વિધ્વંસ: ઐસા દેશ હૈ મેરા (પ્રકરણ ૪)

27 November, 2025 12:54 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

જુમ્માના મુબારક દિને સવારે નવના સુમારે ઇસ્લામાબાદથી ઓમાનની ફ્લાઇટ ટેક-ઑફ કરે છે. આમ તો ભારતની ઍર-સ્પેસ આપણા માટે બંધ છે, પણ ફ્લાઇટમાં યાંત્રિક ખામી સર્જાય તો ઇમર્જન્સી લૅન્ડિંગની સવલત આપવાનો માનવતાનો કરાર છે

ઇલસ્ટ્રેશન

‘બોલો, ન્યુક્લિયર વેસ્ટ ધરાવતું ઍરક્રાફ્ટ ઇસ્લામબાદથી ઉડાન ભરીને ઇમર્જન્સી લૅન્ડિંગની આડમાં ભારતના સંસદભવન પર તૂટી પડે એ કલ્પના તમને કેવી લાગે છે?’

હમ્બગ! આવી વાહિયાત કલ્પના તો શેખચલ્લી પણ ન કરે.

બીજું કોઈ હોત તો બેગ તાડૂકી ઊઠ્યા હોત... પણ જેની માસ્ટરી વ્યૂહ ઘડવાની હોય તેને હસવામાં કેમ કઢાય?

‘તમે જાણતા જ હશો જનરલ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની જેમ ન્યુક્લિયર રીઍક્શનમાંથી પણ હેઝાર્ડ્સ વેસ્ટ –જોખમી કચરો ઉત્પાદિત થતો જ હોય છે જેને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ઍનકૅપ્સ્યુલેશન કરીને નિકાલ કરાતો હોય છે...’

‘બોલતા જાએ આમિર’

‘અણુ-પ્રોગ્રામ ધરાવતી કોઈ કન્ટ્રી-દાખલા તરીકે ઈરાન-માંથી ન્યુક્લિયર વેસ્ટ સ્મગલ થવાના ન્યુઝ પ્રસરે છે, જે હકીકતમાં બન્યું નથી એટલે ઈરાન સ્વાભાવિકપણે ઇનકાર કરશે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું ફોકસ આની તપાસમાં ગોથાં ખાતું હશે ત્યારે...’

આમિર અટક્યો. બેગની કીકીમાં ચમક ઊપસવા લાગી.

‘જુમ્માના મુબારક દિને સવારે નવના સુમારે ઇસ્લામાબાદથી ઓમાનની ફ્લાઇટ ટેક-ઑફ કરે છે. આમ તો ભારતની ઍર-સ્પેસ આપણા માટે બંધ છે, પણ ફ્લાઇટમાં યાંત્રિક ખામી સર્જાય તો ઇમર્જન્સી લૅન્ડિંગની સવલત આપવાનો માનવતાનો કરાર છે. આપણી આ ફ્લાઇટમાં એન્જિનની યાંત્રિક ખામી સર્જાતાં ઉતરાણ કરવું ફરજિયાત બને છે અને માનવતાના ધોરણે આપણી આ ફ્લાઇટને દિલ્હી ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગની પરવાનગી મળી જાય છે.’

કોઈ દિલધડક ફિલ્મની પરાકાષ્ઠાનું દૃશ્ય નજર સમક્ષ ઊપસતું હોય એમ બેગ તંગ થતા ગયા.

‘ફ્લાઇટના રૂટ-ચેન્જથી પૅસેન્જરોમાં ડરનો માહોલ છે. લૅન્ડિંગ માટે પ્લેન નીચે ઊતરતું જાય છે એમ પાટનગરની ઇમારતો દેખાવા માંડે છે. ફફડતા હોઠે સૌ ખુદાને પાર ઉતારવાની બંદગી કરતા હોય છે ત્યારે પાઇલટની કૅબિનમાં એ પળ આવી ગઈ છે. અગાઉ બોઇંગના વિમાનમાં ગુજરાતમાં બનેલું એમ બીજું એન્જિન પણ ફેલ થતાં પાઇલટ ‘મે-ડે’નો કૉલ નાખી પ્લેનને સંસદભવન તરફ વાળે છે અને ગણતરીની મિનિટમાં એ પાર્લમેન્ટ બિલ્ડિંગ સાથે અથડાઈને ફાટી પડે છે.’

