વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

23 September, 2021 07:48 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘પ્યાસી છું, કૂવા પાસે આવી છું!’ કહીને તેણે સાડીનો છેડો સરકાવ્યો. એ ક્ષણ અમૂલખથી સચવાઈ નહીં અને તે પતનની ખીણમાં ખાબકી બેઠા!

વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

‘આખરે તું પણ તારા બાપ જેવો વહેશી જ નીકળ્યો!’
યામિનીમાના શબ્દો બોલાયાના ૨૪ કલાક પછી પણ નીમાના ચિત્તમાંથી હટતા નથી.
‘બાકી શનિની ગઈ કાલની સાંજ તો કેવી ખુશનુમા હતી. વીક-એન્ડની સાંજે હું અહીં જ હોઉં, અતુલ્યને ભાવતી વાનગીઓ બનાઉં અને મા એનો હરખ લે એ સુખ ઘડીબેઘડીમાં કેવું નજરાઈ ગયું!’
એના મૂળમાં હતી રેશ્મા.
મહિને એકાદ-બે વાર પોતે શોરૂમમાં જવાનું થતું એટલે સ્ટાફનો પરિચય પણ ખરો. અતુલ્યની જ શીખ હતી કે વેપારીની પત્નીને વેપાર તો આવડવો જ જોઈએ!
‘સ્ટાફમાં આ રેશ્મા તો હજી બેએક મહિનાથી જોડાયેલી છે. ધેટ સ્માર્ટ ગર્લ સત્યવતીની મદદનીશ. ગઈ સાંજે ઘરના કોઈ કામે તે ડ્યુટી પરથી વહેલી નીકળી એ સમયે ચેન્જરૂમના કૅમેરાનો તેને ખ્યાલ આવ્યો. ત્યાંથી તો તે થરથર કાંપતી નીકળી ગઈ, પણ પછી ક્યાંય ચિત્ત ચોંટ્યું નહીં એટલે શેઠના ઘરે આવી ત્યારે હું કિચનમાં સર્વિંગની તૈયારીમાં વ્યસ્ત હતી, અતુલ્ય તેમની રૂમમાં હતા. તેની પહેલી મુલાકાત હૉલમાં બિરાજમાન મા સાથે થઈ. મા સમક્ષ સીધી ધા નાખી કે તમારા દીકરાએ છોકરીઓના ચેન્જરૂમમાં કૅમેરા ફિટ કરાવ્યો છે!
‘ચેન્જરૂમમાં કૅમેરા હોય એટલે એ અતુલ્યએ જ ફિટ કરાવ્યો એવું થોડું હોય!’ માએ પહેલાં તો દલીલ કરી હતી.
‘એ તમારો દીકરો જ હોય, માડી. બીજાને પરખાય કે ન પરખાય, હું તો મારી જોડીદાર સત્યવતીને કહેતી પણ ખરી કે શેઠની નજરમાં કેવી વિષયલોલુપતા ટપકે છે!’
મા માટે વધુ સાંભળવું શક્ય નહોતું.
‘છોકરી, તું હોંશમાં તો છે!’
તેમની એ ત્રાડ પડઘાતાં અત્યારે પણ નીમા કાંપી ગઈ.
દીકરાના સંસ્કાર દુનિયાને દેખાડી દેવા હોય એવા આવેશથી તેમણે મોબાઇલ-લૅપટૉપ ચેક કરવા કહ્યાં. મોબાઇલ તો અતુલ્યએ પોતે રેશ્માને ધરી દીધો, એમાંથી કંઈ ન નીકળ્યું, પણ પોતે આપેલા અતુલ્યના લૅપટૉપમાં કૅમેરાનાં રેકૉર્ડિંગની લિન્ક નીકળી આવી. બસ, એ ક્ષણે માની હામ તૂટી ને અતુલ્યને ધડાધડ લાફા વીંઝતાં તેઓ બોલી ગયાં, ‘તુંય તારા બાપ જેવો જ નીકળ્યો!’
ઉપરાઉપરી આઘાતથી અતુલ્ય પૂતળા જેવા થયેલા. નોકરવર્ગને આઘાપાછા કરી મેં રેશ્માને વીનવેલી, ‘તારી સાથે ખોટું થયું એનો ન્યાય થશે, પણ અત્યારે પ્લીઝ અહીંથી જા અને હમણાં કોઈને કશું કહીશ નહીં...’
તેના ગયા પછી પોતે માને ફોન કરી દીધેલો, ‘આજે હું અહીં જ રોકાઉં છું, મા. જોને યામિનીમા માનતાં જ નથી.’
‘બસ, ત્યાર પછી છવાયેલી ખામોશી આ ઘડી સુધી માનો તૂટી નથી. અતુલ્ય તેની રૂમમાં છે, મા તેમની કક્ષમાં. ન સવારનાં ચા-કૉફી, ન બપોરનું ભોજન! મારે શું કરવું જોઈએ એ પણ સમજાતું નથી!’
‘મૂરખ છે તું નીમા!’
યામિનીમાના સાદે નીમા ઝબકી. વિચારમેળો સમેટી લીધો. તેમને હૉલમાં દોરી લાવી. ‘૨૪ કલાકમાં તો મા ટેકો લેતાં થઈ ગયાં!’
‘આટલું થયા પછી પણ તું અહીં છે એ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે? અતુલ્યમાં તેના પિતાનો વારસો ન આવે એ માટે જિંદગીભર સાવચેત રહી,  પણ આખરે લોહી બોલ્યું!’ યામિનીબહેને નિ:શ્વાસ નાખ્યો, ‘અતુલ્ય સાચે જ તેના પિતાનો વારસદાર નીકળ્યો.’
નીમાએ તેમનો પહોંચો પસવાર્યો.
આવા જ કશા સધિયારાની ઝંખના હોય એમ વર્ષોથી ભીતર દફનાવી રાખેલું દર્દ પાળ તોડીને વહ્યું, ‘અતુલ્યના જન્મ પછીની આ વાત. લગ્નના ત્રીજા વર્ષે જન્મેલો અત્તુ અમને બન્નેને બહુ લાડકો. સાસુ-સસરા ત્યારે ગુજરી ચૂકેલાં, તું તો જાણતી હોઈશ નીમા, અત્તુ બાળપણમાં બહુ માંદો રહેતો. હું મોટા ભાગે તેનામાંવ્યસ્ત હોઉં એટલે ઘરના સુમેળભર્યા સંચાલન માટે ફુલટાઇમ કૅરટેકર રાખી.’  
નીમા-યામિનીબહેનના ધ્યાન બહાર રહ્યું કે તેની પીઠ પાછળની સીડીનાં પગથિયાં ઊતરી નીચે આવેલો અતુલ્ય પણ માના શબ્દોએ ખોડાઈ ગયો છે.
‘નામ તેનું સુષમા. વયમાં મારાથી બેએક વર્ષ મોટી બાઈ ડિવૉર્સી હતી. ધણી દારૂ પી મારઝૂડ કરતો, એની કરુણ ગાથા કરીને તે ઘરે-ઘરે ફરીને કામ માગતી.’
યામિનીબહેન કશું જ ભુલાયું ન હોય એવી સહજતાથી કહેતાં ગયાં, ‘આ બાજુ મને ઘરરખ્ખુ બાઈની જરૂર હોવાનું મેં આપણા ઓળખીતા-પાળખીતામાં કહી રાખેલું એટલે એકાદ રેફરન્સે સુષમા આપણા ઘરે આવી. તેની કહાની, લંપટ પતિને છૂટાછેડા આપવાની તેની ખુમારી મને સ્પર્શી ગઈ અને મેં તેને કામે રાખી લીધી.’
નીમા આગળનો વળાંક કલ્પી શકતી હતી. અતુલ્ય એકકાન હતો.
‘બહુ જલદી તે ઘરમાં ગોઠવાઈ ગઈ. ત્યારે આપણા ઘરની ગોઠવણી ભિન્ન હતી. સર્વન્ટ્સ ક્વૉર્ટર પછવાડે હતાં. રાતનું રસોડું આટોપીને સુષમા પણ સૌથી છેલ્લે ક્વૉર્ટરની રૂમ પર જતી રહેતી. 
તેના આવવાથી મને સાચે રાહત હતી. અત્તુની દેખરેખમાં હું ક્યાંય ચૂકતી નહીં.’
યામિનીબહેન ફિક્કું હસ્યાં.
‘સ્ત્રી તો સંતાનને જન્મ આપીને મા બની જાય છે નીમા, પણ પિતા બન્યા પછી પણ પુરુષ પોતાનું પુરુષપણું ત્યજી નથી શકતો!’
યામિનીબહેનનું મોઘમ સમજાતું હોય એમ નીમા આડું જોઈ ગઈ, અતુલ્યના હાથની મુઠ્ઠી ભિડાઈ.
ખુલ્લા શબ્દોમાં બધું કહેવાય એમ પણ નહોતું. પીડા ઘૂંટતાં યામિનીબહેન આંખો મીંચી ગયાં. પાંપણના પડદા પાછળ ગતખંડ તરવરી રહ્યો.
lll
‘અત્તુને સુવડાવીને તું આપણા બેડરૂમમાં આવી જજે.’ અમૂલખે વિનવણીની ઢબે પત્નીને કહ્યું, ‘હવે તો તેને સારું છે.’
‘નહીં અમૂલખ. માંડ આઠ મહિનાનો થયેલો તે રાતે ઘણી વાર ઝબકીને જાગી જાય છે.’
‘ઓહો!’ અમૂલખ અકળાયા, ‘મહિનોમાસથી ફુલટાઇમ બાઈ રાખી છે તોય તને મારા માટે ટાઇમ નથી!’
પત્ની તરીકે અમૂલખનો ભાવ યામિનીને સમજાતો. અમૂલખ રસિક હતા, સીમંત પછી પોતે પ્રસૂતિ માટે પિયર રહ્યાં, અત્તુ ત્રણ મહિનાનો હતો ત્યારે માએ આણું કર્યું, એટલો સમય તો અમૂલખે વિના ફરિયાદ ગુજાર્યો, બે-ત્રણ મહિના વધુ ધીરજ ખમી, પણ હવે તેમનો કામ ફૂંફાડા મારતો હતો.
‘ઓરતા મને ન હોય અમૂલખ? પણ ધાવણા છોકરાનું તો વિચારો. આપણા માટે અત્તુ પહેલો.’
યામિનીએ માન્યું વાત અહીં પૂરી થઈ, પણ ના, ત્યારે અમૂલખ-યામિની બન્નેના ધ્યાન બહાર રહ્યું કે ડાઇનિંગ હૉલમાં પતિ-પત્ની વચ્ચે થયેલી ચર્ચા સુષમાના કાને પડી ચૂકી છે!
તેને માટે આ તક હતી કે શરીરસુખ માટે તડપતા પુરુષને ધાર્યું આપીને આ મહેલની રાણી બનવાની!
અને રાતનું અંધારું ઓઢીને સુષમા ક્વૉર્ટરમાંથી નીકળીને ઘરમાં પ્રવેશી. આજે જતાં પહેલાં મેઇન ગેટની ચાવી લઈ રાખેલી તેણે. શેઠાણી નીચેની રૂમમાં નાનકડા દીકરાને હીંચકતા સૂઈ ગયાં છે એની ખાતરી કરી તે ઉપલા માળે શેઠના બેડરૂમે પહોંચી. પડખાં ઘસતા અમૂલખ ચોંક્યા, ‘સુષમા, તું! અત્યારે અહીં શું કરે છે?’
‘પ્યાસી છું, કૂવા પાસે આવી છું!’ કહીને તેણે સાડીનો છેડો સરકાવ્યો. એ ક્ષણ અમૂલખથી સચવાઈ નહીં અને તે પતનની ખીણમાં ખાબકી બેઠા!
lll
યામિનીબહેન સહેમી ઊઠ્યાં. આંખો ખૂલી ગઈ. નીમાને નિહાળીને ફિક્કું મલક્યાં, ‘ચપટીક સુખની લાલસામાં અમૂલખ મારો હક સુષમાને દઈ બેઠા. એ પહેલી રાત પછી અમૂલખ મારી સાથે નજર મેળવવાનું પણ ટાળે, સુષમા અન્ય નોકરો પર રોફ જમાવે, મને પણ ક્યારેક ગણકારે નહીં એ બધું મારી સ્ત્રીસેન્સને અલર્ટ કરી ગયું અને પાંચમી રાતે દરોડો પાડીને મેં બેઉને રંગેહાથ પકડી પાડ્યાં!’
lll
‘યામિની... તું!’ અમૂલખ થોથવાયા. ચાદરથી તન ઢાંકતી સુષમા રણચંડી જેવાં યામિનીના અવતારે ધ્રૂજી ઊઠી.
‘તમારું આવું પતન અમૂલખ! મારો હક તમે બે બદામની બાઈને આપ્યો!’ યામિની માટે પણ એ હૃદયભંગની ક્ષણ હતી. અમૂલખના ચારિત્રમાં અધરવાઇઝ ક્યાં કશું કહેવાપણું હતું? કે પછી આ જ તેમનું ખરું ચારિત્ર?
‘એય! બે બદામની કોને...’ તાડૂકવા જતી સુષમાને યામિનીએ એવો તમાચો વીંઝ્‍યો કે બિચારીને તમ્મર આવી ગયાં. ત્યાં તો હાથ ઝાલીને યામિનીએ તેને ખેંચી કાઢી, ‘ચલ, નીકળ મારા ઘરમાંથી!’
lll
‘એ ક્ષણે પણ હું સ્પષ્ટ હતી નીમા, કે બીજું કંઈ નહીં તો અત્તુને ખાતર મારે મારી ગૃહસ્થી સંભાળી લેવાની છે. વાઘણની જેમ વીફરી મેં સુષમાને હદ બહાર કરી, એમ સજા તો અમૂલખને પણ આપી. આખરે સુષમાથી વધુ મોટા ગુનેગાર તે મારા માટે. તેની સજારૂપે ફરી ક્યારેય મેં તેમને મને સ્પર્શવા દીધા નથી!’ દાંપત્યનું સૌથી મોટું રહસ્ય ખોલતાં યામિનીબહેન હાંફી ગયાં. નીમા સ્તબ્ધ હતી.
‘અમૂલખને ન્યાય ખાતર એટલું કહીશ કે મારી સજા ઓઢીને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત તેમણે દાખવી જાણ્યું. અતુલ્યને ખાતર અમે બંધાઈ રહ્યાં. તેમના અંતિમ દિવસોની ચાકરી કેવળ દેખાવ માટે નહોતી હોં નીમા, અમારી લાગણીના તાર સાવ તૂટ્યા નહોતા.’
પાછળ ઊભો અતુલ્ય આંખો મીંચી ગયો, ‘મા-પિતાનો દરેક સંદર્ભ હવે સ્પષ્ટ હતો. પપ્પાનું પરસ્ત્રીગમન જાણીને હાથની મુઠ્ઠી વળી ગયેલી. એ જ પિતાએ પશ્ચાત્તાપરૂપે કદી સ્પર્શસુખ નહોતું માણ્યું એ જાણી હૈયું કૂણુ પડ્યું. પિતાના કામલક્ષણનો વારસો મારામાં ન ઊતરે એ માટે માની સાવચેતી સમજાણી અને છતાં હું પિતાને ધિક્કારું એવું પણ તેણે કદી ન ઇચ્છ્યું, ન કર્યું.’ 
‘અને સુષમા? તેણે હોબાળો ન મચાવ્યો, મા?’
