U/A - આ સર્ટિફિકેટ સૌથી જોખમી છે (પ્રકરણ ૩)

03 December, 2025 10:29 AM IST  |  Mumbai | Rashmin Shah

શિવાનંદનું સ્ટેટમેન્ટ દેશભરના ન્યુઝપેપરની હેડલાઇન બની ગયું અને તરત જ પેરન્ટ્સ સ્કૂલ-બસના સ્ટાફ વિરુદ્ધ દેખાવો કરવા રસ્તા પર ઊતરી આવ્યા.

ઇલસ્ટ્રેશન

રાજકુમારે આ ઇવેન્ટમાં દીકરીના જન્મની ખુશીમાં ફોટોગ્રાફર્સને મીઠાઈ વહેંચી હતી

 

‘હંમ. ક્લીનર આવ્યો છેને?’ કૉન્સ્ટેબલે જેવી હા પાડી કે ઇન્સ્પેક્ટરે મોબાઇલ સાઇડ પર મૂકી કૉન્સ્ટેબલની સામે જોયું, ‘અટકાયત કરો તેની...’

‘જી સર...’

‘ધોત્રે, મીડિયાની સામે એ માણસ આવવો ન જોઈએ.’

હકારમાં માથું નમાવી કૉન્સ્ટેબલ રવાના થયો અને ચેમ્બરનો દરવાજો બંધ થયો. જાણે કે ડોર બંધ થાય એની જ રાહ જોતા હોય એમ તરત જ ઇન્સ્પેક્ટરે ફોન લગાડી દીધો.

lll

‘સર, સ્કૂલ-બસનો ક્લીનર મર્ડરર હોય એવું લાગે છે.’ મોબાઇલના સામે છેડે સ્કૂલના ટ્રસ્ટી હતા, ‘ડાઉટ એ એક જ વ્યક્તિ પર છે. એ સિવાય તો કોઈ લાગતું નથી.’

‘તમને મેસેજ તો આવી ગયો હશે...’ ટ્રસ્ટીએ ચોખવટ કરી, ‘સ્કૂલની રેપ્યુટેશનનો સવાલ છે. બને એટલું જલદી અમારે આ ચૅપ્ટર ક્લોઝ જોઈએ છે. મારે ડીડીઓ સાહેબ સાથે વાત થઈ, તેમણે કલેક્ટર સાથે વાત કરી. તમને મેસેજ...’

‘હા આવી ગયો...’ ઇન્સ્પેક્ટરે ધીમેકથી કહી દીધું, ‘તમારે ટેન્શન કરવાની જરૂર નથી. હકીકતમાં પણ એ એક જ વ્યક્તિ છે જેના પર ડાઉટ જાય છે. અમે અમારી રીતે કામ કરીએ છીએ.’

‘થૅન્ક યુ સર. તમે બીજું કોઈ ટેન્શન નહીં લેતા. જે વહીવટ કરવાનો હશે એ થઈ જશે. રેસ્ટ ઍશ્યૉર્ડ...’

‘બાળકના મોત પર મારે કોઈ હિસાબ નથી કરવો...’ ઇન્સ્પેક્ટરની વાતમાં પ્રામાણિકતા હતી, ‘બસ, કેસમાં અમે ઝડપ રાખીએ છીએ એ એક જ વાત ધ્યાનમાં રાખજો ને આખી ટીમને યાદ રાખજો.’

સામેથી મોબાઇલ કટ થાય એ પહેલાં ઇન્સ્પેક્ટરે ફોન કટ કર્યો.

lll

એ જ બપોરે ક્લીનર શિવાનંદ કર્પેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો.

કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને રાતે શિવાનંદે પોતાનો ગુનો કબૂલી લીધો. શિવાનંદે વિડિયો સ્ટેટમેન્ટમાં કબૂલ કર્યું કે તેને લાંબા સમયથી હિતાર્થ પર ગુસ્સો હતો અને એ દિવસે મોકો મળી ગયો.

‘બાથરૂમમાં છોકરો એકલો હતો એટલે મેં તેને ધમકી આપી કે કેમ તું તોફાન કરતો હોય છે. છોકરો ત્યારે પીપી કરતો હતો. તે ચૂપ રહ્યો પણ હું જેવો કમોડ પાસે ઊભો રહ્યો કે તે દોડતો મારી પાસે આવી, મારા પર પીપી ઉડાડીને ભાગવા માંડ્યો. મને ગુસ્સો આવ્યો, મેં તેને પકડી લીધો અને પછી તેને લઈને ટૉઇલેટમાં ગયો. ત્યાં મેં તેનું માથું દીવાલ સાથે ભટકાડ્યું અને છોકરો બેભાન થઈ ગયો. હું તરત નીકળી જવાનો હતો પણ મને ડર લાગ્યો કે આ ભાનમાં આવશે તો મારું નામ કહી દેશે એટલે મેં છોકરાની બેહોશ હાલતમાં ચાકુના ઘા મારી તેની હત્યા કરી નાખી.’

lll

‘શિવાનંદ નિયમિત ગાંજો પીતો. છેલ્લા બે દિવસથી તેને પોતાની રેગ્યુલર માત્રામાં નશો કરવા મળ્યો નહોતો એટલે શિવાનંદના સ્વભાવ પર એની અસર દેખાતી હતી.’ પ્રેસ- કૉન્ફરન્સમાં ઇન્સ્પેક્ટરે શિવાનંદ કર્પેનો બ્લડ-રિપોર્ટ રજૂ કર્યો હતો, ‘નશાની લત અને એમાં અડતાલીસ કલાક દરમ્યાન મળેલો ઓછો નશો, શિવાનંદ વધારે પડતો ઇરિટેટેડ હતો. ડ્રાઇવરે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે બસમાં પણ તે ડ્રાઇવર સાથે ઝઘડી પડતો હતો. એક વખત તો ડ્રાઇવર પર તેણે હાથ પણ ઉપાડી લીધો હતો.’

કૉન્ફરન્સ દરમ્યાન ડ્રાઇવરને પણ હાજર રાખવામાં આવ્યો હતો.

ડ્રાઇવરની નજર નીચી હતી પણ જેવો પોતાનો ઉલ્લેખ આવ્યો કે તરત તેણે મીડિયાના કૅમેરા સામે નજર કરી હામી ભણી દીધી હતી.

lll

શિવાનંદનું સ્ટેટમેન્ટ દેશભરના ન્યુઝપેપરની હેડલાઇન બની ગયું અને તરત જ પેરન્ટ્સ સ્કૂલ-બસના સ્ટાફ વિરુદ્ધ દેખાવો કરવા રસ્તા પર ઊતરી આવ્યા. માત્ર ગાંધી સ્કૂલ જ નહીં, મુંબઈની તમામ મોટી સ્કૂલોની સામે પ્રશ્નો ઊભા થયા તો નૅશનલ ન્યુઝ-ચૅનલ પર તો આ વિષય પર ડિબેટ શરૂ થઈ ગઈ. છત્રીસ કલાક પછી મહારાષ્ટ્ર સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ આવી કે હવેથી તમામ સ્કૂલે પોતાની સ્કૂલ-બસના ડ્રાઇવર અને ક્લીનરનો ક્રિમિનલ ટ્રૅક રેકૉર્ડ ચેક કરવાનો અને નજીકના પોલીસ-સ્ટેશનમાં એની નોંધણી કરાવવાની રહેશે.

lll

‘આવો સાહેબ...’

આગંતુકે ઘરમાં પગ મૂક્યો કે તરત પ્રતીકે સોફા તરફ ઇશારો કર્યો.

‘બેસો.’

‘તમારાં વાઇફ ઘરમાં નથી?’

‘ના, છે. રૂમમાં છે. બોલાવું?’

સામેથી જેવું હકારમાં મસ્તક નમાવ્યું કે તરત પ્રતીક ઊભો થઈ બેડરૂમ તરફ ગયો અને ઘરમાં આવનારા મહેમાને ડ્રૉઇંગ રૂમમાં નજર ફેરવી. હૉલની બરાબર મધ્યમાં હિતાર્થનો મોટો ફોટો હતો, એ ફોટોમાં પણ હિતાર્થ સ્કૂલ ડ્રેસમાં જ હતો. ફોટો પર હાર હતો અને ફોટોની સામે થોડાં ફૂલ પડ્યાં હતાં. ડ્રૉઇંગ રૂમની દીવાલ પર હિતાર્થના પાંચ ફોટોગ્રાફ્સ લટકતા હતા, જે હિતાર્થના મોત પહેલાંના હતા.

રૂમના દરવાજા પાસે સળવળાટ થયો અને માનસી સાથે પ્રતીક રૂમમાંથી બહાર આવ્યો. માનસીની આંખો હજી પણ સૂઝેલી અને ભીની હતી. પ્રતીકે માનસીનો હાથ પકડ્યો હતો. બન્ને સામે સોફા પર બેઠાં અને તરત જ પ્રતીકે કહ્યું, ‘માનસી કદાચ વાત ન કરી શકે...’

‘વાત સાંભળી તો શકે એ પણ ઘણું છે. આપણે બધી વાત તેમની હાજરીમાં કરવી જોઈએ.’ આગંતુકે હાથ લંબાવ્યો, ‘તમને મળવાનું ગમ્યું પણ આનંદ નથી થયો કારણ કે મળવા માટેનું કારણ ખરાબ છે.’

‘મેં જ આપને ફોન કર્યો હતો.’ પ્રતીક સહેજ રિલૅક્સ થયો, ‘મને મારા સુરતના ફ્રેન્ડે આપનો નંબર આપ્યો.’

‘તમે પોલીસ-ઇન્ક્વાયરીથી ખુશ નથી તો તમે મીડિયા પાસે શું કામ ન ગયા?’ સોમચંદની દલીલ વાજબી હતી, ‘મીડિયા પાસેથી તમને પ્લૅટફૉર્મ મળવાનું જ હતું અને હવે તો સોશિયલ મીડિયા પણ બહુ સ્ટ્રૉન્ગ છે. તમે તમારી રીતે પણ સોશ્યલ મીડિયા પર વિરોધ નોંધાવી શકતા હતા તો... આ રસ્તો શું કામ?’

‘સાહેબ, અમે વિવાદ ઊભો કરવા નથી માગતાં. અમને ક્યાંય એવું નથી કે ચાલો સેન્સેશન કરીએ. ના, સહેજ પણ નહીં. અમે અમારો દીકરો ગુમાવ્યો. સાચું કહું તો અમે અમારી જિંદગી ગુમાવી દીધી. હવે તો શ્વાસ લેવાનું પણ મન નથી થતું... પણ બસ, અમારી ઇચ્છા છે કે સાચી વાત બહાર આવે જેથી બીજા પેરન્ટ્સનાં બાળકો સાથે હિતાર્થ જેવું ન થાય.’

પ્રતીક બોલતો હતો ત્યારે સોમચંદનું ધ્યાન તેના પર અને સાથોસાથ માનસી પર પણ હતું. માનસી વાત ધ્યાનથી સાંભળતી હતી એ તેમણે નોટિસ કરી લીધું હતું.

‘પોલીસની ક્લીનરવાળી થિયરી પર તમને શંકા શું કામ છે?’

‘સર, ફ્રૅન્ક્લી કહું, આખી વાત જ ઉપજાવી કાઢેલી છે.’ પ્રતીકે ચોખવટ પણ કરી, ‘મોસ્ટ્લી. મારી પાસે આના કોઈ પુરાવા નથી પણ મને સાચે જ લાગે છે કે સ્કૂલ કે મિનિસ્ટ્રીના પ્રેશર વચ્ચે પોલીસે ઇન્ક્વાયરીની ઝડપ વધારી દીધી હોય અને શકના આધારે જ આ માણસને પકડી લીધો હોય.’

‘એ માણસનું નામ શિવાનંદ કહે છે. શિવાનંદે પોલીસ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તેને હિતાર્થ બહુ હેરાન કરતો તો...’

‘સર, હું એમ કહું કે તમે મને હેરાન કરતા હતા તો એ કેટલું વાજબી છે?’ સવાલ પૂછીને એનો જવાબ પ્રતીકે જ આપી દીધો, ‘તમે અને હું આજે પહેલી વાર મળ્યા છીએ ત્યારે હું તમને બહુ હેરાન કેવી રીતે કરવાનો? મારો દીકરો સ્કૂલ-બસમાં જતો જ નહીં. જો તે સ્કૂલ-બસ વાપરતો જ ન હોય તો પછી કેવી રીતે ક્લીનરને હેરાન કરવાનો?’

‘આ જે શિવાનંદ છે તે અમારા ઘરના રૂટની સ્કૂલ-બસમાં પણ નહોતો.’

માનસી પહેલી વાર બોલી. એકધારું રડવાના કારણે તેનો અવાજ અતિશય ભારે થઈ ગયો હતો.

‘હા સર... મતલબ કે હિતાર્થ શિવાનંદને હેરાન કરે એવી કોઈ સિચુએશન જ નથી આવી તો પછી કેવી રીતે શિવાનંદ આવું કહી શકે?’

‘કદાચ આ સ્કૂલની વાત હોય જે તમને અને મને ખબર ન હોય.’

‘એવી શક્યતા ખરી પણ સર, સ્કૂલનો નિયમ છે કે સ્કૂલ-બસનો સ્ટાફ સ્કૂલ કૅમ્પસમાં દાખલ જ નથી થઈ શકતો.’ પ્રતીકે મોબાઇલ હાથમાં લઈને એક વિડિયો સોમચંદ સામે ધર્યો, ‘આ વિડિયોમાં શિવાનંદ ચોખ્ખું કહે છે કે છ મહિનામાં કદાચ તે પહેલી વાર સ્કૂલ કૅમ્પસમાં દાખલ થયો. શિવાનંદની બસમાં હિતાર્થ જતો નથી. શિવાનંદ સ્કૂલ કૅમ્પસમાં દાખલ થતો નથી. સ્કૂલનો જે બસ-ડેપો છે ત્યાં જ આ સ્ટાફ બેસી રહે છે. એ એરિયામાં સ્ટુડન્ટ્સને પણ જવા નથી મળતું. એમાં કેવી રીતે હિતાર્થ અને શિવાનંદ મળે ને હિતાર્થ તેને હેરાન કરે?’

પ્રતીકના હાથમાંથી મોબાઇલ લઈ સોમચંદે વિડિયો શરૂ કર્યો.

પ્રેસ-કૉન્ફરન્સ પછી શિવાનંદને જ્યારે કસ્ટડી માટે લઈ જવામાં આવતો હતો ત્યારે ન્યુઝ ચૅનલના રિપોર્ટરે રસ્તામાં શિવાનંદને સવાલો કર્યા હતા, જેના જવાબ તે આપતો હતો.

‘ક્રાઇમ સેક્ટરમાં એક થિયરી કામ કરે છે.’ મોબાઇલ પાછો આપી સોમચંદે પ્રતીક-માનસી સામે જોયું, ‘જો આ નહીં તો કોણ?’

‘એ માટે જ તમને બોલાવ્યા છે સાહેબ. શિવાનંદ નહીં તો કોણ હોઈ શકે એ તમે જાણો અને દુનિયાની સામે લાવો.’ પ્રતીકની આંખો ભીની થઈ, ‘તમારે જે ફી જોઈતી હોય એ હું તમને આપવા તૈયાર છું. ઍડ્વાન્સમાં ફી આપી દઉં... પણ પ્લીઝ સર, આ વાત બહાર લાવો નહીં તો બીજા છોકરાઓ પર પણ આવું જ જોખમ રહેશે.’

‘શિવાનંદ ડ્રગ્સ લેતો એ તમને ખબર છેને?’ પ્રતીકે હા પાડી કે તરત સોમચંદે કહ્યું, ‘ધારો કે પોલીસે ઇન્ક્વાયરીમાં ઉતાવળ કરી હોય તો પણ હું એટલું કહીશ કે આ પ્રકારે નશો કરનારી વ્યક્તિ ઇમૅજિનેશનમાં વારંવાર જાય છે એટલે સાઇકોલૉજિકલી બની શકે કે હિતાર્થની સાથે શિવાનંદને કોઈ પ્રૉબ્લેમ ન હોય પણ હિતાર્થ જેવો કે તેના જેવડો છોકરો શિવાનંદના મનમાં સ્ટોર થઈ ગયો હોય અને તેણે હિતાર્થ પર હુમલો કરી લીધો હોય.’

પ્રતીક કે માનસી પાસે હવે કોઈ દલીલ બચતી નહોતી.

‘આ મેં એક ધારણા કહી. આવું હોય જ એવું માનવું જરૂરી નથી.’ સોમચંદે ઊંડો શ્વાસ લીધો, ‘શક્ય છે કે તમે જે માનો છો એવું પણ નીકળે પણ એ માટે આપણે ઇન્ક્વાયરી કરવી પડશે.’

‘સાહેબ, કહ્યુંને... તમારે જે કરવું હોય એ કરો. જે ખર્ચ થતો હોય એ કરો. તમારી ફી ઉપરાંત એ બધો ખર્ચ આપવા પણ હું તૈયાર છું. બસ, મને હિતાર્થને ન્યાય મળે એ જોઈએ છે.’

‘હંમ. એક શરતે... ઇન્ક્વાયરી પૂરી થયા પછી જો આ જ સત્ય બહાર આવે તો તમારે એ સ્વીકારી લેવાનું. પછી તમે ફરીથી તમારી જ વાત પકડીને મીડિયા કે સોશ્યલ મીડિયામાં જશો એ નહીં ચાલે.’ સોમચંદે કહ્યું, ‘બધી તપાસ નિષ્પક્ષ થશે એનો વિશ્વાસ રાખજો પણ મને એ ખાતરી જોઈએ છે કે તમે એ ઇન્ક્વાયરીનો સહર્ષ સ્વીકાર કરશો. તમે કે તમારી શંકા ખોટી સાબિત થાય તો પછી તમે નવાં કોઈ ગતકડાં નહીં કરો.’

‘પ્રૉમિસ સર...’ જવાબ માનસીએ આપ્યો, ‘મને વિશ્વાસ છે કે અત્યારે જેને પોલીસ મર્ડરર કહે છે એ માણસ તો આ કેસમાં નથી જ અને ધારો કે તે નીકળ્યો તો અમે એ સ્વીકારી લેશું.’

‘ઓકે, ડન.’ સોમચંદ ઊભા થયા, ‘મને અમુક ઇન્ફર્મેશન જોઈએ છે જેનો તમને મેસેજ કરી દઉં છું. આપણે અત્યારથી જ આ ઇન્ક્વાયરી શરૂ કરીએ છીએ.’

‘આપની ફી...’

‘કેસ પૂરો થશે ત્યારે કહી દઈશ.’ સોમચંદે પ્રતીક સામે જોયું, ‘ચિંતા નહીં કરો, લાખો કે કરોડો નહીં માગું.’

lll

ઑપરેશન U/A.

ઑપરેશન ડેસ્ક પર સોમચંદે કેસને નામ આપ્યું.

કાં તો આ કેસમાં કોઈ પુખ્ત વયની વ્યક્તિ સંકળાયેલી છે અને કાં તો ટીનેજર છે. જો ટીનેજરે મર્ડર કર્યું હશે તો...

દેશના સંવિધાન માટે ડિટેક્ટિવ સોમચંદના ચહેરા પર અણગમો પ્રસરી ગયો.

 

(વધુ આવતી કાલે)

columnists exclusive gujarati mid day Rashmin Shah