નજર સામે વિધ્વંસની દુર્ઘટના ઘટી હોય એવી સ્તબ્ધતા ગુપ્ત મંત્રણામાં છવાઈ ગઈ.

‘બ્લાસ્ટ સાથેના અગનગોળામાં પ્લેનના કાર્ગો સેક્શનમાં રહેલો ન્યુક્લિયર વેસ્ટ સળગે છે અને એના કિરણોત્સર્ગથી દેશની રાજધાની તબાહ થઈ જવાની...’

બાકીના ત્રણે હજુ ય અવાક હતા.

‘આખી ઘટનામાં પાકિસ્તાનની ક્લીન-ચિટ માટે બોઇંગની યાંત્રિક ખામી જેન્યુઇન પુરવાર થવી જોઈએ અને પૅસેન્જરના લિસ્ટમાં ઈરાનના નાગરિકની હાજરી હોવી જોઈએ. પછી આપણે હાથ ખંખેરીને કહી શકીએ કે ઈરાનમાંથી ન્યુક્લિયર વેસ્ટ સ્મગલ થવાનું જગજાહેર છે, ફલાણો આદમી વાયા પાકિસ્તાન ઓમાન પહોંચી વેસ્ટ કોને ડિલિવર કરવાનો હોય એ કોણે જાણ્યું? એ બને એ પહેલાં પ્લેનમાં યાંત્રિક ખામી સર્જાઈ અને એ સંસદભવનના નો ફ્લાય ઝોનમાં તૂટી પડ્યું એ સરાસર કમનસીબ, બીજું શું! જરૂર લાગે તો ઇસ્લામાબાદ ઍરપોર્ટના એક-બે કસ્ટમ્સ ઑફિસર્સને શહીદ કરી દેવાના : આ લોકોએ લાંચ લઈને પ્લેનમાં લગેજ પસાર થવા દીધો એનો પસ્તાવો વ્યક્ત કરીને સુસાઇડ કરી લીધુ....’

‘હં!’ ઘણી વારે બેગના હોઠ ઊઘડ્યા : લોકશાહીનો આત્મા ગણાતી સંસદના નાશ સાથે દુશ્મનના પાટનગરનો વિનાશ - વૉટ અ પ્લાન!’

બેગે મંત્રણા-ટેબલ પર થાપ મારી : લેટ્સ સ્ટાર્ટ વર્કિંગ ઑન ઇટ.

આમિર ઝળહળી ઊઠ્યો.

બેગની બાજીમાં પોતાનું સ્થાન પ્યાદાથી વિશેષ નથી એની તેને ક્યાં ખબર હતી?

lll

‘આખરે આપણો દાવ ફળ્યો.’

જનરલ બેગના વાક્યે મુસ્તાક-બિલાવલની આગતા-સ્વાગતા કરતી નગમાના કાન સરવા થયા.

સામાન્યપણે હવેલીના મંત્રણાખંડમાં નોકરવર્ગને પ્રવેશની પરવાનગી નહોતી. નગમાએ પણ જોઈતું-કારવતું હાજર કરીને નીકળી જવાનું રહેતું. મંત્રણાનો માહોલ સમજવા આટલું પૂરતું હતું. બાકીનો ક્યાસ શયનખંડમાં મળી જતો.  

‘બિચારો આમિર! પોતે પોતાના જ દેશ વિરુદ્ધ માસ્ટર પ્લાન આપી દીધો એની તેને ભનક સુધ્ધાં નહીં હોય!’

બેગના પોરસમાં બિલાવલ-મુસ્તફાએ સુર પુરાવ્યો.

ગમે તે કહો, વિધ્વંસનો પ્લાન મળ્યો બેગના આમિરને પ્યાદાની જેમ વાપરવાના સુઝાવે!