‘સુષમા!’ યામિનીબહેને ઊંડો શ્વાસ લઈ પરાકાષ્ઠા કહી, ‘પહેલાં તો મને-અમૂલખને બન્નેને હતું કે સુષમા કોઈક ને કોઈક રીતે ગામગજવણું કરશે, પણ એવું બન્યું નહીં. એ રાતે ઘરેથી નીકળેલી સુષમાના ખબર છઠ્ઠા મહિને મળ્યા. કોઈક શ્રીમંતના ઘરે તે ચોરી કરતાં ઝડપાઈ ગઈ હતી!’
‘હેં!’
‘અમે તો ત્યારે જાણ્યું નીમા કે ધણીની મારપીટની, ડિવૉર્સની તમામ વાતો જૂઠી હતી. બાઈની કાર્યપદ્ધતિ જ એ કે બિચારી બનીને શ્રીમંત ઘરે નોકરી લેવી અને પછી ચાર-છ મહિનામાં હાથ કી સફાઈ દાખવીને છૂ થઈ જવું! આપણે ત્યાં તેણે સેટલ થવાની તક જોઈ, પણ એ બન્યું હીં. એ રાતે મારા તેવર જ નોખા હતા, કદાચ એની બીકે ત્યારે તેનાથી બોલાયું નહીં અને પછીથી ગામ ગજવવાની થાત તો તો તેનો જ ચોરીનો ભૂતકાળ ખુલ્લો પડત એવું તો તે કેમ થવા દે?’ યામિનીબહેને ઉમેર્યું, ‘આજે તો તે હયાત પણ નથી. હું ઘણી સ્ત્રીસંસ્થાઓ સાથે જોડાયેલી છું એટલે જાણું છું કે વિરારના નારીગૃહમાં કૅન્સરની બીમારીમાં બહુ રિબાઈ-રિબાઈને ત્રણેક વરસ અગાઉ મૃત્યુ પામી હતી.’
યામિનીબહેને નીમાના માથે હાથ ફેરવ્યો.
‘છતાં, અમૂલખના કુલક્ષણની વારસાઈથી પુત્ર દૂર રહે એ માટે હું બહુ મથી, નીમા, પણ... ખેર, તારે મારા જેવા સંજોગ નથી, નીમા, અતુલ્યના વહેશીપણાનું સત્ય પ્રગટ થયા પછી પણ તું અહીં છે? શું કામ!’
પાછળ ઊભો અતુલ્ય ટટ્ટાર થયો, ‘આ એક જવાબની તો મને પણ ઝંખના છે!’
નીમાએ હોઠ કરડ્યો. રેશ્માના આક્ષેપની ઘડીથી પોતાની ભીતર પણ દ્વંદ્વ ચાલી જ રહ્યો છે. શોરૂમના છૂપા કૅમેરાનું કનેક્શન અતુલ્યના લૅપટૉપમાં નીકળે એ જેવીતેવી ઘટના નહોતી.
‘દિમાગને બીજા કોઈ સબૂતની જરૂર નહોતી, મા, પણ દિલ ન માન્યું. હજીય નથી માનતું. એનું કારણ છે મા. અતુલ્યમાં વિકાર હોત તો તેની વાગ્‍દત્તા તરીકે મને ક્યારેક ક્યાંય સ્પર્શ્યો હોત, ગંધાયો હોત. તેમના સંયમમાં દંભ હોય એ માનવા હું તૈયાર નથી.’ નીમાની મક્કમતા ઝબકી, ‘અમે એકમેકને કૉલ આપ્યો છે, મા. કોઈ પણ કટોકટીમાં એકબીજાના પડખે રહીશું. મારા માટે તો આ કસોટીની ઘડી છે મા, મારા જવાનો તો સવાલ જ નથી. અતુલ્ય સાચા હોય તો પણ, ને ખોટા હોય તો પણ!’
વાગ્‍દત્તાના રણકારે અતુલ્યની આંખના ખૂણા ભીંજાયા. મા-નીમાને અણસાર આવે એ પહેલાં ચૂપકેથી પાછો ઉપલા માળે સરકી ગયો.
નીમાનો સંકલ્પ કયો રંગ દેખાડશે એની ત્યારે કોને ખબર હતી?

આવતી કાલે સમાપ્ત

columnists Sameet Purvesh Shroff