26 November, 2025 07:22 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘દીકરી તો પારકી થાપણ કહેવાય...’
લતાના કંઠે મઢ્યું આ ગીત સુલોચનાબહેનને હંમેશાં રડાવી જતું.
‘આમાં રડે છે શું કામ, એવું હોય તો મારા માટે ઘરજમાઈ લાવી દેજે, પછી મારી સાસુ ભલે ગાયા કરતી કે મારે તો દીકરો પારકી થાપણ બન્યો!’
દીકરીના ઉદ્ગારે અત્યારે પણ ભીનું મલકી પડ્યાં સુલોચનાબહેન.
કેવી હોશિયાર મારી શ્રાવણી. રૂપનો અંબાર. રૂપાળો તો મારો નયન પણ ખરો, ડાહ્યોય એવો, પણ તેનાથી બે વરસ નાની શ્રાવણી ભાઈથી સાવ ઊલટી. નટખટ ને તોફાની.
મહેતા કુટુંબનાં બાળકો દેશસેવામાં જ જાય એ નાતે નયન આર્મીમાં ગયો તો તેણેય જીદ પકડેલી : હું પણ આર્મી જૉઇન કરીશ...
એ કેવળ દેખાદેખી નહોતી, રૂઢિગત સંસ્કાર હતા. ઘરનું વાતાવરણ પણ એવું. દીકરીને વારવાનો તો સવાલ જ નહોતો, જીવરાજે તેને જાસૂસીનો માર્ગ ચીંધ્યો : આ ફીલ્ડમાં અમે હંમેશાં ફીમેલ ઑપરેટર્સની અછત અનુભવી છે... વાય ડોન્ટ યુ ટ્રાય ઇટ!
બીજું કોઈ હોત તો પતિને વઢ્યું હોત, બાપ થઈ તમે દીકરીને જોખમી કામગીરી અપનાવાનું કહો છો? પણ આ તો સુલોચનાબહેન, જેણે જીવરાજ જેવા સિંહનું પડખું સેવ્યું હોય તે ન પોતે નબળી પડે, ન સંતાનને પડવા દે.
ટ્રેઇનિંગમાં જ શ્રાવણીનું પોત નિખરી આવ્યું. પછી તો મિલિટરીની જાસૂસ તરીકે તેણે દેશ-વિદેશની ધરતી પર સફળતાનો પરચમ લહેરાવ્યો. ચાર વર્ષની કારકિર્દીમાં પછી નહીં ધારેલો વળાંક આવ્યો: બહેનબા પ્રેમમાં પડ્યાં!
વળી આછા મલકાટભેર સુલોચનાબહેન દીકરીની પ્રણયગાથા વાગોળી રહ્યાં :
એ જુવાન પાછો નયનનો
આર્મી મિત્ર.
આમ તો નયન-શ્રાવણીનાં કાર્યક્ષેત્ર અલગ, પણ બને ત્યાં સુધી રજામાં ભેળાં રહેવાય એ રીતે બેઉ છુટ્ટી પ્લાન કરતાં. નયન સાથે ક્યારેક તેનો મિત્ર પણ દિલ્હી આવતો, ઘરે રોકાતો એમાં શ્રાવણી સાથે પ્રણયના અંકુર ફૂટવા સ્વાભાવિક હતા.
મહેતા કુટુંબમાં નાતજાત, ધરમના કે અમીર-ગરીબના ભેદભાવ ન જ હોય, એ છોકરામાં બીજું કહેવાપણું ક્યાં હતું? રૂપાળો તો એવો જાણે પરીકથાનો રાજકુમાર. પાછો આર્મીમૅન એટલે દેશભક્તિથી ઓપતો. હોંશભેર ગોળધાણા ખવડાવી સગપણ પાકું કર્યું. તેની બુદ્ધિગમ્યતાથી જીવરાજ પણ ચકિત થયેલા. તે કહેતા પણ ખરા : તારી પાસે વ્યૂહરચનાનું વિઝન છે.
‘વિઝન!’ શ્રાવણી ચર્ચામાં ડપકું મૂકતી, ‘ડૅડ, હી ઇઝ ક્રેઝી. પાકિસ્તાન માટેનો તેનો ડ્રીમ-પ્લાન સાંભળી મને બે રાત ઊંઘ નહોતી આવી...’
‘બસ, બસ.’ સુલોચનાબહેને રસોડામાંથી દરમ્યાનગીરી કરી, ‘આ તે તમારી ઑફિસ છે કે મારું ઘર? કોઈ મારી ચિંતાનું વિચારો. ગોળધાણા પર જ આપણે અટકી જવાનું છે કે આ બેઉને પરણાવવાં પણ છે?’
‘જોયું ભૈયા? આજ સુધી માવડી પારકી થાપણનાં ગાણાં પર રોતી’તી, હવે પોતે જ દીકરીને હાંકી કાઢવા ઉતાવળી થઈ છે!’
અને સુલોચનાબહેનનું ડૂસકું સરી ગયું.
અમારે તો તમને વાજતેગાજતે પરણાવવાં હતાં, પણ સવા વર્ષ અગાઉ જે બન્યું...
‘મૉમ!’
દીકરાના સાદે તેમણે ઝટ આંસુ લૂછ્યાં.
નયને માતાના ખભે હાથ મૂક્યો, ‘ચિંતા ન કર. સૌ સારાંવાનાં થશે.’
‘જરૂર.’ સુલોચનાબહેને રણકો ઊપસાવ્યો, ‘તું છે, તારા ડૅડી છે, પછી માને શી ચિંતા?’
lll
હવેલીના ખંડની હવાબારીમાંથી દેખાતા ચાંદને તે અપલક નેત્રે નિહાળી રહી.
‘ચાંદ સી મેહબૂબા હો મેરી...’
દૂર ગતખંડની કોઈ ગલીમાંથી આ ગીત ગુંજ્યું ને શ્રાવણીને પોતાના માટે આ ગીત ગણગણનારો સાંભરી ગયો.
ભાઈનો એ ફ્રેન્ડ, ભાઈની જેમ તે પણ મેજર. રાજસ્થાનમાં તેની દૂરની ફૅમિલી ખરી, પણ માવતરના દેહાંત બાદ આમ તે એકલો.
ભારોભાર સોહામણો, મોજીલો, મસ્તીખોર. વેકેશનમાં ઘરે આવે ત્યારે નયનભાઈ કરતાં વધુ મને પૂછે : ચાલ, મૂવીમાં જઈએ... લૉન્ગ ડ્રાઇવ પર લઈ જાઉં...
શરૂ-શરૂમાં શ્રાવણી અચરજ પામતી: મને કેમ પૂછો છો, ભાઈને પૂછોને...
‘તારો ઊંઘણશી ભાઈ પથારી છોડે તો પૂછુંને. કમાલ છે, ભાઈ ઊંઘે છે, બહેન મોંઘી થાય છે. વાહ ભાઈ વાહ, દિલ્હીમાં આવી મહેમાનગતિ થાય છે?’
મોં ફુંગરાવી તેના રિસાવાના અભિનયે શ્રાવણી મલકી પડે: બહુ થયું, આવું છું તમારી જોડે...
અને એ આઉટિંગ ધમાલિયું, યાદગાર બની રહેતું. તેની સંગતમાં શ્રાવણીની શરારત પણ ખીલતી.
પછી તો તેને ઇન્તેજાર રહેતો ક્યારે ભાઈ જોડે તેમનો ભાઈબંધ રજા માણવા ઘરે આવે!
‘યુ મિસ્ડ મી?’ બીજા વેકેશનમાં આવેલો તે કાનમાં ગણગણતો હોય એમ પૂછતો.
‘લો, હું કાંઈ નવરી છું કે માથે પડેલા મહેમાનને યાદ કરતી ફરું!’
શ્રાવણી છણકો જતાવતી ને તે બબડી જતો: ઇન્હીં અદાઓં પર તો હાય અપના દિલ આયા હૈ...
શ્રાવણીથી હસી જવાયું. એ સામું ગણગણી : દિલ તેરા દીવાના હૈ સનમ...
બેઉની નજરો મળી, ઘણુ કંઈ કહેવાઈ ગયું, વહેંચાઈ ગયું.
જતી વેળા તેણે નયનને વિશ્વાસમાં લઈ પિતાજીને કહી દીધું : હું શ્રાવણીને પ્રેમ કરું છું, મને લાયક ગણતા હો તો તમારા રિવાજ મુજબ ગોળધાણા ખવડાવી દો!
સાંભળીને પપ્પા જેવા પપ્પા પણ પળ પૂરતા ડઘાઈ ગયેલા. મમ્મીને જોકે વાર નહોતી લાગી: ઓહો, આવો રૂડો છોકરો મારી શ્રાવણીના નસીબમાં ક્યાંથી! વિચારો છો શું, શુકનનું કવર આપો...
સગપણ નક્કી થયું. પછીના વેકેશનમાં તે આવતા ને ચુંબનોથી મને ગૂંગળાવી મૂકતા, વેલની જેમ હું તેમને વીંટળાઈ જતી.
તે જેટલા પ્રણયપ્રચુર હતા, સૈનિક તરીકે દુશ્મન માટે એટલા જ ખોફનાક. પાકિસ્તાન માટે તેમને હડહડતો ધિક્કાર.
તેમનો એ ડ્રીમ પ્લાન... શિયાળામાં દિલ્હીનું પ્રદૂષણ માઝા મૂકે છે. ટચૂકડા પ્લેન દ્વારા ક્લાઉડ સીડિંગથી કૃત્રિમ વરસાદ લાવવાના સંભવિત પ્રયોગની ચર્ચા એ વખતે પ્રમાણમાં નવી-નવી હતી. એના અનુસંધાનમાં એક વાર તે બોલી ગયેલા: ‘વિમાનને જોઈ મને શું થાય છે, કહું? નાઇન ઇલેવન જેવો અટૅક દુશ્મનની ધરતી પર થવો જોઈએ, અ પ્લેન વિથ ન્યુક્લિયર મટીરિયલ...
અત્યારે પણ આ વિચારે થથરી
ગઈ શ્રાવણી.
ત્યારે પણ પોતે બે રાત સરખું ઊંઘી નહોતી શકી: તેમના ઝનૂનમાં વિકૃતિ તો નથીને! ન્યુક્લિયઅર વેપનનો વિચાર પણ કોઈને કેમ આવવો જોઈએ! હિરોશિમા-નાગાસાકીનું વીતક માનવજાત ભૂલી જ કેમ શકે?
પિતાને કહેતાં તેમણે જુદી રીતે દીકરીને સમજાવેલી: કેવળ આતંક ફેલાવવાના ઇરાદે સામાન્ય બૉમ્બનો પણ ઉપયોગ ન થવો જોઈએ એમ દેશની સીમાની સુરક્ષા માટે, દુશ્મનના ખાત્મા માટે બ્રહ્માસ્ત્ર પણ વાપરવું પડે તો કાળજું થડકે નહીં એ જ સાચા સૈનિકનું લક્ષણ.
ખેર, અમારાં લગ્નની તારીખ ફાઇનલ કરવાની હતી. સવા વર્ષ અગાઉ સિયાચીનની પોસ્ટથી તેમનો છેલ્લો પત્ર આવ્યો: જાણે છે, તું મારા માટે તાપણાનું કામ કરે છે... આપણી સુહાગરાતની કલ્પના કરું છું ને શરીરમાં એવો ગરમાટો ફેલાઈ જાય છે કે હિમાલય પીગળી જાય!
પછી...
શ્રાવણીના ગળે ડૂમો બાઝ્યો: આ પત્ર મળ્યાના ત્રીજા દિવસે ખબર આવ્યા: પાકિસ્તાની ટુકડીએ ઘૂસણખોરી કરી સિયાચીનની પોસ્ટને નુકસાન પહોંચાડ્યું... જવાબી હુમલામાં પાકિસ્તાની સેનાને પાઠ ભણાવતા મેજર દુશ્મન દેશની સીમામાં વિજયકૂચ કરતા ઘૂસ્યા. એ જ વખતે હવામાનના પલટાએ બાજી પલટી નાખી. તેમની સાથેના ત્રણ સૈનિકો બરફવર્ષામાં મૃત મળ્યા છે, પણ મેજરનો કોઈ પત્તો નથી. જોકે ખરાબ હવામાનમાં ફસાયેલા મેજરના જીવિત રહેવાની સંભાવના બહુ પાંખી ગણાય...
આ ખબરે શ્રાવણી થીજી ગયેલી. ક્યાંય સુધી બેહાલ-બેસુધ રહી, આંખો આપમેળે વરસતી રહી. વીતતા દિવસો સાથે મેજરના જીવિત હોવાની આશા ધૂંધળી થતી ગઈ. પાકિસ્તાને પહેલેથી હાથ ખંખેરેલા: અમારી પાસે તમારા સૈનિકની કોઈ ભાળ નથી...
‘મારી લાડો, મારી બહાદુર બચ્ચી!’ સુલોચનામા કાળજું કઠણ રાખી દીકરીને સમજાવતાં : તું તો તારા ભાઈ-પિતાની જેમ દેશની સૈનિક! તને આમ નબળા થવું ન પાલવે. મંગેતરની શહીદી પર આંસુ વહાવી મારું ધાવણ ન લજવ.
એ ઘડીએ શ્રાવણીએ આંખો કોરીધાકોર કરી નાખી, જાતને ડ્યુટીમાં જોતરી દીધી. ભાઈ-પિતાને પણ આનો ગર્વ જ હોય.
-આના ત્રીજા મહિને એવો વળાંક આવ્યો કે પોતે છદ્મ વેશે પાકિસ્તાન આવવું પડ્યું... ફાતિમા તરીકે જનરલ બેગની હવેલીમાં રહું છું અને કોઈને મારા જાસૂસ શું, ભારતીય હોવાની ગંધ નથી એમાં મારી વાહવાહી કરતાં પપ્પાના નેટવર્કને સલામ કરવી પડે.
ખેર, આટલા મહિનાથી રાહ જોતા હતા એ ડેવલપમેન્ટ હવે થયું લાગે છે. ‘હી ઇઝ રેડી’નો મતલબ અમે સમજીએ છીએ એ જ હોય તો ઍક્શનમાં રહેવાનો સમય આવી ગયો!
ઘડી પહેલા મહોબતની કુમાશ હતી એ ચહેરા પર આરપારની લડાઇની દૃઢતા છવાઈ ગઈ.
lll
‘દિલ્હીમાં કૃત્રિમ વરસાદની કવાયત!’
સાંજની વેળા વરંડાની બેઠકે બિઅરનું ટીન ખાલી કરતાં અમસ્તું જ સવારના અખબારનાં પાનાં ફેરવતા મેજર આમિરની નજર આઇટમ-બૉક્સ પર અટકી.
કૃત્રિમ વરસાદ. પર્યાવરણ. ક્લાઉડ સીડિંગ.
-આ બધું સાવ અજાણ્યું કેમ નથી લાગતું?
તેણે કપાળ પર આંગળી ઠપકારી, પણ સ્મૃતિદ્વાર તો તોય ન જ ઊઘડ્યાં!
ઝીણી આંખે આમિરને નિહાળતી આયેશાએ છાપાની ન્યુઝ-આઇટમ પર નજર નાખી: સ્ટ્રેન્જ... કૃત્રિમ વરસાદના ન્યુઝમાં આર્મીમૅનને રસ પડવા જેવું શું હશે?
lll
રાવલપિંડીના ખુફિયા બંકરમાં ઘેરી ખામોશી તોળાતી રહી. બેગ, મુસ્તાક, બિલાવલની ત્રિપુટી ચોથા આમિરને ટાંપી રહી હતી.
ગયા પખવાડિયે પોતાને પાકિસ્તાની માની ચૂકેલા આમિરે દુશ્મન દેશને મહાત કરવાની યોજના ગૂંથવા માંડી હતી. આજે એની ચર્ચાવિચારણા માટે આમિરે બેઠકનો આગ્રહ કરતાં ચારે ગુપ્ત રસ્તે બંકરમાં ભેગા થયા. આમિર શું સૂચવે છે એ જાણવાની ઇન્તેજારી બાકીના ત્રણેના મુખ પર અંકાઈ હતી.
‘તમે આ સમાચાર જોયા?’
આમિરે અખબાર ધર્યું.
‘દિલ્હીમાં કૃત્રિમ વરસાદની કવાયત!’
ન્યુઝપેપરના આંતરરાષ્ટ્રીય પેજ પર છપાયેલી બૉક્સ આઇટમમાં કોઈને રસ ન પડ્યો: આ તો જૂના સમાચાર છે. દુશ્મન દેશનું પાટનગર શિયાળામાં ગૅસ ચેમ્બર જેવું બની જાય છે, એમાં ક્લાઉડ સીડિંગથી કૃત્રિમ વરસાદ આણવાના પ્રયોગનો ફિયાસ્કો થતાં કેવું નાક કપાયું!
‘હં!’ માત્ર હોંકારો પૂરી આમિરે હોઠ વંકાવ્યા, ‘નાઇન ઇલેવન યાદ છે?’
ટેરર અટૅકથી અમેરિકાના ટ્વિન ટાવર ધ્વસ્ત થવાની ઘટના કેમ ભુલાય!
‘બેગ સર, મને એક ન્યુક્લિયર સાયન્ટિસ્ટ, એક જાંબાઝ પાઇલટ જોઈએ.’
‘એમ કહી દેને કે એક અણુબૉમ્બ પણ જોઈએ...’ બેગ નિરાશ થયા, ‘ધિસ ઇઝ સિલી. આપણી પાસે અણુબૉમ્બ છે એની દુનિયાને ખબર છે, ભારતની ભૂતપૂર્વ સરકારો ન્યુક્લિયર વેપનના બ્લૅકમેઇલિંગથી ડરેલી રહેતી, પણ છપ્પનની છાતીવાળો તેમનો PM માથાફરેલો છે. આપણા એક બૉમ્બની સામે તે દસ બૉમ્બ ઝીંકી સર્વનાશ નોતરી દેશે. રાજ ચલાવવા માટે દેશ જ ન રહેવાનો હોય તો ફાયદો શું?’
‘મારી ડિમાન્ડમાં અણુબૉમ્બ છે જ નહીં...’ આમિર મલક્યો.
હવે બેગ ટટ્ટાર થયા.
‘આપણા ન્યુક્લિયર પ્લાન્ટમાંથી રેડિયોઍક્ટિવ વેસ્ટ નીકળતો જ હશે. આઇ નીડ ધૅટ.’
મતલબ... બેગની કાજળઘેરી આંખો ઝીણી થઈ.
‘બોલો, ન્યુક્લિયર વેસ્ટ ધરાવતું ઍરક્રાફ્ટ ઇસ્લામાબાદથી ઉડાન ભરી ઇમર્જન્સી લૅન્ડિંગની આડમાં ભારતના સંસદભવન પર તૂટી પડે એ કલ્પના તમને કેવી લાગે છે?’
બંકરમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ.
(વધુ આવતી કાલે)