✕

તુમ જો મિલ ગએ હો... આઇ લવ યુ, પણ આઇ ઍમ રાઇટ (પ્રકરણ ૫)

16 October, 2026 04:18 PM IST  |  Mumbai | Rashmin Shah

ઇન્સ્ટાગ્રામ અને ઍક્સ પર આરતી કશ્યપ લાઇવ થતાં જ ધડાધડ ફૉલોઅર્સ અને ફૅન્સ જોવાના શરૂ થઈ ગયા તો ન્યુઝ-ચૅનલોએ પણ પોતાના મૉર્નિંગ શોને અટકાવીને આરતીની લાઇવ ફીડ સ્ક્રીન પર મૂકી દીધું.

ઇલસ્ટ્રેશન

‘સોશ્યલ મીડિયા પર પાર્ટીની અંદરની વાતો કરવી, ચોખવટ કરવી...’
આરતી વાત પૂરી કરે એ પહેલાં જ અનિએ તેનો હાથ પકડ્યો.
‘ચોખવટ નબળા લોકો કરે આરતી. તું ક્યારેય સ્પષ્ટતા કરવામાં માની નથી અને એટલે જ તું ક્યારેય નબળી નહોતી.’ અનિરુદ્ધના અવાજમાં દૃઢતા હતી, ‘તારે કોઈ આક્ષેપો નથી કરવાના. હા, કારણ કે સોશ્યલ મીડિયા પર લોકો આરોપ કે આક્ષેપ નહીં, આત્મવિશ્વાસ જુએ છે અને તારે તારા આત્મવિશ્વાસનો ઉપયોગ કરવાનો છે.’
‘એટલે, હું સમજી નહીં...’
‘તારા હાથમાં ફોન છે અને સામે તારું લાખો ફૉલોઅર્સનું અકાઉન્ટ છે. અંદર જતા પહેલાં માત્ર થોડી મિનિટ માટે લાઇવ થા. કોઈ આરોપ નહીં, વિક્રમ સિંહ કે બીજા કોઈનું નામ પણ નહીં. માત્ર એ જ સત્ય બોલ જે તેં આખી રાત જીવ્યું અને...’ અનિરુદ્ધે દૂર ઊભેલા બે પોલીસ-ઑફિસર તરફ ઇશારો કર્યો, ‘અત્યારે તું જોઈ અને જીવી રહી છે...’
આરતીએ એક ઊંડો શ્વાસ લીધો અને સાડી સરખી કરતાં આંખોમાંથી થાક ખંખેર્યો. પછી મોબાઇલ ચહેરા સામે રાખીને ફ્રન્ટ કૅમેરા ઑન કર્યો.
ઇન્સ્ટાગ્રામ અને ઍક્સ પર આરતી કશ્યપ લાઇવ થતાં જ ધડાધડ ફૉલોઅર્સ અને ફૅન્સ જોવાના શરૂ થઈ ગયા તો ન્યુઝ-ચૅનલોએ પણ પોતાના મૉર્નિંગ શોને અટકાવીને આરતીની લાઇવ ફીડ સ્ક્રીન પર મૂકી દીધું.
આરતીના અવાજમાં હિમાલય જેવી ટાઢક હતી અને આંખોમાં આત્મવિશ્વાસ.
‘નમસ્તે. છેલ્લા ૧૨ કલાકથી મારા વિશે, મારી ગેરહાજરી વિશે ઘણી વાતો ઊભી કરવામાં આવી. કોઈએ કહ્યું હું છુપાઈ ગઈ, કોઈએ કહ્યું હું ડીલ કરું છું. સાચું એ છે કે કાલે રાતે મુંબઈ પર આવેલા સાઇક્લોનિક પ્રેશર વચ્ચે મારી ફ્લાઇટ કૅન્સલ થઈ હતી અને એનાં પ્રૂફ ઑલરેડી ઍરપોર્ટ પાસે છે. એમ છતાં હું મહામહેનતે મુંબઈથી નીકળી. હા, રસ્તામાં કેટલાક લોકોએ મને રોકવાનો પ્રયાસ કર્યો, પણ હું એ લોકોને કહેવા માગું છું કે હું અત્યારે સુરત ઍરપોર્ટ પર છું. સવારે ૧૧ વાગ્યે દિલ્હી પહોંચીને હું સીધી પાર્ટી કાર્યાલય પર જઈશ અને દેશની જનતા માટે ઊભી રહીશ. જેને રાજકારણ રમવું હોય એ રમે, હું મારું કર્તવ્ય નિભાવવા આવી રહી છું. સી યુ ઇન દિલ્હી.’