સવા વરસ અગાઉ સિયાચીનના રસ્તે અમારી સેનાએ ઘૂસણખોરી કરી. જવાબમાં આક્રમણનો મારો ચલાવીને મેજર આમિર પોતાની ટુકડી સાથે અમારા સૈનિકોનો ખાતમો બોલાવતો તળેટી સુધી પહોંચી જાત, પણ અમારા સદ્નસીબે વાતાવરણે એકાએક પલટો લેતાં જોરદાર હિમવર્ષામાં તેની ટુકડી નાશ પામી, પણ તોફાન ઓસરતાં આમિર અમને બેભાન મળ્યો. પહેલાં તો પાકિસ્તાની ફોજે તેના પર સિતમ ગુજારવામાં બાકી ન રાખ્યું. તોય ત્રીજા મહિને લાગ જોઈને તે છટક્યો, ફરી સરહદ સુધી પહોંચ્યો; પણ બૉર્ડર ક્રૉસ કરે એ પહેલાં અમારા સૈનિકે ગોળીબાર કરતાં આમિર ઉપરથી નીચે પછડાયો...

માથાની જાને કારણે તેને કશું યાદ નહોતું. બેગના વિશ્વાસુ ડૉક્ટર ઉસ્માને મેમરીલૉસ પર મહોર મારતાં બેગને જ સૂઝ્યું : મેજર આમિર વ્યૂહરચના ઘડવામાં એક્સપર્ટ હોવાનું મને જણાવાયું છે, શા માટે તેના બુદ્ધિબળનો તેના જ દેશ વિરુદ્ધ ઉપયોગ ન કરવો!

‘આમાં એક જ જોખમ છે...’ ઉસ્માને પોતાની ફરજ સમજીને ચોખવટ કરેલી : પોતે પાકપહેરામાંથી છટકી રહ્યાનું સપનું તેને હજી પજવી જાય છે, પોતાની મેહબૂબાની ધૂંધળી સૂરત પજવે છે. કોઈ દવાથી એને ઇરેઝ કરવું સંભવ નથી, શૉક ટ્રીટમેન્ટમાં તે માનસિક સંતુલન સદંતર ગુમાવી બેસવાનો ડર છે. સો ભૂતકાળની કોઈ પહેચાન સામે આવે તો પાંપણના પલકારામાં તેની યાદદાસ્ત પાછી આવે એ શક્યતા સાવ નકારી શકાય નહીં...

‘નૉનસેન્સ!’ બેગ સહેજ તપી ગયેલા, ‘પાકિસ્તાનમાં રહ્યે તેની મેહબૂબા ઓછી સામે આવવાની! વી નીડ ઇન્ટેલિજન્ટ બ્રેઇન, ડૉક!’ 

પછી કોઈએ કંઈ બોલવાનું ન રહ્યું.

અને આમિરને પાકિસ્તાની ઠેરવવું સરળ એટલા માટે હતું કે તે મુસ્લિમ હતો, એટલે પણ સુન્નતના નિશાનથી માંડીને ભાષાનું જ્ઞાન ઉપજાવવું કે રોપવું ન પડ્યું. આયેશાએ તેની પત્નીની ભૂમિકા ભજવવામાં કસર ન છોડી. અખબારનાં કટિંગ્સ કે બચપણની તસવીરોની બનાવટ પકડાય એવી નહોતી. છતાં ભૂતકાળની કડી જેવા સમણાને કારણે પોતાના પાકિસ્તાની હોવાના સ્વીકારમાં આમિરે સમય લીધો, પણ પછી આયેશાએ ‘હી ઇઝ રેડી’નો સંદેશો આપ્યો ત્યારે ઇંતેજારનો અંત આવ્યો. અને લાગે છે ઇટ વૉઝ ઑલ વર્થ!

‘આ બહુ રૉ પ્લાન છે, આમિરે એમાં માઇક્રો-લેવલે કામ કરવું પડશે... ગિવ હિમ ફુલ લિબર્ટી ઍન્ડ સપોર્ટ.’ સૂચના આપીને બેગ ખંધું મલક્યા, ‘મારા ખ્યાલથી દિલ્હીની ટ્રૅજેડી પછી ભારતના સંભવિત હુમલાને ધ્યાનમાં લઈને સેનાનો જનરલ દેશનો કન્ટ્રોલ લઈ લે એ જસ્ટિફાય ગણાયને!’

-અને મંત્રણાખંડના પડદાની આડશથી તેમની ચર્ચા સાંભળીને કાવતરું જાણી ચૂકેલી નગમા પોતાની હાજરી વર્તાય એ પહેલાં જનાનખાના તરફ સરકી ગઈ. તેનાં પગલાં સાથે પાકિસ્તાનની મહારાણી બનવાનું સપનું પણ હરણફાળ ભરી રહ્યું હતું!

lll

મારા મેહબૂબ!

ફાતિમા તરીકે બંદગી કરતી શ્રાવણીની દુઆમાં તો આમિર જ હતો.

સવા વરસ અગાઉ સિયાચીન બૉર્ડરનું ધીંગાણુ જીતીને આમિરની ટીમ પાકની સીમામાં ઘૂસતી ગઈ એમાં અલ્ટિમેટલી ખબર તો એવા જ આવ્યા કે અન્ય સાથીઓ ભેગો આમિર પણ શહીદ જ થયો, ભલે તેની લાશ નથી મળી.

તેની શહીદીને સન્માનીને શ્રાવણીએ જાતને ડ્યુટીમાં જોતરી દીધી અને ત્રીજા મહિને...

‘હી ઇઝ અલાઇવ.’

આખરે પિતા જીવરાજસિંહે જ ભાળ મેળવીને ઘટસ્ફોટ કર્યો.

પાક પહેરામાંથી નાસવાના પ્રયાસમાં આમિર યાદશક્તિ ગુમાવી બેઠા છે, રાવલપિંડીની હૉસ્પિટલમાં ઍડ્મિટ આમિરને એવું ઠસાવાઈ રહ્યું છે કે તે પાક સેનાનો બહાદુર જવાન છે અને ‘બેગમ’ આયેશાનો ખાવિંદ છે!  જાણીને શ્રાવણીએ હોઠ કરડેલો.

બેગના સકંજામાંથી આમિરને ઉડાવી લાવવો બીજા માટે અસંભવ ગણાય, જીવરાજસિંહ માટે નહીં.

અને છતાં આમિર થનારો જમાઈ હોવા છતાં જીવરાજસિંહને એની ઉતાવળ કે અધીરાઈ નહોતાં. પિતાનું દૂરંદેશીપણું શ્રાવણીને ત્યારે પરખાયું : બેગ આમિરને પ્યાદા તરીકે વાપરવા માગે એનો એક અર્થ એ કે આમિરના જીવને તત્કાળ કોઈ જોખમ નથી... ખરી મજા એમાં છે કે આમિર જે કોઈ પ્લાન બેગ માટે બનાવે એને અનુસરતા રહી, છેલ્લી ઘડીએ પાસો પલટી બેગને ધરાશાયી કરીને આમિરને છોડાવી લાવીએ તો એક કાંકરે કેટલા શિકાર થયા ગણાય!

જીવસટોસટના મિશનમાં શ્રાવણીએ ભાગીદારી માગી અને જીવરાજસિંહે તેને પ્લાનમાં સામેલ કરી પણ ખરી - તેમની દીકરી તરીકે નહીં, પણ શ્રાવણી મિલિટરીની નીવડેલી જાસૂસ હતી માટે. અલબત્ત, પાકિસ્તાન જવાનો આ પહેલો અવસર હતો.  

ટર્કીના (બનાવટી) પાસપોર્ટ પર તે ઇસ્લામાબાદ ઊતરીને છેવટે રસૂલના પાડોશમાં વિધવા, લાચાર ફાતિમા તરીકે ગોઠવાઈ ત્યાં સુધીમાં પિતા જીવરાજસિંહે દુશ્મન દેશમાં કેવું કાતિલ નેટવર્ક જમાવ્યું છે એનો ખ્યાલ આવતો ગયો શ્રાવણીને.

પાકિસ્તાનમાં અન્ડરકવર તરીકે રહેતો અવ્વલ કક્ષાનો જાસૂસ નીલાંબર ‘મિશન એસ્કેપ’નો ઇન્ચાર્જ હતો. વેશપલટામાં નિષ્ણાત. આ ઑપરેશન માટે મેહમૂદના નામે કુરિયર કંપનીમાં ગોઠવાયેલો તે લાહોરથી રાવલપિંડી અને ઇસ્લામાબાદ સુધી ફરતો રહીને મિશનનાં મૂળિયાં મજબૂત કરતો હતો અને પોતે રસૂલની બીવી જોડે સખીપણા બાંધીને લાચારી રડતી રહી : તારા ખાવિંદને કહીને મને કોઈ નોકરી અપાવી દે તો જેમતેમ આ જન્મારો વીતે!

ઍન્ડ ઇટ વર્ક્ડ! રસૂલના રસ્તે પોતે બેગની હવેલીમાં પ્રવેશીને નગમાની વિશ્વાસુ બની ગઈ... જુમ્માના દિવસે પીરબાબાની મજાર પર ચાદર ચડાવવાના બહાને ત્યાંના ફૂલવાળા અબ્દુલ સાથે સંદેશની આપ-લે કરી દેવાની રહેતી. પકડાવાની નોબત આવે તો સાઇનાઇડ ગળી જવાની સ્પષ્ટ સૂચના દરેક જાસૂસને આવા મિશન પહેલાં આપી જ દેવાતી હોય છે.

શ્રાવણીનું મન આમિરને જોવા વ્યાકુળ બનતું. મજારે કે પછી પોતે બજારમાં ખરીદીએ નીકળી હોય ત્યારે તે પણ ક્યાંક ભટકાઈ જાય એવી તમન્ના રહેતી, પણ એવું બન્યું નહીં.

છતાં નીલ તરફથી અબ્દુલના રસ્તે સંકેતમાં અપડેટ મળી જતું : બેગની ટીમ આમિરને તે પાકિસ્તાની છે એ ઠસાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે... આયેશા બિલાવલની માનીતી જાસૂસ છે. પાકિસ્તાનના કબજામાંથી છટકી સીમા સુધી પહોંચવાની ઘટના આમિરને સપનામાં પડઘાય છે... તેને માશૂકાનો ધૂંધળો ચહેરો દેખાય છે... બસ, એટલે તે પોતાના મૂળની દુવિધામાં છે...

-આમાં છેવટે બેગને ‘હી ઇઝ રેડી’ નો સંકેત મળે છે એનો ભેદ નગમા ભલે ન સમજી, પણ અમે ધાર્યું એમ હી એટલે આમિર અને તેના રેડી હોવાનો મતલબ એ કે તેમણે પોતાને પાકિસ્તાની સ્વીકારી લીધો.. ‘અર્જુન’ના કોડવર્ડે સંદેશો સીમાપાર પહોંચી ચૂક્યો છે.

હવે જોવાનું એ છે કે આમિર બેગને કઈ વ્યૂહરચના આપે છે!

ત્યારે શ્રાવણીને જાણ નહોતી કે એ ભેદ નગમાના કાનો સુધી પહોંચી ચૂક્યો છે!

lll

‘બેગ ન્યુક્લિયર વેસ્ટવાળું પ્લેન ભારતના સંસદભવન પર ક્રૅશ કરાવીને પાકિસ્તાનમાં તખ્તાપલટો કરવાના છે, આખી વ્યૂહરચના મેજર આમિર ઘડે છે, તે પાછો ઇન્ડિયાનો જ છે...’

નગમાએ થનારા વિધ્વંસમાં પોતાનો સ્વાર્થ જ જોયો : અહી બેગ સર્વસત્તાધીશ બને ત્યારે તેમના પડખે તો હું જ હોઈશ! મલિકા-એ-પાકિસ્તાન!

ફાતિમાથી એ હરખનું મૂળ ઓછું છૂપું રહે! બીજી સવારે મસાજ કરતાં તેણે ભેદ જાણીને નગમા સામે ઉમળકો દાખવી પોતાના મતલબનું કહી દીધું : દુઆ માટે હું આજે જ પીરબાબાની મજારે જવાની!

પણ એકલા પડતાં પાંપણે બે બુંદ જામી : ખરેખર તો ઇસ્લામાબાદના પાર્લમેન્ટ હાઉસ પર ન્યુક્લિયર અટૅકનું ડ્રીમ ઑપરેશન આમિરની ભીતર સચવાયેલું રહ્યું જ હોય એ હવે પોતે પાકિસ્તાની હોવાનું સ્વીકારાતાં ભારતની સંસદ માટે સપાટી પર આવી ગયું!

-આનો બીજો અર્થ એ કે આમિરની મેહબૂબાના ધૂંધળા ચહેરાએ આરપાર થવાનો વખત પણ આવી ગયો... એ ઘડીના પરિણામ પર ઑપરેશન વિધ્વંસ સાથે આમિરની જિંદગીનો ફેંસલો પણ લખાઈ જવાનો!

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff