વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

21 September, 2021 08:14 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘અતુલ્ય માટે મને આવી જ સંસ્કાર-લક્ષ્મી જોઈતી હતી. મારા અત્તુને ખુશ રાખજો વહુબેટા, મને બીજું કાંઈ ન જોઈએ!’

વારસદાર

‘આ હુશ્ન!’

ફુલસાઇઝ મિરરમાં પોતાના કમસીન દેહનું પ્રતિબિંબ નિહાળીને તેના ચિત્તમાં ખુમાર છવાયો એમ લજ્જા પણ આવી.

‘ક્યાં સુધી મને તડપાવીશ, તરસાવીશ!’

પિયુના શબ્દો પડઘાતાં તેણે હોઠ કરડ્યો. પોતે આપેલો જવાબ પણ નીમાને સાંભરી ગયો,

‘તરસ છિપાવવાનું તમારા જ હાથમાં છે, અતુલ્ય! આવો ઘોડે ચડીને લઈ જાઓ મને પછી હું જન્મોજનમ તમારી જ!’

સાંભળીને અતુલ્ય કેવા આવેશમાં આવી જતા. તેમના સોહામણા બદનનું અણુએ અણુ તપ્ત થઈ જતું અને છતાં જો તેમણે અમારા વેવિશાળના આ ૬ મહિનામાં સંયમની પાળ કદી ઓળંગી હોય! અરે, ક્યારેય પોતે ભાન ભૂલે તોય તે અચળપણે પળ સાચવી લે, ગાલે ટપલી મારીને હસી લે, ‘તારાં કોઈ અરમાન હું અધૂરાં નહીં રહેવા દઉં  નીમા, પણ એ પળો મારા-તારા અધિકારની  હોવી ઘટે.’

આમાં સંસ્કાર તો હતા જ, ભારોભાર પૌરુષથી છલકાતા પુરુષનો ટંકાર પણ હતો અને કેટલી સ્પષ્ટ સમજ. આજે તો નાનાં શહેરોમાં યંગસ્ટર્સમાં પણ સેક્સ બિફોર મૅરેજનો છોછ નથી રહ્યો, ત્યારે મુંબઈના મલબાર હિલ જેવા પૉશ એરિયામાં રહેનારો, આધુનિક વિચારસરણી ધરાવતો જુવાન લગ્ન અગાઉ મર્યાદાપાલનના ગુણ દર્શાવે એ

ખરેખર તો પોંખવા જેવી ઘટના

ગણાય. મમ્મી સાચું કહેતાં હોય છે, ‘નીમા, તું નસીબદાર છે કે તને આવાં વર-ઘર મળ્યાં!’

પોતાની ખુશનસીબીનો નાઝ અનુભવતી નીમા ગાઉન ચડાવી પલંગમાં પડી વાગોળી રહી.

એકની એક દીકરી તરીકે નીમાને સ્થિતિસંપન્ન મા-બાપના લાડ-હેત ભરપૂર મળ્યાં. આમાં સંસ્કાર-સમૃદ્ધિ પણ હતાં જ, પરિણામે અત્યંત રૂપાળી નીમામાં આત્મવિશ્વાસના ગુણ કેળવાતા ગયા. અંગે પુરબહાર યૌવન મહોર્યા પછી તેની અલ્લડતાને માફકસર ટોકી-ટકોરી માતા નિર્મળાબહેને તેનામાં ઠાવકાઈ પ્રેરી. ભણવામાં હોશિયાર નીમા કૉલેજના વેકેશન્સમાં ઑફિસ જઈને પિતા દિવાકરભાઈના અગરબત્તીના વેપારને પણ સમજતી થઈ. પોતે પાછી ફૂડી એટલે નવી-નવી વાનગી બનાવી યુટ્યુબ પર પોતાની રેસિપીના વિડિયો પણ મૂકે.

જોકે ગ્રૅજ્યુએશન પત્યાના વરસેકમાં માએ મુરતિયા ખોળવા માંડ્યા ત્યારે તે શરૂઆતમાં અકળાઈ, પછી શરમાઈ. તેની હૈયાપાટી કોરી હતી અને આ વયમાં કોઈ એકની થવાનાં અરમાન કોને નથી હોતાં!