માત્ર ૪૦ સેકન્ડનું લાઇવ!
કોઈ ગાળાગાળી નહીં, કોઈ દસ્તાવેજો નહીં. માત્ર એક નિર્ભીક સ્ત્રીનો સીધો પડકાર. એ ૪૦ સેકન્ડે દિલ્હીમાં બેઠેલા વિક્રમ સિંહના પગ નીચેથી જમીન સરકાવી દીધી. આખો દેશ જોઈ રહ્યો હતો કે એક સ્ત્રી તમામ મુશ્કેલીઓ પાર કરીને લડવા માટે ઍરપોર્ટ પર એકલી ઊભી હતી. કમેન્ટ્સ અને લાઇક્સનું પૂર જાણે કે આવ્યું. જે મીડિયા તેને ગુમ કહેતું હતું એ આરતીને આયર્ન લેડી કહીને હેડલાઇન્સ ચેન્જ કરવા માંડ્યું.
‘હવે?’
લાઇવ બંધ કરીને આરતીએ અનિરુદ્ધ સામે જોયું અને એ જ વખતે ફોન પર પાર્ટી હાઇકમાન્ડનો મેસેજ ફ્લૅશ થયો. 
વેલ ડન આરતી. દિલ્હી પહોંચો. ૧૧ વાગ્યાની પ્રેસ-કૉન્ફરન્સ તમારી જ છે.
‘હવે, એ જ, જે પ્લાન કર્યો હતો...’ અનિરુદ્ધે દૂર નજર કરી, ‘હવે તારે નહીં, તને અટકાવનારાઓએ જવાબ આપવો પડશે...’
આરતીએ ફોન પર્સમાં મૂક્યો. તેની જીત નિશ્ચિત હતી. દિલ્હીનું સિંહાસન તેની રાહ જોતું હતું. થોડી વારમાં તેણે પ્લેનમાં બેસવાનું હતું અને પ્લેનનો બોર્ડિંગ ગેટ બંધ થવાની તૈયારીમાં હતો.
‘આરતી, જલદી કર...’
આરતી હજી તો કંઈ જવાબ આપે એ પહેલાં તેના કાને અનાઉન્સમેન્ટ સંભળાઈ.
‘મિસ આરતી કશ્યપ...’ સ્પીકરમાંથી અવાજ આવતો હતો, ‘તમે જલદી બોર્ડિંગ કાઉન્ટર પર આવો. તમારી વેઇટ થઈ રહી છે.’
સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાંથી ફોન સુરત ઍરપોર્ટ પર આવી ગયો હતો અને આરતી કશ્યપને લઈને નીકળવાની સૂચના અપાઈ ગઈ હતી.
આરતીની આંખો અનિરુદ્ધ પર 
હતી અને તેના હાથમાંથી બોર્ડિંગ પાસ સરકી ગયો.
અનિરુદ્ધ શાંત હતો. તેના હોઠ પર સ્મિત હતું, જેમાં સંતોષ સ્પષ્ટ દેખાતો હતો. અનિરુદ્ધના શર્ટની બાંય પરનો લોહીનો ડાઘ હવે સુકાઈ ગયો હતો. આંખોમાં રાતના ઉજાગરાની લાલાશ હતી, પણ એ લાલાશમાં ક્યાંય થાક નહોતો વર્તાતો. તે માણસે પોતાના જીવનની, નોકરીની કે પોતાની ખુદની ચિંતા કર્યા વિના આરતીને શિખરની ટોચે લાવીને મૂકી દીધી હતી અને હવે... તે ચૂપચાપ પાછા વળવાની તૈયારીમાં હતો.
આરતીનું હૃદય ધબકારો ચૂકી ગયું. તેને અહેસાસ થયો કે તે જે જીત, નામ, શોહરત મેળવવા માગતી હતી, જેની પાછળ તે અથાગ દોડતી હતી એ કેટલી ખોખલી, કેટલી પોકળ છે. જે સત્તા, ખુરસી અને ઈગો માટે તેણે પાંચ વર્ષ પહેલાં આ માણસનો હાથ છોડ્યો એ સત્તા આજે તેની મુઠ્ઠીમાં હતી, પણ એ મુઠ્ઠીમાં માત્ર રાખ હતી.
આરતી અનિરુદ્ધ તરફ આગળ વધી. તેણે અનિરુદ્ધના બન્ને હાથ પકડી લીધા.
‘અનિ...’ આરતીનો અવાજ ગળગળો થઈ ગયો, ‘મારે નથી જવું.’
અનિરુદ્ધ સ્તબ્ધ થઈ ગયો. 
‘શું બોલે છે આરતી? તારી ફ્લાઇટ અનાઉન્સ થઈ ગઈ છે, સ્ટાફ તારી રાહ જુએ છે. આરતી, તેં તારી લડત જીતી લીધી...’
‘ના અનિ.’ આરતીની આંખોમાં આંસુ હતાં, ‘હું જીતી નથી, હું હારી રહી છું. મેં જોયું... જે લોકો મારી આસપાસ હતા એ બધાને પોતાના કામથી કામ છે. મતલબી લોકો છે એ બધા. પોતાનું નામ થતું હોય અને એમાં તમે સાથ આપી શકતા હો તો તે તમારી સાથે છે. બાકી... બાકી એ લોકોને તમે જીવ્યા કે મર્યા એનાથી કોઈ ફરક નથી પડતો. જ્યારે તેં... તેં મારા માટે પોતાનું બધું દાવ પર લગાવી દીધું. જે સુખ મને તારી સાથેની આ એક રાતમાં મળ્યું છે એ મને છેલ્લાં પાંચ વર્ષમાં દિલ્હીના બંગલામાં નથી મળ્યું, ફ્રન્ટ પેજ પર આવેલા મારા ફોટોથી નથી મળ્યું.’
આરતીએ અનિરુદ્ધની છાતી પર માથું ઢાળી દીધું. 
તેના સ્વરમાં સ્ત્રીસમર્પણનો ભાવ હતો.
‘હું આ બધું છોડી દેવા તૈયાર છું અનિ. હું રેઝિગ્નેશન આપી દઈશ. આપણે પાછા મુંબઈ જઈએ. આપણે ફરીથી આપણી લાઇફ શરૂ કરીએ, એ લાઇફ જે આપણે જીવવાનું ચૂકી ગયાં. તું હોટેલ સંભાળજે, હું ઘરે તારી રાહ જોઈશ. પ્લીઝ... મને રોકી લે અનિ. આજે તું એક વાર કહી દે કે ‘રોકાઈ જા’, હું આ ફ્લાઇટ છોડી દઈશ... પણ પ્લીઝ, મને એક વાર રોકી લે...’
ઍરપોર્ટના ડિપાર્ચર ગેટની બહાર, સવારના ખુલ્લા તડકામાં આરતી કશ્યપ પોતાનું આખું સામ્રાજ્ય લૂંટાવીને અનિરુદ્ધ પાસે પ્રેમ માગતી હતી. માઇક પર સતત અનાઉન્સમેન્ટ ચાલુ હતી અને ઍરપોર્ટની બહાર આરતીનો પાંચ વર્ષ જૂનો અહંકાર, તેનો ઘમંડ, તેની જીદ બધું ઓગળી રહ્યું હતું.
અનિરુદ્ધના દિલમાં, મનમાં ભૂકંપ આવી ગયો. તેનું મન કહેતું હતું કે તે આરતીને વળગી પડે, અત્યાર સુધી રોકી રાખેલાં તમામ આંસુઓ તેના ખભા પર ઠાલવી દે. આ એ જ ક્ષણ હતી જેની તેણે પાંચ વર્ષ સુધી રાહ જોઈ હતી. તે ઇચ્છતો હતો કે આરતી પાછી આવે, કહે કે તેને અનિરુદ્ધ જોઈએ છે. પણ આ માત્ર સંવેદનાની ક્ષણ નહોતી, આ કોઈના જીવનના સાક્ષીભાવની પણ પળ હતી.
અનિરુદ્ધની આંખો સામે અંધેરીના ફ્લૅટની એ બારી યાદ આવી ગઈ જ્યારે આરતી મોડી રાતે પૉલિટિકલ સાયન્સની બુક્સ વાંચતી અને એ વાંચ્યા પછી તેની આંખોમાં આકાશ આંબી જવાની એક ભૂખ ચમકતી.
lll
હાથ છૂટેં ભી તો 
રિશ્તે નહીં છોડા કરતે, 
વક્ત કી શાખ સે 
લમ્હેં નહીં તોડા કરતે...
ગુલઝારની ગઝલ અને જગજિત સિંહનો સિલ્કી અવાજ હેડફોનમાં વાગતો હતો અને એ જ વખતે આરતી આવી અને પાછળથી તે અનિરુદ્ધને વળગી પડી.
‘અનિ, એક વાત પૂછું...’ આરતીએ પૂછી પણ લીધું, ‘જો કોઈ દિવસ હું બહુ ઊંચે ઊડી જાઉં અને નીચે જોતાં ડર લાગે તો તું શું કરીશ?’
‘ખાતરી અપાવીશ કે હું નીચે ઊભો છું... જેથી તને વિશ્વાસ રહે કે તું પડે, બધા તારી વિરુદ્ધમાં થઈ જાય તો પણ એક વ્યક્તિ છે એવી, એક જમીન છે એવી જે માત્ર તારી અને તારી જ છે.’
lll
આજે એ જ પળ આવીને અનિરુદ્ધની સામે ઊભી હતી. આરતી ડરી ગઈ હતી, થાકી ગઈ હતી એટલે તે જમીન પર પાછી ફરવા માગતી હતી.
અનિરુદ્ધે દૃઢતાથી આરતીના બન્ને ખભા પકડ્યા અને તેને સહેજ પાછળ હટાવી. આરતીએ અનિરુદ્ધ સામે જોયું. અનિરુદ્ધની આંખોમાં પણ આંસુની પાતળી ધાર હતી, પણ હોઠ પર સ્માઇલ હતું.
‘ના આરતી...’ અનિરુદ્ધના અવાજમાં સ્પષ્ટતા પણ હતી અને ધાર પણ, ‘હું તને નહીં રોકું.’
‘કેમ? તને હવે મારા માટે પ્રેમ નથી...’
‘તારા માટે પ્રેમ છે, તને અથાગ પ્રેમ કરું છું અને એટલે જ તને નથી રોકતો...’ અનિરુદ્ધે કહ્યું, ‘આજે તું થાકી ગઈ છે, તેં ઘા સહન કર્યા છે એટલે તને આ બધું છોડીને સંતાઈ જવું છે. આરતી, આ તારી શાંતિ નથી, આ તારો થાક છે. જો આજે તું રોકાઈ જઈશ તો જ્યારે તારા ઘા ભરાશે ત્યારે તને તારા નિર્ણય પર પસ્તાવો થશે. તું જ્યારે પણ આકાશમાં પંખીઓને ઊડતાં જોઈશ ત્યારે તારા મનમાં આક્રોશ જાગશે કે અનિરુદ્ધે તારી પાંખો કાપી નાખી હતી ને કાં તેં જાતે જ એ પાંખ કાપી નાખી.’
અનિરુદ્ધે જમીન પર પડેલો બોર્ડિંગ પાસ ઉઠાવ્યો અને આરતીના હાથમાં મૂક્યો.
‘જો આજે તું રોકાઈશ... તો ફરી ક્યારેય ઊડી નહીં શકે. તારો જન્મ આ જમીન પર બંધાઈ રહેવા માટે નથી થયો. તું તોફાન સામે લડવા માટે બની છે. જા, તારી લડાઈ પૂરી કર.’
આરતી સ્તબ્ધ થઈને અનિરુદ્ધને તાકી રહી. તેને સમજાયું કે આ સાચો પ્રેમ હતો. પ્રેમ એટલે કોઈને પોતાના સ્વાર્થ માટે બાંધી રાખવો નહીં, પણ સામેની વ્યક્તિને તેના પોતાના સ્વરૂપમાં ખીલવા દેવી. પાંચ વર્ષ પહેલાં બન્ને વચ્ચે જે અહંકાર હતો, ‘હું મોટો કે તું મોટી’નો ભાવ હતો એ આજે આ શબ્દો સાથે હંમેશ માટે ભસ્મ થયો હતો. બન્ને પોતપોતાની જગ્યાએ સાચાં હતાં, પણ આજે બન્ને એકબીજાથી પણ મોટાં બની ચૂક્યાં હતાં.
લાસ્ટ કૉલની અનાઉન્સમેન્ટ ગુંજી ઊઠી. 
‘આરતી કશ્યપ, પ્લીઝ પ્રોસીડ ટુ ગેટ નંબર વન ફૉર ઇમિજિએટ બોર્ડિંગ...’
આરતીએ અનિરુદ્ધનો ચહેરો બન્ને હાથમાં લીધો અને તેના કપાળ પર પોતાના હોઠ ટેકવી દીધા. વિશ્વાસનો સૌથી પવિત્ર, શાંત સ્પર્શ એ સમયે નોંધી રહ્યો હતો.
‘અનિ... તું ક્યારેય બદલાયો નહીં.’ 
‘અને તું ક્યારેય રોકાઈ નહીં આરુ.’ પહેલી વાર અનિરુદ્ધે તેને આ નામે બોલાવી હતી, ‘જા... આકાશ તારી રાહ જુએ છે.’
આરતી ફરી. તેણે સાડીનો પાલવ સરખો કર્યો અને સિક્યૉરિટી ગેટ તરફ મક્કમ પગલે ડગલાં ભર્યાં. ગેટ પાર કરતાં પહેલાં તેણે છેલ્લી વાર પાછળ વળીને જોયું.
અનિરુદ્ધ ત્યાં જ હતો. હાથ હલાવ્યા વગર, માત્ર આંખોથી આશીર્વાદ આપતો.
આરતી અંદર જતી રહી.
૧૦ મિનિટ પછી સુરત ઍરપોર્ટના રનવે પરથી પ્લેન આકાશ તરફ ગતિ પકડવા લાગ્યું. એન્જિનની પ્રચંડ ગર્જના સાથે પ્લેને જમીન છોડી અને સુરતના સોનેરી તડકાને ચીરતું દિલ્હીના આકાશ તરફ ઊડી ગયું.
બહાર પાર્કિંગમાં અનિરુદ્ધ પોતાની કારના બોનેટ પર ટેકો દઈને ઊભો 
હતો અને ત્યાં જ તેના મોબાઇલમાં 
મેસેજ આવ્યો.
‘જો હું બહુ ઊંચે ઊડી જાઉં અને નીચે જોતાં ડર લાગે તો તું શું કરીશ?’
‘ખાતરી અપાવીશ કે હું નીચે ઊભો છું... જેથી તને વિશ્વાસ રહે કે તું પડે, બધા તારી વિરુદ્ધમાં થઈ જાય તો પણ એક વ્યક્તિ છે એવી, એક જમીન છે એવી જે માત્ર તારી ને તારી જ છે.’
અનિરુદ્ધનો જવાબ સિંગલ માર્ક સાથે ડિલિવર થયો નહીં, પણ અનિરુદ્ધને સંતોષ હતો કે પ્લેન લૅન્ડ થયા પછી આરતી એ વાંચી લેશે અને આમ પણ સંબંધોની એ જ તો બ્યુટી છેને. તમે તમારી વાત કહી દીધી, સામેવાળો જ્યારે કાન ધરે ત્યારે...

(સમાપ્ત)

columnists Rashmin Shah lifestyle news life and style exclusive gujarati mid day