વિઘ્નહર્તા : હમ ઔર તુમ (પ્રકરણ ૫)

11 September, 2026 01:00 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

નીમા સાથે નેપાલ ભાગી રહેલો શેખર પોતાના અપહરણનું રહસ્ય ખોલે છે. અતુલ્ય તેની પાછળ પહોંચે છે, પરંતુ બૉર્ડર પર આવેલા ભયાનક પૂરમાં શેખરનું ભેદી જીવન અને ભાગવાનો પ્રયાસ અંત પામે છે.

ઇલસ્ટ્રેશન

‘દિલ દીવાના...’ 
લતાના ચિરંજીવ કંઠેમઢ્યા ગીતની રિંગટોન ગુંજતાં અતુલ્યે મોબાઇલ જોયો: ના, નીમાનો કૉલ નથી. આ તો ટ્રાવેલ ઑફિસવાળા દીનાનાથભાઈનો ફોન છે. 
ખરેખર તો માર્કેટમાંથી પરવારીને અભયને કૉલ કર્યો અને નીમાને ફોન જોડ્યો, પણ બેઉના ફોન સ્વિચ્ડ-ઑફ આવ્યા. નીમા હોટેલ પણ પહોંચી નથી એ જાણીને અતુલ્યે ટ્રાવેલવાળાને પકડ્યો હતો : આખરે નીમાને લઈને ડ્રાઇવર ક્યાં ગયો એની ભાળ તો કાઢવાનીને! 
‘એક અપડેટ છે સર.’ અત્યારે દીનાનાથે કહેતાં અતુલ્ય ટટાર થયો.
‘મેં તમને કહેલુંને કે અમારી દરેક ગાડીમાં GPS સિસ્ટમ બેસાડેલી છે. નબળા નેટવર્કને કારણે એનું ટ્રૅકિંગ ધાર્યા મુજબનું નથી રહેતું, પણ આપણી ગાડી હમણાં ટ્રેસ થઈ છે – નુવાકોટ હાઇવે પર.’ 
દીનાનાથે અતુલ્યની સમજ માટે ઉમેર્યું, ‘નુવાકોટ નેપાલનું જાણીતું હિલ-સ્ટેશન છે. જૂના યુગમાં તિબેટ સાથે રસ્તામાર્ગે વેપાર થતો એ અરસાનું મહત્ત્વનું મથક.’
અભય નીમાને તિબેટ તરફ કેમ લઈ જતો હશે! અતુલ્યનું કાળજું ચૂંથાવા લાગ્યું. 
‘દીનાનાથભાઈ, મને બીજી ગાડી મોકલો, હું પાછળ જઈશ. તમે અભયને ટ્રેસ કરીને અમને ગાઇડ કરતા રહેજો. અને હા, બને તો પોલીસમાં વાત કરીને અભયને રોકાવો... પ્લીઝ!’
lll
‘ખુરશીદ? ખબર મળ્યાને? સત્યેન હૉસ્પિટલના પોલીસપહેરાને ચકમો આપી ભાગી ગયો. આપણે આપેલી કૅશને તેણે ભાગવા માટે વટાવી દીધી. પોલીસે અલર્ટ તો જાહેર કરી છે, હવે જોઈએ.’
બન્ને ભાગીદારો થોડા નિરાશ હતા. મર્ડરકેસમાં ફસાયેલો સત્યેન વહેલી તકે નેપાલ છોડી દે એથી ક્લબમાં પોતાનો ભાગ છોડશે નહીં. આના કરતાં તો તે નેપાલ છોડતાં પહેલાં સપડાઈ જાય એવું જ ઇચ્છીએ. 
lll
‘બસ, ગાડી અહીં ઊભી રાખ.’ 
નુવાકોટની હદની બહાર નીકળીને શેખરે ગાડી ઊભી રખાવી. આભમાં અંધારું જામ્યું હતું. દૂર કોઈ નાનકડા ગામમાં દીવાબત્તીનો ઝાંખો ઉજાસ વર્તાતો હતો, પણ શેખર-અભયનું ધ્યાન સામે નારંગીના ઝાડની ઓથ આડેથી ઝબૂકતી ટૉર્ચલાઇટ પર હતું. ૩ વાર ટૉર્ચ ચાલુ-બંધ થઈ એટલે શેખર ઝળહળી ઊઠ્યો : માનસિંગ આવી ગયો. 
‘હવે તું ૩ વાર હેડલાઇટ ચાલુ-બંધ કર.’ 
નીમાને આ બધું જાસૂસી ફિલ્મ જેવું લાગતું હતું. 
શેખર અહીં સત્યેનના નામે વસ્યો છે. નાઇટ-ક્લબનો ધંધો શરૂ કરી એમાં ડ્રગનું રૅકેટ ચલાવીને કરોડો કમાયો છે, પણ છેવટે તો એ પાપની કમાઈને! જુઓ, એમાં જ તો તે નાચનારીના ખૂનમાં ફસાઈને હવે નેપાલમાંથી છટકવા મથી રહ્યો છે. 
ખરેખર તો મહેકના ખૂનમાં અરેસ્ટ થયેલો શેખર હૉસ્પિટલના પોલીસપહેરામાંથી પૈસા વેરીને જ છટક્યો છે. નીકળતાં પહેલાં વૉર્ડબૉય પાસેથી ફોન પણ લીધેલો જે કોઈ જાણવાનું નહીં એટલે પોતે ટ્રેસ થવાનો નહીં એવી તેની ગણતરી ચોકસાઈવાળી છે. ભાગવા માટે એકલ મહિલાવાળી ટૂરિસ્ટ ટૅક્સી પસંદ કરવામાં પણ સ્માર્ટનેસ છે. વચ્ચે ચેકપોસ્ટ આવી ત્યારે તે બે સીટ વચ્ચે આડો થઈને સૂઈ ગયેલો. મહિલાને જોઈને અધિકારીએ બીજી તપાસ વિના ગાડીને ગ્રીન સિગ્નલ આપી દેશે એવી ધારણા પણ સાચી ઠરી. તેણે અમારા ફોન પણ કબજે કરીને સ્વિચ્ડ-ઑફ કરી દીધેલા.
દરમ્યાન તેની ખુદની ફોન-ટૉક પરથી આ બધાની સાથે તેના આગળના પ્લાનનો અડસટ્ટો પણ આવી ગયો છે. નેપાલ-તિબેટ બૉર્ડર પર રસુવાગઢી ખાતે નેપાલની ઇમિગ્રેશન ઑફિસ છે. માનસિંગ ત્યાંનો અધિકારી છે કે પછી કોઈ અધિકારી સાથે સેટિંગ ધરાવતો મિડલ મૅન છે. બનાવટી પેપર્સના આધારે તે શેખરને કાલે ને કાલે તિબેટ પહોંચાડવાની ગૅરન્ટી આપે છે. બોર્ડર ક્રૉસિંગ આટલું ઈઝી હોય એવું મનાય નહીં, પણ રૂપિયા વેરો તો આજે શું અશક્ય છે! 
કારની ઇગ્નિશન કી ખૂંચવીને શેખર માનસિંગને મળવા દોડ્યો. નીમા-અભય બેઉને વાતો કરતાં જોઈ રહ્યાં. માનસિંગે સત્યેન ઉર્ફે શેખરને કવર થમાવ્યું. એમાં ઇમિગ્રેશનનાં કાગળિયાં જ હોવાં જોઈએ. 
‘એક હોપ છે મૅમસા’બજી.’ અભયે ચહેરો પાછળ ઘુમાવ્યા વિના કહ્યું, ‘કારમાં GPS લાગ્યું છે. એના ટ્રૅકિંગનું સૂઝે તો પાછળ કોઈ આવતું જ હશે.’
નીમાનું હૈયું થડકી ગયું. અતુલ્ય મારી ચિંતામાં અડધા થઈ ગયા હશે. ના, પોતે શેખરને તો અતુલ્ય કે ઈવન અંશ વિશે પણ નથી કહ્યું, કહેવાની જરૂર પણ નથી. 
ત્યાં તો શેખર આવી પહોંચ્યો, ‘લે ચાવી, ચલાવ ગાડી. આગળની પહાડી પર અવાવરું મંદિર છે ત્યાં રોકાઈશું... જલદી!’ 
lll
ચારે બાજુ નિર્જનતા હતી. સનસન વહેતા પવનમાં હિમાલયની ઠંડક હતી. આભના ટમટમતા તારલા બિહામણી ભાત ઉપસાવતા હતા. નીચે ખીણમાં વહેતી નદીનો પ્રવાહ ક્યારેક ગર્જના કરી જતો. 
લાંબા ડ્રાઇવિંગથી થાક્યો હોય એમ અભય મંદિરના પથ્થર પર ટૂંટિયું વાળી ગયેલો. નીમા શેખરની ઓળખાણમાં છે એટલું તો પરખાયું હતું એટલે મૅમસા’બજીને જાનનું જોખમ નથી એની સમજ હતી. 
‘શું વિચારે છે નીમા?’
શેખર મંદિરના ઓટલે બેઠેલી નીમાની નિકટ ગોઠવાયો. 
‘તું જાણે છે શેખર, મહેકનું અસલી નામ આસિતા હતું?’ 
‘નો! તું જાણે છે એનું અચરજ જરૂર થાય છે.’ શેખરે ખભા ઉલાળ્યા, ‘એમ તો હું સત્યેન નહીં શેખર છું એવું તે પણ ક્યાં જાણતી હતી? ખેર, ભાગવા માટે ટૂરિસ્ટ-ટૅક્સીમાં તું હોઈશ એવું મેં ધાર્યું નહોતું... એકલી જ આવી છે?’ 
નીમાએ જવાબ નહોતો આપવો એટલે સવાલ પૂછ્યો, ‘શેખર, તમે નામ-ઓળખ બદલીને અજાણ્યા દેશમાં વસી ગયા... એક વાર મારી ભાળ લેવાનું ન સૂઝ્યું?’
‘કેમ, તું મારી વાટ જોતી’તી?’ શેખર મજાક હોય એમ હસ્યો. નીમાને ખટક્યું, પણ જવાબમાં દિલચોરી ન કરી, ‘કાયદો લાપતા વ્યક્તિને ૭ વર્ષ સુધી મૃત નથી માનતો એટલે મારી દશા નહીં ત્યક્તા, નહીં વિધવા જેવી થઈ. મેં તમારું અમંગળ કદી નહોતું ઇચ્છ્યું શેખર, પણ તમારા પાછા ફરવાની કોઈ બાધા-આખડીયે નહોતી રાખી. બલ્કે સમય વીતતો ગયો એમ હું તમારા પુનરાગમનના ખ્યાલે સહેમી જતી.’
શેખર તેને નિહાળી રહ્યો. નીમા ખૂબસૂરત તો પહેલેથી હતી, અત્યારે વધુ આત્મવિશ્વાસુ લાગી. એમાં ૬૦ લાખનું દેવું નીમાએ સાડાછ વર્ષમાં વ્યાજ સાથે ચૂકવી દીધું જાણીને આંચકો પણ લાગ્યો. 
‘અફસોસ એટલો જ છે શેખર કે અપહરણથી તમારું ભવિષ્ય રૂંધાઈ ગયું. બદમાશોએ તમને કેવા રસ્તે ચાલવા મજબૂર કરી દીધા.’ 
નીમાના બોલમાં સહાનુભૂતિ હતી.
‘એટલે નીમા તું...’ તેને નિહાળતો શેખર હસ્યો, ખડખડાટ હસ્યો, ‘યુ સ્ટુપિડ વુમન!’ 
lll
સૂર્યનાં કિરણોએ વાતાવરણમાં ઉજાસ ભરી દીધો. 
‘જો, દૂર પેલી પહાડી પર મકાન દેખાય છે? એ જ આપણી ઇમિગ્રેશન ઑફિસ!’ આંગળી ચીંધીને શેખરે અભયને સીટી મારી, ‘ચલ ભાઈ, તૈયાર થઈ જા.’ 
પછી નીમા તરફ વળ્યો. 
‘મેં તને રાતે સ્ટુપિડ કેમ કહી એ તને હજીયે સમજાયું નહીં જ હોય.... લેટ મી ટેલ યુ.’ 
નીમા શેખરને ટાંપી રહી. 
‘ધ ટ્રુથ ઇઝ - મારું કોઈ કિડનૅપિંગ થયું જ નહોતું. ઇટ વૉઝ માય પ્લાન.’
શેખરના શબ્દો પડઘો બનીને નીમાના અસ્તિત્વમાં અફળાતા રહ્યા : ઇટ વૉઝ માય પ્લાન... 
‘હીરાબજારના આંગડિયા તરીકે મારે દેશભરમાં ફરવાનું થતું અને એ ટ્રાવેલિંગમાં ભાતભાતના લોકો મળતા. રુસ્તમ-ખુરશીદ મને જોધપુરમાં મળ્યા... નાઇટ-ક્લબની તેમની પ્રપોઝલમાં મને રસ પડ્યો. થોડા વધુ ઊંડા ઊતરીને ખાતરી મેળવી. તકલીફ એક જ હતી - રોકાણ માટે પચાસ લાખ રૂપિયા જોઈએ એ કાઢવા ક્યાંથી? એનો એક ઉપાય સૂઝ્યો : સોનું વેચી, ફ્લૅટ ગિરવી મૂકીને પચાસને બદલે સાઠ લાખ ઊભા કરવા અને પછી મારા અપહરણનો ડ્રામા રચી ફિરૌતી તરીકે એ જ રકમ ઉસરડીને સરહદપાર સરકી જવું!’
આ પુરુષ! આવો પુરુષ! અને હું તેની રાહ ભટકાયાનો અફસોસ ઘૂંટતી હતી? નીમાના દિમાગમાં કડાકા-ભડાકા થતા હતા : બિહારમાં અપહરણ રોજિંદી ઘટના ગણાય એટલે ગયા જવાનું બહાનું ઊપજાવ્યું. હિન્દીની એ ચિઠ્ઠી, ઘોઘરા અવાજવાળો ટેલિફોન... બધું પ્લાનનો હિસ્સો હતું. 
‘નૉટ ઓન્લી ધૅટ... તને કદાચ જે બહુ હેલ્પફુલ લાગ્યો હશે તે ભગીરથ સાથે પણ મારું સેટિંગ હતું. એ વિના કંઈ ૬૦ લાખ રૂપિયા મુંબઈથી ટ્રાન્સફર થયા હોય.’ 
નીમા સમસમી ગઈ. 
‘આટલું બધું કરવાની શી જરૂર હતી શેખર? મને છૂટાછેડા આપી બધું વેચીસાટીને મુંબઈ છોડતાં તમને કોણ રોકે એમ હતું?’ 
‘મને લાગ્યું કે તું કે તારાં મધર ડિવૉર્સ માટે નહીં માનો.’ 
‘એટલે તમે એવો માર્ગ લીધો શેખર જેણે આજદિન સુધી મને અધ્ધરજીવે રાખી...’ નીમાનો આપો તૂટ્યો, દાંત ભીંસીને તેણે શેખરનો કૉલર ઝાલ્યો, ‘હવે વધુ નહીં. પહેલાં મુંબઈ આવીને મને કાયદેસર છૂટી કર, પછી તારે જવું હોય ત્યાં જજે.’ 
નીમાએ સાદ નાખ્યો, ‘અભય, 
પકડ આને!’
એક તરફ અભય દોડ્યો અને બીજી બાજુ કાઠમાંડુના રસ્તેથી કાર આવતી દેખાઈ એટલે નીમાને હડસેલો મારી સામેથી આવતા અભયને પછાડીને શેખર કાર તરફ ભાગ્યો. ચાવી તો પોતે જ રાખી હતી. 
પેલી કાર મંદિરના પરિસરમાં પ્રવેશે એ પહેલાં શેખરે અભયની ટૅક્સી રસુવાગઢી તરફ ભગાવી મૂકી. 
આવતી કારમાંથી અતુલ્ય ડોકાયો : નીમા... નીમા... 
એવાં જ નીમા-અભય કાર તરફ દોડ્યાં : અમે અહીં છીએ અતુલ્ય! 
નાઇટ-ડ્રાઇવિંગને કારણે અતુલ્યને આવતાં મોડું થયું, પણ આમ જુઓ તો સમયસર આવી ગયા. 
lll
‘તે શેખર હતો અતુલ્ય....’ નીમાએ કહેતાં અતુલ્ય ચમકી ગયો. તે પાછો મહેક ઉર્ફે આસિતાનો ખૂની સત્યેન જ એ જાણીને સ્તબ્ધ બનાયું : ગતખંડની કડી ક્યાં કઈ રીતે જોડાય એ કોણ કહી શકે! 
શેખરે જ પોતાના અપહરણનો ડ્રામા રચેલો જાણીને આઘાત લાગ્યો. જોકે તેને પકડવા પાછળ જવા માગતી નીમાને વારી : દીનાનાથભાઈને મેં વાત કરીને બૉર્ડર પર અલર્ટ આપી દીધું છે એટલે શેખર ઝડપાઈ જવાનો. 
‘જુઓ અતુલ્ય, ત્યાં ઑફિસ પર હવે અવરજવર વર્તાય છે... બૉર્ડર પોલીસ શેખરને પકડીને આ જ રસ્તે જશે. ત્યાં સુધી આપણે અહીં જ વેઇટ કરીએ.’ 
lll
હાશ, પાછળ કોઈ આવતું નથી... બટ વેઇટ. તેમણે બૉર્ડર પર અલર્ટ આપ્યું હશે તો...
અને શેખરની આંખો ફાટી ગઈ. જાણે કોઈ રાક્ષસ પૃથ્વીને ગળી જવા મોં ફાડતો હોય એમ એક મોજું ત્રાટક્યું અને તાણી ગયું... અંતિમ મંજિલ ભણી! 
lll
હે ભગવાન! 
સામી પહાડી પરથી નીમા-અતુલ્ય ફાટી આંખે ધસમસતા પૂરમાં પત્તાંના મહેલની જેમ તણાતી ઇમિગ્રેશન ઑફિસ, વાહનો, માણસોને નિહાળી રહ્યાં. કંઈકેટલીયે મરણચીસો વાતાવરણમાં ગુંજતી રહી. આમાં એક ચીસ શેખરની પણ હોવાની એમાં આ વખતે સંશય રહેતો નથી. 
અભય અને અતુલ્યને લઈને આવેલો ડ્રાઇવર દેવીદાસ પણ કુદરતનો કોપ નિહાળીને થર-થર ધ્રૂજતો હતો. 
‘તમે ન પહોંચત અતુલ્ય તો શેખરને મૂકવા અમારે જવાનું થાત. અરે, મારી જીદે તેની પાછળ આપણે ગયાં હોત તો...’ નીમા આંખો મીંચીને અતુલ્યને વળગી પડી. 
‘શીશ... જે થયું નથી એ માટે ઈશ્વરનું ઋણ માનીએ.’ કહીને તેની પીઠ પસવારી, ‘ચલ, નીચે અંશ આપણી રાહ જોતો હશે. તેને હોટેલના સ્ટાફના ભરોસે મૂક્યો છે.’
અંશ. ન શેખરે તેના દીકરા વિશે જાણ્યું અને અંશને તો આ હોનારતમાં તેણે પિતા ગુમાવ્યા એની ક્યારેય જાણ થવા નહીં દઉં. અંશનો પિતા તો અતુલ્ય જ.
નીમાએ અતુલ્યના હાથના અંકોડા ભીડ્યા. 
lll
‘તમે સહીસલામત આવી ગયા એ બદલ વિઘ્નહર્તા દેવનો પાડ.’
તારાબાઈએ ભીની આંખે ત્રણેની આરતી ઉતારી.
‘માઉન્ટ લાંગટાંગ લિરુંગમા ગ્લૅસિયરનો હિસ્સો તૂટવાથી નેપાલમાં સર્જાયેલી ભયાનક તારાજી જોઈ છે તારાબાઈ... પ્રકૃતિના કહેરનો ભોગ બનેલાઓને આપણે શ્રદ્ધાંજલિ જ આપી શકીએ.’
lll
કથાના ઉપસંહારમાં એટલું જ કે અતુલ્ય-નીમાનો સંસાર મઘમઘે છે અને અંશ તેમના જીવનનું કેન્દ્ર છે. એ સુખ કદી નજરાવાનું નહીં.
(સમાપ્ત)

columnists exclusive Sameet Purvesh Shroff gujarati mid day