પોતાના સ્વપ્નપુરુષની છબિ તેને અતુલ્યમાં દેખાઈ. અત્યંત કામણગારો, શિક્ષિત અને સંસ્કારી.

પહેલો મેળાપ નીમાના ઘરે ગોઠવાયો હતો. દિવાકરભાઈએ આગોતરી તપાસ કરી રાખેલી. અતુલ્યમાં કહેવાપણું નથી. પ્રતિષ્ઠિત ઝવેરી કુટુંબનો વારસદાર. તેના સદ્ગત પિતા અમૂલખરાયની સખાવતી સુવાસ સમાજમાં કોણ નથી જાણતું! ચારેક વર્ષ અગાઉ ટૂંકી બીમારીમાં પિતા પાછા થયા ત્યારે અતુલ્ય હજી કૉલેજમાંથી નવો-નવો નીકળેલો, તોય કુશળતાપૂર્વક ઝવેરાતનો પૈતૃક ધંધો સંભાળી લીધો. ચર્ની રોડમાં તેમનો વિશાળ શોરૂમ છે. ગુજરાત-રાજસ્થાનના રાજવીઓ ખાસ પ્રસંગે અહીંથી જ ખરીદી કરતા હોય છે. ચાર માળની વૈભવી ‘કલારત્ન’ જ્વેલ શૉપનાં ઘરેણાં બહુ ઑથેન્ટિક ગણાય છે. પરિવારમાં મા-દીકરો બે જ છે. અતુલ્યનાં મધર યામિનીદેવી બહુ ગરવાઈભર્યાં છે. સોશ્યલ વર્કર તરીકે મહિલા ઉત્થાનમાં તેમણે કરેલાં કાર્યો પ્રશંસનીય છે.

જે પરિવારનો રિપોર્ટ આવો હોય, જે જુવાન વિશે આટલું સારું-સારું સાંભળ્યું હોય તેને જોવા-મળવાની તાલાવેલી જાગવી સ્વાભાવિક ગણાય. ફોટોમાં એક્સ્ટ્રીમલી હૅન્ડસમ દેખાતા જુવાનને રૂબરૂ નિહાળવાની ઉત્કંઠાવશ નીમા મહેમાનના આગમન બાદ રસોડામાંથી ડોકિયું કરતી રહેતી.

ક્રીમ કલરની ખાદીની સાડીમાં શોભતાં પચાસેક વર્ષનાં યામિનીબહેન જાજરમાન લાગ્યાં. સોફાના બીજા છેડે ગોઠેવાયેલા અતુલ્યને તે તાકતી રહી, ‘કોઈ જુવાન આટલો સોહામણો ખરેખર હોઈ શકે!

ત્યાં અતુલ્યની નજર ફરકી, ડોકિયું કરતી નીમાને તેણે ઝડપી. ફોટોમાં જોયેલી છોકરીની ઓળખાણનો ઝબકારો થયો, આંખના ખૂણે તે મલક્યો ને ધકધક થતા હૈયે નીમાએ ડોક ખેંચી લીધી!

એકાંત મુલાકાતમાં અતુલ્ય ખૂલતો ગયો એમ વધુ ને વધુ ગમતો ગયો, ‘લતાનાં ગીતોથી વિરાટની ગેમ સુધીની અમારી પસંદ કેટલી મેળ ખાય છે!’

‘મેં તમારા વિડિયો જોયા છે. અમુક ડિશ તો મા પાસે બનાવડાવી પણ છે.’

અતુલ્ય સહેજ ગંભીર બનેલો, ‘માએ મારી પાછળ લોહીપાણી એક કર્યાં છે. નાનપણમાં હું બહુ બીમાર રહેતો ત્યારે રાતોની રાત જાગનારી મા જુવાનીમાં હું ક્યાંય ડગલં ન ચૂકું એ માટે પણ સતત સાવધ રહી છે. પપ્પાની માંદગીમાં તેણે કરેલી ચાકરીનો હું સાક્ષી છું. જીવનસાથી પ્રત્યે મને એટલી

અપેક્ષા હંમેશાં રહેશે, નીમા જેના જીવનનું હું કેન્દ્ર છું તેની ધરી હંમેશાં બનાવી રાખે.’

પ્રભાવિત થવાયું.

‘વિશ્વાસ રાખજો અતુલ્ય, 

કાળની દરેક કસોટીમાં હું તમારા

પડખે હોઈશ.’

અતુલ્યની કીકીમાં સંતોષ ઊભર્યો. નજરોના તાર વડે બે હૈયાં સંધાતાં ગયાં. બન્ને રૂમમાંથી બહાર આવ્યાં, તેમનો રાજીપો જોઈને વડીલો સમજી ગયાં કે ‘બાત બન ગઈ!

‘લો, મોં મીઠું કરો’ નિર્મળાબહેનની ખુશી છલકાઈ.

નીમા-અતુલ્ય વડીલોને પગે લાગ્યાં.

‘અતુલ્ય માટે મને આવી જ સંસ્કાર-લક્ષ્મી જોઈતી હતી. મારા અત્તુને ખુશ રાખજો વહુબેટા, મને બીજું કાંઈ ન જોઈએ!’

આશીર્વાદ દઈને પોતાને ગળે વળગાડતાં યામિનીમાએ અંતર

જીતી લીધું,

‘અમે ધન્ય થયાં.’ દિવાકરભાઈએ હાથ જોડ્યા, ‘અમૂલખરાયના વારસદાર જોડે મારી દીકરીનું સગપણ થવાનું એનાથી વિશેષ સૌભાગ્ય બીજું શું હોય!’

‘અતુલ્ય અમૂલખનો વારસદાર ખરો...’ યામિનીમાના ચહેરા પર અકથ્ય ભાવ પ્રસર્યા, પછી સ્મિત વરસાવતાં બોલી ગયાં, ‘પણ તેનામાં મારો સંસ્કાર-વારસો છે એ પણ

એટલું સાચું.’

ના, આમાં અભિમાન નહોતું. પતિની મહત્તા ઓછી કરવાનો આશય પણ નહીં, કેવળ મા જ લઈ શકે એવો ગર્વ હતો.

શુભ મુરતમાં સગપણ લેવાયું.

વૈભવ તો વાલકેશ્વરના પિયરમાં પણ હતો, પરંતુ સગપણ નિમિત્તે પહેલી વાર સાસરે જતી નીમા

મલબાર હિલનું મૅન્શન જોઈ

અચંબિત બનેલી; ટેરેસ-ગાર્ડન, 

સ્વિમિંગ-પૂલ, થિયેટર-હૉલ...

સગાઈ પછી નીમાને ઘર દેખાડતો અતુલ્ય છેવટે તેને પહેલા માળના મનગમતા મુકામે લાવ્યો,

‘આપણા આ  બેડરૂમમાં તારાં-મારાં કેવાં-કેવાં તોફાન જામશે એની લાંબી યાદી બનાવી રાખી છે મેં.’

અતુલ્યના અંદાજે નીમાનું હૈયું ધકડી ગયું, છતાં ન સમજાયું હોય એમ પાંપણ પટપટાવેલી, ‘તોફાન! આ ઉંમરે આપણને તોફાન થોડાં શોભે!’

‘હું આપણી ઉંમરને શોભે એવાં જ તોફાનની વાતો કરું છું, મહોતરમા!’ અતુલ્યે તેની કલાઈ પકડી, મરડી, ‘સુહાગરાતે હું...’

‘ઊઈ મા!’ નીમા શરમથી રાતીચોળ થઈ ગઈ, ‘સાવ મોંફાટ છો. મા અમસ્તાં જ તમને ડાહ્યાડમરા કીધે રાખે છે ત્યારે તો!’

માના ઉલ્લેખે અતુલ્ય સહેજ ગંભીર બનેલો, ‘મારી કિશોરાવસ્થાથી જ અમુક બાબતોમાં મા સ્ટ્રિક્ટ રહી છે. મને મારી રૂમ અંદરથી લૉક કરવાની પણ પરમિશન નથી. મારું કબાટ, મારી બુક્સ પણ મા જાતે ગોઠવતી. ફ્રેન્ડ્સને ત્યાં કદી રાતવાસે પણ નથી મોકલ્યો. ચડતી જવાનીના આવેગમાં હું કુટેવોનો ભોગ ન બનું, હાઈ સોસાયટીની બૂરી સોબતમાં ડ્રગ્સના રવાડે ન ચડી જાઉં - એ બધા માટે માએ તપશ્ચર્યા જ વેઠી છે એમ કહું તો ખોટું નહીં. પપ્પા પણ કહેતા કે મા જે કહે, કરે છે એ તારા ભલા માટે!’

પછી તેણે રણકો બદલ્યો,

‘જોકે મને એનો અફસોસ નથી. મેં કંઈ ગુમાવ્યું હોવાનું હું માનતો નથી. બલકે એથી મારું આત્મબળ કેળવાયેલું મને લાગે છે, પણ લગ્ન પછીની

વાત જુદી. પછી પણ આપણે તોફાન નહીં કરીએ તો માને વંશનો વારસ પણ કેમ મળશે!’

‘ઉફ્ફ.’ નીમાએ અત્યારે પણ કસક અનુભવી, ‘તોફાનના કોડવર્ડ પર અતુલ્ય કેવા નટખટ બની જતા હોય છે! પણ ધરાર જો તેમણે સ્વીકારેલી લક્ષ્મણરેખા ઓળંગતા હોય. તેમના સંયમ પર તો હું ઓવારી ગઈ છું...’

‘સર ઇઝ ડાયનૅમિક. જર-ઝવેરાતના સોદામાં જેટલી સૂઝ તેમને પડે છે, મુંબઈના ઝવેરીબજારમાં ભાગ્યે જ કોઈને પડતી હશે.’

વેવિશાળની સાંજે યામિનીબહેન નીમાને શોરૂમ પર લઈ ગયેલાં - ‘તારી પસંદગીનું ઘરેણું ગોતી લે!’

નૅચરલી, શેઠનાં મધર અને ફિયાન્સીને આવેલાં ભાળી સ્ટાફ પણ ખડેપગે હતો. માને કૅબિનમાં બેસાડી અતુલ્ય નીમાને આખો સ્ટોર ફેરવી લાવ્યો, ‘ગ્રાઉન્ડફ્લોર પર ચાંદી છે, પહેલા-બીજા માળ એક્સક્લુઝિવ બ્રાઇડલ કલેક્શન માટે છે જે આપણી સ્પેશ્યલિટી પણ ગણાય છે. ખાસ કરીને હીરા-માણેકનાં રજવાડી ઘરેણાં. ત્રીજા માળે ગોલ્ડ-પ્લૅટિનમ અને ચોથા ટૉપ ફ્લોર પર ડાયમન્ડ્સ... સ્ટાફની એન્ટ્રી અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી છે. ત્યાં સ્ટાફનો ચેન્જરૂમ પણ છે. કાર્ડ પંચ કરી, યુનિફૉર્મ બદલી તેમણે પાછલી સીડીથી શોરૂમમાં આવવાનું હોય છે. કરોડોના ઝવેરાતની જાળવણી માટે વીમો તો ખરો જ, પ્રાઇવેટ સિક્યૉરિટીનો બંદોબસ્ત પણ આપણે કર્યો છે. શોરૂમના મુખ્ય પ્રવેશદ્વારે અને પાછલા દરવાજે સશસ્ત્ર ચોકિયાતો તેં જોયા હશે, એ સિવાય અલાર્મ સિસ્ટમ ઉપરાંત ઠેર-ઠેર લગાવેલા સીસીટીવી કૅમેરા તો ખરા જ, જેનું મૉનિટરિંગ મારા મોબાઇલ, લૅપટૉપ ઉપરાંત મારી કૅબિનના વિશાળ સ્ક્રીન પર સતત થતું રહે છે, લકીલી આપણો સ્ટાફ વિશ્વાસુ છે. ૧૫૦ના સ્ટાફમાં કેટલાક તો પપ્પાના સમયથી આપણી સાથે છે. ઝવેરાતના સોદા અંતર્ગત મારે બહારગામ જવાનું થાય ત્યારે શોરૂમનો કારભાર સુકુમાર સંભાળે છે. હી ઇઝ જનરલ મૅનેજર હિયર. તેના હાથ નીચે મંદાર મૅનેજર છે. સ્મૃતિબહેન એચઆર સંભાળે છે.’

