસ્તાર નાના રમકડા જેવા થવા માંડ્યા.
કૅબિનમાં હજી પણ અંધારું હતું, માત્ર કન્ટ્રોલ પૅનલની લીલી-લાલ લાઇટ્સ ચળકતી હતી. આરતી માટે આ બધું શૉકિંગ હતું અને અચાનક જ ઊભું થયું હતું. તેનો શ્વાસ એટલી ઝડપથી ચાલતો હતો કે એ અવાજ રીતસર બહાર સંભળાતો હતો. અનિરુદ્ધ તેની સામે બેઠો હતો. તેના શર્ટની એક બાંય લોહીથી સહેજ લાલ થઈ ગઈ હતી. 
‘અનિ! તને વાગ્યું છે...’ 
આરતીએ અનિરુદ્ધનો હાથ પકડ્યો.
‘અરે, જસ્ટ ઉઝરડો છે...’ ઘા પર રૂમાલ દબાવતાં અનિરુદ્ધે આરતી સામે જોયું, ‘અંદરના ઘા કરતાં તો ઘણો નાનો છે...’
આરતી તેની સામે જોઈ રહી. હેલિકૉપ્ટર વાદળોની વચ્ચે સરકતું ઉત્તર તરફ આગળ વધ્યું. નીચે અંધકારમાં લપેટાયેલું મહારાષ્ટ્ર સરકી રહ્યું હતું.
lll
‘તું કેમ અચાનક મારી સાથે આવી ગયો?’ હેલિકૉપ્ટરના ગડગડાટ વચ્ચે આરતી મોટા અવાજે બોલી હતી, ‘તેં તો કહ્યું કે તારે મુંબઈ પાછા જવું પડશે?’
‘જો હું રોકાયો હોત તો એ લોકો તારું હેલિકૉપ્ટર હવામાં પહોંચે એ પહેલાં જ મને ઢાળી દેત. એ જોઈને તારાથી દિલ્હી જઈ શકાયું ન હોત... બીજું...’ અનિરુદ્ધે હળવા કટાક્ષ સાથે કહ્યું, ‘પક્ષીને આકાશમાં ઊડતું જોવાની આદત છે મને, અધવચ્ચે પાંખો કપાતી જોવાની નહીં...’
અનિરુદ્ધના શબ્દો આ‌રતીના દિલમાં ઊંડે સુધી ઊતરી ગયા.
lll
સવારના ૫.૪૫ વાગ્યા. ક્ષિતિજ પર સૂર્યનો આછો કેસરી લિસોટો ફૂટી રહ્યો હતો અને હેલિકૉપ્ટર ગુજરાતની હવાઈ હદમાં પ્રવેશવાની તૈયારીમાં હતું ત્યાં જ અચાનક કૉકપિટમાંથી પાઇલટનો અવાજ હેડસેટમાંથી અનિરુદ્ધ અને આરતીના કાનમાં આવ્યો.
‘સર, વી હૅવ અ સિરિયસ પ્રૉબ્લેમ...’
આરતીના ચહેરા પરથી નૂર ઊડી ગયું અને અનિરુદ્ધના ચહેરા પર ટેન્શન પ્રસરી ગયું. તે તરત આગળ ઝૂક્યો. 
‘વૉટ હૅપન્ડ ડેવિડ?’
‘અમદાવાદ અને મુંબઈ ઍર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી મેસેજ. સુરત ઍરપોર્ટ પર આવતા ૩ કલાક માટે કોઈ પણ 
નૉન-શિડ્યુલ્ડ કે પ્રાઇવેટ ચૉપરને લૅન્ડિંગ પર મનાઈ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલના હોમ મિનિસ્ટરની સિક્યૉરિટી માટે સુરત ઍરસ્પેસને અત્યારે રેડ ઝોન જાહેર કરવામાં આવી છે.’
‘ઓહ ગૉડ... અનિ, મને... મને ખબર છે આ કોનું કામ છે?’ આરતી રીતસર ચિલ્લાઈ હતી, ‘વિક્રમ સિંહે પોતાના કૉન્ટૅક્ટ યુઝ કરીને સુરત ઍરપોર્ટ બ્લૉક કરાવ્યું છે.’
‘ઇટ્સ ઓકે આરતી... કૂલ ડાઉન.’ અનિરુદ્ધ તરત પાઇલોટ તરફ ફર્યો, ‘આપણી પાસે ફ્યુઅલ કેટલું છે ડેવિડ?’
‘સર, સુરત પહોંચવા જેટલું જ. જો આપણે સુરતમાં લૅન્ડ ન કરીએ તો આપણી પાસે બીજો કોઈ મોટો ઍરપોર્ટ-ઑપ્શન નથી જ્યાં કમર્શિયલ ફ્લાઇટ્સ ચાલુ હોય...’ ડેવિડે પરસેવો લૂછતાં કૉકપિટમાં આવેલો નવો મેસેજ પણ કહી દીધો, ‘અમદાવાદ ઍરપોર્ટને પણ પ્રાઇવેટ ચૉપર અને હેલિકૉપ્ટર માટે બંધ કરી દેવામાં આવ્યું છે.’
આરતી ઘૂંટણ વચ્ચે માથું નાખીને બેસી ગઈ. ઘડિયાળનો કાંટો સવારના ૬ વાગવા તરફ ઝડપભેર દોડતો હતો. ૭ વાગ્યા પછી સુરતથી કોઈ ફ્લાઇટ એવી નહોતી જે તેને ૧૧ વાગ્યા પહેલાં દિલ્હી પહોંચાડે.
‘અનિ, હવે બધું પૂરું થઈ ગયું. એ લોકો આખી સિસ્ટમ ખરીદી ચૂક્યા છે. હું હારી ગઈ...’ આરતીના અવાજમાંથી તાકાત ઓગળી ગઈ હતી, ‘મૂકી દે બધું પડતું... મારે હવે આગળ કંઈ નથી કરવું.’
આરતીના શબ્દો પર ધ્યાન આપવાને બદલે અનિરુદ્ધે કન્ટ્રોલ પૅનલના મૅપ પર નજર નાખી અને તેની આંગળી ગુજરાતના નકશા પર એક નાનકડા બિંદુ પર જઈને અટકી.
‘સુરત ઍરપોર્ટ બંધ છે...’ અનિરુદ્ધે સવાલ કર્યો, ‘દમણ ઍરસ્ટ્રિપ ખુલ્લી છે?’
‘રાઇટ સર, પણ એ કોસ્ટગાર્ડની ઍરફીલ્ડ છે. ત્યાં સિવિલિયન ફ્લાઇટ્સને કોઈ પરમિશન નથી હોતી...’
‘દમણમાં રનવે છે અને હેલિપૅડ છે અને... દમણ ઍરસ્પેસ સુરત રેડ ઝોનમાં નથી આવતી.’ અનિરુદ્ધે દૃઢતા સાથે કહ્યું, ‘આપણે દમણ લૅન્ડ કરીશું.’
‘અનિ, મારે દિલ્હી જવાનું છે. દમણથી હું દિલ્હી કેવી રીતે જઈશ.’ 
આરતીનો સવાલ સાંભળીને અનિરુદ્ધે આરતી તરફ જોયું.
‘આરતી, દમણથી સુરત નૅશનલ હાઇવે છે અને જસ્ટ પોણો-સવા કલાકનો રસ્તો છે. જો આપણે દમણ લૅન્ડ કરીને બાય રોડ સુરત પહોંચીએ તો સુરત ઍરપોર્ટથી ૭.૩૦ વાગ્યાની ફ્લાઇટ પકડી શકાય.’ અનિરુદ્ધના અવાજમાં સ્પષ્ટતા હતી, ‘સુરત ઍરપોર્ટ સામાન્ય પૅસેન્જરો માટે ખુલ્લું છે, માત્ર ચૉપરનું લૅન્ડિંગ બંધ છે...’
પાઇલટે અનિરુદ્ધ તરફ અચરજથી જોયું અને તરત જ હેલિકૉપ્ટરનું સ્ટીઅરિંગ પશ્ચિમ તરફ, દમણના દરિયાકાંઠા તરફ વાળી દીધું.
lll
હેલિકૉપ્ટર દરિયાઈ પવનના આંચકા સાથે આગળ વધી રહ્યું હતું. બહાર વાદળોની વચ્ચે સૂર્યનાં સોનેરી કિરણો જમીનને આંબવા માટે થનગનાટ કરવા માંડ્યાં હતાં.
‘અનિ, તેં મને ક્યારેય કહ્યું નહીં કે હું દિલ્હી જતી રહી પછી તેં શું કર્યું?’
અનિરુદ્ધે બારીની બહાર જોયું. વાદળો યાદો જેવાં હતાં. અંદરથી નરમ, પણ બહારથી પહાડ જેવાં ભારેખમ.
‘મેં એ જ કર્યું જે કોઈ પણ સામાન્ય માણસ કરે જ્યારે તેનું આખું આકાશ લૂંટાઈ જાય.’ અનિરુદ્ધે ઊંડો શ્વાસ લીધો, ‘પહેલા ૩ મહિના હું આપણા અંધેરીવાળા ફ્લૅટની બાલ્કનીમાં બેસી રહેતો. સૂવાની કોઈ ક્ષમતા નહોતી અને ઊંઘ આવતી પણ નહીં એટલે ઊંઘ માટે ચિક્કાર શરાબ પીવાનું શરૂ કર્યું. ત્યાં સુધી શરાબ પીધો જ્યાં સુધી શરીર સાથ ન છોડી દે. મનમાં હતું કે તું હમણાં આવીશ અને ઘરમાં આવતાંની સાથે મને કહીશ કે અનિ, ચા બનાવ, હું થાકી ગઈ છું...’
આરતીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.
‘પછી?’
‘પછી મને સમજાયું કે તું દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સો અટેન્ડ કરે છે, ભાગે છે, દોડે છે, રોજેરોજ ફ્રન્ટ પેજ પર ચમકે છે. ફ્રન્ટ પેજ પર તારો ફોટો જોઈને તારી આંખોમાં પહેલાં જે ચમક આવતી એ જ ચમક મને તારા એ ફોટોમાં દેખાતી.’ અનિરુદ્ધના અવાજમાં ક્યાંય કટાક્ષ નહોતો, ‘એ ચમક જોઈને એક દિવસ મને સમજાયું કે જો હું તને ફોન કરીને પાછી બોલાવીશ તો તું... તું કદાચ મારી દયા ખાઈને પાછી આવી પણ જઈશ... પણ તે આરતી એ નહીં હોય જેને મેં પ્રેમ કર્યો હતો. જાતે પાંખ તોડીને આવેલું એવું પક્ષી હશે જેને મેં મારા ઘર નામના પાંજરામાં કેદ કરી લીધું હશે.’
આરતીની આંખોમાં ભીનાશ આવી ગઈ, પણ એ ભીની આંખોમાં પ્રશ્ન હતો.
‘પછી?’
‘મેં નક્કી કર્યું કે તું તારું કામ કર, હું મારું કામ કરું. રેસ્ટોરાં, કુકિંગ મારાં પૅશન્સ હતાં. એને મેં છોડીને એવી હોટેલ પસંદ કરી જે ઍરપોર્ટની નજીક હોય.’ અનિરુદ્ધે આરતીની આંખોમાં જોયું, ‘હોટેલ કોઈનું ઘર નથી હોતું આરતી... ત્યાં બધા મહેમાન છે. થોડા કલાકો માટે આવે, રોકાય અને જતા રહે. મને લાગ્યું કે આ જિંદગી મારા માટે શ્રેષ્ઠ છે, જ્યાં કોઈના જવાથી ક્યારેય ખાલીપો નહીં લાગે.’
આરતીએ પોતાનો હાથ આગળ વધાર્યો અને અનિરુદ્ધની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી દીધી.
‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહકતી ખુશબૂ, હાથ સે છૂ કે ઇસે રિશ્તોં કા ઇલ્ઝામ ન દો...’ આરતીએ ધીમેકથી કહ્યું, ‘આપણે સંબંધને નામ ન આપી શક્યા અનિ... પણ પ્રેમ તો હતો જને?’
અનિરુદ્ધે તેના હાથ પર હાથ મૂક્યો.
‘પ્રેમ હતો એટલે જ તો આજે આપણે આ આકાશ નીચે સાથે છીએ આરતી. ઈગોથી આપણો રસ્તો રોકાયો, પણ આપણાં મન અને દિલને જુદાં કરી શક્યો નથી.’
lll
‘સુરત ઍરપોર્ટ, નૅશનલ હાઇવે થઈને. તમારી પાસે ફક્ત ૫૦ મિનિટ છે.’
હોટેલ-ઇન્ડસ્ટ્રીના કૉન્ટૅક્ટ અનિરુદ્ધને દમણમાં કામ લાગ્યા હતા. તેણે દમણ પહોંચતાંની સાથે જ ડ્રાઇવર અને કાર મગાવી લીધાં અને ડ્રાઇવરને સૂચના આપી દીધી.
સૂચનાની સાથે જ ગાડી હાઇવે પર ૧૨૦ની સ્પીડે દોડી. ગુજરાતનો પહોળો હાઇવે મુંબઈના રસ્તાઓ કરતાં હજાર દરજ્જે સારો હતો, પણ સમય રેતીની જેમ સરકવા માંડ્યો હતો. સુરતથી દિલ્હી જતી ફ્લાઇટનો બોર્ડિંગ-ગેટ બંધ થાય એ પહેલાં આરતીને સુરત પહોંચાડવાની હતી.
ગાડી નવસારી બૉર્ડર વટાવીને સુરતની હદમાં પ્રવેશી ત્યાં જ આરતીના ફોન પર અજાણ્યા નંબર પરથી વિડિયો-કૉલ આવ્યો.
‘ચિંતા કર્યા વિના ફોન લઈ લે આરતી...’ અનિરુદ્ધે આરતીને કહ્યું, ‘કદાચ આજે તું છેલ્લી વાર મુશ્કેલીઓથી લડે છે ને કાં હું...’
આરતીએ કૉલ રિસીવ કર્યો. સ્ક્રીન પર વિક્રમ સિંહનો કનિંગ ફેસ ચહેરો દેખાયો. 
‘ગુડ મૉર્નિંગ આરતીજી.’ વિક્રમે સિગારનો ધુમાડો છોડતાં કહ્યું, ‘સાંભળ્યું કે તમે મુંબઈથી ગાયબ છો? દિલ્હીમાં હાઇકમાન્ડ તમારી રાહ જુએ છે... અને હાઇકમાન્ડે પ્રેસ-રિલીઝ પણ તૈયાર કરી રાખી છે. એક્ઝૅક્ટ ૮ વાગ્યે તો એ ઑફિશ્યલી તમને ટાટા-બાય-બાય પણ કરવાના છે.’
‘વિક્રમ, ડોન્ટ પ્લે સચ ડર્ટી ગેમ...’
‘ડોન્ટ પ્લે?’ વિક્રમ ખડખડાટ હસ્યો, ‘આરતી, ગેમ તો મેં રમી લીધી અને મારી સાઇડથી પૂરી પણ થઈ ગઈ...’
‘ના, ગેમ ત્યારે પૂરી થશે જ્યારે એ હું પૂરી કરીશ...’ આરતીના અવાજમાં ધાર હતી, ‘હવે તું જો, હું ત્યાં આવીને શું કરું છું.’
‘તું અહીં આવશે એ પહેલાં તો તને પ્રેસ-કૉન્ફરન્સ જોવા મળશે આરતી.’ વિક્રમના ચહેરા પર અજીબ ખુશી હતી, ‘હાઇકમાન્ડ પ્રેસ-કૉન્ફરન્સમાં જ તારી હકાલપટ્ટી કરશે અને એ પ્રેસ-કૉન્ફરન્સ ૮ વાગ્યાની છે...’
‘ટીવી તું ચાલુ કરી રાખ... હાઇકમાન્ડની પ્રેસ-કૉન્ફરન્સ પહેલાં તને બીજા સમાચાર મળશે.’ આરતીએ દાંત ભીંસ્યા, ‘ગુડ બાય મિસ્ટર વિક્રમ સિંહ...’
આરતીએ વિડિયો-કૉલ કટ કરી નાખ્યો.
lll
‘આરતી, શું કરીશ હવે તું?’
‘સાચું કહું?’ આરતીની આંખોમાં આંસુ હતાં, ‘મને નથી ખબર... હા, એટલું મનમાં છે કે હું હાઇકમાન્ડ સાથે વાત કરું, તેમને બધી વાત કરું અને સમજાવું કે થોડો સપોર્ટ કરે.’
‘હં... ટ્રાય કરી જો.’
અને ગાડી ઍરપોર્ટમાં એન્ટર થઈ.
lll
આરતી ગાડીમાંથી બહાર નીકળી. તેના ચહેરા પર રાતભરનો થાક હતો, સાડી કરચલીવાળી હતી; પણ તેની આંખોમાં તેજ હતું જે કહેતું હતું કે તે લડી લેવાના મૂડમાં છે. જોકે મૂડ ક્યાં કોઈનો એકસરખો રહે છે. આરતી ઍરપોર્ટના એન્ટ્રન્સ ગેટ પાસે પહોંચે એ પહેલાં જ અનિરુદ્ધે CISFના જવાન સાથે ઊભેલા બે પોલીસ-ઑફિસરોને જોયા. તે પોલીસ-ઑફિસરના હાથમાં આરતીનો ફોટો હતો અને તે પૅસેન્જરના ફેસ જોઈ રહ્યો હતો.
આરતી કંઈ કહે કે કરે એ પહેલાં અનિરુદ્ધે આરતીનો હાથ પકડી લીધો. 
‘વિક્રમે લોકલ પોલીસને મેસેજ આપી દીધો છે. જો તું હવે ગેટ પર જઈશ તો એ લોકો ઇન્ક્વાયરીના નામે તને રોકી રાખશે... અને ફ્લાઇટ છૂટી જશે.’
‘તો હવે, આપણે અંદર કેવી રીતે જઈશું?’ આરતીની આંખોમાં લાચારી આવી ગઈ, ‘મારું દિલ્હી પહોંચવું બહુ જરૂરી છે અનિ...’
અનિરુદ્ધે નકારમાં મસ્તક ધુણાવ્યું.
‘તારે દિલ્હી પહોંચવા સુધી રાહ જોવાની જરૂર નથી.’ અનિરુદ્ધના ચહેરા પર દૃઢતા હતી, ‘તારી પાસે સોશ્યલ મીડિયા છે, યુઝ ઇટ...’
(આવતી કાલે સમાપ્ત)

columnists Rashmin Shah lifestyle news life and style exclusive gujarati mid day