U/A - આ સર્ટિફિકેટ સૌથી જોખમી છે (પ્રકરણ-૧)

01 December, 2025 10:58 AM IST  |  Mumbai | Rashmin Shah

ખુશ થઈને સ્કૂલ-બૅગ સાથે ફ્લૅટની બહાર પગ મૂકનારા ૭ વર્ષના હિતાર્થને ક્યાં ખબર હતી હવે તે ઘરે પાછો આવવાનો નથી!

ઇલસ્ટ્રેશન

‘હિતાર્થ, ફાસ્ટ...’

પપ્પાએ લિફ્ટ પાસેથી દીકરાને રાડ પાડી અને દોડતો હિતાર્થ ઘરની બહાર નીકળવા ગયો કે તરત મમ્મીએ તેને કૉલરથી પકડ્યો.

‘પહેલાં દૂધ ફિનિશ કર...’

‘ના મમ્મી... આઇ ડોન્ટ લાઇક ઇટ.’

હિતાર્થે મોઢું બગાડ્યું કે તરત મમ્મીએ આંખો મોટી કરી.

‘નો વે... દૂધ ફિનિશ કરવાનું છે.’

મા-દીકરાની લપ ચાલુ હતી ત્યાં જ પપ્પાનો ફરી અવાજ આવ્યો...

‘હિતાર્થ, ફાસ્ટ બેટા... લિફ્ટ

આવી ગઈ.’

‘એક મિનિટ આવે છે...’ આ વખતે જવાબ મમ્મીએ આપ્યો, ‘દૂધ ફિનિશ કરે છે.’

મમ્મીએ ફરીથી હિતાર્થ સામે જોયું.

‘દૂધ પીએ તો સ્ટ્રૉન્ગ થઈએ. આપણને કોઈ મારે તો પણ લાગે નહીં, પડીએ તો પણ કંઈ થાય નહીં...’

‘હવે હું સ્ટ્રૉન્ગ થઈ ગયોને?!’ દૂધનો ગ્લાસ પૂરો કરીને હિતાર્થે પોતાના મસલ્સ મમ્મીને દેખાડ્યા, ‘છુંને એકદમ સ્ટ્રૉન્ગ?’

‘ગુડ બૉય... અરે વાહ, એકદમ સ્ટ્રૉન્ગ થઈ ગયો...’ હિતાર્થના સૉફ્ટ બાવડા પર હાથ મૂકતાં મમ્મીએ કહ્યું, ‘ચાલો જલદી હવે જાઓ, પપ્પા રાહ જુએ છે.’

‘આવીને પીઝા?’

‘હં...’ મમ્મીએ સહેજ વિચારીને કહ્યું, ‘ઓન્લી પીઝા, નો કોલ્ડ-ડ્રિન્ક્સ.’

‘ડન...’

ખુશ થઈને સ્કૂલ-બૅગ સાથે ફ્લૅટની બહાર પગ મૂકનારા ૭ વર્ષના હિતાર્થને ક્યાં ખબર હતી હવે તે ઘરે પાછો આવવાનો નથી!

lll

‘એ પપ્પા, સ્કૂલ-બસ...’

પ્રતીક દવેની કાર જેવી સોસાયટીના ગેટની બહાર નીકળી કે બાજુમાં બેઠેલા હિતાર્થની નજર સ્કૂલ-બસ પર પડી અને તે ઊછળી પડ્યો.

‘હું એમાં જઉં પપ્પા... મારા ફ્રેન્ડ્સ પણ એમાં છે.’

‘ના બેટા... પપ્પા તને ડ્રૉપ કરવા આવે છેને.’

હિતાર્થે જવાબ સાંભળી લીધો, પણ તેની આંખો સ્કૂલ-બસ પર હતી. બસમાં વિન્ડો પાસે બેઠેલા પોતાના ફ્રેન્ડ્સને બાય કરવામાં વ્યસ્ત એવા હિતાર્થને જોઈને પપ્પાના ફેસ પર સ્માઇલ આવી ગયું. અલબત્ત, હિતાર્થને જોઈને તેમના ફેસ પર આવેલું આ છેલ્લું સ્માઇલ હતું. હવે તેમના નસીબમાં જિંદગી આખી હિતાર્થને યાદ કરીને રડવાનું જ લખાયું હતું.

lll

‘બેટા, નો તોફાન-મસ્તી. એકદમ શાંત રહેવાનું, શાંતિથી બધું લર્ન કરવાનું.’

હાથમાં બૅગ લઈને ભાગતા હિતાર્થને રોકીને પપ્પાએ તેને સલાહ આપી. હિતાર્થને આ સલાહની તાતી જરૂર હતી. નાનીઅમસ્તી વાતમાં ગુસ્સે થઈ જતા હિતાર્થને એક ખરાબ આદત પડી હતી. તે કોઈના પર પણ હાથ ઉપાડી લેતો અને હાથ ઉપાડતી વખતે તે જોતો પણ નહીં કે પોતે મારવા માટે શું વાપરે છે.

હજી ૪ મહિના પહેલાં હિતાર્થે તેની સાથે સ્ટડી કરતી રુત્વીને માથામાં વૉટર-બૉટલ મારી દીધી હતી. કારણ માત્ર એટલું કે રુત્વી તેની વૉટર-બૉટલને ટચ કરતી હતી.

lll

‘બેટા, એમ મારી થોડું લેવાનું હોય?’

‘મેં તેને બે વાર ના પાડી પછી પણ માની નહીં એટલે મેં તેને રોકી...’ હિતાર્થ તરત જ મમ્મી પાસે ગયો હતો, ‘મેં તેને માર્યું નહોતું, જરાક ટચ કરી પણ તોય તે રડવા માંડી.’

‘તો પણ બેટા, એવું કોઈની સાથે નહીં કરવાનું.’ માનસીએ દીકરાને સમજાવવાનું શરૂ કર્યું, ‘તને કોઈ ટચ કરે તો તું શું કરે?’

‘હું તો તેને ઉપાડીને એક ઝીંકી દઉં...’

પ્રતીક ત્યારે તો હસી પડ્યો હતો, પણ તેણે વાત હસવામાં કાઢી નહીં.

હિતાર્થનો નેચર કેમ આવો છે એ જાણવા માટે તે સાઇકિયાટ્રિસ્ટ અજય શેઠને મળી આવ્યો અને અજય શેઠે તેને સમજાવ્યું, ‘સિંગલ ચાઇલ્ડમાં આ ઇશ્યુ આજકાલ બહુ જોવા મળે છે. તેની પઝેસિવનેસ બહુ સ્ટ્રૉન્ગ છે અને એના માટે કારણ પણ છે. બાળકની જીદને કાં તો મમ્મી પ્રોત્સાહન આપી દે છે અને કાં તો પપ્પા. બાળકને પણ આ ખબર જ છે. અહીં હું કહીશ કે પેરન્ટ્સમાં સુધારો થાય એની તાતી જરૂર છે. મમ્મીની ના હોય તો પપ્પાએ ક્યારેય હા નહીં પાડવાની અને વાઇસ વર્સા. પપ્પા ના કહે તો એ વાતને મમ્મીએ રિસ્પેક્ટ કરવાની.’

lll

‘પ્રતીક, તું જૂની વાતોને લઈને ખોટો બેસી રહ્યો છે... મેં તને સૉરી કહી દીધું, મોબાઇલ વાપરવાનું છોડી દીધું એ પછી પણ તું મારા પર ડાઉટ કરે એ તો બરાબર નથીને?’ માનસીની આંખો ભીની હતી, ‘જો હજી તને એવું લાગતું હોય કે હું રાજીવના કૉન્ટૅક્ટમાં છું તો પ્રતીક પ્લીઝ... તારે ઘરે જેને બેસાડી રાખવા હોય તેને બેસાડી રાખ. ભલે તે ૨૪ કલાક મારા પર નજર રાખે. મેં એક વાર ભૂલ કરી એનો મતબલ એવો તો નથી કે...’

પ્રતીક સામે જોવા માટે માનસી ડાઇનિંગ ટેબલ તરફ ફરી અને

ડાઇનિંગ ટેબલની ખાલી ખુરસીએ તેને ઝાટકો આપ્યો.

* * *

‘તારો યાર હતો સ્કૂલે...’ ઘરમાં આવીને ગાડીની ચાવીનો ઘા કરતાં પ્રતીકે કહ્યું હતું, ‘તે જે રીતે સ્કૂલે આવે છે એ જોતાં તો મને ડાઉટ જાય છે કે હિતાર્થ મારો દીકરો છે કે...’

‘પ્રતીક... પ્લીઝ...’

ઊંચા થયેલા અવાજને માનસીએ નીચો કર્યો. ભૂલ એક વાર થાય, પણ એની સજા તો સેંકડો વાર ભોગવવી પડે અને માનસી અત્યારે એ જ ભોગવતી હતી. અરેન્જ્ડ મૅરેજ પછી સાથે જૉબ કરતા રાજીવ સાથે ઇમોશનલ બૉન્ડિંગ વધ્યું અને વધેલા એ બૉન્ડિંગ વચ્ચે બન્ને વચ્ચે મોડે સુધી ચૅટિંગ શરૂ થયું. ચૅટિંગ દરમ્યાન થોડું ફ્લર્ટ અને થોડી છૂટછાટ પણ ઇનથિંગ બન્યાં અને એક દિવસ એ ચૅટ પ્રતીકના હાથમાં આવી ગઈ. વાત વણસી અને પછી છેક ડિવૉર્સ સુધી પહોંચી, પણ બન્ને પેરન્ટ્સની દરમ્યાનગીરીને લીધે ડિવૉર્સ તો ન થયા પણ માનસીની આઝાદીને તાળાં ચોક્કસ લાગી ગયાં. માનસીએ જૉબ છોડવી પડી અને પછીના એક જ મહિનામાં માનસીએ બધાને ગુડ ન્યુઝ આપ્યા. માનસી પોતાના પ્રેગ્નન્સીના એ પિરિયડને એન્જૉય કરતી થઈ ગઈ, પણ પ્રતીકના મનમાં શંકાનો કીડો અકબંધ રહ્યો. જોકે સમય જતાં

ધીમે-ધીમે બન્ને નજીક આવવા માંડ્યાં, પણ ગયા વર્ષે માનસીને ફરીથી તેના ભૂતકાળે પરેશાન કરવાની શરૂ કરી.

lll

‘આ રાજીવે મૅરેજ કરી લીધાં?’

‘કોણ રાજીવ?’

માનસીની માનસિક સ્લેટ પરથી તો રાજીવ ક્યારનો ગાયબ થઈ ગયો હતો એટલે તેને તરત સ્ટ્રાઇક ન થયું, પણ હસબન્ડનો ઊતરેલો ચહેરો તેને ભૂતકાળ યાદ અપાવી ગયો.

‘મને નથી ખબર... હું તેના કૉન્ટૅક્ટમાં નથી.’ પ્રતીક ચૂપ રહ્યો એટલે માનસીએ પૂછ્યું, ‘કેમ, તને અચાનક રાજીવ યાદ આવ્યો?’

‘હતો ત્યાં... સ્કૂલે.’ પ્રતીકે ચોખવટ કરી, ‘હિતાર્થની સ્કૂલે... તેના જ સનને મૂકવા આવ્યો હશે... હેંને?’

માનસી ચૂપ રહી. કેટલાક સવાલોના જવાબ શબ્દોથી નહીં, મૌનથી જ આપવાના હોય. એ દિવસે તો વાત પૂરી થઈ ગઈ, પણ નિયમિત સ્કૂલે મૂકવા જવાની પ્રતીકની જીદ તેના માટે જ નાસૂર બનવાની શરૂ થઈ. ઑલમોસ્ટ રોજ સ્કૂલે રાજીવને જોતાં પ્રતીકનો દિવસ બગડતો અને એનો અનુભવ માનસીને પણ થવા માંડ્યો. આ જ કારણે તેણે હિતાર્થ માટે સ્કૂલ-બસનું સજેશન પણ કર્યું. જોકે પ્રતીક માન્યો નહીં.

‘સ્કૂલ-બસનો ભરોસો નહીં. છોકરાઓ એકબીજાને મારી દે. મારે હિતાર્થને સ્કૂલ-બસમાં નથી મોકલવો.’ પ્રતીકે દલીલ કરી હતી, ‘ખબર છેને સુરતમાં શું થયું હતું? સ્કૂલ-બસમાં છોકરાઓએ મારામારી કરી એમાં એક છોકરાનો જીવ ગયો.’

‘પ્રતીક, કોઈ એક ઇન્સિડન્ટના કારણે એવું જ થશે એવું તો ન માની લેવાનું હોયને?’ માનસીની વાતમાં વાજબી તર્ક હતો, ‘ફુટપાથ પર ઘણા મર્યા હશે, પણ એને કારણે આપણે ફુટપાથ પર ચાલવાનું તો બંધ નથી કરતાને. કોલ્ડ-ડ્રિન્ક્સ પીવાનું હેલ્થ બગડે એવું આખી દુનિયા કહે છે અને એ પછી પણ આપણે કોલ્ડ-ડ્રિન્ક્સ પાવીનું કે જન્ક ખાવાનું નથી છોડતાને...’

‘હું છોડી દઉં...’ સહેજ વિચાર્યા પછી પ્રતીકે માનસીની સામે જોયું, ‘હિતાર્થને મૂકવા આપણે જ જઈશું.’

‘હું નથી જવાની...’

માનસીને ખબર હતી કે તેણે જો મૂકવા જવું પડ્યું તો ઘરમાં કેવો ક્લેશ ઊભો થશે. ચેતતો નર જ નહીં, ચેતતી નારી પણ ખુશ રહે.

lll

‘હેલો, મિસ્ટર પ્રતીક દવે...’ ફોન કરનારાના અવાજમાં ઉચાટ હતો અને એ પછી તેણે સ્પષ્ટતા કરી, ‘હિતાર્થના ફાધર?’

‘રાઇટ...’ સ્કૂલથી ફોન છે એ તો પ્રતીકે ટ્રુકૉલરના નોટિફિકેશનમાં જ જોઈ લીધું હતું, ‘હિતાર્થની તબિયત...’

‘એટલે જ તમને ફોન કર્યો. તમે તાત્કાલિક શિવાજી હૉસ્પિટલે પહોંચો...’

‘શું થયું હિતાર્થને?’ દીકરાની ઉટપટાંગ હરકતોથી વાકેફ એવા પ્રતીકે પૂછી લીધું, ‘વધારે વાગ્યું નથીને...’

‘ના... તમે હૉસ્પિટલે આવોને. ઇટ્સ અર્જન્ટ.’

lll

ફોન સવારે ૧૧ વાગ્યે આવ્યો હતો અને પ્રતીક એ સમયે ઑફિસે પહોંચી ગયો હતો. કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા પ્રતીકનું એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું કામ હતું. તેની ઑફિસ કોરા કેન્દ્ર પાસે જ હતી તો હિતાર્થની સ્કૂલ પણ કાંદિવલીમાં જ હતી, શિવાજી હૉસ્પિટલ સ્કૂલની બાજુમાં જ હતી. ઑફિસથી હૉસ્પિટલનું ડિસ્ટન્સ માત્ર આઠથી દસ મિનિટનું હતું, પણ ટેન્શનની પળો વચ્ચે ક્ષણો પણ પર્વતો જેવી ભારે થઈ જતી હોય છે.

lll

ટ્રાફિક વચ્ચે રસ્તો કાઢવામાં પોતાને વાર લાગશે એવું લાગતાં પ્રતીકે માનસીને ફોન કરીને હૉસ્પિટલે પહોંચવા માટે કહી દીધું હતું. જોકે તાકીદ પણ કરી હતી કે હૉસ્પિટલે જઈને તું બહાર રહેજે.

પ્રતીક હૉસ્પિટલે પહોંચ્યો ત્યારે માનસી ગેટ પર જ હતી.

ગાડી પાર્ક કરીને પ્રતીક અને માનસી દોડતાં હૉસ્પિટલના કૅમ્પસમાં ગયાં. રિસેપ્શન એરિયામાં હિતાર્થની પ્રિન્સિપાલ અને બીજો ઍડ્મિન સ્ટાફ ઊભાં હતાં. તેમની આંખોમાં હિતાર્થના પેરન્ટ્સની જ રાહ હતી.

‘મૅડમ, હિતાર્થ...’

‘વેઇટ... તમે પહેલાં બેસો.’

‘થયું છે શું?’ પ્રતીકે તરત જાતને સંભાળી અને કહ્યું, ‘હું અહીં છું, તમે... તમે માનસીને હિતાર્થ પાસે લઈ જાઓ.’

‘સર, તમે બે મિનિટ બેસો... મારે તમારી સાથે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે.’

ચહેરાના હાવભાવ પણ શબ્દોનો ભાવ સમજાવી દેવા માટે સક્ષમ હોય છે. પ્રિન્સિપાલ અને સ્ટાફના ચહેરા સફેદ પૂણી જેવા થઈ ગયા હતા. પ્રિન્સિપાલ કંઈ કહે એ પહેલાં જ હૉસ્પિટલની ડાબી બાજુએ આવેલા કૉરિડોરમાંથી પોલીસ-ઇન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલ આવ્યા. તેમને જોઈને તરત જ પ્રિન્સિપાલે પ્રતીક-માનસી તરફ હાથ કર્યો.

‘હિતાર્થના પેરન્ટ્સ...’

પોલીસને પોતાની ઓળખાણ આપવામાં આવે છે એ જોયા પછી પ્રતીક કે માનસીના શરીરમાં તાકાત નહોતી રહી. હવે તે ઘટના વિશે વિચાર કરી શકતાં હતાં. તેમણે ધારણા બાંધી લીધી હતી કે હિતાર્થે અજાણતાં જ કોઈને એ સ્તર પર મારી લીધું કે તેના ક્લાસમેટનો જીવ જોખમમાં મુકાયો છે.

‘સર, જુઓ... જે થયું એના માટે હું સૉરી કહું છું. બાળક છે, કદાચ અજાણતાં મારી દીધું હોય તો...’ પ્રતીક પાસે વાત કરવા માટે શબ્દો નહોતા અને એ પછી પણ તે બોલી રહ્યો હતો, ‘હું... હું તે બાળકની ટ્રીટમેન્ટનો જે ખર્ચ થાય એ આપવા તૈયાર છું, ડોન્ટ વરી.’

‘હિતાર્થ અત્યારે ક્યાં છે?’ માનસી પ્રિન્સિપાલ સામે ફરી, ‘તે... તે એકલો-એકલો ડરતો હશે. મારે તેને મળવું છે.’

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah