વળાંક - જિંદગીની બાજીમાં હુકમનો એક્કો (પ્રકરણ ૨)

07 April, 2026 02:24 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

પપ્પાથી મોટાં સુધાફોઈ ઠેઠ કચ્છ પરણેલાં. ફુઆ જિલ્લાના સરકારી દફ્તરમાં ઊંચી પાયરીએ હતા એટલે મોટું મકાન અને નોકરોની જાહોજલાલી હતી, પણ રહેવાનું અંતરિયાળ અને હવામાન વિષમ એટલી જ ખોડ.

ઇલસ્ટ્રેશન

નીમા, હું જાણું છું કે તું બેવફા નથી, હોઈ જ ન શકે... પણ આ લગ્નમાં તારું સુખ છે.

કંકોતરી પંપાળતા અતુલ્ય સમક્ષ નીમાની સૂરત તરવરી.

તે તો મારા પર કેવી ઓળઘોળ. તે ક્યારેક કહેતી : અતુલ્ય, આમ જુઓ તો મારે પરણીને સામા ઘરેથી અહીં જ આવવાનું છે, પણ એ અંતર આસાન નહીં હોય... ચાલીનો કોઈ છોકરો બહેનને પટાવી જાય એ ગમતું ન હોય એમ ભાઈ તારાથી કતરાય છે, પપ્પાને પણ આપણો મેળ પસંદ નથી; મા કદાચ મારું અંતર પારખે છે, પણ પપ્પા-ભાઈ આગળ તેનું કશું ઊપજે નહીં... પહેરેલાં કપડે તારે ત્યાં આવતી રહું તો મને જાકારો નહીં દેને?

આવું કહેનારી નીમા જોકે બીજે પરણે એ જ સારું છે... ના, આ તેની મરજીથી તો ન જ થયું હોય, પણ આખરે તે મને પરણે તો પણ હું તેને શું સુખ આપી શકવાનો. પપ્પાના ગયા બાદ સિવિલ સર્વિસનું સમણું સમેટીને કામે લાગી જવું પડ્યું, પાર્ટટાઇમ જૉબ સાથે ગ્રૅજ્યુએટ થઈને મળી એ નોકરી સ્વીકારી લીધી. અંકુર પ્રાઇવેટ કંપની છે, પણ પ્રોડક્ટ-રેન્જ સારી અને ટર્નઓવર કરોડોમાં. કંપનીનું સુકાન દિવ્યા મૅડમના હાથમાં છે અને પોતે તેમના મૅનેજર તરીકે અપૉઇન્ટ થયો છે. અહીં સૅલેરી-સ્ટ્રક્ચર ઓછું, પણ શીખવાનું ઘણું છે. જોકે પગાર-બચત માની સારવારમાં ખર્ચાતાં ગયાં એનો અફસોસ હોય જ નહીં, પણ બે પાંદડે થઈને નીમાને પરણવામાં વરસો લાગી શકત. એના કરતાં સારું છે કે તેનાં લગ્ન બીજે નક્કી થઈ ગયાં. મને એની ફરિયાદ શું કામ અને હવે મારે પણ જાતને શા માટે બાંધી રાખવી?

અતુલ્ય ટટ્ટાર થયો.

ખરેખર તો હું આદર્શમાં સમાધાન કરીને નીમાને મને હૈયેથી ઉતારવાનું કારણ આપી શકું અને નવા બંધનમાં બંધાતાં પહેલાં તેના જૂના મોહનો આખરી તાંતણો પણ તૂટી જાય...

- અને બીજી સાંજે અતુલ્ય મૅડમની કૅબિનમાં જોમભેર ધસી ગયો. જોકે પાંત્રીસેક વરસનાં દિવ્યા મૅડમ સાથે પચીસ-સત્તાવીસની જાજરમાન યુવતી હતી એ જોઈને જરા ખચકાયો.

‘યસ અતુલ્ય?’ પછી યુવતી તરફ ફરીને પરિચય આપ્યો, ‘નવનીત, ધિસ ઇઝ અતુલ્ય, માય મૅનેજર અને અતુલ્ય, શી ઇઝ નવનીત - મારી

પાર્ટી-ગૅન્ગની સખી.’

બન્નેએ પરસ્પર ગ્રીટ કર્યું. પછી અતુલ્યએ દિવ્યાને હિન્ટ આપતો હોય એમ કહ્યું, ‘મૅડમ, તમે એક કામ કહેલુંને. આઇ ઍમ રેડી ફૉર ધૅટ.’

સાંભળીને દિવ્યાની કીકીમાં હીરાની ચમક ઊપસી ગઈ એ નવનીતે નોંધ્યું. વિચાર પણ થયો : દિવ્યાએ તેના મૅનેજરને એવું તે કયું કામ

કહ્યું હશે.

પછી જવાબ જાતે જ શોધી લીધો હોય એમ તેના હોઠ વંકાયા : સિંગલહુડમાં માનનારી દિવ્યાને આવા કસાયેલા જુવાનનું શું કામ હોય એ અમારી હાઈ સોસાયટીમાં ઓપન સીક્રેટ જેવું છે.

‘યુ હન્ગ્રી વુમન.’ અતુલ્યના જતાં તેણે દિવ્યાને ચૂંટી ખણી અને દરવાજામાંથી સરકી આવેલા તેમના દબાયેલા હાસ્યે અતુલ્ય નિ:શ્વાસ જ નાખી શક્યો.

lll

નિંદિયા સે જાગી બહાર...

અગાસીમાંથી પરોઢનાં કિરણો રણ પર પથરાતાં જોઈને અતુલ્યને બહુ ગમતું લતાનું ગીત નીમાના હોઠે આવી ગયું.

પપ્પાથી મોટાં સુધાફોઈ ઠેઠ કચ્છ પરણેલાં. ફુઆ જિલ્લાના સરકારી દફ્તરમાં ઊંચી પાયરીએ હતા એટલે મોટું મકાન અને નોકરોની જાહોજલાલી હતી, પણ રહેવાનું અંતરિયાળ અને હવામાન વિષમ એટલી જ ખોડ. જોકે ફોઈ પરિસરમાં એવાં ગોઠવાઈ ગયેલાં કે તેમને ભુજ પણ ભીડવાળું લાગે. તેમના બન્ને દીકરાઓ જોકે કૉલેજ કરવા વિદેશ જઈને ત્યાં જ વસ્યા છે. ફોઈ તો ઝાઝું બહાર નીકળતાં નથી અને મોટા થયા પછી નીમા-બ્રિજેશનું પણ ફોઈને ત્યાં આવવાનું બહુ ઓછું બનતું.

એનું એક કારણ ફોઈનો આકરો સ્વભાવ પણ ખરો. નીમા બાબત તેઓ સોનલબહેનને ફોન પર ટકોરતાં રહે : છોકરી પર નજર રાખજે સોનલ, ક્યાંક પગ કૂંડાળામાં પડી ગયો તો ખાનદાનનું નાક કાપશે! પેલા પાડોશના છોકરા સાથે તેને કેવુંક છે? નાની હતી ત્યારે તેના ઘરે કેટલું જતી. એ બધું હવે શોભે નહીં. ગામમાં વાતો થવા માંડે...

‘ના... ના... સુધાબેન, તમે માનો છો એવું નથી. અતુલ્ય સારો છોકરો છે, હવે તો કમાય પણ છે.’

‘પથરા સારો છોકરો!’ ફોઈ કહે એ પહેલાં બ્રિજેશ તાડૂકી ઊઠતો, ‘પોતાનું ઘર નથી ફોઈ તેની પાસે. મા બીમાર અને મામૂલી પગાર.’

‘સંજોગની વાત છે સુધાબેન...’ સોનલમા સહેજ ઓછપાઈને વાળવા મથતાં, ‘છોકરો પથ્થરમાંથી પાણી કાઢે એવો છે. બિચારાના પિતા અકાળ અવસાન પામ્યા એમાં...’

‘ત્યારે તો ઘરમાં પહેલેથી જ દુખ છે એમ કહેને. આવા ઘરે આપણી છોકરી ન જાય. કંઈ વધારાની છે કે તેને દુખમાં હોમીએ?’

ફોઈ પાછાં પપ્પાને પણ સચેત કરે : સોનલ મા છે, ઢીલી પડે; પણ તું ખબરદાર રહેજે...

આ બધું નીમાના કાને દૂર-નજીકથી પડતું રહેતું. તેને સમજ હતી કે અતુલ્યને પરણવાનું આસાન નહીં હોય. પોતે આગળ ભણવાના બહાને લગ્નની વાત ટાળતી રહી છે, પણ ક્યારેક તો ભેદ ખૂલવાનો.

સંજોગવશાત્ અતુલ્ય સિવિલ સર્વિસમાં જઈ ન શક્યો, નોકરીએ લાગ્યો તો માની બીમારી ત્રાટકી. પિતા-ભાઈને અતુલ્યની આર્થિક સ્થિતિનો વાંધો હોય એમાં એ લોકો મારા સુખનું જ વિચારતા હોય, પણ પ્રીતને ભૌતિક સુખોના ત્રાજવે ન તોલાય એ તેમણે પણ સમજવું રહ્યું.

ઊંડો શ્વાસ લેતી નીમા કાગળના ફરફરાટે ઝબકી. પવનની લહેરથી ફુઆએ અગાસીના તેમના રીડિંગ ટેબલ પર મૂકેલાં અખબાર-ચોપાનિયાં પર મૂકેલું વજનિયું ખસતાં જમીન પર ફેલાઈ ગયેલી વાંચનસામગ્રી સમેટતી નીમા ચમકી.

ગ્લૉસી મૅગેઝિનના સ્પેશ્યલ ફીચર સેક્શનની હેડલાઇન આંખોમાં ભોંકાઈ:

જાણીતા બિઝનેસ ટાયકૂન મનજિત બ્રારને ચેમ્બર ઑફ કૉમર્સ તરફથી યંગ અચીવર અવૉર્ડ એનાયત!

હાથમાં ટ્રોફી સાથે પોઝ આપતા મનજિતના ફોટોએ સમસમી જવાયું : આને અચીવર તરીકે વધાવનારાઓને ભાન છે ખરું કે સાડાસત્તરની ઉંમરે આપણે ત્યાં લર્નિંગ લાઇસન્સ પણ નથી મળતું ત્યારે બડે બાપ કી બિગડી ઔલાદ જેવા આ બદમાશે નવી લીધેલી ગાડી મુંબઈના જાહેર રસ્તા પર પૂરપાટ હાંકીને અતુલ્યના પપ્પાનો ભોગ લીધો હતો?

હાંફી જવાયું.

એથી વધુ વસમું એ કે પિતા અજિત સિંહે રૂપિયા વેરીને દીકરાનું ક્યાંય નામ સુધ્ધાં આવવા નહોતું દીધું. વીરેનઅંકલના અકસ્માત‍્ અવસાને બ્રારના મહેલની કાંગરી પણ ન ખરી હોય, પણ જેણે સ્વજન ગુમાવ્યું તેની પીડાનું શું? એ તો દેવકીમાએ વાર્યા ત્યારે અતુલ્ય વેરમાંથી પાછા વળ્યા, નહીંતર તો..

‘કામ થઈ ગયું પપ્પા.’

નીચે આંગણામાં ભાઈનો અવાજ આવતાં નીમા છાપાં-મૅગેઝિન ગોઠવીને પાળે આવીને ઊભી.

‘કંકોતરી થમાવીને અતુલ્યને સમજાવી દીધું કે નીમાની આડે ન ઊતરતો.’

ફુઆ-પિતાને આમ કહેતા ભાઈના શબ્દોએ નીમાના કપાળે કરચલી ઊપસી : ગઈ કાલે મુંબઈથી પાછા ફરેલા બ્રિજેશભાઈ કોની કંકોતરી અતુલ્યને આપી આવ્યા?

‘તારી, બીજા કોની.’

નીમાએ ઉપરથી પૂછતાં બ્રિજેશે આપેલો જવાબ સહેમાવી ગયો. દોડીને પગથિયાં ઊતરી તે આંગણામાં આવી. તેને દોડતી જોઈને મા-ફોઈ પણ આંગણામાં આવી પહોંચ્યાં.

‘મારી કંકોતરી... મારાં લગ્ન! કોની સાથે?’

‘ધીરજ સાથે.’ સુધાફોઈ તાડૂક્યાં : એમાં આટલી આકરી શાની થાય છે. તું મળી તો છે તેને. તારા ફુઆ તેને ઓળખે છે. ભુજના દફ્તરમાં જ કામ કરે છે. ખાનદાન કુટુંબ છે. મૂળ અમદાવાદનો છે એટલે તારે તો સાસુ-સસરાની પળોજણથી દૂર અહીં કચ્છમાં જ રહેવાનું છે. તું ને તારો વર.’

નીમાને પળવાર તો તમ્મર આવી ગયાં. ફુઆ સાથે ઑફિસના કામના બહાને ધીરજ બે-ત્રણ વાર આવી ગયો. વાળુ સુધી રોકાતો એટલે વાતો પણ થતી.

બાદમાં મમ્મી-પપ્પા-બ્રિજેશભાઈ આવ્યાં એ અરસામાં ધીરજના પેરન્ટ્સ પણ આવી ગયા. બધા અહીં જ ભેળા થયા. ફોઈબાની એ કસરતનો ફોડ હવે પડ્યો. ખરેખર તો એ લોકો છોકરી જોવા આવેલા એ હવે પલ્લે પડે છે. ફોઈબા તેમની રીતે ભલે ચોકઠાં ગોઠવે, પણ પપ્પાની સહમતી વિના વાત કંકોતરી સુધી ન જ પહોંચી હોય.

બીજા સંજોગોમાં તેમણે મારી મંજૂરી, મારી મરજી પૂછી હોત, પણ ફોઈની નાદુરસ્ત તબિયતના ખોટા બહાને મને કચ્છ મોકલી. મને પરણાવી દેવાની ઉતાવળમાં હું ક્યાંક અતુલ્ય જોડે ભાગી ન જાઉં એનો ધ્રાસકો રહેલો છે... પણ તો-તો તેમણે પ્રીતને જાણી નથી!

‘મારી કંકોતરીમાં દુલ્હાનું નામ અતુલ્ય સિવાય કોઈનું હોઈ ન શકે.’

ઠંડી મક્કમતાથી બોલાયેલા નીમાના વાક્યે આંગણાનું વાતાવરણ ગરમાવી મૂક્યું. અતુલ્ય સાથેના પ્રણયની ગંધ બધાને હશે, પણ ખુલ્લા એકરારે ખળભળાટ ફેલાઈ ગયો.

‘જોયું...’ બ્રિજેશે પહેલી પ્રતિક્રિયા આપી, ‘હું કેટલા વખતથી કહું છું કે અતુલ્યનો ડોળો નીમા પર છે.’

‘તે મુફલિસ સાથે તો તારાં લગ્ન નહીં જ થાય.’ દિનકરભાઈએ વટહુકમની જેમ ફેંસલો સુણાવી દીધો, ‘બાપ છું તારો, સાપનો ભારો ગણીને તને કસાઈવાડે નથી નાખતો. છોકરાને, તેના ખાનદાનને જોઈ-તાણીને લગ્ન નક્કી કર્યાં છે.’

‘તમે શાંતચિત્તે એક વાર નીમાને...’ સોનલમા દીકરીનો પક્ષ લેવા ગયાં તો દિનકરભાઈએ ઊંચા અવાજે તેમને પણ ડાર્યાં : આ વિષયમાં કોઈ ચર્ચા નહીં. નીમા, તને તારા બાપની આબરૂની સહેજ પણ પરવા હોય તો પારોઠનું પગલું ન ભરીશ.’

દલીલનો કોઈ અર્થ નહોતો. નીમા ધબ દઈને બેસી પડી.

‘ચૈત્ર અડધો ગયો... વૈશાખી પૂનમે તારાં લગ્ન લીધાં છે. આ તારા પ્રેમપ્રકરણને કારણે બધું ઘરમેળે પતાવવાનું રાખ્યું છે. આગલા દહાડે મેંદી, બીજી સવારે સગાઈ અને રાતે લગન. આ મુંબઈ નથી, તારા ફુઆની અહીં શાખ છે એટલે તેમનું નાક કપાય એવું કંઈ જ કરીશ નહીં, સમજી!’

ફોઈબાએ ડારો આપ્યો.

‘દીકરી!’ બધા નીકળી ગયા, પણ માથી ન રહેવાયું. નીમાના માથે હાથ ફેરવીને સોનલમા બોલ્યાં, ‘હું અભાગણી તને શું મદદ કરું નીમા, પણ એટલું કહીશ કે આપણે સ્ત્રીનો અવતાર! મરજીનો ઝંડો પોતાની પાસે રાખીને પુરુષે આબરૂનો દંડ આપણને થમાવી દીધો છે. તેના રખોપામાં તારો દમ ઘૂંટે નીમા તો દંડ ફગાવતાં ખચકાતી નહીં.’

મા-દીકરીની આંખો મળી. ડૂબતા હૈયાને તણખલું મળ્યું. નીમાએ શ્વાસ ઘૂંટ્યો : તમે સાચું કહી ગયા પપ્પા... તમારી દીકરી પારોઠનાં પગલાં નહીં ભરે, પણ એ તો પ્રીતમાં.

lll

‘નીમા, ધીરજ આવ્યો છે.’

ફોઈએ નીચેથી સાદ નાખ્યો.

ગયા અઠવાડિયે લગ્નનો ફોડ પડ્યા પછી નીમા મોટા ભાગે રૂમમાં પુરાઈ રહેતી. ન કોઈ તેને વતાવતું. વડીલોએ માની લીધું હશે કે રીસ-ગુસ્સો શમતાં નીમા એની મેળે લાઇન પર આવી જવાની.

અહીં સિગ્નલના અભાવે મોબાઇલ ચાલતા નથી અને લૅન્ડલાઇન પર ફોઈ ખંભાતી તાળું મારી રાખે એટલે તેમની જાણ વિના કૉલ થાય નહીં. એકાદ વાર ધીરજનો લૅન્ડલાઇન પર ફોન આવેલો, પણ નીમાએ વાત કરવાનો ઇનકાર ફરમાવી દેતાં ત્યારે તો ફોઈએ મામલો સાચવી લીધો. જોકે આજે તે ભુજથી અચાનક આવી ચડ્યો એમાં નીમા આડી નહીં ફાટેને એનો ધ્રાસકો ફોઈબાના સાદમાં હતો.

- પણ આ શું!

‘હાય ધીરજ.’

તૈયાર થઈને નીમા ઉલ્લાસભેર નીચે આવી એથી હાશકારો થયો અને તે ધીરજ જોડે માર્કેટનો આંટો મારવા રાજી થઈ એટલે ટાઢક પણ થઈ : છોકરી સાનમાં સમજી ગઈ એ સારું જને!

એકમાત્ર બ્રિજેશનું મંતવ્ય જુદું પડ્યું : ક્યાંક નીમા ધીરજને પોતાનું પ્રેમપ્રકરણ કહીને સામેથી સગાઈ તોડવાનું તો નહીં કહી દેને.

ત્યારે બધા વળી ટેન્શનમાં આવી ગયા. સોનલમાએ જુદી પ્રાર્થના કરી : મારી નીમાની નાવ હેમખેમ પાર પાડજો નાથ!

 

(ક્રમશ:)        

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff