24 November, 2025 09:35 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
તે હાંફી રહ્યો.
બસ, હવે બરફનો આ પહાડ ચડવા જેટલી જ દૂર છે મારા વતનની ધરતી... રાતનું અંધારું ઓઢી દુશ્મનની કેદમાંથી છટકેલો હું મુક્તિની લગોલગ પહોંચી ગયો છું. હવે હામ હારવી નથી, યુ કૅન ડૂ ઇટ મેજર આમિર!
હિમાલયની પર્વતમાળામાં સર્વત્ર સુનકારો છે. ચમકતા તારાના આછેરા અજવાસમાં બરફના ખડક વધુ ભેંકાર ભાસે છે. ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે. તળેટીના બંકરના ચોકિયાતને ભુલાવામાં નાખી તેને ખતમ કરી તેની ઑટોમૅટિક ગન લઈ મારા ભાગી છૂટવાના ખબર હજી ઉપરની ચોકી સુધી પહોંચ્યા નહીં હોય... રાતે મહેફિલ જમાવી નશામાં ઝૂમતા જવાનોમાંથી કોઈને કેદખાનાના ચોકિયાતની ગેરહાજરી નજરે નહીં ચડી હોય... ઉપરનો આખરી પહેરો હેમખેમ વળોટું કે...
‘હોલ્ડ ઇ...’ એકાએક બાજુની ટેકરી પરથી સાદ સંભળાયો. સૈનિકનું વાક્ય પતે એ પહેલાં મેજરની ગન બોલી. ટેકરીએથી ડોકાતો સોલ્જર નીચે પટકાયો. તે જોકે એકલો નહોતો. તેના સાથીએ ચેતીને ગળામાં લટકતી સીટી બજાવી ને મેજરે હતાશા અનુભવી: ખલાસ... કેટલાય મહિનાઓથી પાકિસ્તાનના કબજામાં દોજખની યાતના ભોગવી ભાગવાનો એક મોકો ઝડપ્યો એનો અંજામ મોતમાં જ આવવાનો? હું મારી માભોમને ફરી નિરખી નહીં શકું? વતનમાં કાગડોળે રાહ જોતી મારી મેહબૂબાને ફરી ચૂમી નહીં શકું?
પણ ના. મેજરનાં નસીબ કદાચ જોર કરતાં હતાં. સીટીની સાથે વાતાવરણે પલટો મારતાં ગાઢ ધુમ્મસ ઘેરાયું.
અને બસ, યા હોમ કરીને ખાબકતા મરણિયાની જેમ આડેધડ ગનની ધમધમાટી બોલાવતાં મેજરે દોટ મૂકી. પોતે કઈ દિશામાં દોડી રહ્યા છે, કયા વળાંકે વળી રહ્યા છે એની સૂઝ નહોતી. અહીંથી છટકવું છે ને જીવતા છટકવું છે એ જ એક જીજિવિષાએ તેમના પગ દોડતા રહ્યા. ક્યાંક કોઈની લાશ ઢળવાના ચિત્કાર ઊછળતા રહ્યા, ક્યાંક કોઈની ગોળી મેજરની સાવ લગોલગ પસાર થઈ ગઈ... છેવટે ધુમ્મસ ઓસર્યું અને...
સામે જ, કાંટાળી બૉર્ડરને પેલે પાર મેજરે તિરંગો લહેરાતો દીઠો! અને...
‘જય હિન્દ!’ શ્વાસ ભરી ઊંચા અવાજનો સાદ નાખતાં પથારીમાં બેઠો થઈ ગયો તે.
હાંફ ઓસરતાં વાર થઈ. પરિસરનો ખ્યાલ આવતાં આંખોમાં અચરજ ઘૂંટાયું. ના, આ જમ્મુની મિલિટરી હૉસ્પિટલ તો નથી જ જ્યાં સૈનિકોને સારવાર માટે રખાતા હોય છે. આ તો કોઈ હોટેલનો સ્વીટ હોય એવો વૈભવી રૂમ છે. બારીએ કર્ટન ઢળ્યા છે, પણ બહાર સાંજ ઢળી રહી છે એટલું તો સાફ કળાય છે...
‘તમે જાગી ગયા?’
ખૂણેથી અવાજ આવતાં તેણે ડોક ઘુમાવી. બેડરૂમનું પાર્ટિશન સરકાવી ડોકિયું કરતી સ્ત્રીને જોઈ તેણે કપાળે બે આંગળી ઠપકારી, ‘ઓહ, આયેશા તું છે!’
તે હસ્યો : અફકોર્સ, મારી સાથે બીજું કોણ હોય?
આયેશા તેના પડખે ગોઠવાઈ, ‘શું થયું મેજરસાહેબ?’
આમિરે ઊંડો શ્વાસ લીધો, ‘નથિંગ ન્યુ, આયેશા. એ જ પાકિસ્તાનના પહેરામાંથી છટકવાની ઘટનાનું ઊંઘમાં પુનરાવર્તન...’
આયેશાની કીકીમાં રોષ તરવર્યો : નખ્ખોદ જાય કાફિરોનું... તમે પાકિસ્તાની સેનાના મેજર છો આમિર, કમનસીબે હિન્દુસ્તાને તમને કેદ કર્યા અને એટલો માનસિક ત્રાસ વર્તાવ્યો કે હજીયે તમને હિન્દુસ્તાની હોવાનો ભાસ થતો રહે છે!’
આમિરે લમણાં દબાવ્યાં.
‘આ જુઓ...’ આયેશાએ સામા ટેબલના ડ્રૉઅરમાંથી ન્યુઝપેપરનું કટિંગ કાઢ્યું. આમિરે ડોક ધુણાવી. વરસ જૂના અખબારના સમાચાર હવે તો ગોખાઈ ગયા હતા:
‘પાકિસ્તાની જાસૂસનું બેનમૂન
પરાક્રમ : બે વર્ષથી હિન્દુસ્તાનની કેદમાં સબડતા સેનાના જાંબાઝ ઑફિસર મેજર આમિરનું દિલધડક રેસ્ક્યુ!’
મથાળા હેઠળનો હેવાલ રોમાંચક છે :
વતનની ખ્યાતનામ જાસૂસ સંસ્થા ISIના જાસૂસ જાવેદ અલી ઇન્ડિયન આર્મીના સેનાધ્યક્ષને ત્યાં રસોઇયા તરીકે ગોઠવાઈ મેજર આમિરનો પત્તો મેળવી દિલ્હીના ખુફિયા બંકરમાં કેદ આમિર સુધી પહોંચી નકલી પાસપોર્ટ વડે વાયા દુબઇ ઇસ્લામાબાદ પહોંચાડે છે એની ગાથા વર્ણવી પાકિસ્તાનના અગ્રણી અખબારે જાવેદ અલી માટે નિશાને પાકિસ્તાનની પણ માગ કરી છે : એકલા હાથે ભારતને આવો કરારો જવાબ પાઠવી જાસૂસે દુશ્મન સાથેની લડાઈના દરેક પરાજયનો બદલો લીધો છે...
હેવાલ સાથે મેજર આમિરનો ફોટો છે, જેની કૅપ્શનમાં લખ્યું છે : મેજર વ્યૂહરચનામાં નિષ્ણાત છે. કાશ્મીર ફ્રન્ટ પર પુલવામા હુમલા પછીની ભારતની સર્જિકલ સ્ટ્રાઇકના જવાબમાં સિયાચીનના રસ્તે દુશ્મન દેશની સીમાની અંદર ઘૂસી મેજરે કેટલીયે ચોકીઓનો ખાત્મો બોલાવી દીધો. તેમની વિજયયાત્રામાં પલટાતું હવામાન આડું આવ્યું. ભારે બરફવર્ષાને કારણે મેજર આગળ વધી ન શક્યા, દરમ્યાન ચેકપોસ્ટ પર દુશ્મનની નવી કુમક આવી પહોંચી. જીવ સટોસટની લડાઈમાં મેજર કેદ ન થયા હોત તો એ ઐતિહાસિક દિને મેજરની પલટને PoKની નવી બાઉન્ડરી આંકી હોત... હવે જ્યારે તે વતન પાછા ફર્યા છે ત્યારે અધૂરું રહેલું ઑપરેશન ક્યારે અને કેવી રીતે પાર પાડે છે એના પર સૌની નજર અને ઉમ્મીદ રહેશે.
વધુ એક વાર અહેવાલ વાંચી આમિરે પોતાનો ફોટો નિહાળ્યો. પછી સામેના ડ્રેસિંગ મિરર પર નજર
ટેકવી : બિલકુલ એ જ ચહેરો!
નજર વળતી-વળતી ખીંટીએ લટકતા લીલા યુનિફૉર્મ પર અટકી : ફોટોમાં છે એવો જ યુનિફૉર્મ, મેજરની પદવી
દર્શાવતું ચિહ્ન!
આયેશાએ તેના ખભે હાથ વીંટાળ્યો :
‘ભૂલી જાઓ એ બદકિસ્મત સપનાને... તમે પાકિસ્તાની છો મેજર, આ તમારું વતન છે. હું જ તમારી માશૂકા- તમારી બેગમ છું...’ તેનો કંઠ ભીંજાયો, ‘જરૂર મારી ચાકરીમાં જ ખોટ રહી.’
આમિરનું મન ભીનું થયું.
આયેશા સાચું કહે છે. ભલે પુરાણી કોઈ સ્મૃતિ મારા સ્મરણપટ પર રહી નથી, પણ અહીં આંખ ખૂલ્યાની ઘડીએ આયેશાને મારા પર ઝળૂંબતી, મને વળગી ખુદાનો શુક્રગુજાર કરતી જોઈ છે... તેને પત્ની તરીકે ઓળખી ન શક્યો ત્યારે ડૉક્ટરે કહેલા શબ્દો અંકાઈ ગયા છે : મારો ડર સાચો પડ્યો... કાફિરોના અત્યાચારે મેજર આમિર યાદશક્તિ ગુમાવી બેઠા છે.
કેવા એ દિવસો હતા! રાવલપિંડીની મિલિટરી હૉસ્પિટલમાં બેસુમાર શારીરિક સિતમો પર મલમપટ્ટી થતી ત્યારે ચીસ નીકળી જતી, સ્મૃતિને સજીવન કરવા મથતો ત્યારે લાગતું મગજની નસો ફાટી જશે. આયેશાએ મને જાળવ્યો, સાચવ્યો એ કેમ ભુલાય?
આર્મી ઑફિસર્સ મળવા આવતા, જૂના કિસ્સા વાગોળતા એ બધું જોતા મને મારા પાક આર્મીના મેજર હોવામાં શક હોવો જોઈએ નહીં, પણ પછી ઊંઘમાં ક્યારેક પાક પહેરામાંથી છટકવાનું શમણું ઝબકે ને ‘જય હિન્દ’ કરતો હું બેઠો થઈ જાઉં, એનું શું? પ્રિયતમાનો ધૂંધળો ચહેરો દેખાય એ આયેશાનો હોત તો વાસ્તવમાં એકાકાર થઈ ચૂક્યો હોત... આયેશા કહે છે, મારી સારવાર કરતા ડૉક્ટર ઉસ્માન કહે છે, અરે, આર્મીના જનરલ કાસિમ બેગ કહે છે એમ આ મારી ભ્રમણા જ હશે?
જનરલ બેગ.
આમિરે અત્યારે પણ સહેજ થડકારો અનુભવ્યો. આધેડ વયના કાસિમઅલીની કાજળ આંજેલી આંખોમાં સત્તાની ચમક અને હિન્દુસ્તાન માટેની નફરત ટપકે છે. પણ એ જ આદમી જ્યારે ‘મેરા પ્યારા બચ્ચા’ કહી મારી પેશાની ચૂમે ત્યારે એમાં વાત્સલ્ય વર્તાય છે... આયેશા કહેતી હોય છે : તમે જનરલના ફેવરિટ સિપાહી છો. તમારી બુદ્ધિમત્તા, તમારા બાહુબળ અને ખાસ તો વ્યૂહરચનાની તમારી દીર્ઘદૃષ્ટિ પર જનરલ ફિદા હતા, છે. એટલે તો આપણને VIP ટ્રીટમેન્ટ મળે છે. જનરલ ખુદ દર અઠવાડિયે તમારી હેલ્થ-અપડેટ લેતા હોય છે, તેમની સ્પષ્ટ સૂચના છે કે આમિરની હેલ્થ પર્ફેક્ટ થાય પછી જ તે ડ્યુટી રિઝ્યુમ કરશે... બાકી એ કાંઈ નવરા છે કે મેજરની ખબર પૂછવા તેના ઘરે જાય?
ઘર. આમિરની નજર ખંડમાં ફરી વળી.
બે મહિને હૉસ્પિટલમાંથી રજા મેળવી આ ઘરે આવ્યા એ આંગણું સાવ અજાણ્યું લાગ્યું હતું. દસ મહિનાથી અહીં રહું છું તોય ઘર જેવો લગાવ કેમ નહીં અનુભવાતો હોય! ચારેક મહિનાથી તો આયેશા સાથે હું શહેરમાં ફરતો પણ હોઉં છું, પણ અહીંની ગલીઓ પરાઈ લાગે છે. આયેશા કહે છે મારું બચપણ લાહોરમાં વીત્યું છે, ત્યાંના ઘરે અમ્મી-અબ્બુ સાથેનો બચપણનો ફોટો જોઈનેય મારી સ્મૃતિમાં સળવળાટ નથી જાગતો. કમનસીબે એ લોકો હયાત નથી, મારું સર્વ કંઈ આયેશા જ છે, અમ્મી હોત તો માતાનો સ્પર્શ મારી વિસ્મૃતિને વાળી કાઢત? કોને ખબર! બે વાર તો આયેશા મને બેગના નિમંત્રણે આર્મી બેઝ પર લઈ ગઈ તોય સૈનિકનું જોમ કેમ જાગ્યું નહીં!
‘બીજું કોઈ હોત તો જનરલે ક્યારનો બરતરફ કરી મૂક્યો હોત. જે માણસ દેશ માટે સ્પંદન અનુભવતો ન હોય તે શું કામનો!’
કર્નલ મુસ્તફાના શબ્દો સાંભરી ગયા આમિરને.
કોઈ પણ રાજાને પોતાનું રાજ ટકાવવા અને ચલાવવા સેનાપતિ અને વજીરની જરૂર પડે એમ પાકિસ્તાની આર્મીના કર્નલ મુસ્તફા અને જાસૂસ સંસ્થા ISIના વડા બિલાવલ ખાન બેગના ડાબા-જમણા હાથ જેવા ગણાતા. પાકિસ્તાનમાં હજી લોકશાહી છે, પણ સત્તા પર બેગનો કબજો મજબૂત થતો જાય છે. પડદા પાછળની એ સત્તાને ખુલ્લેઆમ હસ્તગત કરવાની મહત્ત્વાકાંક્ષાને અંજામ આપવા રાવલપિંડીની મિલિટરી ક્લબના અન્ડરગ્રાઉન્ડ બંકરમાં તેમનાં ખુફિયા કાવતરાં ઘડાય છે. ક્લબના ગુપ્ત ભોંયરા વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. પાછલા ચાર માસમાં બે વાર જનરલના ફરમાને ખુદ મુસ્તફા મને ત્યાં દોરી ગયેલા.
અદ્યતન સુવિધાવાળા બંકરમાં બેગની અધીરાઈ ઊછળી હતી : મેજર, તેં મને પ્રૉમિસ કરેલું કે તારી પાસે કોઈ એવી યોજના છે જે ભારતના ભુક્કા બોલાવી દે... ઑપરેશન સિયાચીન પછી એ અમલમાં મૂકવાની હતી, પણ બદનસીબે તું દુશ્મનના હાથમાં ઝડપાયો ને એ વાત આજે તો ત્રણ વર્ષથી લટકી પડી છે. હું માનું છું મેમરી-લૉસને કારણે તને એ યોજના યાદ નહીં હોય પણ તારી બુદ્ધિમત્તાને ઓછો કાટ લાગ્યો છે? તું એનાથી કોઈ વસમા અટૅકની યોજના ઘડી જ શકે છે... તું માગે એ રિસોર્સ તને મળી જશે, તું બસ મને બ્લુ પ્રિન્ટ તૈયાર કરી આપ!
બેશક, હું એ દિશામાં વિચારું છું ને વળી કોઈ રાતે ઝબકી જતું સપનું મને દુવિધામાં મૂકી દે છે : ક્યાંક એવું તો નથીને કે ખરેખર હું હિન્દુસ્તાની હોઉં ને પાકિસ્તાનની કેદમાં ટૉર્ચરથી મારું બ્રેઇન-વૉશ કરાયું હોય અને હવે એ મારો ઉપયોગ મારા જ દેશ વિરુદ્ધ કરવા માગતું હોય!
વળી એ જ કશ્મકશ. આમિરે ગૂંગળામણ અનુભવી.
‘આમિર...’ આયેશાએ તેના ખભે માથું મૂક્યું, ‘સહુ કોઈ તમને આ વર્દીમાં, ફ્રન્ટ પર જોવા માગે છે. ક્યાં સુધી અવઢવમાં રહેશો? જનરલ બેગ ધીરજ ગુમાવે, તમારી બહાદુરી પર સવાલ થાય, હિન્દુસ્તાનીઓના ટૉર્ચરે તમારી ખુમારી છીનવી લીધાનું ચર્ચાતું થાય એ પહેલાં... એ પહેલાં મારા મેહબૂબ, કંઈક એવું કરી દેખાડો કે દુશ્મનની કરોડરજ્જુ ભાંગી જાય!’
આમિરે નસોમાં સળવળાટ અનુભવ્યો. છાતીમાં જુસ્સો ભર્યો. નહીં, હવે મારે મઝધારમાં નથી રહેવું.
તેણે આયેશાનો હાથ હાથમાં લીધો, ચૂમ્યો : મારા મેજર હોવાના અખબારના હેવાલ સહિતના કેટલાય પુરાવા દર્શાવ્યા આયેશાએ, વરસથી મારી ચાકરીમાં પડછાયાની જેમ રહી. હવે હું મારી ભ્રમણા ભાંગું એ જ એનું વળતર. પાકિસ્તાનના મેજર તરીકે દુશ્મનને ધૂળ ચાટતો કરવાનું જ મારું ધ્યેય.
‘ઓહ...આમિર!’ આયેશા તેને વળગી ચૂમવા લાગી, ‘મારા મેહબૂબ! તારા બુદ્ધિબળથી આપણા દુશ્મન દેશનું પાણી ઉતારી દે...’
અને ખરેખર હિન્દુસ્તાનને રગદોળી નાખવું હોય એવા આવેશથી આમિરે આયેશાને ભીંસી દીધી!
lll
અડધી રાતે જનરલ બેગનો પર્સનલ ફોન રણક્યો.
‘હી ઇઝ રેડી.’ સામેથી સંકેતમાં આટલું જ કહેવાયું, પણ આ ખબરથી જનરલ બેગનો ચહેરો ઝળહળી ઊઠ્યો.
કૉલ પતાવી તેમણે પડખે સૂતી બાંદીને સોડમાં ખેંચી.
(ક્રમશઃ)