રાઉન્ડ પછીની પરિચયવિધિ દરમ્યાન શોરૂમના આ ત્રણેય મુખ્ય કર્મચારીઓ અદબભેર ઊભા રહ્યા. ત્રણેય ૨૫-૩૦ના જુવાનિયા હતા, ખંતીલા પણ લાગ્યા. અતુલ્યના ગુણ ત્રણેએ એક અવાજમાં ગાયા એ કેવળ બૉસનું બટરિંગ નહોતું લાગ્યું.

છેવટે બન્ને અતુલ્યની કૅબિનમાં પહોંચ્યાં ત્યારે યામિનીમા બોલી ઊઠ્યાં, ‘લો, બે કલાક ફરીને આવ્યાં, પણ એકેય ઘરેણું પસંદ ન કર્યું?’

અને નીમાથી બોલી જવાયેલું, ‘આ દુકાનમાં જે સૌથી કીમતી હતું તેને મેં હૈયે જડી દીધું છે મા, મને બીજા કોઈ ઘરેણાંનો ખપ નથી!’

તેનો ઇશારો અતુલ્ય તરફ હતો. સાંભળીને અતુલ્ય મીઠું શરમાયો, વહુની ઠાવકાઈએ યામિનીમાને જીતી લીધાં.

- એની ખુશી અત્યારે પણ નીમાએ અનુભવી. મુરતના અભાવે લગ્ન હજી ત્રણ મહિના પછી છે. હા, પ્રસંગની તૈયારીઓ પુરજોશમાં છે. એમાં ગયા મહિને ચારેક દિવસ માટે અતુલ્ય વ્યાપારના કામે સિંગાપોર ગયા ત્યારે યામિનીમા સાથે રહીને પોતે બહેનપણાં પાકાં કરી લીધેલાં. અતુલ્યને એનો આનંદ જ હોય, ‘બસ, હવે આ ત્રણ મહિનાનો ગાળો પવનવેગે વહે કે અમે એક થવાનું સુખ પામીએ!’

સોહામણાં શમણાં ગૂંથતી નીમાને શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

lll

‘ઉફ્ફ, આ જોબન!’

ચેન્જરૂમમાં છુપાવેલા કૅમેરાથી પોતાના મોબાઇલમાં રેકૉર્ડ થયેલા દૃશ્યએ તેના બદનમાં કામરસ

છલકાવી દીધો.

શોરૂમના લેડીઝ સ્ટાફમાં કોઈ સૌથી રૂપાળું હોય તો માંડ બાવીસ વર્ષની કાચી કળી જેવી આ સત્યવતી! ‘ભર્યાભર્યા બદનવાળી યુવતી ગરીબ ભલે હોય, સંસ્કારમાં ઊજળી છે. કામકાજમાં સ્માર્ટ યુવતી ‘કામ’માં કેવી હશે! સાડી કે ચૂડીદારના પૂર્ણ ભારતીય પોશાકમાં જેનું જોબન ઝાલ્યું નથી ઝલાતું તે વિના આવરણ કેવું લાગતું હશે?’

આમ તો છએક મહિના અગાઉ તે ‘કલારત્ન’માં જોડાઈ ત્યારથી આ કલ્પના દહેકાવતી. એમાં ગયા

મહિને લેડીઝ ચેન્જરૂમમાં કૅમેરા છુપાવવાની યોજના પાર પાડ્યા પછી બીજા ભેગા સત્યવતીનો રૂપખજાનો પણ ખૂલી ગયો!

જોકે છોકરી સંકોચશીલ છે. રૂમમાં એકલી હોય તો પણ સાડી કે દુપટ્ટાની આડશ કરીને વસ્ત્રો બદલે. બહુ થોડી ક્ષણો માટે તેનાં અંગોની ઝલક જોવા મળે અને એથી તો તેને ભોગવવાની પ્યાસ ઑર ભડકી ઊઠે છે, ‘લખી રાખ, તારી આ કમસીન કાયાનો ભોગવટો હું બહુ જલદી કરવાનો!’

- અને દરવાજે ટકોરા પડતાં મોબાઇલ બંધ કરીને ઝડપભેર સ્વસ્થ થઈ જવું પડ્યું તેણે!

 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff